|| 03 ||
પ્રકરણ 2 માં આપણે જોયું એમ અજીતભાઈની ઓફિસમાંથી એક બોક્સ મળે છે, બોક્સની અંદરથી એક કાળા કલરની સ્પાઇરલ બાઇડિંગવાળી ડાયરી , એક ચાંદીની વીંટી અને એક લેટર જે કવરમાં હોય છે , થોડી ગુલાબના ફૂલની કરમાય ગયેલી પાંદડીઓ , એક ડી.વી.ડી. બધુ મળે છે. ત્યારબાદ આ બધુ તે લવને બતાવે છે. હવે શું થાય છે?? તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
* * * * *
( રાતના 9 વાગ્યાનો સમય )
( ડિનર લેતી વખતે )
“ બેટા , પ્રેમ મારે તને વાત કરવી છે. જેના ઉપર... “, આટલું બોલી આગળ બોલવા જતાં અજીતજીને પત્ની અમાયા તેના પર હાથ રાખીને રોકે છે.
“ હા.. બોલોને પપ્પા... “, ખૂબ જ ભૂખ્યો પ્રેમ દાળના સબડકા લઈ રહ્યો હતો.
“ જમીને પછી કહું કાલે આમ પણ રજા છે. “, અજીતજીએ પ્રેમને કહ્યું.
“ સ્યોર પપ્પા... “ એમ કહી ફરીવાર પ્રેમ પોતાની ધૂનમાં જમવા લાગ્યો.
લવ અને કુશ બંનેનું અને હિરલનું ધ્યાન બસ આજ વાત પર હતું.
આ વાતમાં અજીતભાઈ અને અપર્ણાબેનનો ઝઘડો, અજીતભાઈનો ભૂતકાળ અને કુશને મળેલી વસ્તુઓનું રહસ્ય પણ છુપાયેલું છે.
( ડિનર પછી અંદાજિત રાત્રિના 10 વાગ્યાનો સમય, શનિવાર )
સાંજનું જમણ જમ્યા બાદ એકદમ મોટા અસલ કાઠિયાવાડી ઓડકાર સાથે પ્રેમ જમીને ઊભો થયો. નેપકિનથી હાથ મોં લૂંછયા અને સોફા ઉપર અજીતભાઈ પાસે આવીને બેઠો. લવ અને કુશ પણ દાદાને ઘણા સવાલો પૂછવા માંગતા હોય તેઓ પણ પોતાના પિતા અને દાદાજીના સામેના સોફા પર પોતાના દાદીમા પાસે બેસી ગયા.
“ હિરલ મને અને પપ્પાને મુખવાસ આપજે... “ , પ્રેમે હિરલને મુખવાસ આપવા માટે કહ્યું.
“ હા.... આવી... “ , હિરલે પોતાના પતિની વાત સાંભળી મુખવાસ લઈને આવવા માટે હા પાડતા કહ્યું.
હિરલ બધુ ઘરકામ પૂરું કરીને આવી અને પોતાના પતિ પ્રેમ અને સસરા અજીતભાઈને મુખવાસ આપી સોફા પર બેસી ગઈ.
“ હા.. તો પપ્પા તમે કઈક કહેવાના હતા.... !!! “, પ્રેમે પોતાના પિતા અજીતભાઈને તેઓએ અધૂરી મૂકેલી વાત યાદ અપાવતા કહે છે.
“ બેટા , તારું ધ્યાન હંમેશા તારા બિઝનેસ પર રહ્યું છે અને તું ઘણો સફળ બિઝનેસમેન પણ છે એમાં પણ કોઈ શંકા નથી પણ ઘરની અમુક વાત પણ તને ખબર હોવી જોઈએ . મારા અને અપર્ણા વચ્ચેનો ઝઘડો થવો , અમારું અલગ થવું , આ બધા બનાવોનું કારણ હું તને જણાવવા માંગુ છું બેટા... કારણ કે જીવનમાં બસ કમાણી કરવી જ બધુ નથી હોતું . સમાજ અને તેના વિવિધ મૂલ્યો વિશેની જાણકારી હોવી પણ જરૂરી છે બેટા... “, અજીતભાઈએ પ્રેમની આંખોમાં આંખ નાખી આટલી વાત કરી ત્યાં અચાનક કુશ ઊભો થઈને પોતાને તેના દાદાજીના રૂમમાંથી મળેલું બોક્સ લઈ આવ્યો અને પોતાના પિતા પ્રેમને આપ્યું.
“ આ શું છે ?? “, પ્રેમે પોતાની વાતને વચ્ચેથી અટકાવી રહેલા કુશે હાથમાં બોક્સ આપતા પૂછ્યું.
“ પપ્પા, તમને ખબર છે?? આજે સવારે મારા શ્યુઝ હું દાદાની ઓફિસમાં ગોતતો હતો તો બોલ ઉપરથી એક બોક્સ મને શ્યુઝનું હોય એવું લાગ્યું એટલે મેં ઉતરવાના પ્રયત્નો ખૂબ કર્યા પણ ઉતરે જ નહિઁ , પછી બોક્સને જોરથી ખેંચ્યું તો મારા પર પડ્યું અને એમાથી આ બધુ ઉડીને બહાર પડ્યું. “, કુશે બધુ પોતાની સાથે બનેલી સવારની વાત પોતાના પિતાને કરતાં કહ્યું.
પ્રેમે બોક્સ ખોલીને જોયું તો તેમાં રહેલી વસ્તુઓમાં એક કાળા કલરની સ્પાઇરલ બાઇડિંગવાળી ડાયરી , એક ચાંદીની વીંટી અને એક લેટર જે કવરમાં હતો તે , થોડી ગુલાબના ફૂલની કરમાય ગયેલી પાંદડીઓ અને એક ડી.વી.ડી. હતી . તારીખ લખેલી હતી 24 may – 2015 Sunday અને તેની નીચે લાલ કલરની માર્કરથી લખેલું હતું ‘DEAR D, On the occasion of your birthday a little photo documentary created by Aditya Acharya’. પ્રેમ આ બધુ જોઈ રહ્યો હતો . ત્યારબાદ પ્રેમે લેટર હાથમાં લઈને જોયું તો કવર પર લખ્યું હતું ડાબી બાજુ કોર્નરમાં ‘DEAR D’ અને નીચેની તરફ જમણી બાજુ લખ્યું હતું , from: Aadi . પ્રેમે અંદરથી લેટર બહાર કાઢ્યો. અજીતભાઈ આ બધુ જ જોઈ રહ્યા હતા પરંતુ પોતાના પુત્રને આ બધુ કરતાં રોકી શકાય એવું એમની પાસે હાલ કોઈ કારણ ના હતું . પ્રેમે કવિતા વાંચવાની શરૂ કરી જે હતી...
“ હજી યાદ છે... ”
તારી સાથેની પહેલી મુલાકાત હજી યાદ છે...
તારા ચહેરા પર તે સમયે જોવા મળેલી મુસકાન હજી યાદ છે...
તારી મોટી મોટી આંખ હજી યાદ છે...
તારી સાચી ખોટી વાત હજી યાદ છે...
તું હસે તો માનો ફૂલડાં ઝરે...
તારા એ નિર્દોષ હાસ્ય કરતાં ગુલાબની પાંદડી જેવા કોમળ કોમળ હોઠ હજી યાદ છે…
જ્યાં ચારેય દિશાઓમાંથી બધી સુંદરતાઓ મળે ને તું બની જાય...
જ્યાં દીવા જેવુ તેજ ઝાલી ઊઠતું હોય તેવું તારું નામ આ કવિને હજી યાદ છે...
થોડીવાર હોલમાં સન્નાટો છવાયેલો હતો. બસ પ્રેમ એકલો જ હોય એવી રીતે તે એક એક વસ્તુઓ જોઈ રહ્યો હતો. ત્યારબાદ પ્રેમે તેના પિતાને પૂછ્યું.
“ પપ્પા , મારે આવું તો ના પૂછવું જોઈએ પણ પૂછું છું . આ શું છે ?? આઈ મીન આપના ઘરમાંથી તો કોઈનું નામ D ઉપરથી નથી તો આ D કોણ છે ?? “, પ્રેમે આદરભાવથી પોતાના પિતા અજીતભાઈને સવાલ પૂછ્યો.
“ આ ડીવીડી પહેલા હું તને બતાવું છું ત્યારબાદ વધુ વાત કરું છું . કુશ ડીવીડી પ્લે કરીશ બેટા... “, અજીતભાઈએ પૌત્ર કુશને બોક્સમાંથી મળેલી ડીવીડી પ્લે કરવા આપી અને કુશે જઈને ડીવીડી પ્લે કરી. બધા સાવ શાંત હતા . હિરલ , અપર્ણાબેન , અજીતભાઈ અને પ્રેમ . એકદમ નીરવ શાંતિ છવાયેલી હતી અને કુશે ડીવીડી પ્લે કરી.
ડીવીડી શરૂ થઈ, શરૂઆતમાં જ વન બાય વન કેપશન લખેલું આવવાનું શરૂ થયું . ‘It’s A square entertainment presentation’ , ‘A Aaditya Acharya film’ , ‘Happy Birthday Diya’ ત્યારબાદ એક છોકરીના બાળપણના ફોટા સાથે ડોક્યુમેન્ટરી ફિલ્મ શરૂ થઈ જેમાં તે સામના 2015ના ગુજરાતી લોક ગીતનો ઉપયોગ થયો હતો. ધીમે ધીમે છોકરીના યુવતીની ઉંમરના એટ્લે કે તે એક ૨૦ વર્ષની હશે ત્યારના ફોટો આવવાના શરૂ થયા પણ પ્રેમ અને હિરલને ખબર નહોતી પડતી કે આ ફોટા કોના છે ?? કારણ કે અપર્ણાબેનના ફોટોસ તો હતા નહીં. હવે આ ફોટોસ કોના હતા ?? એ જાણવું જરૂરી હતું. પ્રેમે પૂરેપુરી ડોક્યુમેન્ટરી જોઈ અને છેલ્લે લખેલું આવ્યું... ‘FOR YOU D.. “, “ A FILM BY ADITYA ACHARYA… “. ત્યારબાદ લવે પ્લેયરનું શટર open કરીને ડીવીડી લઈને close કરી ટીવી બંધ કર્યું.
“ આ છોકરી દિયા નામ છે એમનું અને શોર્ટનેમ ‘D’ . આદિત્ય આચાર્ય , જે તમારી જેમ જ કવિ અને આટલા શ્રેષ્ઠ ફિલ્મ એડિટર છે. કોણ છે પપ્પા આ આદિત્ય અને દિયા ?? મારે જાણવું છે.. “, પ્રેમે જાણવાની ઉત્સુકતા સાથે અજીતભાઈને પૂછ્યું .
“ બેટા... મારે તને અને હિરલને આ વાત આમ તો ના કરવી જોઈએ પરંતુ છતાં હું તને આ વાત કરીશ કારણ કે તું હવે એટલો મોટો તો થઈ ગયો છે કે તું એક મોટું કુટુંબ સંભાળી શકે . કારણ કે આવી વાત લગભગ કોઈ પણ પિતા પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે ક્યારેય ના કરે એવી વાત છે . મારી એવી ઈચ્છા છે કે મારી આવનારી નવલકથા તું લખે બેટા... મારો દીકરો બહુ મોટું બિઝનેસમેન છે પણ હું મારા દીકરાને બસ એક વાર મારી જેમ લેખક બનતો જોવા માંગુ છું બેટા... મારૂ આ સપનું છે બેટા... મારા અને તારા મમ્મીના ઝઘડાનું અને અમારા અલગ થવાનું કારણ આ બધી વસ્તુઓ જ હતી બેટા... ( પ્રેમે અજીતભાઈની સામે જોયું ) હા... બેટા... મારી સાથે બેસ હું આજે બધી વાત કરું છું . ભલે આજે જાગવું પડે અને કાલે આમ પણ રવિવાર છે , રજા જ છે લવ કુશને પણ . હિરલ તમને કોઈ પ્રોબ્લેમ નથી ને !! “ , અજીતભાઈએ પોતાના ભૂતકાળની વાત પુત્ર અને પુત્રવધૂ સામે રાખતા પૂછ્યું .
“ ના... પપ્પા મારે પણ સંભાળવું છે. “, હિરલે પોતાના સાસરાની વાતમાં રસ દાખવતાં કહ્યું.
“ સારું તો ભાઈ વાત.... મારા વતન રાજકોટથી શરૂ થાય છે....
વર્ષો પહેલા રાજકોટમાં ઇસ.2009
મારો જન્મ 1994 પહેલી ઓક્ટોબરના થયો છે. આ વાત 2009 – 2010થી શરૂ થાય છે . હું લગભગ 15 વર્ષનો હતો . અમારી સ્કૂલ એટલે રાજકોટ શહેરની અગ્રગણ્ય સ્કૂલોમાંથી એક . રાજકોટ વિશે તો તમે જાણો જ છો . આમ છતાં તમને વાત કરી દઉ છું . રાજકોટમાં સૌથી વધુ પ્રખ્યાત હોય તો અહીંની ખાણી પીણી અને અહીંના લોકો . રાજકોટમાં આ સિવાય રેસકોર્સ રિંગરોડ વધારે પ્રખ્યાત છે . હાલતા ચાલતા પ્રેમ થઈ જાય એવી જગ્યા એટલે અહીંનો રિંગરોડ . અહીંના લોકો દરરોજ આ રેસકોર્સની ફરતે મોર્નિંગવોક માટે આવે છે , આ સિવાય અહીંયા દર રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની માફક બધા યુવાનો ક્રિકેટ રમવા વહેલી સવારમાં આવી જાય છે . રાત્રે અહીના રહેવાસીઓ આ રિંગરોડની ફરતે આવેલી રેલિંગ પર બેસીને સુખદુખની વાતો કરે છે . અહીંના લોકોનો એક માત્ર જીવનમંત્ર છે “ હરો ફરો અને મોજ કરો “ . ગુજરાતનાં બધા શહેરોમાં નવરાત્રિ ક્લબમાં થાય છે , શેરી ગલીઓમાં થાય છે પણ અહીંયા ચૌકમાં ગરબી સ્વરૂપે થાય છે જેમાં નાની નાની બાળાઓ ગરબા રમે છે આનાથી વધુ માતાજીના દર્શન બીજે કયાઁ થઈ શકે ?? આ વિશેષતા છે રાજકોટની . જ્યાં દરેક ધર્મ વચ્ચે પરસ્પર ભાઈચારાની ભાવના છે આથી દરેક ધર્મના તહેવારો અહીંના લોકો સહુ સાથે મળીને ઉજવે છે . ભલભલાની બીમારી જો બે મિનિટમાં માત્ર હસવાથી મટી જતી હોય તો તે રાજકોટના લાફિંગ ક્લબને આભારી છે . આવું મારૂ વતન રાજકોટ . આ રાજકોટના એક નાનામાં નાના મિડલ ક્લાસ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતો છોકરો એટલે હું આદિત્ય અનિલકુમાર આચાર્ય . મારૂ નામ મેં મોટી ઉંમરે એફિડેવિટથી ફેરવ્યું છે જે તને ખબર નહોતી કારણ કે તું ત્યારે બોર્ડિંગસ્કૂલમાં હતો પ્રેમ .
2009થી મારી આ વાત શરૂ થાય છે અને એક રીતે 2010થી પણ... મારી વાતમાં ત્રણ લોકો છે હું , દિયા અને હેતવી . અમે ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ્સ હતા પણ ક્યારે બન્યા એ વાત હવે શરૂ થાય છે. સ્કૂલ અમારી રાજકોટની બેસ્ટ સ્કૂલમાંથી એક પણ કો-એજ્યુકેશન નહોતું . છોકરાઑ અને છોકરીઓના ક્લાસ જુદા જુદા હતા અને બિલ્ડીંગ પણ જુદા જુદા જ હતા. કોઈ પણ છોકરાને છોકરીના અને કોઈ પણ છોકરીને છોકરાના બિલ્ડિંગમાં જવાની સખત મનાઈ હતી. આમ છતાં પેટમાં દુખતું ના હોવા છતાં પેટના દુખાવાનું બહાનું કાઢીને ગર્લ્સ સ્કૂલમાં જતાં રહેતા . ઘણી બધી છોકરીઓ હતી સ્કૂલમાં પણ હું એટલા બધાને ઓળખતો પણ નહોતો સિવાય ટોપર્સ જેમ કે બ્રિન્દા , માનસી , રિદ્ધિ , રાધિકા આવા અમુક લોકોને જ હું ઓળખતો હતો . મારી સ્કૂલનું નામ A. G. SCHOOL , જે કોઈ સામાન્ય નહોતી પણ પોતાનામાં એક બહુ મોટી દુનિયા હતી . નર્સરીથી માંડીને 12 સાયન્સ સુધીના ધોરણો હતા . દર વર્ષે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન થતું હતું . સ્કૂલની આસપાસના વાતાવરણનું જો વર્ણન કરીએ તો સવાર હોય કે બપોર સ્કૂલની વેનના હોર્નનો ઘોંઘાટ સાંભળતો હતો , એક તરફ સ્ટેશનરીની દુકાનમાં વિધ્યાર્થીઓ ઝેરોક્ષ કરાવવા , નકશા ખરીદવા લાઇનમાં ઉભેલા જોવા મળે . ઘણા વિધ્યાર્થીઓ વધુ ધનિક કુટુંબમાંથી હોય તો તેમણે સ્કૂલે મૂકવા એના વાલીઓ ફોર વ્હીલર કાર લઈને આવતા હતા . ઘણા મારી જેમ મિડલ ક્લાસ ફેમિલીના પણ હતા જેઓ સાઇકલ લઈને આવતા , તો અમુકના ઘર એટલા બધા દૂર હોય જેમ કે અમારી સ્કૂલ ઇન્દ્રપ્રસ્થ નગરમાં હતી અને અમુક વિધ્યાર્થીઑના ઘર ગ્રીન લેન્ડ ચોકડી પાસે હતા તો તેઓને સ્કૂલની બસમાં આવવું પડતું .
મેં પણ હરેશભાઈની રિક્ષા બંધાવેલી એક સમયે પણ પછી એક સ્વતંત્રતા છીનવાઇ જતી , મિત્રો સાથે રખડપટ્ટી કરવાનો સમય જ ના મળે . આથી ચોમાસુ પૂરું થતાં જ રીક્ષાની જગ્યાએ સાઇકલમાં આવી ગયો . સાઈકલમાં બહુ જ મજા આવતી જેમાં દરરોજ અમે બધા મિત્રો સાથે જ સ્કૂલે આવતા અને વળતાં પણ સાઇકલ વાંકી ચૂકી ચલાવીને ઘરે આવવાનું , આ એક મજા હતી સ્કૂલની . મારા મિત્રોમાં હું , સન્ની ભાલોડી , ધર્મેશ ભાલિયા , ડેનિશ પરસાણા અને બ્રિજેશ પટેલ . આ બધા મારા મિત્રો જ નહીં કુટુંબીજનો બરાબર હતા . દરરોજ સવારે તૈયાર થઈને બુટ પહેરતો હોય ત્યાં સન્નીની હીરો રેઝરબેક આવી જાય અને સન્ની જોર જોરથી રાડો પડે ‘ આદિ... આદિ.. એ આદિડા… ‘ અને હું બહાર જઈને ઊભો રહું એટલે સોરી બોલે . આ મારો મિત્ર સન્ની અને એની સાથે જ આ બધા મિત્રો પણ આવ્યા હોય પણ એ બધા મારા ઘરે આવીને જ જો શિયાળો હોય તો ટોપી અને જેકેટ અને મોઢે રૂમાલ બાંધતા હોય કારણ કે મારા મમ્મી ખીજાય નહિતર બધાને એટલે બીજું કઈ નહીં .
મારૂ ઘર ભક્તિનગર સર્કલ પાસે વાણિયાવાડીમાં અને આ બધા મિત્રો કોઠારીયા અને હૂડકો તરફના રહેવાસીઓ એટલે એ બધા બહુ વહેલા ઘરેથી નીકળી મારા ઘરે આવીને વાતો કરે અને મારૂ કામ ગોકળગાય જેવુ હું ધીમે ધીમે બહાર નીકળું . રસ્તામાં આ બધાના મોઢાની થોડી ઘણી ગાળો સાંભળવી પડે પણ શું કરીએ મોડુ થાય તો થાય ભાઈ . મારા ઘરેથી નીકળીને અમારું રૂટ ફિક્સ હતો . વાણિયાવાડી – ભક્તિનાગર સર્કલ – મક્કમ ચોક – પટેલ ધર્મશાળા – ભક્તિનાગર રેલ્વે સ્ટેશન – લક્ષ્મીનગરનું નાલું – ગોલ્ડકોઈન સોસાયટી અને અમારી A.G. school . સ્કૂલ આવી જાય એટલે ઝઘડો શરૂ થાય . સૌથી પહેલા વેન વાળા સાથે ઝઘડો થાય કારણ કે રસ્તામાં જ ઊભી રાખીને ઊભા હોય અમારા માટે ચાલવાની જગ્યા જ ના હોય તેના પછી પાર્કિંગમાં સિક્યુરિટી સાથે કારણ કે દરરોજ પંચર પડે એવી રીતે સાઇકલ એક બીજા પર સુવડાવીને રાખવામા આવતી . એમાં અમુક ઇંગ્લિશ મેડિયમના દૂધના ધોયેલાં સ્ટુડન્ટ્સ પણ હોય ખબર નહીં અમેરીકામાં ભણતા હોય એવી ફીલિંગ્સ સાથે ભણવા આવે અને જરાક અમથું સાઇકલમાં પંચર પડે કે તરત જ આમતેમ બૂમાબૂમ કરી મૂકે અને ખોટેખોટા પટ્ટાવાળા ભાઈને હેરાન કરતાં . આવું દરરોજ જોવા મળતું .
આ બધી વાતોને બાજુ પર રાખીએ અને મુખ્ય વાત પર કોન્સન્ટ્રેટ કરીએ તો અમારી સ્કૂલમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું . હું નવમા ધોરણમાં હતો અને બધા માનો પોતાની બધી તાકાત લગાવી દેવામાં આતુર હતા . એકદમ નવા પ્રોજેકટ સાથે સ્કૂલના શિક્ષકો પણ ખડે પગે અમને મદદ કરવા આતુર હતા . મારે ગ્રુપ બનાવવાનું હતું પણ કોઈ યોગ્ય વ્યક્તિ પણ મળવો જોઈએ ને ?? સન્ની તો અમુક કારણોસર મેરેજમા જવાનો હતો ઓરિસ્સા . બાકી વધ્યા ધર્મેશ ડેનિશ બ્રીજેશ આ બધાના ગ્રુપ બની ગયેલા હતા . અંતે અમારા ક્લાસની બાજુમાં જ A ક્લાસ હતો અમે G માં હતા આથી A ડિવિઝનના ઋષિને મેં મારા ગ્રુપમાં રાખ્યો અને ગ્લોબલ વોર્મિંગ પર પ્રોજેકટ બનાવવાનું નક્કી કર્યું . પ્રોજેકટ બની ગયો અને સાયન્સ ફેર નો દિવસ પણ આવી ગયો .
હવે સાયન્સ ફેરમાં બીજું શું શું થાય છે તેની વાત આવતા પ્રકરણમાં... મને ખબર છે તમે વિચારી રહ્યા છો કે લવસ્ટોરી ક્યાં ?? આવશે આવશે ભાઈ હજી તો સ્ટાર્ટિંગ છે... તો મળીએ આવતા પ્રકરણમાં ત્યાં સુધી આવજો...