ડોક્ટરની ડાયરી- 12 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ડોક્ટરની ડાયરી- 12

ડોક્ટરની ડાયરી- 12

ડૉ. શરદ ઠાકર

મેલોઘેલો લેકિન માણસ, સર આંખો પર પલછીન માણસ,

પરસેવો, આંસુ ને લોહી, તાત્ત્વિક રીતે નમકીન માણસ

શીતળાના ચાઠાવાળો મોટો ચોરસ ચહેરો. સોક્રેટીસના નાક જેવું ચપટું,કદરૂપું નાક. ટૂંકા કપાળ નીચે ભરાવદાર થોભીયા જેવાં કાળા ભમ્મર નેણ, આંખની બખોલમાં ઝબૂકતા બે લાલચોળ અંગારા. સામેવાળાને ડારવા માટે આટલું અપૂરતું હોય એમ માથે તેલ નાખ્યા વગરના રૂક્ષવાળના ગૂંચળા અને ચહેરાને અડધા ઉપરાંત આવરી લેતી મધપૂડા જેવી દાઢી. માણસ મઘ્યમ કદ-કાઠીનો, પણ માણસ જેવો ન લાગે. હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી વઘુ લાગે.

એની પત્નીને લઇને ‘ચેક-અપ’ માટે આવ્યો હતો. બંને પરેશાન દેખાતા હતા. અને એ સ્વાભાવિક હતું; ત્રણ-ચાર ગાયનેકોલોજીસ્ટના ઊંબરા ટોચીને આવ્યા હતા. મેં મારું જ્ઞાન વાપર્યું. અંદર અત્યાર સુધીનો અનુભવ ભેળવ્યો. જે બહાર આવ્યું એ નિદાન હતું.

‘કમાલુદ્દીન, તુમ્હારી બીબીકા ઓપરેશન કરના પડેગા. બચ્ચેદાની ખરાબ હો ગઇ હૈ.’ મેં ઉપાય સૂચવ્યો.

‘ખર્ચાપાની કિતના હોગા ?’ મધપૂડાની ઉપર માંડ દેખાતા બે જાડા હોઠ ખૂલ્યા.

‘દો હજાર રૂપિયા. દવાકા ખર્ચ અલગ હોગા. આઠ દિન યહાં રહેના પડેગા’

‘જરા સોચ સમઝકે હિસાબ લગાના, સા’બ !’

‘ક્યા કામ કરતે હો ?’

‘ભાઈ કે વહાં કામ કરતા હૂં.’ કમાલુદ્દીને જવાબ આપ્યો. જો કે એણે ખાલી ‘ભાઈ કે વહાં’ નહોતું કહ્યું. ભાઈનું નામ પણ આપ્યું હતું. પણ એ નામ જરા વધારે પડતું વજનદાર હોવાથી અને હવે તો સ્વર્ગસ્થ નામ હોવાથી એનો ઉલ્લેખ હું કરતો નથી. પણ એકવાત સાવ સાચી; ‘ભાઈ’ જ્યાં સુધી આ દુનિયામાં હયાત હતા, ત્યાં સુધી લગભગ રોજ અખબારોના પાને ચમકતા રહેતા હતા.

કમાલુદ્દીનની બીબીનું ઓપરેશન થઇ ગયું. અઠવાડિયાના હોસ્પિટલ-સ્ટે દરમ્યાન કમાલ વેળા-કવેળાએ પત્નીની મુલાકાતે આવતો રહ્યો.

એકવાર મેં જમીલા (કમાલુદ્દીનની બીબી)ને પૂછ્યું: ‘કમાલાભાઈ તુમ્હારા ખયાલ નહીં રખતે. કભી આતે હૈ, તો કભી…’

એ સમજ ભર્યું હસી પડી: ‘નહીં, ઐસા નહીં હૈ. લૈકિન ઉનકો ધંધા ભી સમાલના પડતા હૈ ના ? બહોત જિમ્મેદારીકા કામ હૈ, સા’બ !’

‘ભાઇ’ને ત્યાં નોકરી અને પણ પાછી જવાબદારીવાળી ! હું આગળ વિચારી ન શક્યો.

આઠમે દિવસે જમીલાને રજા આપવાની હતી. કમાલુદ્દીન આવી ગયો. પીળા પડી ગયેલા ઝભ્ભાના ખિસ્સામાંથી દુર્ગંધ મારતી નોટોનો થોકડો કાઢ્યો: ‘ગીન લિજિયે ! પૂરે અઠરાહસો હૈ’ ગણવાની કશી જ જરૂર ન હતી. બસ્સો રૂપિયા કમાલુદ્દીને જાતે જ કાપી લીધા હતા. પણ મને લાગેલો આઘાત આ બસો રૂપિયાના ડિસ્કાઉન્ટનો નહોતો, પણ ટેબલ પર પડેલી નોટોમાંથી ઉઠતી દુર્ગંધનો હતો.

‘કમાલભાઈ, દારૂ પીકર આયે હો ?’ મેં પૂછ્યું.

‘નહીં, સા’બ ! આજ નહીં પી હૈ. યે બાસ તો નોટો મેં સે આતી હૈ.’ આટલું કહીને એણે અત્યાર સુધી એક કપડામાં વીંટાળી રાખેલી એક ‘ચીજ’ કાઢીને ટેબલ પર મૂકી: ‘યે આપકે લિયે લાયા હૂં.’

મેં જોયું કે એ એક કાચની નાની, ચપટી બાટલી હતી અને અંદર આછું, લાલ રંગનું પ્રવાહી ભર્યું હતું.

મેં પૂછ્યું: ‘યે ક્યા હૈ ?’

‘કુછ જ્યાદા નહીં હૈ, બસ, શરાબ હૈ ! આપ ચખકે દેખો. અચ્છી લગે તો બોલ દેના, હરરોઝ પહુંચા દિયા કરુંગા. અપૂનકા તો યે હી ધંધા હૈ, સા’બ.’

હું થથરી ગયો. મારી માલિકીની જગ્યામાં શરાબની મૌજુદગી ! હું પહેલીવાર આ દૃશ્ય જોઇ રહ્યો હતો.

‘ભાઈ સા’બ, યે ઊઠા લો ! મુઝે ઇસકી જરૂરત નહીં, ઔર શૌખ ભી નહીં. મૈં દવાદારૂસે તાલ્લુક રખતા હૂં, સિર્ફ દારૂ સે નહીં.’

એણે મારી વાત માની. દારૂની બોટલ ફરીથી કપડાની આગોશમાં ઢબૂરાઈને ઊંઘી ગઇ.

‘તુમ દારૂ બેચતે હો ?’

‘નહીં, સા’બ ! મૈં તો ભાઈ કે વહાં કામ કરતા હૂં. ભાઈ દારૂ કા ધંધા કરતે હૈ. આખ્ખા ગુજરાતમેં ભાઈ કા કારોબાર હૈ. મૈં ઊનકી મિનિસ્ટ્રીકા એક સદસ્ય હૂં.’

મિનિસ્ટ્રી ! અને સદસ્ય !! મારા આશ્ચર્યનો પાર ન હતો. પછી કમાલ ખૂલતો ગયો. ભાઈનો કારોબાર પૂરેપૂરો આયોજનબદ્ધ હતો. શરાબ, સ્ટેબિંગ, અપહરણ, સૂપારી, મકાનની લે-વેંચ… ! જ્યાં પોલીસના ચરણ અટકતા હતા, ત્યાંથી ભાઈના પગ આગળ વધતા હતા. એમનું આખું પ્રધાનમંડળ હતું. વિદેશપ્રદાન હતા જે ફોરેનના શરાબનો વહીવટ સંભાળતા હતા. એક ગૃહપ્રધાન હતા જેની સીમા દેશી દારૂ સુધી સિમિત હતી. એક આંતરિક સુરક્ષાનું ખાતું સંભાળનાર ‘પ્રધાન’ હતા જે પોલીસ સાથેનો પનારો ઉજવી લેતા અને એક નાણાપ્રધાન હતા જે કોઈપણ રાજ્યના નાણાપ્રધાન કરતા વધારે નાણાંનો વહીવટ કરતા હતા. અને કોઈપણ રાજ્યના પ્રધાન કરતા વધારે પ્રામાણિક્તાપૂર્વક કરતા હતા. ભાઈના રાજમાં કટકીને સ્થાન નહોતું. ખાવાપીવાની છૂટ હતી, પણ બોફોર્સની નહીં.

‘મૈં યે સબ માનતા નહીં હૂં’ મેં કમાલુદ્દીનને જણાવ્યું: ‘બેનંબરી ધંધે મેં ઇતની અચ્છી વ્યવસ્થા ? હો હી નહીં સક્તી!’

જવાબમાં કમાલે કમાલ કરી. ખિસ્સામાંથી એક લાંબો, ગડી વાળેલો કાગળ કાઢ્યો. શરાબનું સ્પ્રે છાંટ્યું હોય એવા દુર્ગંધયુક્ત કાગળમાં લાંબી લચક યાદી હતી.

‘આ શું છે ?’

‘યે હમારે ઇલાકેકે પુલીસ સ્ટેશનકા હિસાબ હૈ. યે દેખો; પી.આઈ.કે. પંદ્રહ હજાર, પી.એસ.આઈ.કે દસ-દસ હજાર, કોન્સ્ટેબલકે, જીપ ડ્રાઈવર કે, રાઈટર કે, નાઈટ સ્ટાફકે… ! સબકે લિયે પૈસે બાંટને પડતે હૈ.’

મેં કાગળ હાથમાં લીધો. ઝીણવટપૂર્વક વાંચ્યો. સાચું ખોટું રામ જાણે, પણ અમદાવાદના એક જાણીતા પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફની નામ સહિતની યાદી એમાં લખાયેલી હતી. દરેક નામની સામે એની કિંમત ‘છાપેલી’ હતી. છેલ્લે ઓર્ડરલીનું નામ હતું, જેનો બજાર ભાવ પંચોતેર રૂપિયા હતો. (આ પગાર અઠવાડિક હતો અને આ વાતને આજે દસ-બાર વરસ થવા આવ્યા છે. અત્યારે તો પગારધોરણ ઊચું જ ગયું હોવું જોઇએ.)

‘ઠીક છે, તું હવે જા અહીંથી; અને ત્રણ-ચાર દિવસ પછી જમીલાને ડ્રેસિંગ માટે લઇ આવજે.’ મેં એને રવાના કરવાના ઇરાદા સાથે ઉતાવળ કરી.

‘ડ્રેસિંગ કે લિયે સ્પિરિટ હૈ આપકે પાસ ? કહો તો મેં…’ એણે બાટલીવાળા કપડા તરફ ઇશારો કર્યો. મને થયું કે આનો એક-બે ડોક્ટર મિત્રો સાથે પરિચય કરાવી દેવો પડશે, એ લોકોની રોજની સાંજ આમ પણ ભીની રહેતી હોય છે, હવે પૈસાની બચતવાળી પણ બની જશે.

એના ગયા પછી એની હાલત જોઇને મને પારાવાર અફસોસ થયો. એક અભણ, બેકાર મુસ્લિમ યુવાન યોગ્ય માગદર્શનના અભાવે કેવા અસામાજિક ધંધામાં જોડાઈ જાય છે ! ક્યારેક એના ગોડફાધરનું વ્યવસ્થાતંત્ર તૂટી પડશે, ત્યારે આ કમાલુદ્દીનનું શું થશે ? મારી આંખો સામે પોલીસની ગોળીઓથી વિંધાયેલો એનો દેહ ઉપસી આવ્યો.

એ પછી બે-ત્રણ પ્રસંગો બની ગયા. એક દિવસ ઉનાળાની બળતી બપોરે હું એક ભરચક્ક મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ગાડીમાં મારી સાથે પત્ની હતી, મારા બાળકો હતા, ભાણિયો અને ભાણી પણ હતાં. અચાનક મારી પત્નીએ ગાડી ઊભી રખાવી.

‘હું જરા સામેની શોપમાં જઇ આવું.’ એ ખરીદી માટે ગઇ. હું ગાડી ઊભી રાખવા માટે છાંયડો શોધતો રહ્યો. પણ નિરાશ થયો. ક્યાંય સમ ખાવા પૂરતું એક ઝાડ પણ નહોતું. ગાડીમાં ઉકળાટ વધી રહ્યો હતો. મેં રોડની સામેની બાજુ પર નજર ફેંકી. ત્યાં ઠંડા પીણાની દુકાન હતી.

‘કંઇ ઠંડુ પીવું છે ?’ મેં બાળકોને પૂછ્યું. જવાબમાં ફરમાઈશોનું કોરસ ગૂંજી ઊઠ્યું. પણ હું ગાડીમાંથી ઊતરું એ પહેલાં તો દુકાનમાંથી એક ટાબરીયો આવીને પાંચ બોટલ્સ પીરસી ગયો. અમે શાંતીથી પીણું માણતા રહ્યા. એ ખતમ થયું ત્યાં મજેદાર પાન આવી ગયા. મને આશ્ચર્ય તો થયું કે ઓર્ડર આપતા પહેલાં જ આ બઘું… ! પણ પછી થયું કે આવી જગ્યાએ ઘણીવાર આ પ્રકારની ધંધાકીય કુનેહ પણ હોઈ શકે છે.

બિલ ચૂકવવા માટે હું ગાડીમાંથી નીચે ઊતર્યો.

‘કિતને પૈસે હુએ ?’ મેં પાકિટમાંથી રૂપિયા કાઢતા પૂછ્યું.

‘પૈસે આ ગયે, સા’બ !’

‘કૈસે આ ગયે ?!’ મારા આશ્ચર્યને કોઈ સીમા નહોતી.

‘કમાલભાઈને ઓર્ડર દિયા થા. બાત ખતમ હો ગઇ, સા’બ ! અબ આગે એક લબ્ઝ ભી નહીં બોલીયેગા…’ કાઉન્ટર ઉપર બેઠેલા માણસના ચહેરા ઉપર પૈસા ન લેવાનો કોઈ જ અફસોસ ન હતો, ઊલટું કમાલભાઈના મહેમાનની ખાતરબદદાશ્ત કરવાનો ગર્વ ઝલકતો હતો. મને યાદ આવ્યું; હું જ્યારે ગાડી પાર્ક કરવાની જગ્યા શોધી રહ્યો હતો, ત્યારે મધપૂડા જેવી દાઢી ધરાવતો એક ‘આતંકવાદી’ આ ગલ્લા પાસે ઉભો હતો. ઓર્ડર અને પૈસા ચૂકવીને એ સરકી ગયો હોવો જોઇએ.

થોડા દિવસ પછીની વાત છે. સાંજનો સમય હતો. હું ફૂટપાથ પર તડબૂચનો ઢગલો પાથરીને બેઠેલા એક જુવાન મુસલમાન સાથે ભાવ-તાલ કરી રહ્યો હતો. પેલો એના ભાવમાં એક પૈસાનો પણ ફરક કરવા તૈયાર ન હતો. માલ સારો હતો એટલે મેં રકઝક પડતી મેલી. સાડા ત્રણ કિલોનું વજનદાર તડબૂચ ખરીદીને ગાડીમાં મૂક્યું. પૈસા કાઢવા જઉં છું ત્યાં તખ્તો પલટાઈ ચૂક્યો હતો.

‘કિતને પૈસે હુએ ?’

‘પૈસે નહીં લેણે કે હૈં.’

‘ક્યું ?’

‘આ ગયે… !’

‘કિસને દિયે ?’ જવાબમાં નિખાલસ સ્મિત. મેં નજર ધૂમાવીને પાછળ જોયું. છેક રસ્તાની સામેની બાજુએ આવેલા એક ગેરેજની દિવાલ પાસે મધપૂડા જેવી દાઢીવાળા એક ભયંકર ઓળાને ઓગળી જતો મેં જોયો.

‘પૈસે તો તુમકો લેને પડેંગે. યે કમાલુદ્દીનકી દાદાગીરી હૈ તુમ પર…’

‘નહીં સા’બ ! કમાલભાઈ લુખ્ખા આદમી નહીં હૈ. વો પૈસે ચૂકા દેગા. અગર તુમસે ભી પૈસે લિયે તો વે મુઝે જિન્દા નહીં છોડેંગે.’

મેં માથું ઘૂણાવ્યું. કમાલના પ્રેમ આગળ હું હારી ગયો. એ પછી છ એક મહિનામાં મને સમાચાર મળ્યા; અંદર-અંદરની ગેંગવોરમાં કમાલુદ્દીનની કતલ થઇ ગઇ. કોઇએ ચોપરથી એના આંતરડા વેતરી નાખ્યા. એ પછી થોડા સમયે એના ડોનનું પણ અવસાન થયું. હવે મને લાગે છે કે કમાલુદ્દીન સમયસર મૃત્યુ પામ્યો; અત્યારે એ જીવતો હોત તો શું કરત ? શી દશા હોત એની ?

રેટ કરો અને રિવ્યુ આપો

mukesh mehta

mukesh mehta 4 માસ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 2 વર્ષ પહેલા

palak vikani

palak vikani 2 વર્ષ પહેલા

Yogi Patel

Yogi Patel 2 વર્ષ પહેલા

Darshit Maniyar

Darshit Maniyar 2 વર્ષ પહેલા