ડિઅર સ્માર્ટ ફોન Maulik Devmurari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડિઅર સ્માર્ટ ફોન

ડિઅર સ્માર્ટફોન,

હાઇ બડ્ડી! કેમ છે મજામાં? મને ઓળખ્યો? હું તારો માલિક. તારા દ્વારા હું મારા ઘણા સગા સ્નેહીઓને, મારા મિત્રોને મેસેજીસ મોકલી શકુ છું અને ભલે લાખો કિલોમીટર દુર હોય પણ એમના સંપર્કમાં રહી શકુ છું. સો હાર્ટલી થેંક્સ મેન. પણ હમણા જ્યારે તું બિમાર પડ્યો (વાંચો બગડી ગયો) ત્યારે તારા વગર હું બેબાંકડો બની ગયો હતો દોસ્ત. જ્યારે તું તારા ડોક્ટર પાસે હતો ત્યારે હું તારી યાદમાં અને મારા દોસ્તોની યાદમાં અળધો થઇ ગયો હતો. પણ થેંક્સ ટુ યુ હાં! તારા કારણે મેં મારો જમાનો પાછો જીવ્યો પત્રોનો જમાનો. એક પત્ર તને પણ લખી રહ્યો છું.

આ મેસેજીસ કરી કરીને હું કંટાડી ગયો છું. મારે તો પત્રો લખવા છે. મારી યુવાનીમાં જ્યારે મારા ગામથી દુર હોસ્ટેલમાં રહી હું ભણતો ત્યારે તારો જન્મ પણ નહોતો થયો અરે તારા પુર્વજો સમાન લેન્ડ-લાઇન ડબલાં પણ વળી માલેતુજાર લોકોને ત્યાંજ જોવા મળતા. ત્યારે અમારા જેવા મધ્યમ વર્ગના લોકો માટે સંપર્કમાં રહેવાનો એક માત્ર વિકલ્પ હતો “પત્ર”. હું હોસ્ટલ માંથી નિયમીત મારા ગામડે રહેલા મારા બા-બાપુજીને પત્રો લખતો. જ્યારે એમનો વળતો જવાબ આવતો તો એ વાંચતા અક્ષરે અક્ષરમાં હું મારા માવતરની હાજરી અનુભવી શકતો. પણ યાર તારા આવ્યા પછી ખબર નઇ કેમ એ હાજરી હવે નથી અનુભવાતી. જ્યારે હું મારી વાગ્દત્તાને પત્ર લખતો તો મારા પત્રને એ હૈયા સરસો ચાંપી લેતી, એના વળતા પત્રની રાહમાં હું આકુળ-વ્યાકુળ થઇ ઊઠતો. પણ તારા આવ્યા પછી એ રાહ જોવાની મીઠી મજા જ જાણે ક્યાંક અલોપ થઇ ગઇ છે. આજકાલ તો પત્રો માત્ર નામ શેષ થઇ ગયા છે. અમારા વખતમાં સગાઓના પત્ર લઇને આવનાર ટપાલીને લોકો સાક્ષાત દેવદુત સમજતા પણ ન જાણે એવા કેટલાએ ટપાલીઓની તેં રોજી છીનવી હશે. આજે કોઇ કાગળ કે ટપાલ મોકલતું નથી એ બાબતની જાણ કરતો પત્ર હું તને લખી રહ્યો છું.

પણ કદાચ આમાં તારો પણ કોઇ દોસ નથી. સતત પોતાની સુખાકારી માટે મથતો આ કાળા માથાનો માનવી પોતાનીજ શોધનો શીકાર થયો હોય એવુ ભાષી રહ્યું છે. એક રીતે જોઇએ તો તુ ઉપયોગી પણ ઘણો છે. અરે મારી જેમ મોટા ભાગના લોકોની સવાર તને જોઇને પડતી હસે, એક સમયે કર(હાથ) ના જે ભાગમાં સાક્ષાત લક્ષ્મી, સરસ્વતી અને શ્રીક્રુષ્ણનો વાસ હતો એ જગ્યા દોસ્ત આજે તે પ્રાપ્ત કરી છે. ક્યારેક તો ઇર્ષા થઇ આવે તારી યાર. લોકો સવારમાં ઉઠતાં વેંત પોતાના પ્રીય જનોના મોં જોવા પહેલા તારુ દર્શન કરતા થયા છે.

પણ તું ઉપયોગી પણ ખરો હો. તારા પુર્વજો દ્વારા લોકો ફક્ત પોતાના પ્રીયજનોનો અવાજ સાંભળી શક્તા એ તારા આવ્યા પછી જોજનો દુર હોવા છતાં જાણે રોજ મળ્યાની અનુભુતી કરતા થયા છે. તારા આવ્યા પછી ન તો ઘરમાં અલગ ટીવીની જરૂર રહી કે ના અલગ ઘડીયાલ કે, મ્યુઝીક પ્લેયર કે, કેલ્ક્યુલેટર કે, કેમેરાની જરુરત રહી. બધુ માત્ર મારા હાથની એક મુઠ્ઠીમાં જાણે સમાય ગયુ.

અરે તને સાચુ કહું? પણ તું માનીશ નહી. પણ ચાલ તોયે તને જણાવુ છું. અમારા બચપનમાં અમે ગીલ્લી-દંડો રમતા, થપોદાવ રમતા, અરે થોડા મોટા થયા પછી મેદાનમાં જઇને ક્રીકેટ કે ફુટબોલ પણ રમતા. પણ યાર હવેતો છોકરાવ બધી રમતો તારામાંજ રમી લ્યે છે. તું આવીને બાળકોનું બચપન ભરખી ગયો, ખેલાડી વગર મેદાનો સુના થવા લાગ્યા છે. અમે મિત્રો દરરોજ સાંજ પડ્યે એકબીજાને મળીએ છીએ પણ માત્ર ફીઝીકલી બધા ત્યાં હાજર હોય અને ધ્યાન સંપુર્ણ તારામાં જ હોય. ચલ એ વાત જવા દે પણ જ્યારે એકજ ઘરના સભ્યો જ્યારે સાથે બેસીને ભોજન માણતા હોય ત્યારે પણ તુ ત્યાં હાજર હો અને સભ્યો ગેર હાજર. લોકોનો સમય ખાઇ ગયો તુંતો. લોકોની લાગણી અરે લોકોનું અસ્તિત્વ સુધ્ધા ખાઇ ગયો. યાર તું તો અજબનો ખાઉંધરો નીકળોને. આવડીક અમથી કાયામાં અટઅટલુ ખાધેલુ તું પચાવે છે કઇ રીતે? નક્કી અંદરખાને તારી રુહ કોઇ રાજકારણીની હોવી જોઇએ.

આજકાલ જોઉં છું લોકો કુદરતી સ્થળોએ ફરવા જાય ત્યારે એ કુદરતી નજારાને માણવાને બદલે લોકો તારામાં રહેલા કેમેરામાં ફોટોસ લેવામાં સમય વેડફી નાખે છે. અને વડી હમણા હમણાતો પેલુ શું? હા સેલ્ફી! એ સેલ્ફી નો જબરો ટ્રેન્ડ નીકળો છે. યાર લોકો સેલ્ફી લેવામાં એટલાતો પાગલ થયા છે કે સેલ્ફીના ચક્કરમાં ક્યારેક પોતાનો જીવ ગુમાવી બેસે છે. ખબર નઇ તારામાં (કે લોકોમાં) એટલી સ્માર્ટનેસ ક્યારે આવશે કે લોકો પોતાના ચહેરાની નઇ પણ અંતર આત્માની સેલ્ફી લઇ શકેશે. પોતાના સપનાઓની સેલ્ફી લઇ શકશે.

તું દલીલ કરીશ કે આમાં ફક્ત મારો વાંક ના હોઇ તુંજ મોનવીનો પણ વાંક છે. તું સાચો છે પણ તું એક એવો નશો છે જે લોકો એક વખત આ નશો કરે એ તારા નશામાં રહેવા તલપાપડ થઇ ઉઠે. જોને આ સરાબ થી બધુ બરબાદ થઇ શકે એ જાણવા છતાં લોકો પીતાજ હાયછે ને. તારા આવ્યા પછી અમારા લોકોની જિંદગી પણ એડવાંસ થઇ ગઇ છે અને એટલેજ લોકો ભવીષ્યની ચીંતામા આજને નથી માણી શક્તા. તમે ફોન તો સ્માર્ટ થયા પણ અમે માણસો? ડોબા, બુડથલ. આ વર્ચ્યુઅલ જમાનામાં લાગણીઓ પણ જાણે નકલી થઇ ગઇ છે. જે લોકો ઘરમાં બે શબ્દો પણ ના બોલતા હોય એ તારા આવ્યા પછી કલાકોના કલાકો ઓનલાઇન ચેટીંગ કરતા હોય છે. લોકો વચ્ચે તુ એક દિવાલની જેમ બની ગયો છે. એક એવુ વ્યસન જે સીગરેટ કે તંબાકુના વ્યસન કરતા પણ ડેંજરસ છે. પણ તુ શરીરનું જાણે એક અવિભાજ્ય અંગ બની ગયો છે.

આજકાલ તારામાં રહેલા ઇંટરનેટના માધ્યમ થકી લોકો શોપીંગ કરતા થયા છે એ સારી બાબત છે કે લોકોને હવે દુકાન સુધી નથી જવુ પડતુ અને તારા આગમનને કારણે વિસરાય ગએલી પેલી ટપાલીની રાહ જોવાની લાગણી હવે ફરી ક્યાંક જીવંત થઇ છે પણ પેલા નાના દુકાનધારી વેપારીઓના પેટ પર લાત મારીને.

ખેર, તું ઉપયોગી પણ છે. તારા આવ્યા પછી એવા ઘણા કામ સહેલા થયા છે જે એક જમાનામાં અઘરા હતા. લાગણીઓ ડિજીટલ થઇ છે. લોકો વર્ચ્યુઅલ થયા છે. સબંધો ઓનલાઇન બંધાઇ છે. દુનિયા જાણે સાવ નાની થઇ ગઇ છે. આખું વિશ્વજાણે હાથની એક મુઠ્ઠીમાં સમાઇ ગયુ છે. જે માહિતી જોતી હોય એ માત્ર એક ક્લિક દુર છે. રોસઇની રેસીપીથી માંડી પરમાણુ બોમ્બ એવા ઘણા સવાલોના જવાબ તારા માધ્યમ દ્વારા મળી રહે છે જે કદાચ તું ના હોત તો શોધવા મુશ્કેલ હોત. પણ તકલીફ ત્યારે થાય છે જ્યારે જિંદગીના અમુક સવાલોના જવાબ લોકો તારામાં શોધતા હોય છે. એવુ ફિલ થાય છે જાણે જિંદગી સાલી તારી પાંચ ઇંચની સ્ક્રીન માં કેદ થઇ ગઇ છે. તારામા બેટરી ના હોય ત્યારે મારી ખુદની બેટરી ઉતરી જાય છે. ક્યારેક નેટવર્ક ના મળતુ હોય ત્યારે એવુ લાગે દુનિયામાં જાણે સાવ હું એકલોજ છુ. ક્યારેક તો સમજાતુ નથી કે હું તારો માલિક છું? કે તું મારો માલિક છે.

લિ.

તારા નશામાં હંમેશા ચકનાચુર રહેતો એક નશેડી.