|| 02 ||
પ્રકરણ 1 માં આપણે જોયું એમ અજીતભાઈના પત્ની જે અમુક કારણોસર પોતાના પતિ અજીતભાઈ સાથે ઝઘડો થવાને લીધે પોતાના વતન રાજકોટ જતાં રહ્યા હતા. જે અજિતભાઈના જન્મદિન પર અજીતભાઈને સરપ્રાઈઝ આપવા રાજકોટથી શિમલા આવી જાય છે. મિત્રો અને પોતાની પત્ની બધા જ અજીતભાઇને પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવવા કહે છે. કારણ કે પ્રેમને પોતાના બિઝનેસ સિવાય ઘરની કુટુંબની કોઈ વાત ખબર નથી. એક અનોખી અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
******
( થોડા દિવસો બાદ રાત્રે બે વાગ્યાની આસપાસ બેડરૂમમાં )
હું અને અમાયા વાતો કરતાં હતા. વૃદ્ધવસ્થા જેવુ પ્રેમમાં કઈ જ નથી હોતું. અમાયા મારા પર હાથ રાખીને સુતી હતી અમે બન્નેની અમારી વીતી ચૂકેલી જીંદગીની વાતો કરતાં હતા.
“ અજિત તમને એવું નથી લાગતું કે તમારે આપના ડિવોર્સ પાછળની વાત પ્રેમ અને હિરલને કરી દેવી જોઈએ ?? “, અમાયાએ મને પ્રેમ અને હિરલને મારી ભૂતકાળની વાત કરવા માટે કહ્યું.
“ હું પણ એ જ વિચારું છું અમાયા, કારણ કે દરરોજ પ્રેમ મને એક જ સવાલ પૂછે છે કે બાપુજી તમે મારી પાસે શું છુપાવો છો ?? “, મેં અમાયાને પ્રેમ વિશે વાત કરતાં કહ્યું.
“ આવતીકાલે હું પ્રેમને મારી ભૂતકાળની બધી જ વાતો કરીશ. મારા દીકરાને મારા ભૂતકાળની બધી વાત ખબર હોવી જરૂરી છે. “, મેં અમાયાને વાત કરતાં કહ્યું.
“ હવે સૂવું નથી તમારે ?? રાત બહુ થઈ ચૂકી છે અજિત સોરી આદિ ?? “, હસતાં હસતાં અમાયાએ મારા વાળમાં પોતાની હાથની લાંબી લાંબી આંગળીઓ ફેરવતા કહ્યું.
હું પણ હસવા લાગ્યો અને અમાયાને ગળે મળ્યો અને અમે ત્યારબાદ સવારના સુરજ ઉગવાની રાહમાં સૂઈ ગયા.
સવારનો સુરજ ઉગ્યો પરંતુ અમારે હિમાચલમાં તો સુરજ માત્ર ડોકિયું જ કરવા આવે એવું તમને લાગે . અમારે શિમલામાં થોડો ઘણો તડકો ક્યારેક જોવા મળે છે . સુરજ ઉગ્યો અને હું નિયમિત રીતે વોકિંગમાં સવારે છ વાગ્યે નીક્ળુ છું તેમજ આજે પણ સવારે બરાબર છ વાગ્યે મારૂ બ્લૂ જેકેટ જેમાં રેડ કલરની સ્ટ્રીપ છે તે પહેરીને અને હું નિયમિત રીતે વોકિંગમાં નીકળ્યો . વોકિંગ કરવામાં અમારા ઘરેથી હું નીકળું એટલે સૌથી પહેલા ઘર પાસે જ શંકર ભગવાનનું મંદિર આવે ન્હાયો ના હોય આથી મંદિર બહારથી જ મસ્તક નમાવી સવારના પહોરમાં જ ભગવાનના દર્શન થઈ જાય. ત્યારબાદ હોટલ એવન્યુ આવે છે . જે અહીં આવતા હનીમૂન કપલ માટે પ્રખ્યાત છે . જ્યાં રોજ સવારે અમુક કુતરાઓ મારી રાહ જોતાં હોય છે . જ્યાં બહાર કેન્ટીનમાં જગાભાઈ આપણા ગુજરાતી મિત્ર છે . એમના પિતા કિરીટભાઇ બહુ મોટા લોકસાહિત્યકાર છે , આથી અમારે તેમની સાથે ઘર જેવો સંબંધ છે.
ઘનઘોર અંધારા વચ્ચે એકદમ દુધિયા વાતાવરણ વચ્ચે બર્ફીલો પ્રદેશ દર્શન આપી રહ્યો હતો . ઝાડના પાંદડાનો ખળખળ અવાજ મારા કર્ણપટને સ્પર્શ કરી જતો હતો . તેમાં પણ જ્યારે ‘ગૂડ હોપ’ પુલ પરથી જ્યારે હું પસાર થાવ ત્યારે તો એકદમ સુંદર વાતાવરણનો અનુભવ થતો હતો . વાતાવરણની ઠંડક ખૂબ જ વધારે હતી . ખુલ્લા બર્ફીલા પ્રદેશમાંથી ઠંડો પવન આવી રહ્યો હતો . હું થોડીવાર માટે ત્યાં ક્યારેક ઊભો રહી જતો અને દૂર દૂર સુધી જોયા કરતો. ક્યારેક ભૂતકાળ મારી આંખો બંધ કરતાં મારા હોવાને પતંગિયુ કરી નાખતો , મારી આંખની પાછળ વિતાઈ ગયેલ જિંદગી મારા સ્મરણોને એકઠા કરવા સક્ષમ હતી . હું બગીચામાં બેસી હરિયાળી જોયા કરતો જેમાં બગીચાની બેન્ચ થી માંડીને લીલાછમ વૃક્ષો પણ મને ઘણું બધુ કહેતા હતા . મારી સાથે દરરોજ વાતો કરતાં હતા . સુખ - દુ:ખની વાતો કરવા માટે બગીચાની બેન્ચ મારો સહારો બની જતી. પાંચ ફૂટ આંઠ ઇંચ મારી ઉંચાઇ , મોટા મોટા કાળા ભમ્મર એવા નેણ , કાળી ભમ્મર એવી આંખો અને થોડા બદામી થોડા કાળા એવા વાળ સાથે હજુ પણ હું યુવાન જ લાગતો હતો . ક્યારેક હોટલ એવન્યુ બહાર બાલ્કનીમાં શરારત કરતાં યુગલોને જોયા કરતો , મને મારા લગ્નના દિવસો યાદ આવી જતાં તો ક્યારેક મારા કોલેજ સમયનાં દિવસો પણ યાદ આવી જતાં .
આજે પણ હું સવારે બરાબર છ વાગ્યે જ નીકળ્યો છું , બસ વોકિંગ પૂરું થઈ ગયું છે હવે હોટલ એવન્યુ ની બેન્ચ અને મારા પ્રિય કુતરાઓ મારી રાહ જોઈ રહ્યા છે. હું મારી મોજમાં વોકિંગ કરતાં કરતાં અંતે હોટલ એવન્યુ પહોંચ્યો .
“ હા...... હા...... “, આંખો થોડી ખેંચીને મેં જોરથી હાંફતા હાંફતા આળસ મરોડી .
“ આવો અજિતભાઈ , જય શ્રી કૃષ્ણ , કેમ છો ?? “, જગાભાઈએ બે હાથ જોડીને મારૂ સ્વાગત કરતાં કહ્યું.
“ જગાભાઈ... યાર હવે પેલા જેવુ વોકિંગ નથી થતું... થાકી જવાય છે આ ગજનું... “, જગાભાઈને મારા થાક લાગવાની વ્યથા સંભળાવતા મેં કહ્યું. આ સમયે જગાભાઈ મારા માટે કુતરાઓને આપવા દૂધ એક મોટા ટબમાં તૈયાર કરી રહ્યા હતા અને એક ડીશમાં બીસકીટ્સના થોડા પેકેટ હતા . આ બધુ લઈને તેઓ મારી પાસે આવીને મારી બાજુની પોતાની વાંસની ખુરશી પર બેઠા . અમારે શિમલામાં આવી વાંસની ખુરશી બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે .
“ અજિતભાઈ તમારે દરરોજ ઘરે કસરત કરવી હવે આમ રનિંગ અને વોકિંગ એવું બધુ ના કરવું આ બધુ કરવામાં કંટાળી જવાય . અમારે તો જો ધાંધવાળા ક્યાંય નીકળી પણ ના શકીએ . “, મારી સાથે વાત કરતાં કરતાં અને કુતરાઓ ને અમારી પાસે સિટી મારીને બોલાવતા બોલાવતા જગાભાઈએ કહ્યું. જગાભાઈ ભણ્યા નહોતા પણ હા તેમનું ગણતર ભલભલા ભણેલાને અભણ સાબિત કરી શકે એવું હતું . કૂતરાને બિસ્કિટ ખવડાવતા ખવડાવતા અમે અમારી વાતોએ વળગી ગયા .
* * * * *
આ તરફ અમારા ઘરની હું તમને વાત કરું તો અમાયા હિરલને દરેક ઘરકામમાં પોતાને બને તેટલી મદદ કરાવતી હતી . લવ અને કુશને સ્કૂલ જવાનો સમય થઈ ગયો હતો. સવારે 8:45 વાગ્યાની તેમની સ્કૂલ હતી અને પોતાના નવા લીધેલા બૂટ કુશને મળતા ન હતા. આથી બૂટ શોધતા શોધતા તે મારી ઓફિસમાં પ્રવેશ્યો.
“ દાદા જ નવા શ્યુઝ લાવ્યા હતા . ક્યાં ગયા હશે ?? અને એક આ મમ્મી ખબર નહીં ક્યાં મૂકી દે બધુ . નારા રૂમમાં રાખતા હોય તો મારે શોધવું તો નહીં . અહીંયા ઉપર આ શ્યુઝનું જ બોક્સ લાગે છે જોઈ જોવ.... “ , કુશ મનમાં આવું બોલતા બોલતા પોતાના બૂટ શોધતો હતો . એવામાં તેની નજર મારા ઓફિસમાં રહેલા એક વર્ષો જૂના અને ભીના તરબતતર ભેજથી કળા બની ગયેલા એક બૂટના બોક્સ પર પડે છે અને તેને એવી શંકા જાય છે કે પોતાના બૂટ નક્કી તે બોક્સમાં હશે. એવું વિચારી તે મારી ઓફિસમાં રહેલા એક કાળા રંગના અને થોડા હલબલતા ટેબલ પર ચડ્યો અને શ્યુઝ ઉતારવાના પ્રયત્ન કરવા જતાં બોક્સ તેની માથે પડે છે .
( બોક્સ માથે પડતાં ) “ ઓહ... “ , કુશે કહ્યું. ( બોક્સની અંદરથી એક કાળા કલરની સ્પાઇરલ બાઇડિંગવાળી ડાયરી , એક ચાંદીની વીંટી અને એક લેટર જે કવરમાં હોય છે , થોડી ગુલાબના ફૂલની કરમાય ગયેલી પાંદડીઓ , એક ડી.વી.ડી. બધુ બહાર પડ્યું )
“ આ બધુ શું છે ?? “ , કુશે બોક્સની બહાર પડેલી વસ્તુઓ એક કાળા કલરની સ્પાઇરલ બાઇડિંગવાળી ડાયરી , એક ચાંદીની વીંટી અને એક લેટર જે કવરમાં હોય છે , થોડી ગુલાબના ફૂલની કરમાય ગયેલી પાંદડીઓ , એક ડી.વી.ડી. બધુ જ હાથમાં લીધું અને જોવા લાગ્યો . ઉંમરમાં નાનો હતો આથી કઈં જ સમજાનું નહીં પરંતુ જો મમ્મીને ખબર પડે તો બોક્સ પાડવા માટે ખીજાય આથી તેણે લવને આ વાત કરવાનું વિચાર્યું . પરંતુ એટલામાં તેના મમ્મી હિરલે બૂમ પાડી ,
“ કુશ.... લવ તૈયાર થઈ ગયો છે... તારા શ્યુઝ મળ્યા કે નહીં ?? “ , હિરલે કુશને બૂમ પડતાં કહ્યું.
“ ના... મમ્મી આવું જસ્ટ ટુ મિનિટ્સ... “, એમ કહીને કુશે તરત જ બોક્સમાંથી મળેલી વસ્તુઓ લઈને એક કાપડની બેગમાં ભરી અને પોતાના રૂમમાં જઈને રાખી અને તૈયાર થઈને સ્કૂલબેગ ખભે પહેરી કુશ નીચે ઉતર્યો .
“ મમ્મી શ્યુઝ મારા તો નથી મળ્યા લવના બીજા હતા એ પહેર્યા છે. “, કુશે હિરલને વાત કરતાં કહ્યું.
“ હા... વાંધો નહિઁ હવે જો ટિફિનમાં સેન્ડવિચ છે તું અને લવ સંપીને શેર કરીને નાસ્તો કરજો અને બીજા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજે અને આગળ બેસજે પાછળથી તને ભણવામાં સરખું ધ્યાન નહીં રહે.. “, હિરલે લાંચબોક્સ બેગની ચેઇન ખોલીને અંદર મુક્તા કહ્યું. હિરલ એકદમ ભારતીય માતા હતી . જેને પોતાના દીકરાને બધુ જ સારું મળે એવી ઈચ્છા હોય છે.
“ હા.. મમ્મી.. હવે અમે જઈએ ?? “, લવે હિરલને ચરણ સ્પર્શ કરતાં પૂછ્યું.
“ હા.. બેટા જય શ્રી કૃષ્ણ.. “, હિરલે લવ અને કુશને આશીર્વાદ આપતા કહ્યું.
“ જય શ્રી કૃષ્ણ દાદીમા “, અમાયા એટલે કે પોતાની દાદીમાના ચરણ સ્પર્શ કરતાં લવે અને કુશે કહ્યું.
“ જય શ્રી કૃષ્ણ બેટા વહેલો આવજે... “ , અમાયાએ પોતાના પૌત્રોને આશીર્વાદ આપતા કહ્યું.
ત્યારબાદ પીળા કલરની આગળ લાલ અક્ષરે અંગ્રેજીમાં સ્કૂલબસ લખેલી બસ આવી ગઈ જેમાં ઘણા વિધ્યાર્થીઓનો ઘોંઘાટ સંભળાતો હતો . લવ અને કુશ બન્ને પોતાના મમ્મી એટલે કે હિરલને આવજો કહેતા હાથ હાથ હલાવતા હલાવતા બસમાં ચડીને બેસી ગયા .
* * * * *
( સ્કૂલના લંચ બ્રેકમાં )
“ તને ખબર છે, આજે સવારે મારા શ્યુઝ હું દાદાની ઓફિસમાં ગોતતો હતો તો બોલ ઉપરથી એક બોક્સ મને શ્યુઝનું હોય એવું લાગ્યું એટલે મેં ઉતરવાના પ્રયત્નો ખૂબ કર્યા પણ યાર ઉતરે જ નહિઁ... “ , સ્કૂલમાં નાસ્તો કરતાં કરતાં કુશે લવને કહ્યું.
“ પછી... પછી તે શું કર્યું ?? “ , લવે કુશને પૂછ્યું.
“ પછી બોક્સને જોરથી ખેંચ્યું તો મારા પર પડ્યું અને એમાથી બધુ ઉડીને બહાર પડ્યું.. “, કુશે લવને કહ્યું.
“ ઓહહ..... પણ એમાં બધુ એટલે શ્યુઝ નહોતા ?? “ , લવે કુશને કહ્યું.
“ ના.. કઈ શ્યુઝ ના નીકળા યાર.... અને.. “ , કુશે કહ્યું ત્યાં વચ્ચેથી તેને અવરોધતા લવ શરૂ થઈ ગયો.
“ આ મમ્મી યાર એમાં કઈક રાખ્યું હશે એટલું કટલેરી ને આ ને તે ને ખબર નહીં બધુ રખડાવ્યા કરે… “ , કુશની વાત અવરોધતા લવે કુશને કહ્યું.
“ ના... પણ તું વાત તો સાંભળ યાર... બોક્સની બહાર પડેલી વસ્તુઓમાં એક કાળા કલરની સ્પાઇરલ બાઇડિંગવાળી ડાયરી , એક ચાંદીની વીંટી અને એક લેટર જે કવરમાં હતો તે , થોડી ગુલાબના ફૂલની કરમાય ગયેલી પાંદડીઓ , એક ડી.વી.ડી. મળી છે . ઘરે જઈને તને બતાવું પછી તું કે જે મને... “ , કુશે લવને બોક્સમાંથી મળેલી વસ્તુઓ અંગે વાત કરતાં કહયું.
“ એવું છે તો ઘરે જઈએ ત્યારે તું મને બતાવજે... “ , લવે કુશને કહ્યું.
“ પાકકું , આઈ પ્રોમિસ... “ , હાથ મિલાવતા કુશે વ્રજને કહ્યું.
( અચાનક એક છોકરો બન્નેને બોલાવવા આવે છે )
“ આપ દોનો યહાં પર બૈઠે હોં ઔર વહાં રોઝી મેમ આપકો ઢૂંઢ રહી હૈ... જલ્દી ચલો વર્ના આપકે પાપા કો ફોન કરને વાલી હૈ... “ , લવ અને કુશને શોધતા શોધતા આવેલા છોકરાએ લવ અને કુશને કહ્યું.
“ હા... ચલ આતે હૈ... ક્યા હૈ કી બ્રેક કબ ખતમ હો ગયા પતા હી નહીં ચલા... “ , ક્લાસમાં જવા માટે ઉભા થઈને લવે પોતાને બોલાવવા આવેલા વિધ્યાર્થીને કહ્યું.
( બન્ને ક્લાસમાં જતાં રહ્યા )
* * * * *
( રાતના 9 વાગ્યાનો સમય )
હું અને અપર્ણા દરરોજ રાત્રે બરાબર નવ વાગ્યે ટી. વી. જોતાં હોઈએ છીએ . આ સમયે દરરોજ હિરલ રસોઈ કરતી હોય અને લવ કુશ અમારી બાજુમાં અથવા તો પોતાના રૂમમાં બેસીને હોમવર્ક કરતાં હોય છે . આજે ટી.વી.માં સમાચાર આવી રહ્યા હતા કે , “ બર્ફીલા પ્રદેશ હિંમચલમાં બરફ ઘણી જગ્યાએ પીગળી રહ્યો છે. અમુક અમુક જગ્યાએ ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતું ગયું છે પરંતુ એવું જણાઈ રહ્યું છે . કુદરતી આપત્તિઓના નિષ્ણાંતો આ બાબતે વધુ વિચારણા હાથ ધરશે . “
“ બહુ વધી ગયું છે ગ્લોબલ વોર્મિંગ આજ કાલ નહીં ?? “ , અપર્ણાએ મને કહ્યું.
“ હમ્મ... ઘણા સમયથી... “ , મેં ચેનલ ફેરવતા ફેરવતા કહ્યું.
“ ઉપર જવું છે ?? બોક્સની વસ્તુઓ જોવા માટે… હેં ?? “ , કુશે લવને ધીમેથી પૂછ્યું.
“ હા.. ચાલ... “ , લવે બોક્સમાંથી મળેલી વસ્તુઓ જોવા માટેની ઉત્સુકતા બતાવતા કહ્યું.
બન્ને ઉપર જતાં રહ્યા અન મારી નજર એમના પર જ હતી કે આ બાળકો નક્કી કઈક નવું કરવાના છે.
( ઉપર જઈને )
“ જો આ બધુ મળ્યું છે આજે સવારે મને દાદાના બોક્સમાંથી , આ એક કાળા કલરની સ્પાઇરલ બાઇડિંગવાળી ડાયરી અને આ જો આ એક ચાંદીની વીંટી અને આ એક લેટર અને આ એનું કવર , આ બેગમાં થોડી ગુલાબના ફૂલની કરમાય ગયેલી પાંદડીઓ છે એ પણ જોઈ લે અને જો આ એક ડી.વી.ડી. મળી છે . તારીખ લખી છે..... ( પાંચ છ સેકંડના વિરામ બાદ તારીખ જોઈને )
‘24 may – 2015 Sunday’
કવર ઉપર શું લખ્યું છે??? “ , કુશે બોક્સમાંથી મળેલી બધી વસ્તુઓ બતાવતા કહ્યું અને અંતે કવર ઉપર લખેલું સંબોધન વાંચવા કહ્યું. લવે પહેલા કવરને ફૂંક મારી ધૂળ ખંખેરી ત્યારે અક્ષરો દેખાયા.
“ અમ્મ...... હા.... આમાં લખ્યું છે ‘DEAR D’ , યાર આ D કોણ છે ?? આપણાં ઘરમાંથી તો કોઈના નામ D ઉપરથી ઉપરથી નથી . “ લવે કવર પર લખેલું નામ વાંચતાં વાંચતાં કુશને પૂછ્યું.
હવે શું લવ અને કુશને અજિતજીના ભૂતકાળની વાત ખબર પડી જશે ?? બોક્સમાંથી મળેલી વસ્તુઓ માટે અજિતજી પોતાના પૌત્રો લવ અને કુશને શું આપશે જવાબ ?? દિયા અને આદિત્ય કોણ છે ?? બધા સવાલો તમને થતાં હશે ખરું ને ?? બધા જ સવાલોના જવાબ તમને મળશે પરંતુ આવતા પ્રકરણમાં.. ત્યાં સુધી આવજો...