ડૉક્ટરની ડાયરી Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડૉક્ટરની ડાયરી

ડૉક્ટરની ડાયરી

ડૉ. શરદ ઠાકર

નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને,
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને.

‘કેમ કરોડો રૂપિયા કમાઈ લેવા છે ?’
ના, પણ…’ આગળ શું બોલવું એ માટે હું શબ્દો શોધી રહ્યો.
તો પછી ? રાતોરાત પૈસાદાર થઈ જવું છે ?’
ના, એમ નથી. પણ વાત એમ છે કે…’‘
બસ, મારે તારી કોઈ જ વાત સાંભળવી નથી. જો તું માનવાનો હોય તો સલાહ આપું છું ને ન માનવાનો હોય તો હુકમ કરું છું.
કે ?’
આવું કોઈ સર્ટિફિકેટ તારે લખી નથી આપવાનું ! આજે પણ નહીં અને ભવિષ્યમાં પણ નહીં. ભગવાને તને હાથમાં ઈલમ આપ્યો છે. દર્દીઓનાં આંસુ લૂછ, આંગળીના ટેરવેથી પૈસા ખરશે. બાકી ડોન્ટ ગો ફોર ઈઝી મની ! ઝડપથી આવતા પૈસામાં પરસેવાની ખુશ્બૂ નથી હોતી, બેઈમાનીની દુર્ગંધ હોય છે. જિંદગી ગંધાઈ ઊઠશે. આ વાત અહીં પૂરી થાય છે. કરવી હોય તો બીજી વાત કર, નહીંતર મને ઉંઘ આવે છે….’

વાત ખરેખર અહીં પૂરી થઈ જતી હતી. સામે બીજું કોઈ હોત, તો સંવાદ લાંબો ચાલી શક્યો હોત, દલીલબાજીમાં હું કદાચ જીતી શક્યો હોત, પણ ઉપરની વાતચીત જેમની સાથે થઈ રહી હતી એ મારા પિતાજી હતા. એમની સામે રહેવા કરતાં હું હંમેશા એમની સાથે રહેવાનું જ પસંદ કરું છું. મારી ભૌતિક શક્તિના જ નહીં, પણ મારી ચૈતસિક શક્તિનાં પણ એ જ પ્રણેતા રહ્યા છે. મારી જિંદગીમાં ઈશ્વરનું સ્થાન પિતાના સ્થાન પછી હજરો માઈલ પછીનું છે. વાત ખરેખર પૂરી થઈ જતી હતી.

ઉપરનો સંવાદ જે રાત્રે, જે રીતે જે ભાવભંગિમા સાથે થયો એ બધું આજે પંદર વર્ષ પછી પણ મને એવું ને એવું યાદ છે. મેં હજી એકાદ-બે મહિના પહેલાં જ પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. તદ્દન મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતો હતો એટલે નર્સિંગ હોમ માટે બેન્કમાંથી અઢાર ટકાના વ્યાજવાળી લોન લીધી હતી. સદભાગ્યે ઉદ્દઘાટન કર્યું એ દિવસથી જ દર્દીઓ આવવા શરૂ થઈ ગયા હતા. પણ લોનનો હપ્તો અને કમર તોડી નાખે એવું વ્યાજ….! મન સહેજ ઉદ્વેગમાં રહ્યા કરતું હતું. કુટુંબ નાનું હતું, પિતાજી હજી કમાતા હતા અને માથે કોઈ મોટી જવાબદારી નહોતી, એટલે મારો સમય આવે ત્યાં સુધી મહિનો ઉજાગરો વેઠીને અને પરસેવો પાડીને જે કંઈ કમાયો હોઉં એ મહિનાના અંતે બેન્કનું દેવું ચૂકવવા પેટે આપી દેવાનો સમય આવે ત્યારે એક નજર હથેળીની રેખા તરફ અને એક નજર ઊંચે આસમાન તરફ અનાયાસ ફેંકાઈ જતી હતી. ટૂંકમાં આ જિંદગીનો એક એવો નાજૂક તબક્કો હતો જ્યારે આવી રહેલો પૈસો ઊજળો હતો કે શ્યામ એ જોવા માટેની મારી કોઈ ગુંજાઈશ નહોતી.

અને એ દિવસોમાં અચાનક એક અજાણ્યો પુરુષ મને મળવા માટે મારા કન્સલ્ટિંગ રૂમમાં આવ્યો. સાથે એનો ત્રણેક વર્ષનો પુત્ર હતો.
નમસ્તે સા’બ, મૈં લક્ષ્મીપ્રસાદ યાદવ હું. આપકે પડોશ મેં રહતા હૂં.’ એણે ખુરશીમાં બેસતાવેંત આત્મવિશ્વાસપૂર્વક શરૂ કર્યું. એનું ખડતલ શરીર, મોટું પેટ, રૂક્ષ ચહેરો, અણીદાર મૂછ અને ચૂંચી આંખોમાંથી ઢળી પડતું ધંધાદારી સ્મિત ! હું સમજી ગયો.
કહાં કે હો… ? બિહાર યા યુ.પી કે ?’ મેં પૂછ્યું.
અજી સા’બ, વૈસે તો બિહાર કે હૈ, મગર અબ તો સમજોને આપકે ગુજરાત કે હી હો ગયે હૈ. આજકલ કરતે કરતે દસ બરસ થઈ ગયા. અબ તો અમારી માતૃભાષા ભી ગુજરાતી થઈ ગઈ છે.’ પછી પાછું પેલું સ્મિત એના ચહેરા પર છવાઈ ગયું : ‘સા’બ આપની પડોશમાં જ રહું છું. આવો ને કભી ઘર પે…’‘
જરૂર આવીશ.’ મેં ઘડિયાળમાં જોયું. મારો કન્સલ્ટિંગનો સમય પૂરો થવા આવ્યો હતો. ઘેર જવાનું મોડું થતું હતું. ‘બોલો શું કામ હતું ?’
કામમાં તો એવું છે ને સાહેબ….’ એણે એના દીકરા તરફ આંગળી ચીંધી. ‘આ છોકરો તીન સાલનો થયો. એને સ્કૂલમાં જૂનિયર કે.જી.માં ભણવા મૂકવો છે. આપ એનું બર્થ સર્ટિફિકેટ બનાવી આપો તો કૃપા થશે.’
બર્થસર્ટિફિકેટ મારાથી કેવી રીતે બનાવી શકાય ?’ મેં આશ્ચર્ય વ્યકત કર્યું. ‘એ તો મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકે. અમે તો બહુ બહુ તો એટલું લખી આપીએ કે ફલાણા બાળકનો જન્મ આ તારીખે અમારા નર્સિંગ હોમમાં થયો છે.’
તો હું એ જ કહું છું ને ? આપ બસ ઈતના લખી આપો તો બડી કૃપા. ઔર હા, સા’બ આપ કી જો ફી હોતી હૈ વો આપ જરૂર લે લિજિયેગા…. પચાસ રૂપિયા, સો રૂપિયા જો ભી હો….’
પણ એક મિનિટ ! આનો જન્મ ક્યાં થયો હતો ? એ ડૉકટરનું લખાણ કેમ નથી મેળવી લેતા ?’ મેં દલીલ કરી.
સા’બ, યે તો ઘરે જ પેદા થયો હતો. પછી એનું બર્થ રજિસ્ટ્રેશન કરાવવાનું જ રહી ગયું. આ તો સ્કૂલમાં બેસાડવાની વાત આવી એટલે….’
માફ કરજો ભાઈ ! મારાથી આવું સર્ટિફિકેટ નહીં આપી શકાય.’
ઈસમેં ખોટા ક્યા હૈ ?’
છે. તમારો દીકરો ત્રણ વરસ પહેલાં જન્મયો છે. જ્યારે મારા નર્સિંગહોમની શરૂઆતને હજી ત્રણ મહિના પણ પૂરા નથી થયા ! તમારા પુત્રની હોમ ડિલિવરીને હું હોસ્પિટલ ડિલિવરીમાં તો ખપાવી દઉં, પણ મારા નર્સિંગહોમની ઉંમર વધારીને હું ત્રણ વર્ષની કેવી રીતે કરી શકું ?’
અરે સા’બ ! આપણા દેશમાં સબ જોવા કોણ નવરું બેઠું છે ? અને આ સર્ટિફિકેટ જે સ્કુલમાં હું રજૂ કરીશ એને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે દવાખાનું શરૂ કર્યું છે. અને સા’બ આટલું ખોટું તો તમારે પડોશીના નાતે પણ કરવું જ પડે. અને એનાં તો તમને પૈસા આપું છું ને સા’બ ?!!’ લક્ષ્મીપ્રસાદની સમજાવટ આક્રમક હતી. એમણે મને ચારે બાજુથી બાંધી લીધો હતો. એક તો એણે મારા ગળે એ વાત ઉતારી દીધી હતી કે આ કામ ખૂબ જ મામૂલી હતું. ભલે એ ખોટું હતું, પણ બહુ નાનું ખોટું હતું. બીજું આપણા ભ્રષ્ટાચારથી ખદબદતા દેશમાં આવું નાચીજ કામ કરવામાં કોઈ શરમ ન હોવી જોઈએ. વળી, પાડોશી ધર્મની આણ પણ મજબૂત હતી અને આ બધો શંભુમેળો ઓછો પડતો હોય તો પૈસાની લાલચ પણ છેવટે આપી જ દીધી હતી. હું નક્કી કરી શકતો નહોતો કે મારે શું કરવું જોઈએ. મેં લક્ષ્મીપ્રસાદને કહ્યું : ‘કાલે સવારે આવો. આજે તો મોડું થઈ ગયું છે. હું તમારી વાત ઉપર વિચાર કરીશ.’

‘એમાં વિચારવા જેવું શું છે ? મૈં પાંચસો રૂપયે દેને કો રાજી હું. ગૂડ નાઈટ, સા’ બ ! હું કલ સુબહ આવું છું.’ એ લાલચનો ટુકડો વધારીને વિદાય થયો. હું ઘરે ગયો. વાસ્તવમાં મેં ખરીદાઈ જવાનું પસંદ કર્યું હોત તો એ જ સમય હું બનાવટી સર્ટિફિકેટ એને આપી દઈ શક્યો હોત. મને રોકનાર કોઈ નહોતું. પણ મારું ઝમીર આટલું સસ્તું ક્યારેય નહોતું, આજે પણ નથી અને ત્યારે પણ નહોતું. એક વાત કબૂલ કરું છું કે, મેં બીજા દિવસનો વાયદો કર્યો એટલા પૂરતું હું ઝૂક્યો જરૂર, પણ એ માટેના મારા આર્થિક સંજોગો હું આગળ જણાવી ગયો છું. એ રાત્રે જમ્યા પછી મેં ઘરમાં બધા બેઠા હતા ત્યારે આ વાતનો સ્વાભાવિક ઉલ્લેખ કર્યો. સામાન્ય રીતે કોઈ ડૉકટર થયેલો પુત્ર પોતાના બાપ સમક્ષ આવી ધંધાકીય વાતની ચર્ચા ન જ કરે. પણ મેં કરી અને સકારણ કરી. કદાચ એમના જવાબની મને જાણ હતી. એમણે મારી અપેક્ષા મુજબની જ સલાહ આપી.

મેં એ સલાહ સ્વીકારવાનું અને અનુસરવાનું એમને વચન આપ્યું. પછી એમણે મને દુનિયાદારી શીખવી : ‘પાપ અને પુણ્યની વાત, પરસેવાની અને હરામની કમાણીની વાત, ઈમાનદારી અને બેઈમાનીની વાત ભૂલી જા આ બધું એક વાર ! પણ એટલું યાદ રાખજે કે કોઈ પણ લક્ષ્મીપ્રસાદ હોય કે લાલુપ્રસાદ – એને તારી ઉપર કારણ વગરનો પ્રેમ ઉભરાઈ જવાનો નથી. માત્ર બે લીટીનું સર્ટિફિકેટ લખી આપવાના પાંચસો રૂપિયા મળતા હોય, ત્યારે અવશ્ય ચેતી જવું. કોઈના ભલા માટે ખોટું કરવું જ હોય તો મફત કરવું. બાકી પૈસાની ઑફર જેમ મોટી એમ આપણી ના પણ એટલી જ મક્કમ હોવી જોઈએ. આટલું યાદ રાખજે, જિંદગીમાં ઘણી બધી ‘તકલીફો’થી બચી જઈશ.’

બીજે દિવસે સવારે હું તદ્દન ફ્રેશ હતો. લક્ષ્મીપ્રસાદ સ્મિતથી હર્યાભર્યા ચહેરે મારી સમક્ષ હાજર થયા. શર્ટના પારદર્શક ખિસ્સામાં સો-સોની નોટો જોઈ શકાય એમ ગોઠવેલી હતી. પણ મેં મક્કમતાપૂર્વક હાથ જોડીને એમને ના પાડી દીધી. એમને અપાર આશ્ચર્ય થયું. પણ એ હિંમત હાર્યા નહિ. અતિશય આગ્રહપૂર્વક એમણે જીદ ચાલુ રાખી : ‘અરે ડાકટર સા’બ ! તમે તો મને સાવ જ ડૂબાડી દીધો. લાગે છે કે તમને પૈસા ઓછા પડે છે.’
ના, એવું નથી. બલકે પૈસા વધારે પડે છે.’ મેં નમ્રતાપૂર્વક કહ્યું.
નહીં, નહીં સા’બ ! મજાક છોડો દેખો, હું વીસ હજાર રૂપિયા તો સ્કૂલમાં ડોનેશનના આપી રહ્યો છું. તો તમને નહીં આપું ? ચલો, સાત હજાર રૂપિયા સુધી આપવાની મારી તૈયારી છે. હવે ના પાડશો, તો મારે દૂસરા ડોક્ટર પાસે જવું પડશે.’

હા, આ આંકડો તદ્દન સાચો આંકડો છે અને આજથી પંદર વર્ષ પહેલાંનો આંકડો છે જેનું મૂલ્ય પણ ઘણું મોટું હતું. મને એ આજે પણ એટલા માટે યાદ રહી ગયો છે કે એ પછી આજ સુધીમાં કોઈએ મને ખરીદવા માટે એનાથી વધુ રકમની બોલી લગાવી નથી. મને મારી પ્રમાણિકતાની કિંમત વિષે તો આજ સુધી ખબર નથી પડી, પણ આ બનાવ પછી મને મારી અપ્રમાણિકતાના ભાવની જાણ થઈ ગઈ છે. એ જેમ જેમ ભાવ વધારતો ગયો, તેમ તેમ મારી ના વધુ ને વધુ મક્કમ બનતી ગઈ. છેવટે એણે હાર સ્વીકારી લીધી. એ ઊભો થઈને ચાલ્યો ગયો. અલબત્ત આ વખતે એના ચહેરા ઉપરનું પેલું ખંધુ સ્મિત સ્વાભાવિકપણે જ ગાયબ હતું.

એ પછીના ચોથા દિવસે મને એના એક સગા પાસેથી માહિતી મળી એ ચોંકાવી મૂકે એવી હતી. લક્ષ્મીપ્રસાદે મારી પાસે ઘણાં બધાં ગપ્પાં હાંક્યાં હતાં. હકીકતમાં એ બિહારનો એક છાપેલા કાટલા જેવો બદમાશ હતો. એની પત્નીએ ત્રણ વર્ષ પહેલાં એક સરકારી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો, પણ જે લેડીના હાથે આ પ્રસૂતિ થઈ હતી તે અતિશય દેખાવડી હતી અને લક્ષ્મીપ્રસાદે એની મથરાવટી મુજબ આ લેડી ડૉક્ટરની અણ-છાજતી છેડછાડ કરી. છેડછાડ શબ્દ અહીં સહેજ મોળો પડે એમ છે. વાસ્તવમાં એ બળાત્કારનો નિર્લજ્જ પ્રયાસ હતો. પેલી ડૉક્ટર યુવતી લાજ બચાવવા માટે નાસી છૂટી, કારણકે લક્ષ્મીપ્રસાદ જેવા માથાભારે ગુંડાની ચુંગાલમાંથી તેને છોડાવવા માટે યાદવકુળનો એક પણ માણસ તૈયાર નહોતો. માંડ માંડ બચી ગયેલી એ સ્ત્રીએ પટણા પોલીસમાં એની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી અને હાઈકોર્ટે લક્ષ્મીપ્રસાદની ધરપકડ માટેનું વોરંટ ઈશ્યૂ કર્યું. આજે પણ તેની તલાશ જારી છે. લક્ષ્મીપ્રસાદ ત્રણ ત્રણ વર્ષથી પટણા પોલીસ માટે ફરાર જાહેર થયેલો આરોપી છે. અહીં ગુજરાતમાં દસ વર્ષથી સેટલ થયો હોવાની એની વાત સાવ હંબગ છે.

પણ આ આખીયે ખાનગી વાતનો ભાંડો કોઈ જાણભેદુએ ફોડી નાખ્યો. પરિણામે બિહાર પોલીસને એની ભાળ મળી ગઈ અને લક્ષ્મીપ્રસાદ અત્યારે જેલમાં છે. આ વાત સાંભળીને મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું, પણ એક જ ! કારણકે મેં એના દીકરાને ખોટું બર્થ સર્ટિફિકેટ નહોતું આપ્યું. જો આપ્યું હોત તો કદાચ હૃદય સાવ જ બંધ થઈ ગયું હોત. એના સુપુત્રનો જન્મ બિહારના સરકારી દફતરે નોંધાયેલો છે અને અત્યારે એ કોર્ટના કઠેડામાં વિવાદની એરણ પર છે. એ છોકરો એક સાથે બે અલગ અલગ સ્થળે કેવી રીતે જન્મી શકે ?

આ પ્રસંગ પછી પ્રમાણિકતાનું અમૂલ્ય મૂલ્ય મને બરાબર સમજાઈ ચૂક્યું છે. ક્યારેય કોઈ વ્યક્તિ મને લાંચ આપવાની કોશિશ કરે છે, ત્યારે એક સવાલ મારા ખૂનમાંથી ઊઠે છે : ‘એને મારી પ્રત્યે એવો તે કયો પ્રેમ ઉભરાય છે કે એ મને…. ?!!’