પ્રેમ કોનો સાચો...?
[માનસિક તર્કના આધારે ઘડાયેલો પ્રસંગ]
સુલતાન સિંહ
+91-9904185007
raosultansingh@gmail.com
પ્રસ્તાવના
સૌપ્રથમ મારે એક વાત જરૂર જણાવી દેવી જોઈએ આમાં પ્રેમના રાગ સિવાય કોઈ વાત સંપૂર્ણપણે સાચી નથી. પુરાણોના દરેક પાત્રો મહાન હતાજ પણ એને માણસ મનના તર્ક મુજબ તપાસવામાં આવે તો એમાંથી કેટલા અંશે સવાલો ઉપજાવી શકાય છે માત્ર એની પ્રતીતિ કરાવવાનો હેતુ માત્ર છે.
મુખ્ય વાત દરેકના સ્થાને દરેક વ્યક્તિ સાચો હોય છે પણ જ્યારે એને અમુક પ્રસંગ અથવા કારણો સાથે જોવામાં આવે ત્યારે એમાંથી કેટલીક ખામી મળી આવે છે...
બીજી વાત આ આખા વાર્તાલાપ અથવા ચર્ચા સમાન લેખનો મૂળ સંદર્ભ પ્રેમ અને સામાજિક માનસિકતાના ઓઠે આવતા બદલાવ છે. એટલે દર્શાવાયેલી વાતો પણ સાતત્ય કરતા સંદર્ભ લક્ષી હોય એમાં બે મત નથી.
વાંચ્યા બાદ તમારા સારા નરસા પ્રતિભાવ જરૂર આપજો....
પ્રેમ સાચો કોનો...?
“બદલાવ ભલે ને કોઈના માટે વિચારી ને કરવામાં આવે પણ એનો અંત હમેશાં પોતાના માટે જ હોય છે ને?” સોનાએ જાણે પોતાનો ગુસ્સો ઠાલવતી હોય એમ જવાબ આપ્યો.
“ના... બદલાવ પોતાના માટે તો હોઈ જ ના શકે”
“શા માટે નાં હોઈ શકે?”
“સોના તું યાર કેવી વાત કરે છે, દિલને અવગણીને મનના તર્કમાં ખેંચાઈ ને કોણ પોતાની જાતને દુખ આપીને બદલાવ ઇચ્છતાં હોય. પણ, હા જ્યારે કોઈના કારણે દિલની અવાજને અવગણી દેવામાં આવે ત્યારે બદલાવની પરિસ્થિતિ જરૂર સર્જાય છે અને આજ સત્ય છે.” શ્યામ રૂમના દરવાજા તરફથી આવી આખરે એની સામેની ખુરશીમાં ગોઠવાયો.
“જો શ્યામ, બદલાવ હંમેશા દિલથી સ્વીકારી ને કરવામાં આવતા હોય છે એટલે મારા મંતવ્ય મુજબ તો બદલાવ સારા જ હોય છે” સોનાએ એની સામે નજર કરીને કહ્યું.
“આપણો ચર્ચાનો સંદર્ભ પ્રેમ છે ને? કદાચ...” સુજલે જવાબ આપ્યો.
“હા અને તું કહે છે એમ દુનિયા, સમાજ અને પરિવાર પણ” એણે કહ્યું.
“ અચ્છા તો જો, મહાભારત માં ભીષ્મ પિતામહ નામ તો સાંભળ્યું છે ને? જે પોતાના પિતાના સુખ ખાતર આવેશમાં આવી અખંડ પ્રતિજ્ઞા કરી બેઠા, જેમની પ્રતિજ્ઞા ને ભીષ્મ પ્રતિજ્ઞા અને એમને ભીષ્મ પિતામહ તરીકે ઓળખ્યા એ ગંગા પુત્ર દેવરથ પણ પોતાના દિલની નહિ જ સાંભળી શક્યા હોય. એમનો બદલાવ માત્ર અને માત્ર પિતાની ખુશી માટેનો હતો એમાં પોતાની ખુશી ને સ્થાન ના હતું.”
“અઘરી અને અધ્યાત્મિક વાતો મારી સાથે ના કરીશ જો, તું આમ પણ જ્યારે આપણા બંને વચ્ચેના અનબન ની વાત હોય એટલે અધ્યાત્મિક સંદર્ભ રજુ કરી દે છે. હું નથી સમજતી તારી આ બધી અઘરી અને ભારે ભરખમ વાતો” સોના છેવટે મૂંઝવણ માં હોય એમ બોલી ઊઠી.
“આપણી વાત દરેક વખતે પ્રેમના સંદર્ભમાં હોય છે એટલે વાતો અઘરી તો બનવાની જ ને?” શ્યામ હજુય એમ જ એની સામે જોઈ રહ્યો હતો.
“ઓ કે... બસ તો ચલ મને એ કે જે કે ભીષ્મની પ્રતિજ્ઞા માં પણ કેટલાય રહસ્ય તો હશે ને?” સોનાએ જાણે અઘરી વાતોમાં રાગ પુરાવતા કહ્યું.
“રહસ્ય! હા એ તો હતા, ગહન અને વિનાશકારી પણ, એમાં દિલના અવાજ કે દિલની ઇચ્છાએ નોતરેલો કે સ્વીકારેલો બદલાવ તો ના જ હોઈ શકે એવા રહસ્ય હતા.”
“કેમ એ દિલનો ના હોય?”
“એ માત્ર પિતાની ખુશી માટે આવેલો બદલાવ હતો અને એટલે જ આ બદલાવે દિલને અવગણી દીધું જેનું પરિણામ આખા કુરુવંશના વિનાશ તરીકે એમને સ્વયં પણ ભોગવવું પડ્યું હતું. પણ જો એ બદલાવ દિલના અવાજે લેવાયો હોત તો દિલ કદી એવી રાહ ના દર્શાવતું જે વિનાશ તરફ ધકેલી જાય.” શ્યામ અટક્યો એની સામે જોઈ રહ્યો કદાચ, એ સોનાના ચહેરા પર એ રાહત જોવા ઈચ્છતો હોય જે એને જવાબ પછી મળવાની હતી.
“પણ, શ્યામ જો સતયુગમાં બધાજ સારા વિચારને મહત્વ આપતા હોત તો કદાચ રાક્ષસ પ્રજાતિ અસ્તિત્વ ધરાવતી જ ના હોત. અને કદાચ ઘણું બદલાયેલું હોત ખુદ રાવણ પણ ના હોત...” સોના એટલી જલદી કોઈ વાત સ્વીકારી શકે એમ નાં હતી એના મનના તર્ક જલદી સુલજે એવા ના હતા એ ફરી મહાભારત માંથી રામાયણ તરફ વળી ગઈ.
“પણ રાવણ ને જ દોષ કેમ?”
“તો કોને દેવાય?”
“કોને દેવાય એટલે જો દેવો જ હોય તો ઘણા પાત્રો છે જેમકે મંથરા, દશરથ, કૈકેયી, લક્ષ્મણ, રામ પોતે પણ...જો સોના, મારા મતે જોઉ તો રામ કરતા પણ રામાયણમાં રાવણ વધુ મહાન ગણી શકાય એવો વ્યક્તિ હતો. પણ, આ દુનિયા એની મહાનતા ને સમજવા હજુ ગણી ઉણી ઉતરી છે” સુજલે જવાબ આપ્યો.
“તું બધા જ શાસ્ત્રો જાણતો હોય એમ વાતો કરે છે ને?”
“હા કદાચ... તું એવું સમજ”
“તું ગમે એ કહે પણ છેવટે એ રાક્ષસ જ કહેવાય ને?”
“ના મારા માટે તો નઈ, અને એને રાક્ષસ કહેનાર પણ આ દુનિયા જ ને? બાકી મારા અને વધુમાં પુરાણોના માટે પણ એ સૌથી મહાન શિવભક્ત હતો. એ રાક્ષસ હોઈ જ કેવી રીતે શકે જે દુનિયાનો શ્રેષ્ઠ શિવભક્ત હોય અને બ્રાહ્મણ કુળમાં જેનો જન્મ થયો હોય.”
“ભલે એ તેજસ્વી હોય અને શ્રેષ્ઠ તેમ છતાં કહેવાય તો એ રાક્ષસ જ ને?”
“કોના માટે એ રાક્ષસ છે? દુનિયા માટે? આ ખોખલા વિચારો અને હલકી માનસિકતા ધરાવતા લોકો માટે? શાસ્ત્રો એને રાક્ષસ નથી કહેતા સોના, અને મજાની વાત તો એ કે શિવજી તો એની પ્રશંસા કરતા થાકતા ન હતા.”
“જો રાવણ મહાન હોય તો પછી રામ અને સીતા?” સોનાએ ફરી વાર પૂછી લીધું.
“રામ એ રાવણના મોક્ષનું કારણ હતું અને સીતા એ કારણ સુધી પહોચવાનું માધ્યમ તેમ છતાંય શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં શ્રી રામને શ્રેષ્ઠ ધનુર્ધર કહ્યા છે પણ શ્રેષ્ઠ વ્યક્તિ નઈ”
“અને સીતાનો રામ પ્રત્યેનો પ્રેમ?”
“પ્રેમની કોઈ સીમા ના હોઈ શકે સોના, એ તો પાણીના નિરંતર વહેતા પ્રવાહ જેવો હોય છે. નિર્મળ, સ્વચ્છ, પારદર્શક અને સતત બદલતાં સંજોગો મુજબ વહિ જનારો વિશાળતા નો સાગર સમો.”
“એટલે સીતાનો પ્રેમ એટલો વિશાળતા વાળો ના હતો, એજ કહેવા માંગે છે ને તું?” સોનાએ ફરી જિજ્ઞાસાવસ પૂછ્યું.
“કદાચ હા, સીતાએ એવા વ્યક્તિ માટે અગ્નિદાહ દીધો જેણે સીતા જેવી સતીના સતીત્વ પર વિશ્વાસ ના હતો. તને ખબર પણ છે એનું કારણ પણ દુનિયા હતી અને આજ ખોખલી માનસિકતા કદાચિત્ એમણે એક પળ માટે પણ દિલની અવાજ સાંભળી હોત તો ક્યારેય એમણે સીતાના સતીત્વના પારખા ના કર્યા હોત. પણ રામની શ્રેષ્ઠતા ત્યારે નાશ પામી જ્યારે એમણે પણ અન્ય સામાજિક પ્રાણી તરીકે એવો જ વિચાર કર્યો હતો.” શ્યામ એજ એને સમજાવતો હતો.
“શ્યામ તું ઘણું શાસ્ત્ર જાણતો હોઈશ પણ તને ખબર છે, પતિ અને પત્નીના સંબંધોમાં મુખ્ય તાર વિશ્વાસ હોય છે જ્યારે એજ ના રહે તો સંબંધ ટકી શકતો નથી.”
“ઓહ આઈ સી... એટલે તું એજ કહેવા માંગે છે ને સોના કે રામને પોતાની પ્રિય પત્ની સીતા પર વિશ્વાસ ના હતો અને એટલે જ એમણે સીતા પાસે પોતાના પ્રેમની સાબિતી માંગવા આવું કર્યું હશે”
“રામ ને હતો પણ દુનિયા માટે એમણે એ કરવું જ રહ્યું ને શ્યામ” સોનાએ વાતનો તર્ક ખરેખર સમજી લીધો હતો.
“હું પણ, એજ કહેવા માગું છું કે સોના પ્રેમની સાબિતી દિલને આપવાની હોય દુનિયા ને નઈ, સીતા રામને ચાહતી હતી દુનિયાને નઈ, એ રામની પત્ની હતી દુનિયાની નઈ? એણે લંકામાં એક એક દિવસ રામને યાદ કર્યા હતા દુનિયાને નઈ? અને સતીત્વ પણ એમનું માત્ર રામ પ્રત્યે હતું દુનિયા પ્રત્યે નઈ...” શ્યામ હજુ બોલવા ઈચ્છતો હતો પણ સોના વચ્ચેજ એને અટકાવતાં બોલી.
“કદાચ એવું બને કે દુનિયા સીતા માટે ત્યારે જ ખતમ થઇ ગઈ હશે જ્યારે રામે સાબિતી માંગી હશે. એટલે જ એણે પોતાને અગ્નિ માં સમાઇ જવાનો નિર્ણય લીધો હશે.” સોના હવે જાણે વધુ જાણવા ઇચ્છતી હોય એમ બોલતી હતી “એ બદલાવ એણે દિલથી સ્વીકાર્યો હતો.”
“દિલથી! શું કહ્યું દિલથી! કેટલી આધાર વિહોણી વાત છે સોના, જો રામે એને સ્વીકારી લીધી હોત તો એ શું કામ અગ્નિમાં સમાઇ જવા તૈયાર થઇ હોત? છેવટે એનું કારણ પણ પતિને સાબિતી આપવાનો જ હતો ને? અને પતિએ દુનિયા ને? બસ આજ હતો પ્રેમ રામનો સીતા પ્રત્યે ?”
“હા... કદાચ!”
“એનો અર્થ તો એજ થાય કે રામ પત્ની કરતા પોતાની મર્યાદા અને આદર્શને વધુ પ્રેમ કરતા હતા. એમાં પણ સીતા એમના માટે સર્વસ્વ ક્યારેય હતી જ નહિ.”
“પણ એ સીતાને પ્રેમ કરતા હતા એટલે જ એને શોધવા અને પછી લાવવા લંકા સુધી ગયા હતા.” સોનાએ ફરી યાદ આવતું હોય એમ વાક્ય આગળ ધર્યુ.
“એનું કારણ એવુય બની શકે કે કદાચ પોતાની ક્ષત્રીયતાની લાજ રાખવા એમણે એવું કર્યું હોય. રધુકુળમાં એ દર્શાવવા કે રધુવંશી શત્રુ ને ક્યારેય છોડતા નથી. બની શકે ને કે લોકો એમને ભયભીત થઈને પત્ની ગુમાવવા લાંછન ના દે એટલે લેવા ગયા હોય?” શ્યામે પણ સામો સવાલ કર્યો.
“એજ પ્રેમ હોઈ શકે ને?”
“પ્રેમ... પ્રેમ... બસ આ જ પ્રેમ કહેવાય? જેમાં પત્ની પર ભરોસો ના હોય. એવી પત્ની જેણે એમના ખાતર મહેલ ના રાજ-પાઠ છોડી ૧૪ વર્ષ વનમાં રહેવા તૈયાર થઇ. એવી સ્ત્રી પર એના પતિને ભરોસો ના હતો. વાહ સોના વાહ બસ આવાજ રામ મહાન છે દુનિયામાં અને એટલે જ રાવણ ને રાક્ષસ ગણવામાં આવે છે બાકી મહાન તો એ પણ હતો. અને એટલે જ દુનિયામાં મરી જવું પણ પ્રેમનો સ્વીકાર કરતા ડરવું એજ જીવન ગણાય છે”
“હા બાપા, હું ક્યાં રામ ને મહાન કહું છું તો, અને રહી વાત ડરવાની તો એવું નથી હો.”
“દુનિયા માટે જ સીતા એ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી ને?”
“એના પતિ માટે.”
“અને એના પતિએ એને દુનિયા ખાતર અગ્નિ પરીક્ષા આપવા કહ્યું. એના પતિ એ જ એની પાસે સાબિતી માંગી. ખરેખર આ પતિ શબ્દ, કેટલો તુચ્છ લાગ્યો હશે એ વખતે...”
“પણ, અગ્નિ પરીક્ષા પછી તો એ પણ જાણી જ ગયા હશે ને? આઈ મીન રામ બધું સમજી જ ગયા હશે ને?”
“એમનું દિલ તો એ વાત પહેલાથી જ જાણતું હતું સોના.”
“તો એમણે કેમ આવું કહ્યું શ્યામ?”
“જેના માટે તું બદલાવ લાવા નું કહે છે એજ દુનિયા માટે.”
“હશે આપણે શું...? પણ રાવણ...” સોના અટકી.
“પતિ માટે સીતાએ અગ્નિદાહ દીધો અને રામે દુનિયા માટે પત્ની ના વિશ્વાસને ધુત્કાર્યો. પણ જેણે આપણે રાક્ષસ કહીએ છીએ એ રાવણે પોતાના છેલ્લા શ્વાસ સુધી સીતાનો પ્રેમ પામવાની કામના કરી, એ જાણવા છતાં કે રામ એની મૃત્યુ બની આવશે. એણે એ સીતાને પામવા ખુદ મોતને ગળે લગાડી લીધી હતી પણ સીતા પોતાના સતીત્વ પર મક્કમ પણે અડગ રહ્યા હતા. પણ રામ એ દુનિયા અને સમાજનાં એજ ખોખલા મર્યાદાના બંધનમાં જીવ્યા હતા એટલે જ રામની દુનિયામાં એ મહાન છે. વાહ રામ વાહ, તમે તો કમાલ કરી તમારા દોષ તો ક્યાં કોઈને દેખાય છે. જ્યારે દુનિયા સતયુગમાં પ્રેમને નહોતી સમજતી તો આ કળિયુગમાં શું સમજવાની?”
“હા કદાચ એ કોઈની પત્ની હતી અને કદાચ સાચ્ચા દિલથી એમને ચાહતી હતી એટલે રાવણના પ્રેમને એમણે કદી સ્વીકાર્યો નહિ.”
“તેમ છતાં બધાને રામ જેવો પતિ જોઈએ છે. કૃષ્ણ ને ૧૬૧૦૮ પટરાણી હતી તેમ છતાં એની રાધા હમેશાં એના દિલમાં રહી, અને તો પણ કોઈના પ્રેમમાં ક્યારેય રત્તીભર પણ અણગમો કે અવિશ્વાસ ના આવ્યો. ખબર છે સોના કેમ? કારણ કૃષ્ણના દરેક બદલાવ એમના દિલના અવાજને આધારે લેવાતા હતા જેનો ઉદ્દેશ્ય બહુજનહિતાય માટે હતો. એમણે સત્યભામાના કહેવા માત્રથી ઈન્દ્રદેવ સાથે યુદ્ધ કરી પારિજાત વૃક્ષ ધરતી પર લાવ્યું હતું.” શ્યામ હજુય એને સમજાવતો હતો.
“ખબર નઈ કદાચ પ્રેમ આવોજ હોય છે?”
“ના દુનિયા એ પ્રેમની વ્યાખ્યા આવી જ આંકી છે જેને તોડવા માટે જ કદાચ ભગવાન શ્રી હરી વિષ્ણુએ કૃષ્ણ સ્વરૂપે જન્મ લીધો હશે જેથી પ્રેમની સંકુચિત વ્યાખ્યા ને દુનિયાના વિકાર માંથી ઉપર ઉઠાવી શકાય.”
“અને રામ?”
“રામ જીવન ભર માત્ર અને માત્ર સાંસારિક મર્યાદામાં જકડાઈને એક સામાજિક માણસની જેમ જ જીવન જીવ્યા. એ વ્યક્તિ એટલે જ મર્યાદા પુરુષોત્તમ તો બની શક્યા પણ શ્રેષ્ઠ તો નહિ જ”
“હશે બસ... તારી વાત સાચી”
“અને તને ખબર છે આજ દુનિયાના કારણે બદલાવ આવતા હોય છે પણ એમાંય મજાની વાત તો એ છે કે... લોકો ખુમારી થી કહે છે બદલાવ જરૂરી છે અને અમે એને દિલથી સ્વીકાર્યો છે. ગણી વાર હું વિચાર્યા કરું છું કે શું ખરેખર દિલ પણ, પ્રેમનો અસ્વીકાર કરી શકે? કેટલી હલકી અને ઓચ્છી વાત લાગે છે”
“હોઈ શકે કદાચ...” સોના હજુય કંઈક વિચારી રહી હતી.
“તને ખબર છે રામના પંથે ચાલતી આ દુનિયા જો આજના જમાના માં કૃષ્ણ હોત તો રાધા ને રાખેલ કહેતા પણ નાં અચકાયા હોય. આ જ છે વાસ્તવિક્તા આજના માનસિક રીતે મંદ સમાજ અને દુનિયાના વિચારોની”
“કેવી રીતે એ વળી...?”
“જો રુકમણી એ જ્યારે પત્ર લખીને કૃષ્ણને પોતાનું વરણ કરવા બોલાવ્યા ત્યારે કૃષ્ણ એ એમ કહ્યું હોત કે હું તો રાધાને જ દિલ જાનથી પ્રેમ કરું છું અને એને જ સમર્પિત છું તો એ કદાચ પ્રાણ દાહ કરી ચૂકી હોત. સત્યભામા નો અસ્વીકાર કર્યો હોત તો પણ એ રુકમણીના બહાને કરી શક્યા હોત પણ એમાંય સત્યભામા ને ગુમાવી પડી હોત. અને જો જામુવંતીને પણ એમણે આવા બહાના બતાવ્યાં હોત તો એના પિતા જમુવંત એ કરેલી તપસ્યામાં વરદાન કેવી રીતે આપી શક્યા હોત.”
“ઓહ”
“તેમ છતાંય લોકો કેમ કહે છે કે... રામ મહાન તો ઠીક પણ શ્રેષ્ઠ હતા... શું પ્રેમનો અસ્વીકાર કરીને દુનિયાદારી અને સમાજમાં જીવવાના બહાને ભાગી છૂટવું એજ શ્રેષ્ઠતા છે?”
“કદાચ...”
“તો પછી એવી દુનિયાને કોઈ હક નથી રાધે-શ્યામની મૂર્તિને સાથે પૂજવા નો, કાના સાથે એક રાખેલ ને એ લોકો કેવી રીતે પૂજી શકે?”
“રાખેલ...! આ તું શું બોલી છે શ્યામ” સોના અચાનક જ ચોંકી ઊઠી.
“હા પત્ની હોવા છતાં અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધો ને આ રામની દુનિયા આજ નામથી ઓળખે છે ને? એક પત્ની હોવા છતાં જે સમાજ બીજી પત્ની સુધ્ધાં ને પણ સોત કહેતી હોય એ દુનિયા ૧૬૧૦૮ પટરાણી હોવા છતાં કૃષ્ણ સાથેના રાધાના સંબંધને બીજું શું નામ આપી શકે? શું આજ દુનિયા માટે આ લોકો બદલાવ લાવે છે અને કહે છે કે આ દિલનો સ્વીકાર છે. ક્યારેક વિચારજે શું દિલ આટલી ઓચ્છી વાતો વિચારી પણ શકે છે?”
“ચલ આપણે બહિષ્કાર કરીએ આનો”
“તારા કામ નથી સોના”
“હા તારા તો ખરા ને?”
“હું તો પહેલાજ કરી ચુક્યો છું.”
“ઓહ અને હું શું કરું?”
“તું પેલા તારા મનમાં જે તર્કની પરત જામી છે એનો બહિષ્કાર કર”
“હું હવે સમાજ સમાજ નથી કરતી... પણ પરિવાર...”
“વાત તો હજુય એજ છે સોના... બદલાવ... જે તે તારા પરિવાર માટે સ્વીકાર્યો છે અને પરિવારે એ બદલાવ તને દુનિયા અને સમાજ માટે સ્વીકારાવડાવ્યો છે ને.”
[ સમાપ્ત...]
લેખક વિષે :-
સુલતાન સિંહ...
જે પ્રોફાઈલમાં જોઈ શકાય છે હા એજ મારું નામ અને એના પાછળનું ‘જીવન’ એજ મારું ઉપનામ. હું મુખ્ય મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિદ્યાર્થી છું. અત્યાર સુધી કોઈ ઝાઝી મોટી સફળતા મારા જીવનમાં મેં પામી નથી, કંઇક શોધું છું, શીખવામાં મસ્ત છું અને બસ આમ જ મારે હર હંમેશ શીખતા રહેવું છે. મારા લક્ષ્ય મુજબ મારે કોઈ ટોચ પર નથી પહોચવું, બસ મારે આ સફળતા અને દિલના પહાડી માર્ગમાં ચાલતા પડતા અને ઉઠતા આગળ વધતાં રહેવું છે. અટકવું નથી અને કોઈને ખટકવું પણ નથી. કહેવાય છે કે પડેલું તો પાણી પણ ગંધાય છે અને વહેતું હર હમેશ તાજગી સાથે વહેતું જાય છે. માન્યતામાં નથી માનતો પણ આ વાત સાચી છે. માનવામાં હું શૂન્ય છું અને જાણવામાં વિદ્યાર્થી, દરેક પળે નવી રાહ શીખતો વિદ્યાર્થી. જાણવાની જિજ્ઞાસા સદાય મારા દિલમાં રહી છે. અને આમજ રહેશે... સતત... નિરંતર... અને અવિરત... અખંડ જ્યોત સમી...
અત્યાર સુધી મારા ખાસ્સા આર્ટિકલ માતૃ ભારતી પર આવ્યા છે. અને મારી એક નૉવેલ [સ્વપ્નસૃષ્ટિ- દુનિયાદારી થી દિલની મંઝીલ સુધીની કહાની] પણ પ્રકરણ સ્વરૂપે ૩૧ ભાગમાં પ્રકાશિત થઇ ચૂકી છે જે બધાજ ભાગ તમે માતૃ ભારતી પર વાંચી શકો છો અને કદાચ અંદાજીત જુલાઈના અંત સુધીમાં એક નવી નૉવેલ [સુલતાન ભાઈ- અ સ્ટોરી ઓફ વિલેજીયન રેબેલ] પણ માતૃ ભારતી પર પ્રકાશિત થશે.
માતૃ ભારતી સિવાય પણ હું પ્રતીલીપી, વીપબ, ડેયલીહન્ટ અને ખાસ મારા બ્લોગ પર હું લખતો રહું છું.
વિગતો :-
Mobile: - +91-9904185007
Mail-id: -
Facebook: - @imsultansingh [twitter, LinkedIn]
Blog: -