Vacche kali rat Yogesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Vacche kali rat

યોગેશ પંડ્યા

.... વચ્‍ચે કાળી રાત !

E-mail Address :

Phone no.9377114892

દોલુભાએ પશવાને ખખડાવી નાખ્‍યો. ‘કાંઇ ખબર પડે છે કે નહીં? જો, પણે ખુંટિયા ગરી ગયા છે, તે કેટલાબધા છીંડા પાડી દીધા છે? અને અહિંયા તું નવરો બેઠો બેઠો ચલમ ફૂંક્યા કરે છે? પણ જો, આુ પડુ ગુંદી નાખ્‍યું ખુંટિયાઓએ! તને અહીં શું કામ રાખ્‍યો છે પશવા, ઘસીને ગુમડે ચોપડવા?‘

અત્‍યારેય ઝાંપલી ઉઘડવાનો અવાજ આવ્‍યો, તો ઝાકળિયા માથે બેઠેલો પશવો ઝબકીને ઉભડક પગે થઇ ગયો.

નક્કી દોલુભા આવ્‍યા કે શું?

પણ ના, દોલુભા નહોતા. આ તો જાનુભાભી હતા! જાનુભાભીએ ઝાંપલી બંધ કરી અને છમક છમક કરતા ચાલતા થયા. તેમણે પગે પહેરેલા કડલા અને કાંબીનો મધુર રણકાર હવામાં તરી આવ્‍યો.

પશવો એમને આવતા જોઇ રહ્યો.

આભ ચોખ્‍ખું હતુ અને ચાંદો પોતાનું રૂપ વેરતો રાશ‘વા માથે ચડી આવ્‍યો હતો. અહીં જાનુભાભીનું રૂપેય શરદરૂતુના ચંદ્રની ચાંદની જેવું ઝળહળ થતું હતુ. ઓઢણી ઉડી ગઇ હતી અને એમનું જોબનવંતુ શરીર ઉઘાડું થઇ ગયું હતું. અંગેઅંગમાં જાણે ઠાંસી ઠાંસીને માંસ ભર્યું હતુ. એક ચંદ્રમા ઉપર ઉગ્‍યો હતો; એક ઉગ્‍યો હતો અહીં વાડીમાં! લથબથ જોબનથી લચકતી જાનુના ચંદ્રશું રૂપ પશવાની આંખોમાં નશાનો સૂરમો બની અંજાઇ ગયું. તેને થયું : કાશ હું જાનુભાભીને પરણ્‍યો હોત તો?

  • પણ ના જાનુભાભી ક્યાં પોતાના લલાટમાં લખાયા હતા? એતો મગનના કપાળે ચોખા ચાંદલો ચોડીને આવ્‍યા હતા, પણ સાળો મગનો...
  • ક્યાં આવું વખુંભર વિસ્‍તરેલી ગોરસ આંબલી જેવા જોબનથી છલકતા જાનુભાભી અને ક્યાં સુકાઇને સલ્‍લો થઇ ગયેલા ગાંડા બાવળના ઠૂંઠા જેવો મગનો?

    જાનુભાભીના જોબનથી ગળાશ અને ખટાશ જીરવવાનું મગના જેવા લલ્લુપંજુનું કામ જ નહીં. અને પછી તો.... પશવાએ વિચાર્યું : જિંદગીની કડવાશ નક્કી જાનુભાભીની મદીલી રાત્‍યુમાં કડવા વખ જેવા ઘૂંટડા ભરીને રોમેરોમ ફરી વળતી હશે?

    અચાનક તેને ઉધરસનું ઠસકું આવ્‍યું. મોઢે ફાળિયાનો છેડો દાબી રાખ્‍યો તોય મોઢાએ શરમ ન રાખી ને જાનુની નજર, સામેના ઝાકળિયા પર ગઇ જ.

    પશવો કંઇ બોલે એ પહેલા જ ‘હાય હાય પશવાભૈ, તમે છો? હું તો બી ગઇ.‘ કહેતી જાનુએ ઝબ્‍બ કરતીકને ઓઢણી અંગ ઉપર ખેંચી લીધી. પશવાએ હસીને હા ભાભી એ તો હું કહેતા બીડી જગવી ને પછી નજર મોલ ઉપર વાળી લીધી. કડક તંબાકુની તીવ્ર વાસ ધુમાડા સાથે આસપાસ ફરી વળી.

    છાતી સમાણો બાજરો લૂંબાઝુંબ કરતો લહેરાતો હતો. હેઠલા પડામાં સોળ વરસની જોબનવંતી કાઠીયાવાડી કન્‍યકાની કેડ જેટલો ઉંચો થઇને કપાસ મલકાતો હતો. કોઇ પડેલા કેશકલાપ જેવી મગફળી પણ હવે તો પડાની જમીન ઉપર પથરાવા માંડી હતી. ફરતી ફરતી પશવાની નજર આખી વાડી માથે ફરી વળી. વાડી, કોઇ નવલી દુલ્‍હનની શૈયા જેવી દિસતી હતી!

    પશવાએ બીડીની ‘સટ‘ લીધી ને પછી ઝાળિયાથી સહેજ નીચા નમીને મગનાની ઓરડી તરફ જોયું. ઓરડીમાં ફાનસ જગ્‍યું હતું. જાનુભાભી આમતેમ આંટા મારતા જાળિયામાંથી દેખાતા હતા. પશવો, કોઇ આડશ વગરના એ ગોરાચટ્ટા મુખડાને તાકી રહ્યો. ક્યાં આ જાનુભાભી અને ક્યાં પોતાની ગૌરી? લાખ ગાડાનો ફેર પડી જતો હતો. ક્યાં પુનમનો ચાંદો ને ક્યાં કાળી ચૌદશનું આકાશ? પશવો હમણાં હમણાં નટરવરલાલ કંતરાટી પાસે શીખેલા શબ્‍દો બબડ્યો: ‘ખુદા જબ દેતા હૈ તો છપ્‍પર ફાડકે દેતા હૈ...‘

    છતા પણ ગૌરી પોતાની બાયડી હતી. અડધું અંગ! મનોમન પશવો જાનુભાભી અને ગવરીની સરખામણી કરતો હતો ત્‍યાં જ જાનુ આ બાજુ આવતી દેખાઇ. પશવા હવે ચાહીને ખોંખારો ખાધો. કે જાનુ ખડખડાટ હસી પડતા ટહુકી: ‘હવે તમતમારે નહીં બીઉં હો દિયરજી! ભલેને ગમે એટલી બીવડાવો.!‘

    ‘મને એમ કે જાનુભાભી હમણાં બી જાશે...‘ પશવો હસતા હસતા બોલ્‍યો. જાનુ એક બે પળ પશવાને તાકી રહી ને પછી બોલી : ‘પશવાભાઇ...‘

    ‘હા ભાભી બોલોને....‘

    ‘ભૂખ કેવીક લાગી છે? હું શાક લેવા ગામમાં ગઇ‘તી. હવે રોટલા માંડુ જ છું. વાળુ હમણાં જ તૈયાર થઇ જાશે. તમારે બેસી જવું છે?‘

    ‘ના રે ભાભી! તમ તમારે નિરાંતે કરજો. મારી ભૂખ કાંઇ ભાંગીય નથી જવાની કે નથી ભાગી જવાની! વાળુની મજા તો મોડેથી જ આવશે, પણ ઇ તો ક્યોકે આજે મગનો ક્યાં ગયો છે?‘

    ‘ઇ બીડી બાકસ લેવા ગામમાં ગ્‍યા‘તા તે શેઠના ડેલા બાજુ આંટો મારવાના હતા. હવે આવતા જ હશે!‘

    ‘.. તો પછી હારે હારે જ વાળું કરશું. તમ તમારે મારી ઉપાધિ કરશો નહીં. કહેતા પશવાએ ફરીને બીડીની ગડી કાઢીને એક દમદાર બીડી શોધીને જગવી. જાનુ છમ્‍મક છમ્‍મક કરતી તેની ઓરડી તરફ ચાલતી થઇ. પશવો જાનુની જમણી તરફ લચકા લેતી કમરને અને એની નીચેના માંસલ ઉલાળાને નેણોમાં નેહ ભરીને તાકી રહ્યો અને પછી ઉડતા ધુમ્રવલયમાં ખોવાઇ ગયો.

    આ અહીં આવ્‍યાને ત્રીજું વરસ જાય છે! આમ તો દોલુભા દિલના ઓલદોલ આદમી છે. અસલ ખત્રીવટ એમની નસોમાં વહે છે. આ દોલુભા ન હોત તો પોતાનું શું થાત? આમતો પગલા પુજવા લાયક તો રાજબા! નહિતર પોતાના ઘરના ખૂણાં ઉજળા ન થયા હોત. આ તો ભાગ્‍યને કરવું ને તે દિ‘ બરાબર ગઢમાં પોતાના ભાઇબંધ સમા વિરમદે પાસે જઇ ચડ્યો. બરાબર રાજબા તે દિ‘ સાસરેથી મળવા પિયર આવેલા. તે પોતાના ભાઇ વિરમદે પાસે બેઠેલા પશવાને પૂછ્યું : ‘‘કાં પશવા, અટાણે શું કરેછો તું? કાંઇ કામધંધો ગોત્‍યો કે હજીય નવરોધૂપ આંટા જ મારે છો?‘

    બરાબર એ જ વખતે દોણી લઇને છાસ લેવા આવેલા પશવાની મા વિધવા જકુડોશી બોલી પડ્યા : ‘અરે બેનબા, હજીય ઇ તો મલકના ઓટલા ભાંગે છે ઓટલા! આની કરતા તો ઉપરવાળાએ પાણો આપ્‍યો હોત તો ક્યાંક પાળિયો થઇને પૂજાત!‘‘

    રાજબા પશવા સામે તાકી રહ્યા અને બોલ્‍યા :‘મારા ઘરે આવવું છે? અમારે વાડીએ એક સારા માણસની જરૂર છે. તારી ઇચ્‍છા હોય તો હું મારા મિસ્‍ટરને વાત કરું. અહીંથી ગયા પછી બે-ચાર દિવસ પછી કહેવડાવીશ.‘

    ‘હા બહેન હા. તું બનેવી સાહેબને વાત કરી જ દેજે. એ બરાબર છે.‘ વિરમદેએ વાતને પુષ્ટિ આપી અને ચાર-પાંચ દિવસ પછી પશવો ગયો. દોલુભાએ પગથી માથા લગી તેને નિહાળ્યો ને પશવાએ દોલુભાને.દોલુભાએ જોયું કે જુવાન કસાયેલ છે. કામનો પણ છે. આ થાકશે નહીં. અત્‍યાર સુધીમાં કંઇ કેટલાયે સાથી દાડિયા આવ્‍યા, પણ કામની ભીંસ વધી તો અડધું મૂકીને હાલ્‍યા ગયા. આ એમ ભાગશે નહીં.

    દોલુભા પશવાને તાકી રહ્યા અને પશવો દોલુભાને તાકતો રહ્યો. એ ય વિચારતો હતો કે ક્યાં વીસ બાવીસ વરસના ભર્યાભાદર્યા જોબનવંતા રાજબા ને ક્યાં આયખાને અડધે સીમાડે પહોંચી ગયેલા છતાંય એક સાવજ ધરાય જાય એવું કાંઘરોટું નામખી ગયેલા પાડા જેવા દોલુભા? ભલે શરીર જળવાયું હતું પણ તોય ઉંમર થોડી અછતી રહે છે?

    હવે સમજાયું કે જે દિ‘ રાજબાને ચુંદડી ઓઢાડી તે દિ‘ રાજબા ધ્રુસ્‍કે ધ્રુસ્‍કે શું કામ રોવા માંડ્યા હતા. કેમેય કરતાં ડૂસકાં પાછા વળે જ નહીંને! અંતે માએ કાનમાં કીધું કે પશવા, રાજબા છાના રહેતા નથી. હજી તો ગઢમાં મહેમાનોનો ઘેરો છે. આ સારૂં ન લાગે. તું જા, તારાથી છાના રહી જશે. ગમે તેમ તોય તું એનો બાળગોઠિયો.

    પણ એ પહેલા તો જકુની આંખોય આંસુથી ખરડાઇ ગયેલી. કેમ ? – એ તો ન સમજાયુ ખુદ જકુને ! એક એવો વિચાર જકુના દલડામાં આવી ગયો કે પછી... પોતે જ નકારમાં માથુ ધુણાવી બેઠી.

    પશવો કડકડાટ કરતો મેડીના પગથિયા ચડીને ઉપર આવ્‍યો તો પોતાના ઓરડામાં રાજબા ઢોલિયામાં ઉંધા પડીને હિબકા ભરતા હતા. ‘રાજબા...‘ પશવો અડોઅડ આવીને બેસી ગયો. ‘રાજબા, આ શું માંડ્યુ છે ? ‘

    ‘પશવા...‘ કહેતાક‘ને રાજબા ગોઠણભેર થયાને પશવાના ખોળામાં માથુ નાખીને હિબકે ચડી ગયા. પશવાએ એમની કોમળ કાયાને મીઠા આશ્લેષમાં લઇ લીધી. રાજબા ધીરે ધીરે શાંત થતા ગયા. કેમ ન પણ થાય ? પશવો તો એમનો બાળગોઠિયો હતો. પશવો નાનો હતો ને બાપ લાંબા ગામતરે હાલ્‍યો ગયો. જકુ નાનપણથી જ રંડાણી ! પણ મુળુબાપુએ જકુને ગઢમાં આશરો આપ્‍યો. પશવો જકુની આંગળીપકડીને ગઢમાં આવતો. રાજબા પણ પશવા જેવડી જ ઉમરની ! અને પછી તો ધીરે ધીરે કરતા રાજબા જોબનમાં મહાલવા માંડ્યા. પણ તોય તે પશવાથી અળગા પડી શકતા નહોતા. વાડીએ જતા તોય પશવાને લઇનેઃ મુળુબાપુની હારોહાર સસલા, તેતરના શિકારે જતા તોય પશવો જંગલમાં એમની જોડે જ હોય. જયાપાર્વતીના વ્રતમાં રાજબા તૈયાર થઇને પૂજા કરવા ગઢમાંથી બહાર નીકળે એટલે એમને મનભરીને નિરખવાનો પહેલો વારો પશવાનો !

    માનોને કે, પશવાએ રાજબાને પગથી માથા સુધી જોયા હતા. વખુંભર વડલાની કાંખમાં ચણેલ, કુંડીમાં ધબ્‍બા... ધબ્‍બી ધૂબકાં મારતા રાજબાને વડલાની આડે સંતાઇને પશવો તેમને જોયા વગર નહોતો રહી શકતો ! પણ બન્‍નેની ચાર નજર ભેગી થતા જ પશવો ખી ખી ખી ખી દાંત કાઢતો ભાગી છૂટતો કે રાજબા હડી કાઢીને ‘લુચ્‍ચા, મને નહાતી જુએ છે ? કાંઇ શરમ જેવુ છે કે નહીં તને ગાંડિયા‘ કહી ઝડપી લઇ તેનો કાન મરડતા, પણ પછી તરત કહેતાઃ ‘લે, ચલ હવે ડાયલો થતા જરા આ.. મારા કમખાની કસ તો બાંધી દે.. યાર ! ‘ કહી પીઠ ફેરવી ઉભા રહેતા.

    પશવો એમની ગોરી ગોરી પીઠને તાકી રહેતો.

    ‘ શું જુએ છે તુ લ્‍યા ? ‘

    તમારો વાંહો...

    ‘લુચ્‍ચા, તારી નજર..‘

    પશવો હસી પડતોઃ ‘ હા રાજબા, આ તમારા સોરઠની સ્ંિહણના વાંહા જેવા વાંહાએ જ સ્‍તો મને ગાંડો કર્યો છે ને ! ‘

    ‘સાલ્‍લા નફફટ...‘ રાજબાના કાનની બૂટ લાલ થઇ જતી અને પશવાના હોઠ પર મેઘરવો રચાઇ જતો. એ ચોમાસુ પશવાના હોઠો ઉપરથી ખોબકુ-ખાબકુય થઇ જતુ પણ...

    પશવાના હાથ રાજબાના કમખાની દોઢ ગાંઠ તો વાળી દેતા પણ એ ગાંઠની હારોહાર બીજી કેટલી બધી ગાંઠો પશવાના હૈયામાંય...

    પણ એ અહીં આવ્‍યો પછી એ બધી ગાંઠ ખુલ્‍લી થઇ ગઇ. વાડીપડાનું ભાગિયું રાખીને સાથીપણુ કરતો પશવો, દોલુભા અને રાજબાની વચ્‍ચે પ્રસરી રહેલી તિરાડને જોઇ શકતો.

    રંગ ભવનમાંથી વહી આવેલી હવાની સાથે તણાઇને આવતા રહેતા રાજબાના ડૂસકાને પશવો સાંભળી શકતો. સંસારના ખરલમાં ઘૂંટાઇ રહેલી કડવાશને એણે એક-બે વાર ચાંગળૂક ભરીને ચાખીય હતી. દોલુભાની આડોડાઇ, નાગડદાઇ અને ખાઉધરાપણાને થોડું થોડું પારખ્‍યુ હતું, પણ છતા રાજબા જીવતા હતા. ‘સુખ‘ નામના મહોરાને પહેરીને જીવતા હતા. પાશવાને ઘણીવાર થતુ કે હૈયાના કોડ તો હૈયામાં ધરબીને બેસી ગયા છે. નહિતર તો કયાં એ રાજબા ને કયાં અત્‍યારના ? પાંચ-સાત વરસમાં તો રાજબા સાવ નિચોવાઇ ગયા છે જાણે..

    પશવાનો જીવ બહુ બળતો પણ... પોતે કરીય શું શકે ?

    ... વિચારધારા ખંડિત થઇ. કારણ કે, હેઠલા પડામાં કંઇક સંચળ થયો ને પશવો વર્તમાનના કાંઠે ફેંકાયોઃ દોલુભા આવ્‍યા કે શું

    ના... ના... આ તો સરકારી ફારમના ખુંટિયા ! એક આમણે લોહી પીધુ છે. આ ડાંગ લઇને દોડ્યો... ખુંટિયાની ચકળવકળ આંખ્‍યુએ દોડતા આવતા પશવાને જોઇ લીધો ને કળી ગયા. પૂંછડા ઉલાળતા ભાગ્‍યા. જોયું તો હેઠલા પડામાં ત્રણ ચાર મોટા મોટા છીંડા પાડી દીધા હતા. પશવાની આજ સવારની દોલુભા ઉપરની ખીજ ખુંટિયા ઉપર જ ઉતરી ગઇ. ચારમાંથી પાછળ રહી ગયેલા એક લંગડાતા ખુંટિયાની પીઠ ઉપર પશવો સબાસબી દેવા માંડ્યો. ખુંટિયો ગાંગરતો ગાંગરતો ભાગ્‍યો. છીંડા બુરીને પશવો પાછો વળ્યો ત્‍યારે મગન આવી ગયો હતો ને જાનુભાભી ઝાકળિયા હેઠે ઉભા હતા. પશવાની રાહ જોઇ રહેલી જાનુ પશવાને આવતો જોઇને બોલી ઉઠીઃ ‘ અરે, ઘડીકમાં આમ કયાં જતા રહ્યા‘તા પશવાભાઇ ? ‘

    ‘ આ ખુંટિયાને ગૂડવા જ સ્‍તો ! ભાભી, યાદ છે ને ? આજ સવાર સવારમાં જ દોલુભા મને કેવુ કેવુ કહેતા હતા ? સાંભળ્યુ‘તુ ને ? ‘ કહી પરોણો વેગળો મૂકયોઃ ‘કેટલા બધા છીંડા પાડી દીધા જાનુ ભાભી? ‘ જાનુ પશવાની કસાયેલ બાંહોને તાકી રહી અને બોલીઃ ‘ લો, હાલો હવે વાળુ કરવા. તમારા ભઇ રાહ જોવે છે.‘

    ‘ હા, હાલો આવુ‘ પશવો જાનુની વાજોવાજ દોરવાયો.

    વાળુપાણી કરીને પશવો ઝાકળિયા નીચે રાખેલી ખાટલીમાં આડો પડ્યો. તમરાના તમતમ અવાજ આવતા હતા. કયારેક કયારેક શેઢે બેઠું બેઠું કોઇ શિયાળીયું લાળી કરી બેસતુ હતું. કયારેક કયારેક દૂરથી ખુ:ટિયાનો ભાંભરવાનો અવાજ વાતાવરણને અને પછી પશવાનેય ચીરતો હતો. અચાનક ઓતરાદિ દ્રશ્યે વીજળી ચમકી અને મેઘો ગર્જ્યો! પશવાએ બહાર નીકળીને આભ સામે જોયુ તો ઘડીક પહેલા જ કળાતું ચોખ્‍ખું ચણાંક આભ, અત્‍યારે કાળુ કણક થઇ ગયું હતુ. ગોરંભો અચાનક જામ્‍યો હતો. આ ગોરંભો કયારે તૂટી પડે તેનું કાંઇ નકકી નહોતુ. કારણ કે બે-ચાર છાંટાય પશવા માથે પઢ્યા અને પશવાના તનબદનને જાણે ભીંજવી ગયા. ‘કોરી શરીર...‘ પશવો મનોમન બબડ્યો. લગન કર્યા એને બબ્‍બે વરહ થઇ ગયા.

    લગન ? પશવો મનોમન કરૂણતાભર્યુ હસ્‍યો. લગન નહી ! આમ તો ગવરી હારે માથા જ ભટકાડ્યા... ને આવી ગઇ બૈરી ! નહી ચોરીના ચાર ફેરા કે નહી માયરા ! નહી લગનના ગીત કે નહી જાન. આ તો દોલુભાના કહેવાથી જ છગના પીતાંબર કોળીની ગવરીને, મા અહીં જોવા આવી. ને રાજબાના આગ્રહથી કરી નાખ્‍યુ પાકકું ! શું જોઇને આમા મોહી ગઇ હશે મારી મા ? એને તો બિચારીને એમ કે દીકરાનું ઘર બંધાય. એ તો બિચારી માંડ બે મહિના એને જોવા પામી, પણ દિ‘ ઉગેને પછી તો ગવરીનું તાવડી જેવુ મોઢું જોયાનું સુખ મરે કયે પુણ્યે લખાણુ ?

    ઘણીવાર રાજબાને એકલા બેઠા હોય ત્‍યારે કહેતોઃ ‘રાજબા, આ બાયડી છે કે ભેંસ ? જરાય મન ઠરતુ જ નથી ‘

    ‘કયારેક કયારેક હલાવી લેવુ પણ પડે, પશવા. લગન થાય એટલે બધાના મન ઠરે એવુ તને લાગે છે ? પોતે રાજબા સામે જોઇ રહ્યો કે રાજબાએ નજરને નીચે ઢાળીને કહી દીધુઃ ‘નથી મન ઠરતા કે નથી તન... કયારેક કયારેક તો એમ થઇ જાય કે આની કરતા તો... ‘

    પશવો વિચારમાં પડી ગયો કે રાજબા આમ કાં બોલ્‍યા ?

    અચાનક પ્‍,ાાછલી નવેળીમાં કોઇ વાહુકિયાના ખહઙ.. ખહઙ.. પગરખાનો અવાજ સંભળાયો. પશવાએ ઉભા થઇ જોયુ. ખંભે ગોદડું નાખી એની ઉપર ડાંગ ગોઠવી હાથમાં બેટરી લઇ, એ જણે કોઇ ગાણુ લલકાર્યુ. પશવો પાછો ખાટલામાં બેઠો. ચલમ જેગવી. કડક ગડાકુની વાસ આસપાસ ફરી વળી. પેલા વાહુકિયાના ગાણાના બોલ સંભળાતા હતાઃ દૂર દૂરથી...

    ઝાંપે તારી ઝૂંપડી

    ઘાયલ ! ઝાંપે તારી ઝૂંપડી

    ઠીકને ઠેકાણે વહેલો

    આવજે અરજણિયા

    તારે મારે પ્રિત છે

    ઘાયલ ! તારે મારે પ્રિત છે

    પ્રિતના પટોળા લેતો

    આવજે અરજણિયા...

    ‘વાહ ! વાલા... વાહ ! પણ આવી પ્રિત મારા નસીબમાં કયાંથી હોય. હે ભગવાન ! પશવાએ નિહાકો મૂક્યો. વાતાવરણમાં ફરી પાછી નીરવ શાંતિ છવાઇ ગઇ. પોતે હજીય ગોરીના અને રાજબાના વિચારમાં જ ગડથોલા ખાતો હતો. ત્‍યાં જ તેનાથી સામે મગનાની ઓરડી પધોર જોવાઇ ગયુ. મગનોને જાનુભાભી એયને... જંપી ગયા હતા જાણે ? પણ ના, મનમાં પ્રતિસવાલ થયોઃ મગનો તો ઠીક ભાઇ જંપી ગયા હશે, પણ જાનુભાભીએ આ મેઘલી રાતમાં એમ કયાં જંપ વળે એમ હતુ ? હમણા બે-ચાર દિ‘ પહેલા જ પોતે જુવારના હેઠલા પડામાં કળશ્‍યે જવા નીકળેલોને બરાબર એ ટાણે જાનુભાભીય પણ...

    એવી તો ભોંઠામણ આવી ગઇને પશવાને તો ! એ તો પાછુ વળીને ભાગ્‍યો જ. પણ તેની નજરમાં આખેઆખા જાનુભાભી ચીતરાઇ ગયા જાણે ! એ ચિત્રક જાણે અત્‍યારે એની આાંખોમાં ચિતરાવા લાગ્‍યું ને જાણે-ાજાણે એમાં રંગોય પૂરાઇ ગયા. પોતાને ઘણીવાર એવુ થઇ જાય છે પણ મન, આબરૂની બીકે પાછું પડી જાય છે, પણ આજ ? રહેવાતુ નથી.

    તે મગનાની ઓરડીને એકધારૂ તાકી રહ્યો. ઝમરક દીવડો બળતો હતો. ઓરડીને કમાડ વસાઇ ચૂકયુ હતુ. અચાનક પશવો ઉભો થયો ને બિલ્‍લીપગે એ તરફ ચાલ્‍યો. હાથનો પોંચો જાય એટલો ગોખલો રાખ્‍યો હતો. ને એમાંથી એણે હળવેક લઇને નજર માંડી. ને.. તે જોતો જ રહી ગયો. મગનો જાનુભાભીના ખાટલામાં પથરાયેલા રૂપના ઢગલામા મહાલી રહ્યો હતો. જાનુભાભીય આવેશની મારી બંધ આંખે પડી હતી. ધરતી સાથે મેઘરવો ઝળૂંબી રહે બસ એમ જ મગનો... ધણીધણીયાણીની હેતની પશવો ઝાઝીવાર જોઇ ન શકયો અને વળી નીકળ્યો. તેને થયુઃ કેવી બધાની રાત્‍યુ રંગતમાં જાય છે. બસ ? એક મારા નસીબમાં જ બાયડીથી જુદુ રહેવાનું ? એક તો આ ભર્યુભર્યુ ચોમાસુ ને પત્‍ની વગરનું પડખું ? મારી જેવો હોય કોણ બીજો અભાગિયો ?

    પાણી પીને ફરીવાર એ ખાટલામાં લાંબો થયો. આંખો મીચી પણ ત્‍યાં જ એની આંખોમાં જાનુભાભીની અર્ધઅનાકૃત આકૃતિ દેખાવા લાગી. પણે એ આકૃતિ ધીરે ધીરે બદલવા લાગી. જાનુભાભીને બદલે હવે તો ગવરી જ દેખાવા લાગી. આમ ભલે ગવરી કાળી હતી પણ કામણગારી હતી. એના કામણ હજીય ઓસર્યા નહોતા. સુહાગરાતે એનું શામળુ મોઢુ ભાળીને એ દૂર હટી ગયેલોઃ અને ગવરી હસી પડેલી મોગરાની કળી જેવુઃ ‘ કાં કેમ આઘા ભાગો છો ? નહી ખાઇ જાઉ તમને ? અહીં આવો ને પડખે કેમ નથી આવતા ?

    જવાબમાં પશવાએ પાણીમાં અગ્નિ પ્રગટાવે એવો ઉનો, ફળફળતો નિહાકો નાખેલોઃ ‘બસ... એમ જ... કાંઇ નહીં ‘

    હા...! એને તો ખપતુ હતુ રાજબા જેવુ રૂપ, પણ એને બદલે પણ પછી મન વાળી લીધુ કે રાજબા તો દોલુભા જેવાના નસીબમા જ હોય ને ? આપડી જેવાના નસીબમાં થોડા હોય ? અને પછી તો હળવે હળવે આખી રાત ગવરી તન ઉપર ને મન ઉપર છવાતી ગઇ. ને છેક પગની પાનીથી તે ઠેઠ અંબોડાના ગૂચ્‍છા લગી.

    એ જોબરમઢી કાયા, અરવલ્‍લીની ડુંગરમાળા જેવો ઉર પ્રદેશ, કાળી ભમ્‍મર આંખો, લોહી-માંસથી લથબથ થતી કાયા ને કાયામાંથી આવતી કોઇ અજાણી ખાટી-મીઠી ગંધ ! એણે ગવરીને વળતી પળે જ ાસહી લીધેલીને સમાવી લીધેલી. બસ... પછી તો એ રંગીલી રાતો આવતી જ રહી પણ...

    પણ આ મૌસમમાં ગવરીથી દૂર રહેવુ પડ્યુ એ પોતાને બહુ કઠ્યુ હતુ, પણ એક રાજબાને મોઢે થઇને, એની બે આંખોની શરમને લીધે થઇને ! એવી તો ઘણીય વેળા એવુ બનતું કે રાજબાને મોઢે રહીને કરવુ પડ્યુ હતુ. રાજબાની આંખો અંદર વલવલતા વમળને એ નહોતો જોઇ શકતો ને એ વમળમાં આંગળી નાખીને બંધ વમળને તોડી નાખવા પડતા.

    પણ પોતાનું ઘર બંધાવ્‍યુ હતુ રાજબા એ ! પોતાને ધંધે વળગાડ્યો હતો દોલુભાએ. આ બંનેનો ઓશિંગણ હતો, પણ અત્‍યારે તેને ભારોભાર ખીજ ચડી ગઇ. એ ઉપરતળે થવા લાગ્‍યો. મગના અને જાનુભાભીની પ્રેમકેલિં તેની બંધ આંખોમાં રચાઇ રહી. તેના લોહીમાં કાંઇક ચૂંથાવા લાગ્‍યુ. કશુંક કરી નાખું એવી ભરતી ઉમટવા લાગી. તેલ પીવા જાય આ સઘળુ ! આ દાહોલા મારે જ કરવાના ? આ ગોલાપા મારા જ જીવતરમાં ?

    એ ઉભો થઇને બહાર આવ્‍યો ત્‍યાં જ મગનાની ઓરડીનું બારણુ ખુલ્‍યુ. એણે ચોંકીને જોયુ તો જાનુભાભી હળવાફૂલ થઇને બહાર આવ્‍યા હતા. એ જાનુને જોઇ રહ્યો કે જાનુએ ચોંકીને પૂછ્યુઃ ‘ કોણ છે ઇ ? પશવાભાઇ કે ? ‘

    ‘ હા ભાભી, હું જ. ‘

    ‘ નિંદર નથી આવતી પશવાભાઇ ? ‘ જાનુ નજીક આવતા હળવેથી બોલી.

    ‘ ના, ભાભી, આમાં નિંદર કયાંથી આવે ? ‘

    ‘ સાચી વાત છે, તમારો કાંઇ વાંક ગુન્‍હો ? ‘ આ અટાણે તો તમારી જુવાની ને અટાણે જ તે ? તમે એમ કરો, ઘરે એક આંટો મારી આવો. ‘જાનુ અડોઅડ આવી. સવારમાં નિરાંતે આવજો. દરબાર આવશે તો હું જવાબ આપી દઇશ. કરતી અડોઅડ આવીને ઉભી રહી ગયેલ જાનુના ગરમાગરમ શ્વાસને પશવો અનુભવી રહ્યો. પશવાના લોહીમાં ગરમી આવી ગઇ. ઘડીક પહેલા જ બંધ ઓરડીમાં જ જોઇ રહેલ જાનુભાભીનું અનાવૃત શરીર હવે પોતાની સામે જ હતુ અને મગનો ઉંઘમાં સરી ચૂક્યો હતો. તેના મનમાં એક ઝેરી વિચાર ફૂટી ગયો. જાનુનું જોબન તેની આંખોમાં રમવા લાગ્‍યુ. તે જાનુને એકધારી નજરે તાકી રહ્યો. અંદરથી અવાજ આવ્‍યોઃ ‘લે પશવા ! મોકો છે. આ મોકો ચૂકીશ નહી, મૂકીશ નહી હવે ! એકવાર હાથમાંથી છટકી ગયેલો મોકો ફરીવાર મળતો નથી. જાનુભાભી આજ તને ના નહી પાડે ! ‘

    પણ ના, તરત બીજો અવાજ વાંસોવાંસ આવ્‍યોઃ ‘રે‘વા દે પશવા, તો તો ભાઇબંધીના ગઢમાં છીંડુ પાડ્યો કહેવાય. મગનો ગમે તેમ તોય તારો ભાઇબંધ છે અને એ જ ગઢમાં તુ છીંડુ પાડીશ, તો તો પછી તારામાં ને ઓલ્‍યા ખુંટિયામાં ફેર શું ? ‘

    પશવાને થયુ, આ જ મન આમ કાં પાછુ પડે ? અત્‍યાર સુધી જાનુભાભીમાં ઓળઘોળ થઇ જનારૂં તન ગારોગારો કાં થઇ ગયુ ? ઘોડા જેમ હણહણતુ ખૂન ઠંડુ કેમ પડી ગયુ ?

    જાનુએ તેનું બાવડું પકડ્યુ. પશવો પાણી પતણી થઇ ગયો. ‘જાનુભાભી તમે... ? ‘

    ‘ હા પશવાભાઇ, અટાણે ટેમ છે, અટાણે તમે જીંદગી નહી માણો તો કયારે માણશો ? પછી આ રાત્‍યુ નહી આવે. તમે જાવ. બિચારી ગવરી તમારા વગર તડફડતી હશે. ‘

    ‘હા, ભાભી... ‘ પશવાએ હળહળતો નિઃશ્વાસ નાખ્‍યોઃ ‘ મને એક તમે સમજવાળા મળ્યા, પણ હું જાઉ તો કેમ જાઉ ? આવવામાં વહેલુ મોડુ...‘

    ‘ છીંડુ નહી પડવા દઉ બસ ને ? ‘ જાનુએ કહ્યુઃ ‘ હું હવે જાગુ જ છુ. તમે નિરાંતે સવારે જ આવજો. દરબાર આવશે તો જવાબ હું આપી દઇશ.‘

    ‘પણ...‘

    ‘ હવે પણ ને બણ મૂકો તડકે, અહીં તમારી આવડી મોટી ભાભી બેઠી છે પછી કેવાની ચિંતા ? ‘

    પશવો આભારવશ થઇ ગળગળો થઇ ગયો. ઘડીક પહેલા તેના મનમાં જાનુભાભી વિશે ચાલતા વિચારો માટે જાત ઉપર ઘૃણા ઉપજી. તે ચાલતો ચાલતો બબડયોય ખરોઃ ‘ હા ભાભી, આજ જરાક માટે થઇને હું જાળવી ગયો. નહિતર મારા જ હાથે મારી ભાઇબંધની વાડીમાં નકકી છીંડુ પડી જાત એ ચોકકસ...‘

    પૂરી સવા કલાકને અંતે એ ગામને સાવ છેવાડે આવેલા પોતાના તૂટલફૂટલ ઘરની સામે આવીને ઉભો રહ્યો. મનમાં થયુ, ખખડાવુ કે પછી ચોરીછૂપીથી કમાડ ઉપર ચડાવેલી સાંકળને બહારથી હાથ નાખીને ખોલીને સીધો ગવરી સૂતી છે ત્‍યાં જ પહોંચી જાઉ. એક તરંગી વિચાર તેના મનમાં ઉઠ્યો પણ પછી પોતે જ એ તરંગીપણાને લીધે હસી પડ્યો. તેણે આગળ ડગલુ પાંડ્યુ. પણ ત્‍યાં જ તે ચોંક્યો. કારણ, અચાનક એ જ પળે ખડકી ખૂલી. અંદરથી એક ઓળો બહાર નીકળ્યો ઓળાએ બહાર નીકળી આમતેમ જોયુ, પશવો ઝડપથી એક બાવળિયા આડે સંતાઇ ગયો. તેનું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યુ. ઓળો આમતેમ જોઇને પછી હડફડ હડફડ ચાલતો થયો. પશવાએ પાછળ દોડીને એક જ ઝાટકે ઓળાએ ઓઢેલો ધાબળો ખેંચી લીધો, પણ ત્‍યાં જ ઓળખાણ છતી થઇ જતા પશવો ચીખી ઉઠ્યોઃ ‘દોલુભા, તમે ? ‘

    ‘ તો તુ છો એમ ને પશવા‘

    ‘હા, દરબાર હું છુ, પણ મે તમને આવા હલકટ નહોતા ધાર્યા.

    ‘ હવે તો ખબર પડી ને ? દોલુભા નફફટ હસ્‍યા.

    ‘ હા દોલુભા, તમારા જ ખેતરના છીંડા પૂરતા પૂરતા મારા જ ઘરમાં છીંડુ પડી જશે એ મને ખબર નહોતી‘

    ‘ તારે ઇ સિવાય બીજુ કરવાનું છેય શું ? પશવા, આપણે તો ભાગિયા‘

    ‘ હા, પણ મને ઇ ખબર નહોતી કે તમે સંધાયમા; તમારોય ભાગ રાખ્‍યો છે પણ હવે આજ ઇ ભાગ હું સોંસરો જ કાઢી નાખીશ. કહી કેડ્યે ભરાવેલી છરી ખેંચી પણ એ પહેલા દોલુભાએ તેની સામે તમંચો તાકી દીધો હતો, ‘ખબરદાર પશવા, જો એક ડગલુંય આગળ વધ્‍યો છો તો...‘ અને એમણે મુઠ્ઠી બંધ કરીને પશવાને બતાવીઃ ‘ જે દિ‘નો ગઢમાં કામ કરવા મંડ્યો છો તે દુ‘ નો બે પાંદડે થયો છો. મારી હાર્ય રહીશ તો સુખી થાશ, શિંગડા ભરાવીશ તો હું તને ખેદાનમેદાન કરી નાખીશ. બાંધી મુઠી સમજીને જીવતા શીખ.

    ‘દોલુભા, તમે મને કયાંય નો નો રહેવા દીધો.‘

    ‘ ના પશવા, વાડી સુવાંગ તારી જ છે. પાછો વળી જા. માથાઢંક મોલ ઉભો છે. કયાંક ખુંટિયા બુંટિયા છીંડા પાડી દેશે તો ? ‘

    ‘ હા, પશવો મણ એક નો નિહાકો નાખીને મનમાં જ બોલ્‍યોઃ ‘ હું છીંડા બુરવા સિવાય બીજુ કરી શકુ પણ શું ? ‘ પણ વાડીના છીંડા તો બુરાઇય જાય છે પણ તમે જે મારા જીવતરની વાડીમાં છીંડુ પાડ્યુ છે ઇ થોડુ બૂરી શકીશ ? પણ પછી એ કશુ બોલી ન શક્યો. એ કશુ બોલ્‍યા વગર વાડીના રસ્‍તે ચાલતો થઇ ગયો. વીજળી ચમકી, પશવાના ગાલ સુધી રેલાઇ આવેલા આંસુના રેલાને વાડીનો રસ્‍તો તાકી રહ્યો. પશવાએ કળકળતા કાળજે પોતાના આત્‍માને પૂછ્યુઃ ‘ આ કાળી રાતનો અંત કયારે આવશે ?

    આવશે ?

    આ રાતની સવાર કયારે પડશે ?

    પડશે ?