જીવનની ત્રણ વાસ્તવિક્તા (મણકો-૧) Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનની ત્રણ વાસ્તવિક્તા (મણકો-૧)

****જીવનની ત્રણ વાસ્તવિક્તા****

( મણકો- ૧ )

બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થા

“જિંદગી... કૈસી હૈ પહેલી હાય...!!

કભી તો હસાયે, કભી યે રુલાયે......”

માતાના અંડ અને પિતાના વીર્યના સુસંગમથી આકાર લેતું બીજ, માતાના ગર્ભમાં નવ-નવ મહિના સુધી એના હાડ-માંસ અને રક્ત વડે સિંચાઈને મનુષ્ય દેહ સ્વરૂપે આ ધરતી પર અવતરે છે અને ત્યારથી શરૂ થાય છે આ દેહની ધરતી પર જિંદગી રૂપી અવિરત સફરની શરૂઆત.....

મનુષ્ય દેહનું જીવન મુખ્યત્વે ત્રણ તબક્કાઓમાં વહેંચાયેલું છે, બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થા.. જે એના જીવનની વાસ્તવિક્તા પણ છે. મનુષ્યને ઉપરવાળા તરફથી જે સો વર્ષનું આયુષ્ય મળ્યું છે એમાનાં અડધા ભાગનું બાળપણ અને યુવાની અને બાકીના અડધા ભાગનું આયુષ્ય વૃધ્ધાવસ્થા વચ્ચે વહેંચાયેલું છે. મનુષ્યના જીવનમાં આ ત્રણે અવસ્થા પોતપોતાનું આગવું સ્થાન અને મહત્વ ધરાવે છે. દરેક અવસ્થાની કંઈ કેટલીએ લાક્ષણિકતાઓ છે તો ‘ચાંદ મેં ભી દાગ હોતા હૈ.’ સમાન કેટલીક મર્યાદાઓ પણ છે. તેમ છતાં એક મનુષ્ય પોતાના જીવનના આ ત્રણેય તબક્કાઓ દરમ્યાન કંઈ કેટલાએ અરમાનો, સપના, ઈચ્છા, આશા, અભિલાષા, આકાંક્ષા, મહત્વકાંક્ષા અને અપેક્ષા સેવે છે અને આયખા દરમ્યાન એને મેળવવાનો અને પૂર્ણ કરવાનો પણ સતત પ્રયત્ન કરતો રહે છે. તો ચાલો, આપણે મનુષ્યના જીવનની શાશ્વત વાસ્તવિક્તાનો ચિતાર આપતા આ ત્રણે તબક્કાઓની માનસિક સફરનો શુભારંભ કરીએ....

“શિશુએ પ્રથમ હાસ્ય છેડ્યું, શત શત ટુકડા થયા એ હાસ્યના;

વેરાયા એ ચોમેર જ્યારે, તે દિન પરીઓના દેશ વસ્યા....”

જયંત મેઘાણી દ્વારા અનુવાદ કરાયેલી આ સુંદર પંક્તિઓ આપણા આ ધરતી પરના અવતરણને મન ઝરૂખે તાદ્રશ કરી જાય છે. નવ-નવ મહિના સુધી અંધકારમય ગર્ભના પાણીમાં રહીને પોષાયેલું ભ્રુણ જ્યારે નવજાત સ્વરૂપે આ ઉજ્જવળ દુનિયામાં પહેલો શ્વાસ લે છે ત્યારથી શરૂ થાય છે જીવનયાત્રાનો પહેલો તબક્કો બાળપણ એટલે બાલ્યાવસ્થા....

આ એ જ તબક્કો છે જ્યાં આપણા કોરી પાટી સમાન કોમળ મસ્તિષ્કમાં જ્ઞાન, સંસ્કાર અને સમજણ રૂપી અક્ષરો દ્વારા જીવનગ્રંથની રચનાની શરૂઆત થાય છે, પાયો નખાય છે. જીવનની આ અવસ્થા દરમ્યાન આપણે સંબંધોને ઓળખતાં થઈએ છીએ, આપણે પડખું ફરતાં, રળતાં, ઉઠતાં અને બેસતાં શીખીએ છીએ. માતા-પિતાની આંગળી પકડીને ચાલતાં શીખીએ છીએ. ભાષા પ્રત્યેનો લગાવ થતાં બોલતાં શીખીએ છીએ. હસતાં, રમતાં અને ખાતા શીખીએ છીએ. ભણતરની સાથે જીવનનું ઘડતર થાય છે. કંઈક નવું જાણવાની જિજ્ઞાસા, કંઈક નવું મેળવવાની આશા, કોઈપણ જવાબદારી વિના સહજ જીવન જીવવાની ભાષા, નિર્દોષતા, કોમળતા, ચંચળતા, ચપળતા, સાહજિક્તા, બાળહઠ્ઠ અને વાતવાતમાં આસું સારવાની તક.... એ જ તો આ તબક્કાની લાક્ષણિક્તા છે અને મારા મતે તો, આપણા જીવનનો સૌથી શ્રેષ્ઠ તબક્કો હોય તો એ બાળપણ જ છે કારણકે, બાળપણ જ એક એવી અવસ્થા છે જ્યાં આપણને દુનિયાની બે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ પામવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે.. એક તો માતા દ્વારા કરાવાયેલું અમૃતપાન એટલે સ્તનપાન અને બીજું... એનો મમતામયી ખોળો ખૂંદવાની મહામૂલી તક. હવે તમે જ કહો કે, જીવનના બીજા કોઈ તબક્કે આ બે વસ્તુ મેળવી શકાય છે ખરી...???

“ગુમ થયું ક્યાં શૈશવ..??

સગડ ક્યાંય નીકળે છે..??” - બકુલેશ દેસાઈ

પરંતુ.... ધાંધલ ધમાલ, ઉછળકૂદ, જીદ્ અને મસ્તી તોફાનમાં મસ્ત એવા બાળપણની થોડીક મર્યાદાઓ પણ છે. બાલ્યાવસ્થા દરમ્યાન આપણે પોતાની જાતને પાંગળા અનુભવીએ છીએ. સતત માતા-પિતા કે વડીલોનો સાથ મળવો અનિર્વાય બનતો હોય છે. દરેક વસ્તુમાં રોક-ટોક, પૂછપરછ અને હા-ના આપણને જલ્દીથી જલ્દી મોટા થઈ જવાની તાલાવેલી અર્પે છે. દરરોજ સવારે વહેલા ઉઠીને અથવા બપોરની ઊંઘ બગાડીને શાળાએ ભણવા જવાનું, લેશન, પરીક્ષાઓ અને શિક્ષકોની વઢની સતત અનુભવાતી તાણ જાણે બાળપણની મજાને છીનવી લેતી હોય છે અને સૌથી વધુ તો રાત્રિના સમયનો એ અંધકાર અને ભૂત-પ્રેતની વાર્તાઓ સાંભળ્યા કે વાંચ્યા બાદ લાગતો ડર!!! બાપ રે બાપ...!!! તેમ છતાં આ બાળપણ જો એક વખત વીતી ગયું તો ક્યારેય પાછું મળતું નથી. જીવનનો બાર વર્ષ સુધીનો આ સમયગાળો આખી જિંદગી આપણા માનસ પટ પર પોતાની ઊંડી છાપ અંકિત કરીને ક્યારે કિશોરાવસ્થામાં તબદીલ થઈ જશે એની આપણે ખબર સુધ્ધાં પડતી નથી.

“ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ,

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.”

  • ઝવેરચંદ મેઘાણી
  • આપણા જીવનનો બીજો તબક્કો એટલે યુવાની... અને આ યુવાનીના ઉંબરે દસ્તક દેતી અવસ્થા એટલે કિશોરાવસ્થા. આપણા જીવનમાં બારથી ઓગણીસ વર્ષ દરમ્યાન આવતો તબક્કો એટલે ટીનએજ અથવા કિશોરાવસ્થા. આ આપણા જીવનની એક એવી અવસ્થા છે જે દરમ્યાન આપણે નાના પણ ન કહેવાઈએ અને મોટા પણ ન કહેવાઈએ. આ આપણી જિંદગીનો અતિ સંવેદનશીલ તબક્કો છે. દુનિયાદારી અને સંબંધોને સાચા અર્થમાં સમજવાની સમજણ આ તબક્કે દરેક મનુષ્યમાં પાંગરતી હોય છે. જીવનના આ તબક્કે આપણો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. આપણા શરીરને મળવી જોઈતી ઊંચાઈ (હાઈટ) આ તબક્કો પૂરો થયા પછી વધતી નથી જે વાસ્તવિક્તા છે.

    જીવનની આ અવસ્થાનું મહત્વ કિશોર અને કિશોરી બંને માટે એક સરખું રહેલું છે. જીવનના આ જ તબક્કે એક બાળકીના શરીરમાં ઈસ્ટ્રોજન હોર્મોંસ સક્રિય થવાથી તે રજસ્વલા બને છે જેના પ્રતાપે તેને વિધાતા સમાન માતા બનવાનો અને નવ સર્જન કરવાનો અધિકાર પ્રાપ્ત થતાં તે બાળકીમાંથી યુવતી બને છે. એ જ રીતે ટેસ્ટોરીન નામના હોર્મોંસની સક્રિયતાને પગલે બાળકના મોં પર મૂછનો દોરો ફૂટે છે, એનો અવાજ વધુ ઘેરો બને છે અને એના વૃષણ અજબ પ્રકારની ઉત્તેજના અનુભવતા થાય છે અને તે બાળક મટીને યુવક બની જાય છે.

    “મળ્યું છે તો માણો જીવન, કચવાટે શીદ વહો..??” – મનસુખલાલ ઝવેરી

    પણ... આ અતિ સંવેદનશીલ અવસ્થા દરમ્યાન ઊગીને સર થતાં તરૂણ અને તરૂણીઓ માટે પોતાના મનની ભાવનાને સમજવી અને બીજાને સમજાવવી અઘરી બની જતી હોય છે. કૉલેજ બંક કરીને ફિલ્મો જોવી, હૉટલ, મૉલમાં ફરવા જવું, દેખાદેખીથી મોંઘીદાટ વસ્તુઓ માટે માતા-પિતા પર દબાણ લાવવું, વિજાતીય મિત્રો બનાવવા, ભણતરનો બોજ અને એમાં મળેલી નિષ્ફળતાની ઘેરી અસર અનુભવવી એ જ તો આ તબક્કાની લાક્ષણિક્તા અને મર્યાદા બંને છે. ખરાબ સોબત અને ખોટા વ્યસનો ને કારણે ખોટા નિર્ણયો લેવાઈ જતાં હોય છે. શરીરમાં હોર્મોંસની સક્રિયતાના કારણે ઉત્તેજના અને આકર્ષણ અનુભવાય છે અને ક્યારેક તો કંઈક નવું પામવાની ઘેલછામાં ન કરવાનું થઈ જતું હોય છે અને એના ભયંકર પરિણામ સ્વરૂપે આત્મહત્યાનો માર્ગ અપનાવવામાં પણ કોઈ ખચકાટ દેખાતો નથી. એક સર્વેક્ષણ મુજબ ઉંમરના આ પડાવે જ સૌથી વધુ આપઘાત અને ગર્ભપાતના કેસ નોંધાય છે. એટલે જ આ અતિ સંવેદનશીલ અવસ્થા દરમ્યાન પોતાના બાળકોની લાગણી સમજવાનું કાર્ય દરેક માતા-પિતા અને વડીલો માટે અઘરું બની જાય છે. જો એની દરેક જિદ્ સંતોષાય તો તે સ્વછંદી બની જાય છે અને ન સંતોષાય તો બંડ પોકારવા સુધી પહોંચી જાય છે.

    એટલે જ... શોખ, આદત અને રસના વિષયો બદલતો અને આપણા ભવિષ્યનો પાયો નાખતા આ તબક્કે માતા-પિતાએ એના વડીલ બનવા કરતાં મિત્ર બનીને કામ લેવું વધુ હિતાવહ છે. વારંવાર એના મોબાઈલમાં ફોન કોલ્સ અને મેસેજ ચેક કરવા કરતાં એના મનમાં શું ચાલી રહ્યું છે એને આત્મિયતા દ્વારા સમજવું વધુ જરૂરી છે કારણકે, કિશોરાવસ્થા એ ભર યુવાનીનું પ્રથમ પગથિયું છે આ પગથિયા ઉપર ડગમગ્યા વગર ચડી ગયા પછી મક્કમ નિર્ધાર, સાચું લક્ષ્યભેદ, વધુ જોમ, જુસ્સા, મહેનત અને પુખ્તતાને સથવારે જિંદગીની ગાડીને પૂરજોશમાં અને પૂર બહારમાં ખીલવતો આપણાં સંબંધોના ઘડતરમાં વધુ મહત્વ ધરાવતો ભર યુવાનીનો તબક્કો ઘોડે ચડીને આવી પહોંચે છે.......

    ( ક્રમશ: )