અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૬ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૬

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: અશ્વિન મજીઠિયા

*પ્રસ્તાવના*

વાંચકોમિત્રો,શ્રી અજય
ભાઈ પંચાલનો રંગારંગ એપિસોડ આપણે સૌએ ગયા અઠવાડિયે વાંચ્યો.
શૃંગારિક લેખનશૈલી જેમની ખાસિયત છે, તેમ જ આસપાસના વાતાવરણનું અથવા ઘરના રાચરચીલાનું, કે પછી પોશાક અને દેખાવનું સુંદર સવિસ્તાર વર્ણન કરવું પણ જેમની એક બીજી ખાસિયત પણ છે એવા અજયભાઈએ અનિકેતના સ્નાનાગરનું ખુશનુમા વર્ણન કરીને તેમના પ્રકરણની શરૂઆતમાં એક અહલાદ્ક વાતાવરણ ઉભું કરી દીધું.
ત્યાર બાદ અચાનક જ એક્સેલેટર દબાવીને તેમણે વાર્તાને એવી આગવી સ્પીડ આપી દીધી કે તે ઝડપથી સડસડાટ આગળ વધવા માંડી.
રેનબો-બાર, કે જ્યાં વાર્તાના અનેક મહત્વપૂર્ણ બનાવો બન્યા છે, અને હમેશા તે એક ઇવેન્ટફૂલ જગ્યા રહી છે, ત્યાં જ અજયભાઈએ મોટાભાગના પાત્રોને લાવીને ભેગા કર્યા અને અફલાતૂન રીતે વાર્તાને ક્લાઈમેક્સ પર લાવીને મૂકી દીધી છે.
આમ ખુબ જ સંતોષજનક રીતે અજયભાઈએ પોતાનો એપિસોડ પૂરો કર્યો, તો હવે વાર્તાનું સમાપન કરવાનું કાર્ય મારા ભાગમાં આવ્યું છે.
વાર્તાના ઉત્તરાર્ધમાં ખુબ બધા બનાવો બનતા હોવાને કારણે પાછલા અમુક લેખકોએ પોતાના પ્રકરણોમાં ઘણું બધું સમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આમ કરવા જતા તેમના એપીસોડની લમ્બાઈ પણ ખાસ્સી એવી વધી પણ ગઈ હતી. તે છતાંય મારા મતે હજુયે ઘણું બાકી રહી ગયું છે કે જે મારે આ છેલ્લા પ્રકરણમાં સમાવવાનું છે, તો આ પ્રકરણની લંબાઈ પણ વધુ જ રહેવાની.
પ્રામાણિક પ્રયત્ન તો મેં કર્યો જ છે પણ તે છતાંય..તેમાં હું કેટલો સફળ રહ્યો છું તે તો આપ સૌનાં પ્રતિભાવો જ કહેશે.
તો આવો વાંચો આ વાર્તાનું સમાપન-પ્રકરણ..!

.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૧૬*

રેઈનબો બારની એક કેબીનની બહાર છુપાઈને ઉભેલો અશ્ફાક, અંદર બેઠેલા મિતુલ, ટોની, સંજુ અને સલીલની વાતો જેમજેમ સાંભળતો ગયો, તેમતેમ તેનાં મગજનો પારો ઉંચો ને ઉંચો ચડતો ગયો.
અનિકેતને કિડનેપ કરી જવાનાં આ લોકોના કાવત્રાથી તે સ્તબ્ધ રહી ગયો.
તેને સૌથી વધુ આંચકો લાગ્યો હતો, ડોકટર મિતુલને આમાં સંડોવાયેલો જોઇને, અને ગુસ્સાથી એ ધમધમી ઉઠ્યો.
આવેશ અને ક્રોધથી દોરવાઈને તે કેબીનના દરવાજા તરફ ધસ્યો, તે ચાર જણા સામે પોતે સાવ એકલો જ છે તે વાત ભૂલી જઈને તેણે કેબિનનાં દરવાજાને જનૂનપૂર્વક લાત મારી. એલ્યુમીનીયમનો ફોતરા જેવો હલકો દરવાજો તેની લાતને ખમતો ખમતો પાછળની ભીંત સાથે જઈને ધડાકાભેર અથડાયો.


"તો ડોક્ટર સાહેબ, યે હૈ આપ કા અસલી ચહેરા? ધીસ ઈઝ વોટ, યુ એક્ચ્યુલી આર?" -ભીંત સાથે અફળાયેલ દરવાજાનો ધડાકો હજી શમે, તે પહેલા જ અશ્ફાકનાં પહાડી અવાજે નાનકડી એવી કેબીનને હચમચાવી મૂકી અને અંદર મોજુદ ચારેય પુરુષોનાં હૃદય એક ધબકારો ચુકી ગયા. કોઈનેય આવું કશું થવાનો બીલકુલ જ અંદાજો નહોતો.
રેઈનબો-બારમાં તો પોતાનું જ રાજ છે, તેવું હમેશા વિચારનારો ત્યાંનો ડ્રમર સંજુ, અશ્ફાકને પોતાની કેબીનમાં જોઇને ચમકી જ ગયો. અશ્ફાકને તેણે આમ તો કેટલીયે વાર આ રેઇનબો બારમાં જોયો હશે, પણ અત્યારે, આ સમયે તે અહીં, આ કેબીનમાં શું કરે છે?

તો સલીલને આ યુવાનનો ચહેરો થોડો થોડો જાણીતો લાગ્યો. મગજને જોર દેતા, બે વર્ષ પહેલાનું બધું પણ યાદ આવી ગયું. તે છતાંયે આ યુવાનનું નામ યાદ નહોતું આવતું.
ત્રીજી તરફ ટોની તો બસ વિસ્મયથી જોતો જ રહ્યો, કે આ બધું શું થઇ રહ્યું છે.
અને મિતુલને તો…
એક, કે બસ, બે ક્ષણ લાગી અશ્ફાકને ઓળખી કાઢતા- "અરે, આ તો અશ્ફાક છે. મારો અશ્ફાક !"
તેની તો આંખો અને મોઢું બંને ખુલ્લા જ રહી ગયા.
"અશ્ફાક? અશ્ફાક તુ?" -હેરત પામી એકદમ, એક ઝટકા સાથે પોતાની ખુરશી પરથી ઉભો થઇ જઈને તે બોલી પડ્યો.

"હાં મૈં..! અશ્ફાક..!" -બોલતા બોલતા અશ્ફાકનો ક્રોધ એક જ પળવારમાં ત્રણેય હાજર પુરુષો પર ફરી વળ્યો અને અંતે મિતુલ પર જઈને ત્રાટક્યો.
"મગર..મગર..મુજે તો લગા કે તુ..તુ.."
"મર ગયા..! હાં, બહેતર યહી હોતા કે મર જાતા. તમારી આ નાપાક અસલિયતથી કાયમ માટે અન્જાન તો રહેત. જે થોડું ઘણું માન તમારા માટે મારા મનમાં હતું..તે કાયમ તો રહેત. માન તો સાહેબ ઠીક છે, બહુ ઓછું બાકી રહ્યું હતું. પણ નફરત તો નહોતો જ કરતો તમારાથી. બહુ બધા એહસાન છે ને તમારા, મારા પર..! મગર અબ? શી..! શી આઈ હેઈટ યુ. નફરત કરને લગા હું આપ સે! ઇતની હદ્દ તક આપ ગીર જાઓગે યે કભી સપને મેં ભી નહીં સોચા થા."

રૂમમાં એક સન્નાટો છવાઈ ગયો. સાવ અચાનક આ યુવાન ક્યાંથી આવી ચડ્યો તેનું જે બધાને અચરજ હતું
, તે તો સાવ વિલીન જ થઇ ગયું, કારણ રૂમમાં હાજર ચારેય જણોમાં સર્વોપરી, એવા ડો.મિતુલ સાથે જે હક્ક, જે રુઆબથી આ છોકરો વાત કરી રહ્યો હતો, તેનો આંચકો જ તેમના પેલા અચરજ કરતા ક્યાય વધુ તાકાતવર હતો.

"અશ્ફાક, મેરી બાત તો સુન."
"ક્યા સુનું? ઈન ચાર મૈલે દિલો સે નીકલતી હુઈ ગંદગી કો સુનુ? કિસી માસુમ કો તબાહ કરને કી આપ સબ કી સાજીશ સુનુ?"


પોતાની જગ્યા પર ઉભો થઇ ગયેલો મિતુલ, બે ત્રણ ડગલા ભરીને અશ્ફાકની સાવ બાજુમાં આવી ઉભો રહી ગયો. તેની આંખો છલકાઈ ઉઠી હતી.
અને તે કારણે, બે વર્ષ બાદ અચાનક જ નજરે ચડેલો અશ્ફાક, તેને સાવ ધૂંધળો દેખાઈ રહ્યો હતો. પણ તે વાતની તેને કોઈ જ પરવા નહોતી. કે નહોતી કોઈ અસર તેનાં પર, અશ્ફાકની આ બધી કડવી વાણીની. તેનાં હૈયામાં તો બસ
, એક ધરપત હતી..પોતાના અશ્ફાકને ફરી પાછો જીવતો જોયાની ધરપત.
ભલે ગમે તેવું, અને મનફાવે તેવું બોલતો, પણ તે બોલતો-ચાલતો સહી સલામત અત્યારે સામે મોજુદ છે, એટલું જ તેનાં માટે ઘણું હતું. આખરે પોતાનાં જીગરના ટુકડાને હજુયે સ્પષ્ટપણે જોઈ લેવા માટે મિતુલે પોતાની આંખો લુછી
અને સાવ સામે ઉભેલા, રોષથી લગભગ રોઈ પડેલા અશ્ફાકના ખભા પર હાથ મુકતા બોલ્યો-
"અશ્ફાક.. અશ્ફાક મારી વાત તો સાંભળ. તે છોકરો..તે અનિકેત.."
"તમને ખબર છે તમે જેની જિંદગી સાથે ખિલવાડ કરવા જઈ રહ્યા છો, તે અનિકેત કોણ છે?" -અશ્ફાકે સામો સવાલ ફેંક્યો.
.

બાજુમાં બેઠેલો ટોની સાવ જ અવાચક બનીને અશ્ફાકને જોઈ રહ્યો. તેનો બોસ જ કહી શકાય તેવા ડો.મિતુલને
, આમ સાવ અચાનક આવીને..એકદમ પોતીકા હક્કથી ખરી-ખોટી સંભળાવતા આ યુવાનને જોઈ, તે પોતાના મગજને કસી રહ્યો હતો.
‘કોણ હોઈ શકે આ? ડોક્ટરના તો કોઈ સગા, કોઈ જ અંગતજનને હું ક્યારેય મળ્યો જ નથી, તે છતાંય મને કેમ એમ લાગે છે કે આને હું ઓળખું છું?’
.
તો બીજી તરફ સલીલ અને સંજુ ક્યારનાં મૂંઝવણ અનુભવતા એકમેકની સામે સૂચક નજરે જોતા રહ્યા. આ કોઈ પારિવારિક ઝગડો લાગતા આમાં વચ્ચે બોલવું કે નહીં
, તે તેમને કંઈ જ સમજાતું નહોતું.
.

"દેખ દોસ્ત," -આખરે સલીલે ઉભા થઈને અશ્ફાકને શાંત પડવાના ઈરાદે વચ્ચે બોલવા ઈચ્છ્યું, અને અશ્ફાકની નજર મિતુલ પરથી ખસીને સલીલ પર જઈને અટકી. બસ
..પળના પચાસમાં ભાગમાં જ, બે વર્ષ પહેલા પોતાને કેટલીયે વાર મળી ચુકેલા સલીલને તે ઓળખી ગયો
અને તે સાથે જ તેનો ગુસ્સો બેવડાઈ ગયો. યસ..! સલીલ. આ તો સલીલ છે..!

“ઓ..! તો આ આ તમારો જ ચમચો છે? વાહ ડોક્ટર સાહેબ, માન ગયે આપકો. ઇતને નૌટંકીબાજ હોગે, ઉસ કા બિલકુલ હી અંદાઝા નહીં થા મુજે."
"તું..તું ઓળખે છે આ સલીલને, અશ્ફાક?" -ગુના-જગત સાથે જે સંકળાયેલ સલીલ કે જેને પોતે પણ હજી પહેલી જ વાર મળે છે તેને અશ્ફાક ઓલરેડી ઓળખે જ છે, તે વાતથી મિતુલ આંચકો ખાઈ ગયો.

"અભી તો કમસે કમ ઇતને ભોલે મત બનીએ આપ, કે આપ ઇસે નહીં પહેચાનતે. તે દિવસે તો તમે બહુ બધી મોટી મોટી શિખામણ આપતા હતા, કે આવા વંઠેલની સંગત નહીં કરવાની..સંભાળીને રહેવાનું અને બ્લાહ..બ્લાહ..બ્લાહ..! અરે, કિતના બેવકૂફ થા મૈં, કે આપ કી બાતેં સચ માન બૈઠા !"
"કયા દિવસની વાત કરે છે તું?"
"જુઓ સાહેબ, હું તંગ આવી ગયો છું તમારા આ માસુમ બનવાના નાટકથી. તમારી કોઈ ચાલ હવે મારી પર કારગત નથી નીવડવાની. અરે, યહી તો વો બંદા હૈ, કી જિસ કે મેસેજ મેરે વોટ્સઅપ પર પઢકર..જિસ કી નંગી તસ્વીર દેખ કર, આપ મુજે દુનિયાભર કી નસીહત દેને ચલે થે ઔર દુસરી ઓર અબ ઉસી કી સાથ મિલીભગત રચા કર, યે સબ? વાહ! સૌ ચૂહે માર કે બિલ્લા હજ કો ચલા થા! મીતુલજી, આ...આ...આને જ કારણે જ તમે મને તમારા ઘરથી જાકારો આપ્યો હતો ને?" -સલીલ તરફ આંગળી ચીંધી બોલતા બોલતા અશ્ફાકે ફરી સલીલ તરફ નજર ફેરવી, તો તે થંભી ગયો. આટલીવારમાં તો સલીલ કેબિનમાંથી બહાર સરકી ગયો હતો
. અને તેની સાથે પેલો સંજુ પણ !
.

પહેલીથી જ તે બંનેને આ મીતુલનો પારિવારીક મામલો લાગતો હતો. અને હવે, તેમાં પોતાની સંડોવણી પણ સાબિત થતા છોભીલો પડેલા સલીલે સંજુને ઈશારો કર્યો હતો. અને
'અહિયાં હાજર રહેવામાં હવે માલ નથી' -તેવું સમજી જઈને અશ્ફાક બોલવાનું પૂરું કરે તે પહેલા જ તે બંને કેબીનની બહાર નીકળી આવ્યા.


"જોયું? તમારા કરતૂતોની કહાણી સંભાળવાની આ બંનેમાં હિંમતેય નથી, કે નથી કોઈ પરવા. એટલે ભાગી ગયા બંને અહીંથી. આ છે..અને આવા છે તમારા સાથીદાર. સાલે, ડૂબતે જહાજ કો છોડકર ભાગને વાલે ચૂહે..!"

"બીલીવ મી અશ્ફાક. આ સંજુ અને સલીલ. આ બંનેને મારી પૂરી જીંદગીમાં સાવ પહેલી જ વાર આજે મળ્યો છું. ટ્રસ્ટ મી. તારા સમ!"

"મારી કસમ જેટલી આસાનીથી તમે ખાઓ છો, તેની પરથી જ સાફ દેખાઈ આવે છે કે, કેટલા જુઠ્ઠા ઇન્સાન છો તમે મિતુલસાહેબ! કોઈ ન મળ્યું તમને કે તમે મારી, કે જેને તમે જીવતે જીવ મારી જ નાખ્યો હતો, તેની કસમ ખાઓ છો? અરે મારી જીંદગીની જો પરવા હોત, તો આજે આ અનિકેતની જીંદગી સાથે તમે મેલી રમત ન રમતા હોત. આ અનિકેત..આ અનિકેત મારી જીંદગી છે. અને આ મારી જીંદગી કે જે તમે ખતમ કરવા પર તુલ્યા હતા, તે તો આ અનિકેતની જ દેન છે..! એ ન હોત તો હું તે જ દિવસે મરી ગયો હોત, કે જે દિવસે હું તમારું ઘર છોડીને બહાર નીકળી આવ્યો હતો આ બહારની દુનિયામાં, કે જ્યાં મારું કોઈ કરતા કોઈ જ નહોતું. અને મરવા સિવાય કોઈ બીજો માર્ગ પણ નહોતો."


"રિલેક્ષ અશ્ફાક..! થોડા શાંત હો જા." –અચાનક ટોનીએ અશફાકને વચ્ચે જ ટપાર્યો.
અત્યાર સુધી ચુપચાપ બધો ખેલ જોઈ રહ્યા બાદ અચાનક કંઇક યાદ આવતા, હવે તેનાથી ન રહેવાયું, એટલે તે વચ્ચે બોલી પડ્યો.

"અબ આપ કૌન હૈ બીચમે મુજે રોકનેવાલે?" – હવે અશ્ફાકે ટોની તરફ જોયું, અને અણગમો દેખાડતા બોલ્યો.

"તુમ કૈસે પહેચાનોગે મુજે દોસ્ત. તુમ્હારી આંખો પે તો ઉસ દિન નફરત કી પટ્ટી ચડી હુઈ થી ઔર પેટ મેં તીન-ચાર બોટલ બીયર પડી હુઈ થી. ઔર યે અનિકેત, જીસકો તુમ અપની ઝીંદગી બચાને કી ક્રેડીટ દિયે જ રહે હો, ઉસ સે તુમ મિલ હી કૈસે પાતે, અગર ઉસ રાત ઉસ હોટેલમેં બીયર કે સાથ નીંદ કી આઠ દસ ગોલીયાં એક સાથ ગટકને કે બાદ ભી તુમ બચ નહીં પાતે?"

"આ..આપ કો કૈસે પતા યે સબ?" -સ્તબ્ધ રહી ગયો અશ્ફાક. તેનો અવાજ સાવ ધીમો પડી ગયો. પેલી રેસ્ટોરાંમાં પોતે ઊંઘની ગોળીઓ ગળી ગયો હતો
, તે વાત તો કોઈ કરતા કોઈનેય ખબર નહોતી. અનિકેતને સુદ્દ્ધા નહીં. તો..તો આ ટોનીને ક્યાંથી ખબર?

મિતુલ પોતે પણ કંઈ સમજી નહોતો શકતો કે આ બધું શું વાર્તાલાપ ચાલી રહ્યો છે.

"દેખ," -ટોનીએ અશ્ફાકના સવાલનો જવાબ આપ્યા વિના પોતાની વાત જ ચાલુ રાખી- "દારૂના પીઠામાં ગઝલ-ગાયકની સાથે સાથે તેના કરતા પણ ઊંચા અવાજે જયારે કોઈ, 'ઓ દુનિયા કે રખવાલે, સુન દર્દભરે મેરે નાલે..' આવું આવું ગાય, ત્યારે ત્યાં હાજર બાકીના લોકોને તો એમ જ લાગે કે આ છોકરો નશામાં ધુત છે. પણ તે છતાંય 'કોઈક' તેની હર હરકત પર પછી બારીક નજર રાખે..ગુપચુપ તેને ટેબ્લેટ ગળતો જુએ અને પછી..ટેબલ પર માથું ઢાળી દેતોય તેને જુએ, એટલે તે તરત જ સમજી જાય કે હવે ઈમરજન્સી છે. જો ત્યારે એ 'કોઈક' ત્યાં હાજર ન હોત, તો પેલા બીયર-બારવાળા તો પોતાની દુકાન બંધ કરતી વખતે તે છોકરાને પક્કો બેવડો સમજીને રસ્તા પર ફેંકી આવત કે જ્યાં સવાર સુધીમાં તો તે પરલોક પહોચી જતે અને તેનો આ અનિકેત અહિયાં, આ લોકમાં જ રહી જતે." ટોની તો બોલતો જ
ગયો હોત, પણ મિતુલથી હવે ન રહેવાયુ-
"ટોની..ટોની, યે સબ ક્યા બોલ રહા તુ? કઈ સમજમાં આવે તેવું બોલ. મને તો કંઈ જ નથી સમજાતું."
પણ અશ્ફાકને હવે થોડું થોડું સમજવા માંડ્યું હતું.

"તો..તો..તે રાતે તમે મને..?"

"હા. મેં જ મારા કંધાનો સહારો આપીને તને તારા ટેબલ પરથી ઉઠાવ્યો હતો અને હોસ્પિટલમાં લઇ ગયો હતો ને બધી ટ્રીટમેન્ટ કરાવી હતી. અને સાંજે ફરી પાછો આવવાનો વાયદો કરીને, તને આરામ કરવાની સલાહ આપીને ત્યાંથી ગયો હતો. સાંજે ફરી પાછો હું ત્યાં આવ્યો પણ હતો. મગર ખૈર, આ અનિકેતે તારી જીંદગી બચાવી તે વાતનાં આટલા બણગા ફૂંકે છે તું, પણ જેણે વાસ્તવમાં તારી જીંદગીની દરકાર કરી હતી તેનો તો શુક્રિયા અદા કરવાની પણ તને કોઈ જરૂર નહોતી લાગી કદાચ. કારણ સાંજે હું ત્યાં હોસ્પીટલમાં પહોચું, તે પહેલા તો તું હોસ્પિટલ છોડીને નીકળી પણ ગયો હતો."
.
અશ્ફાક હવે એકદમ શાંત થઇ ગયો. તેને પેલો યુવાન યાદ આવી ગયો
, કે જે ડોક્ટર સાથે કેટલી ચીવટપૂર્વક તેની તબિયતની ચર્ચા કરતો હતો. કેટલી કાળજી લેતો હતો તે
, એક સાવ અજાણ્યા છોકરાની..! અને પોતે શું કર્યું હતું
?
તેનો ઉપકાર માનવાની વાત તો બાજુએ રહી, તે દિવસ બાદ તે યુવાનને યાદ સુદ્ધા પણ નહોતો કર્યો, કે જે આજે તેની સામે આવીને ઉભો છે.
હવે અશ્ફાક ટોનીને નજર ભરીને જોઈ રહ્યો હતો. હા
, તેનો મસીહા તો તેની સામે જ ઉભો હતો. તેની બાકીની જીંદગી ભલે અનિકેતે સંવારી હતી
, પણ બચાવી તો આ ટોનીએ જ હતી, અને આ જ હકીકત છે..!
.
ઉપકારની લાગણીએ આવેશને શાંત પાડ્યો, અને અશ્ફાક હળવે'કથી નીચે ખુરશીમાં બેસી ગયો. તેનાં ગુસ્સા સાથે કેબીનનું વાતાવરણ પણ શાંત થયું
, જેને કારણે મિતુલને ય હવે કશું વિચારવાનો અવકાશ મળ્યો. ગોવામાં રહેતો આ ટોની મુંબઈમાં અશ્ફાકનો જીવ બચાવે તે કેવી રીતે શક્ય છે
?
પણ દિમાગને થોડું જોર દેતા તેને યાદ આવ્યું કે, યસ. જે દિવસે ઝગડો થયો તે જ દિવસે પોતે ટોનીને કોઈ કામસર મુંબઈ બોલાવ્યો હતો. જો કે અશ્ફાકને તે રાતે ઘરે આવતા મોડું થયું અને તેનો ફોન પણ સ્વીચ-ઓફ આવતો હતો એટલે ચિંતાને કારણે પોતે રાતના ૧૦નાં સુમારે ટોનીને ફોન કરીને મિટિંગ કેન્સલ કરી નાખી હતી અને ઘરે જ રહી અશ્ફાકની વાટ જોવાનું પસંદ કર્યું હતું. હા, તો પોસીબલ છે કે આટલી મોડી રાતે ગોવા પાછું ફરવું શક્ય ન જણાતા ટોની મુંબઈમાં જ રાત રહી ગયો હશે. અને પછી..આ રંગીન જીવડો દિલ બહેલાવવા કોઈ હોટેલ-બારમાં ગયો હશે. ને પછી મોડી રાતે અશ્ફાક પણ ત્યાં, તે જગ્યાએ જ ગયો હોય, તો નિરાશ અને હતાશ એવા આ યુવાન તરફ ટોનીનું ધ્યાન ખેંચાયું હશે. હા, આ શક્ય છે અને આમ જ થયું હશે ને ટોનીએ અશ્ફક્ને મરતો બચાવ્યો હશે.
.
મિતુલ હવે હેત નીતરતી નજરે ટોનીને નીરખી રહ્યો. તેને કારણે જ આજે તેનો
વ્હાલો અશ્ફાક તેની નજર સામે આજે સહી સલામત બેઠો છે.
એક ક્ષણ તેણે ફરી પોતાના અશ્ફાક તરફ જોયું, કે જે વારાફરતી મિતુલની અને ટોનીની સામે જોઈ રહ્યો હતો.
તેનો ગુસ્સો ઠંડો તો પડ્યો હતો, પણ એકદમ શાંત તો નહોતો જ થયો,
"બે વરસ પહેલા દાખવેલી ઈન્સાનિયતની આટલી દુહાઈ આપો છે ટોની સાહેબ, તો આ બધી માણસાઈ હવે ક્યાં ગાયબ થઇ ગઈ છે, કે હજી અડધો કલાક પહેલા જ તમે બધા એક માસુમ યુવાનને કિડનેપ કરી તેની જીંદગી તબાહ કરવાના કારસા ઘડતા હતા?"


"જો દોસ્ત.." -હવે આખી વાતની લગામ ટોનીએ પોતાના હાથમાં જ લઇ લીધી- "આવો કોઈ પ્લાન મારો કે મિતુલસાહેબનો તો હતો જ નહીં. આ બધી ઉપજ તો આ સંજુ અને તેના સાગરિત પેલા સલીલના દિમાગની છે. તેં આખી વાત સાંભળી હોય તો માર્ક કર્યું હશે કે અમે બેઉ પહેલેથી જ આવા કાળા કામ માટે રાજી તો હતા જ નહીં. હા, છેલ્લે છેલ્લે અમે કબુલ થયા, પણ અમારે બેઉએ તો હજી મસલત કરવી બાકી જ હતી, કારણ ડોક્ટરસાહેબને હું ઓળખું છું. આટલું ભયંકર કામ કરવા તેઓ કોઈ દિવસ રાજી થાય જ નહીં, તેની મને ખાતરી છે. એટલે પછી, આ પ્લાન પર તો અમારે મોટે ભાગે ચોકડી જ મુકવાની હતી. પણ કમનસીબે અમે તેવો કોઈ ઇન્કાર કરીએ તે પહેલા જ તું તારી ધીરજ ખોઈ બેઠો અને અમારા બધાની સામે આવી ગયો. બાકી એટલું તો તું જાણી જ લે, કે આ ડોક્ટર-સાહેબે આજ દિવસ સુધી કોઈ ગલત કામ નથી કર્યું, અને.."

"હેહેહેહે.. હા, અનિકેતના પેલા ગંદા ફોટા પાડીને તેને બ્લેકમેઈલ કરવો તે કોઈ ગલત કામ નહીં પણ એક નેક હતું..! હહાહાહા !"

"યસ, આઈ એગ્રી. તેઓ લાલચમાં સરી ગયા છે અને મેં પણ તેમને સાથ આપ્યો જ છે. કારણ હું હરદમ તેમની સાથે જ છું. ક્યારેય પણ, ક્યાંય પણ, અને કોઈ પણ સંજોગોમાં. પણ હા, તેનું કારણ હું નથી જાણતો કે આટલા વર્ષોમાં નહીં, ને હવે કેમ આ ડોક્ટર-સાહેબ આટલા લાલચુ થઇ ગયા છે." -કહીને ટોનીએ મિતુલ તરફ પ્રશ્નાર્થભરી નજર નાખી, જાણે કે તેમના જવાબની રાહ જોઈ રહ્યો હોય.

"ટોની, હવે તારાથી શું છુપાવું..! આટલા વર્ષોથી આપણે બંને સાથે છીએ. મારી બધી જ વાતોથી તું વાકેફ છે. પણ બસ આ અશ્ફાકથી વાકેફ નથી, કારણ આ એક એવું દર્દ હતું કે જે હું કોઈ કરતા કોઈ સાથે શેઅર કરી જ નથી શક્યો. બે વરસ પહેલા તને યાદ હોય તો, કેટલીયે વાર તું મને પૂછતો કે ડોક્ટરસાહેબ કેમ આટલા ઉદાસ અને ખોવાએલા રહો છો હમેશા?”

"હા હા, મને યાદ છે."

"પણ હું વાત ઉડાવી નાખતો. ક્યારેય નથી કહ્યું કે મારા જીવનનો જે એક મક્સદ હતો, મારા જીવવાનું એકમાત્ર કારણ જે હતો એવો મારો યાર, મારો દોસ્ત, મારો પ્રેમી, મારો દીકરો. આ બધાયને એકાએક, એક સાથે જ હું ખોઈ બેઠો છું. આ છોકરો..અત્યારે આપણી સામે જે બેઠો છે તે..કદાચ જાણતોય નહીં હોય. અને જાણતો હશે તો માનતોય નહીં હોય, પણ મારી સહુથી વ્હાલી વ્યક્તિના સોગંદ ખાઈને હું કહું છું કે તેને ઉગતો જોવામાં, તેના ઉજ્વળ ભવિષ્યના સપના જોવામાં, તે સપનાઓને સાચા કરવામાં જ મારા જીવનના વર્ષો ખર્ચાઈ જતા હતા. અને આમ થતું જોવામાં મને આનંદેય આવતો કે હું મારી આ ફરજ કેટલી વ્યવસ્થિત રીતે પૂરી કરી રહ્યો છું. અને પછી તે જ છોકરો, સાવ અચાનક જ..એક રાતે એક નાની એવી વાતને આટલું મોટું સ્વરૂપ આપીને પોતાની ડેથ-નોટ લખીને એવી રીતે નીકળી જાય, કે તેને ક્યાય શોધવો જ શક્ય ન હોય, તો માણસ કરે પણ શું, ટોની..?"

"યસ સર. પણ આ અશ્ફાક તમારી સાથે રહેતો હતો તે વાતની મને તો કોઈ ખબર જ નહોતી."

"ટોની, આ રીલેશન..આ સંબંધ જ એવો છે, કે આ છોકરો મારા ઘરે આટલા મહિનાઓથી રહેતો હતો તે હકીકત હું કોઈ પાસે ખુલ્લી કરી શકતો નહોતો. અરે, શું કહેત હું બધાને કે આ કોણ છે? યાર, અમારો ધરમ અલગ, અમારું શહેર અલગ ને અમારી ઉમરનો તફાવત એટલો જબરદસ્ત..કે કોઈ ને એમ પણ ન કહી શકું કે આ મારો ફ્રેન્ડ છે. અને આવો સાવ જ અંગત-જણ જયારે મને છોડીને ગુમનામીના અંધારામાં વિલીન થઇ જાય તો કોની મદદ માગવી મારે તેને શોધવામાં? અરે કોઈને એક અણસાર સુદ્ધા નહોતો કે આવું મારું કોઈ ખાસ અંગત મારા જીવનમાં અસ્તિત્વ પણ ધરાવે છે. ટોની..તને અંદાજો નહીં આવે કે ત્યારે હું કેટલો હેલ્પલેસ અને કેટલો ડીસઅપોઈન્ટેડ થઇ ગયેલો. મારા જીવનનું એકમાત્ર મકસદ સાવ અકાળે જ ખત્મ થઇ ગયું હતું, અને આ વાત હું કોઈને કહી સુદ્ધા નહોતો શકતો. કેન યુ ઈમેજીન માય મેન્ટલ પોઝીશન એટ ધેટ ટાઈમ?"


"મિતુલ સાહેબ.." -અશ્ફાક ધીમે અવાજે કંઇક બોલવા ગયો, પણ તે આગળ બોલે તે પહેલા જ ટોનીએ આડો હાથ દઈ તેને શાંત રહેવાનો જાણે કે આદેશ આપ્યો અને પોતે જ બોલ્યો-
"યસ સર"

"તો ટોની, મારા જીવનનું મકસદ આમ સાવ ખત્મ જ થઇ ગયું. એટલે આખરે જીવવા માટે મારી સામે મેં એક બીજું મકસદ ઉભું કરી લીધું. અને તે હતું આ નાની એવી મારી બિસ્માર હોસ્પિટલને અદ્યતન અને આલીશાન બનાવવાનું મક્સદ, કે જેનાં માટે હું દિન-રાત તનતોડ મહેનત કરવા લાગ્યો. પણ તકદીર હર વક્ત સાથ નથી દેતી દોસ્ત. અને આમેય મારો સાથ તો તેણે ક્યારેય નથી આપ્યો. પુષ્કળ ફરિયાદો છે યાર મને તો મારી કિસ્મતની બાબતમાં. અને આ જ બધી ફરિયાદોએ પછી અદેખાઈનું સ્વરૂપ લઇ લીધું. કિસ્મતની દેવી તો હંમેશા મહેરબાન હતી મારા નાના ભાઈ અનીલ પર. એ ભાઈ કે જે મારી કરતા કોઈ પણ રીતે ચડિયાતો નથી. ડીગ્રીમાં કે અનુભવમાં..શેમાંય નહીં. તે છતાંય..તે છતાય સફળતા અને સમૃદ્ધિ હરદમ તેના કદમ ચુમતી રહી. પૈસાની કાયમની તંગીમાં પછી મને એક કરોડ રૂપિયા મળવાના ખુબ ઉજળા સંજોગો ઉભા થયા. મારા એક દોસ્ત કેતન પટેલનો દીકરો બધી જ રીતે હેન્ડસમ અને હાઈલી કલ્ચર્ડ છે અને મારી ભત્રીજીને બધી રીતે સુટ થાય છે. પણ તેમાંય મારી કિસ્મત વચ્ચે લઇ આવી આ અનિકેતને. મારી તો જો કે કોઈ જ દુશ્મની નહોતી આ અનિકેત સાથે, પણ નસીબે અમને બંનેને એકમેકની સામસામે લાવીને મૂકી દીધા. ફરી પાછો આ કિસ્મતનો કહેર નહીં, તો બીજું શું? ટેલ મી ટોની, ટેલ મી..! બાકી હા, જો આ મારો જીગરનો ટુકડો મારી સાથે જ રહ્યો હોત, તો મને બીજા કોઈ મકસદ..કે શેનીય પરવા ન હોત. હું ક્યારેય એવું કોઈ કામ ન કરત જેને લીધે મારા આ છોકરાને શરમિંદો થવું પડે, કે જેમ તે અત્યારે થઇ રહ્યો છે." મિતુલ બોલતો ગયો પણ એક વખતેય તેણે અશ્ફાક તરફ નજર પણ ન નાખી, અને એક અશ્ફાક હતો
કે જે એકીટશે તેના ડોક્ટર સાહેબને બસ..નીરખી જ રહ્યો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ રહી હતી અને પસ્તાવો તેની આંખ વાટે વહી રહ્યો હતો.
.
"લાલચુ હોવાનો સવાલ હમણાં જ તેં મને પૂછ્યો છે ટોની, તો હવે પૂછ આને..આ છોકરાને કે આટલો વખત તે મારી સાથે રહ્યો પણ ક્યારેય તેને મારી આવી લાલચનો કોઈ અનુભવ થયો છે ખરો? અરે, એક સાવ જ અજાણ્યો પણ એકદમ માલદાર મા-બાપનો બિલકુલ જ અનાથ એવો એક નાનકડો છોકરો..! બહારગામથી અહીંયા આવીને મારી પર તેણે સાવ આંધળો વિશ્વાસ મુક્યો હતો. હું જો ત્યારે લાલચુ હોત તો તેની બધી મિલકત છીનવી, મારા નામે કરી ને તેને હાકલી મુક્યો હોત બહાર. તો શું કરી શકત તે એવડી નાની ઉમરે? પણ ના, મેં એવું કંઈ ન કર્યું.
તો શું કર્યું મેં? એક બિલકુલ અજાણ્યા છોકરાને દીકરો માની તેની પર બાપનું હેત વરસાવ્યું. તેને એકલતા કોરી ન ખાય, નિરાશા ભરખી ન જાય, તે કોઈ આડે રસ્તે ચડી ન જાય તે માટે મારા ઘરમાં મારી દેખરેખ હેઠળ જ રાખ્યો. મારી સાથે રહી રહીને પછી મારી આર્થિક તંગીનો તો તેને પૂરો ખ્યાલ જ આવી ગયો હતો. પણ પૂછ આ નાદાન છોકરાને..પૂછ એને..કે છેતરવાની તો વાત બાજુએ રહી, કોઈ દિવસ મેં તેની પાસે લોન તરીકે ઉછીના પૈસાયે ક્યારે માગ્યા છે? અરે, તે સામેથી મદદ માટે હાથ લંબાવતો તો હું શું કરતો? હું પાંચ વાર ના પડું, તો એ છ વાર આગ્રહ કરે. હું પંદર વાર ના પાડું, તો એ સોળ વાર આગ્રહ કરે. અને આખરે, હારીને હું તેની મદદ સ્વીકારતો. પણ જવા દે આ બધી વાતો. જ્યાં મારો જ દીકરો મને ઓળખી ન શક્યો તો તારી પાસે ફરિયાદ શું કરવી?"
લાગણીસભર ઉત્તેજનામાં આટલું લાંબુ એક શ્વાસે બોલ્યા બાદ પળવાર વિસામો ખાતા મિતુલે આખરે કેટલીય વાર બાદ અશ્ફાક સામે જોયું તો અશ્ફાકની આંખો નિરંતર વહી રહી હતી.

"ડોક્ટર સાહેબ, તે રાતે હું થાપ ખાઈ બેઠો." -અશ્ફાકે પોતાની વહેતી આંખો નીચી રાખીને જ કંઇક બોલવા ઈચ્છ્યું- "મને તમારી આંખોમાં એક બાપના વ્હાલ કે તેની દરકાર ને બદલે એક પ્રેમીની અદેખાઈ નજર આવી, અને.."

"પ્રેમીની અદેખાઈ? અશ્ફાક..અશ્ફાક શા માટે આ ટોનીની સામે આપણી અંગત બાબતોને ખુલ્લી કરવા મજબુર કરે છે તું મને? આપણા બંનેના સેક્સ-સંબંધો તો તે પહેલા જ..કેટલાયે મહિના અગાઉ..ઓછા થઇ થઇ ને સાવ અટકી જ ગયેલા તે વાત તું ભૂલી ગયો? ટોની, તને તો ખબર છે ને કે મર્દોને છોડીને મને કોઈ દિવસ નાના કિશોરો તરફ કોઈ એટ્રેક્શન રહ્યું છે? પણ હા, આ છોકરા તરફ નસીબ જોગે, તે રાતે હોસ્પીટલમાં હું આકર્ષાયો હતો કે જયારે તે તેની બીમાર અમ્મીના ઈલાજ માટે ત્યાં રાત રોકાયો હતો..અને તેણે પણ ત્યારે એકદમ પોઝીટીવ રિસ્પોન્સ આપ્યો હતો એટલે થોડો સમય માટે અમારા આ ફીઝીકલ રીલેશન્સ ચાલુ રહ્યા, પણ જેમ જેમ અમે નજીક આવતા ગયા, તેમ તેમ મારી વાસનાનું સ્થાન મારું વાત્સલ્ય લેતું ગયું. આ ફીઝીકલ સંબંધ તો એક નિમિત્ત હતું બે અજાણ્યા જીવોને સાવ નજીક લાવવાનું. પણ જેવા અમે ઈમોશનલી એટેચ્ડ થઇ ગયા કે સેક્સ તો અમારા સંબંધોમાંથી ધીમે ધીમે સાવ ખતમ જ થઇ ગયું હતું. ને તે વાત આ છોકરો સારી પેઠે જાણે છે અને તે દિવસે પણ તે જાણતો જ હતો. તો આમાં પ્રેમીની અદેખાઈ ક્યાં આવી? સલીલ જેવા સડક-છાપ મર્દ સાથે તેને ક્લોઝ થતો જોઇને તેને વારવાનો હક્ક પણ આ મૂરખ છોકરાએ મને ન આપ્યો ટોની. ને હવે તું સાંભળે છે ને એની વાતો?”

બસ..આટલું પુરતું હતું. હવે અશ્ફાકનાં સંયમનો બાંધ કડડભૂસ થઇ ગયો ને તે રડવા માંડ્યો..ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. ટોની ઉભો થઇને તેની પાસે ગયો અને તેની પીઠે હાથ પ્રસરાવવા લાગ્યો
, તો અશ્ફાક ઉભો થઇને ટોનીને વળગી પડ્યો.
"યસ..યસ..આઈ એગ્રી કે હું મૂરખ છું. માણસ પારખવામાં મારા જેવી ભૂલ તો કોઈ મૂરખ જ કરે." -ટોનીના ખભામાં મોઢું છુપાવી અશ્ફાક ત્રુટકત્રુટક સ્વરે બોલતો રહ્યો ને ટોની તેને હૈયા સરસો ચાંપીને સાંત્વના દેવાનો પ્રયત્ન કરતો રહ્યો.

મિતુલે અશ્ફાકને રડતો સાંભળ્યો પણ તોયે તેની સામે તેણે એક નજર કરીને પણ ન જોયું-
"મૂરખ નહીં તો બીજું શું કહું. અરે બીજે દિવસે સવારે શું બધી વાત શાંતિથી ન થઇ શકી હોત. કંઈ પણ કહ્યા કારવ્યા વગર આમ તે કંઈ ભાગી નીકળાય, કે પાછળ વાળો તને શોધી પણ ન શકે અને જિંદગીભર બસ એમ જ માનતો રહે કે તું...તને થોડો ઘણો ય ખ્યાલ છે કે ત્યાર પછી મારી હાલત શું હશે?"
.
અશ્ફાક હવે સાવ શરમિંદો થઇને રહી ગયો. પોણા છ ફૂટનો આ પહાડ શરમથી પીગળી પીગળીને જાણે પાણી-પાણી થઇ રહ્યો.
અજાણતા જ ડોક્ટર-સાહેબે તેને તેની ભાગેડુ વૃત્તિનો અહેસાસ કરાવી દીધો.
જરા એવી કોઈ સમસ્યા આવે તો તેનો સામનો કરવાની બદલે ભાગી છૂટવું તે પોતાના સ્વભાવમાં
જ હોય તેનો તેને હવે અહેસાસ થવા લાગ્યો. હજી પંદર દિવસ પહેલા જ અનિકેત સાથે બોલાચાલી થઇ તો વહેલી સવારમાં ઉઠીને..અનિકેતને કીધા વિના..તેને ઊંઘતો મુકીને પોતે રાજકોટ ભાગી જ ગયો હતો ને..! અને મિતુલની જે અદેખાઈની વાતને પોતે આટલું મોટું સ્વરૂપ આપી દીધું હતું બે વરસ પહેલા તેવી જ અદેખાઈ શું પોતે નહોતી દેખાડી? અનિકેત પ્રણાલીને એકાંતમાં મળવાનો છે તે વાત જાણીને, 'પોતાને તાવ આવે છે' તેવું બહાનું બતાવી પોતે અનિકેતને તરત જ ઘરે બોલાવી લીધો હતો, તે શું પોતાની અદેખાઈ નહોતી..! મિતુલની ધારદાર વાણીમાં રણકતી સચ્ચાઈ અશ્ફાકને સાચે જ તેની ભૂલોનો અહેસાસ કરાવી ગઈ.
.

ગુનાહિત લાગણીઓથી ગુંગળાઈને અશ્ફાક હવે ટોનીથી અળગો થયો અને ધીમે પગલે કેબીનની બહાર તરફ જવા લાગ્યો.
"ક્યાં જાય છે?" -તેને જતો જોઈ મિતુલ ચોંકી ઉઠ્યો.

પણ અશ્ફાકે હવે ઝડપ વધારી તો મિતુલ તેની પાછળ દોડ્યો.
"તને પૂછું છું. ક્યાં જાય છે હવે? ચલ..ઘરે ચાલ હવે છાનો માનો." -મિતુલ એકદમ તેની સામે જઈને તેનાં રસ્તા વચ્ચે ઉભો રહી ગયો એટલે અશ્ફાક થંભી ગયો.


"નહીં ડોક્ટર-સાહેબ, બસ એક વિનંતી છે. અનિકેતને હવે કંઈ ન થાય એટલું જો જો અને મને મને જવા દો હવે પ્લીઝ." -અશ્ફાકે મિતુલની સામે જોયા વગર જ કહ્યું.

"અરે ટોની.." -મિતુલે અશ્ફાકનો હાથ હવે કસીને પકડી લીધો અને ટોનીની તરફ જોઇને બોલ્યો- "આ છોકરો તો સાવ ચક્રમ થઇ ગયો છે એને કંઈ સમજાવ. આમ સાવ પોતાનું ઘર મૂકીને..હવે તો બધી વાતની ચોખવટ પણ થઇ ગઈ છે..તો હજી શું પેટમાં દુઃખે છે તેને ?"

"ટોની સાહેબ, પ્લીઝ મારા અનિકેતને..." -અશ્ફાકે મિતુલની વાત પર ધ્યાન ન દેતા..બસ નીચે જ જોતા રહીને પોતાનું રટણ ચાલુ રાખ્યું.


"હા ભાઈ હા, આજથી તારો અનિકેત તે મારો પણ અનિકેત. હવે તું મને જીવતો જાગતો મળી ગયો છે તો મને મારી હોસ્પિટલનીયે કંઈ નથી પડી. ભલે રહી જેવી છે તેવી ખખડધજ. આઈ ડોન્ટ કેર. પણ તું ચાલ ઘરે !" –મિતુલ અશ્ફાકનો હાથ છોડવા તૈયાર નહોતો.


"પ્લીઝ, ડોક્ટર સાહેબ.."અશ્ફાક
હજી કંઈ આગળ બોલે તે પહેલાં જ આખરે હવે ટોની બોલ્યો-
"અશ્ફાક, ટ્રાઈ ટુ અન્ડરસ્ટેન્ડ. તારો એ દોસ્ત હવે મેરેજ કરવાનો છે. તેને તેના રસ્તે જવા દે..સુખી થવા દે તેને યાર. અને તેના મેરેજ પછી તારે એકલા એકલા દુઃખી થવાની શું જરૂર છે? પાછો આવી જા ને ડોક્ટર સાહેબને ત્યાં. કેટલું સમજાવે છે તને. વાતને સમજ ને, દોસ્ત..!"


"અશ્ફાક, એ અશ્ફાક !" -મિતુલે જાણે તેને ઊંઘમાંથી ઢંઢોળતો હોય તેમ હચમચાવી મૂકી પોતાની સામે જોવા માટે મજબૂર કર્યો.
અને બંનેની આંખો આખરે ચાર થઇ, બે આંખમાં નર્યું વાત્સલ્ય તો બીજી બેમાં ફક્ત પસ્તાવો. એકબીજાની સામે જેવું જોયું
કે બંને એકમેકને વળગી પડ્યા, અને શેનીયે પરવાહ કર્યા વગર છૂટથી રડવા માંડ્યા.


ટોનીની આંખોયે ભીની થયા વિના ન રહી શકી. વાસનાભર્યા આ ગે-જગતમાં આવો નિ:સ્વાર્થ પ્રેમ ભાગ્યે જ કોઈને કોઇથી થતો હશે. શરીરના સોદા કરતા કરતા પોતાનો તો જન્મારો નીકળી ગયો. કાશ
, પોતાને પણ આવું કોઈ આપ્તજન પ્રાપ્ત થઇ જાય..આમ ને આમ.. કોઈક દિવસ !

**==**==**==**==**

પ્રણાલીના ગયા બાદ અનિકેત હળવો ફૂલ જેવો થઇ ગયો. તેને આનંદ હતો કે અશ્ફાક સાથેના પોતાના આત્મીય સંબંધનાં ઉપરાંત પોતાની બાય-સેક્સ્યુઆલીટીનીય
ઘણી વાતો સાવ ખુલ્લા મને વાત તે કરી શક્યો..અને તેનું એક કારણ એ પણ હતું કે પ્રણાલી ધાર્યા કરતા વધુ જ સમજદાર પુરવાર થઇ હતી. પોતાની બાય-સેક્સ્યુઆલીટીની પહેલીવહેલી જાણ થયા બાદની
..પણ અશ્ફાકને મળ્યા પહેલાની..એવી ઘણી વાતો કે જે તેને યાદ હતી તે બધી તેણે પ્રણાલીને કરી દીધી. અનિકેતે તેમાં પોતાના અમુક બીજા સંબંધોનો પણ ઉલ્લેખ કરી દીધો અને નિખાલસતાથી ઉમેર્યું
કે આ બધા સંબંધમાં નર્યું સેક્સ જ હતું અને એટલે જ તેના માટે તે એટલું ગૌણ હતું કે તે બધું તો તે સાવ ભૂલી જ ચુક્યો છે. પ્રણાલી વિસ્મયતાપૂર્વક આ બધું સાંભળતી રહી અને મંદમંદ મુસ્કાતી રહી.
પ્રણાલીને પોતાને આશ્ચર્ય થતું હતું કે પોતે આ બધું આટલું સરળતાથી કેવી રીતે લઇ શકે છે
. પણ તે
એ વાત પણ સમજતી હતી કે પોતાને શારીરિક અને માનસિક બંને પ્રકારની પરિતૃપ્તિ આપનાર આ તેનાં ખુબસુરત અને યુવાન પ્રેમીએ જો તેની પોતાની તૃષ્ણાની તૃપ્તિ અમુકવાર કોઈક આગવા પ્રકારે મેળવી લીધી હોય તો તેની અદેખાઈ પોતાને આવી જ કેમ શકે. ગમે તેમ તોય તેઓ બંને પ્રેમી છે, કોઈ બે હરીફ નથી કે એકમેકને ખુશી પામતા જોઈને કોઈ જલન થાય.
પ્રણાલીનું આવું હકારાત્મક વલણ અનિકેતમાં આત્મ-વિશ્વાસની પુરવણી કરતું ચાલ્યું.

તે પછી પ્રણાલીએ પણ પોતાની ડેમી-સેક્સ્યુઆલીટીની વાતથી શરૂઆત કરી. અને અંતે જે રીતે તેણે અનિકેતની શારીરિક ક્ષમતાના વખાણ કર્યા, તેનાથી અનિકેતમાં અનેરા જોશ અને ઉત્સાહનો સંચાર થયો કે જે તરત જ કામાવેગમાં રૂપાંતરિત થઇ ગયો અને તેણે ફરી એક વાર પુરવાર કરી દેખાડ્યું કે પ્રણાલીને જે ખૂટે છે..તે જે ખોજે છે..તે બધું જ પોતે તેને આપી શકે છે.
આમ ફરી એક વાર આ બંને પ્રેમીઓએ શારીરિક પ્રેમની ચરમસીમા અને તૃપ્તિ કોઈ પણ અડચણ કે ફરિયાદ વિના..સાવ જ સાહજીકતાથી પ્રાપ્ત કરી.
અને એક તીતલીની જેમ ઉછળતી-કુદતી પ્રણાલી પ્રસન્નચિત્તે પોતાના ઘરે રવાના થઇ.

******

અનિકેતે બેડરૂમની ઘડિયાળમાં જોયું તો રાતના સાડા દસ વાગી ગયા હતા. અશ્ફાકને અહીંથી ગયે ખાસ્સા કલાકો વીતી ચુક્યા હતા એટલે તેણે અશ્ફાકને ફોન લગાવ્યો-
"અબે...કિધર હૈ તુ? ઘર-બાર હૈ કે નહીં? કમીને, કબ આ રહા હૈ વાપસ?"

"બસ એક પુરાના દોસ્ત મિલ ગયા હૈ યાર" -અશ્ફાકે મિતુલની સામે જોઇને મુસ્કુરાતા અવાજે જવાબ આપ્યો- "તુ સો જા. મૈ શાયદ અબ સુબહ હી આઉંગા."


"અરે? ક્યા બાત હૈ! લેકિન સુન, જ્યાદા પીના મત. કિસી કે ઘરમેં પી પી કે ઉલ્ટી કરના અચ્છી બાત નહીં હૈ સમજે..!" -અનિકેતે હસતા હસતા વણમાંગી સલાહ આપી. તે પોતે જ પોતાની ખુશીમાં એટલો ગરકાવ હતો
, કે તેણે કયો દોસ્ત કે કોણ દોસ્ત એવી કોઈ બીજી પૃછાય ન કરી.


"હાં હાં. ઠીક હૈ મેરે બાપ, તુ સો જા અબ બેફિકર હો કે. કલ સુબહ સબ બાત કરુંગા તેરે સે." -અશ્ફાકે પણ તેવા જ હળવા ટોનમાં જવાબ આપીને ફોન ડીસકનેક્ટ કર્યો અને બાજુમાં બેસીને કોફીની નાની નાની ચૂસકીઓ લઇ રહેલા મિતુલની સામે જોયું ત્યારે મિતુલની મુસ્કુરાતી આંખોમાં આ બને ભાઈબંધોની આત્મીયતા જોઇને એક વ્હાલસોયો સંતોષ છલકતો હતો.

******


અશ્ફાકને અહીં મિતુલને ઘરે આવ્યે કલાક-દોઢ કલાક વીતી ગયો હશે અને આ તેમનો કોફીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો હતો.આ
સમય દરમ્યાન મિતુલે ખુબ જ ઝાયકેદાર..એવી કડક બ્લેક-કોફી બનાવી હતી અને તે પીતા પીતા અશ્ફાકે તેને પોતાના અનિકેત સાથેના...અને અનિકેતના પ્રણાલી સાથેના...સંબંધોની બધી જ વાતો કરી દીધી. પોતાનાં જીવનમાં અનિકેતનું મહત્વ અને પોતાના હૃદયમાં તેનું સ્થાન.
..અનિકેતનું અને પ્રણાલીનું એકમેક પ્રત્યેનું ખેંચાણ..અને પોતાનાં મનમાં ઉદ્ભવતી પીડા...મુંબઈ છોડીને ચાલ્યા જવાની તાલાવેલી.. ને એવું બધું જ તેણે કહી દીધું. આમ
હળવો થયા બાદ અત્યારે તે ખુબ જ મોકળાશ અનુભવી રહ્યો હતો, કારણ પોતાનાં દર્દની વહેચણી કરી શકાય એવું એક બીજું હૃદય આખરે તેને પ્રાપ્ત થઇ ગયું હતું. બાકી એક ગે હૃદયને તેની ભાવનાઓને સમજી શકે તેવું બીજું હૃદય ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય છે. જેના પર માથું મુકીને મોકળા મને રોઈ શકાય તેવો ખભો હવે અશ્ફાકને પ્રાપ્ત થઇ ગયો હતો.તો
સામે પક્ષે મિતુલે પણ, -અદેખાઈથી પ્રેરાઈને સ્ટેલા દ્વારા પોતે કરાવેલ રીપોર્ટની હેરાફેરી-.... -અનિકેતનું અકારણ તેમાં સંડોવાઈ જવું-.. ને તેવી બધી જ વાત તેને કરી દીધી.
તદુપરાંત, -હોસ્પિટલને રીનોવેટ કરવાની પોતાની મહેચ્છા- અને તેમાંથી ઉત્પન્ન થયેલ લાલચથી દોરાઈને -અનિકેતને બ્લેકમેઈલ કરી તેને પ્રણાલીથી દુર રાખીને તેના રવિ સાથે લગ્ન કરાવવાની ચાલ- આ બધી જ વાત તેણે એક પણ શબ્દ ચોર્યા વિના કરી દીધી.
અનિકેતના લગ્ન બાદ પોતે રાજકોટ શિફ્ટ થઇ જવાનો નિર્ણય કર્યો છે તે વાત જયારે અશ્ફાકે મિતુલને કરી તો તેનો જોરદાર વિરોધ કરી અશ્ફાકને અહીં પોતાનાં ઘરે જ રહી જવાનો આગ્રહ મિતુલ કરી રહ્યો હતો..બસ ત્યારે જ અનિકેતનો ફોન આવ્યો અને એ વાત અધુરી રહી ગઈ.
.


ફોન મુકતા જ અશ્ફાકને એક વિચાર આવ્યો, ને તે ચહેકી ઉઠ્યો-
"ડોક્ટર-સાહેબ, આ હોસ્પિટલને અલ્ટ્રા-મોડર્ન બનાવવાનું જે સપનું તમારું છે તે પૂરું તો હું કરીશ જ. પૂરતા પૈસા છે આપણી પાસે, ડોન્ટ વરી. પણ મારા મગજમાં એક બીજી જ વાત રમે છે અત્યારે. આપણે મોડર્નની સાથે સાથે ખુબ જબરદસ્ત મોટી હોસ્પિટલ બનાવીએ તો? રાજકોટની મારી જમીન પરનો કેસ તો હવે મારી ફેવરમાં આવી ગયો છે, અને એવડો મોટો એ પ્લોટ સાવ ખાલી જ પડ્યો છે. તો તેની પર બાંધકામ કરવા માટે બેન્કની લોન લઇ લેશું. અને જો મુંબઈની આ હોસ્પિટલ વેચી નાખીએ તો તેના જે નાણા આવે અને બાકીનાં પૈસા હું ઇન્વેસ્ટ કરું તો લેટેસ્ટ ઇકવીપમેન્ટસ અને અત્યાધુનિક ફેસીલીટીવાળી એવી મસ્ત હોસ્પિટલ બનાવી શકીએ કે શહેર આખામાં તમારું નામ થઇ જાય. આમેય મુંબઈમાં તો હવે મારે રહેવું નથી અને મોટી હોસ્પિટલ બનાવવાનું તમારું એકમાત્ર સપનું છે. તો આપણે બેઉ રાજકોટ જતા રહેવાથી આ બંને વસ્તુ પોસીબલ થઇ જાય."

"અરે પણ આવડી મોટી હોસ્પિટલ સંભાળવી કોઈ ખાવાના કામ છે? મારી ઉમર તો જો..! તું જો સાથ આપવાને તૈયાર હો, તો બોલ..!"

"પૈસા રોકવા સિવાય હું બીજી કઈ મદદ કરી શકું? મને આ મેડીકલ લાઈનમાં શું ખબર પડે?"


"ડોક્ટર્સ તો પગાર પર મળી જાય અને સ્પેશિઆલીસ્ટો, વીઝીટીંગ ફેકલ્ટીઝ, ને એવો બધો સ્ટાફ પણ એરેન્જ કરી લેવાય. પણ હોસ્પિટલ મેનેજ કરવા માટે મેડીકલ નોલેજની નહીં, ઘરના માણસની..કોઈ કાબેલ ભરોસેમંદ વ્યક્તિની જરૂર પડે. તું એક્ટીવ રહીને તે બધું સંભાળી લેવાનો હોય, તો ધીમે ધીમે તને ય બધું આવડી જશે. આમેય તારી કોલેજ તો હવે પૂરી થઇ ગઈ છે. ડીગ્રી આવી જશે પછી ક્યાંક નોકરી જ કરવી છે ને? તો તેના કરતા આ ઘરની હોસ્પિટલમાં ઝંપલાવવું શું ખોટું?"

શીરાની જેમ આ વાત અશ્ફાકને ગળે ઉતરી ગઈ.
થોડી ચર્ચા-વિચારણા બાદ બંને જણા એ વાત પર રાજી થઇ ગયા કે રાજકોટમાં એવી વ્યવસ્થિત અને વિશાળ હોસ્પિટલ બનાવવી કે જે બાકીની જીંદગી બેઉને પ્રવૃત્તિશીલ રાખી શકે.

**==**==**==**==**

ટીંગ ટોંગ !
ડોરબેલ રણકી ઉઠી અને અશ્ફાકે ઉભા થઈને દરવાજો ખોલ્યો, તો સામે તેણે પોતાના જીગરી યાર અનિકેતને, પ્રણાલીને, અને પ્રણાલીએ તેડેલા નાનકડા કેયુરને જોયા.
"અરે? આવ ભીડુ આવ. હાય પ્રણાલી.! ડોક્ટર સાહે.....બ, દેખો તો કૌન આયા હૈ" -કહેતા કહેતા તે અનિકેતને ભેટી પડ્યો. પ્રણાલીના ચહેરા પરની નિખાલસ મુસ્કુરાહટ તેની ખુશ-હાલીની ગવાહી આપી રહી હતી.

અરે? ક્યા બાત હૈ? પ્રણાલી બેટા, આવો આવો. વેલકમ..!" -મિતુલે રૂમમાંથી બહાર આવતા આવતા જ મહેમાનોને જોયા તો તે પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો.

"કેયુર બેટા, નાનાજીને જે શ્રીકૃષ્ણ કરો..!" -પ્રણાલીએ નાનકડા કેયુર સામે જોઇને કહ્યું.

"જય શ્રીકૃષ્ણ, બચુવા..!" -કહેતા કહેતા મિતુલે એક વર્ષના નાનકડા કેયુરને પ્રણાલીના હાથમાંથી લઈને તેડી લીધો તો તે તોફાની બારકસે તો સીધો હાથ મારીને મિતુલના ચશ્માં જ ખેંચી લીધા અને બધાં ખડખડાટ હસી પડ્યા.


“કેમ છે પ્રનિ બેટા? મેરેજ પછી આજે છેક બે વર્ષે મોઢું બતાવે છે. તે સાચે બહુ મોંઘી થઇ ગઈ તું તો." -કેયુરને તેડીને લીવીંગ-રૂમમાંથી અંદરની રૂમ તરફ જતાં જતાં મિતુલે પ્રણાલીને કહ્યું.

“તો કાકા, તમેય ક્યાં મુંબઈ આવો છો? આ જુઓ આખરે મારે જ સામેથી રાજકોટ આવવું પડ્યું આ તોફાનીને લઈને, તમને તેનું મોઢું બતાવવા..!" -પ્રણાલીએય સામે ફરિયાદ કરી.

"બેટા, જો ને આ અશ્ફાકની જિદ્દને લીધે આ જતી જીંદગીએ આવડી મોટી હોસ્પિટલની ઝંઝાળમાં પડી ગયો છું, તો ક્યાંય નીકળાતું જ નથી."
ને વાત પણ સાચી હતી. અનિકેત સાથે તેના લગ્નને બે વર્ષ વીતી ગયા, નાનકડા કેયુરની પધરામણીયે થઇ ગઈ, પણ તોય તેનાં વ્હાલા મિતુલકાકા તો હોસ્પીટલના કામ-કાજને લીધે મુંબઈ આવી જ નહોતા શક્યા. કેયુરનાં આગમનની વધામણી દેવાય તેમણે અશ્ફાકને જ મુંબઈ મોકલી આપવો પડ્યો હતો.
.

અનિકેત-પ્રણાલીનાં લગ્નમાં અનિકેત તરફથી અશ્ફાકે અને પ્રણાલી તરફથી મિતુલે એટલો બધો આગળ પડતો એક્ટીવ રોલ અદા કરીને..એકદમ ગ્રાન્ડ કહી શકાય તેવો આ પ્રસંગ જે કાબેલિયતથી પાર પાડ્યો કે તે જોઇને ડો.અનીલ અને મીનાબેન સહીત બધાય મહેમાનો દંગ જ રહી ગયા હતા.
આવડી ઉમરેય એક યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ અને ધગશ મિતુલે દાખવી હતી અને ત્રણ દિવસ ચાલેલા આ ફન્કશનની દોડધામમાં મિતુલ-અશ્ફાકે સતત એકમેકની સાથે જ રહેવું પડ્યું હતું. પરિણામસ્વરૂપે પરિવારજનોને તો એવું જ લાગ્યું હતું
કે આગલી ઓળખાણ ભલે કંઈ ન હોય, પણ આ ફન્કશનની એરેન્જમેન્ટ દરમ્યાન તો મિતુલ અને અશ્ફાક વચ્ચે સરસ મજાનું ટ્યુનીંગ થઇ ગયું લાગે છે. કારણ લગ્નનાં બસ બેત્રણ દિવસ બાદ જ, અનીલ-મીના અને તેમના અમુક મહેમાનોની વચ્ચે અશ્ફાકે [પ્રણાલી અને અનિકેતે અગાઉ બનાવેલ પ્લાન મુજબ] મિતુલસાહેબને રાજકોટની પોતાની જમીન પર પાર્ટનરશીપમાં હોસ્પિટલ બાંધવાનું સુચન કર્યું, કે જે પ્રણાલી અને અનિકેતે વધાવી પણ લીધું અને તરત જ બધા રાજી થઇ ગયા. ડો.અનિલ
પણ ખુશ હતા કે તેમના ભાઈની જૂની પુરાણી હોસ્પિટલ હવે રાજકોટમાં જઈને મોટી અને અદ્યતન બની જશે.

પ્રણાલીએ અશ્ફાક અને મિતુલને આવી રીતે બધાની સામે સુચન કરવાનું નાટક કરવાનું કહ્યું ત્યારે તે બંનેને ખુબ નવાઈ લાગી હતી. હા
, મિતુલકાકા અને અશ્ફાકના જુના સંબંધની જાણ પ્રણાલીને અનિકેતે જ સાવ નિખાલસતાથી કરી દીધી હતી.
જો કે પ્રણાલી માટે તે કોઈ મોટો આંચકો નહોતો, કારણ દુનિયાનાં આવા રંગ તે હવે આસાનીથી પચાવી જાણતી હતી. પોતાની એક
'ખાસિયત'ને કારણે બીજાઓની કોઈક ને કોઈક 'ખાસિયત' તરફ તેનામાં સહિષ્ણુતા આવી ગઈ હતી અને મોટું મન રાખવાની જાણે કે તેને એક આદત પડી ગઈ હતી.
.
પોતાની બ્રોડ-માઈન્ડેડનેસનો આવો વધુ એક પરચો તો તેણે લગ્નની રાતે જ અનિકેતને આપી દીધો હતો. આ લગ્ન પતે એટલે થોડા જ દિવસોમાં
અશ્ફાક હવે રાજકોટ શિફ્ટ થઇ જવાનો છે -તે વાત જાણી પ્રણાલી વિચલિત થઇ ગઈ હતી એટલે તેણે એક નવો જ સુઝાવ અનિકેતને આપ્યો-

દર છ-આઠ મહીને એક વાર અનિકેત અને અશ્ફાક બંનેએ એકલા જ અઠવાડિયા-દસ દિવસના તેમનાં એક પ્રાઇવેટ વેકેશન પર જવું જ, -તેવી બાંહેધરી તેણે અનિકેત પાસેથી પોતાની સુહાગરાતે જ લઇ લીધી.

પ્રણાલીની આવી બેધડક વાત સાંભળી અનિકેત તો ત્યારે સાવ હક્કોબક્કો જ રહી ગયો હતો. પણ પ્રણાલીને અંદાજો હતો કે
હવે પછી અશ્ફાક તો ચોક્કસ જ અનિકેતને મિસ્સ કરશે જ. અને પોતાની સાથે ગમે તેવુ સંતોષકારક લગ્નજીવન વિતાવવા છતાંય અનિકેત સુધ્ધાય, 'કંઇક ખૂટતું' હોવાની લાગણી તો હંમેશા અનુભવવાનો જ છે. તો
બેઉ દોસ્તોના પ્રાઈવેટ વેકેશન જેવો સરસ વચ્ચેનો રસ્તો બીજો કોઈ હોઈ જ ન શકે કે જે ત્રણેયની એકમેક તરફની ઉષ્માને શંકારહિત રીતે બરકરાર રાખી શકે.

અનિકેતે પછી અશ્ફાકને, અને અશ્ફાકે જયારે મિતુલને આ વાત કરી, તો તે બંને આ વાત માની જ નહોતા શકતા.
ત્રણેય પુરુષોનાં મનમાં પ્રણાલી પ્રત્યેનો અહોભાવ ખુબ જ વધી ગયો. તેનાં ઠરેલપણા અને વિચારોની પરિપકવતાથી તેઓ પ્રભાવિત થયા વિના ન રહી શક્યા.


ઉપરાંત મિતુલ તો ખુબ જ ખુશ થઇ ગયો, કારણ તે જાણતો હતો કે હોસ્પીટલમાં સતત ઓતપ્રોત રહી પોતાની શારીરિક જરૂરીયાતને અવગણી જનારા અશ્ફાકનું યુવાન શરીર એકાંતની પળોમાં ક્યારેક તો જવાબ માંગશે જ. અને આવે વખતે તેના જુના યાર
, તેનાં જુના પ્રેમીનો હુંફાળો સંગાથ, જો તેની પત્નીની સંમતિથી જ મળી જાય, તો તેનાથી રૂડું બીજું શું હોઈ શકે.
આમ, આ બે વર્ષોમાં આ બંને યાર આવા ત્રણ વેકેશન તો મ્હાલી જ ચુક્યા હતા.

પણ આ વખતે તો અનિકેત અને પ્રણાલી શુદ્ધ પારિવારિક મુલાકાતે જ આવ્યા હોવાથી
, એ બંને મિત્રોએ એકદમ ડાહ્યા-ડમરા થઈને આ મીની-વેકેશન અશ્ફાક-મિતુલના બંગલામાં જ, નાનકડા મસ્તીખોર કેયુરની સંગાથે રંગેચંગે વિતાવી દીધું.
ઘણા વખતથી મીતુલનો ખુબ જ આગ્રહ હતો એટલે ડો.અનીલ અને મીનાબેનની સલાહથી જ તેઓએ ચાર દિવસ માટે રાજકોટ આવી જવાનો આ પ્રોગ્રામ બનાવ્યો હતો.

મિતુલ અને અનીલ, આ બંને ભાઈઓના સંબંધમાં પહેલા જેવી જ ઉષ્મા અને આત્મીયતા હજી પણ કાયમ રહી છે તેનું કારણ એ, કે જેટલા પાકા પેટની પ્રણાલી છે, તેટલો જ મેચ્યોર્ડ અશ્ફાક પણ છે. તેણે પ્રણાલી તો શું
..પોતાના જીગરી યારને પણ મિતુલના સ્ટેલા-પ્રકરણની વાત ક્યારેય કરી જ નહીં. આમ પ્રણાલી સદાય એ વાતથી અજાણ જ રહી કે ક્યારેક તેના મિતુલ કાકાએ તેનાં પપ્પાની સામે કોઈ કારસો કર્યો હતો. અને આમ મિતુલ કાયમ પ્રણાલીનો ફેવરેટ અંકલ જ રહ્યો છે અને સાથે સાથે અનિલનો વ્હાલસોયો ભાઈ પણ..!

નબળા સમયમાં ભલે પોતે ગેરમાર્ગે દોરવાઈ ગયો હતો, પણ હવે પછીની આગળની જીંદગીમાં મિતુલે સાબિત કરી દેખાડ્યું છે કે એક સ્વજન, એક હિતેચ્છુ તરીકેનો તેના પર જે વિશ્વાસ અનિલે મુક્યો છે તે યથાર્થ જ છે.
આમ સુખી જીવનની ચાવી જાણે કે આ બધાને હાથ આવી ગઈ છે.

સરૈયા પરિવાર, હવે આનંદ-કિલ્લોલ કરતો એક ખુશગવાર પરિવાર છે..! [સમાપ્ત]
_____________________________________________________________________

*સમાપન-ગોષ્ટી*

સરૈયા પરિવારને આનંદ-કિલ્લોલ કરતો મૂકીને અમે તે પરિવારની અને આપ સહુની હવે રજા લઈએ છીએ. શબ્દાવ્કાશ ગ્રુપે અને તેમાંની બે ટીમ, ‘એ’ અને ‘બી’માંથી, ‘એ’ટીમે મારામાં જે વિશ્વાસ મૂકી મને આ વાર્તાની સુકાન સોંપી તે બદલ હું આ ગ્રુપનો અને ‘એ’ટીમ-મેમ્બર્સનો ખુબ ખુબ આભારી છું.
ગુજરાતી સાહિત્યમાં જે વિષય પર ભાગ્યે જ કંઈ લખાયું હશે એવી જીવનશૈલીને કેન્દ્રમાં રાખીને અમે આ એક લાંબી એવી નવલકથા લખવાનું સાહસ કર્યું છે. હિન્દી મુવીઝમાં પણ ગે-પાત્ર હોય છે ખરા, પણ વાર્તાના નાયકને જ આવું જીવન ગાળતો હોય એવું હજુ સુધી કોઈએ દર્શાવાની હિમ્મત કરી હોય તેવું યાદ નથી. એટલે કોઈ પણ આધાર કે એવા કોઈ પણ પ્રેરણા-સ્તોત્ર વગરની આ વાર્તાને શક્ય એટલા પ્રયત્નો કરીને વ્યવસ્થિત ન્યાય આપવાનો મેં પ્રયત્ન તો કર્યો જ છે, તે છતાં ય જો કોઈ ઉણપ રહી ગઈ હોય તો બેધડક જણાવજો...અમારા આગલા પ્રોજેક્ટમાં તે ક્ષતિ રીપીટ ન થાય તેની અમે પૂર્ણ તકેદારી રાખીશું.
આ વાર્તાની સિક્વલ લખવાનો પણ એક આછો પાતળો ઈરાદો છે. વાર્તાને દસ-બાર વર્ષનો જમ્પ આપી અનિકેત-પ્રણાલીનાં પુત્ર કેયુરની કિશોરાવસ્થા દરમ્યાનની વાત કેન્દ્ર-સ્થાને રાખીને આ ગે-થીમ પર જ, ગે-જગતની અવનવી વાતો અને ‘ખાસ’ પ્રકારનાં આ સંબંધોમાં ઉભી થતી ગુંચ અને મૂંઝવણોની વાત નવેસરથી માંડવાની ઈચ્છા તો છે, પણ તે પહેલા..
આપણી આ જ વાર્તા અમે આપ સમક્ષ હવે નવેસરથી પ્રસ્તુત કરીશું અને તે પણ એકદમ નવા જ સ્વરૂપે.
જી હા, પહેલું પ્રકરણ જેમનું તેમ રાખીને અમારા ગ્રુપની ‘બી’ટીમ આ વાર્તાને રજુ કરશે ‘તિમિર મધ્યે તેજ કિરણ’ના નામે, કે જેમાં વાર્તાનું વહેણ અને બનાવો સાવ જ જુદા અને અલાયદા હશે.

યુએસએ સ્થિત, શ્રી હેમલ વૈષ્ણવની કાબેલ લીડરશીપ હેઠળની આ વાર્તા ટૂંક સમયમાં જ રજુ થશે, તો વાંચવા તૈયાર રહેજો.. “તિમિર મધ્યે તેજ કિરણ..” એક ખુબ જ સંવેદનશીલ લાગણીસભર વાર્તા અને અમારા શબ્દાવકાશ ગ્રુપનું હજુ એક નવું સાહસ..!

.

શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..