Pravasi Bhag - 2 books and stories free download online pdf in Gujarati

પ્રવાસી ભાગ-૨

પ્રવાસી ભાગ-૨

જમ્મુ-કાશ્મીર:

ગયા અંકમાં આપણે જામનગરથી મુસાફરીની શરુઆત કરી ટ્રેન મારફતે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી થઇને જમ્મુ પહોંચ્યા હતા. જમ્મુ પહોંચતા પહોંચતા સાંજ ઢળી ચુકી હતી. રસ્તામાં જે કુદરતી દ્રશ્યો જોયેલા એના લીધે કાશ્મીર જોવાની તાલાવેલી હતી. સ્ટેશન પર આર્મીના જવાનો તૈનાત હતા. જાણે કોઇ યુધ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયા હોઇએ એવો માહોલ હતો. પણ પછી જાણ થઇ કે જમ્મુ-કાશ્મીરમાં આ સામાન્ય બાબત છે કારણકે અંહી છાશવારે આતંકવાદી હુમલાઓ થતા રહે છે. હવે અમારે શ્રીનગર પહોંચવાનુ હતુ. જમ્મુ થી શ્રીનગર અંદાજે ત્રણસો કિલોમીટર દુર છે. જમ્મુથી શ્રીનગર પહોંચવા માટે ઘણા ઓપ્શન્સ છે જેમકે સરકારી બસો, પ્રાઇવેટ લક્ઝરી બસો અને ટેક્સી. જોકે જો તમે હવાઇ મુસાફરી અફોર્ડ કરી શકો તો જમ્મુથી હેલીકોપ્ટર પણ રેન્ટ પર મળે અથવા દિલ્હીથી ફ્લાઇટમાં ડાયરેક્ટ શ્રીનગર પહોંચી શકાય. શ્રીનગર સુધી ટ્રેનમાં જઇ શકાતુ નથી. કટરા(વૈષ્ણૌદેવી) કે જે જમ્મુથી લગભગ ૬૦ કિ.મી દુર છે એ રેલ્વેનુ છેલ્લુ સ્ટોપ છે. શ્રીનગર પહોંચવા માટે અમે ટેક્સીનો વિકલ્પ પસંદ કર્યો. બિટ્ટુ શર્મા નામનો કાશ્મીરી પંડિત અમારો સારથી હતો જે હવે પછીના ત્રણ-ચાર દિવસ અમારી સાથેજ રહેવાનો હતો.

જમ્મુથી અમારી મુસાફરીની શરૂઆત થઇ. સતત ચાલીસેક કલાક કરેલી ટ્રેનની મુસાફરીને લીધે હજી એવુજ ફિલ થતુ હતુ કે જાણે હજુ ટ્રેન માંજ બેઠા હોઇએ. હું ડ્રઇવરની બાજુની સીટમાં બેઠો હતો. સાથે લાવેલી નોવેલ વાંચવા કાઢી, બિટ્ટુએ ગાડીમાં ધીમા અવાજે ગીત વગાડવા ચાલુ કર્યા. “મુસાફીર હું યારો ના ઘર હે ના ઠીકાના” પ્લેયર માંથી વાગતા ગીત સાથે નોવેલમાં માથુ નાખીને હું પણ ગીત ગણગણતો હતો. મને તો એમ હતુ કે સીધો સપાટ હાઇવે હશે તો થોડા કલાકોમાં રસ્તો કપાઇ જશે અને પહોંચી જઇશુ શ્રીનગર પણ આવનારા કલાકો મારી જિંદગીના રોમાંચક કલાકો સાબિત થવાના હતા. જમ્મુથી બહાર નીકળો અને જો રસ્તો સીધો ન રહેતા ગોળાઇઓ આવવા લાગે તો સમજી જવુ કે તમે કાશ્મીર વેલીમાં એંટર થઇ ચુક્યા છો. જેમ જેમ ઉંચાઇ પર ચડતા જઇએ તેમ તેમ નીચે ખીણમાં છુટા છવાયા ઘર દેખાય, લોકો ત્યાં કેવી રીતે વસતા હશે એ ન સમજાય. લગભગ દરેક ઘરની બહાર બકરી અથવા ઘોડા બાંધેલા હોય. થોડા થોડા અંતરે એવા ટર્ન આવતા કે જાણે હમણા હતા નહતા થઇ જઇશુ. એકતો અંધારૂ થઇ ચુક્યુ હતુ એમાં ઓચીંતો વળાંક આવે એટલે ખબરજ ના રહે કે સામેથી વાહન આવે છે ક નઇ. સાચુ કહુ તો શરૂઆત માંજ મને તો બીક લાગવા માંડી, જીવ ગળે આવી ગયો. અમે જે તરફ ચાલતા હતા એ તરફ પહાડ હતા અને સામેની સાઇડથી આવતા વાહનો તરફ ખીણ હતી. ક્યા વળાંક પર મોત તમારી રાહ જોતુ ઉભુ હોય એ કહી ના શકાય. એટલે જો કોઇ દુર્ઘટના ઘટેતો સીધા જઇ પડ્યે ખીણમાં. અંધારુ વધતુ જતુ હતુ અને અમારી ગાડી આગળ વધી રહી હતી. ક્યારેક એવુ પણ થતુ કે દુર દુર સુધી સામેથી કોઇ વાહન ન આવતુ હોય તો છેક ક્યાંય સુધી અંધકાર જોવા મળે. હવે પછી જે અનુભવ મેં કર્યો એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, એ માટે તો જાત અનુભવ જ કરવો પડે. જો તમે કાશ્મીર ગયા હશો તો આ અનુભવ તમે પણ કર્યોજ હશે. અને જો જાવાનુ પ્લાનીંગ કરતા હોવ તો મારી ખાસ સલાહ છે કે જમ્મુ થી શ્રીનગર જવા માટે સાંજના સમયેજ અને કોઇ પ્રાઇવેટ ટેક્ષીમાં બાય રોડ જજો. અંધારાના લીધે ખીણમાં દેખાતા ઘરો ઓઝલ થતા જતા હોય અને તેને બદલે તે ઘરોમાં થએલી રોશની માત્ર ટપકા સ્વરુપે જ દેખાય અને તમારી ગાડી સતત પહાડ પર ચડી રહી હોય ત્યારે એવો અનુભવ થાય જાણે આકાશના તારાઓ ધરતી ઉપર ઉતરી આવ્યા છે. એ તારાઓ તમારી નીચે છે અને તમે અવકાશમાં મુસાફરી કરી રહ્યા છો. કોઇ હોલીવુડના મુવીની સ્પેશીઅલ ઇફેક્ટ હોય એવુ ફીલ થાય. કાશ્મીરને તો તેની સુંદરતાને કારણે ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે પણ આ અનુભવ પરથી એવુજ લાગે જાણે તમે સાક્ષાત સ્વર્ગ માંજ વિહરી રહ્યા છો. આ અનુભવ હું જિંદગીભર નઇ ભુલી શકુ મારી આંખ મીંચાઇ ગયા પછી પણ નઇ. રાત થવામાં હતી. આઠેક વાગ્યે પટની ટોપ પહોંચ્યા. ત્યાં નાઇટ સ્ટે કરવા અમારા ડ્રાઇવર બિટ્ટુએ જણાવ્યુ. કારણ પુછતા કહ્યુકે નાઇટ જર્ની ટફ રહેશે અને આગળ મીલેટ્રી પણ હેરાન કરશે. જો તમને પ્રવાસનો ખાસ અનુભવ ન હોય તો તમે ડ્રાઇવરની વાતમાં આવી જવાના પણ જો તમે અનુભવી હશો તો ખ્યાલ આવશે કે આ તો માત્ર એમનુ ટેક્ષીનુ ભાડુ વધારવા અને કોઇ હોટેલમાં જઇએતો ત્યાં ટેક્ષીન ડ્રાઇવરોને મળતા કમીશને કારણે એ તમને ડરાવી રહ્યો છે. અમે આગળ જવાનુ નક્કી કર્યુ કારણકે અમારે ગમેતેમ શ્રીનગર પહોંચવુ હતુ. બધાને ખૂબજ ભુખ લાગી હતી. હાઇવે પર ઢાબામાં જમવા માટે રોકાયા. જનરલી ગુજરાતી લોકો બહાર ફરવા નીકળે ત્યારે પણ ગુજરાતી ફુડ શોધતા હોય છે અથવાતો પોતાના રસૌયા સાથે રાખતા હોય છે પણ મારી માન્યતા કાંઇક એવી છે કે તમે જેતે રાજ્યમાં ફરવા ગયા હો ત્યાંનુ ટ્રેડીશનલ ફુડ જ ખાવુ જોઇએ. કેમકે ગુજરાતી ખાણુતો આપણે દરરોજ ઘરે પણ જમતાજ હોઇએ છીએ. અમે જમવામાં રાજમા-ચાવલ લીધા જે ત્યાંની એક ટ્રેડીશનલ વાનગી છે. એ રાજમા-ચાવલમાં એક ચમચી ગરમાગરમ ઘી ની નાખી અને જે ટેસ્ટ માણ્યો એ જિંદગીમા ક્યારેય ન ચાખેલ હોય તેવો હતો. પેટ પુજા કરી અમે આગળ વધ્યા. આગળ જતા એક નવ કિલોમીટર લાંબુ નાળુ આવ્યુ જે કહેવાયછે કે ભારતનુ હાઇવે પરનુ સૌથી લાંબુ નાળુ છે. રાતના એક વાગવા આવ્યો હતો. એ નાળુ પસાર કરી થોડા જ આગળ વધ્યા હોઇસુ ત્યાં રોડ પર થોડી ચહલ પહલ જોવા મળી, લાઉડ સ્પિકરમાં શિવજીના ધુન-ભજન વાગી રહ્યા હતા. અને સાથે રાત્રીના એક વાગે લોકો એટલાજ ઉત્સાહથી નાચી રહ્યા હતા. અમે ત્યાં ગાડી સ્ટોપ કરી. એ ભંડારો હતો જે સંપન શિવભ્કતો દ્વારા અમરનાથ યાત્રા દરમિયાન આવતા જતા યાત્રીઓ માટે ભોજનથી લઇ આરામ અને મેડીકલની સેવાઓ તદ્દન ફ્રીમાં આપે અને એ પણ પુરા ભાવથી. ત્યાં ચા પી શિવજીની ધુનમાં જાતને મગ્ન કરી ત્યાંથી આગળ વધ્યા. ફરી એજ અંધારુ ફરી એજ ખીણમાં વસેલા લોકોના ઘરમાંથી આવતો ટપકા જેવો પ્રકાશ અને ફરી એજ સ્વર્ગની અનુભૂતિ. રાત્રે ત્રણેક વાગ્યે અમે શ્રીનગર પહોંચ્યા.

શ્રીનગર જેલમ નદીના કિનારે વસ્યું છે. નદી ઉપર સાત પુલ બનાવેલા છે. અંહી ૯૫% વસ્તી મુસ્લિમોની છે. શ્રીનગર ૧૭૩૦ મીટરની ઊંચાઇ પર સ્થિત છે. અમે લાલચોક પહોંચ્યા. ત્યાં એક હનુમાનજી મંદિરમાં અમારે ઉતરવાનુ હતુ. લાલચોક હંમેશા ટેન્શનવાળી જગ્યા છે. ત્યાં વધુ સમય ઉભુ પણ ન રહેવાય. જેવા અમે એંટર થયા એટલે એક આર્મી મેન અમારી પાસે સામાન્ય પુછપરછ માટે આવ્યો. અમે યાત્રાળુ છીયે એ ખાત્રી કરી અમને જવા દેવાયા. ચાળીસ કલાકની ટ્રેનની સફર અને આઠેક કલાકની રોડ જર્ની કરીને થાકતો ખુબ લાગ્યો હતો પણ જોયેલા દ્રશ્યોને રોમાંચ પણ એટલોજ હતો. ક્યારે નિંદર આવી ગઇ એ ખબરજ ના રહી. સવારના આઠ વાગ્યે બિટ્ટુ ગાડી સાથે મંદિરના ગેઇટ પાસે હાજર હતો. આજે શ્રીનગરમાં ફરવાનુ હતુ. નાઇને ફ્રેશ થઇ અમે ગાડીમાં ગોઠવાયા. વાતાવરણમાં થોડી ઠંડી હતી. અમારી ગાડી ડાલ ઝીલના કિનારે ચાલી રહી હતી. ઝીલમાં ઘણી નાની હોડી જોવા મળે જેને ત્યાંની ભાષામાં શિકારા કહે છે. અંહી લોકો પોતપોતાની હાઉસ-બોટમાં રહે છે. દરેક હાઉસ-બોટ પાસે જવા-આવવા માટે નાનો શિકારો હોય છે. આ તેમની રિક્ષા, કાર કે ટેક્સીનું કામ કરે છે. ઝીલમાં મુકેલા ફુવારા ઝીલની શોભા વધારે છે. દુર દુર પહાડ દેખાઇ રહ્યા છે. અમારો પહેલો મુકામ હતો શંકરાચાર્યની ટેકરી. અંહી થોડે દુર ગાડી પાર્ક કરી ચાલીને અથવા કહોતો પગથીયા ચળીને જવાનું હોય છે. શ્રીનગરમાં શંકરાચાર્યની ટેકરી ઉપર શંકર ભગવાનનું એક મંદિર બાંધેલુ છે. આ ટેકરી જમીનથી લગભગ ૩૦૦ મીટર ઊંચી છે. આ મંદિર ઇ.સ. પૂર્વે ચોથા સૈકામાં ગોપાદિત્ય રાજાએ બંધાવ્યુ છે એમ કહેવાય છે. લગભગ ૨૦૦૦ વર્ષ જુનુ આ મંદિર પથ્થરોનું બનેલુ છે. આ મંદિરનું શિવલિંગ સવા મીટર ઊંચુ છે. ભોળાનાથના દર્શન કરી ત્યાં આજુબાજુ નજર દોડાવી, અંહી ટેકરી ઉપર આજુબાજુનું સૌંદર્ય જોવાની ખુબ મજા પડે છે. ચિનારના વ્રુક્ષો નજરે પડે છે. વાદળ સાથે વાતો કરતી પહાડી ટેકરીઓ નજરે પડે છે, નીચે દુર ડાલ ઝીલ દેખાય છે અને એમાં તરતી નાની નાની શિકારા દેખાય છે. આ અદભુત નજારાને મનભરીને માણી, જિંદગીભર આંખમાં કેદ કરી અમે આગળ વધ્યા. હવે અમારુ ડેસ્ટીનેશન હતુ ચશ્મેશાહી ગાર્ડન. ચશ્મેનો અર્થ કુદરતી ઝરણાં થાય છે. અંહી એક સુંદર મજાનો ઝરો આવેલો છે આ ઝરણામાંથી કાયમને માટે એકધારી ગતિથી પાણી ઝર્યાં કરે છે એમ કહેવાય છે. આ ઝરણા ઉપર નવ પથ્થરનો બાંધેલો એક ફુવારો છે. તેની ઉપર ચાંદીથી મઢેલો એક ટોપ પણ છે. આ ટોપમાંથી દશ ધારઓ વહે છે. એમ કહેવાય છે કે આ બાગ તથા ફુવારો શાહજંહાએ ઇ.સ. ૧૬૪૨ માં બંધાવ્યો હતો. ચશ્મએશાહીને અલવીદા કહી અમે શાલીમાર બાગ તરફ આગળ વધ્યા. આ બાગ બાદશાહ જહાંગીરે બનાવ્યો હતો. પોતાની બેગમ નૂરજહાંની સાથે તે અંહી ગરમીના ત્રણ-ચાર મહિના રહેવા આવતા. બાગ વચ્ચે રહેવાનો મહેલ છે. બાગ વિશાળ અને ભવ્ય છે. વચ્ચોવચ નહેર પટ છે. બન્ને તરફ રંગબેરંગી ફૂલો રોપેલાં છે. પાછળ ચિનારના ઘનઘોર વ્રુક્ષો છે. અંહી ફોટોગ્રાફરો ઘણા છે. અમે બધાએ પઠાણી ડ્રેસ પહેરીને અને લેડીઝે કાશ્મીરી કપડામાં ફોટા પડાવ્યા. શાલીમાર બાગ નો સુંદર નજારો આંખોમાં કેદ કરી અમે આગળ વધ્યા. બપોરનો સમય હતો. જમવા માટે ડાલ ઝીલના કીનારે આવેલી રેસ્ટોરન્ટ્સમાંથી એક રેસ્ટોરન્ટમાં અમે જમ્યા. હવે સમય હતો ડાલ ઝીલમાં વિહાર કરવાનો. અમે એક શિકારા ભાડે કરી. ચારે બાજુ કમળ છે, અંહી ડાલ ઝીલમાં તરતી માર્કેટ છે. લોકો પોતાની નાવો લઇને જાત જાતની વસ્તુઓ વહેંચવા આવે. કોઇ કાશ્મીરી કુલ્ફી લઇને આવે તો વડી કોઇ કાન ના જુમ્કા લઇને આવે અને કોઇ કાશ્મરીની ઓળખ સમી પશ્મિના સાલ વહેંચે તો કોઇ કેશર વહેંચતુ હોય. વળી કોઇ કેમેરા લઇને તમારો ફોટો ખેંચવા આવે. પણ અંહિ ખરિદિ કરવામાં થોડુ ધ્યાન રાખવુ જરુરી છે જો તમને બાર્ગેનીંન્ગ કરતા ના આવડે તો તમે છેતરાયા સમજો. ઉપર ખુલ્લુ ભુરુ આકાશ છે, સામે હરીયાલા ચિનારના વ્રુક્ષો છે. ચારે બાજુ પહાડી છે, શાંત ચોખ્ખુ ઝીલનું પાણી છે. અંહી ઘણી ફિલ્મોના શુટીંગ થયા છે. અમે ઝીલમાં ફરતા હતા ત્યારે પણ શુટીંગ ચાલતુ હતુ. રાજાએ અંહિ પાણી વચ્ચે મહેલ બનાવ્યો છે. જેને કબુતર ખાનુ કહે છે. તમે જેટલા કુદરતની સમીપ હોવ એટલાજ પોતાની જાતની નજીક હોવ. આ મારો પર્સનલ અનુભવ છે. ડાલ ઝીલની મસ્તી ભરી સફર કરી ફરી અમે લાલચોક હનુમાનજી મંદિર જવા રવાના થયા. સાંજના છએક વાગ્યા હશે. અમે લાલ ચોકની બજારમાં લટાર મારવા નીકળ્યા પણ અમારા આશ્ચર્ય વચ્ચે દુકાનો બંધ હતી. થોડી વાર તો એમ લાગ્યુ કે કોમી જુથ અથડામણ થઇ હશે યાતો આતંકવાદિ હુમલો થયો હશે પણ વાતાવરણ શાંત હતુ કોઇ તણાવ નજર નહોતો આવતો. પછી જાણ થઇ કે મુસ્લીમોનો રોજા છોડવાનો સમય થયો હતો. લારીઓ માં ફિરની અને વિવિધ દુધની મીઠાઇઓ પણ વહેંચાતી હતી. મુસ્લીમો આ મીઠાઇઓ ખાઇ અને રોજુ છોડતા હોય છે. અમે પણ ફિરની નો સ્વાદ માણ્યો અને જાણે રોજુ છોડવાનો અનુભવ કર્યો. ફિરની એટલે એક જાતની ખીર જ પણ થોડી અલગ હોય એમા ડ્રાય ફ્રુટ્સ અને કેસર નાખેલુ હોય. અને દુધ પણ કદાચ બકરીનું હોય. આગળ એક લારીમાં કાશ્મીરી ખાટામીઠા સફરજન દસ રૂપયે કિલો વહેંચાતા હતા. સફરજનની ખરીદી કરી અમે મંદિરે પરત ફર્યા. મંદિરમાં બે પ્રકારના યોત્રીઓ રોકાયા હતા, અમુક જે અમારી જેમ હવે અમરનાથ જવાના હતા તો કેટલાક એવા પણ યાત્રીકો હતા જે બાબા બર્ફાની નાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા. પરત ફરી રહેલા યાત્રીઓ તેમનો અનુભવ જણાવી રહ્યા હતા અને અમારો ઉત્સાહ અને રોમાંચ વધારી રહ્યા હતા. અંહિ તમને મળતા યાત્રીને તમે ઓળખતા હોવ કે ના હોવ પણ સામી મળતી દરેક વ્યક્તિ તમને હસીને “જય ભોલે” કહે. આજુબાજુનુ વાતાવરણ જાણે શિવમય હતુ. શ્રીનગની સફર પુરી થઇ હતી. આવતી કાલે ગુલમર્ગ જવાનુ હતુ. પથારીમાં પડ્યા, થોડી થોડી વારે જોયેલા કુદરતી દ્રશ્યો આંખ સામેથી પસાર થતા હતા. થાકના લીધે ઉંઘ પણ જલ્દી આવી ગઇ. વહેલી સવારે અમે શ્રીનગર છોડ્યુ. અમારી ગાડી સડસડાટ ગુલમર્ગ તરફ આગળ વધી રહી હતી. કાશ્મીરમાં ઘણા ગામોની પાછળ ‘મર્ગ’ શબ્દ લાગે છે. જેનો અર્થ થાય છે ‘ફૂલોનું મેદાન’. દસેક વાગ્યે અમે ગુલમર્ગમાં હતા. દુર દુર સુધી લીલા ઘાંસીયા મેદાન નજરે પડતા હતા. સાથે ખીલેલા સફેદ ફૂલો અને ઘાંસના લીલા કલરનુ કોંમ્બીનેશન અદભુત હતુ. ત્યાં નીચે અમે ઓરીજનલ કાશ્મીરી કાવો પીધો. કેશર, એલચી, લવીંગ નાખેલો કાવો ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવતો હતો. ત્યાં ઉપરના ચઢાણ માટે બે ઓપ્શન્સ છે. ગોંડોલા(રોપવે) અથવા ખચ્ચર(ઘોડા). અમે પહોંચ્યા ત્યારે રોપવેનું કાઉન્ટર હજી ખુલ્યુ નહોતુ ઉપરાંત જો ખચ્ચર પર મુસાફરી કરીએ તો વધુ નજીકથી કુદરતને માણી શકાય એટલે અમે ઘોડા પર જવાનું નક્કી કર્યુ. ત્યાંના ઘોડા વાડાઓના કપડા થોડા અલગ હતા. આખા કાપડનું ગાઉન જેવુ કપડુ હોય જે કદાચ ઠંડીથી રક્ષણ આપતુ હોય એવો તેમનો પહેરવેશ હતો. ઘોડા વાડા જોડે ભાડુ નક્કી થયુ, ઘોડાઓ આવ્યા, બધા પોત પોતાના ઘોડા પર બેસી ગયા પણ હું મારા ઘોડા સામે જોતો રહ્યો અને ઘોડો મારી સામે જોતો રહ્યો. મને ઘોડાની દયા આવી, હું જીવ દયા પ્રેમી છું એટલે નઇ પણ એ વખતે મારો વજન ૮૦ કિલોનો હતો મને એમ થતુ હતુ કે આ બીચાડુ ઘોડુ મને લઇને કેવીરીતે ચડી શકશે? પણ ઘોડા વાડાની સમજાવટથી હું ઘોડા પર બેસી ગયો. ત્યાંના લોકો અને તેમના ઘોડાઓ નાનપણથી પહાડો ખુંદેલા હોયછે એટલે એમના માટે આ સામાન્ય બાબત છે. ઘોડા પર અમે ચઢાણ શરુ કર્યુ ચિનારના વ્રુક્ષો છે, ઘાંસીયા મેદાનો છે અને ચારે બાજુ સૌંદર્યજ સૌંદર્ય છે. જુલાઇ મહિના ના કારણે બરફ ઓછો જોવા મળે છે બાકી શિયાળાના ચાર મહિના આખુ ગુલમર્ગ બરફની સફેદ ચાદરમાં લપેટાયેલુ હોય છે. અમારા ઘોડા વીના અવરોધે પહાડી પર ચઢી રહ્યા હતા. આ અમારા માટે આ અમરનાથ જવા પહેલાની નેટ પ્રેક્ટીશ સાબીત થવાની હતી. અમે પેલા પોઇંટ કોંગડૂર પહોંચ્યા. ત્યાં અદભુત નઝારો હતો, નદીમાંથી છુટુ પડેલુ ઝરણુ પહાડી પરથી વહી રહ્યુ હતુ. તે પોઇંટ પર પહોંચતા સૌને ભુખ લાગી હતી અને અમારા આશ્ચર્ય વચ્ચે એટલી ઉંચાઇ પર પણ નુડલ્સ અવેલેબલ હતા. અમે ત્યાં નુડલ્સની લીજ્જત માણી થોડા બરફના ગોળા બનાવી એક બીજા પર ફેંક્યા, ફોટોગ્રાફી કરી અને નીચે ઉતરવાનું શરુ કર્યુ, પણ ખરી મુશ્કેલી હવે શરુ થવાની હતી, પાછા વળતી વખતે અચાનકજ વરસાદ શરુ થયો અને થોડીજ વારમાં ધોધમાર વરસવા માંડ્યો. આવા વરસાદમાં પલળતુ આગળ વધવુ યોગ્ય નહોતુ. અમે ચિનારના ઝાડનીચે પનાહ લીધી. થોડા તો ભીંજાઇજ ચુક્યા હતા અને ઉપરથી ઠંડો પવન, અમે ઠંડીના માર્યા ધ્રુજતા હતા. ભલુ હો ઘોડા વાળાનું કે અમારી મુશ્કેલી સમજી એમણે ચિનારની થોડી સુકી છાલ તોડી અને તાપણુ સળગાવ્યુ. થોડી રાહત થઇ. થોડી વાર પછી વરસાદ રોકાયો પણ અમારી મુશ્કેલીઓનો અંત હજુ નહોતો આવ્યો. વરસાદના કારણે જમીન ચીકણી બની હતી જેથી ઘોડાઓ સ્લીપ થતા હતા. પડી જવાની ખુબજ બીક લાગતી હતી પણ વાંધો ના આવ્યો અમે સહી સલામત નીચે ઉતર્યા. જ્યાં બિટ્ટુ અમારી રાહ જોતો ઉભો હતો. હવે અમરનાથ તરફ પ્રયાણ કરવાનો સમય હતો. આવતા અંકમાં આપડે અતિ કઠીન એવી અમરનાથ યાત્રા કરીશુ અને બાબા-બર્ફાની(અમરનાથ મહાદેવ) ના દર્શન કરીશુ. જય ભોલે.

બીજા રસપ્રદ વિકલ્પો