Speechless Words CH.8 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH.8

|| 08 ||

પ્રકરણ 7 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL ની પરીક્ષા આપવા માટે સ્કૂલે પોતાના પિતા સાથે આવે છે. ત્યારબાદ આ તરફ દિયા અને હેત્વી પરીક્ષા આપવા માટે ક્લાસમાં જાય છે. બીજી તરફ સ્કૂલબસમાં સ્કૂલ તરફથી બધા વાલીઓને એ. જી. સ્કૂલની નવી બ્રાન્ચ જોવા વાલીઓને લઈ જવામાં આવે છે. છેલ્લે પ્રિન્સિપાલ સર પોતાની ઓફિસમાં છાપું વાંચી રહ્યા હોય છે જેમાં દિયાનું નામ સ્વિમિંગ ચેમ્પિયન તરીકે વાંચે છે. પાછળથી માલૂમ પડે છે કે આ જ છોકરી પોતાની સ્કૂલમાં એડમિશન માટેની એક્ઝામ આપવા આવી હોય છે. હવે, હેત્વી અને દિયા પરીક્ષામાં પાસ થાય છે કે કેમ? કેવો હશે સ્કૂલનો પ્રથમ દિવસ? તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

તરત જ પ્રિન્સિપાલ સરે પોતાનું કમ્પ્યુટર ઓન કર્યું અને બધા ક્લાસમાં ચાલી રહેલી એક્ઝામને સીસીટીવીનાં મધ્યમથી જોવા લાગ્યા. કારણ કે તેમને દિયા શોધવી હતી. પ્રિન્સિપાલ સર ધ્યાનથી સ્ક્રિનમાં જોઈ રહ્યા હતા એવામાં તેણે એક લાઇટ પર્પલ કલરના ડ્રેસમાં છોકરી જોઈ અને તેણે પોતાની પાસે રહેલા ન્યૂઝપેપરનાં ફોટો સાથે સરખાવી.

“હા, આ એ જ છોકરી છે ને મેડમ? દિયા જોશી? જુઓ તો..“, પ્રિન્સિપાલ સરે પોતાના કમ્પ્યુટરની એલ. ઇ. ડી. સ્ક્રીન મિતાલી મેડમ તરફ ફેરવીને દિયાને બતાવતા પૂછ્યું.

“હા, સર આ છોકરીનું નામ જ દિયા છે”, મિતાલી મેડમે દિયાને ઓળખી જતાં પ્રિન્સિપાલ સરને કહ્યું.

“મેડમ આ સ્ટુડન્ટનું પેપર ચેક થાય એટલે રિઝલ્ટ આપતા પહેલા મને બતાવજો. કારણ કે આ સ્ટુડન્ટને ગમે એમ કરીને સિલેક્ટ કરવી છે. આમ છતાં એક વખત પેપર ચેક કરી લો, જો પાસ થઈ જાય તો કોઈ ઇશ્યૂ નથી બાકી પાસ કરી આપવાની છે. કારણ કે આપણી સ્કૂલમાં બહેનો માટેની દરેક સ્પર્ધા માટે એક – એક નિષ્ણાંત ખેલાડી છે. બસ, સ્વિમિંગ માટે એક સારા ખેલાડીની જરૂર છે. આ છોકરી આપણી સ્કૂલ માટે બેસ્ટ છે”, પ્રિન્સિપાલ સરે મિતાલી મેડમને દિયાને સ્કૂલમાં ફરજિયાત એડમિશન આપવાની ભલામણ કરતાં કહ્યું.

“સર જો તમારી અનુકૂળતા હોય તો આપણે ઉપર ક્લાસમાં પણ જઈને જોઈ શકીએ કે દિયા કેવું પેપર લખી રહી છે? અને તેના પરથી અંદાજ પણ લગાવી શકાશે.“, મિતાલી મેડમે પ્રિન્સિપાલ સરને ઉપર દિયાને એક્ઝામ લખતી જોવા આવવાનો આગ્રહ કર્યો.

પ્રિન્સિપાલ સર અને મેડમે જઈને જોયું તો દિયા બધા જ પ્રશ્નોનાં જવાબ એકદમ બરાબર લખી રહી હતી. હવે, દિયા કદાચ એ વાતથી અજાણ હતી કે આ પરીક્ષા તો માત્ર તેના માટે એક ઔપચારિકતા છે. એડમિશન તો સરે તેને તેની આવડતના લીધે જ આપી દીધું હતું.

(પરીક્ષા પૂરી થયા બાદ)

સ્કૂલની વિઝિટ પૂરી કરી અને બધા વાલીઓ પણ જી. જે. સ્કૂલથી એ. જી. સ્કૂલ પરત ફર્યા. દિયા અને હેત્વીના પિતા પણ આવી ગયા હતા. તેમણે જોયું તો બંનેની દીકરીઓ સામેથી હસતાં હસતાં પગથિયાં ઉતરી રહી હતી. આ જોઈને બંનેના પિતાને પણ હૈયે આનંદ થયો કારણ કે જે પેપર સામાન્ય રીતે અઘરું હોય છે તે પેપર પોતાની દીકરીને સહેલું લાગ્યું હતું.

“પેપર સારું હતું નહીં? મજા આવી લખવાની.“, હેત્વીએ દિયાને સ્કૂલના પગથિયાં ઉતરતા ઉતરતા કહ્યું.

“મને પણ મજા આવી લખવાની સહેલું હતું સાવ. બાય ધ વે તારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાનું છે. અહીંયા જ? આઈ મીન એ. જી. માં જ કે પછી નવી બની તે જી. જે. માં ? “, દિયાએ હેત્વીને સ્કૂલની બ્રાંચમાં લેવાના એડમિશન વિશે પૂછ્યું.

“મારૂ ઘર રૈયા ચોકડી પાસે છે તો મારે તો નજીક જી. જે. સ્કૂલ જ થશે અને ખાસ એટલે જ તો મારે આ સ્કૂલમાં એડમિશન લેવું છે અને પછી તો 11 – 12 સાયન્સ તો મારે અહીંયા જ કરવાનું છે. કારણ કે 11 – 12 સાયન્સની તો કોમન બ્રાન્ચ છે જ.“, બન્ને સ્કૂલની વાતો કરતાં કરતાં પોતાના પિતા પાસે આવી ગયા.

“કેવું ગયું પેપર?“, દિયાના પિતા કિરીટભાઇએ દિયા અને હેત્વી બન્નેને પેપર વિશે પૂછ્યું.

“મસ્ત, પપ્પા આરામથી પાસ થઈ જઈશ અને હેત્વીને પણ સારું ગયું છે.“, દિયાએ ખુશ થઈને પેપર વિશે વાત કરતાં કરતાં પોતાના પિતાને કહ્યું.

“સારું તો પછી તમારે સાથે જવાનું થશે ને સ્કૂલ?“, હેત્વીના પિતા ઉમેશભાઈએ દિયા અને હેત્વીને પૂછ્યું.

“ના, ડેડી એક્ચ્યુલી દિયાને આ એ. જી. સ્કૂલમાં જ એડમિશન લેવાનું છે, જ્યારે મારે તો જી. જે. સ્કૂલમાં એટલે આમ તો મળવું પોસિબલ નહીં થાય. છતાં કઈ વાંધો નથી અગિયાર બારમાં ધોરણમાં અને અમુક સ્પેશિયલ ઈવેન્ટમાં તો મળવાનું થશે જ. એક વર્ષ જ દૂર છીએ પછી તો આગિયારમાંથી તો સાથે જ છીએ.“, હેત્વીએ પોતાના પિતાને કહ્યું.

પ્રવેશ પરીક્ષા પૂરી થઈ. હવે રાહ હતી તો માત્ર રિઝલ્ટની જે સામાન્ય રીતે પરીક્ષા આપ્યા પછી અઠવાડિયે વિધ્યાર્થીએ વાલી સાથે સ્કૂલે આવીને નોટિસબોર્ડ પર ચેક કરવાનું હોય છે. હેત્વી અને દિયાની દસમાં ધોરણમાં એડમિશન લેતી વખતેની આ પેલ્લી અને છેલ્લી મુલાકાત હતી. ભવિષ્યની મુલાકાત વિશે તેમને જરા પણ અંદાજ નહોતો.

*

(થોડા દિવસ પછી)

પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું હતું. હેત્વી અને દિયા બન્ને પાસ થઈ ગયા હતા. અમારી સ્કૂલમાં સામાન્ય રીતે દસમું વહેલું શરૂ થઈ જતું. આથી દસમું ધોરણ એક મહિનો વહેલું શરૂ થયું હતું. ઘણા બધા નવા વિધ્યાર્થીઓ જોવા મળી રહ્યા હતા. હા, સાથે સાથે નવી નવી છોકરીઓ પણ જોવા મળતી હતી. એમાં એક અવલોકન હતું કે જો કોઈ છોકરીના વાલી છેક સ્કૂલના પગથિયાં સુધી મૂકવા આવે અને તે છોકરી ઉપર જતાં જતાં ટાટા કહેવા હાથ હલાવ્યા જ કરતી હોય તો સમજવું કે આ ‘ન્યુ સ્ટુડન્ટ’ છે. તમને હસવું આવતું હશે પણ ઇટ્સ ફેક્ટ આવું જ હતું. અમુક અમુક વાલીઓને તો પ્યુને કેવું પડે કે હવે જઇ શકો છો બાકી જો એમનું ચાલતું હોય તો છૂટવાના સમય સુધી રોકાયને પોતાની દીકરી - દીકરાની રાહ જુએ એવા વાલીઓ પણ હતા. મારી વાત થોડી અલગ હતી. હું તો પહેલા દિવસથી જ સાઈકલમાં આવતો હતો. એમાંય સાથે મિત્રો હોય એટલે જલસા જ હતા. હવે, આજે સ્કૂલનો પ્રથમ દિવસ હતો. મને યાદ છે દસમા ધોરણના પ્રથમ દિવસની તરીખ 04/05/2009 હતી અને ઇન્દ્રપ્રસ્થ નગરમાં ઘણી બધી સ્કૂલોની વચ્ચે થોડી અલગ લગતી સૌથી વધુ બ્રાન્ચ ધરાવતી રાજકોટની એક માત્ર સ્કૂલ એટલે મારી એ. જી. સ્કૂલ હતી.

આજનું વાતાવરણ થોડું અલગ હતું કારણ કે પહેલો દિવસ હતો અને તમને બીજું કઈ યાદ હોય કે ના હોય દસમા ધોરણનો પહેલો દિવસ તો યાદ રહેતો જ હોય છે અને એટલે જ મને પણ યાદ છે. ઘણા બધા નવા વિધ્યાર્થીઓની સાથે અમુક નવા શિક્ષકો પણ આવ્યા હતા. અમારો યુનિફોર્મ બોય્ઝ માટે શર્ટ અને પેન્ટ હતો અને ગર્લ્સ માટે પિનફોર્મ અને સાથે લેગીઝ જેથી હમમ... તમે સમજી શકો છો. યુનિફોર્મ નક્કી કરવાવાળાએ બધુ જ છોકરીઓના હિતમાં જ વિચારીને જ નક્કી કરેલું હશે. પહેલો દિવસ હોય આથી કોઈએ યુનિફોર્મ પહેર્યા ના હોય પણ જો દસમા ધોરણના વિધ્યાર્થીને પોતાની સ્કૂલનું નામ પણ ખબર ના હોય એ તો ગજબ કહેવાય ને ? મને આજે પણ યાદ છે, અમારા જ ક્લાસના એક વિધ્યાર્થીનો એક કિસ્સો અને ટૂંકમાં કહું ને તો અમારી સ્કૂલની બદલે બાજુની સ્કૂલમાં જઈને બેસી ગયો હતો. ક્લાસમાં પિરિયડ ચાલુ થયા પછી ખબર પડી કે હાજરીપત્રકમાં તેનું નામ જ નથી. હા, અમે પણ આ જ વિચાર કરતાં હતા. સારું, ચાલો આગળ વધીએ.

સ્કૂલનો પ્રથમ દિવસ હતો આથી નવા હોય કે જૂના બધા જ વિધ્યાર્થીઓનું કપાળમાં કંકુ ચોખા લગાવીને એક રૂપિયાની ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવતું હતું. હવે જેમ અત્યારે હું વિચારું છું એવી જ રીતે તે સમયે પણ મને તો ક્રિટિકલ વિચારો જ આવતા કે યાર, અમારા પેરેન્ટ્સ ૧૨૦૦૦ રૂપિયા વાર્ષિક ફી (૨૦૦૯ની સાલની મારી દસમા ધોરણની ફી) ભરે છે તો પછી આવી એક રૂપિયાની ચોકલેટ આપવાની ખાલી ? આમ છતાં લઈ તો લેવાની કારણ કે એક વાર જ આપતા હોય કઈક ફ્રી બાકી બધી વસ્તુની અમુક અમુક કિંમત ચૂકવવાની હોય છે. ખેર, બધા વિધ્યાર્થીઓનું કુમકુમ ચોખાથી સ્વાગત કરવામાં આવતું હતું. અમે બધા હંમેશાની જેમ હું, સન્ની, ધર્મેશ, ડેનિશ અને બ્રિજેશ સાથે સાઈકલ લઈને જ આવ્યા હતા. આજે અમારી સાથે જય અને કિશન પણ જોડાયા અને ક્લાસનો હોનહાર વિધ્યાર્થી મંથન પણ હતો.

આજે અમારે તો જૂના ક્લાસમાં જ બેસવાનું હતું જેમ કે અમે નવમા ધોરણમાં G ડિવિઝનમાં હતા, આથી આજે અમારે G ડિવિઝનમાં બેસવાનું હતું. દસમામાં G ડિવિઝનમાં ક્લાસ ટીચર ભટ્ટ સર હતા, જેની ઊંચાઈ તો તમે ગણી ના શકો અને તેમનો સ્વભાવ બધાથી સારો હતો. તેઓ ઇંગ્લિશ વિષયના શિક્ષક હતા. સામાજિક વિજ્ઞાનના શિક્ષક જયેન્દ્ર સર બધાના ફેવરિટ ટીચર હતા. તેઓ અમને વારસા અંતર્ગત પ્રકરણ ભણાવતા હતા. તેઓ બધા જ પિરિયડમાં એક જોક્સ કરતાં અને ક્લાસ જોરજોરથી હસી હસીને લોટપોટ થઈ જતો. (બે મિનિટ વિચારીને) મજા હતી એ દિવસોની.

અમારી સ્કૂલની પ્રાર્થના મને બહુ ગમતી. આંઠમાં ધોરણમાં જ્યારે મેં એડમિશન લીધું ત્યારે તો આખું વર્ષ ગોખવામાં જ ગયું પણ મને યાદ ના રહી પણ હા નવમા ધોરણમાં આખી પ્રાર્થના હું મોઢે બોલી શકતો. જેમાં સોમવારે ‘તુમ્હી હો માતા પિતા તુમ્હી હો’, મંગળવારે ‘ઇતની શક્તિ હમે દે ના દાતા’, બુધવારે ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું’, ગુરુવારે ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા’, શુક્રવારની પ્રાર્થના ‘જીવન અંજલિ થાજો’ અને શનિવારે ‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન’. બસ, આ પરફેક્ટ યાદ છે. હંમેશાંની જેમ જ આજે પ્રાર્થના પૂરી કરીને અમે લાંબા તો નહીં પણ એક અઠવાડિયાના વેકેશન પછી મળ્યા હોવાથી વાતોએ વળગ્યાં.

*

“શું કે તારી માધુરી?“, અભિષેકે કઈક જૂના દિવસોને યાદ કરતાં અસલ છોકરાઓની ભાષામાં વાત કરતાં કરતાં દિવ્યેશને પૂછ્યું.

“માધુરી ? કોણ ? આપણે કોઇની સાથે સેટિંગ બેટિંગ નથી ભાઈ ભણવા દે, દસમું ચાલુ થયું હવે તો અને તું ભાઈ તું પણ ભણવામાં જ ધ્યાન દે. આ તારી માધુરી, ક્રિશ્ના, સોનલ, અંજલી તને ક્યાંય કામમાં નહીં આવે.“, દિવ્યેશ પોતે બહું મોટો રોમિયો હતો અને આમ છતાં અભિષેકને ભાષણ આપતો હોય એમ તેણે અભિષેકને બડાઈ મારતા કહ્યું.

*

“તારે પ્રિયંક એથ્લેટિકનું શું હાલે હવે ? અને તારું સિંગિંગ ? “, મેં પ્રિયંકને તેના એથ્લેટિકની પ્રેક્ટિસ અને તેની સિંગિંગ પ્રેક્ટિસ વિશે પૂછ્યું.

“એથ્લેટિકનું તો હમણાં કઈ ડીસાઈડ નથી પણ હા, ઓપ્શન સબજેક્ટમાં હું મ્યુઝિક રાખવાનો છું.“, પ્રિયંકે સંગીતને પોતાના ઓપ્શન સબજેક્ટમાં રાખવા અંગે પોતાની ઈચ્છા દર્શાવતા કહ્યું.

“ભાઈ, આ બધુ તો તું જ કરી શકે હો, હું તો કમ્પ્યુટર રાખવાનો છું. કારણ કે મારે દસમા ધોરણ પછી ડિપ્લોમા લેવાની ઈચ્છા છે. કમ્પ્યુટર અથવા તો આઈ. ટી. એન્જિનિયર બનવું છે.“, મેં મારો કરિયર ગોલ દર્શાવતા પ્રિયંકને કહ્યું.

“આમ તો મારે પણ ઈચ્છા છે એવી પણ જોઈએ. તારું લખવાનું કેવુંક ચાલે છે ભાઈ ? સંભાળ્યું છે તું કઈક સ્ટોરી તૈયાર કરી રહ્યો છે ! “, પ્રિયંકે મારી સાથોસાથ પોતે પણ એન્જિનિયરિંગમાં જવાની ઈચ્છા દર્શાવતા કહ્યું.

“હા, એક લવસ્ટોરી લખવાનો મારો વિચાર છે. જોઈએ હવે શું થાય છે ? પણ યાર મેં અત્યાર સુધીમાં કોઈ છોકરીને પ્રેમ નથી કર્યો. વિચારું છું કે હું કેવી રીતે એક સુંદર રોમેન્ટીક લવસ્ટોરી લખી શકીશ? “, મેં પ્રિયંકને મારા વાર્તા લખવાના વિચાર માટે કહ્યું.

“તું પેલા કોઈ છોકરી સાથે વાત તો કર. પછી થોડીક ફ્રેન્ડશિપ કર પછી કઈક લવ વિશે વિચાર ભાઈ“, પ્રિયંકે મને લવ વિશે વાત કરતાં કહ્યું.

“જોઈએ કોઈ છોકરી તો મળવા દે યાર, મારા જેવી છોકરી જોઈએ છે મારે એવી આઇ ડોન્ટ થિંક અહીંયા કોઈ છે.“, મેં પ્રિયંકને અમારી સ્કૂલની છોકરીઓ વિશે કહ્યું.

*

“જો તો આવી? દેખાય તો કે જે હો”, પ્રતિકે કોઈને આવવા વિશે જોવા માટે જેનીશને પૂછ્યું.

“ઊભો તો રે પણ થોડીક વાર હજી કઈં દેખાતું નથી. લગભગ ઘણા બધા છે એટલે આવું થતું લાગે છે.“, જેનીશે પ્રતિકને કહ્યું.

દસમાં ધોરણમાં જેમ મેં પહેલા કહ્યું એમ હેડ દર્શન સર હતા જેમણે આ વખતે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના ક્લાસ જ નહીં બિલ્ડીંગ જ અલગ કર્યા હતા. બિલ્ડિંગમાં એ. જી. વિંગ-1, વિંગ-2, વિંગ-3 એવી રીતે નામ હતા. અમે ગુજરાતી મીડિયમ વિંગ-2 માં હતા. વિંગ-1 ઇંગ્લિશ મીડિયમ માટે જ્યારે વિંગ-3 નર્સરીથી 4 ધોરણ સુધીના બાળકો માટે હતું. પ્રતિક અને જેનિશ ગર્લ્સનો ક્લાસ એટલે કે સી અને એફ ડિવિઝન પાસેના પગથિયાંની દીવાલ પાસે છુપાઈને દૂરથી ક્લાસમાં જોઈ રહ્યા હતા. થોડીવારમાં ગર્લ્સના બન્ને ક્લાસટીચર મિતેશ સર અને શોભના મેડમ આવી ગયા.

“હેલ્લો બોય્સ.. શું કરો છો? “, જેનીશ અને પ્રતિકને પાછળથી સોરઠિયા સરે કહ્યું.

“સોરી સર, એક્ચ્યુયલી તમારું કામ હતું અને... બોલ ને હવે તું“, જેનીશે બોલતા બોલતા અટકીને પ્રતિક તરફ જોઈને બાકીની વાત તેણે પાસ કરી.

“હા, સર અમારે... અ.. વ.. ક્લાસ વિશે જાણવું છે. અમારે ક્યાં બેસવાનું છે? વગેરે વગેરે એટલે અમને એમ થયું કે તમને કદાચ ખબર હશે.“, આટલું પ્રતિક અટકતા અટકતા માંડ બોલી શક્યો.

દરેકનાં જીવનમાં આવી ઘટના બનતી જ હોય છે. જ્યારે તમે કઈક ખોટું કામ કર્યું હોય અથવા તો ખોટું બોકયા હોય ત્યારે આ વાત છુપાવવા માટે જ્યારે એ વાતની જગ્યાએ તમે તમારા તરફ કઈ પણ બોલવા જાઓ છો ત્યારે ચહેરા પરનો હાવ ભાવ બધું જ બદલાઈ જાય છે. હ્રદયના ધબકારામાં પણ પરીવર્તન આવે છે. આંખો ઊંચી નીચી થાય. ક્યારેક જમણી આંખ ફરકવા લાગે છે. ક્યારેક વાત કઈક બીજી ચાલતી હોય અને આપણે કઈક બીજી જ વાતોમાં જતાં રહ્યા હોઈએ. તમે પણ આવું અનુભવ્યું હશે, જો ક્યારેય ખોટું બોલ્યા હશો તો.

હવે શું થશે જ્યારે બધા સ્ટુડન્ટ્સના ક્લાસ બદલાવવામાં આવશે? આદિત્યને લખવી છે લવ સ્ટોરી પણ તેને હજી સુધી કોઈ છોકરીને લવ કર્યો નથી તો શું આદિત્ય સ્કૂલની કોઈ છોકરીના પ્રેમમાં પડશે? શું તે આરતી છે? તો દિયાનું પાત્ર શા માટે છે? હેત્વીનું કમબેક થશે કે નહીં? આદિત્યની વાત ક્યારે શરૂ થશે? આ એક લવસ્ટોરી છે તો પછી ક્યારે શરૂ થશે આ લવ સ્ટોરી બીટવિન ફ્રેન્ડશિપ? તમારા આ બધા જ પ્રશ્નો જવાબ મળશે પરંતુ આવતા અંકે...