ચાલી પગલાં સાત Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલી પગલાં સાત

ASHA ASHISH SHAH

ashaashah74@gmail.com

લવ મૅરેજ કે અરૅન્જ મૅરેજ...??

“આયખાના ચોક વચ્ચે ઊડતા ફુવારાઓ,

ઘૂટાતાં અરમાનોને છલકતાં સોણલાઓ.”

ફક્ત બે શરીર જ નહીં પરંતુ.. બે આત્માના મિલનનો સુઅવસર... એટલે લગ્ન.... લગ્ન એ બે વ્યકિતની સાથે સાથે બે હ્રદય, બે પરિવાર, બે વિચારસરણી અને બે મનને જોડતી લીલેરી ઘટના તો છે જ સાથે સાથે પાનેતરનો લાલ રંગ અંગેઅંગમાં ગુલમહોરની જેમ મહોરી ઉઠવાની, મહેંદીવાળા હાથમાં ચૂડીઓના ખનખનાટની અને કાજળઘેરી આંખોમાં સોનેરી સોણલાં છલકવાની સુમધુર વેળા પણ છે. મારું માનવું છે કે, દરેકે દરેક વ્યક્તિના જીવનમાં એક સાચો અને સારો જીવનસાથી મહત્વ ધરાવે છે. પછી ભલેને એ જીવનસાથીને સ્નેહનો તંતુ સાધીને મેળવ્યો હોય કે લગ્ન પછી એની સાથે હ્રદયના તાર જોડાયા હોય. મારી દ્રષ્ટિએ એમ વિચારવું કે, વ્યક્તિના જીવનમાં કઈ રીતે થયેલા લગ્નનું મહત્વ વધારે છે, લવ મૅરેજ કે અરેન્જ મૅરેજ....?? કરતાં કેવી વ્યક્તિ સાથે લગ્ન થયા છે એ વધુ મહત્વનું છે. તેમ છતાં આજના વિષયની છણાવટની સાથે ‘લગ્ન’ શબ્દની પરિભાષાની વિસ્તૃત ચર્ચા દ્વારા આ ચર્ચાસ્પદ મુદ્દાનો તાગ મેળવવાનો પ્રયત્ન કરીએ...

“પ્રેમ થકી મૈત્રી બંધાતી, ચાલી પગલાં સાત;

પ્રેમશૂન્ય છે સાવ નકામો, જીવનનો સંગાથ.”

આપણા સમાજના અસ્તિત્વના મુખ્ય આધાર સમાન લગ્ન વ્યવસ્થાના બે પ્રકાર છે. એક પ્રકાર એ જેમાં વડીલો અને સ્વજનો અભ્યાસ, કમાણી, કુટુંબ-પરિવાર અને પ્રતિષ્ઠાની એરણે ચડાવીને જે પાત્ર પર પોતાની મંજૂરીનો કળશ ઢોળે એને કહેવાય ‘ગોઠવાયેલા લગ્ન’ અને બીજો પ્રકાર એ જેમાં પાત્રની બીજી બધી પાત્રતાને ગૌણ સમજીને ફક્ત ને ફક્ત લાગણી, પ્રેમ અને આકર્ષણના સથવારે બંધાતું બંધન એટલે પ્રેમ લગ્ન. આ બંને પ્રકારના લગ્નની કેટલીક લાક્ષણિકતા છે તો કેટલીક મર્યાદાઓ પણ છે. આ બંને પ્રકારના લગ્નમાં બંને પાત્રો વચ્ચે પ્રેમ સંબંધ જ સૌથી વધારે મૂલ્યવાન છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ તો બંધાય છે પરંતુ ફરક ફક્ત એટલો જ છે... કે, લવ મૅરેજમાં પ્રેમ પહેલા થાય છે અને લગ્ન પછી જ્યારે અરેન્જ મૅરેજમાં લગ્ન પહેલા થાય છે અને પ્રેમ પછી.. એક લગ્ન એવા છે જેમાં ક્યારેક વર્ષો વીતવા છતાં જીવનસાથીનો પ્રેમ મળતો નથી ને એક એવા છે જેમાં પ્રેમ માટે વર્ષો સુધી જીવનસાથી માટે રાહ જોવાય છે. એક બાજુ બંને પાત્રો બ્લાઈંડ ગેમ રમે છે જ્યારે બીજી બાજુ પ્રેમ માટે બંને પાત્રો બ્લાઈંડ થઈ જાય છે. એક તરફ સામે વાળા વ્યક્તિની હિસ્ટ્રી જીઓગ્રાફીને વધુ મહત્વ અપાય છે તો બીજી તરફ સામે વાળા વ્યક્તિ સાથેની તમારી કેમેસ્ટ્રી જ પરિણયમાં પરિણમે છે. એક સંબંધ ધીરે ધીરે કેળવાય છે તો બીજો ધીરે ધીરે પોતાનું આકર્ષણ (અપવાદ રૂપ કિસ્સાને બાદ કરતાં) ગુમાવતો જાય છે. જો કે બંને પ્રકારના સંબંધના પાયામાં ત્યાગ, સહનશક્તિ, પ્રેમ, વિશ્વાસ અને પોતાના સાથીના પડખે ઉભવાની ભાવના તો હોય જ છે જે લગ્નને ખરાં અર્થમાં જિંદગીભર માટે લગ્નોત્સવ બનાવવા માટે સક્ષમ છે.

“ડાળી પર કૂંપળ ફૂટ્યાની ઘડી છે,

એના ભીનાં ઓવારણાં લે જે.”

જો કે મારું માનવું છે કે, ગોઠવાયેલા લગ્ન હોય કે પ્રેમ લગ્ન.., લગ્ન વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ જ નવ સર્જન છે એટલે આ સંબંધમાં શારીરિક આકર્ષણનું મહત્વ અનેકગણું વધારે હોય છે(પ્રેમ લગ્નમાં પહેલાથી અને ગોઠવાયેલા લગ્નમાં પછીથી) તેમ છતાં લગ્ન એ સ્ત્રી અને પુરૂષ વચ્ચે બંધાતું સૌથી વધારે પવિત્ર બંધન છે. બે વિજાતીયના શરીરનું ઐકય સધાય તો એની સાથે એ બંનેના સ્વભાવ, ગમા-અણગમા, શોખ, આદત અને વિચારનો પણ સમન્વય સધાય એ પણ એટલું જ જરૂરી બની રહે છે. લગ્નની સફળતાનો મુખ્ય આધાર એકબીજા ઉપરના પ્રેમ કરતાં પણ એકબીજા ઉપરનો પૂર્ણ વિશ્વાસ છે. લગ્ન એ તો જીવનનું મંગલાચરણ છે. લગ્નજીવનને સફળ બનાવવા માટે કયા પ્રકારે લગ્ન થયા છે એ જોવું જરૂરી નથી બલ્કે કેવી વ્યક્તિ સાથે થયા છે એ જરૂરી છે. ઘણી વખત તો વર્ષોના વર્ષો સાથે વિતાવ્યા બાદ પણ પોતે જેનું પડખું સેવ્યું છે એના મનને સમજવું અઘરું થઈ પડે છે. જો એકબીજાના ગુણદોષને સહેવાની વૃતિ હોય તો જ લગ્નજીવન સફળ બની શકે છે. એકબીજાના જીવનમાં સુપેરે ગોઠવાઈ જવું એ પણ એક કલા છે. બંનેના અંતરમાં વહેતું વ્હાલપનું ઝરણું કયારેય સૂકાવું ન જોઈએ. જીવનના કોઈપણ પળે મળતી સફળતા કે નિષ્ફળતાના સમયે પતિ-પત્નિ એકબીજા સાથે જોડાયેલા હોય એ જરૂરી છે.

“સંગ જો હોય સાજનનો ને, ગરમાળાનાં ફૂલો રે;

વૈશાખી વહાલપની મોસમ, બાકી સઘળું ભૂલો રે...”

ગોઠવાયેલા લગ્નમાં જીવનના તમામ ઉતાર-ચડાવ વખતે વડીલોનો સધિયારો મળી રહે છે તો પ્રેમ લગ્નમાં જીવનસાથી તમારી મૌનની ભાષા પણ સુપેરે સમજી શકે છે. પરંતુ ગોઠવાયેલા લગ્ન ફક્તને ફક્ત પૈસા અને પ્રતિષ્ઠાની અને પ્રેમ લગ્ન શારીરિક આકર્ષણ અને વાસનાની બેડીએ ન બંધાવા જોઈએ. કારણકે, જેમ વ્હાલને ક્યારેય વ્યાખ્યામાં બાંધી ન શકાય, એ જ રીતે લગ્નને પણ ક્યારેય એક વ્યાખ્યામાં ઝકડી નથી શકાતું. લગ્ન એટલે જવાબદારી, સંવાદિતા, સમજણ અને કુનેહતાનું જીવતું જાગતું ઉદારહણ... શરત વિનાનો પ્રેમ, સંબંધોની માવજત, એકબીજાના માન-સન્માનની જાળવણી અને એકબીજાના ગમા-અણગમાનું ધ્યાન રાખીને જીવાતું સહજીવન એટલે જ લગ્ન. સહજીવનમાં ‘હું’ માંથી ‘અમે’ તરફ લઈ જઈ જીવનને ગુંજતું, ગાતું, સુરીલું બનાવવાના સહિયારા પ્રયાસ દરમ્યાન દંપતિ વચ્ચે કદાચ ક્યારેક મતભેદ ઉત્પન્ન થાય તો પણ મનભેદ ક્યારેય ઉત્પન્ન ન થવો જોઈએ.

“મળે જીવનને તાલ, ઊડે જો પ્રેમનો ગુલાલ.”

જેમ દૂધમાં સાકર ભળે એમ દંપતિ એકબીજાના હ્રદયમાં સમાઈ જાય તો એમનું સહજીવન સદાય પૂરબહારમાં ખીલેલું રહે છે. નર અને નારી બંને એક્બીજા વિના એકાકી છે, અધૂરા છે. લગ્ન એ અધૂરપને પૂર્ણતા બક્ષે છે. ગોઠવયેલા લગ્નના લગ્નજીવન દરમ્યાન બંને પાત્રો જો સતત કશીક બાંધછોડ કર્યાની ભાવના મનમાં ચગળ્યા કરતા હોય તો એમનું સહજીવન કયારેય સખ્યજીવન બનતું નથી. એવી જ રીતે પ્રેમલગ્ન કરનાર દંપતિ લગ્ન પહેલા અને પછીના પ્રેમની સરખામણી કરીને પોતાના જીવનસાથીનું મૂલ્ય ઓછું આંકતા રહે અને એકબીજાને અનુકૂળ ન બનીને જીવંતતાથી ન પામી શકે તો લગ્ન ટકાવી રાખવા અઘરાં બની રહે છે. “હું તને બહુ પ્રેમ કરું છું…. કે મને તારા માટે બહુ લાગણી છે...” એ ખાલી શબ્દોનો કોઈ અર્થ નથી જ્યાં સુધી તમે એને હ્રદયથી સ્વીકારલી ન લ્યો. અંતરના શૂન્યવકાશને ભરવું હશે તો પતિ-પત્નિના સંબંધો પ્રેમની ઉષ્માથી છલોછલ, ભાવની ભિનાશથી ભરપૂર, વિશ્વાસપૂર્ણ અને સંશયથી પર હોવા જોઈશે.

બંને પ્રકારે થતાં લગ્નની પોતપોતાની લાક્ષણિકતા અને મર્યાદા છે એતો આપણે જોયું. પરંતુ બંને પ્રકારે થતાં લગ્નમાં થેલેસેમિયાનું નિદાન કરાવવા જેવી એક મૂળભૂત બાબત વિસરાઈ જાય છે... ગોઠવાયેલા લગ્નમાં ખાનદાન, પ્રતિષ્ઠા, પૈસો અને વર-વધુની કુંડળી જોઈને સંબંધ ઉપર મહોર લાગી જાય છે અને પ્રેમલગ્નમાં તો એકબીજા પ્રત્યેનું અસ્ખ્લિત આકર્ષણ બીજું કશું ક્યાં જોઈ શકે છે..?? અને આમ નાદાનીમાં જો કદાચ બંને પાત્ર થેલેસેમિયા માઈનર હોય તો તેઓ ભવિષ્યમાં થેલેસેમિયા મેજર જેવી લાઈલાજ બિમારી ગ્રસ્ત બાળકને આ દુનિયામાં લઈ આવે છે જે એ બંને માટે દુ:સ્વપ્ન સમાન બની રહે છે.

“એકમેકમાં જેમ ભળે રંગો એવું ભળીએ,

ભીની-ભીની લાગણીઓમાં મનભરી પલળીએ,

આજની જેમ જ આયખું આખું યે સંગ સંગ...”

અને છેલ્લે.... લગ્ન કોઈપણ પ્રકારે થયા હોય પરંતુ પતિ-પત્નિ બંને, એકબીજાના આત્મસન્માન અને અભિમાન વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એને પારખીને આગળ વધે એ વધુ જરૂરી છે. અંહકાર હમેંશા બંને પક્ષે વિનાશકારક બની રહે છે. એકબીજાની આગળ કે પાછળ નહીં પરંતુ સાથે ચાલવાથી બંને વચ્ચે અક્ષુણ્ણ મૈત્રીનું આકાશ વિસ્તરી રહે છે. ‘બંને જણાં હાથમાં હાથ નાખીને મળ્યા કે બંને મળ્યા ત્યારે હાથમાં હાથ અપાયો...’ એમાં ઊંડા ઉતરવા કરતાં બંને વચ્ચે જે જોડાણ થયું છે એને સંતોષ, પ્રેમ, સમજણ, સંવાદિતા, કુટુંબભાવના અને ત્યાગના અંલકારો સાથે અપનાવીએ તો..?? તો તો સોનામાં સુગંધ જ ભળી જાય. જોડી તો ઉપરવાળો જ બનાવે છે અને એ જોડીનું સંધાણ કયા પ્રકારે થાય છે એના ઉપર એમના પૂરા જીવતરનો પ્રભાવ તો ન જ પડવો જોઈએ. Arrange Marriage હોય કે Love Marriage ફક્ત M= MERGING, A= AMBITION R= RESPECT R= RESPONSIBILITY I= INTIMACY A= Assurance G= GAIETY E= ETERNITY’ આટલું યાદ રાખવાથી જિંદગીભર માટે સમાજની સામે ધૂમધામથી ફરેલા કે પછી કોઈ મંદિરમાં સાદાઈથી લીધેલા ચાર ફેરાનું મૂલ્યાંકન અવશ્ય કરી શકાશે એ વાતમાં કોઈ જ બે મત નથી કેમ ખરું ને.......?????