ડોક્ટરની ડાયરી- 6 Sharad Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોક્ટરની ડાયરી- 6

ડોક્ટરની ડાયરી- 6

નીકળ્યું કંઇક ફોતરી જેવું જ ખોતરતાં,

કાનમાં ખંજવાળ કેવી મીઠી ઊપડી હતી?

મને ચોક્કસપણે યાદ છે, એ બ્યાંશીની સાલ હતી. અત્યારે છે એવી જ મોસમ હતી. ઓકટોબર અસ્ત પામી રહ્યો હતો અને નવેમ્બર જન્મી રહ્યો હતો. અમદાવાદથી બે કલાકના બસ રસ્તે ઊભેલું એક નાનકડું શહેર હતું. એને તમે મોટું ગામડું પણ ગણી શકો. ત્યાંની હોસ્પિટલમાં હું તદ્દન નવો સવો ગાયનેકોલોજિસ્ટ હતો.

મને નોકરીમાં જોડાયાને માંડ દસ-પંદર દિવસ થયા હતા. વિશાળ આવાસ મળેલો હતો. દસ માણસો માટે જરૂરી બને એટલું ફર્નિચર હતું અને હું એકલો હતો. નવરાત્રિના દાંડીયા હમણાં જ શાંત થયા હતા, પણ હું અશાંત હતો. ગામડાં જેવાં શહેરમાં નવરાત્રી કંઇ જામી નહીં. કદાચ એમાં મારી માનસિકતા પણ જવાબદાર હોઇ શકે. ઘણીવાર ગરબા કેવા છે એ ફરતાં એમાં ભાગ લેનાર કોણ છે એ હકીકત મહત્વનો ભાગ ભજવી જતી હોય છે. અને સત્ય એ હતું કે અહીં મારું પરિચિત કહી શકાય એવું કોઇ જ ન હતું. ગરબા એ મારે માટે અજાણ્યા પ્રદેશનો અપરિચિત તહેવાર બની રહ્યો હતો.

આવા જ ગમગીન વાતાવરણમાં શરદ પૂનમ આવી પહોંચી. હોસ્પિટલમાં રજા ન હતી. હું સવારના આઠ વાગ્યાથી કામ પર ચડી ગયો હતો. બે વોર્ડઝનો રાઉન્ડ પૂરો કરીને ઓ.પી.ડી.માં આવ્યો, ત્યારે દસ વાગવા આવ્યા હતા.

‘બાબુભાઇ, આજે શરદપૂનમ છે.’ મેં મારાથી બમણી ઉંમરના એક સજ્જન મિત્રને આજના દિન-મહાત્મ્યની યાદ દેવડાવી.

‘હા જી, સાહેબ! ખબર છે.’ બાબુભાઇના હાથમાં ઇન્જેકશન આપવાની સિરિંજ હતી અને એ હસ્યા.

‘નવરાત્રી તો સાવ ફિક્કી રહી, બાબુભાઇ!’

‘હા, સાહેબ! કયારેક તહેવારને પણ એનિમિયા લાગુ પડતો હોય છે!’ એમણે સિરિન્જમાં દવા ભરીને હવામાં થોડી પીચકારી મારી. એ વરસો જૂના કર્મચારી હતા. એમનું મુખ્ય કામ દરદીઓને ઇન્જેકશન આપવાનું હતું.

‘હવે શરદ પૂનમનો એનિમિયા દૂર કરો.’ મેં સૂચન કર્યું. આટલા દિવસની નોકરીમાં મને બાબુભાઇ જોડે ફાવી ગયું હતું. એ ક્રિશ્ચિયન હતા અને જીસસનો અનુયાયી જેવો હોવો જોઇએ એવા જ સજ્જન હતા. એક ખ્રિસ્તીને શરદપૂનમ સાથે શી લેવા-દેવા? પણ તેમ છતાં હું એમને આ કામ સોંપી રહ્યો હતો. એ મારી શરદપૂનમ સજાવી આપે, બહુ બહુ તો બદલામાં એકાદ-બે મહિના પછી એમની નાતાલ આવી જ રહી હતી, એ વખતે એ પણ મારા સહકારની અપેક્ષા રાખી શકતા હતા. એવા વાટકી વહેવાર માટે હું તૈયાર હતો.

બાબુભાઇએ સિરિન્જ છોડીને હાથ ખાલી કર્યા. પછી બે હાથે તાળી પાડી. બાજુના રૂમમાંથી ભરત ભીમાણી દોડી આવ્યા. એ એકસ-રે વિભાગમાં કર્મચારી હતા. આખો દિવસ ડાર્કરૂમમાં કામ કરી કરીને અંધારાથી ઊબાઇ ચૂકેલા જુવાન માણસ હતા. શરદપૂનમના અજવાળાની વાત સાંભળીને એ માણસ મટી ગયા, ઉત્સાહનો ફુવારો બની ગયા.

‘શરદ પૂનમની રાતે ઘરમાં તો રહેવાય જ નહીં.’ ભરતભાઇએ ગૃહત્યાગની વાત ઉચ્ચારી. બધાં એની સાથે સંમત થયા.

‘તો કયાં જવું? ધાબે?’

‘ના, ધાબું પણ ઘરનો જ ભાગ ગણાય. હું તો કહું છું આજે રાત્રે ગામમાં પણ ન રહેવાય.’ ભરતભાઇનો આવેશ આગળ વધ્યો જતો હતો. હવે પછી એ દેશત્યાગની વાત ન કરે તો સારૂં એવો વિચાર મને આવ્યો.

‘તો?’

‘ચાંદનીની ખરી મજા લૂંટવી હોય તો ગામથી દૂર પહાડોમાં ચાલ્યા જવું જોઇએ. પથ્થરની પથારી, રૂપેરી ચાંદનીનું ઓઢણું અને રંગીન વાતોનાં ઓશિકાં..!’ ભરતભાઇએ રંગીન રાતનો સંગીન નકશો દોરી આપ્યો. હું અને બાબુભાઇ ઝૂમી ઊઠયા.

‘છે કોઇ એવું સ્થળ?’ મેં બાબુભાઇને પૂછૂયું. એ સ્થાનિક માણસ હતા.

એમણે હકારમાં માથું હલાવ્યું. ચર્ચના ભકત હોવા છતાં એમણે મંદિરનું સરનામું લૂચવ્યું: ‘ઉત્તર-પશ્ચિમ દિશામાં મહાદેવનું પુરાતન મંદિર છે. ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું છે. તદ્દન શાંત વાતાવરણ હશે. પૃથ્વી પર માત્ર આપણી જ માલિકી હોય એવું લાગશે. આવું રમણીય સ્થળ તમારા અમદાવાદમાં કયાંય જોવા નહીં મળે. બોલો, શું કરવું છે?’

કરવાનું શું હોય બીજું? મજાની વાતમાં બધાંની રજા જ હોય ને? ભરતભાઇનો વિચાર, બાબુભાઇનું દિશાસૂચન અને મારું શું?

‘જાવ, દૂધ-પૌંઆ મારા તરફથી.’ મેં કહ્યું ‘અને જો કોઇ ગરમાગરમ મેથીના ગોટા બનાવી આપવા તૈયાર હોય તો એની સ્પોન્સરશિપ પણ મારા તરફથી!’

ગોટા બનાવી આપનાર પણ મળી ગયો. એ નરેશ હતો સ્ટોરકીપર. હવે એક જ વાતની ખામી હતી. સ્થળ શહેરથી થોડે દૂર આવેલું હતું. ત્યાં જવા માટેનો તો સવાલ ન હતો. પણ મોડી રાત્રે થાક્યા પછી ચાલતાં પાછા આવવાની મુશ્કેલી હતી.

નરેશે અહીં મદદ કરી: ‘જીપની વ્યવસ્થા હું કરી શકું એમ છું.’

‘તું?! કયાંથી?’ અમને સૌને નવાઇ લાગી. અમે જાણતા હતા કે નરેશ પાસે સાયકલ પણ ન હતી.

‘આપણા ગામમાં મેડિકલ સ્ટોર છે ને! સારવાર મેડિકલ સ્ટોર’નો માલિક પંકજ મારો મિત્ર છે. એ એની જીપ આપવા માટે તૈયાર થઇ જશે.’

મને ચિંતા થવા માંડી. એક પછી એક જરૂરિયાત વધતી જતી હતી અને દરેક જરૂરતને પોષવાના બહાને માણસોની સંખ્યામાં પણ વધારો થયે જતો હતો.

મેં સ્પષ્ટતા કરી લીધી: ‘જો, નરેશ! આપણને પંકજની જીપ ખપે છે, પંકજ નહીં!’

‘તો પછી જીપ ચલાવશે કોણ?’ નરેશે પાયાનો પ્રશ્ન પૂછૂયો: ‘તમારામાંથી આવડે છે કોઇને?’

‘ના, પણ આપણે એક કામ કરીએ. આપણી એમ્બ્યુલન્સનો ડ્રાઇવર વિનુ છે ને? એને જીપ ચલાવવા માટે સાથે લઇ લઇએ. તું ખાલી જીપની વ્યવસ્થા કર.’

વિનુ સાવ જુવાન છોકરો હતો, અને વફાદાર પણ. પાંચ જણનું પંચ રચાઇ ગયું. પંચ ત્યાં પરમેશ્વર. સાંજ પડી ત્યારથી જ અમે થનગનાટ અનુભવવા માંડયા હતા. નરેશ એના સ્ટોરમાં હાજરી આપવાને બદલે ઘરમાં રસોડામાં હાજરી આપી રહ્યો હતો. દૂધ-પૌંઆ અને મેથીના ગોટાની તૈયારીમાં પડયો હતો. હું મારા દરદીઓને ઝપાટાબંધ ‘પતાવી’ રહ્યો હતો. જે એકાદ-બે સુવાવડો મોડી રાત્રે થવાની શકયતા હતી એ સ્ત્રીઓને વૈજ્ઞાનિક ઢબે ઇન્જેકશનો આપીને એકાદ કલાક વહેલાં છુટકારો થાય એવી વ્યવસ્થા હું કરી રહ્યો હતો. ભરતભાઇ અને બાબુભાઇ મધરાતની મહેફિલ માટે જોકસ, શાયરીઓ અને ગીતોની દુનિયામાં ખોદકામ કરી રહ્યા હતા. અને રાત્રે દસ વાગ્યાના ટકોરે વિનુ જીપ લઇને હાજર થઇ ગયો. અમે નક્કી કરેલા સંકેત પ્રમાણે એણે બે વાર હળવા હોર્ન માર્યા અને અમે ચારેય જાગેડુઓ ભાગેડુ બનવા માટે નીકળી પડયા.

તાલીબાનો સામે યુદ્ધ કરવા માટે અમેરિકાએ જે પૂર્વતૈયારી કરી હશે એના કરતાં અમે વિશેષ તૈયારી કરી ચૂકયા હતા. એ રાતની વાત હું જાણી જોઇને નથી કરતો. કારણ કે એ કરવા માટે એક અલગ જ ‘એપિસોડ’ જોઇએ. પણ એટલું જરૂર કહીશ કે એ શરદપૂનમની આનંદ રાત્રિ ઉપર એ પછી તો બીજી અઢાર પૂનમો ઢળી ગઇ છે, પણ એવી મજા આજ સુધી કયારેય માણી નથી. એ રાતે જોયો છે એવો પ્રકાશિત ચંદ્ર ત્યાર પછી કયારેય જોવા મળ્યો નથી. પ્રકૃતિ આટલી રૂપવતી હોય શકે એવું ફરી કયારેય જાણ્યું નથી. આકાશ એટલું નિકટ કયારેય લાગ્યું નથી. અને મિત્રો આટલા વહાલા કયારેય અનુભવ્યા નથી.

રાત્રે બે ત્રણ વાગ્યે (કે પછી ચાર વાગ્યે) બધાં પાછાં ફર્યા. અમારી નસેનસમાં લોહીના પ્રવાહની સાથે રૂપેરી ચાંદની પણ ભળી ગઇ હતી. દૂર આવેલા મુલતાની વણઝારાના પડાવમાંથી ઊઠતાં અજાણી ભાષાના અસ્પષ્ટ સૂર હજી પણ અમારા કાનોમાં ગુંજી રહ્યા હતા. એ રાતે પથારીમાં પડયા પછી સપનાં પણ ચંદ્ર જેવા જ રૂપાળા, રૂપેરી અને રઢિયાળા આવ્યા!

આ આનંદરાત્રિ વિત્યાને ત્રણ-ચાર દિવસ માંડ થયા હશે, ત્યાં એક અણધારી ઘટના બની. બપોરનો સમય હતો. લગભગ એક વાગ્યો હશે. હું ઓ.પી.ડી.માંથી પરવારીને ઉભો થવા જતો હતો, ત્યાં જ કમળાબેન (આયાએ) કહ્યું: ‘સાહેબ, પેશન્ટના સગાં તમને મળવા માગે છે. અંદર મોકલું?’

‘કયા પેશન્ટના સગાં છે?’

‘જશીનાં.’ કમળાબહેને યાદ કરાવ્યું: ‘રાત્રે ડિલિવરી થઇ એનાં. દવા બતાવવા માટે આવ્યા લાગે છે.’

‘આવવા દો.’ વળતી જ ક્ષણે ત્રણ-ચાર આદિવાસી પુરુષો મારી સામે આવી ઊભા.

‘શું છે, ભાઇ?’ મારી નજર એમાંથી એકના હાથમાં રહેલી દવાઓના નામ ઉપર હતી. એક જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીની જાણીતી એન્ટિબાયોટિકસનું નામ હું વાંચી શકયો.

‘સાહેબ, આ દવા બરાબર છે ને?’ જશીના પતિએ પૂછૂયું.

‘હા, બરાબર છે. મેં લખી છે એ જ દવા છે.’ મેં કહ્યું તો ખરૂં, પણ બીજી જ ક્ષણે હું ચમકી ગયો: ‘એક મિનિટ! લાવો તો, એ કેપ્સ્યૂલ જરા આપશો મને?’

મારું ચોંકવાનું કારણ સ્પષ્ટ હતું. એન્ટિબાયોટિકસની સ્ટ્રીપ્સ ઉપર હું લાલ રંગનું લખાણ જોઇ શકતો હતો. મેં પતાકડું હાથમાં લીધું. ધ્યાનથી વાંચ્યું. મારો શક સાચો સાબિત થયો. એ ફ્રી સેમ્પલની દવા હતી. નોટ ફોર સેલ હતી. ગરીબ દરદીઓને આપવી હોય તો એક પણ પૈસા લીધા વગર મફતમાં આપવા માટે હતી. એનું વેચાણ કાયદાની નજરે અપરાધ હતો.

‘કેટલાં રૂપિયા ચૂકવ્યા છે?’ મેં પૂછૂયું. જવાબ વધારે આઘાતજનક હતો. કેમિસ્ટે પૂરેપૂરી કિંમત વલૂલ કરી હતી.

હું ઉશ્કેરાઇ ઉઠયો: ‘આ દવાનું તમને બિલ આપ્યું છે? મારો મતલબ, પહોંચ કે એવું કંઇક..?’

‘ના, સાહેબ! પણ શું થયું? દવામાં કંઇ ગરબડ છે?’

‘દવામાં નહીં, દાનતમાં ગરબડ છે. કયા મેડીકલ સ્ટોરમાંથી લાવ્યા છો આ કેપ્સ્યૂલ?’

‘સારવાર મેડિકલ સ્ટોરમાંથી.’

હું સમજી ગયો. આ એ જ મેડિકલ સ્ટોર હતો, જેના માલિકે ગણ્યાગાંઠ્યા દિવસ પહેલાં જ મને પિકનિક ઉપર જવા માટે જીપની સગવડ કરી આપી હતી. ડીઝલના પૈસા લેવાની પણ ના પાડી હતી. અને હવે એ ડીઝલને બદલે પેટ્રોલની કિંમત કમાઇ રહ્યો હતો! જ્યાં સુધી હું આ સ્થળે નોકરીમાં રહું ત્યાં સુધી ચૂપચાપ મારે આ ભ્રષ્ટાચાર જોયા કરવાનો હતો! મારે શું કરવું જોઇએ?

મેં એ જ કર્યું કે દરેક ડોકટરે કરવું જોઇએ. હોસ્પિટલના સ્ટોરરૂમમાંથી નરેશને બોલાવ્યો અને લૂચના આપી: ‘પંકજ તારો મિત્ર છે ને?’

‘હા, કેમ? શું થયું?’

‘એને ફોન કર. અત્યારે ને અત્યારે અહીં બોલાવ.’

‘પણ થયું શું એ તો..’ નરેશ થોથવાઇ ગયો. ‘એની કંઇ ભૂલ તો નથી થઇ ને?’

‘ના ભૂલ એનાથી નથી થઇ, પણ મારાથી થઇ છે. અને મારે એ તાત્કાલિક સુધારી લેવી છે.’ મેં વિચારીને નિર્ણય જાહેર કર્યો.

થોડી જ વારમાં પંકજ મારી સામે હતો. એના ચહેરા ઉપર કુટીલ હાસ્ય અને આંખોમાં નફૂફટાઇ હતી.

‘શું છે બોલો?’ એણે જરા પણ ગભરાટ વગર પૂછૂયું.

‘ખાસ કશું નથી.’ મેં ખિસ્સામાંથી પાકીટ કાઢૂયું. પાકીટમાંથી પૈસા કાઢૂયા: ‘આ તારી જીપનું ભાડું. હવે પછી મારા નામે કોઇ પણ વ્યકિત તારી પાસે જીપ માગવા આવે તો ન આપીશ. રસ્તા વચ્ચે અડધી રાતે હું અકસ્માતમાં ઘવાઇને પડયો હોઉં અને તું પસાર થતો હોય તો પણ મારા શરીરને તારી જીપમાં લિફૂટ ન આપીશ. અને હવે પછીનો હુકમ કાન સાફ કરીને સાંભળી લે.’

‘બોલો.’ પહેલી વાર એની આંખમાં થડકાર આવીને બેસી ગયેલો હું જોઇ શકયો.

‘જ્યાં સુધી હું આ હોસ્પિટલમાં છું, ત્યાં સુધી એક પણ પેશન્ટને એક પણ ગોળી ફિઝિશિયન સેમ્પલની હોય એવી વેચીશ નહીં. નહિતર તારી દુકાનને ‘સીલ’ મરાવી દઇશ.’

એ ગયો. આજની ઘડી સુધી એને મેં ફરી કયારેય જોયો નથી. આ ઘટના મારા તબીબીજીવનનો એક મહત્વનો બોધપાઠ હતી. એક કેમિસ્ટ અને એક ડોકટર વચ્ચે મૈત્રી હોઇ શકે, પણ વાટકી વહેવાર ન હોવો જોઇએ.

આ કિસ્સો મેં એટલા માટે નથી લખ્યો કે આવી ચોક્કસ ક્ષણે હું સાત્વિક રીતે વર્ત્યો એ કહી શકું. હું જાણું છું કે મોટાભાગના તબીબ મિત્રો આમ જ કરતા હોય છે. પણ હું એ હકીકત પણ જાણું છું કે ત્રીસથી ચાલીસ ટકા ડોકટરો આજે શું કરી રહ્યા છે! દવાની કંપની તરફથી કે કેમિસ્ટ તરફથી કેમેરા, ટેલિવિઝન કે ફ્રિઝ જેવી રૂપકડી ભેટસોગાદો મેળવીને બદલામાં કેટકેટલી વાર ખામોશી ધારણ કરવી પડે છે એ બધાં જ ડોકટરો કયાં નથી જાણતા?!