Speechless Words - 17 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words - 17

|| 17 ||

પ્રકરણ 16 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ રાજવીને તો આદિત્ય પોતાના નંબર આપી નથી શકતો. દસમા ધોરણનું વેકેશન શરૂ થાય છે અને આ વેકેશન આદિત્ય માટે જાણે રોમાન્સની ઋતુ બની જાય છે. આદિત્ય પોતાની સોસાયટીના છોકરાઓનો પરિચય કરાવે છે અને ત્યારબાદ શરૂ થાય છે મિક્સ મસાલેદાર લવસ્ટોરી. હવે આ લવ સ્ટોરીમાં શું છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

દસમા ધોરણનું વેકેશન ચાલતું હોવાથી અમારી ઉંમર 16 વર્ષની હતી અને ચીંટૂ, ભોલો, ગોવિંદ આ બધા અમારા કરતાં ઉંમરમાં મોટા હતા. હું સન્ની અને ટીનુ એક જ ક્લાસમાં પ્રાથમિક સુધી ભણ્યા પણ ત્યારબાદ સન્નીએ સાતમાથી સ્કૂલ બદલાવી તો મેં આંઠમાં ધોરણથી બદલાવી અને અમે ત્રણેય અલગ થઈ ગયા. મિત્રતા તો આજે પણ પહેલા જેવી જ છે પણ મળવાનું બહુ ઓછું થાય. આ સન્ની આજે લાઇટિંગની એક કંપનીનો માલિક છે તો આ ટીનુ એટલે કે કુમારપાલ સિંહ ગુજરાતનાં એક જાણીતા રાજકારણી છે. ભોલાને ફોટોગ્રાફી સ્ટુડિયો છે અને ચીંટૂ કન્સ્ટ્રક્શન સંભાળે છે અને ગોવિંદને સાઉથમાં ચેન્નઈમાં બહુ જ મોટું રેસ્ટોરન્ટ છે.

દસમા ધોરણના વેકેશનમાં સ્કૂલ તરફથી ‘મનાલી ટ્રેકીંગ કેમ્પ’ નું પણ આયોજન થયું હતું પણ મારા પિતા ફી ભરી શકે એમ ના હોવાથી મેં જવાનું ટાળ્યું. દસમા ધોરણના વેકેશનમાં પણ મારા ક્રશની કોઈ લિમિટ નહોતી. હું સન્નીની કામચલાઉ ગર્લફ્રેન્ડ નિશાનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો અને સમય જતાં નિશા મને પ્રેમ કરવા લાગી પણ મેં ના કહી દીધી. નેહા નામની એક છોકરી મને બહુ જ ગમતી હતી પણ પ્રપોઝ કરતાં તેણે મને ના પાડી. સન્ની મારો લંગોટિયો યાર. આજે અહીં ગુજરાતથી દૂર હોવા છતાં આવડી ઉંમરે પણ હું એવું વિચારું છું કે ક્યારેક સન્ની સાથે જઈને નીલકંઠવાળા સ્વિમિંગ પૂલમાં બે - ત્રણ ધુબાકા મારી લઉ. ખેર છોડો આગળ વધીએ આ સન્નીના ઘરની બહાર અમે બધા મિત્રો દરરોજ ભેગા થતાં. સન્નીના ઘરની સામે જ ભારતી આંટીનું ઘર હતું અને સન્નીને અડીને મારૂ ઘર એટલે કે મારા કાકાનું ઘર મારૂ જૂનું ઘર કહી શકો. આ ભારતી આંટી ટ્યુશન ચલાવતા. અઠવાડિયામાં ચાર – પાંચ વખત તેઓ શ્રીફળ વધેરતા. હવે શું કામ વધેરતા એ તો ખબર નથી પણ હા શ્રીફળ વધેરીને થોડી શેષ તેઓ પોતાના વિધ્યાર્થીઓમાં વહેંચતા તો થોડી બહાર અમે બધા બેઠા હોય ત્યાં આવીને વહેંચતા. ભારતી ટ્યુશન પણ ઓલા ભવ જેવુ કરાવતા. ભણાવતા જાય અને સાથે સાથે ઘર કામ અને શાક સુધરતા જાય. બ્લૂ કલરનો ઊંચો એવો પ્લાસ્ટિકનો પાટલો હતો, તેના પર બેસીને ભરતી આંટી ભણાવતા. ભારતી આંટીના ટ્યુશનમાં પણ જાણે કોઈ બહુ મોટી કંપનીની ફ્રેંચાયઝી હોય તેમ અલગ અલગ શિફ્ટ રાખી હતી. ભારતી આંટીના ટ્યુશનમાં એક છોકરી આવતી નામ હતું ‘દ્રષ્ટિ’. આ દ્રષ્ટિ મારાથી ઉંમરમાં એક વર્ષ નાની હતી પણ મને બહુ ગમતી.

દરરોજ બપોરે 4:30 થી સાંજે 6:00 વાગ્યાની બેચમાં દ્રષ્ટિ આવતી. સન્નીભાઈ પણ આ જ બેચમાં જતાં અને સન્ની પણ આ જ બેચમાં જતો. હું ટ્યુશનની સામે જ સન્નીના ઘરની બહારના ઓટલા પર બેસતો. ભારતી આંટી એટલા કંજૂસ હતા કે પોતાના ઘરની લાઇટ ચાલુ રાખવાને બદલે પોતાના ઘરનો ડેલી ખુલ્લી રાખતા. ટ્યુશનમાં ઘણા વધારે વિધ્યાર્થીઓ આવતા અને બેન્ચ જેવી કોઈ સગવડતા નહોતી. આથી બધા વિધ્યાર્થીઓને નીચે બેસીને ભણવું પડતું. દ્રષ્ટિ ટ્યુશનના કોર્નર પર બેસતી આથી હું તેને અને તે મને બરાબર જોઈ શકતા. દ્રષ્ટિ દરરોજ મને સ્માઇલ આપતી. સોળ વર્ષની ઉંમરમાં કોઈ છોકરી સ્માઇલ આપે એટલે કેવું ગમે હેં ?

ભારતી આંટીના ટ્યુશનમાં ભણવાની ઓછી પણ આજુબાજુની વાતો વધારે થતી. જેમ કે નિર્મળાઆંટીએ આજે શેરીમાં હેંઠવાડ વધારે નાખ્યો હતો, કાંતાબેને આજે પાણી વધારે છાંટ્યું હતું, કૌશિકભાઈ આજે પોતાની પત્નીના બદલે પોતે શાક લેવા આવ્યા હતા વગેરે. હું તો દરરોજ મસ્ત સાડા પાંચ વાગ્યે સાંજે જ સન્નીના ઘરે જતો, સન્ની ટ્યુશનમાંથી છ વાગ્યે છૂટતો પણ મારે તો દ્રષ્ટિને જોવી હોય ને એટલે હું બહુ જ વહેલો પહોંચી જતો હા દ્રષ્ટિના આવવાની કલાક પછી જ પહોંચતો અને તેનું કારણ એ કે મને ઊંઘ કર્યા વિના ના ચાલે એટલે. વેકેશન તો મારા બીજા બધા ફ્રેન્ડ્સને પણ હતું પણ.. એ બધા બીજી બધી રમતો રમવામાં વ્યસ્ત રહેતા પણ મને રમવામાં નહીં જોવામાં રસ હતો. શું ? એ તો તમે જાણો જ છો.

રાજકોટમાં આ સમયે બધા પાસે બહુ કેમેરવાળા મોબાઇલ નહોતા આથી આઉટડોર ગેમ્સ બહુ જ રમતા જેવી કે ડબલા ડૂલ, થપો દા, ના ગોલ વગેરે. હું પણ આ બધી રમતો રમવાનું પસંદ કરતો પણ સાડા છ વાગ્યા પછી જ. ખબર નહીં પણ એક વખત દ્રષ્ટિ 6:30 વાગ્યે છૂટી એટલે મને લાગ્યું કે દરરોજ 6:30 વાગ્યે જ છૂટશે. હું દરરોજ ત્રાંસી નજરે દ્રષ્ટિ સામે જોયા કરતો અને દ્રષ્ટિ પણ લખતા લખતા અવારનવાર ત્રાંસી નજરે મને જોયા કરતી. દ્રષ્ટિ નવમા ધોરણમાં હતી અને હું દસમા ધોરણની પરીક્ષા આપેલો વિધ્યાર્થી. મેં કહ્યું એમ આકર્ષણ એક એવી વસ્તુ છે કે જે નાની ઉંમરથી જ શરૂ થાય છે. દ્રષ્ટિ ઉંમરમાં ભલે નાની હતી પણ મગજથી બહુ જ શાર્પ હતી. દરરોજ મસ્ત તૈયાર થઈને આવતી. દ્રષ્ટિ દૂબળી જરૂર હતી પણ શરીરનો બાંધો એટલો મસ્ત કે બસ એને જ જોયા કરવાનું મન થાય. દ્રષ્ટિ પર ડ્રેસ હોય કે જીન્સ ટોપ બધા જ કપડાં સારા લાગતાં અને એમાય બ્લેક ટોપ (નેટ અને ફૂલની ડિઝાઇનવાળું) અને સ્કાય બ્લૂ જીન્સ તો અફલાતૂન લાગતું. ટ્યુશનમાં બેઠા બેઠા મારી સામું જોવે અને ક્યારેક મારૂ ટી-શર્ટ તેને ગમી જાય અને ‘મસ્ત’નો ઈશારો કરે ત્યાં તો મજા આવી જાય. પછી પૂરું ગાડી પાટા પરથી ઉતરે જ નહીં. ક્યારેક દ્રષ્ટિ મારી સામું જોવે તો હું નજર નીચી કર્યા વગર મારી દ્રષ્ટિ તેના પર ટકાવી રાખતો અંતે તેને નજર ઝુકાવી પડતી. કેવી મસ્ત હતી મારી લવસ્ટોરી. પણ.. એવું કહેવાય છે ને કે દરેક લવસ્ટોરીમાં એક ટ્વીસ્ટ હોય છે. મારી લોવેસ્ટોરીમાં પણ આવ્યો એક બહુ જ મોટો ટ્વીસ્ટ.

નસીબ મારા પહેલેથી જ વિચિત્ર હતા. દ્રષ્ટિના પિતા શેરબજારના બહુ મોટા ઇન્વેસ્ટર હતા. ચઢતી અને પડતી માણસના જીવનના બે મુખ્ય પડાવ હોય છે. દ્રષ્ટિના પિતાએ આશરે પાંચ કરોડની પ્રોપર્ટી શેરબજારની ટોપ 10 કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી હતી. વર્ષ 2008માં વૈશ્વિક મંદી આવી અને જેના કારણે સેન્સેકસમાં બહુ જ મોટો કડાકો થયો અને નીફ્ટી તળિયે પહોંચી ગયું. આ વાતની સૌથી મોટી અસર ભારતમાં થઈ. પરિણામે દુનિયાની ટોપ 10 કંપનીઓના ભાવ ટોચ પરથી તળિયે પહોંચી ગયા. આ વાતથી દ્રષ્ટિના પિતા ખૂબ જ ચિંતિત હતા. પરંતુ આ વાતની અસર પોતાના કુટુંબ સુધી ના પહોંચે તે હેતુથી તેને ઘરમાં જાણ કરી નહીં.

( મારી નોવેલનું નામ ‘સ્પીચલેસ વર્ડ્સ’ રાખવાનું કારણ જ એ છે કે આ નોવેલમાં બધુ જ એવું છે કે જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ અથવા તો સમુદાયને અમુક કારણોસર કહી ના શક્ય હોય )

શેરબજારમાં હારી ગયા બાદ દ્રષ્ટિના પિતાને પોતાનો આલીશાન બંગલો વેચવાની ફરજ પડી. મકાન વેચીને જતું રહેવું પડ્યું. ક્યાં ગયા ? ખબર નથી. આજે પણ હું એ બાંગલા પાસેથી પસાર થાવ છું ત્યારે દ્રષ્ટિની એ આંજણથી ભરેલી આંખો યાદ આવે છે. હું તો બસ તેને નામથી ઓળખતો હતો. અરે ! મેં તો તેનો અવાજ પણ સાંભળ્યો નથી. મારી પાસે તો મોબાઇલ પણ હતો. પણ વાત કેવી રીતે કરવી ? આ બધી માહિતી તો મને સન્નીએ આપી. કારણ કે દ્રષ્ટિએ ટ્યુશનમાં આવવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસ તો મને એમ થયું લગ્નમાં ગઈ હશે પણ દસ દિવસ થયા પછી મેં સન્નીને પૂછ્યું ત્યારે સન્નીએ મને પૂરી વાત કરી. થોડા દિવસ મને પણ મજા ના આવી પણ પછી મેં મારૂ મન રમવામાં વ્યસ્ત કરી દીધું. જિંદગી ફરીવાર રાબેતા મુજબ થઈ ગઈ.

દ્રષ્ટિના ગયા પછી હું પણ એવા લોકોમાંથી હતો જે સેડ સોંગ્સ વગાડ્યા કરે. હું પણ આખો દિવસ સાંભળ્યા કરતો. ઘણીવાર તેના ઘર પાસેથી સાઇકલ લઈને નીકળતો ત્યારે પણ તેના ઘરની સામું જોયા કરતો. કદાચ આવી ગયા હોય. દુ:ખ કોઈ બીજાનું હતું પણ રડવું મને આવતું હતું. પ્રેમ હતો કે આકર્ષણ મને નહોતી ખબર પણ મને તો તે આમ જ ગમતી હતી. મને તો એ પણ નહોતી ખબર કે હું એને ગમુ છું કે નહીં ? એક પ્રકારનો અંત વગરની આ સ્ટોરી અહીંયા જ પૂરી થઈ. હવે, દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું. અમારા વખતે છેલ્લી વાર પર્સેંટેજ સિસ્ટમ હતી. મારે 82 ટકા આવ્યા હતા. હું બહુ જ ખુશ હતો. સવારે જ કાકાનો ફોન આવી ગયો કારણ કે નેટ ત્યારે કોઈ પાસે નહોતા. કાકાની ઓફિસમાં હતું આથી તેમણે ફોનમાં જ મને કોંગ્રેચ્યુલેશન વિશ કરીને પેંડા મગાવવા કહ્યું. ખુશી અને હરખનો કોઈ પાર ન હતો. મારે ડિપ્લોમા એન્જીનિયરીંગ કરવાનું હતું. આ વાત તો નક્કી હતી. હવે, ડિપ્લોમા એન્જીનિયરીંગ કઈ બ્રાન્ચમાં કરવું એ કઈ ફિક્સ ન હતું. આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ.

રિઝલ્ટ આવ્યા પછી આપણાં કરતાં આપણાં રીલેટીવ્સને વધારે ચિંતા હોય છે. મને ખબર છે આવું આપણે ત્યાં બહુ જ થાય છે. મારા કેસમાં પણ આવું જ હતું. આખી દુનિયાના સગા સંબંધીઓની ચિત્ર વિચિત્ર સલાહ લીધા બાદ મારે ડિપ્લોમા કમ્પ્યુટર એન્જીનિયરીંગમાં એડમિશન લેવાને બદલે માત્ર લોકોના કહેવાથી મારૂ એડમિશન ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જીનિયરીંગમાં ફાઇનલ થયું.

સમય વધુ પસાર થયો અને પપ્પાના એક મિત્ર વર્તુળ આયોજિત એક પિકનિકમાં મારે જવાનું થયું. આ સમય હતો કે જ્યારે મારૂ ડિપ્લોમા એન્જીનિયરીંગનું બીજું સેમેસ્ટર ચાલતું હતું. નવેમ્બર મહિનો હતો અને 2010ની સાલ હતી. આ પિકનિકના આગલા દિવસ સુધી મારૂ પિકનિકમાં જવાનું નક્કી જ હતું પણ આગલા દિવસે પપ્પા અને તેના મિત્ર રાજુભાઇ જેમની સાથે અમારે પિકનિકમાં જવાનું હતું એ બંને વચ્ચે થોડો ઝઘડો થયો. મારૂ પિકનિકમાં જવાનું ખૂબ જ મન હતું પણ બસ આ જ કારણે પપ્પાએ કહ્યું આપણે કાલે પિકનિકમાં નથી જવું તું સવારે તારા ટ્યુશનમાં જતો રહેજે. હું સવારે વહેલો ટ્યુશનમાં જતો રહ્યો. હવે રાજુકાકા મારા પપ્પા વિના એક કામ ના કરે. ભલે મારા પપ્પાને ખોટું લાગ્યું હોવા છતાં રાજુકાકા સવારે ફૂલ ફેમિલી અમને તેડવા ઘરે આવી ગયા. મને ફોન આવ્યો કે ઘરે આવીજા આપણે પિકનિકમાં જવાનું છે. ફટાફટ ટ્યુશનમાંથી બીમારીનું બહાનું કાઢીને હું નીકળી ગયો. ઘરે આવીને તૈયાર થઈને અમે નીકળ્યા પિકનિકમાં.

લાઈફમાં કોણ ક્યારે મળી જાય ? મારી સાથે પણ એવું જ થયું. આ પિકનિકમાં મને એક બ્યુટીફૂલ છોકરી મળી. તે મારાથી બે વર્ષ મોટી હતી. આમ છતાં એક જ દિવસ અમે સાથે રહ્યા હોવા છતાં તે મને બહુ જ ગમવા લાગી. ચાલો શરૂ કરીએ ત્યારે....

સૌથી પહેલા અમે એક મંદિર ગયા, અમારે જમવાનું પણ ત્યાં જ હતું અને વળતી વખતે રાજુકાકાના જૂના ઘરે ગામડે નાસ્તો કરીને રાજકોટ પરત ફરવાનું પ્લાનિંગ રાજકોટથી જ કરવામાં આવ્યું હતું. ટોટલ બધા જ પપ્પાના મિત્રો અને સાથે તેમના સગા સંબંધીઓને લાવવાની છૂટ હતી. આથી કુલ 27 વેન હતી. મારી વેનમાં અમે બધા છોકરાઓ હતા. મારા પપ્પાના બધા જ મિત્રોના છોકરાઓ બધા સાથે જેથી જેમ ફાવે એમ ગાળો બોલી શકાય, મન ફાવે એવા ગીતો વગાડી શકાય અને બીજું ઘણું બધુ. અહીંથી નીકળ્યા ત્યારે તો હું રાજુકાકાની જ કારમાં હતો અને પછી એક જગ્યાએ બધી વેન સાથે સ્ટોપ કરવામાં આવી અને ત્યાં મેં વેન ચેન્જ કરી અને જતો રહ્યો મારા મિત્રોની વેનમાં. સૌથી પહેલા તો અમે મંદિર પહોંચ્યા. હું જ્યારે પણ અહીં આવતો એક અલગ જ પ્રકારની શાંતિ મળતી અને આજે પણ દરેક શ્રાવણ માહિનામાં હું અચૂક જાવ છું. હવે થોડીવાર માટે અમે અહીંની બજારમાં ફરવા નીકળ્યા. નવા નવા લોકો વચ્ચે વાતો અને વિચારો રજૂ કરવાની મજા જ કઈક અલગ હોય છે. કાનાના વાઘાથી માંડીને લાકડાના પાટલી વેલણ સુધીની બધી જ વસ્તુઓની મમ્મી અને બીજા આંટીઓએ ખરીદી કરી. અમે આખી બજારમાં ખૂબ ફર્યા. મારી સાથે એવા છોકરાઓ હતા કે જેને માત્ર લેઝર લાઇટ અને કિચન લેવામાં જ રસ હતો. કારણ કે આ એ સમય હતો જ્યારે લેઝર લાઇટ છોકરાઓમાં બહુ જ પ્રખ્યાત હતી. અવનવા નામના અક્ષરનું વેચાણ ખૂબ જ થતું જેમ કે મારૂ નામ અજિત છે પણ બાળપણમાં આદિત્ય હતું તો હું “A” વાળું કિચન લવ અને આમાં પણ અલગ અલગ વેરાઇટી હતી. અમુક કિચનમાં રબરના બોલ્સ પણ હતા.

અમે એક દુકાને ઊભા ઊભા એક ઠેરીવાળી સોડા પીતા હતા. એક છોકરી આવી ત્યાં એક દમ પાતળી પણ રૂપાળી એટલી કે મારા હાથની હથેળી એની પાસે કાળી લાગે. તે એક નાનકડી છોકરીને લઈને સોડા પીવડાવવા આવી હતી. મારૂ ધ્યાન બસ એના પર જ હતું. મને તો એમ જ કે કોઈ મારી જેમ દર્શનાર્થે આવ્યા હશે. જે કઈ હોય છોકરી મસ્ત છે. હું મસ્ત એની સામે જોયા કરતો હતો અને એનું તો ધ્યાન પણ નહોતું. હંમેશા એવું જ થાય આપણે જેની સામે ક્યારના જોતાં હોય આપણને એમ થાય કે હમણાં મારી સામું જોશે પણ એને તો એ ખબર પણ ના હોય. ચાલો આગળ વધીએ. દૂરથી મને પપ્પાએ બોલાવ્યો કે ચાલો નીકળવાનું છે. દિલિપકાકાની દીકરી હાર્દી દોડીને તે છોકરીને બોલાવવા આવી અને મારા કાન અને આંખો બંને ચમકી અને થોડો હરખ થયો કે યાર આ તો આપણી સાથે જ છે. હવે, સાંજ સુધી તો આના પર મારો કોપીરાઇટ છે. હવે શરૂ થઈ ધ મોસ્ટ બ્યુટીફુલ સ્ટોરી. આ છોકરી કઈ વેનમાં છે તે મેં ધ્યાનથી જોયું. લીલા કલરની વેન હતી અને પાછળ લખ્યું હતું ‘ગુજરાતી મોરલો’. તમને હસવું આવે પણ દોસ્ત આ કાઠીયાવાડ છે. અહીંયા આમ જ હોય. આ છોકરી વેનમાં બારી પાસે બેઠી હતી. કારણ તમે સમજી શકો ને ?

હવે, વાર્તા કેવી રીતે આગળ વધશે ? શું નામ હતું આ છોકરીનું ? આ છોકરીને આદિત્ય સાથે લાંબા ગાળાના સંબંધ તો નહીં બંધાય ને ? શું થશે આગળના પ્રકરણમાં... બસ એટલું વિચારો શું તમે કોઈને દૂરથી ચિઠ્ઠી ફેંકીને મોબાઇલ નંબર આપ્યા છે ? જો હા તો આવતું પ્રકરણ તમારા માટે જ છે અને ના તો પણ આવજો તો ખરા કઈક મજા આવશે પાકકું. તો વિચારો આગળના પ્રકરણ વિશે ત્યાં સુધી આવજો.