ડોક્ટરની ડાયરી-11 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટરની ડાયરી-11

ડોક્ટરની ડાયરી-11

ડૉ. શરદ ઠાકર

રે મન, ચાલ મહોબ્બત કરીએ,

નદી-નાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે.

‘જો, આ શું છે ? જોઇ લે, તારી આંખો ફાટી જશે !’ વલ્લભના બોલવામાં મગરૂરી હતી, એની આંખોમાં અભિમાન હતું અને લંબાયેલા જમણા હાથમાં સિનેમાની ટિકિટનું ફાટેલું અડધિયું હતું. મારી આંખો ફાટી તો નહીં, અલબત્ત, ઝીણી અવશ્ય થઇ.

‘શું છે ?’ હું સિનેમાની ટિકિટમાં છુપાયેલો સંકેત સમજી શકું એટલો ચાલાક સાબિત ન થયો.

‘શું છે એમ પૂછે છે ?!’ વલ્લભના અવાજમાં મારી બાલિશતા પ્રત્યેનો પ્રગટ તિરસ્કાર દેખાઇ રહ્યો હતો: ”અરે, ‘શોલે’ની ટિકિટ છે ‘શોલે’ની…’

‘તો ?’ હું એણે કહ્યું એ તો સમજ્યો, પણ એ જે કહેવા માગતો હતો એ હજીયે સમજી ન શક્યો.

‘અરે, ગાંડા ! ‘શોલે’ પડ્યું એની પહેલાં દિવસના પહેલાં ‘શો’ની ટિકિટ છે !! શુક્રવારે ત્રણથી છનાં શોમાં બાલકનીમાં બેસીને બંદા જોઇ આવ્યા. બહાર તો જે ભીડ હતી, જે ભીડ હતી! પડે એના કટકા! પણ બંદાએ તો સવારથી જ બુકિંગ કરાવી રાખેલું.!’

મને એની બાલિશતા ઉપર દાઝ ચડી: ‘પહેલાં જ દિવસે ફિલ્મ જોવામાં કોઇ ખાસ ફાયદો થાય છે? એ લોકો એક વધારાની રીલ બતાવે છે ! કે પછી આવા પ્રેક્ષકોનું જાહેરમાં સન્માન કરે છે?’

પણ મારી કરામત નિષ્ફળ ગઇ. મેં ફેંકેલો કટાક્ષ નિશાન ચૂકી ગયો. વલ્લભની ટટ્ટાર ગરદન એક સેન્ટિમીટર જેટલું પણ ન ઝૂકી.

‘એ તને નહીં સમજાય. વરસાદ તો ચોમાસાનાં ચારેય મહિના વરસતો હોય છે, પણ પહેલા વરસાદની તોલે આખું ચોમાસું યે ન આવે. એવું જ આ ફિલ્મોનું છે. મેં તો જેટલી ફિલ્મો જોઇ છે એ બધી જ આ રીતે જોઇ છે.’

મને એની વાત તદ્દન અર્થહીન તો ન લાગી, પણ એનો તર્ક સાચો ન લાગ્યો. એકવાતમાં તો હું પણ સંમત હતો, પ્રથમ શોમાં ફિલ્મ જોવાનો મોટો ફાયદો એ કે આપણે એ ફિલ્મની ગુણવત્તા વિશે, કે બોક્સ-ઓફિસ ઉપરની એની સફળતા કે નિષ્ફળતા વિશે સભાન ન હોઇએ. એટલે આપણો અભિપ્રાય એ માત્ર આપણો જ હોય, બીજાનો નહીં, પણ વલ્લભની કાર્યપ્રણાલી પાછળ આવી કોઇ સમજણ ન હતી, એમાં તો હતી નરી આછલકાઇ, અર્થહીન મગરૂરી અને કોઇપણ કારણ વગરનું અભિમાન. પહેલાં શોમાં ફિલ્મ જોવાથી જાણે જગત જીતાઇ ગયું હોય એવી એની બોડી લેંગ્વેજ બની ગઇ હતી. એનું ચાલે તો એ ‘શોલે’ ફિલ્મ બનતી હતી, ત્યારે એના લોકશન ઉપર જઇને જોઇ આવે.!

વલ્લભ ડૉકટર તો અત્યારે છે, બાકી પંચોતેરની સાલમાં તો એ માત્ર વલ્લભ જ હતો. અલબત્ત, એ વખતે એ મેડિકલ સ્ટુડન્ટ અવશ્ય હતો. હું જામનગરની મેડિકલ કોલેજમાં ભણતો હતો અને વલ્લભ અમદાવાદમાં, ક્યારેક વેકેશનમાં અમે મળી જતા, ત્યારે મને એના આગવા ‘વલ્લભ સંપ્રદાય’નો પરિચય મળી જતો.

આવી જ રીતે એક દિવસ એણે મને એસ કલરનું એક શર્ટ બતાવીને પૂછૂયું હતું: ‘કયું કાપડ છે આ? કહી બતાવે તો ખરો !’

મેં પહેલાં પગથિયે જ હાર કબૂલી લીધી: ‘હું માણસ પારખી શકું છું, પણ કાપડ નથી પારખી શકતો. મારી પોતાની મીલ હોય અને તું એનું કાપડ બતાવે તો પણ હું ઓળખી ના શકું…!!’

‘ઓનલી વિમલ !!!’ એ જાહેરાતનું જિંગલ ગાતો હોય એવી રીતે બોલ્યો.

‘એમ? સારું કાપડ છે.’ મેં વાતને વહેતી રાખવા માટે જરૂર પૂરતાં વખાણ કર્યા.

‘પહેલા તાકામાંથી પહેલો ‘પીસ’ ફડાવ્યો છે!’ એના બોલવામાં અચાનક દર્પ ભળી ગયો.

‘એની ખાતરી શી?’

‘હજુ તો અમદાવાદમાં એક જ શો-રૂમ ખૂલ્યો છે, દસ દિવસ પહેલાં તો ઉદ્ઘાટન હતું. એના આગલા દિવસે સાંજે માલ આવતો હતો, એમાંથી જ આ કાપડનો ટુકડો ફડાવી લીધો. દુકાનના માલિકનો દીકરો મારો મિત્ર છે.!’

મેં આગળ દલીલ ન વધારી. બાકી હું પૂછી શકતો હતો કે પહેલાં તાકામાં ધીરૂભાઇએ વધુ સારો રંગ વાપર્યો હોય એવું બની શકે! પણ વલ્લભ આગળ આવી કોઇ જ તાર્કિક દલીલને અવકાશ ન હતો.

છ મહિના પછી સેકન્ડ એમ.બી.બી.એસ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. વલ્લભ ત્રીજા નંબરે પાસ થયો. મેડિકલના અભ્યાસક્રમનું સ્તર ઓલિમ્પિકની રમત સાથે સરખાવી શકાય. ઓલિમ્પિક ગેઇમ્સમાં કાંસ્ય ચંદ્રક પણ મહત્વનો ગણાય. મેં વલ્લભને અભિનંદન આપતો પત્ર લખ્યો. જવાબમાં એનો અફસોસ વાંચવા મળ્યો: ‘તું તો મિત્ર છો, એટલે અભિનંદન આપે છે, પણ હું એનો સ્વીકાર શી રીતે કરું ? ત્રીજા નંબર અને છેલ્લા નંબર વચ્ચે ફરક શો? તને તો ખબર છે કે હું પ્રથમ આંકડાનો માણસ છું. રોજ સવારે ઊઠીને કેન્ટીનમાં જઇને ફાફડા પણ પહેલાં ઘાણના જ આરોગું છું. ભગવાને મને ચાર ભાઇઓ અને ત્રણ બહેનો આપ્યાં છે, એ પણ મારો જન્મ થયા પછી…! હું ગામડામાં હતો ત્યારે દૂધ પણ ભેંસ દોહવાય ત્યારે પહેલી ધારનું પસંદ કરતો. ! અને પરીક્ષામાં ત્રીજો નંબર? કોઇ રીતે ન ચલાવી લેવાય! છેલ્લાં વરસમાં જોઇ લેજે! પાસ થઇશ તો પ્રથમ નંબરે, બાકી…’

હું એની મક્કમતાને મૂર્ખામી ગણીને વીસરી ગયો. તબીબી પરીક્ષામાં કોઇપણ વિદ્યાર્થી પ્રથમ નંબર લાવવાનો આત્મવિશ્વાસ રાખી ન શકે. આઇન્સ્ટાઇન પણ નહીં. અને જો એ રાખે, તો એને બડાશ માનવામાં આવે.

પણ દોઢ વરસ પછી જાણવા મળ્યું કે વલ્લભે જે આગાહી કરી હતી એ કોઇ બડાશ નહોતી, પણ એની બુદ્ધિમાં સમાયેલો એનો વિશ્વાસ હતો, એના પરસેવામાં રહેલી એની શ્રદ્ધા હતી, પહેલાં નંબર માટેનું એનું ઝનૂન અને આગ્રહ એનો રંગ બતાવી રહ્યો હતો.

એમ.બી.બી.એસ. પૂરું કર્યા પછી વલ્લભે જો ધાર્યું હોત તો એ આગળ ભણી શકયો હોત. કોઇ ગ્રીન કાર્ડ હોલ્ડર છોકરીને પરણીને અમેરિકા પણ જઇ શક્યો હોત. પણ બધાંના આશ્ચર્ય વચ્ચે એને એના ગામની નજીકના નાનકડાં શહેરમાં ખાનગી ક્લિનિક શરૂ કરી દીધું.

મેં આઘાત વ્યકત કર્યો, ત્યારે જવાબમાં એણે ખુલાસો પાઠવ્યો: ‘આવી રીતે પહેલા નંબરે પાસ થયા પછી પોસ્ટગ્રેજ્યુએશન કરવાને બદલે જનરલ પ્રેક્ટિસ શરૂ કરનાર મારા સિવાય બીજા કેટલાં? હું અવશ્ય પહેલો જ હોઇશ !

અને એના ક્લિનિકના પ્રારંભ સમયે સમારંભમાં હાજરી આપવા માટે હું ગયો, ત્યારે મેં જોયું કે પહેલાં દિવસે જેટલાં આમંત્રિતો હાજર હતા એનાં કરતાં પણ વધુ તો દરદીઓ હતાં! શરૂઆતથી જ ડૉ. વલ્લભ કમાણીની બાબતમાં પણ એ શહેરમાં પ્રથમ ક્રમ ઉપર ગોઠવાઇ ગયો હતો.

અને પછી અચાનક જિંદગીનું ગરૂડ સમયના આકાશમાં ફડફડાટ પાંખો વીંઝતું ઊડવા માંડ્યું. મારું મળવાનું ઓછું થતું ગયું. હું એના લગ્નની કંકોતરીની રાહ જોતો રહ્યો. પણ મને ક્યારેય જાણવા ન મળ્યું કે વલ્લભના લગ્ન કયારે થઇ ગયાં! થયાં કે નહીં એની પણ કોને ખબર? કદાચ એમાં પણ એ કંઇક એવું નવતર કરવા માગતો હોય જે એની પહેલાં દુનિયામાં કોઇએ ન કર્યું હોય!

હમણાં થોડા સમય અગાઉ મારે એના ઘરે જવાનું બન્યું. ગયો હતો તો ત્યાં એક સાહિત્યના સમારંભમાં હાજરી આપવા માટે, પણ એ પૂરો થયા પછી હું ડૉ. વલ્લભના ક્લિનિક ઉપર એને મળવા માટે જઇ ચડ્યો. વલ્લભ જામી ગયો હતો. બહાર બેઠેલાં દરદીઓની ભીડ એની સમૃદ્ધિની ચાડી ખાતી હતી. મને જોઇને ખુશ થઇ ગયો. કહે: ‘ચાલ, ઘરે…! તારી ભાભીની ઓળખાણ કરાવું.’

મેં ‘ભાભી’ વિશે કલ્પનાનો મહેલ ચણવા માંડ્યો. વલ્લભ ગામડાંનો હતો, પણ તંદુરસ્ત હતો, ગોરો હતો અને હવે તો સારા કપડાં પહેરવાને કારણે દેખાવડો પણ દેખાતો હતો. એની પત્ની જરૂર સુંદર જ હોવી જોઇએ. પણ સુંદર એટલે કેટલી સુંદર? એ તો એના ઘરે ગયા પછી જ જાણવા મળે.

અને ઘરે જઇને જે જોયું એ જાણવા જેવું ન હતું, આંખોએ માણવા જેવું ન હતું, કલમથી વખાણવા જેવું પણ ન નીકળ્યું.

‘આ મારી ‘વાઇફ’ શ્યામા…. અને શ્યામા, આ મારો બહુ જુનો ફ્રેન્ડ…’ વલ્લભે પરિચય કરાવ્યો અને મેં ‘નમસ્તે’ની મુદ્રામાં હાથ જોડ્યા, પણ કોની સામે ?

મારી સામે ઊભી હતી એક શ્યામા, અતિશય શ્યામ સ્ત્રી જેને રૂપ સાથે તો કોઇ જાતનું સગપણ ન હતું, પણ નમણાશ નામનો શબ્દ પણ એનાં શબ્દકોષમાં નહોતો! ચહેરા ઉપરથી વાચી શકાતું હતું કે સ્વભાવે પણ એ શ્યામ જ હોવી જોઇએ. વલ્લભ સાથેનું એનું વર્તન રૂક્ષ હતું. ઊઠવામાં, બેસવામાં, પાણી લાવવામાં, ચા આપવામાં…એની પ્રત્યેક ક્રિયામાંથી તોછડાઇ ટપકતી હતી.

શું જોઇને વલ્લભે આ ‘સ્ત્રી’ને પસંદ કરી હશે ? વલ્લભ નિ:શંકપણે એની જ્ઞાતિમાં સૌથી શ્રેષ્ઠ મુરતિયો હતો. એ ધારે તો મિસ માધુરી પટેલ કે મિસ ઐશ્વર્યા પટેલને પામી શકે એમ હતો, તો પછી આ મિસ કોલસો ક્યાંથી ભટકાઇ ગયો? ‘કોલસો’ શબ્દ વાપરતી વખતે હું એ વાતથી પૂરેપૂરો સભાન છું કે ચામડીનાં રંગને અને તે વ્યકિતના સદગુણોને કોઇ વાતનો સંબંધ હોતો નથી. મારી જિદંગીમાં મેં સૌથી વધુ સારા સ્વભાવની સ્ત્રીઓ જે પણ જોઇ છે એમાં એકપણ સ્ત્રી ગોરી નથી. સારા સ્વભાવની રૂપાળી સ્ત્રીઓ ફક્ત ફિલ્મોમાં અને નવલકથાઓમાં જ હોય છે.! પણ શ્યામા તો સ્વભાવે પણ કોલસો હતી! વલ્લભની એવી કઇ મજબૂરી હતી કે એણે આ કોલસાની ખાણમાં પડવું પડ્યું?

એ કદાચ મારી આંખ વાંચી ગયો હશે. એ સ્થળ અને સમય આ ચર્ચા માટે સાનુકૂળ નહોતાં, પણ હું અમદાવાદ પહોંચી ગયો એ પછી એનો ફોન આવ્યો.

વલ્લભે જ વાત કાઢી: ‘તને લાગેલો આઘાત હું સમજી શકું છું, કારણ કે જે પણ મિત્ર, સંબંધી કે પરિચિત શ્યામાને જુએ છે એ તારી જેમ જ આઘાત પામે છે. પણ મજબૂરી મારી નહોતી. મારે શ્યામાની સાથે પરણવું પડ્યું કારણ કે એ શ્યામાની મજબૂરી હતી.’

‘હું સમજ્યો નહીં.’

‘શ્યામા ગરીબ ઘરની છોકરી હતી. કોલેજમાં હતી અને એક છેલબટાઉ જુવાનની જાળમાં માછલી બનીને ફસાઇ ગઇ. પેલો બદમાશ એક પ્રધાનપુત્ર હતો. એને જાત-જાતની અને ભાત-ભાતની માછલીઓ આરોગવાનો વિકૃત શોખ હતો. શ્યામા જેવી કાળી છોકરી એના માટે એક વેરાઇટી હતી. એણે આ વિશિષ્ઠ વાનગી પેટભરીને આરોગી અને ચાર વરસ પછી એંઠવાડ વધ્યો એ ફેંકી દીધો.

હું મારા માટે એક અતિશય રૂપાળી પત્નીની તલાશમાં હતો, ત્યાં શ્યામાને બેહોશીની હાલતમાં મારા ક્લિનિકમાં લાવવામાં આવી. એણે આઘાતના માર્યા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમયસરની સારવારને કારણે એ બચી તો ગઇ, પણ એ સાજી થયા બાદ એના જ મુખે જ્યારે મેં એની ભયંકર દર્દનાક દાસ્તાન જાણી, ત્યારે મને સમજાયું કે શ્યામા ફરીથી આપઘાત કરવાની કોશિશ કરશે જ ! અને આ વખતે એ નિષ્ફળ નહીં જાય. એ રાત મારા માટે કશ્મકશની રાત હતી. એને બચાવવાનો એક જ ઉપાય હતો. હું એને ડૉકટર તરીકે તો એક જ વાર બચાવી શકું, એને કાયમી જીવતદાન આપવા માટે તો મારે એક પુરુષ બનવું પડે એમ હતું, એક પતિ બનવું પડે એમ હતું. અને મેં નક્કી કરી લીધું. એની સાથે પરણી ગયો. અને આજ સુધી એક પણ વાર મેં એના ભૂતકાળની યાદ શ્યામાને અપાવી નથી.!’

‘પણ શ્યામાનો સ્વભાવ…’

‘એ એની અંગત સમસ્યા છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે ! મેં એનો સ્વભાવ જોઇને લગ્ન નથી કર્યું, એની મુશ્કેલી જોઇને કર્યું છે. ચાલ્યા કરે છે.’

હું શું બોલવું એ નક્કી કરી શકતો નહતો, વલ્લભને શાબાશી આપવી? કે ઠપકો આપવો ?

શાબાશી જ અપાય. આવા મિત્રને , આવા કાર્ય માટે જો શક્ય હોય તો ટેલિફોનના રિસિવરમાંથી હાથ બહાર કાઢીને એની પીઠ ઉપર ધબ્બો મરાય!

મેં એમ જ કર્યું, હાથ વડે નહીં તો શબ્દો વડે: ‘વલ્લભ દોસ્ત! આઇ એમ પ્રાઉડ ઓફ યુ! મને યાદ છે કે કોલેજમાં હતા ત્યારે તને દરેક બાબતમાં ‘પ્રથમ’ ચીજનું કેવું વળગણ હતું ! પણ તે સ્ત્રીની બાબતમાં ‘પ્રથમ’નો આગ્રહ ન રાખ્યો. આવો આગ્રહ જતો કરનાર કદાચ તું પહેલો જ પુરુષ હોઇશ. તને હવે ‘વલ્લભ’ નહીં કહું, તું તો ‘પૃથ્વી વલ્લભ’ કહેવડાવવાને લાયક છે….!’