અનુભવોનું શહેર Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભવોનું શહેર

અનુભવોનું શહેર

બેંગ્લોર.
આ શહેર મારા માટે એકલતા ભર્યું છે, પરંતુ જેમ-જેમ દિવસો પસાર થઇ રહ્યા છે એમ એ એકલતા એકાંતમાં ફરી રહી છે! આઈ લવ ઈટ :)તુ

આ શહેરમાં રોજે સાંજે વરસાદ આવે છે. વરસાદ આવે એટલે હું ઓફીસથી બહાર નીકળી જાઉં. વરસાદમાં ભીંજાઈ જવા માટે. રોજે. ઓફીસ પર જ લેપટોપ મૂકી દઉં અને ચાલુ વરસાદમાં એકલો નીકળી જાઉં. ઘર તરફ. ગીતો ગાતો જાઉં. અહિયાં કોઈ મને ઓળખતું નથી એટલે આબરૂ જવાની કોઈ ફિકર નથી. વરસાદમાં નાહવું મને એટલું ગમે છે કે ક્યારેક મોડી રાત્રે વરસાદ આવે અને હું સુતો હોઉં અને સાંભળી જાઉં તો પણ ઘર બહાર નીકળી જાઉં. રાત્રે બે-ત્રણ વાગ્યે પણ. ક્યારેક ટ્રાય કરજો. ખુબ મજા આવશે. મોડી રાત્રે તમારી આસપાસ કુતરાઓ સિવાય કોઈ ના હોય અને વરસાદમાં એકલા નાચવાની મજા જ કઈક અલગ છે. :)

નાહીને આવ્યા પછી હેડફોન લગાવીને યુ-ટ્યુબ પર ગીતો સંભાળવાની મજા પણ એવી છે. અહિયાં ભજીયા કે ગાઠીયા કે થેપલા મળતા નથી એટલે હાથે બનાવેલી ચા પીઈ લેવાની. ;)

આ શહેરમાં બીજું એક અદભુત તત્ત્વ હોય તો એ છે કુદરત! અહી ચારે તરફ વૃક્ષો છે. બેંગ્લોરની બહાર બધે જ ઉંચી-નીચી પહાડીઓ અને જંગલ છે. હું દર રવિવારે સવારમાં નીકળી જાઉં. એકલા. ખુબ રખડું. અજાણ્યા માણસો સાથે વાતો કર્યા કરું. તેમને મારી લાઈફ સ્ટોરી કહ્યા કરું. એમની પ્રેમ-કહાનીઓ સંભાળું. :P

હમણાં જ હું બેંગ્લોરથી ૧૦૦ કિલોમીટર દૂર દબ્બાગૌલી એવા કઈક નામની જગ્યા છે ત્યાં પહાડીના ટ્રેકિંગ માટે ગયેલો. અમે બાર અજાણ્યા માણસોની એક ટીમ હતી. કરીને એક સ્ટાર્ટ-અપ છે જે આવી ટુર કરતુ હોય છે. ત્યાં અમારી જે ગાઈડ હતી એ આંધ્રપ્રદેશની છોકરી સાથે એવી તે દોસ્તી જામી કે અમે લગભગ કશું જ વાતો કરવામાં બાકી ન રાખ્યું. મારી જેમ એ છોકરીને પણ આખી દુનિયા રખડવાના ખ્વાબ હતા. :) એક મહિના પછી એ આખું સાઉથ એશિયા ફરવા જવાની છે. હું મારી એક નવલકથા આવે એ પછી એક ખુબ મોટી ટુરમાં જવાનો છું. અમે ખુબ વાતો કરી. શું છોકરી હતી સાહેબ ;) ભયંકર. એક દિવસ માટે એની સાથે પ્રેમ થઇ ગયો. ટુર પૂરી થઇ અને એ ગાયબ. અત્યારે એ મારા ફ્રેન્ડ લિસ્ટમાં છે પણ આ વાંચી નહીં શકે. પણ...શું માણસ હતી એ...

લોકો રવિવારે પોતાના બાકી કામ પતાવે. હું કોઈ કામ હાથમાં જ ના લઉં. એક રવિવારે બેંગ્લોરમાં હું એમ જ ચાલતો નીકળી પડેલો. લગભગ ૨૫ કિલોમીટર જેટલું રખડયો. રસ્તા પર જે રસ પડે એવી લારી આવે એનું ખાધું. લારીવાળા લોકો સાથે વાતો કરી. મેટ્રોમાં બેઠો. વરસાદમાં પલળ્યો. અને ખુલ્લા પગે ચાલવાનું મન થયું ત્યારે એક કોથળીમાં ચપ્પલ નાખીને એ પણ કર્યું.
આ શહેરમાં મસ્ત મજાના ગાર્ડન-પાર્ક છે. લાલ બાગ, કબ્બન પાર્ક, અને બીજા કેટલાયે. જયારે વરસાદ આવે ત્યારે આ બધા પાર્ક માંથી માણસો ભાગી જાય. હું અંદર જાઉં. ખાલી વૃક્ષો, પક્ષીઓ, વરસાદ, અને વોચમેન હોય. ખુબ મજા આવે. અહિયાનું લોકલ મ્યુઝીક પણ રસ પડે એવું છે. કશું સમજાય નહીં, પણ ધૂન ચડે. બસ...ધૂન ચડવી જોઈએ. :)

હા... અહિયાં પોપ કલ્ચર ખુબ છે. છોકરીઓ નાનકડા કપડા પહેરીને પબ-બાર બહાર સિગારેટ ફૂંકતી હોય ત્યારે આંખોને ખુબ ઠંડક મળે. હું મોડી રાત સુધી
આવા પબ બહાર બેઠો રહું ;)

એક મસ્ત વાત કહું. અહિયાં નામની બર્ગર માટેની જબરદસ્ત રેસ્ટોરન્ટ ચેઈન છે. ત્યાના બર્ગર મોંઘા હોય છે પણ ખુબ જ મસ્ત હોય છે. પહેલીવાર ગયેલો ત્યારે ત્યાં એક નેપાળી વેઈટર હતી જે ખુબ જ સરસ કામ કરી રહી હતી. દરેક ગ્રાહક સાથે સરસ એવી વાત કરે અને દરેક ટેબલ પર બધું જ ધ્યાન રાખે. એ એટલી ક્યુટ અને મસ્ત દેખાતી હતી કે હું એની સામે જોઈ રહ્યો હતો તો એને લાગતું હતું કે હું લાઈન મારી રહ્યો છું! ના. મારે એને કહેવું હતું કે "મેમ...તમે ખુબ જ સરસ કામ કરી રહ્યા છો."

પણ અજાણી છોકરીને કેમ કહેવું? હિંમત ચાલતી નહોતી. હું વારે-વારે પાણી માંગુ પણ એ પાસે આવે ત્યારે કહી ના શકું અને હું રીતસર બ્લશ થતો હતો. ચહેરા પર લોહી આવી જાતું અને પગ ઠંડા થઇ જતા. થોડીવાર તો એમ લાગ્યું કે જાણે એક કલાક માટે એની સાથે પણ પ્રેમ થઇ ગયેલો! :D

ખેર...તે દિવસે તો ના કહી શક્યો. બીજીવાર ગયો ત્યારે પણ એ જ હતી! ફરી મારે કહેવું હતું પણ જીવ ચાલતો ન હતો. છેલ્લીવાર જયારે મેં પાણી માગ્યું ત્યારે એ મારી નજીક આવી અને મને કહ્યું: ‘સર...યુ હેવ વેરી ગુડ સ્માઈલ.’
હું તો પાણી-પાણી થઇ ગયો. મારામાં પણ હિંમત આવી. મેં કહ્યું: “એન્ડ મેમ...યુ આર રિયલી સર્વિંગ વેરી ગુડ.” એ પણ શરમાઈ ગઈ. હું તો ખુશ-ખુશ થઇ ગયો. બે બર્ગર ખાધા!

શહેરો સાથે મારે અજીબ વહેવાર છે. હું લગભગ અડધું ભારત ફર્યો છું. ટ્રેનના જનરલ ડબ્બા માં બેસીને ચારે બાજુ ફરેલો છું. દરેક શહેર સાથે મારી દોસ્તી કેટલીયે યાદો લઈને બેઠી હોય છે. પરંતુ જે શહેરોમાં મેં નોકરીઓ કરિ છે એ બધા જ શહેરો સાથે કોઈ અજીબ જ બંધન બન્યું છે.

મેં અમદાવાદ, વડોદરા, ભરૂચ, જોધપુર, રાજકોટ અને છેલ્લે બેંગ્લોર આ બધી જગ્યાઓ એ નોકરી કરી છે. પણ મેં એક અહેસાસ કર્યો છે કે મને અમદાવાદ અને રાજકોટ ખુબ બોરિંગ લાગેલા. ત્યાં ઘણીવાર બધું છોડીને ભાગી જવાનું મન થાય એવા દિવસો જોયેલા. ભરૂચ તો ખુબ ટૂંકું રોકાયો હતો પરંતુ જે અનુભવો મેં વડોદરા અને બેંગ્લોર માં કર્યા છે એવા ક્યાંય કર્યા નથી.

આનું કારણ ખબર છે? વડોદરા શહેરમાં મારી બે જીગરજાન દોસ્ત હતી. એ બંને હતી એટલે એ શહેર મને ખુબ જ ગમતું. એ બંને સાથે એટલી બધી યાદો છે કે જો એ યાદોને બાદ કરી નાખું તો છેલ્લા બે વરસમાં મારી અંદર કશું બચે નહી. મેં ખુબ રાખ્ડ્યું છે બરોડાને. અત્યારે પણ ત્યાં ગુજારેલા દિવસો યાદ કરું તો હરખનું આંસુ આવી જાય.

વધુ સારી નોકરી અને મારી તૂટી-ફૂટી જીંદગીને થોડી પાટે ચડાવા માટે મેં બેંગ્લોર આવવાનું નક્કી કરેલું. અહિયાં ખુબ એકલતા હતી, છે અને રહેવાની. પરંતુ મેં ઉપર કહ્યું એમ એમાં ક્યાંક મને મારી જાત સાથેનો ખુબ બધો સમય મળી ગયો અને આ શહેર ગમી ગયું. અહિયાં યુવાનો ખુબ છે, સાહિત્યને માનનારા ખુબ છે અને મને મજા ત્યારે આવે જ્યારે અહિયાં સ્વતંત્રતાને જોઉં છું. દરેક માણસ પોતાની રીતે જીવે છે. કોઈ કોઈની લાઈફમાં આંગળીઓ કરતુ નથી. ગુજરાતમાં આ આંગળી કરવાની પ્રથા મેં ચારે તરફ જોઈ હતી અને એનાથી એટલો કંટાળી ગયો હતો કે બેંગ્લોર આવવા માટે હું તડપતો હતો.

ખેર હજુ તો આ શહેર પાસેથી ઘણા બધા અનુભવો લેવાના છે અને ઘણુબધું કરવાનું છે. છેલ્લા ૨ વરસથી નવલકથા લખાઈ રહી છે. લાગે છે કે બેંગ્લોરમાં જ એની પૂર્ણવિરામ આવશે. જોઈએ. જે થાય એ!