દિકરીનો પત્ર Maulik Devmurari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિકરીનો પત્ર

વ્હાલા મમ્મી તથા પપ્પા,

છેલ્લા કેટલાક સમયથી મારે તમને મારી જિંદગીને લગતી કંઇક વાત કહેવી છે. પણ થોડી અસ્મંજસમાં છુ. થોડી મુંજવણ અનુભવુ છુ કે કેમ વાત કરુ? ના હું ડરતી નથી વાત કહેવામાં પણ વાત જ જાણે એવી છે કે તમારા પ્રત્યેના આદર-સન્માન ને કારણે રુબરુમાં કહેતા સંકોચ અનુભવુ છુ. પણ હવે કહ્યા વિના રહી શકાય તેમ નથી. એટલેજ આજે આ પત્ર લખી રહી છુ. પપ્પા તમેજ તો શીખવાડ્યુ છેને કે કોઇ વાત જો રૂબરૂમાં ના કહી શકીએ તો પત્ર લખવો અને અંતરની લાગણીઓ ઊલેચી નાખવી. તો આજે મારે તમને મારા જીવનની કેટલીક ન કહેલી વાતો જણાવવી છે. મારી લાગણીઓ, મારા આંસુ, મારા સપનાઓ આ તમામ આજે આ કાગળમાં શબ્દો સ્વરુપે ઠાલવી નાખવા છે.

મને જ્યારથી નોકરી મળી ત્યારથી તમે બંન્ને ખુશ છો એ વાત હું જાણુ છુ. મારા જન્મથી લઇ અત્યાર સુધી તમોએ સતત મારી સફળતાની કામના કરી છે. મારી પાછળ તમારી જાત ઘસી નાખી છે. આ સફળ થવાની દોડમાં હું ક્યારેક થાકી હોઉ, ક્યારેક ઉભી રહી ગઇ હોઉ, ક્યારેક પછળાટ પણ ખાધી હોય ત્યારે તમેજ તો હતા મારી પીઠ થાબડી મને ફરી ઉભી કરનારા, ફરી ફરીને દોડવા માટે હિંમ્મત આપનાર.

મને હજી યાદ છે, નાનપણમાં આપણી આસ-પડોસના છોકરાઓ જ્યારે સરકારી શાળામાં ભણતા ત્યારે આપણા ઘરની હેસિયત ન હોવા છતાં તમે મને પ્રાઇવેટ સ્કુલમાં ભણાવી છે. સ્કુલની ફી ભરવા માટે તમે બંન્નેએ દિવસ-રાત એક કરીને મહેનત કરી છે કારણ કે હું સારુ ભણી શકુ અને ભવિષ્યમાં મારા પગભર બની શકુ. પણ સાચુ કહુ પપ્પા, રવિવારની રજામાં જ્યારે મારી બહેનપણીઓ હજુતો જાગી પણ ના હોય ત્યારે હું વજનદાર બેગ લઇ એક્સટ્રા ક્લાશીસમાં જતી. તમેજ તો મુકવા આવતા હતા મને પણ કદાચ તમને એ બેગ ભારે નઇ લાગતુ હોય. પણ મને લાગતુ ખબર છે શું કામ? કારણકે એ બેગની અંદર હું એ સપનાઓ પણ ભરીને લઇ જતી કે જે તમે મારા ભવિષ્ય માટે જોતા હતા. મને સતત એ ડર રહેતો કે ક્યાંક એ સપનાઓ અધુરા ના રહી જાય. અને મમ્મી તને યાદ છે તુ હંમેશા મને શીખવાડતી કે મારે અમુક ચોક્કસ જ્ઞાતિની છોકરીઓ સાથે જ દોસ્તી રાખવી. ત્યારે હું તને કારણેય પુછતી પણ તું હજુ નાની છે એમ કહી તું હમેશા એ વાત ટાળી દેતી. અને છોકરાઓ સાથે તો વાતજ ના કરવી એવુ કહેલુ તેં. નાનપણમાં મારી સ્કુલ થી માંડી મારા મિત્રો, મારે કઇ પેન્સીલ વાપરવી, મારે કેવા કપડા પહેરવા, કોની સાથે રમવુ અરે માથાના વાળ કેવા ઓળવવા એ પણ તમેજ નક્કી કરતા. પછી ધીમે ધીમે હું જેમ મોટી થઇ તેમ તેમ આ અંકુશો ઓછા થતા ગયા. હું મારી રીતે મિત્રો બનાવતી થઇ, મારી રીતે હેરસ્ટાઇલ નક્કી કરતી થઇ, મારી જાતે કપડા સીલેક્ટ કરતી થઇ અને તમે લોકો પણ મારી પસંદગી તમને ગમે કે ના ગમે પણ શ્વિકારતા થયા. પણ જ્યારે મારે દસમા ધોરણ પછી આર્ટ્સમાં આગળ ભણવુ હતુ ત્યારે તમે ગુસ્સે થએલા. મને મારી મરજી વિરૂધ્ધ સાઇન્સ લેવડાવ્યુ. કારણ? કારણકે પપ્પા તમારૂ સપનું હતુ કે હું ડોક્ટર બનું. પપ્પા તમે પોતે અભાવને કારણે ડોક્ટર ના બની શક્યા એટલે તમે મને ડોક્ટર બનાવવા ઇચ્છતા હતા. અને એ સપનુ પુરુ કરવા મેં પણ કમર કસી લીધી. મને જરા પણ રસ ન હોવા છતાં સતત બે વર્ષ ગાંડી મહેનત કરી હું પાસ થઇ હતી. પપ્પા વર્ષો પહેલા તમે જે કોલેજમાં ભણવા માંગતા હતા એ કોલેજમાં મે એડમીશન લીધુ હતુ. તમને થશે કે અત્યારે હું શુકામ આ બધી જુની વાતો તમને જણાવુ છુ? કારણકે મારે આજે તમને જે વાત કરવી છે એના માટે એ જરુરી છે.

મમ્મી-પપ્પા, મને જ્યારથી નોકરી મળી ત્યારથી તમે બંન્ને ખુશ છો એ વાત હું જાણુ છુ. અને હવે મારી સગાઇની વાતો ઘરમાં ચાલી રહી છે ત્યારે મારે તમને એ જણાવવુ છે કે મારી લાઇફમાં એક છોકરો પહેલાથીજ છે. અને છેલ્લા પાંચેક વર્ષથી અમે એક બીજાના પ્રેમમાં છિએ. હું કોલેજના ફર્સ્ટ-યર માં હતી ત્યારે એ મારી જિંદગીમાં આવ્યો હતો. પપ્પા એ અજબનો જાદુગર છે. ખબર નહી ક્યારે દોસ્તમાંથી અમે પ્રેમી બની ગયા. એ એવો તો રંગ લઇને આવ્યો કે મારા આખા અસ્તિત્વને એણે એ રંગમાં રંગી નાખ્યુ. મમ્મી-પપ્પા હું જાણુ છુ કે આ વાત જાણીને તમને દુખ થશે અને ગુસ્સે પણ થશો. પણ મારે તે છોકરા સાથે જ લગ્ન કરવા છે.

સંતાનોના જીવન પર પહેલો હક્ક તેમના માવતરનોજ હોય એ વાત સાચી પણ પપ્પા ક્યારેક માવતરો એ પણ સંતાનોની ખુશી-નાખુશી વીચારવી જોઇએ. તમે બંન્ને હંમેશા મારુ સારુજ વીચારશો એ મને ખબર છે પણ સારી વસ્તુ કે વ્યક્તિ હંમેશા ખુશી અપાવે જ એ જરુરી નથી હોતુ.

મમ્મી તું તો ઓળખે છે એને. યાદ છે એક વખત નોટ્સ માંગવાના બહાને એ આપડા ઘરે આવેલો? ત્યારે તેના ગયા પછી તે મને એની જ્ઞાતિ પુછેલી અને પછી મને ખુબ ધમકાવેલી. તુ અને પપ્પા નાનપણથી એવુ કહેતા કે આપડી જ્ઞાતિ ઉચ્ચ અને બીજા બધા તુચ્છ. મારે તમને એટલુજ પુછવુ છે કે શું એ લોકો માણસ નથી? શું એમના રક્ત અને આપણા રક્તમાં ફેર છે? મને ખબર છે કે તમે નહી જ માનો એટલે મે તો પેલાને પણ કહેલુ કે ચાલ ભાગી જઇએ પણ એ મને હંમેશા સમજાવતો કે ના તારા મમ્મી-પપ્પા માનસે તોજ લગ્ન કરીશુ નઇતો નઇ કરીએ. તમને કદાચ સમાજ અથવા જ્ઞાતિમાં તમારા માન-મોભાની પણ ચિંતા હશે. પણ એવો સમાજ જ શું કામનો જે બે લોકો ના નિર્દોષ પ્રેમને ના શ્વિકારી શકે? મમ્મી-પપ્પા તમારી જુવાનીમાં તમે પણ કોઇકને પ્રેમ કર્યોજ હશે, તમે શ્વિકારો કે ના શ્વિકારો પણ તમે પણ અંતરથી કોઇને ચાહ્યા હશે. પણ એ જમાનો અલગ હતો ત્યારે પ્રેમને લોકો કોઇ ગંભીર ગુનો કર્યો હોય એવુ માનતા પણ હવે સમય બદલાયો છે લોકો ખુલીને જીવતા થયા છે. હું તો કહુ છુ કે પ્રેમ તો સહજ બાબત છે. જેમ લોકો બગાસુ ખાય, છિંક ખાય એટલીજ સહજતાથી પ્રેમ પણ થઇજાય. અને પ્રેમ કાંઇ જ્ઞાતિ પુછીને ના થાય. આપણી જ્ઞાતિના કોઇ સુંદર કે પૈસાદાર છોકરા સાથે તમે પરણાવસો તો કદાચ હું તમારુ માન રાખવા ખાતર લગ્ન કરી પણ લઇશ પણ એને હું એ પ્રેમ એ સ્થાન ક્યારેય નઇ આપી શકુ જે હું પેલાને આપુ છુ. મમ્મી-પપ્પા મારે કોઇ નિર્દોષની જીંદગી નથી બગાડવી. તમને અંદરથી કદાચ એ વાતનું પણ દુખ થાશે કે અત્યાર સુધી હું તમારી બધી વાત માનતી આવી છું તમારી પસંદને મારી પસંદ બનાવી છે પણ આવી લગ્ન જેવી ગંભીર બાબતમાં હુ મારા પસંદ કરેલા છોકરા સાથે પરણવા માંગુ છુ. પણ હું તમને વિશ્વાસ અપાવુ છું કે હવે આ તમારી દિકરી મોટી થઇ ગઇ છે. જોકે માવતર માટે તો સંતાનો હંમેશા નાના જ રહેતા હોય છે પણ મારી પસંદ તમને પસંદ આવશે અને તે છતા જો તમે ના કહેશો તો તમે પસંદ કરેલા છોકરા સાથે પરણવા હું તૈયાર છું. હું આશા રાખુ છુ કે કહેવાતા સમાજ અને લોકો પહેલા તમે મારી લાગણીઓને સમજસો.

લિ.

આપની લાડલી દિકરી.