Speechless Words CH - 16 books and stories free download online pdf in Gujarati

Speechless Words - 16

|| 16 ||

પ્રકરણ 15 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ એ. જી. સ્કૂલમાં સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. સ્કૂલની મિટિંગ અને મારી ઢોસાવાળા સાથે મગજમારી, હેનીલ સાથે ઝગડો કરવા માંગતો અમારા ક્લાસનો ડોન અંકિત, છોકરીઓને વાંચવામાં પડતી મુશ્કેલીઓ અને છેલ્લે બોર્ડ એક્ઝામ્સમાં આદિત્યનો નંબર એસ. વી. પી. સ્કૂલમાં આવે છે. જ્યાં C810506 નંબર આદિત્યની બાજુની સીટ પર લખેલો હોય છે. હવે આ નંબર કોનો છે ? શું આ નંબર દિયા કે હેત્વીમાંથી કોઈનો છે ? શું છે આ નંબર પાછળનું રહસ્ય ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

*****

આ સમય હતો, જ્યારે એકઝામ રૂમમાં અંદર જઈને જોવાની પરમીશન હતી કે તમારે કઈ બેંચમાં બેસવાનું છે ? તે તમે જોઈ શકો. અમે પગથિયાં ચડીને ઉપર ગયા. બીજા મળે રૂમ નંબર 206માં મારો નંબર C810519 પહેલી જ બેન્ચ પર બહારના કોર્નરમાં હતો અને મારી બાજુમાં નંબર C810506 હતો. હવે બીજા જ દિવસે ગુજરાતીનું પેપર હતું. વ્યાકરણ સાથે મારે પહેલેથી જ દુશ્મનાવટ છે. આથી ગુજરાતી વ્યાકરણમાં મારાથી બનતી વધુ મહેનત કરી. ગધ્યવિભાગ વાર્તાને અનુલક્ષીને પુછવામાં આવતો આથી આ વિભાગમાં મારી ખાસ્સી આવડત હતી. પધ્યવિભાગ એટલે કે કાવ્ય વિભાગમાં કવિ શું કહે છે ? આ વિચારવામાં મને બહુ મુશ્કેલી પડતી. સાલું વાર્ષિક પરીક્ષા આવી જાય તો પણ ખબર જ ના પડતી કે કવિ શું કહે છે ? અને શું કામ કહે છે ? તમને પણ તમારા ભણતર દરમિયાન આવું થયું જ હશે.

ગુજરાતીના પેપરનો દિવસ લાખો પ્રાર્થનાઓની વણજાર ભગવાન પર થઈ હશે કારણ કે બોર્ડનું આ છેલ્લું એવું વર્ષ હતું જેમાં ટોપ 10 નંબર જાહેર કરવાના હતા. તેના પછીના વર્ષ એટલે કે 2011ની સાલથી નવા નિયમો આવવાના હતા, જેમાં બોર્ડના નંબર આપવાના નહોતા. આથી આ વખતે દરેકની એવી જ ઈચ્છા હતી કે પોતાનો નંબર બોર્ડ અથવા તો કેન્દ્રના ટોપ ટેન વિધ્યાર્થીઓમાં આવે. મારી પણ હાલત કઇંક આવી જ હતી. હવે બસ આવતીકાલના દિવસની રાહ હતી.

સવારનો સુરજ ઊગ્યો, હું ફ્રેશ થઈને તૈયાર થયો. પરીક્ષામાં પેપર લખતી વખતે તકલીફ ના થાય તેના માટે હલકા ફૂલકા કપડાં પહેર્યા. લાલ નાઈટનું ટી – શર્ટ અને બ્લેક પેન્ટ અને પગમાં સ્લીપર પહેર્યા જેથી ઉનાળાના આ સમયમાં મને ગરમી ના થાય. ત્યારબાદ મારા પપ્પાએ સ્પેશ્યલી મારી એક્ઝામ માટે થોડા દિવસ નોકરીમાં પણ રાજા રાખી હતી. આથી મારી સાથે તેઓ રોજ આવતા. આજે મમ્મી પપ્પાને પગે લાગીને પછી હું પપ્પાની પાછળ તેના સ્કૂટરમાં અમે એસ. વી. પી. સ્કૂલ જવા માટે નીકળ્યા. મારા પપ્પા પાસે એ સમયે 2010 ની સાલમાં બજાજનું સ્કૂટર હતું. આ સ્કૂટરમાં આગળ મારો ભાઈ બેસી શકે તેના માટે નાનકડી સીટ પણ પપ્પાએ નાખવી હતી. આથી સમગ્ર કુટુંબ આ સ્કૂટરમાં મસ્ત સમાઈ જતું. હું, મમ્મી, પપ્પા અને ભાઈ. અમે રસ્તામાં પરીક્ષા અંગેની વાતો કરતાં કરતાં પરીક્ષા કેન્દ્ર એસ. વી. પી. સ્કૂલ પહોંચી ગયા. ઘણા બધા પોલીસ ઓફિસર્સ રાખવામા આવ્યા હતા. વિધ્યાર્થીઓને એક લાંબી હરોળમાં ગોઠવવામાં આવતા હતા. મને તો એ નહોતું સમજાતું કે ભાઈ મારો નંબર જ્યાં હોય ત્યાં જ મારે બેસવાનું હોય તો પછી આવી ભીડ શું કામ કરવી જોઈએ ? ખેર, જે હોય તે આપણે વાર્તા પણ ધ્યાન આપીએ.

હું મારી સીટ એટલે કે C 810519 પર જઈને બેસી ગયો. ધીમે ધીમે બધા વિધ્યાર્થીઓ આવવા માંડ્યા હતા. મારા ક્લાસમાં બધા જ છોકરાઓના નામ રવિ હતા. કારણ કે બેઠક વ્યવસ્થાની ગોઠવણી નામ પ્રમાણે કરવામાં આવી હતી. થોડીવાર થઈ સુપરવાઇઝર આવી ગયા. સુપરવાઇઝર મેડમે એક્ઝામ વિશેની સુચના આપવાનું શરૂ કર્યું. સુચના શરૂ હતી એટલી જ વારમાં...

“ મે આઈ કમ ઇન મેડમ ? “, ક્લાસરૂમના દરવાજા પર એક સફેદ કલરના ડ્રેસમાં આવેલી છોકરીએ પૂછ્યું.

ક્લાસરૂમના બધા જ વિધ્યાર્થીઓનું ધ્યાન આ છોકરી પર ગયું. તેના ડ્રેસ પર કાળા કલરનો દુપટ્ટો હતો અને આ ડ્રેસમાં કાળા કલરની ડિઝાઇન હતી. દેખાવ ઘઉં વર્ણો હતો અને આંગળીઓ બહુ જ મોટી મોટી હતી.

“ યસ પ્લીઝ કમ ઇન અને થોડાક વહેલા આવવાનું હો બેન “, સુપરવાઇઝર મેડમે દરવાજે ઊભેલી છોકરીને અંદર આવવા આદેશ આપ્યો.

“ નંબર ? “, સુપરવાઈઝરે બેઠક નંબર પૂછ્યો.

“ 8866... “, અંદર આવેલી છોકરીએ બેઠક નંબરના બદલે મોબાઈલ નંબર બોલવાનું શરૂ કર્યું. ક્લાસમાં બધા હસવા લાગ્યા.

“ અરે તમારો બેઠક નંબર બોલો “, સુપરવાઈઝરે ફરીવાર બેઠક નંબર પૂછ્યો.

“ ઓય રે હા સોરી, C 810506 “, આવેલી છોકરીએ બેઠક નંબર આપ્યો.

“ પાનસો છ ને ? અહીંયા પહેલી બેન્ચ પર આ ભાઈની બાજુમાં, ભાઈ તમે બહાર આવતા રહો ને બે મિનિટ, આ બેનની જગ્યા છે અંદર તરફ “, સુપરવાઈઝરે મારી બાજુનો સીટ નંબર બતાવતા મને બહાર આવીને જગ્યા આપવા કહ્યું.

હું બેન્ચની બહાર આવી ગયો અને સાથો સાથ પેલીની રિસીપ્ટમાં તેનું નામ પણ વાંચી લીધું. નામ હતું ‘રાજવી’. પિતાનું નામ અને અટક દેખાણી નહીં આથી ખબર નથી બાકી એ પણ વાંચી લેત. મારે એને જોવી હતી. કારણ કે મારી એક ઈચ્છા તો પૂરી થઈ કે મારી બાજુની સીટમાં કોઈ છોકરી આવે, ફાઇનલી આવી ગઈ આથી હું થોડોક ખુશ હતો. રાજવી, જેવુ એનું નામ એવા જ ગુણ હતા. રાજવીની બેસવાની રીત – ભાત, બોલવાની સ્ટાઈલમાં એક અલગ જ અદા હતી. રાજવી કોઈ મોટા ફેમીલી બેગ્રાઉન્ડમાંથી નહોતી, જે તેના પહેરવેશ પરથી જ વર્તાઇ આવતું હતું. ત્યારબાદ પછીના એક દિવસ અંગ્રેજીના પેપર દરમિયાન સુપરવાઇઝરની બોલવાની ભૂલના લીધે અમારી વચ્ચે પેપર દરમિયાન થોડા હસી મજાક થયા. ખબર નહીં કેમ પણ મને અંદરથી હરખનો પર ન હતો. બસ, વાંચવામાં મારૂ ધ્યાન વધારે હોય તો ત્યારે શાંતિ રહેતી બાકી બસ, રાજવીનો જ વિચાર આવ્યા કરતો. હવે, હું દસમાં ધોરણમાં હોવા છતાં આવી વાતો કરતો હોય તો સમજી શકો ને તમે કે તે સમયે મારી ફિલિંગ્સ કેવી હશે ? હું એટલો બધો ખુશ હતો કે રાતે મેં પપ્પાને એનું નામ પણ જણાવી દીધું કે પપ્પા ‘રાજવી’ નામથી એક છોકરી મારા ક્લાસમાં પરીક્ષામાં આવી છે અને બહુ મસ્ત છે. હવે, આ સમયે મસ્ત એટલે આપણને જેટલા ગુણોમાં ખબર પડતી હોય એટલું એ છોકરીમાં હોય એટલે મસ્ત બીજો કઈ લાંબો વિચાર ના આવે.

દિલ મારું માનો એક ગર્ભ બનતું જતું હતું એવું લાગતું હતું કે જાણે હવે ઈશ્ક જન્મ લેવા જઇ રહ્યો હતો. બસ, હવે તો મને આગલા દિવસના પેપરની જ રાહ રહેતી અને દરરોજ વહેલો પહોંચી મારી જગ્યા પર બેસીને તેની રાહ જોયા કરતો અને જ્યારે તે આવતી આહા... હા... હા... મજા જ આવ્યા કરે. સ્કૂલમાં છોકરીઓ તો હતી પણ ક્યારેય વાતો ના કરી હોય આથી રૂવાડા ઉભા થઈ જતાં. શરીરમાં એક અલગ પ્રકારનું કંપન થવા લાગતું. એવું લાગતું કે જાણે કઈ સારું બનવાનું છે. વિજ્ઞાનનું પેપર પૂરું થયા બાદ પછીના દિવસે સંસ્કૃતના પેપરમાં અમારા નંબર ફરવાની જાણ થતાં ક્યાંય ગમતું નહોતું. મેં મારી પહેલા તેનો નંબર જોઈ લીધો હતો. અમારો નંબર એક જ ક્લાસમાં હતો પણ બેન્ચ અલગ અલગ અને તેની બાજુમાં જ કોઈ બીજા છોકરાનો નંબર હતો. હવે, જસ્ટ થીંક આપણો ફર્સ્ટ ક્રશ હોય અને તેની બાજુમાં કોઈ બીજાને બેસવાનું થાય તો સ્વાભાવિક છે કે દુ:ખ તો થવાનું જ. હું બહુ જ દુ:ખી હતો. મને ખબર હોવા છતાં રાજવીની સાથે વાતો કરવાના બહાને મેં તેને વિજ્ઞાનનું પેપર પૂરું થતાં જ પૂછ્યું.

“ રાજવી, તારો નંબર ક્યાં આવ્યો ? “, મેં રાજવીને ધ્રૂજવાતા મને પૂછ્યું.

“ રૂમ નંબર 11 પહેલા માળે. “, રાજવીએ મને પોતાના નંબર વિશે કહ્યું.

રાજવીના શબ્દે શબ્દે પરીઓની જેમ મોતી ઝરતાં હતા. ઘણીવાર હું આંખોમાં આંખ મીલાવી તેની સાથે વાતો કરી લેતો. હવે, તો મને તેના વગર ઘડીએ તેની જ સાથે વાતો કરવાનું મન થયા કરતું હતું. રાત દિવસ બસ રાજવી જ યાદ આવ્યા કરતી હતી. હવે, સંસ્કૃતનું પેપર પણ સરસ ગયું અને મારે તેમાં 93 માર્કસ આવ્યા હતા આથી તમે સમજી શકો કે હું માત્ર પ્રેમ નામના કોઈ આકર્ષણથી અંજાયો નહોતો પણ ભણવામાં પણ ધ્યાન આપતો હતો. શું કરીએ ભગવાન ભણવાની અને પ્રેમ કરવાની ઉંમર એક જ રાખે છે. ખેર હવે છેલ્લું પેપર પી. ટી. અર્થાત સ્વસ્થ્ય અને શારીરિક શિક્ષણનું હતું. આ પેપરની વચ્ચે બે દિવસની રજા હતી આથી બે દિવસમાં સરખી તૈયારી તો કરવા જેવું પી.ટી.માં કઈ જ નહોતું પણ હા, રાજવી પાસે તેના મોબાઈલ નંબર રિઝલ્ટ માટે માંગી લેવાનો કોન્ફિડન્સ સો ટકા મારામાં આવી ગયો હતો. પી.ટી.ના પેપરની આગલી રાતે પણ હું અગાસીમાં સુતો સુતો વિચાર કરતો હતો કે કઈ પણ થાય કાલે તો રાજવી પાસે તેના નંબર લઈ જ લઇશ અને બહાનું પણ મસ્ત તૈયાર હતું કે રાજવીને એમ કહીશ કે મારા કાકાની ઓફીસમાં ઇન્ટરનેટ છે જ આથી એ ત્યાં મારૂ રિઝલ્ટ જોવાના છે તો તારું પણ મારી સાથે જોઈ લેશે. હવે પેપરનો દિવસ આવી ગયો. પી. ટી.નું પેપર હતું, વર્ષ 2010ની સાલ હતી, ટકાવારી પ્રમાણે અને બોર્ડના નંબર પ્રમાણે આપતા પરિણામની પદ્ધતિનું આ છેલ્લું પેપર હતું. મારા જ નહીં દરેક વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીઓના વાલીઓના ચહેરા પર એક અલગ ખુશી જોવા મળી રહી હતી. પેપર મસ્ત રીતે પૂરું થયું અને તેના માર્કસ પણ મને યાદ છે 47 આઉટ ઓફ 50. મને તો એમ જ હતું કે પૂરેપૂરા જ આવશે કારણ કે મસ્ત પેપર હતું અને એમાંય ઓએમઆર આન્સર કી હતી એટલે ફટાફટ ટીકમાર્ક થઈ જાય. આ કોઈ તલાટીની પરીક્ષા નહોતી કે જેમાં મારે કઈ ના આવડે તો ‘ઓપ્શન E’ ટીક કરવો પડે. ત્યારબાદ પેપર પૂરું થયા પછી શ્યુઝ બહાર કાઢેલા હોવાથી બધા બહાર નીકળીને બુટ ચંપલ પહેરતા. મારા કમ નસીબ કહો કે જે કઈ કહો. પેપર પૂરું થયું અને અમે બધા બહાર નીકળ્યા અને હું બુટ પહેરતો હતો અને રાજવી મારી પાછળથી નીકળી ગઈ. બુટ પહેર્યા બાદ મારૂ ધ્યાન ગયું તો દૂર રાજવી તેના સ્કૂલના મિત્રો સાથે પગથિયાં ઉતરી રહી હતી. ભીડ ઘણી બધી વધારે હતી, આમ છતાં હું ફૂલ સ્પીડથી પગથિયાં સુધી દોડ્યો અને ફટાફટ નીચે ઉતર્યો. મારા મમ્મી, પપ્પા અને ભાઈ મને બધા જ આજે સ્કૂલે તેડવા આવ્યા હતા પણ મારૂ ધ્યાન રાજવીને શોધવામાં હતું. મમ્મી પપ્પા મને જોઈને ખુશ હતા પણ હું બેબાકળો બનીને ચારેકોર રાજવીને શોધી રહ્યો હતો. અંતે રાજવી ક્યાં ગઈ ખબર નથી. હવે, તો મને તેનો ચહેરો પણ યાદ નથી. ખબર નહીં કદાચ મારે રાજવીનો સાથ માત્ર દસ દિવસનો જ હતો. આમ છતાં પી. ટી.ના પેપરના દિવસે રાત્રે મારા ઘરની બાલ્કનીમાં બેઠો બેઠો વિચાર કરતો હતો કે કદાચ ક્યારેક મારે રાજવીને મળવાનું જરૂર થશે.

હવે, દસમાં ધોરણનું વેકેશન શરૂ થયું. દસમાં ધોરણનું વેકેશન એટલે જિંદગીનું સૌથી મોટું વેકેશન. ત્યારબાદ તો દર વખતે એવું થયા કરતું કે કદાચ એક મોટું વેકેશન મળે અને હું ક્યાંક બહાર ફરતો આવું પણ શું થાય ? જેમ જેમ મોટા થઈએ ને એમ સમજણ શક્તિ વધતી જાય અને વેકેશન માણવાનો સમય પણ ના મળે અને કમાવવાનો શોખ દિવસે ને દિવસે વધતો જાય. મારી સાથે કઈક આવું જ થયું હતું. દસમા ધોરણનું વેકેશન શરૂ થયું અને મારા કાકાનું ઘર એટલે કે મારૂ જૂનું ઘર, અમે પહેલા ત્યાં જ રહેતા. સૌથી નાના કાકાના લગ્ન થયા અને ઘરમાં સમાવેશ થાય એમ નહોતો અને ઘર વેચવું પણ નહોતું આથી અમે નવું ઘર ખરીદ્યું. હું અને મારો મિત્ર ચિરાગ ઉર્ફે ‘ભોલ્યો’. ભોલો એટલે મારો પાકો ભાઈબંધ. અમે દરરોજ અમારી શેરીમાં દાસભાઈના ઓટલે બેસીને આખા ગામની પંચાયત કરતાં અને એમાય ભોલાને શેરીમાં નવા રેવા આવેલા શીતલ ભાભી થોડાક વધુ સારી રીતે બોલાવતા એટલે ભોલો હંમેશા શીતલભાભીને ઇમ્પ્રેસ કરવાની તૈયારીમાં જ રહેતો. ભાભીને સેવ ટામેટાંનું શાક કરવાનું હોય એટલે બહાર આવીને અમે એમના ઘર પાસે જ બેસતા એટલે અમારી પાસે આવીને ભોલાને કહે, “ ભોલાભાઈ ભરતભાઇની દુકાનેથી સેવ લઈ આવી દેશો ?”, આટલું બોલે ત્યાં તો ભોલો મોરલો બનીને કળા કરે. ભોલાએ એના મમ્મીનું કામ ક્યારેય નહીં કર્યું હોય પણ શીતલભાભીના ઘરે તો તેલનો ડબ્બો, ગેસનો બાટલો, ઘઉં આ બધુ ઉપાડી ઉપાડીને મૂકવા જતો. ઘઉં જ્યારે આવે ત્યારે હું તો અદ્રશ્ય જ થઈ એટલે જે બહાર બેઠા હોય એને પણ ભોલો પોતાની સાથે ગુણ ઉપાડવા લઈ જાય. ભરતભાઈ અમારી શેરીના કરિયાણાની દુકાનવાળા ભાઈ હતા. કરિયાણા સિવાય સિઝન પ્રમાણે બધુ જ ભરતભાઇને ત્યાંથી મળી જતું અને એમાય શ્રાદ્ધના મહિનામાં બ્રાહ્મણ જમાડે એટલે જમવાની મજા જ કઈક અલગ હતી.

અમે નાનપણમાં જ થોડાક વધુ રોમેન્ટીક હતા. આજુબાજુમાં રહેતી બધી જ છોકરીઓ કેટલી વાર ઘરની બહાર નીકળે છે એ બધી જ અમને ખબર હોય. અમારા સિવાય પણ ઘણા હતા જે અમારી જ ટીમ ગણી શકાય જેમાં વિવેક ઉર્ફ સન્ની, કુમારપાલસિંહ ઉર્ફે ટીનયો, ગોવિંદમ સ્વામી ઉર્ફે મલિંગો, પ્રતિક ઉર્ફે ચિંટુ. આ બધા જ મારા મિત્રો હતા. કામચલાઉ કહી શકાય એવા કારણ કે આ બધાના ગુણો અને મારા ગુણો ઘણા અલગ છે. આ બધા નાની ઉંમરમાં જ તમાકુ ખાતા શીખી ગયેલા અને હું રહ્યો મારા નિયમોમાં માનવવાળો મારા મોટા દાદા કહેતા ચા ના પીવી જોઈએ પણ દૂધ પીવું જોઈએ. જન્મથી લઈને આજ સુધી ક્યારેય ચા નથી પીધી. ક્યારેય કોઈ જાતનું વ્યસન નથી કર્યું. આ બધાની ભાષા અને મારી ભાષામાં પણ તફાવત તમને જણાશે કારણ કે હું આગળ જતાં અલગ જ દિશામાં પ્રવેશી ચૂક્યો હતો અને તે બધા જ ત્યાંના ત્યાં જ છે હજી પણ. મને ગર્વ છે મારા માતા – પિતા પર જેમણે હંમેશા મારા પર વિશ્વાસ રાખીને મારા શોખને પ્રાધાન્ય આપ્યું છે. હું થોડોક ઈમોશનલ થઈ ગયો નહીં ? ચાલો આગળ વધીએ.

દસમા ધોરણનું વેકેશન હતું અને હું દરરોજ કાકાના ઘરે શેરીમાં જતો અને દરરોજ મસ્ત મસ્ત સારા એવા કપડાં પહેરતો અને આ સમયમાં પપ્પાએ પોતાનો નોકિયાનો 3110 કેમેરાવાળો ફોન મને આપ્યો હતો અને આ સમયમાં બ્લૂટૂથની સિઝન હતી. હવે, આ સમયમાં જ મારા કાકાની શેરીમાં મને મળી દ્રષ્ટિ અને નેહા અને હા, આ બંનેએ જ મારી આંખે કાજલ લગાવ્યું. શું છે આ બધા પાછળની વાર્તા મળીશું આવતા પ્રકરણમાં.. આવજો જરૂર કારણ કે દ્રષ્ટિ ટ્યુશનમાં ભણવા આવવાની છે, મને સ્માઇલ આપવાની છે અને મને મજા આવવાની છે તો તમને પણ આવશે જ. ચાલો મળીએ ત્યારે...

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED