ડૉક્ટરની ડાયરી - 2 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ડૉક્ટરની ડાયરી - 2

कांप उठती हूं मैं यह सोचके तन्हाईमें, मेरे चेहरेपे तेरा नाम न पढ ले कोई

મારી પાસે ટીના નામની યુવાન, સુંદર સ્ત્રી દરદી તરીકે આવી, ત્યારથી જ મારા મનમાં લાગ્યા કરતું હતું કે આ પહેલા પણ હું એને ક્યાંક મળી ચૂક્યો છું. પણ ક્યાં ? ડુંગળીના પડ ઊખેળતા જઈએ પણ અંદરથી ગોટલો ન નીકળે એવું જ મારી યાદદાસ્તનું થતું. ટીનાની ઓળખ બંધ મુઠ્ઠીના પાયા જેવી સાબિત થઈ; પકડવા જઉં એમ સરકી જાય. એક સ્ત્રી ખોટું નામ આપીને દર્દી તરીકેની આચારસંહિતાનો ભંગ કરી રહી હતી.

એનેસ્થેટિસ્ટ ડૉ. ધ્રુવાએ ઘ્યાન અચાનક ટીનાના જમણા કાનની ઉપર વાળની લટો નીચે ઢંકાયેલા લાલ રંગના બ્યુટી-સ્પોટ ઉપર અને એક સ્ત્રી હોવા છતાં પણ એ મુગ્ધ થઈ ગઈ. એણે મારું ઘ્યાન પણ સફેદ માખણના પીંડામાં ગોઠવેલી રેડ ચેરી જેવા એ ડાઘ તરફ દોર્યું.

હું પણ મુગ્ધ થવો જોઈતો હતો, પણ ન થઈ શક્યો. એને બદલે સ્તબ્ધ થયો. આવો ડાઘ ‘રેર’ હતો. કોઈ પણ સ્ત્રીમાં ભાગ્યે જ જોવા મળે અને હું આ જ સૌંદર્યબિંદુ આ જ જગ્યાએ બીજીવાર જોઈ રહ્યો હતો. મને વીજળીના ઝબકારની જેમ યાદ આવી ગયું. આ ટીના ન હતી. એ જાણી-જોઈને મારી પાસે જુઠ્ઠું બોલી રહી હતી. એ કોની સાથે આવી હતી, શા માટે આવી હતી એ બઘું જ હવે મારા દિમાગમાં સ્પષ્ટ હતું. પણ જ્યાં સુધી એ એના ભૂતકાળને કબૂલે નહીં, ઓળખાણને સ્વીકારે નહીં ત્યાં સુધી હું કરી પણ શું શકું?

ડૉ. ધ્રુવા મારી મદદે આવી: “અત્યારે એ બેહોશીની અસરમાંથી બહાર આવી રહી છે. આને તમે ટ્રાન્સની અવસ્થા સાથે સરખાવી શકો એ તમને સાંભળી શકશે. તમે પૂછશો એ વાતનો જવાબ પણ આપી શકશે અને એ જવાબ સાચો જ હશે. અત્યારે એ અસત્ય નહીં બોલી શકે.”

મેં એક ક્ષણ વિચાર કરી લીધો. પછી અર્ધબેહોશીમાં પડેલી ટીનાને પૂછવા માટેના પ્રશ્નો વિચારી લીધા. મારે બને ત્યાં સુધી લીડિંગ ક્વેશ્ચયન જ પૂછવાના હતા, એના દિમાગ ઉપર જોર પડે એવા અટપટા સવાલો ટાળવાના હતા.

“ટીના, તારું સાચું નામ મિલી છે ને ?”

“હા.”

“તું પહેલાં અહીં આવી ગઈ છે ને ?”

“હા.”

“તારી સાથે રાજેશ બક્ષી હતો.”

“હા.” એ સાવ નાના બાળક જેવી સરળતાથી બોલ્યે જતી હતી. મેં પૂછપરછ અટકાવી દીધી. એની મરજી વિરૂદ્ધ મારે આનાથી વિશેષ કશી પણ માહિતી કઢાવવી ન હતી, એવું તો પોલીસવાળા ગુનેગાર સાથે કરે. ટીના ગુનેગાર ન હતી. હા, એણે એક અપરાધ જરૂર કર્યો હતો, જાણી જોઈને મારી પાસે બનાવટી ઓળખ રજૂ કરી હતી. પણ હું ડૉક્ટર હોવાને કારણે સમજી શકતો હતો કે એક સુંદર, જુવાન સ્ત્રી પાસે આવું કરવા માટે યોગ્ય કારણો હોય છે. મારામાં રહેલા એક વાર્તાકારને કારણો જાણવામાં રસ પડે એ સ્વાભાવિક છે.

“બસ.” મેં ડૉ. ધ્રુવાને જણાવ્યું: “યુ કેન શિફ્ટ ધી પેશન્ટ નાઉ.”

ટીના ઉર્ફે મિલીને વૉર્ડમાં લઈ જવામાં આવી અને એક આખો દિવસ નર્સિંગમાં ‘એડમિટ’ કરવાની જરૂર હતી. આમ તો બઘું મળીને આ ત્રીજીવારનું એબોર્શન હતું. પહેલાં બે વાર સ્વૈચ્છિક ગર્ભપાત કરાવનાર મિલી મને યાદ હતી અને આ વખતે ટીનાની ઇચ્છા બહાર ગર્ભ ખલાસ થઈ ગયો હતો. એટલે શારીરિક તકલીફમાં માનસિક આઘાત પણ ભળેલો હતો.

પૂરા ચોવીસ કલાક સુધી મેં એને ખલેલ ન પહોંચાડી. બે-ત્રણ વાર એની પથારી પાસે જઈને ‘રાઉન્ડ’ લઈ આવ્યો. એ હજી પણ ટીના હોવાનો અભિનય કરી રહી હતી. ટ્રાન્સની સ્થિતિમાં અમારી વચ્ચે થયેલી વાતચીતની કોઈ જ છાપ એની સ્મૃતિમાં સચવાયેલી ન હતી.

રજા આપવાના થોડા સમય પહેલાં મેં એને મારા કન્સલ્ટિંગ રૂમમાં બોલાવી. ઓપરેશન પછીની દવાઓ અને ખોરાક વિષે મારે સૂચનાઓ પણ આપવાની હતી. એ આવી સામેના ટેબલ પર બેઠી.

“મિલી, કેમ લાગે છે હવે ? કાલ કરતાં સારું છે ?” મેં ધડાકો કર્યો.

એ ચોંકી ઊઠી: “સર, તમે મને ઓળખી ગયા?”

“ના, હું તને ન ઓળખી શક્યો, પણ તારાં બ્યુટી સ્પોટને ઓળખી ગયો.”

“ઓહ્ નો…” મિલીનો હાથ એના જમણી બાજુના લમણા તરફ ગયો. એ સાથે જ એનાં ચહેરા પર વેદનાની ભાત ઊપસી આવી.

“રાજેશે છોડી દીધી તને ? કે પછી તે જ એને….?” મેં એની વેદનાને વાર્તાલાપમાં પરિવર્તિત કરવાની તક ઝડપી લીધી. બાકી મને સમજાતું હતું કે, રાજેશે જ એને દગો દીધો હોવો જોઈએ. મિલી એના જેવા હેન્ડસમ યુવાનને છોડી દેવાની હિંમત કરે જ નહીં, અને એ પણ આવા સામાન્ય પતિ માટે.

એની નજર ધરતીને ખોતરતી રહી.

“મને રાજેશ મળ્યો એ મારી જિંદગીની એક સૌથી મહત્ત્વની ક્ષણ હતી. એ એટલો આકર્ષક, એટલો રંગીન મિજાજ અને એટલો વાચાળ હતો કે, કોઈ પણ સ્ત્રી એના પ્રેમમાં પડી જાય. હું પણ એના પ્રગાઢ આકર્ષણથી બચી ન શકી. પરિણામે મને જે મળવું જોઈતું હતું એ જ મળ્યું, થોડા આંસુ, બે ગર્ભપાત અને આખી જિંદગી ચાલે એટલો આઘાત !”

“અને રાજેશ ? એ ક્યાં છે ?”

“કેનેડા. એની પત્ની પાસે.”

“બીજી સ્ત્રી સાથે પરણી ગયો?”

“ના, એ પરણેલો જ હતો. મારાથી એ વાત એણે છુપાવી. એની પત્ની કેનેડાની છે. રાજેશને ત્યાં બોલાવે એ માટે છ મહિનાની જ વાર હતી. રાજેશ અહીંથી ગયો ત્યાં સુધી મને છેતરતો રહ્યો. ‘હું કેનેડા જઈને તને બોલાવી લઈશ. એક વરસ પછી ઇન્ડિયા આવીને તારી સાથે મેરેજ કરીને તને મારી સાથે લઈ જઈશ.’ એવા સપનાં દેખાડતો રહ્યો.”

“તેં ક્યારેય એનો સંપર્ક સાધવાની કોશિશ ન કરી?”

“કરી. પણ સરનામું જ જ્યાં ખોટું હોય ત્યાં કોઈ શું કરી શકે ? એની ખરી ઓળખાણ તો કેનેડાથી આવેલી અન્ય વ્યક્તિઓ પાસેથી જાણવા મળી. પછી મેં સમાધાન સ્વીકારી લીઘું.”

હું કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હતો. બેવફાઈનો ભોગ બનેલી મુગ્ધવયની છોકરીઓ સાથે આવું જ છળકપટ હું વરસોથી જોતો આવ્યો છું; માત્ર સરનામા જ બનાવટી નથી હોતા, ચહેરા પણ બનાવટી હોય છે !

મને ઊંડે ઊંડે એક સવાલ મૂંઝવી રહ્યો હતો. જરા પણ દિલ ચોર્યા વિના મેં એ સવાલ પૂછી લીધો: “મિલી, એ વાત ભૂલી જઈએ કે રાજેશ દગાબાજ નીકળ્યો. માણસની અંદરનો તાગ તો કોણ પામી શક્યું છે ? પણ આપણે માત્ર બાહ્ય દેખાવની જ વાત કરીએ. રાજેશ અદ્ભુત કહી શકાય એવો પુરુષ હતો. એને મેળવવા માટે કોઈ પણ યુવતી તડપી ઊઠે અને એને ગુમાવ્યા પછી જિંદગી જીવવા જેવી ન લાગે. તારે રાજેશ વગર જીવવું પડે છે એ તારી બદનસીબી છે. પણ એક વાત પૂછું, મિલી ? ક્યાં રાજેશ અને ક્યાં તારો અત્યારનો પતિ ? બંનેના વ્યક્તિત્વો વચ્ચે અમિતાભ અને મુકરી જેવડો તફાવત છે. સમાધાન જીવનમાં જરૂરી છે…. આવડું મોટું સમાધાન ?”

“હા, સર ! તમારી સરખામણી સાવ સાચી છે. હું એક વિરાટ વ્યક્તિ પાસે હતી અને હવે અત્યંત વામણા પુરુષની સાથે છું પણ આ સરખામણી બે પુરુષોના બાહ્ય વ્યક્તિત્વ માટે જ સાચી છે. આપણે ભૂલી જતા હોઈએ છીએ કે ક્યારેક મુકરીઓ પણ વિરાટ ખાનદાનીના માલિકો સાબિત થાય છે. મારો પતિ મળવા જેવો માણસ છે. મારો પૂરેપૂરો ભૂતકાળ જાણ્યા પછી એ મને પરણ્યો છે. મને જીવની જેમ સાચવે છે. સર, મારો પતિ કદાચ મારા કાન ઉપરના બ્યુટી-સ્પોટને નાટકના અભિનેતાની શૈલીમાં વખાણી નહીં શકે, પણ મને મારી જિંદગીને, મારા સમગ્ર અસ્તિત્વને એક સમજદાર પતિને છાજે એ રીતે ચાહી શકે છે. એક સ્ત્રીને સુખી થવા માટે આનાથી વઘુ બીજું શું જોઈએ?”

મેં સંમતિમાં માથુ હલાવ્યું: “આઇ એગ્રી વિથ યુ, મિલી! એક સોહામણા પ્રેમીની કુરૂપતાએ તને દુ:ખી-દુ:ખી કરી મૂકી. હવે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એક સાધારણ દેખાવના પતિનું આંતરિક સૌંદર્ય તારી હવે પછીની જિંદગીને સુવાસિત કરે…!”

(રાજેશ અને મિલી જ્યારે પ્રેમના નાટકના પ્રથમ અંકમાં હતા, ત્યારે બે-ત્રણવાર મને મળવા માટે આવ્યા હતા. રાજેશ એના વ્યક્તિત્વથી મને પણ આંજી ગયેલો. એ મુલાકાતોમાં મારું ઘ્યાન મુખ્યત્વે રાજેશ તરફ જ કેન્દ્રિત થતું રહેતું. મિલીનો ચહેરો માત્ર મારી આંખ સુધી જ પહોંચેલો, દિમાગ સુધી નહીં. પણ એના ક્યુરેટિંગ વખતે એનું રક્તરંગી લાખું મેં એ વખતે પણ જોયેલું. શરીર ઉપરના ઓળખચિન્હો માત્ર ગુનેગારોની ઓળખ છતી કરવા માટે જ કામમાં નથી આવતા, ક્યારેક મિલીમાંથી ટીના બની જતી આવી પીડિત યુવતીની વ્યથાને ઉજાગર કરવામાં પણ એ ઉપયોગી સાબિત થતા હોય છે.)

રેટ કરો અને રિવ્યુ આપો

Shilpa Akhawat

Shilpa Akhawat 5 માસ પહેલા

Vibhuti

Vibhuti 6 માસ પહેલા

Dinesh Parmar

Dinesh Parmar 2 વર્ષ પહેલા

Hema Limbachiya

Hema Limbachiya 2 વર્ષ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 2 વર્ષ પહેલા