અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૨ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૨

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: રીઝવાન ઘાંચી

*પ્રસ્તાવના*

પાછલા પ્રકરણમાં લેખક શ્રી નિમિષ વોરાએ, લાગણીઓના નવા જ સ્વરૂપોની આપણને ઓળખાણ કરાવી. ડો. મિતુલનાં અંતરમાં ડોકિયું કરાવી લેખકશ્રીએ તે કપટી, અદેખા માનવીની ભીતર બેઠેલા એક ભાવનાશીલ માનવીની પિતાતુલ્ય લાગણીઓનાં રંગોની એક સુરેખ રંગોળી પૂરી.
કોઈક નવલોહિયા નવજુવાનને ગુસ્સામાં, ભલે તેનાં ભલા માટે પણ, કેટલી હદ સુધી જ ટોકી શકાય તેની એક લાલબત્તી પણ તેમણે આપણી સમક્ષ ધરી. ડો. મિતુલ ચોક્કસ જ અશ્ફાકનાં હિતચિંતક હતા પણ તે છતાંય, ગુસ્સામાં તેઓ તેને જાકારો દઈ બેઠા. અને તે વાતની આ યુવા-માનસ પર એટલી અવળી અસર થઇ, કે તે બંને સમસુખીયા-સમદુઃખીયાના સંબંધોનો સાવ અંત જ આવી ગયો. તો સામે પક્ષે, અશ્ફાકની માનસિક-સ્થિતિ ભલે ગમે એટલી સહાનુભૂતિ માંગી લે તેવી હોય, પણ તો ય જો થોડું ખામી ખાવાની વૃત્તિ તેણે દાખવી હોત, તો આવી વિષમ પરિસ્થિતિનો સામનો બંને પક્ષે ટાળી શકાયો હોત, કારણ તે રાતની દસ-પંદર મીનીટની બોલાચાલી, બંને માટે વર્ષોની યાતના મૂકી ગઈ. દૈહિક વાસનાની સાથે જન્મ પામેલો આ વિચિત્ર અને ઉપરછલ્લો સંબંધ, રહેતા રહેતા લાગણીઓના રંગે એટલો રંગાઈ ગયો, કે વાસના તો તેમાંથી ચુપકીદીપૂર્વક પાછલા બારણેથી પગ કરી ગઈ, અને બચી રહ્યો એક એવો ગાઢ અતુટ સ્નેહનો સંબંધ, કે જેનાં તૂટવાની પીડા બંને પાત્રો માટે અસહ્ય બની રહી.
ત્યારપછી લેખકે ફરી એકવાર વાર્તાને એક મક્કમ મુકામ આપ્યો. આ પહેલા તેમણે લખેલ પ્રકરણ-૩માં લેખકે બંને દોસ્તોનાં રહસ્યમય સંબંધ પર સજાતીયતાની સજ્જડ મહોર મારી, તો અત્યાર સુધી મૂંઝાયેલ મન:સ્થિતિમાં રહેનાર અનિકેત પાસે, પ્રણાલી આગળ પોતાની જાતીયતા જાહેર કરી દેવાનો એક બ્રેવ-નિર્ણય, તેમણે આ પ્રકરણમાં લેવડાવ્યો, અને ‘હવે શું થશે?’ની આતુરતાભરી પરિસ્થિતિમાં વાંચકોને મૂકી તેમણે પોતાનું પ્રકરણ અહીં પૂરું કર્યું.

તો હવે પછી વાર્તાની સુકાન ફરી એકવાર મેં કવિ-હૃદયના લેખક રીઝ્વાનભાઈને સોંપવાનું નક્કી કર્યું, કારણ આવી અસમંજસભરી પરિસ્થિતિમાં પહોચેલ વાર્તાને સચોટ ન્યાય તો તેમના સિવાય કોઈ જ ન આપી શકે તેવું મને લાગ્યું, તો હવે તમને પણ ચોક્કસ લાગશે જ, કે અનિકેત-પ્રણાલી વચ્ચેની જોશીલી આર્ગ્યુમેન્ટને જે વેધકતાપૂર્વક તેમણે રજુ કરી, તે સાચે જ દાદને લાયક છે. તે ઉપરાંત વાર્તામાં એક સાવ જ નવો ફણગો ફોડી, તેમણે વાર્તાને આગળ વધવા માટે એક નવી જ કેડી કંડારી આપી છે.
તો આપ સહુ પણ વાંચો આ પ્રકરણ, અને આપના અમુલ્ય પ્રતિભાવો ચોક્કસ આપજો.

.

શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૧૨*

.
અશ્ફાક સીડીઓ ઉતરીને નીચે આવ્યો. થોડે દુર સુધી ચાલી, એક અંધારા ખૂણામાં આવીને ઉભો રહ્યો અને ગજવામાંથી પોતાનો ફોન બહાર કાઢ્યો.

હાશ...! હવે તે અનિકેતની નજરથી દુર હતો એટલે બસ, હમણાં જ આવેલ એક ઈમેઈલને તે આરામથી નચિંતપણે વાંચી શકે તેમ હતો.
ડો. મિતુલ તેને વળતો ફોન ન કરી શકે, એટલા માટે બપોરથી આ ફોનને તેણે સતત 'એરોપ્લેન' મોડ પર રાખ્યો હતો. પરિણામ સ્વરૂપે મિતુલની સાથે સાથે બીજા બધાઓને પણ તેનો ફોન સ્વીચ-ઓફ જ આવતો હશે, તેની અશ્ફાક્ને ખબર હતી. પણ તે છતાંય હમણાં થોડીવાર પહેલા જ તે અને અનિકેત ઘરે આવીને આરામથી ટીવી જોઈ રહ્યા હતા, કે સાહજિક રીતે જ તેણે પોતાનાં ફોનમાં નજર કરી હતી તો એક ઈમેઈલ આવ્યો જણાયો અને તેનો સબ્જેક્ટ હતો. "બ્લેકમેઈલ. અરજન્ટ"

થેંક ગોડ, ઘરનાં વાય-ફાય ઝોનમાં આવતાની સાથે જ ઈન્ટરનેટ કનેક્શન આપમેળે જ ફોનમાં ચાલુ થઇ ગયું હતું, એટલે આ ઈમેઈલ તેનાં ફોનમાં આવી શક્યો. અનિકેત ટીવી પર ચેનલો સર્ફ કરી રહ્યો હતો એટલી વારમાં તેનાંથી છાની રીતે તેણે ઈમેઈલ ખોલ્યો અને કલાકેક માટે બહાર જવું પડશે, તેવું લાગતાં જ, ‘નૈતિકને નવા સીમના ડોક્યુમેન્ટસ આપવા જવાનું’ બહાનું કરી તે બહાર નીકળી આવ્યો અને પહેલું કામ કર્યું- પેલો ઈમેઈલ વાંચવાનું.

"અશ્ફાક,
સાંજથી તારો ફોન લગાતાર સ્વીચ-ઓફ જ આવે છે, એટલે આ મેઈલ કરું છું કારણ વાત જ બહુ અગત્યની છે. તો સાંભળ..યાર
, તારો પેલા ફ્રેન્ડ, કે જે ઓલ્વેઝ તારી સાથે અહીં રેનબો-બારમાં આવે છે, તેને કોઈ બ્લેકમેઈલ કરવાનું હોય તેવું લાગે છે. પરમદિવસે શુક્રવારે તે એકલો જ અહીં આવ્યો હતો ત્યારે બીયરના નશામાં બહેકાવીને અહીંના પેલા ડ્રમર સંજુએ અહીંના પાર્કિંગ-લોટમાં સલીલ નામના કોઇક બંદા સાથે તેનાં આડા-અવળા ફોટા પાડી લીધા છે. Well, I’m sorry to say, but actually ફોટા મેં જ પાડ્યા છે. જો કે સંજુએ મને જયારે આ કામ સોંપ્યું ત્યારે મને ખબર જ નહીં કે પેલા સલીલ સાથે જે બકરો છે તે તારો ફ્રેન્ડ છે. એન્ડ બીસાઈડ્સ ધેટ, ત્યાં અંધારું પણ બહુ હતું. યાર પણ કેમેરાનું નાઈટ વિઝન બહુ પાવરફુલ હતું એટલે ફોટા પણ ક્લીયર આવ્યા. આ તો પછી ધ્યાનથી ફોટાઓ જોયા એટલે તારા દોસ્તને હું ઓળખી શક્યો, તો થયું કે તને જાણ કરી દઉં. યસ. તારા એ દોસ્ત કરતાં મને તારી સાથે મારે વધુ જામે છે, એટલે આ વાત તને જ કરવી જોઈએ તેવું મને લાગ્યું. હવે આગળ તારે શું કરવું, તે તું જ જાણ, બાકી જો હમણાં થોડીવાર માટે અંધેરી સ્ટેશનની સામે ‘બેરિસ્ટા’ કેફેમાં આવ, તો વિગતથી થોડી વધુ વાત થાય.
---- અમોલ.."

.
આ અમોલ રેનબો-બારનો એક સ્ટાફ મેમ્બર હતો. પણ અશ્ફાક સાથે તેને પહેલથી જ સારું બનતું હતું. તેણે અનિકેતના આવા ફોટા પાડ્યાં તેની કોઈ જ ફરિયાદ અશ્ફાક્ને નહોતી કારણ સંજુ ડ્રમરની રેનબો બારમાં ધાકથી પોતે અજાણ નહોતો. સ્ટાફનો કોઈ મેમ્બર તેનાં કામની ના પાડી શકે તેમ નહોતો અને અમોલે જો ના પાડી જ હોત તો ચોક્કસ કોઈ બીજાએ આ કામ કર્યું જ હોત. સરવાળે ફોટા તો પડત જ, અને અનિકેતનું બ્લેક્મેઇલિંગ પણ થાત જ. અશ્ફાકે ઉપરવાળાનો એહસાન માન્યો કે અમોલે ફોટા પડવાનું કામ કર્યું, તો હવે આ બ્લેકમેઈલીંગ કાંડમાં કદાચ કંઇક પ્રકાશ પણ પાડી શકશે, આવું વિચારતા વિચારતા અશ્ફાકે અમોલને મળવા જવા માટે બાઈકને સ્ટાર્ટ કરી.

******


બે કલાક પછી મોડી રાત્રે, જયારે અશ્ફાક ઘરે પાછો ફર્યો ત્યારે તે ઘણો ચિંતાગ્રસ્ત હતો. કિંગસાઈઝ ડબલ-બેડમાં સોહામણા અનિકેતને આરામથી સૂતેલો જોઈ તે ખુબ જ ઈમોશનલ થઇ ગયો.

"દોસ્ત, શા માટે તું આટલો ખુબસુરત છો? યા ખુદા, કિસ કામ કી ઐસી ખુબસુરતી, જો અપની હી જાન કી દુશ્મન બન જાયે..?" વિચારતા વિચારતા અનાયાસે જ અશ્ફાકે પોતાના આ અઝીઝ યારને પોતાનાં પડખામાં ખેંચ્યો, ત્યારે તેની આંખો છલકાઈ આવી.

જીવલેણ બીમારીની સાથે સાથે તેનાં આ દોસ્ત પર હવે તો અપહરણનું જોખમ પણ તોળાતું હતું. અરે, સામે પક્ષે જો ડોક્ટર સાહેબ એકલાં જ હોત, તો તેમને તો પોતે પહોચી વળત, પણ..પણ હવે તો આ વાત ઇન્ટરનેશનલ-લેવલ પર પહોચશે તેવી દહેશત વર્તાઈ રહી છે.
તો આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતે એકલો ક્યાં ક્યાં પહોચી શકશે?
એક મક્કમ નિર્ણય લઈને અનિકેત જે નિરાંતની નીંદર માણી રહ્યો હતો, તેનાથી સાવ જ વિપરીત..અશ્ફાકની આંખોની નીંદ તો સાવ હરામ જ થઇ ગઈ.

**==**==**==**==**

વેસ્ટર્ન અને ઇથનિક આઉટફીટસથી ભરેલો વોર્ડરોબ આજે પ્રણાલીને ખોટી જંજાળ લાગ્યો. કોઈ પ્રસંગમાં જવા પહેલા કલાકો ને કલાકો વોર્ડરોબ સામે રહેતી પ્રણાલી આજે હાથમાં આવ્યું એ લઇને ચેન્જ કરવા જતી રહી. યલો ઓરેન્જ અનારકલી ડ્રેસમાં પ્રણાલી શોભી રહી હતી પરંતુ અરીસા સામે આવતાં જ પ્રણાલીએ મોં મચકોડ્યું અને ઓઢણી બેડ પર ફેંકી દીધી.

"પ્રની, અનારકલી ઓલ્વેઝ સુટ્સ યુ, વેસ્ટર્ન કરતા તું આમાં ખુબ સુંદર લાગે છે."પ્રણાલી
‘અનારકલી’ પહેરે એટલે એના કાન મોમની કોમેન્ટ સાંભળવા અધીરા બની જાય, પણ આજે એને આ કોમેન્ટ યાદ આવતા એનો ફેવરિટ યલો ઓરેન્જ અનારકલી ફિક્કો લાગ્યો. પ્રણાલી હજુ વિચારોમાં સરી પડે એ પહેલા શેફાલીની રીંગે જાગ્રત કરી. ક-મને ફોન કાને લગાડ્યો ત્યાં સામા છેડે શેફાલીની અકળામણ ફોન પર છતી થઇ જતી હતી.
"ઓ મેડમ, શું કરો છો? ઘર બહાર હોર્ન વગાડી આજુબાજુ બંગલાવાળાને બહાર લાવી દીધા અને તમે બારી બહાર પણ ડોકાયા નહિ, હવે કંઈ પણ બોલ્યા વગર સીધી નીચે આવ."
"હા. બસ બે મિનીટ."
અનારકલીમાં દબાયેલો મા સામેનો ગુસ્સો વોર્ડરોબ પર ઉતર્યો, અનારકલીની સાથે કંઇ-કેટલાય કપડા બેડ હવાલે થયાં અને આખરે પ્રણાલી બે મિનીટને બદલે ૨૦ મિનીટે નીચે પહોંચી.

પ્રણાલી છેલ્લા ચાર દિવસથી રંજીતાની બહેનનાં લગ્નની ધમાલમાં એટલી અટવાયેલી હતી કે અનિકેતને મળવાનું તો ઠીક તેને એક ફોન પણ નહોતી કરી શકી અને હજી ગઈ કાલે જ લગ્ન પત્યાં ત્યાં આજે સોમવારે જ તેના ઘરે તે લોકોએ કોઈક પૂજા રાખી. આટલાં દિવસની દોડધામને લીધે શરીરથી, અને માબાપના અણધાર્યા વિચિત્ર રવૈયાને કારણે મનથી થાકેલી, એવી પ્રણાલીનો આજે તો બિલકુલ જ મૂડ નહોતો. અને રંજીતાને તો ગમે તેમ પટાવી લેવાય પણ આ શેફાલીની જીદને કારણે જ તે અત્યારે માંડમાંડ તૈયાર થઇ હતી, રંજીતાને ઘરે જવા માટે.

"મેડમજી, we are not going for an interview, આપણે પૂજામાં જવાનું છે, આ શું પહેરી રાખ્યું છે?"
બ્લ્યુ જીન્સ, વ્હાઈટ શર્ટ, કોટી, આંખે ગોગલ્સ, હેરબેન્ડથી બાંધેલા વાળ, જ્વેલરીના નામે કાંડે ફાસ્ટટ્રેક સ્પોર્ટ્સ વોચ જોઈ શેફાલીને આજે પ્રણાલી અજાણી લાગી.
"It’s not your subject", શેફાલી હજી કઈ બોલે એ પહેલા પ્રણાલીએ બોલાયેલા શબ્દો તેને મુક બનાવી ગયા. "ન લઇ જવી હોય તો બોલ, હું મારી કાર લઇ આવું છું. તું નીકળ !"
શેફાલીના હાથ યંત્રવત થઇ દરવાજા તરફ લંબાયા અને હેન્ડલ દબાવી પ્રણાલી માટે દરવાજો ખોલી આપ્યો. ગાડીમાં બેસતાં જ ફુલ અવાજે રેડિયો ચાલુ કરનારી પ્રણાલી આજે મોબાઈલના હેડફોન કાનમાં લગાવી બેસી ગઈ.
શેફાલીએ બે-ત્રણ વખત, "Are you OK?" પૂછ્યું, પણ પ્રણાલી તરફથી કોઈ પ્રતિભાવ ન આવતાં ચુપ થઇ ગઈ.
રંજીતાને ત્યાં પહોંચતા જ પ્રણાલીનાં ઓળખીતા-પાળખીતા લોકો એને જોઈ આશ્ચર્યમાં પડી ગયા. સાસરેથી પિયર આવેલી રંજીતાની નવપરણિતા બહેન પણ એક વખત પૂછી ગઈ કે, બધું બરાબર તો છે ને ?
"હા... મને શું થવાનું હતું. આ તો તારા મેરેજની આ પૂજામાં અલગ દેખાઈ છાકો પાડવો હતો, એટલે આ સ્ટાઈલ મારી !"
"ઓહો. સ્ટાઈલ ! સમથિંગ ડિફરન્ટ ! કોઈકને પસંદ કર્યો છે કે નહિ ? અને ન પસંદ કર્યો હોય તો કોઈક તો આજે તને પસંદ કરી જ લેશે. એમ સમજ કે તું ઘેર પહોંચે એ પહેલાં તારો હાથ માંગવા તારા ઘેર કોઈ પહોંચી ગયું હશે."
રંજીતાની બહેનની કોમેન્ટ પ્રણાલીને શરમાવી ગઈ કારણ આ સાથે જ તેને અનિકેત સાંભરી આવ્યો અને તે સાથે જ સાંભરી આવી તેની સાથેની છેલ્લી મુલાકાત. અનિકેતના બેડરૂમમાં તેની સાથે વિતાવેલ અંગત પળો. પ્રણયમદમાં મસ્ત એવા તે સોહામણા યુવાનનો જોશીલો-ઉન્માદ અને તે થકી પોતે પામેલ પરાકાષ્ટાનો અપ્રતિમ સંતોષ..! આ સાથે જ પ્રણાલીનાં રતુમડાં ગાલ પર મલકાટ ભર્યા શરમના શેરડા પડતા સાફ દેખાઈ આવ્યા અને
અનિકેતને મળવાની ઉત્કંઠા અચાનક જ ફરી જાગી ઉઠી.
"આજે અનિ, આજે તો મારે તને મળવું જ છે, તને વાયદો આપવો છે અને સામે વાયદો લેવો છે કે હું તારી છું અને તું મારો. કાયમ માટે. આ જમણવાર અને ત્યારબાદની પૂજા પૂરી થાય એટલે આવતીકાલની ડેટ ફિક્સ કરવા માટે અનિને ફોન કરૂ, " -એમ મનોમન નક્કી કરી, તે ફરી પાછી પેલા પૂજા-પ્રસંગમાં ગૂંથાઈ થઇ.

**==**==**==**==**

વિચારોના વમળે ઊંઘમાં સરી પડેલા અનિકેતને આંખો ખુલતા જ પ્રણાલી સાંભરી આવી. પ્રની અને અશુ તેના શરીરના મહત્વના બે અંગો હતા, અને તે એ બેમાંથી કોઈને ગુમાવવા નહોતો માંગતો. પણ અચાનક જ પેલા બ્લેક-મેઈલરની યાદ આવતા અનિકેતનું મન તરત જ આળુ થઇ ગયું.


"પ્રની, આપણે એક શું કામ થયા? મારૂ તો કોઈ જ નહોતું સાથે, પણ 'મારા' કહી શકાય એવા તારે તો મમ્મી-પાપા બધા જ છે ને..! તો'ય તું મારા જેવા તરછોડાયેલા સાથે જીવનપથ પર ડગ માંડવા તૈયાર થઇ? અરે ડોકટર અંકલ-આન્ટી કોઈ સરસ મજાનો છોકરો શોધી આપત તને. પણ હા, હવે તો તારે મને ભૂલી જ જવો રહ્યો. હું ભલે તને નહિ ભૂલી શકું પણ આપણા નસીબમાં કદાચ આવો જ વિયોગ લખ્યો હશે, કારણ મારી વાસ્તવિકતા એવી વિચિત્ર અને કઠોર છે, કે તું તો શું, કોઈ પણ યુવતીથી તે સહન ન થઇ શકે. પણ મારે તને કોઈ જ અંધારામાં નથી રાખવી. કોઈ પણ ગેરસમજને અવકાશ નથી આપવો. હું જે છું, જેવો છું, તે તારી સામે પ્રસ્તુત કરવો જ રહ્યો. કોઈકની સાથે વફાદારી નિભાવવા માટે જ મારે કોઈકની સાથે બેવફાઈ કરવી પડે છે, તે હકીકતથી તને વાકેફ કરવી જ રહી. એ માટે જ, અને એક છેલ્લીવાર ગુડબાય કહેવા આપણે મળવું જ પડશે."
મનોમન બબડી અનિકેતે પ્રણાલીનો નંબર ડાયલ કર્યો. બધું જ બહુ જલ્દી કહી દેવું હતું અને પ્રણાલીથી અલગ થઇ જવું હતું, તોય પ્રણાલી ફોન ન ઉપાડે એવું મનોમન ઈચ્છી રહયો.

"હાય અનિ," અનિકેતનો સામેથી ફોન આવેલો જોઈ આનંદથી ઉછળીને પ્રણાલી કંઈક વધુ જ ઊંચા સ્વરમાં બોલી ઉઠી.
"Yes my dear, I am badly missing you", સામેથી કોઈ જવાબ ન મળ્યો તો પણ તે બોલતી જ રહી.
અનિ. Can you hear me? કેમ કંઈ બોલતો નથી.?” ફરી પાછો ચુપકીદીનો પડઘો પડતા તેનો ઉત્સાહ થોડો મોળો પડ્યો.
“હલ્લો.. હલ્લો અનિકેત?" ફોનને કાન પરથી હટાવીને ચહેરા સામે લાવીને તેની સામે જોઈ જોઇને જોરથી બોલતી પ્રણાલી વિમાસણમાં હતી કે ફોન ખરાબ છે કે સામેની લાઈન ખરાબ હશે.
"હા. હા. પ્રની, સાંભળું જ છું. I want to meet you"
"ઓકે. શ્યોર. પણ, તારી તબિયત તો સારી છે ને? ડેડને કોલ કરું દવા માટે?" અનિકેતનો નરમ સ્વર સાંભળી પ્રણાલી ઉચાટભર્યાં સ્વરે બોલી પડી.
"યસ, આઈ એમ ફાઈન પ્રની, બસ મારે તને મળવું છે. આજે જ, ટુડે ઇવનિંગ. સ્ટેશનની સામે CCDમાં, પાંચ વાગે તારી રાહ જોઇશ." અને અનિકેતે ફોન મૂકી દીધો.
અનિકેતનો ફોન આવતા જ ખુશખુશ થઇ ગયેલી પ્રણાલી હવે થોડી ચિંતામાં પડી ગઈ. એવું તો શું હશે અનિકેતને? મોમ-ડેડે તો કંઈ કહ્યું નહિ હોય ને એને? મોમ-ડેડની વાત યાદ આવતા જ પ્રણાલીને ફાળ પડી કે મોમ-ડેડે મારાથી અલગ થવાનું એને કહ્યું હશે તો? અને, પ્રણાલીએ ઉચાટભર્યા મને પૂજા-વિધિઓ નિહાળવા માંડી.
સાડા ચાર વાગતાં જ પ્રણાલીએ શેફાલીને કહ્યું, "ગાડીની ચાવી આપ, તું ઓટોમાં જતી રહેજે. હું બહાર જાઉં છું, ગાડી તારા ઘરે આપી જઈશ." સવારથી પ્રણાલીની રીત-ભાત જોઈ હેબતાયેલી શેફાલીએ કંઈ જ પૂછ્યા વગર કારની ચાવી એના હાથમાં સોંપી દીધી અને પ્રણાલી ફંકશન અડધેથી છોડી નીકળી પડી.
પ્રણાલી કાર ડ્રાઈવ કરતા કરતા વિચારી રહી, "અનિકેત હમેશા સીસીડીથી દુર ભાગે અને દરિયા કિનારે જ, ખાસ કરી પથ્થરોની એ ખાસ દુનિયામાં ખોવાઈ જવું એને ગમે છે. પણ આજે એણે સામેથી ફોન કરી ત્યાં સીસીડીમાં બોલાવી."
શહેરના ટ્રાફિકને ચીરતા માંડ-માંડ પાંચ વાગ્યે CCD પહોંચી, ત્યાં અનિકેત આમ-તેમ આંટા મારી રહ્યો હતો. પરેશાનીના ભાવ અને અજંપો તેના ચહેરા પર સાફ છલકતાં હતાં. અનિકેતની આવી હાલત જોઈ પ્રણાલીના પગ પણ ઢીલાં થઇ ગયા. પ્રણાલી હજુ કઈ બોલે એ પહેલા અનિકેત એના હાથ પકડી CCDમાં ચેર સુધી દોરી ગયો અને બે કોફીના ઓર્ડર આપી પ્રણાલી સામે ગોઠવાયો.
“Prani, I need to talk to you”
“યસ. ફોન પર પણ તે આ જ કહ્યું હતું પણ એવું તો શું છે કે તું આમ ચિંતામાં છે ? Whats wrong ? Anything serious ?
“Yes Prani, There is something very serious about me. મારે મારી સાચી ઓળખ આપવી છે તને."
"સાચી ઓળખ? અરે! તને તો હું બરોબરનો ઓળખું છું. છેલ્લા બે વર્ષથી આપણે સાથે જ છીએ અને અત્યારે જેવો છે તેવો જ તું મારી સામે ઉભો છે. આખે-આખો, ઇન વન પીસ."
"નહીં પ્રની તારી સામે ઉભો છું તે તો હું અડધો જ છું. બાકીનો શેષ અડધો તો હું બીજે ક્યાંક છું, બીજા કોઈકની સાથે. બીજા કોઈકનો થઈને !"
"What the hell? તું શું બકે છે આ બધું”, પ્રણાલી અસ્વસ્થ થઈને સળવળવા લાગી. તે હવે વાતની ગંભીરતા સમજી.

પળવાર માટે ચુપ થઇ ગઈ અને આસપાસનાં લોકોની નજર એ તરફ તકાયેલી જોઈ અનિકેતને કહ્યું, “ઉભો થા. ચાલ મારી સાથે. લેટ્સ મૂવ ફ્રોમ હિયર," અને ઉભી થઇને અનિકેતનો હાથ પકડી રીતસર તેને ખેંચતી ખેંચતી આગળ ચાલવા માંડી.
કોફી હજુ કાઉન્ટર પર આવે એ પહેલા જ અનિકેતે એનું બિલ ચૂકવી દીધું અને બંને ત્યાંથી બહાર નીકળી આવ્યા.

પ્રણાલી આગળ જઈને કારમાં બેસી ગઈ. આ જોઈ અનિકેત પણ ચુપચાપ દરવાજો ખોલી બેસી ગયો. અને દરિયા કિનારે, પથ્થરો વચ્ચેના એમના નિયમિત અડ્ડા પાસે એમની કાર આવીને ઉભી રહી, ત્યાં સુધી બેઉમાંથી કોઈ કંઈ જ બોલ્યું નહીં.
કારનો દરવાજો ખોલી અનિકેત એમની કાયમની જગ્યાએ જઈ પથ્થરોને અઢેલી ઉભો થઇ ગયો. પ્રણાલીને પાછળ પાછળ નજીક આવેલી જોઈ એની આંખો ભીની થઇ ગઈ, અને પ્રણાલી તરફથી તે મોઢું ફેરવી ગયો, તો અનિકેતનો ચહેરો પોતાના તરફ કરી પ્રણાલીએ કહ્યું, "અનિ, શું થયું છે એ બોલ હવે"
"પ્રનિ, આપણા મેરેજ શક્ય નથી."
"અનિ. આ શું પાગલ જેવું બોલે છે તું? અને કોની વાત કરતો હતો તું? અડધો મારી પાસે, ને અડધો કોઈકની પાસે, ને એવું બધું. તો અડધો ક્યાં? કોની સાથે છે તું? કોણ નવી આવી ગઈ છે તારી લાઈફમાં, મારી હરીફ બનીને?"
"આવી છે નહીં. આવ્યો છે. અશ્ફાક, અને તે આવ્યો છે મારી જીંદગીમાં, તારી પણ પહેલા..!"
"ઓહ..! તે તો મને ડરાવી જ દીધી." પ્રણાલી થોડી હળવાશ અનુભવતી બાજુનાં પત્થર પર બેસતાં બેસતાં બોલી.
"કોઈ પણ ધારણાં બાંધતા પહેલા, મારી વાત પૂરી સાંભળી લે પ્રણાલી !", અનિકેત તેની ગેરસમજણ જલ્દી જ દુર કરવા વચમાં જ બોલી ઉઠ્યો. અને પ્રણાલી પણ, 'પ્રની'ની બદલે 'પ્રણાલી' સંબોધન સાંભળી હવે સમજી ગઈ કે, વાત કંઈક તો ગંભીર છે જ.
"તમે બંને કોઈ..કોઈ એવા બે નંબરના બિઝનેસમાં પાર્ટનર છો, કે એવું કંઈક ?" -પ્રણાલીએ અનિકેતનો હાથ ખેંચીને પોતાની બાજુમાં બેસાડતાં પૂછ્યું.
"ના અને હા ! અમે કોઈ ગેરકાનૂની ધંધો નથી કરતા, બટ સ્ટીલ વી આર પાર્ટનર્સ. બેડ-પાર્ટનર્સ, સેક્સ-પાર્ટનર્સ, લવર્સ !”
"આ..આ તું શું બોલે છે અની? આવી ગંદી મજાક? યુ ઇન યોર સેન્સીસ ઓર નોટ?" -પ્રણાલીનું મ્હો ખુલ્લું જ રહી ગયું.
"આઈ એમ સીરીયસ પ્રણાલી. એન્ડ ધીસ ઈઝ માય રીયાલીટી. આઈ એમ બાયસેક્સ્યુઅલ. અને અશ્ફાક સાથે મારા ફીઝીકલ રિલેશન્સ છે."
"ઓ માય ગોડ! અનિકેત, વોટ ધ હેલ આર યુ ટોકિંગ?”
"હા..! અને જેટલો પ્રેમ હું તને કરું છું, તેટલો જ તેને પણ કરું છું. ફક્ત 'As a friend' વાળો લવ નહીં. આય લસ્ટ ફોર હીમ. આય ઇવન એન્જોય હીઝ કમ્પની ઇન બેડ."
"યુ..? યુ આર ગે? આય કાન્ટ બિલીવ ધીઝ અનિકેત.! તારી સાથે બિસ્તરમાં મેં જે ઇન્ટીમસી, જે ફીઝીકલ સુખ ભોગવ્યું છે, ત્યારબાદ આવું બધું? હાઉ ચેન ધીઝ બી પોસીબલ?
"વેલ, તે એટલા માટે because I am a bi-sexual.”
"Whatever. ગે કે પછી બાયસેક્સ્યુઅલ. બંને વન એન્ડ ધ સેમ જ કહેવાય. ઓ હેવન્સ ! તું અને અશ્ફાક? માય ગુડનેસ ! આ બે બદામનો છોકરો મારી લાઈફ બરબાદ કરવા આપણી વચ્ચે આવી ગયો? લીવ હીમ અનિકેત. તેને તેનાં રસ્તે જવા દે. તે હરામખોર..."
"લુક પ્રની..!" પ્રણાલી અશ્ફાક્ને વધુ ગાળો ભાંડે તે પહેલા જ તેની વાત કાપતા અનિકેત વચ્ચે બોલી પડ્યો.
"My relation with Ashfaq is highly exclusive, and I want to maintain it, anyway. I hope you will understand and co-operate with me” -અનિકેત એકદમ મક્કમ સ્વરે બોલ્યો. જે બોલવા
માટેની હિંમત તે રાત આખી ગોખીને કરતો રહ્યો હતો, તે વાક્ય આખરે તે બોલીને જ રહ્યો.
"Co-Operate with you? You bloody pervert..! તું મારી પાસેથી આટલી બધી એક્ષ્પેકટેશન રાખે છે? તે મને સમજી છે શું? તને હું શેઅર કરું? અને તે પણ એક મર્દ સાથે? માય ફૂટ..!"
"પ્રણાલી, એટલે જ કહેતો હતો કે આપણાં મેરેજ શક્ય નથી. Try to understand my...”
"ગો ટુ હેલ..!" -પ્રણાલીનો ગુસ્સો હવે કાબુ બહાર ચાલ્યો. તેને લાગ્યું કે કોઈના જીવનમાં આવો ઝંઝાવાત નહીં આવ્યો હોય. આવી વિચિત્ર પરિસ્થિતિ નહીં આવી હોય. ને આ બધું તેની જ સાથે? ને પાછું, આ બધી બાબત લાઈટલી લઈને તેણે સામેવાળાની તકલીફ સમજવાની? બટ વાય? શા માટે? વોટ ફોર? તેનામાં શું કમી છે કે તેણે આવું બધું લેટ-ગો કરવાનું? સવાલ જ નથી..!
"પ્રણાલી", તેને ઉભી થતી જોઈ અનિકેતે તેનો હાથ પકડવા ઇચ્છ્યો.
"I said, GO TO HELL..!.” -પ્રણાલી એક ઝટકા સાથે હાથ છોડાવીને ઝડપથી પગલાં ભરતી બરાડી ઉઠી.
તે આગળ દોડી, ને કારનો દરવાજો ખોલ્યો. ડ્રાઈવીંગ-સીટ પર બેસી ધડામ કરતો દરવાજો બંધ કર્યો અને કાર સ્ટાર્ટ કરી દીધી. અને અનિકેતની અંદર આવવાની વાટ જોયા વિના જ, તે ઝડપથી ડ્રાઈવ કરી ગઈ, ને અનિકેત પત્થર પર જ બેઠો બેઠો પ્રણાલીનું આ વિકરાળ સ્વરૂપ જોતો રહ્યો.


*******


પ્રણાલીએ ઘરે પહોંચીને બેડ પર પોતાનો ઘા કર્યો. મીનાબેન આવી એને તબિયત અને ખાવા વિષે પૂછી ગયા, પણ ‘મન નથી’ એમ કહી પ્રણાલીએ એમને ટાળી દીધા. તે વિચારતી રહી કે હજી અઠવાડિયા પહેલા જ.. હા, કદાચ ગયા સોમવારે જ, આ જ પથ્થરો વચ્ચે તેઓ બંને અંગત પળો માણી રહ્યાં હતાં, ત્યારે આ અશ્ફાકે ફોન કરીને અનિકેતને બોલાવી લઇ ને તેઓ બંનેને અકારણ જ છુટ્ટાં પાડ્યાં હતાં અને આજે અઠવાડિયા પછી આ જ જગ્યાએ, એ જ અશ્ફાકને કારણે તેઓ બંને ફરી છુટ્ટા પડ્યાં. પણ આ વખતે...કાયમ માટે.
આવાં આવાં કેટલાંય વિચારોમાં અટવાતી રહેલી પ્રણાલીએ રાતે ખાધું પણ નહીં અને કોઈ સાથે વાત પણ ન કરી. પોતાની વ્હાલસોયી દીકરીની આવી અવસ્થા જોઈ મીનાબેનને ફાળ તો પડી જ હતી. પણ, ‘હશે કંઇક’ એમ માની દિલ મનાવ્યું હતું.

જો કે, આ અવસ્થા તો બે દિવસ સુધી ચાલી, એટલે મીનાબેન ચિંતિત થઇ ઉઠ્યાં. હમેશાં ખુશમિજાજ રહેતી પ્રણાલી આમ ઉદાસ અને હતાશ રહે એ તે માની જ શકતાં ન હતાં.

********

આજે બુધવારની સાંજ હતી, ને મંદિરેથી પાછા આવ્યા બાદ મીનાબેને જોયું, કે પ્રણાલી હજી પણ એવી જ નંખાયેલી છે, કે જેવી બે દિવસ પહેલા. આખરે પ્રણાલીની પાસે જઈ તેનાં માથે હાથ ફેરવતાં તેઓ બોલ્યા,
“બેટા, માથું દુ:ખે છે? દબાવી આપું? -અને તે સાથે જ અડતાલીસ કલાકથી માંડમાંડ રોકી રાખેલો સંયમનો બંધ જાણે કે ધડાકા સાથે તૂટી પડ્યો.
“મોમ..મોમ, હું તૂટી ગઈ છું. અંદરથી આખેઆખી તૂટી ગઈ છું. તમારી દીકરી ફિનિશ્ડ થઇ ગઈ છે.”
“પણ બેટા, એવું શું થયું છે?”
“મોમ..અનિકેતે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.”

હવે ચોંકવાનો વારો મીનાબેનનો હતો. પણ અત્યારે તો દીકરીને સંભાળી લેવાનો સમય હતો એટલે હાથમાં હાથ લઇ પૂછ્યું, “પ્રની, મારા દીકરા..! ઝઘડો થયો હશે, એટલે ગુસ્સામાં એણે એવું કંઇક કહ્યું હશે. ભૂલી જા, લે હું એને ફોન કરૂં."
“નો મોમ, પ્લીઝ એને ફોન ન કરતા,આય ડોન્ટ વોન્ટ તો સ્પીક ટુ હીમ."
"પણ થયું છે શું આટલું બધું, કે આમ બે દિવસથી સાવ નંખાઈ ગઈ છે તું?"
"મોમ..અનિકેત..હી ઈઝ બાયસેક્સ્યુઅલ..! મોમ.. હી ઈઝ ગે. તને ખબર છે આ બધાનો મતલબ? આવા છોકરા સાથે લગ્ન? એ હા પાડે તો ય શું, ને ના પાડે તોય શું?” ધ્રુસકા સાથે પ્રણાલીએ મીનાબેનના ખોળામાં માથું નાખી દીધું. મીનાબેનનો હાથ માથા પર ફરતો રહ્યો અને લાગણી છિન્ન-ભિન્ન થઇ તૂટી ગયેલું શરીર માના ખોળામાં જંપી ગયું.


થોડીવાર પછી મીનાબેન ઉભા થયા અને પોતાના પતિ પાસે ગયા. ડો. સરૈયા પણ મીનાબેને કહેલી વાત સાંભળી ચોંકી ગયા.
અનિકેતના એચ.આઈ.વી. વિષે તો તેઓ જાણતાં જ હતાં અને તેનાં ગે હોવાનો પણ અણસાર તો હતો જ, પણ આમ અચાનક અનિકેત દ્વારા પોતાના વિષે આમ ખુલીને કહી દેવું, લગ્નનો ઇન્કાર કરવો વગેરે એમને કોઈક શંકા તરફ દોરી જતું હતું.

ડો. સરૈયા અનિકેત વિષે વધુ વિચારે એ પહેલા એમની લાડલીના ભવિષ્ય માટેનો વિચાર તેમનાં મનમાં આવી રમવા માંડ્યો. અનિકેત હવે દુર થયો જ છે, તો મોડું થાય એ પહેલાં પ્રણાલીનું મન બીજે વાળી દેવું પડશે, એવું નક્કી કરી ડો.સરૈયાએ બીજે દિવસે ડાઈનીંગ-ટેબલ પર વાત ઉપાડી,
“પ્રની ડાર્લિંગ, સારું છે મેરેજ પહેલાં જ બધું સામે આવી ગયું. નાઉ ફોર્ગેટ અબાઉટ ધેટ ઇડીયટ, એન્ડ થીંક અબાઉટ રવિ.”
“રવિ?” પ્રણાલી ચમકી ઉઠી
“બેટા, મિતુલ કાકા તારા માટે છોકરો શોધી લાવ્યાં હતાં, તે. રવિ એમના ફ્રેન્ડનો જ દીકરો છે. હેન્ડસમ છે. તારી જ કોલેજમાં છે અને તું કદાચ તેને ઓળખે પણ છે. જો તું કહેતી હોય તો એમને મળવા બોલાવીએ. મળી લે, પછી આગળ વાત વિચારીશું. બટ ફોર નાઉ, પેલાં અનિકેતનાં વિચારોને તો મનમાંથી હટાવી જ નાખ.”
"બટ ડેડા.."
"લુક બેટા, અમે તારા દુશ્મન તો નથી જ. અને એ વાત તું માને છે કે નહીં? તને સુખી જોવાની અમને શું ઈચ્છા નહીં થતી હોય? તારા પેરેન્ટ્સ છીએ આફ્ટર ઓલ. આરા’ન્ટ વી?"
"યસ ડેડા"
"બસ તો પછી. કોઈક વાર અમારી ય વાત માની લે. એક વાર મળી લે રવિને."
ડો.અનીલ પોતાની વાત પૂરી કરી પ્રણાલી તરફ તાકી રહ્યા.
પ્રણાલીએ પણ સામે મુદ્દા મુક્યા, પણ અનિકેત પ્રત્યેના અભાવને કારણે તે પોતાનો આત્મ-વિશ્વાસ ગુમાવી ચુકી હતી, એટલે આ વખતે તે બધા મુદ્દા એટલા જ પાંગળા હતા, જેટલું તેનું મન. અને એટલે જ પ્રમાણમાં ઉગ્ર કહી શકાય તેવી થોડીક ચર્ચાને અંતે પ્રણાલીએ પોતાના પ્રેમની હાર સ્વીકારી લીધી,

“ઓ કે” -હળવેથી ઉભી થતાં તે બોલી, અને તરત જ પોતાની રૂમમાં જતી રહી.

--રીઝવાન ઘાંચી