મૌનીક Maulik Devmurari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મૌનીક

મૌનીક

“ઓકે થેંક્સ, ચાલ ફરી આવુ ત્યારે મળીએ” મૌલિકે તેના ક્લાસમેટ કમ રૂમમેટ કમ બેસ્ટ ફ્રેન્ડને સ્ટેશન સુધી મુકીજવા બદલ થેંક્સ કહ્યુ.

“હા હો સાહેબ બીજી કાંઇ સેવા અમારા લાયક?” ફ્રેન્ડે મસ્તીમા કહ્યુ.

જવાબમા મૌલિકે આંખમારી સ્માઇલ કરી પછી હળવા મુડમા સીસોટી વગાડતો વગાડતો એ રેલ્વે સ્ટેશનના પગથીયા ચઢ્યો. કોલેજમા જન્માષ્ટમીની રજાઓ હતી એટલે તે પોતાના ઘરે જઇ રહ્યો હતો. લગભગ બે મહીના પછી ઘરે જવાનુ હતુ એટલે ખુશ હતો. ગામમા દસમા ધોરણ સુધીનીજ વ્યવસ્થા હતી આગળ ભણવા માટે નજીકના શહેરમા જવુ પડે એમ હતુ એટલે તે છેક દ્વારકા થી રાજકોટ ભણવા આવ્યો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર જ હતી પણ ઉપડવાને હજુ થોડી વાર હતી. ખીસ્સા માંથી ટીકીટ કાઢી પોતાનો નંબર જોયો. જન્માષ્ટમીની ભીડને કારણ તેણે વહેલાજ રીઝર્વેશન કરાવી લીધુ હતુ. પોતાનો ડબ્બો ગોતી તેણે તેની બર્થ પર સામાન ગોઠવ્યો. સામાન ગોઠવી તેણે થોડી વાર બારીની બહાર નજર ફેરવી લીધી. સ્ટેશન પર ખાસ્સી અવર-જવર હતી. તહેવારોનો સમય હોવાથી લગભગ બધા પોતાના કામ-ધંધા છોડી પોતાના વતન પોતાના પરીવારજનો પાસે જઇ રહ્યા હતા. તો કેટલાક વડી વેકેશન નો માહોલ હોઇ સહ પરીવાર કોઇ હીલ સ્ટેશન કે કોઇ ધાર્મીક સ્થળોએ ફરવા જઇ રહ્યા હતા. આજકાલ આ ગળાકાપ સ્પર્ધામા સતત દોડતો રહેતો માણસ ઘર-પરીવારથી વિંખુટો પડતો જાય છે ત્યારે આ તહેવારોજ છે જે પરીવારોને ફરી જોડે છે. ભીડ પરથી નજર હટાવી મૌલિકે પોકેટ માંથી મોબાઇલ કાઢ્યો અને ફેસબુક અને વ્હોટ્સએપમા સ્ટેટશ અપડેટ કર્યુ “વે બેક ટુ હોમ. હેપ્પી જન્માષ્ટમી ઇન એડવાંસ ” કદાચ આ સ્માર્ટફોન આવ્યા પછી લોકોની જીંદગી પણ એડવાંસ થઇ ગઇ છે અને એટલેજ લોકો ભવીષ્યની ચીંતામા આજને નથી માણી શક્તા. ફોન સ્માર્ટ થયા પણ માણસો? ડોબા, બુડથલ. મોબાઇલ ફરી ખીસ્સામા મુકી મૌલિકે સાથે લાવેલી નોવેલ કાઢી વાંચવા લાગ્યો. હજી માંડ એક બે પાન્ના આમતેમ ફેરવ્યા હસે “હેલ્લો પપ્પા, હું ટ્રેનમા બેસી ગઇ છુ પહોંચીને ફોન કરીશ, લેવા આવશોને મને?” કોઇક જાણીતો અવાજ મૌલિકના કાને અથડાયો. આ એજ અવાજ હતો જે તેણે છેલ્લે કેટલાયે વર્ષો પહેલા સાંભળ્યો હતો. જે અવાજ સાંભળવા કાન તરસી ગયા હતા એવોજ મીઠ્ઠો અવાજ હતો. પણ મૌલિક જાણતો હતો એ અહીં હોયજ ના શકે. એતો ક્યારનીએ કોટા, રાજસ્થાન જતી રહી હતી. એ ગઇ પછી થોડો વખતજ સંપર્કમા રઇ હતી અને પછી હવામા કોઇ સોડમ ઓગળે તેમ એ ઓગળી ગઇ હતી. ના કોઇ દિવસ એનો ફોન આવ્યો ના એક મેસેજ કદાચ નંબર જ બદલી નાખ્યો હશે. પોતાના નસીબને સારી રીતે જાણતો હોય તેમ મૌલિક મનોમન વીચારતો હતો અને ઉંચુ જોયા વગરજ ફરી નોવેલના પન્ના આમતેમ ફેરવવા લાગ્યો. “શું? તમારે નાઇટ શીફ્ટ છે? તો તમે નઇ આવીશકો? ઇટ્સ ઓકે હું ઓટો કરી લઇશ ડેડ ડોન્ટવરી” અટલુ બોલી નીકીતા એ ફોન કટ કર્યો.

“હાય! મૌલિક” ફોન પોકેટમા મુક્તા નીકીતા સહ સ્મીત બોલી. મૌલિકે નોવેલ માંથી મોઢુ ઉચુ કર્યુ જોકે નોવેલ વાંચવાનો એ ડોળ માત્ર કરી રહ્યો હતો મન તો ક્યારનુએ પતંગીયુ બની ભુતકાળની સફરે ઉડી ગયુ હતુ. તેના હ્યદયમા કંઇક સળવળાટ થયો અને નીકીતાને જોતાજ તે વર્તમાનમા પાછો ફર્યો તેનુ હ્યદય એક ધબકારો ચુકી ગયુ.

હા આ એજ સ્વરાગીની હતી જેનો અવાજ સાંભળવા મૌલિકના કાન જાણે ઉપવાસ પર ઉતરી ગયા હતા. અને જેનો ચહેરો જોયા વગર આંખોને જાણે વનવાસ થયો હતો. પણ આજે વનવાસ પુરો થયો હતો અને ઉપવાસના પારણા થયા હતા. મૌલિક જ્યારથી પ્રેમની પરીભાષાને સમજતો થયો હતો ત્યારથીજ તે નીકીતાને પોતાનુ સર્વસ્વ સોંપી ચુક્યો હતો. અને સામે પક્ષે નીકીતા પણ તેનુ હૈયુ મૌલિક પર વારી ગઇ હતી. સોળ વર્ષની કાચી ઉંમરે પાંગરેલો પાક્કો પ્રેમ હતો. મૌલિક અને નીકીતા એકજ ગામના હતા અલબત બંન્ને એકજ સ્કુલમા એકજ બેંચ પર સાથે ભણતા હતા. દસમા ધોરણ સુધી બંન્ને પાક્કા મિત્રો હતા. એમની મિત્રતા અજોડ હતી. ક્યારેક નીકીતા મૌલિકનુ હોમવર્ક કરી આપતી તો ક્યારેક મૌલિક નીકીતાની બુક્સ કંપ્લીટ કરી આપતો. બંન્ને ક્લાસમાં ટોપ પણ સાથે કરતા અને તોફાન પણ સાથે કરતા. બંન્ને સ્કુલમા સાથે હોય, કમ્પ્યુટર ક્લાસીસમા સાથે હોય, ટ્યુશન ક્લાસીસમા સાથે હોય અને જો સ્કુલના કોઇ ફંક્શનમા પાર્ટીસીપેટ કર્યુ હોય અને સાંજ પડ્યે નીકીતા રીહાસ કરતી હોય કે ડાન્સની પ્રેક્ટીશ કરતી હોય તો ત્યારે પણ મૌલિક ત્યાં અચુક હાજર જ હોય, આમ લગભગ આખો દિવસ બંન્ને સાથે ને સાથેજ હોય. હા નીકીતા એક ઉમદા ગાયીકા સાથે શ્રેશ્ઠ ન્રુત્યાંગના પણ હતી. અને મૌલિક સારો વક્તા હોવા ઉપરાંત સારુ લખી પણ શક્તો હતો. આટલી સરસ મિત્રતા ક્યાંક ગુમાવી ન બેસે એ ડરથી મૌલિક કે નીકીતા ક્યારેય પોતાની લાગણીઓને વાચા આપી શક્યા નહોતા, અને કદાચ એટલેજ આ સુંદર મૈત્રી ક્યારેય પ્રણયમા તબદીલ થઇ શકી નહોતી.

આજે એજ નીકીતા એજ બાળ સખી, તેના સપનાની રાજકુંવરી તેની સામેની સીટ પર બેઠી હતી અને તેને કંઇક કઇ રહી હતી પણ મૌલિક તો બસ બાઘાની જેમ તેના ચહેરા સમક્ષ અપલક નજરે જોઇ રહ્યો હતો. વર્ષો પહેલા જોએલી નીકીતા અને આજની નીકીતામા ઘણો ફર્ક હતો. છેલ્લે બે ચોટલા વાળેલી અને સાદા ડ્રેસ પહેરેલી નીકીતા આજે પોની વાળેલા સ્ટ્રેઇટ હેર સ્ટાઇલમા અને સ્કાય બ્લ્યુ ટોપ અને વ્હાઇટ કેપ્રીમા એકદમ કોન્ફીડંટ અને મોર્ડન ગર્લ લાગી રહી હતી. એજ મોટી ખુબસુરત આંખો અને હંમેશાની જેમ આંખોમા આંજેલુ કાજળ. ચહેરા પરની સ્માઇલ અને તે વેળાએ ગાલમા પડતા ખાડા, ગુલાબની કળી સમાન કોમળ હોઠ અને નીચેના હોઠની ડાબી બાજુએ નાનકડુ તલ બધુજ જેમનુ તેમ હતુ.

“ઓયે હેલ્લો! ક્યાં ખોવાઇ ગ્યો?” ચપટી વગાળતા નીકીતાએ પુછ્યુ.

“અરે નીકીતા તુ? અહીંયા?” માંડમાંડ અવાજ ભેગો કરી મૌલિક એટલુજ પુછી શક્યો.

“હા હું તારીજ.....” નીકીતા કશુક કહેવા માંગતી હતી પણ અટકી ગઇ.

“શું તારીજ શું?” મૌલિક ઉત્સાહમા ને ઉત્સાહમા પુછી બેઠો.

“તારીજ સામેની સીટ મળવાની હશે? કેવા બદનસીબ મારા!” નીકીતાએ મૌલિકને ચીઢવવા ફેરવી તોળ્યુ.

તારા માટે કદાચ બદનસીબી હશે પણ મારી માટે તો મારો અતિત, મારી ભેરુડી, મારી દોસ્તાર, મારો પહેલો ક્રશ, મારો પહેલો પ્રેમ અરે મારા હ્યદયનો ધબકાર, મરો ખુદ ખુદા આજ મારી સામે બેઠો છે. મૌલિક મનોમન વીચારી રહ્યો હતો.

“ઓયે પાગલ! ક્યાં ખોવાય જાય છે ઘડીએ ઘડી?” નીકીતાએ મજાકમા પુછ્યુ.

“ક્યાંય નહી નીકીતા અહીયાજ તો છુ, કદાચ આપળા નસીબમા જ હસે આમ અચાનક મળીજવાનુ. બાકી તો મોટા માણસો પાસે હવે ક્યાં ટાઇમ છે અમારા માટે” મૌલિક મીઠ્ઠી ફરીયાદ કરતા બોલ્યો.

“એવુ નથી મૌલિક યાર તને તો ખબરછે ત્યાં કોટામા આખો દિવસ બસ ભણ, ભણ ને ભણ, આ સાઇન્સ લીધુને ત્યારથી જીંદગીની પથારી ફરી ગઇ છે યાર”

“તો કોણે કીધુતુ સાઇન્સ લેવાનુ તને? છેક છેલ્લે સુધી નક્કી હતુ આપડુ કે સાથે આર્ટ્સમા એડમીશન લેશુ.”

“હા નક્કી હતુ યાર પણ જોને પપ્પા ના માન્યા તુ તો જાણેજ છે બધુ યાર તો થોડુ તો સમજ”

દસમા ઘોરણ સુધીનુ ભણતર પુરુ કરીને મૌલિકે રાજકોટની આર્ટ્સ સ્કુલમા એડમીશન લીધુ હતુ અને પછી ત્યાંજ માસ્ટર ઇન આર્ટ્સ મા સ્ટડી કરી રહ્યો હતો. જ્યારે નીકીતાને પણ આર્ટ્સમા જ જવુ હતુ પણ તેના પપ્પાએ સમજાવી પટાવીને સાઇન્સમા એડમીશન લેવડાવ્યુ હતુ અને એ પણ છેક કોટા, રાજસ્થાન. અને હવે તે એન્જીનીઅરીંગ કરી રહી હતી. આજે ઘણા વર્ષો પછી બે દોસ્ત, બે હૌયા મળી રહ્યા હતા. ટ્રેન અવીરત દોડી રહી હતી, સ્ટેશન પછી સ્ટેશન પસાર થઇ રહ્યા હતા.

“છેલ્લે તારી એક્ઝામ્સ હતી ત્યારે આપડી વાત થએલી, પછી કોઇ દિવસ તારો ફોન જ ના આવ્યો નીકીતા” મૌલિકે વાત આગળ વધારી.

“હા પછીતો હું બીઝી થઇગયેલી એક્ઝામ્સમા”

“અને પછીતો તુ ગાયબ જ થઇ ગઇ. તારા બર્થડે પર કેટલા ફોન કર્યા, કેટલા મેસેજ કર્યા, તારા રીઝલ્ટ પર પણ ફોન કર્યા હતા પણ તારો ફોન સ્વીચ્ડ ઓફ જ આવતો હંમેશા એટલે પછી મે તો સમજી લીધુ કે હા કદાચ નવા શહેરમા નવા દોસ્તો મળી ગયા હસે એટલે હવે મારી જરૂર નથી રઇ” મૌલિક એકી શ્વાસે ઘણુ બધુ બોલી ગયો.

“હોતુ હશે બુધ્ધુ? મૌલિક એક વાત યાદ રાખજે મારી લાઇફમા લાખ નવા ફ્રેન્ઝ આવે પણ તુજ હંમેશા મારા માટે મારો બેસ્ટ ફ્રેન્ડ રહીશ”

“તો પછી અટલા વર્ષો સુધી ક્યાં હતી? બોવ મોટી આવી બેસ્ટ ફ્રેન્ડ વાળી” મૌલિકે શીકાયત ના સુરમા કહ્યુ તેને નીકીતાની વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

“અરે યાર તુ માનીશ? એક્ઝામ્સ પછી સેલીબ્રેશન પાર્ટી હતી ત્યારે મારુ ધ્યાન ના રહ્યુ અને અચાનક મારો ફોન પાણીમા પડી ગયો હતો. એ ફોનમા તારા મેસેજીસ પણ હતા અને તારા નમ્બર બધુ ફોન સાથે જતુ રહ્યુ, એ પછી મે ઘણો પ્રયત્ન કર્યો તને ગોતવાનો પણ તુ મળ્યોજ નહી. હું જ્યારે પણ ઘરે આવતી ત્યારે તારા ઘરે આવતી પણ મને મોડે મોડે ખબર પડી કે તમે લોકો બીજા એરીઆમા શીફ્ટ થઇ ગયા છો. તું ફેસબુક યુઝ નથી કરતો?” નીકીતા ભુતકાળમા ઘટેલી ઘટનાઓ યાદ કરીને કઇ રહી હતી.

“કરુછુને! પણ મને એમ કે હવે તુ મને ભુલી ગઇ છે એટલે જાણી જોઇનેજ તને બ્લોક કરી છે, હા ક્યારેક તારી યાદ આવે ત્યારે અનબ્લોક કરીને તારા પીક્સ જોઇલવ છુ”

“ડોબો છે સાવ, એક વખત પુછીતો લીધુ હોત મને યાર” નીકીતા મૌલિકનો કાન ખેંચતા બોલી

એટલામા હાપ્પા સ્ટેશન આવ્યુ અંહી બે ટ્રેનોનુ ક્રોશીંગ થવાનુ હતુ. મૌલિક નીચે ઉતરી પ્લેટફાર્મ પરથી બે ચા અને ડેરી મિલ્ક ચોકલેટ લાવ્યો.

“હાઉ સ્વીટ મૌલિક તને હજી યાદ છે કે મને આ ચોકલેટ કેટલી ભાવતી?” મૌલિકના હાથ માંથી ચોકલેટ લેતા નીકીતા બોલી.

“ઓફ કોર્સ યાદ તો હોયજ ને”

“યાદ છે મૌલિક એક વખત ક્લાસમા ચાલુ લેક્ચરે આપણે ચોકલેટ ખાતા હતા ને ખેત્યા સરે આપણને રંગે હાથ પકડેલા”

“હા પછી ક્લાસની બહાર પણ કાઢી મુકેલા અને તુ રડ્યે જતી હતી, અને પછી ચોકલેટ વાળા હાથે આંસૂ લુછતા તારા આખા ગાલ પર ચોકલેટ ચોંટી ગયેલી”

બંન્ને જણા ખડખડાટ હસી પડ્યા. હવે ટ્રેન ફરી શરૂ થઇ હતી. ટ્રેનની ગતી સાથે મૌલિકના હ્યદયના ધબકારા પણ વધી રહ્યા હતા. આમ અચાનક જ અણધારી રીતે નીકીતા તેની લાઇફમા પાછી ફરી તેનુ શુખદ આશ્ચર્ય હતુ મૌલિકને. નીકીતા તો બિન્દાસ ચા પીવા લાગી પણ મૌલિક કપ માંથી નીકળતા ધુમાડાની આડમા નીકીતાને બસ મન ભરીને નીહાળી રહ્યો હતો. એ જાણે નીકીતાની મોતી જેવી સુંદર આંખો, કપાળ પરની નાજુક બીંદી, રેશ્મી ઝુલ્ફો માંથી સરકીને છુટ્ટી પડેલી એક લટ, રૂપ નીખરતો ચહેરો અને ચાનો કપ પકડેલી નાજુક સુંદર આંગળીઓ આ બધુ જ જાણે ચા સાથે ઘોળીને પી રહ્યો હતો.

“તને પેલી એકતા યાદ છે?” ચાની ચુસ્કી ભરતા નીકીતાએ પુછ્યુ.

“કોણ તારી પેલી ચમચી? જે હંમેશા તારી આગળ-પાછળ જ ફરતી? જેની સાથે નામ જોડી તુ મારી મસ્તી કરતી એજ ને?”

“ હા એજ, એના તો બોલ લગ્ન પણ થઇ ગયા અને એક બેબી પણ છે. હમણા થોડા દિવસ પહેલાજ એફબી પર ફોટો શેર કર્યો હતો”

“પછી પેલો હીરેન યાદ છે? મારી પાછળ આદુ ખાઇને પડેલો? એની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. સાલ્લાને બે ગાળ આપી બ્લોક જ કરી નાખ્યો”

“પછી તને પેલા દાબેલી સર યાદ છે? કેવા આપડે બધા ટીચર્સના નામ પાડતા નઇ? તને યાદછે હું સીંગીંગ કોમ્પીટીશન ફર્સ્ટ આવેલી ત્યારે તે મને ભર શીયાળે આઇસ્ક્રીમ ખવડાવેલી અને પછી હું માંદી પડેલી?” નીકીતા બોલ્યે જતી હતી તે આજે કાંઇક બદલાયેલી લાગતી હતી. મૌલિક ચુપચાપ નીકીતાને સાંભળતો હતો. નીકીતા મૌલિકનો હાથ પકડીને અતિતના સમુદ્રમા ડુબકીઓ લગાવતી હતી. મૌલિકને મનમા થતુ હતુ કે આ ટ્રેન બસ આમજ ચાલતી રહે તો કેવુ સારુ? અને નીકીતા તેની બાજુમા બેસીને બોલતી રહે હંમેશને માટે. હવે મૌલિકને ઘરે જવા કરતા આખી જીંદગી આ ટ્રેનમા નીકીતા સાથે વિતાવવામા વધારે મજા આવીરહી હતી. પણ ગામતો હવે નજીક જ હતુ. પસાર થતી એક એક ક્ષણ મૌલિકનુ હ્યદય વીંધીને સોંસરવી નીકળી જતી હતી. લગભગ પાંચેક કલાકના ટ્રાવેલીંગ પછી ફરી છુટ્ટા પડવાનુ હતુ અને પાછા ક્યારે મળશુ અને મળશુ પણ ખરા કે કેમ? આ સવાલોથી મૌલિકનુ મન ઘેરાઇ ગયુ હતુ.

“સ્ટેશન આવે અને તુ જતો રહે એ પહેલા એક વાત કવ મૌલિક? ચાલને આપણા બંન્નેનો એક સેલ્ફી લઇએ અને જો સાંભળ નસીબના લીધે નઇ પણ હુ મારી ઇચ્છાથીજ આજે તારી સાથે આવી છુ”

“એટલે તને ખબર હતી કે હું આજે આ જ ટ્રેનમા ઘરે જવાનો હતો?”

“હા, થોડા દિવસ પહેલા એફબીમા ઉમંગના ફોટોમા તને જોયો. હી ઇસ માય ફ્રેન્ડ ઓન એફબી. એને મે પુછ્યુ ત્યારે મને ખબર પડી તારા વીષે અને એટલે મેં પણ સેમ ડે ટીકીટ બુક કરવી લીધી રાજકોટ થી” નીકીતા બારીની બહાર નજર રાખી બોલી રહી હતી

“હવે મને સમજાયુ કે સાલો ઉમંગ કેમ મને બધુ પુછતો હતો કે ક્યારે ઘરે જવાનો છો અને કઈ ટ્રેનમા જવાનો છો?” મૌલિકને તાળો મળ્યો આખી વાતનો. નીકીતા એ વળતામા સ્માઇલ આપી અને પોકેટ માંથી ફોન કાઢી અને સેલ્ફી ક્લીક કરી.

સ્ટેશન નજીક આવ્યુ, ટ્રેનની ગતિ ધીમી થઇ. મૌલિકનો ચહેરો સાફ વાંચી શક્તી નીકીતાએ તેના બંન્ને હાથ પોતાના હાથમા લીધા. નીકીતાના સ્પર્શ માત્રથી મૌલિકમા ઊર્જાનો સંચાર થયો અને તે હિંમત એકઠી કરી બોલ્યો “નીકીતા એવુ ન થઇશકે કે હવે પછીની મારી દરેક મુસાફરીમા તુ મારો સાથ આપે? મતલબ કે મારી જીંદગીની સફરમા તુ જ મારી હમસફર બની રહે?”

“અટલી નાની વાત કહેતા પાંચ કલાક લગાવી દીધા મૌલિક કે પાંચ વર્ષ?” નીકીતાએ વધુ જોરથી મૌલિકના હાથ પકડ્યા “આ નીકીતા તો જ્યારથી તારી આંખો વાંચી લીધી હતીને ત્યારથી જ તારી થઇ ચુકી હતી મૌલિક”

“તો પ્રોમીસ કર હવે મને એકલો મુકીને ક્યાંય નઇ જતી રહે”

“પ્રોમીસ” ધીમેથી મૌલિકનો ગાલ ખેંચતા નીકીતા બોલી.

એટલામા સ્ટેશન આવ્યુ. રાત થઇ ચુકી હતી. સ્ટેશન પર આછી રોશની હતી. વાતાવરણમા ઠંડક હતી. ભીની માટીની સુગંધ આવીરહી હતી. કદાચ થોડીવાર પહેલાજ વરસાદ થયો હસે. મૌલિક પહેલા ઉતર્યો પછી તેણે નીકીતાને ઉતારવા હાથ લંબાવ્યો અને ટ્રેન માંથી ઉતરતા વ્હેંત તેણે નીકીતાને હૈયા સરસી ચાંપી લીધી. ટ્રેન ચાલતી થઇ અને એટલા માંજ ફરી રીમઝીમ વરસાદ શરુ થયો, હૈયે થી હૈયુ તો મળેલુજ હતુ, હવે હોઠ થી હોઠ મળ્યા અને ચાર આંખો ભીની થઇ.