ગપ્પાં (Gappan) (પ્રકરણ-2) Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગપ્પાં (Gappan) (પ્રકરણ-2)

પ્રકરણ : ૨

“ટાઈ-બાઈ કંઈ નહીં. પહેલાં અમારી ટીમ રમી ’તી એટલે અમે જીતી ગયા.” તરંગ એકદમ ગુસ્સે થઈને બોલ્યો.

“બે તરંગિયા, આ અંચઈ છે, રન બંનેને સરખા છે તો તમે કઈ રીતે જીતો ?” કલ્પેને પણ ગુસ્સો કરીને મોટેથી કહ્યું.

“હહહહ.... એક મિનિટ..” ભોંદુએ બરાડો પાડ્યો.

કલ્પના અને તરંગલીલા સોસાયટીની ક્રિકેટ મેચમાં એક માણસ કોમન હતો અને તે હતો ભોંદુ. કેમકે એ બેટિંગ નહોતો કરતો, બોલિંગ પણ નહોતો કરતો. ફિલ્ડિંગ ભરવાની વાત તો હજારો ગાઉ દૂર છે. તે હંમેશાં અમ્પાયરની ભૂમિકા ભજવતો. આમ તો તેનું નામ ભરત હતું, પણ હાથીના મદનિયા જેવું જાડું શરીર, આંખ પર કાચની બોતલના તળિયા જેવા જાડ્ડા ચશ્માં, પાકી ગયેલા જાંબુ જેવો કાળો ઘાટ્ટો રંગ અને કોઈ પણ વાતની શરૂઆત ‘હહહહ...’ એવા હલકારા સાથે કરવાની ટેવ... આવા બધા ગુણોને લીધે બધાએ તેનું નામ ભોંદુ પાડી દીધેલું. સમય જતાં ભોંદુએ પણ એ સ્વીકારી લીધેલું.

“બહુ થયું... ક્યારનો તમારા બેની બકબક સાંભળું છું. હું શું અહીં ઊભો ઊભો ઝખ મારું છું.” ભોંદુનું મગજ પણ છટક્યું હતું. “હહહહ... તરંગિયા, અમથી અમથી મેં કંઈ ટાઈ આપી છે ? હું ચાડિયો છું તે દર વખતે આમ વચોવચ ઊભો રહું છું ? મને ખબર નથી પડતી, ડોબો છું હું ?”

ભોંદુનું આવું સ્વરૂપ જોઈને આટલા ગંભીર અને ગુસ્સાભર્યા વાતાવરણમાં પણ શૌર્યને હસવું આવી ગયું. ફુફુફુ કરતું તેનું હાસ્ય છૂટે એ પહેલાં તેણે મોં પર હાથ મૂકીને તેને દાબી દીધું.

“ટાઈ એટલે ટાઈ... બંનેને સરખા રન થયા છે.” લાલઘુમ આંખે ગુસ્સામાં હાંફતા હાંફતા ભોંદુએ પોતાનો અફર નિર્ણય જણાવી દીધો. તરંગ અને કલ્પેન ગુસ્સે ભરાયેલા વાઘ જેમ એકમેક સામે જોઈ રહ્યા હતા અને આવી સ્થિતિમાં તેમની વચોવચ યુદ્ધ રોકવાની કોશિશ રૂપે ચીનની દીવાલ જેમ ઊભો હતો ભોંદુ. દેખાવમાં ભોંદુ લાગતા ભોંદુનો નિર્ણય ઊથાપવાની કોઈનામાં તાકાત નહોતી. તાકાત કરતાંય તે જે નિર્ણય આપતો તેમાં બધાને પૂરેપૂરો વિશ્વાસ હતો. તે ક્યારેય કોઈ ટીમને અન્યાય ન થવા દેતો.

“પણ મારે જીત અને હારનો નિર્ણય અત્યારે જ જોઈએ.” તરંગ પોતાની વાતમાં અડગ રહ્યો.

“અત્યારે કઈ રીતે થઈ શકે ? હવે ફરીથી ક્રિકેટ રમવાનો મારો કોઈ જ મૂડ નથી.”

“ફરીથી તો મારે પણ નથી રમવું યાર... ક્યારના રમીએ છીએ, થાક બી લાગ્યો છે...” જિગો બોલ્યો.

“તો પછી અમારી ટીમને જીત આપી દો એટલે વાત પતે...” વેદાંગે તરંગને ટેકો આપ્યો.

“બે તરંગ, ખોટી જીદ મત કર, અગલે રવિવાર કો ફિર રમેંગે ના ભાઈ...” એઝાઝે એની ટીપીકલી ગુજરાતી હિન્દીમાં કહ્યું.

શૌર્યને પોતાના મનની ઇચ્છા પૂરી કરવાનો મોકો દેખાઈ રહ્યો હતો આ ઝઘડામાં એટલે ગાળો સાંભળવાની બીકે અટકતા અટકતા તે બોલ્યો, “જો કોઈને વાંધો ના હોય તો એક રસ્તો છે મારી પાસે જીત કે હાર નક્કી કરવાનો.”

“હહહહ... કોઈ જ રસ્તો નહીં, કોઈ જ કિંગ ક્રોસ નહીં.” ભોંદુનો ગુસ્સો હજી અકબંધ હતો.

“અ... હું... કિંગ ક્રોસની વાત નથી કરતો. બહુ મજાનો રસ્તો છે બોસ, જો વાંધો ન હોય તો...” તો અક્ષરને એણે થોડો લંબાવ્યો અને બધા પર એક ક્ષણમાં સડસડાટ નજર ફેરવી લીધી. “જો ભોંદુ, આમાં શું છે અત્યારે કલ્પેન અને તરંગ બંને એકમેક પર બરોબરના ચીડાયા છે તો તેમની પણ પરીક્ષા થઈ જશે.”

“હહહહ.... તું કહેવા શું માગે છે ? સીધે સીધું ભસને...”

“જો, કલ્પેન અને તરંગ બંને વાતો કરવામાં તો ઉસ્તાદ છે. બંને મહાગપોડીઓ છે. અલક મલકની ઝીંક્યા કરે છે, તો..”

“ઝીંક્યા કરે છે એટલે... ?” તરંગ વધારે ગુસ્સે થયો.

“અરે બોસ ! મારા કહેવાનો અર્થ એ નથી, પણ...”

“તો પછી શું છે તારા કહેવાનો અર્થ હેં શું છે ?” તરંગ શૌર્યનો કોલર પકડું પકડું થઈ ગયો.

“હહહ... શું માંડ્યું છે આ બધું ?” ભોંદુ બંનેની વચ્ચે પડ્યો.

“અરે યાર હું તો એક સરસ રસ્તો બતાવું છું, ઝઘડો અટકાવવાનો. હારજીત પણ નક્કી થઈ જશે.”

“બે યાર એ મગજ વગરનો ટણપો શું કહેવા માગે છે સાંભળી તો લો...” આયુનું આવું વાક્ય કાને પડતાની સાથે શૌર્યએ કરડાકીથી તેની સામે જોયું અને કંઈક બોલવા ગયો, પણ તે પહેલાં જ ભોંદુ બોલ્યો,

“હહહહ... સારું બોલ. જે કહેવું હોય તે કહી દે.”

“જો, મારે સીધી ને સટ વાત કહેવી છે. તરંગ પોતે તરંગભરી વાતો કરવામાં એક્કો છે. એને કોઈ પહોંચે એવું નથી, બરોબર ?”

“હા, તો ?”

“તો સામે પક્ષે કલ્પેન પણ કલ્પનાઓનો મહારથી છે, બીજું શું જોઈએ.”

“હહહહ.... પણ એને ને આપણી ક્રિકેટની હાર-જીતને શું લેવાદેવા ?”

“અરે યાર, તું મારી વાત બરોબર સમજ્યો નહીં. આમ પણ ઝઘડો એ બંને વચ્ચેનો છે. આપણે બંને વચ્ચે જુદી જુદી કલ્પનાઓ કરવાની અને ગપ્પાં મારવાની શરત રાખીએ, જે તેમાં હારી જાય તેની ટીમ હારી અને જે તેમાં જીતી જાય તેની ટીમ જીતી.”

કંઈ બોલ્યા વિના ભોંદુ શૌર્યની સામે જોઈ રહ્યો. શૌર્યએ તેની સામે પોતાના બંને નેણ ઉછાળ્યા. “હહહહ... શું ડોબા સમજે છે અમને બધાને ? આવી ગપ્પાંની કોઈ રમત-બમત ના હોય... અને... ”

“હું તૈયાર છું.” ભોંદુ આગળ કશું બોલે છે તેની પરવા કર્યા વિના તરંગે પોતાનો મત જાહેર કરી દીધો.

“બે યાર આવા ગપ્પાં મારવાની રમતો શું રમવાની ?” કલ્પેને વાત ટાળવા પ્રયત્ન કર્યો.

“તો પછી માની લે કે તારી ટીમ હારી ગઈ.”

“અરે યાર તું તો જીદ લઈને બેઠો છે.”

“હાર-જીતનો ફેંસલો તાત્કાલિક જ થવો જોઈએ.”

“કલ્પા, આપણે હારવાનું નથી, તું કહી દે.”

“આ બધું તેં જ ઊભું કર્યું છે સાલા... મારે કોઈ ગપ્પાં નથી મારવા.” કલ્પેનનું મગજ ફરી તપવા લાગ્યું.

“હહહહ... તું આની વાતમાં હા રાખે છે કે હાર માને છે ?” ભોંદુએ કલ્પેનની સામે જોઈ ગંભીર અવાજે કહ્યું.

“અરે ભોંદિયા તું પણ યાર... તું તો અમ્પાયર છે. તું ક્યારેય ખોટો નિર્ણય નથી આપતો. આજે...”

“આજે પણ હું ખોટો નિર્ણય નથી જ આપતો.”

“કલ્પા મને તારી પર વિશ્વાસ છે, તરંગિયાનું કંઈ નહીં આવે બોસ... એક ચપટીમાં તું એને હરાવી દઈશ.”

શૌર્યની આવી વાત સાંભળી આયુ તાડુક્યો, “એએએ... તું શું સમજે છે તરંગિયાને... હિંમત હોય તો આવી જાય મેદાનમાં... એની ફાટે છે એટલે તો ના પાડે છે.”

કલ્પો સમસમી ગયો. તે ગુસ્સાથી આયુની સામે જોઈ રહ્યો અને બોલ્યો “તો થઈ જાય, હું પણ તૈયાર છું.”

શૌર્યએ પોતાનો નીચેનો આખો હોઠ દાંત વચ્ચે દાબી દીધો. તેને મનમાં થયું હવે બરોબરની જામશે. ભોંદુએ તરંગ અને કલ્પેન બંનેની સામે જોયું. એક ક્ષણ માટે મૌન વ્યાપી ગયું. “હહહહ... આ રમતના પણ અમુક નિયમ હોવા જોઈએ.”

“ગપ્પે મેં નિયમ કૈસે હોવે ભાઈ ?” એઝાઝ બોલ્યો.

“કોઈ પણ રમત હોય, નિયમો તો હોવો જ જોઈએ.”

“તો નિયમ પણ બોલી જ દે એટલે રમત ચાલુ થાય.” કલ્પેન હવે મક્કમ હતો.

“હહહ... સૌથી પહેલી વાત કે ગપ્પાં મારવામાં આ રીતે ઝઘડવાનું નહીં.” ભોંદુએ તરંગ અને કલ્પેન સામે આંખ માંડી. “અને ગપ્પાં મારીશું એટલે તરત જ લોકો કહેશે કે આવું તે હોતું હશે ? આવું ના હોય! બરોબર ?”

“હા, એ તો એવું ના હોય તો ના જ કહે ને...” જિગો બોલ્યો.

“હહહહ... ના... આપણી ગપ્પાંની રમતનો સૌથી મોટો નિયમ એ જ કે દરેક વાતમાં હા જ પાડવાની. જે ના કહેશે તે શરત હારી ગયો ગણાશે. જોઈએ કોણ ના પડાવવાની હદ સુધી ગપ્પાં મારે છે.”

“ઓકે.” તરંગે કલ્પા સામે જોઈ કહ્યું. કલ્પેનના ચહેરા પરના ભાવોમાં કશો ફેરફાર ન નોંધાયો તે માત્ર સાંભળતો રહ્યો.

“હહહહ... હવે શરત નંબર બે. એક ગપ્પું પૂરું થયા પછી સામેની વ્યક્તિને ગપ્પું મારવા માટે વિચારવાનો સમય માત્ર દસ મિનિટ આપવામાં આવશે. એનાથી વધારે સમય લાગ્યો તો પણ તે હારી ગયો ગણાશે.”

“કબૂલ.” ફરી તરંગ બોલ્યો.

“હહહહ... શરત નંબર ત્રણ : જે કોઈ એક ગપ્પું મારે તેની પછી સામે ગપ્પું મારનારની વાત એકબીજા સાથે સીધી કે આડકતરી રીતે - કોઈ પણ રીતે જોડાયેલી હોવી જોઈએ.”

“એ તો કઈ રીતે બની શકે ?” કલ્પેને વાંધો ઊઠાવ્યો.

“હહહહ... તો જ સાચી પરીક્ષા થશે. એક ગપ્પાંને ઊથલાવવા બીજું ગપ્પું મારશો ત્યારે જ તો ખબર પડશે કે કોનામાં કેટલો દમ છે. એક જણો ક્યાંય ઉત્તરમાં ગપ્પાં મારતો હોય ને બીજો દક્ષિણમાં મારતો હોય તો લિંક કઈ રીતે પકડાય ? ”

“આ વાત પણ મંજૂર છે...”

“હહહહ... કોઈ પણ વાત કરીએ તો તેની એક વાર્તા બનવી જોઈએ. સાવ આડેધડ ઝીંકાઝીંક નહીં કરવાની.”

“બરોબર છે.” કલ્પેને કહ્યું.

“હહહહ... ગપ્પાં મારવામાં કોઈ ગાળ-બાળ નહીં લાવવાની.”

“ઓકે. પછી આગળ બોલ.” જીત પોતાને જ મળવાની છે એવા આત્મવિશ્વાસ સાથે તરંગ બોલ્યો.

“હહહહ... હવે બસ, કેટલીક હોય ? બધી શરતો પૂરી.”

“તો ચલો ત્યારે, શરૂ કરીએ ?” શૌર્યના મનમાં રોમાંચ ચૂલા પરના દૂધની જેમ ઊભરી રહ્યો હતો. “કોનાથી શરૂ કરીશું?” બે હથેળીઓ ઘસતા ઘસતા શૌર્યએ પ્રશ્ન કર્યો.

“તેં રમત તો શરૂ કરાવી છે, પણ કલ્પાનું આવી બનવાનું છે. તરંગિયાને તો તું ઓળખે જ છે ને ?” આયુએ શૌર્યની સામે જોઈ પ્રશ્ન કર્યો.

“બોસ, થોડી રાહ જો, કલ્પેનના ચમકારા હજી તને નથી થયા. હમણા ખબર પડી જશે.”

“ઠીક છે, તારી ટીમને હારવું જ છે તો બીજા શું કરી શકે.”

“હવે અંદર અંદર વાતો નહીં, આ બાજુ ધ્યાન..” કહીને ભોંદુએ પોતાના ખિસ્સામાંથી રૂપિયો કાઢ્યો અને હાથ ઊંચો કરીને બધાને બતાવ્યો. સિક્કો બરોબર ભોંદુની આંખ સામે જ હતો. બધા સમજી ગયા હતા કે ભોંદુ શું કહેવા માગે છે. ગપ્પાંની રમત પણ ક્રિકેટની રમત જેવી જ ગંભીરતા પકડતી જતી હતી.

“કિંગ !” પોતે જ કિંગ હોય એવી અદાથી તરંગ બોલ્યો. કલ્પેને વગર બોલ્યે દ્વિદ્ધાભર્યા ચહેરા સાથે માથું હલાવ્યું. ભોંદુ ટચલી આંગળીથી લઈને પહેલી આંગળી સુધી સિક્કાને ફેરવવા લાગ્યો.

“ઉછાળ ઉછાળ જલદી સિક્કો ઉછાળ.” હવે શૌર્યથી રહેવાતું નહોતું.

આંગળીના ટેરવાં પર આમથી તેમ ફર્યા કરતા સિક્કાને અચાનક ભોંદુએ પોતાની મુઠ્ઠીમાં ભીડી દીધો અને મસળ્યો. મુઠ્ઠીમાં ને મુઠ્ઠીમાં તેને ઊંધોચત્તો કરી નાખ્યો. પછી હાથ હવામાં અધ્ધર લઈ ગયો, પણ સિક્કાને ઉછાળ્યા વિના જ હાથ નીચે લાવ્યો. હાથ નીચે લઈ જઈને છેક જમીને અડાડ્યો અને સડસડાટ હાથ આકાશ તરફ લઈ જઈને સિક્કો હવામાં ઉછાળ્યો. સિક્કો એટલી જોરથી હવામાં ગોળ ગોળ ફરતો હતો કે જાણે હવામાં કોઈ નાનકડી દડી ફરી રહી હોય. આ ભોંદુની સ્ટાઇલ હતી. તે આબાદ રીતે સિક્કો હવામાં ઉછાળી જાણતો હતો. કોઈ કાબેલ શિકારી ઊડતું પંખી પાડે એમ હવામાં ઊડતો સિક્કો ચપ્પ દઈને ભોંદુએ પકડી પાડ્યો અને બીજી જ સેકન્ડે પોતાના બીજા હાથમાં થપાક દઈને મૂકી દીધો. બંને હથેળી વચ્ચે સિક્કો દબાયેલો હતો. બધાની નજર માત્ર ભોંદુની જાડી બે હથેળીઓ પર હતી. તરંગના મનમાં તાલાવેલી હતી. બધા વિચારમાં પડી ગયા હતા કે કોનો વારો આવશે.

“હહહહ... આપ દોનો કા ગલા હમારે હાથ મેં હૈ જનાબ...” ભોંદુએ પિક્ચર જેમ ડાયલોગ માર્યો.

“બે ટણપા, છાનોમાનો હાથ ઊંચો કરને...” આયુએ કહ્યું અને તરત જ ભોંદુએ જમણો હાથ ઊંચો કરી નાખ્યો. બધા એકદમ અવાચક થઈને ભોંદુના હાથની સામે જોઈ રહ્યા.

“એ ભોંદિયા સિક્કો ક્યાં ગયો ?” આયુ તાડુક્યો.

“હીહીહીહી...” ભોંદુ એની ટીપીકલ સ્ટાઇલમાં હસ્યો. “હહહહ... મારા જમણા પગની નીચે છે.” ભોંદુ ક્રિકેટમાં તો સામેલ નહોતો થઈ શકતો પણ સિક્કો ઉછાળવાની અને સંતાડવાની રમત આબાદ કરી જાણતો. એટલે સિક્કો ઉછાળીને તેણે ક્યારે પગ નીચે દબાવી દીધો કોઈને ખબર ન પડવા દીધી. બધાની નજર ભોંદુના જમણા પગ પર હતી.

“હહહહ... આપ સબ મેરે પાંવ તલે હૈ...” ભોંદુએ ફરી ડાયલોગ માર્યો.

“પાંવ તલેવાળી ટાંટિયો ઊંચો કરને...” તરંગે ગુસ્સાથી કહ્યું. કલ્પેનને પણ તલપ જાગી હતી. પોતે તરંગને મહાત કરી શકશે કે નહીં તે વિશે તે હજી પણ દ્વિદ્ધામાં હતો. પણ તેને પણ પોતાની કલ્પનાઓ પર પૂરો ભરોસો હતો. ભોંદુએ હળવે રહીને અડધા ઈંચ જેટલો પગ ઊંચો કર્યો. પણ કોઈને સિક્કો દેખાતો નહોતો.

“બે... ભોંદિયે અપના પાંવ ઊચાં કરના...”

જવાબમાં ભોંદુ ફરી હીહીહીહી કરીને હસ્યો. ત્યાં તો આયુએ એને ધક્કો મારીને ધબાંગ કરતો રેતીમાં પાડી દીધો. ભોંદુ ક્યાં પડ્યો, કઈ રીતે પડ્યો તેની પર કોઈએ ધ્યાન ન આપ્યું અને બધાની આંખો માત્ર ધૂળમાં પડેલા સિક્કાને શોધવા લાગી. સિક્કા પર થોડી ધૂળ ચડી ગઈ હતી. આયુએ નીચે નમીને ફૂંક મારીને સિક્કી પરની ધૂળ ઊડાડી. જેવી ધૂળ ઊડાડી કે બધાની નજર એક સાથે સિક્કા પરથી હટીને કલ્પેન પર પડી.

ત્યાં તો બાજુમાંથી ભોંદુ પણ ઊભો થઈ ગયો. “હહહહ... કોનો વારો આયો ?” ધક્કો શું કામ માર્યો એવી ફરિયાદ પડતી મૂકીને ચશ્માં ઠીક કરતાં કરતાં તેણે કહ્યું.

“બે... ખબર છે હવે... બધા આ રીતે મારી સામે ન જુઓ.”

“જમાવી દો... બોસ !” શૌર્યએ કહ્યું.

“અરે વિચારવા થોડો સમય તો આપો.

“હહહહ... શરત મુજબ વાત શરૂ કરવા તારી પાસે દસ મિનિટ છે કલ્પા...” ભોંદુએ ઘડિયાળમાં જોતાં જોતાં કહ્યું.

“દસ મિનિટ....” કલ્પાએ મોટું મોઢું કરીને કહ્યું. “ઓહોહોહો... બહુ થઈ ગઈ... ત્યાં સુધી કોણ રાહ જુએ. ચાલ ત્યારે હું વાત શરૂ કરું.” તેની આવી વાત સાંભળી શૌર્ય વધારે રોમાંચિત થઈ ગયો.

કલ્પેને પાંચેક સેકન્ડનો પોઝ લીધો. ઊંચે આકાશમાં જોયું. એક લાંબો શ્વાસ લીધો અને વાત શરૂ કરી.