ડૉક્ટરની ડાયરી - 4 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ડૉક્ટરની ડાયરી - 4

04-માતૃભૂમિ

મેરી પ્યારી બહેનિયાં બનેગી દુલ્હનિયાં......!!!

ખબર નથી કેમ, પણ હું ક્યારેય કોઇના પૈસાથી અંજાયો નથી. જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે દુનિયાના ઇતિહાસમાં કોઇપણ વ્યક્તિ માત્ર પૈસાદાર હોવાના કારણે પોતાનું નામ નોંધાવી શકી નથી. આ વાક્ય પૂરતાં જવાહરલાલ નહેરુ મારા આર્દશ પુરુષ રહ્યા છે. મને માત્ર વ્યક્તિની બૈદ્ધિકતા જ આકર્ષે છે. પૈસો મને નથી ગમતો એવું નથી. પૈસો એ માત્ર ચલણી સિક્કો નથી, હર એક વ્યક્તિની આંખમાં અંજાયેલું સ્વપ્ન છે. તેત્રીસ કરોડ દેવતાઓમાં મારા માટે ઇર્ષાજનક દેવ માત્ર કુબેર જ છે. અને છતાં હું કહું છું કે મને ‘માત્ર’ પૈસો આકર્ષી શકતો નથી. કોઇની સોનાની લંકા જોઇને એના ગઢમાંથી એકાદ કાંકરો ખેરવી કે સેરવી લેવીની ઇચ્છા મારા મનના સાતમા પાતાળમાંય ક્યારેય ફૂટી નથી.

પણ આજે આવી બધી ફિલસૂફી ડહોળવાનું કંઇ કારણ? હા છે! હોય જ! ભલે પહેલી નજરે દેખાય નહીં, પણ મગજનું ‘વાયરીંગ’ અજબ રીતે થયેલું હોય છે. કુદરતથી મોટો કોઇ ‘વાયરમેન’ નથી. કઇ ચાંપ ક્યારે દબાય અને ક્યાં ઝબકારો થાય એ કહી શકાતું નથી. વાદળાં બંધાય છે ત્યાં વરસતા નથી. આ પૈસાની વાતને આજની વાત સાથે દેખીતો કોઇ સંબંધ નથી.

આજે તો હું મારા જૂના ગાઢ મિત્ર ડો. સંદીપ શાહને ઘરે બેઠો છું. આમ તો નિરાંતે મળવા જ આવ્યા હતો. પણ અહીં આવ્યા પછી સમજાયું કે હું મારું નર્સિંગ હોમ બંધ કરીને નીકળું એટલે મારે નિરાંત હોય, પણ એમાં જેને ઘેર જાઉ ત્યાં ‘ચક્કાજામ’ થઇ જાય છે? ડો. સંદીપના કન્સલ્ટિંગ રૂમમાં આશરે બસો એક દર્દી બેઠાં હતાં. મેં ગણ્યાં નથી. ગણવા જઇએ તો થાકીને ટેં થઇ જવાય. માપી લીધા. એ સંખ્યાને ફીના આંકડાથી ગુણી નાંખી. સંદીપ ફિઝિશિયન હતો એટલે એક્સ-રે, કાર્ડિયોગ્રામ વગેરે પણ ગુણાકારની રકમમાં આવે જ! રોજ રાત પડ્યે, દાખલાનો જવાબ પંદરથી વીસ હજાર જેટલો આવે!

આમાં માણસને શ્વાસ લેવાનોય સમય ક્યાંથી મળે? મેં જોયું કે સંદીપ માણસ મટીને મશીન બની ગયો હતો એનો સમય સેકંડમાં નહીં, પૈસામાં મપાતો હતો. મારી સામે જોઇને આછું પણ ઉષ્માભર્યુ સ્મિત ફેક્યું. એના જો ગણો તો દોઢસો રૂપિયા પડે! ઊભો થઇને ભેટ્યો એના ચારસો થાય અને એના કમ્પાઉન્ડર જોડે મને ઉપર એના ઘરે જવાની સૂચના આપી એના અઢીસો! ત્રણ મિનિટમાં આઠસોની ઊઠી ગઇ ગણાય! એને વધુ મોંઘવારી ન નડે એટલા ખાતર હું સીધો એના ઘરે જ પહોંચી ગયો. ત્રણ મિનિટમાં મેં માપી લીધું કે સંદીપ શાહ હવે કુબેર બની ગયો હતો. ઉપર જઇને એની પત્નીને મળ્યો. કુબેરની પત્ની સુંદર હતી કે નહીં ખબર નથી, પણ આની હતી. મને જોઇને અડધી થઇ ગઇ. હુંય પા ભાગનો થઇ ગયો. ભલે સંદીપિયો એનું કામ પતાવે, હું ભાભીની કંપનીથી ચલાવી લઇશ, બીજું શું?

ભાભીએ સંદીપ પાસેથી અમારી દોસ્તીની ‘ફર્સ્ટ હેન્ડ ઇન્ફર્મેશન’ મેળવી લીધી હશે, એટલે મને પૂછીને ભાવતા ભોજનની તૈયારી આરંભી દીધી. સાથે સાથે વાતો પણ ચાલુ રાખી. મને પૂછે, “છેલ્લે તમે સંદીપને મળ્યા એને કેટલાં વરસ થયાં હશે?” મેં યાદ કર્યું, “સતરવર્ષ” આ માત્ર એને આપાયેલો જવાબ ન હતો. મારા મનના સીતેર એમ.એમ.ના પરજા પર ફિલ્મ પાડવા માટે પ્રોજેક્ટની દાબવામાં આવેલી સ્વીચ હતી. આફી ફિલ્મ સ્પષ્ટ દેખાઇ રહી હતી. રાતનું દૃશ્ય હતું, છતાંય બહુ સાફ દેખાતું હતું. ફિલ્મની પ્રિન્ટ બહુ સારી હતી!

જલાઇ માસની એક વરસાદી રાત્રે લગભગ સાડા દસનો સમય હતો. મ્યુનિસિપલ લાઇટના થાંભલા નીચે હું અને સંદીપ ઊભા હતાં. હોસ્પિટલની ફરજ પરથી હમણાં જ છૂટ્યા હતા. છૂટા પડતી વખતે આ થાંભલા નીચે થોડીવાર વાતો કરવાનો એમારો નિયમ હતો. બંને ડોક્ટર બનીને તાજા જ બહાર પડ્યા હતા. નવો બહાર પડેલો ડોક્ટર ‘ઇંદિરા વિકાસપત્ર’જેવો હોય છે. પાંચ વરસે બમણાં નાણાં મળે પણ અત્યારે વટાવવા જાવ તો સરકાર એક ફદિયું ય ન આપે! ખાનગીમાં ફટકારી મારો તો અલગ વાત છે.

અમેં બંને આંખોમાં સપનાંનો સૂરમો આંજીને બેઠેલા હતા. અમારી પાસે તબીબી ડિગ્રી હતી. કુશળતા હજુ આવવાની હતી, અરમાનો હતાં, તરવરાટ હતો પણ ધ્યેય ઘણું દુર હતું. ઘોડાની ‘રેસ’ શરૂ થવાની હોય અને જુવાન વછેરા થનગનતા હોય એની અમારી હાલત હતી પણ સંદીપ આજે અચાનક ગમગીન હતો. ગમગીની બહુ ચેપી રોગ છે. હું પણ એમાં સપડાઇ જાઉં એ પહેલાં જ મેં એને પૂછ્યું, “શું છે સંદીપ? કેમ તારો ચહેરો ઊતરેલો છે?”

“કંઇ નથી.”

“તારો જવાબ જ કહી આપે છે કે કંઇક છે.મારે એ જાણવું છે. મારાથી પણ છુપાવીશ?”

“જાણીને શું કરીશ તું?”

“ઘણું બધું-એકવાર અજમાવીને જો ફના થઇ જવા તૈયાર છું તારા માટે દોસ્ત! આસમાનના તારા તોડી લાવીશ. તું તારી તકલીફ તો જણાવ. તારી મુશ્કેલીનો પહાડ તને એકલાને ચગદી નાંખશે. મને જણાવ કે એ પહાડ ક્યાં છે, કેવો છે, હું એને હટાવી નહી શકું તો કંઇ નહીં, પણ તારી જોડાજોડ એની નીચે ઊભો રહીશ. આપણે બંને સાથે જ ચગદાઇ મરશું....” મેં ‘જંજીર’ એ નખતે તાજું જ જોયેલું. “યારી હૈ ઇમાન મેરા....” ગાતો પ્રાણ હજુ મનમાં તાજો હતો.

સંદીપે થોડો વિચાર કર્યો અને પછી મુસીબતોનો પહાડ બતાવ્યો, “થોડા રૂપિયાની જરૂર હતી. જો તારાથી બની શકે એમ હોય તો....”

“મોઢામાંથી અવાજ કાઢ. ખિસ્સું ઠાલવી દઉં તારી આગળ.....” મેં ખિસ્સાંમાં હાથ નાંખ્યો થોડું પરચૂરણ ખકડ્યું. કદાચ એ ખખડાટથી એનામાં હિંમત આવે! સાથે સાથે મારું મગજ ઝડપથી ગણતરીમાં લાગી ગયું. મારું સ્ટાઇપેન્ડ મારી અંગત બચત, ખિસ્સાં ખર્ચી બધું મળીને બે-ત્રણ હજાર તો થાય જ! સંદીપને બહુ તો પાચંસો હજારની જરૂર હશે એ ફિક્કું હસ્યો, “થોડી મોટી રકમ છે. મારી એકની એક બહેન છે. ત્રેવીસની થઇ છે. આખી નાતમાં દહેજ વગર એનો હાથ કોઇ પકડે એમ નથી. નામનો મુરતિયો મેળવવો હોય તોય વીસેક હજાર તો જોઇએ જ. જો તારાથી શક્ય હોય તો....”

હું મારી જિંદગીમાં આટલો ઠંડો ક્યારેય પડ્યો નથી. ખિસ્સાંમાં નાંખેલો હાથ ક્યારે ધીમેથી બહાર આવી ગયો એની પણ ખબર ન પડી. હું અને સંદીપ સામટા વેચાવા માટે ઊભા રહીએ તો પણ આટલી મોટી રકમ ભેગી થાય એમ નહોતી. ઘરમાં પિતાજી પાસે તો મગાય જ કેમ? એકવીસ વર્ષના પુત્રના મિત્ર માટે ક્યો બાપ વીસ હજાર ઘીરવા તૈયાર થાય? અને એ પણ દહેજ જેવા દૂષણ માટે? અને એ મિત્ર પણ હજુ કશું જ કમાતો ન હોય ત્યારે? હું ચૂપ થઇ ગયો. થોડીવારે માંડ બોલ્યો. પણ ત્યારે એક મિત્ર નહોતો બોલતો એની લાચારી શિક્ષક બનીને બોલતી હતી, “જો ભાઇ! આપણાથી દહેજ ન અપાય. બહેન દુ:ખી થાય. પૈસાનો લાલચી બનેવી બહેનને શું સુખ આપવાનો? થોડી રાહ જો. કોઇ સુધારવાદી મુરતિયો મળી જશે અને એકવાર તું કમાતો થઇ જાય, પછી લાખનું દહેજ પણ આપવું પડે તો ક્યાં નથી આપાતું?”

“પણ મારે હજુ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે, ભણવાનાય ફાંફા છે, સ્ટાઇપેન્ડ પર જ ટકવાનું છે. હું ભણી લઉં પછી દવાખાનું કેવી રીતે શરૂ કરીશ? કમાતો ક્યારે થઇશ? પૈસો ક્યારે બચાવી લઇશ? દહેજ જેટલું બચાવી લઉં ત્યાં સુધીમાં નાતમાં કોઇ છોકરો કુંવારો નહીં બચ્યો હોય. બહેન ત્રીસની થઇ જશે. જો તું ક્યાંયથી પણ મને વીસ હજાર અપાવી શકે તો હું તને દૂધે ધોઇને પાછા આપી દઇશ.”

હું લાચાર હતો. હું જાણતો હતો કે સંદીપ સો ટકા દૂધે ધોઇને પૈસા પાછા વાળે એમ હતો, પણ ખાટલે મોટી ખોડ એ હતી કે મારી પાસે રૂપિયા ન હતા અને એની પાસે દૂધ રૂપું પાડનારી ભેંસ નહોતી. અમે બંને પોસ્ટ-ડેટેડ ચેક જેવા હતાં. અત્યારે એ ચેકને વટાવી શકાય એમ નહોતું. ખાતામાં પૈસા જમા થાય પછી ચેકને અન્કેશ કરાવી શકાય! હું ચૂપ રહ્યો. મારો જવાબ પણ એ મૌનમાં આવી જતો હતો અને મજબૂરી પણ એ મૌનમાં પડઘાતી હતી.

એ રાત્રે અગિયાર વાગે અમે છૂટા પડ્યા. મેં માત્ર એકવાર પાછળ ફરીને જોયું. એ એકાએક એકવીસને બદલે એકસઠનો બની ગયો હોય એવો લાગતો હતો. એની પીઠ ઝૂકી ગઇ હતી. ચાલ ધીમી પડી ગઇ હતી. બસ, એ પછી એને ક્યારેય મળ્યો નથી. એ નહીં પણ, એના સમાચાર ક્યારેક ક્યારેક મળતા રહ્યા છે.

એ ફિઝિશિયન થયો, નોકરી કરી, લોન લીધી એકાદ વર્ષથી ખાનગી નર્સિંગ હોમ શરૂ કર્યું. છે. આવા બધા એની જિંદગીના માઇલસ્ટોન્સ હું જાણતો રહેતો. આજે નજરે જોયું કે એનો પોસ્ટડેટેડ ચેક હવે બેંકમાં વટાવાઇ રહ્યો છે. કિસ્મતના કેસિનોના સ્લોટિંગ મશીનની ચાંપ ફટાફટ દબાઇ રહી છે, નીચેના રાખેલા ખાનામાં નાણાંનો ધોધ ઠલવાઇ રહ્યો છે.

હું ખુશ હતો. મેં સ્વીચ ઓફ કરી. મારા મનના પડદા પર ચાલી રહેલી ફિલ્મમાં મધ્યાંતર પ્ડયો. ઇન્ટરવલમાં બધાંના મનમાં થાય કે આ પાત્રનું શું થયું હશે કે શું થશે.? મને પણ એક પાત્ર વિષે ઇંતેજારી હતી, અચાનક મેં સંદીપની પત્નીને પૂછ્યું, “ભાભી, સંદીપને એક બહેન છે, હું મળ્યો છું એને. એકવાર મારા માટે ચા બનાવીને લાવી હતી. બહુ નમણી હતી. ક્યાં છે એ આજકાલ? પરણાવી કે નહીં એને? જો હા તો ક્યાં? કોની સાથે? ક્યારે?”

એના ચાંદ જેવા ચહેરા પર ઘન્શાયમ વાદળું છવાઇ ગયું, “તમારા મિત્ર ઉપર આવે ત્યારે એ વાત ન કાઢશો, ભાઇ, એ એમની દુ:ખતી નસ છે.” “કેમ?” હું ચોંકી ઊઠ્યો.

“થોડા અંગત પ્રશ્નો હતા, મજબૂરી હતી, બહેનની ઉંમર વધતી જતી હતી. લગ્ન માટે પૈસાનો મેળ પડતો ન હતો. સંદીપે નક્કી કર્યું કે આગળ ભણવું નથી. નોકરી સ્વીકારી લેવી છે. બહેન આ માટે તૈયાર નહોતી. છોકરીઓ તો હજારો વર્ષથી દૂધપાતી થતી આવી છે, પણ એક બહેનને કારણે ભાઇની કારકિર્દી દૂધ પીતી થઇ જાય એ એને હરગીજ સ્વીકાર્ય નહોતું. એક દિવસ વહેલી સવારે એણે આત્મહત્યા કરી લીધી. અગ્નિની જવાળાઓમાં અરમાનો ભરેલી એક ઢીંગલી રાખ બની ગઇ. અગ્નિએ બધું જ બાળી નાંખ્યું. સંદીપનો સળગતો સવાલ પણ સળગીને રાખ થઇ ગયો. ઘણું રડ્યો પણ ગરમાગરમ રાખમાંથી એના રડવાના કારણે ફરીવાર ભીનાશ ન જ પ્રગટી શકી. આજે રોજના એ પંદર-વીસ હજાર રૂપીયા કમાય છે. રાત્રે એ પૈસા મારા હાથમાં સોંપે છે. હું એ રકમ તિજોરીમાં મૂકું છું, અને મારો સંદીપ એક લાંબા નિ:સાસા સાથે પથારીમાં પડે છે. આંખમાં આંસુ આવી જાય છે. રોજ મને પૂછે છે-“લક્ષ્મી મારા માટે શક્યતાનો નહીં સમયનો સવાલ હતી. પૈસો તો આજે શક્ય બન્યો છે, પણ સહેજ મોડો! રોજ મારી બહેનને નવેસરથી બચાવી શકું તેટલું કમાઉં છું, પણ બહેન ક્યાં છે?” જમવામાંથી મારો રસ ઊડી ગયો. ફરીથી હું છું કે ક્યારેય હું કોઇના પૈસાથી અંજાયો નથી. કોઇની સોનાની લંકા જોઇ એના ગઢમાંથી એકાદ કાંકરો ય ખેરવી કે સેરવી લેવાની ઇચ્છા મારા મનમાં સાતમા પાતાળમાં ય ક્યારેય ફૂટી નથી. જવાહરલાલ નહેરુ આ બાબત પૂરતા મારા આદર્શ પુરુષ રહ્યા છે. પણ આજે મને સમજાય છએ કે જવાહરલાલની કોઇ લાડલી બહેને વીસ હજાર રૂપિયાના અભાવે અગ્નિસ્નાન નહોતું કરવું પડ્યું. આજે આટલાં વર્ષ પછી મને ચચરાટ થાય છે કે એ વખતે કોઇની સોનાની લંકા મારી જાણમાં આવી ગઇ હોત અને જો એમાંથી એકાદ નાની કાંકરી ખેરવી લેવા મળી હોત તો કમ સે કમ એમાંથી એકાદ આછુંપાતળું મંગલસૂત્ર તો જરૂર બની ગયું હોત!

આજે સતર વરસે મારા સંતોષી જીવ માટે મારા મનમાં અસંતોષ જન્મે છે.

--------------------------------------------------------------------------------