બે રંગ જિંદગીના Maulik Devmurari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે રંગ જિંદગીના

બે રંગ જિંદગીના

“અરે નથી જોઇતી કોઇ કોલર ટ્યુન. યાર આ લોકોને આજના દિવસે પણ શાંતિ નથી” થોડુ ઉંઘમા અને થોડુ ગુસ્સામા આકાશ બોલ્યો અને ફોન કટ કર્યો. આજે રવિવાર હતો એટલે તે ઉંઘવાના મુડમા હતો બાકીતો સોમ થી શનિ તો સવારની સ્કુલ હોય એટલે વહેલુ ઉઠવુજ પડે પણ કોલર ટ્યુન્સની ઓફરના ફોન કોલએ રવિવારની ઉંઘ બગાડી હતી. ફરી ઉંઘવાની કોશીશમા તે થોડી વાર આંખ બંધ કરી પડ્યો રહ્યો આમ તેમ પડખા ફેરવ્યા પણ ઉંઘ ના આવી તે ના જ આવી, આંખો ખોલી તે સીલીંગ ફેન ને જોઇ રહ્યો.

“આજે તો DND જ કરાવી નાખવુ છે સાલ્લાઓ રજામા પણ શાંતિથી ઉંઘવા નથી દેતા” આંખો ચોળતા ચોળતા તે ઉઠ્યો. મોબાઇલમા સમય જોયો આઠ વાગ્યા હતા. રસોડામા જઇ ગેસ પર ધીમી આંચ પર ચા મુકી અને પોતે પ્રાત: ક્રીયામા વળગ્યો.

આકાશ જોશી પોતાના ગામની જે સરકારી સ્કુલમા નાનપણમા ભણ્યો હતો એજ સ્કુલમા પોતે આજે પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતો હતો. દેખાવે ગોરો વાન, આંખમા જાણે આકાશ ઉતરી આવ્યુ હોય તેવી નીલી આકાશી આંખો, નમણો ચહેરો અને સ્નાયુ બધ્ધ શરીરનો બાંધો. કોઇપણ સ્ત્રી જોતાની સાથેજ પ્રેમમા પડી જાય એવો તેનો દેખાવ અને એટલોજ સારો એનો સ્વભાવ. આકાશ વિધ્યાર્થીઓમા પણ પ્રીય શિક્ષક હતો.

પ્રાત:ક્રીયા પતાવી એક હાથમા આજનુ છાપુ અને એક હાથમા ગરમાગરમ ચાનો કપ લીધો. ક્ષિતિજના ઘોડીયા તરફ નજર કરી નાનકડી ક્ષિતિજ હજુ સુઇ રહી હતી. આકાશ ઘરના બગીચામા રાખેલ હિંચકામા ગોઠવાયો. છાપુ એક તરફ રાખીને એક નજર બગીચા તરફ નાખી લીધી. કુંડામા વિવિધ સુગંધી ફુલો ખીલ્યા હતા. ફુલોની મહેક આખા ઘરનુ આંગણુ મહેકાવી રહી હતી. પતંગીયા આમતેમ ઉડી રહ્યા હતા. શીયાળો પુરો થવામા હતો એટલે વાતાવરણમા હજુ થોડી ઠંડી અનુ ભવાઇ રહી હતી. વસંત રુતુના આગમનની શરૂઆત થઇ ચુકી હતી. વ્રુક્ષોને નવી કુંપળો ફૂટી હતી. ઠંડા પવનની મીઠ્ઠી લહેરખી આકાશના ચહેરાને તાજગી આપી રહી હતી. આટલા સુંદર બગીચામા એક ફુલની કમી હતી, ગુલાબનુ ફુલ.

આકાશે ચાનો એક ઘૂંટ ભર્યો અને કપ એક તરફ મૂકી છાપુ ઉઘાડ્યુ. છાપાના મથાડે આજની તારીખ વાચતાની સાથેજ આકાશની આંખો ત્યાં સ્થીર થઇ ગઇ. કપાડ પરની રેખાઓએ કંઇક અલગજ આકાર લઇલીધો. આકાશને સેકન્ડના છઠ્ઠા ભાગમા તેની ધરતી યાદ આવી ગઇ. આમતો તે એક પળ માટે પણ તેને ભુલ્યો નહોતો પણ સ્કુલમા તે સતત કામમા વ્યસ્ત રહેવા પ્રયત્ન કરતો જેથી ધરતીની યાદ ન આવે પણ આજની તારીખ કંઇક ખાશ હતી.

ધરતી વ્યાસ કે જે પછીથી આકાશ સાથે લગ્ન કરીને મિસિસ ધરતી આકાશ જોશી બની હતી. ધરતીનો દેખાવ પણ કંઇ આકાશથી ઉતરતો નહતો. શ્વેત વર્ણી કોમળ નમણી કાયાની માલીકણ હતી ધરતી. તેના ચહેરામા અજબ તેજ હતુ. ધરતી અને આકાશ બંન્ને જાણે એક મેક માટેજ બન્યા હતા. બંન્ને જણા એકજ કોલેજમા સાથે બી.એડમા અભ્યાસ કરતા હતા. કોલેજ કાળના પ્રેમને તેઓ આબાદ રીતે લગ્નમા તબદીલ કરી શક્યા હતા. અને લગ્ન પછી એકજ સ્કુલમા સાથે જોબ કરતા હતા.

આજની તારીખ વાંચતાજ આકાશનુ અતિત તેને ઘેરી વળ્યુ. પાંચ વર્ષ પહેલા આજની તારીખેજ આકાશ અને ધરતી બંન્ને પ્રેમી પંખીડાએ વડીલોના આષિર્વાદ સાથે પ્રભુતામા પગલા માંડ્યા હતા, આજની તારીખેજ બે હ્યદય એક થયા હતા.

આકાશને છાપાના રંગીન ફોટોગ્રાફ્સમા પોતાના લગ્નની તસવીરો દેખાતી હતી અને સમાચારને બદલે પોતાનો ભુતકાળ વચાતો હતો. મતલબ માત્ર આંખોજ છાપામા હતી બાકી મન તો ક્યારનુએ અતિતની સફરે ઉપડી ગયુ હતુ.

માથા પર સાફો અને શરીરે મરૂન શેરવાની પહેરી આકાશ જાન સાથે લગ્નના માંડવે આવ્યો હતો. લગ્નગીતો ગવાતા હતા. શરણાઇ વાગતી હતી અને ઢોલ ઢબુક્તા હતા. લગ્નના લાલ જોડામા સજેલી ધરતી પણ જાણે તાજ્જુ ખીલેલુ ગુલાબનુ ફુલ લાગતી હતી. હાથમા આકાશના નામની મહેંદી મુકાવી હતી. કપાડ પરની લાલ બીંદી અને હાથની બંગળીઓ સોહામણી લાગતી હતી. વડીલોની હાજરીમા લગ્ન મંડપ નીચે હવન કુંડમા પ્રગટાવેલ અગ્નિને સાક્ષી રાખીને બંન્નેએ એકબીજાનો હાથ પકડીને ફેરા ફર્યા હતા. સપ્તપદીની રસમ નીભાવી હતી અને જન્મ જન્માંતર ગમે તેવા સુખ કે દુખમા એકબીજાની સાથે રહેવાની પ્રતીજ્ઞા કરી હતી. ધરતીના પરીવારે જાનને કેટલીયે વાનગીઓ જમાડી હતી. આજે ન માત્ર બે લોકો પણ બે પરીવારો સબંધના એક તાંતણે બંધાયા હતા. વ્યાસ પરીવાર અને જોશી પરીવાર એક થયા હતા. વિદાય વેળાએ ગુલાબના ફુલનો માળી તેની લાડકીને ભેંટીને ખૂબજ રડ્યો હતો. ધરતીના તમામ પરીવારજનો ની આંખમા પાણી હતા પણ આકાશ આજે ખુશ હતો કેમકે એ ગુલાબનુ ફુલ હવે પોતાના આંગણે સુગંધનો દરીયો ફેલાવાનુ હતુ અને અન્ય નાની કળીઓ પણ ખીલવાની હતી.

ધરતી અને આકાશની જોડી જાણે વિધાતાએજ ઘડેલી જોડી હતી. સુખરૂપ સંસાર શરુ થયો હતો. લગ્નના બીજાજ દિવસે બંન્ને પ્રેમી પંખીડા ફરવા માટે કોઇ હીલ સ્ટેશન ઉપડી ગયા હતા. એક મેક નો સાથ માણી સહવાસ માણી બંન્ને જણ પરત ફર્યા હતા અને ફરી પાછા રાબેતા મુજબ ગોઠવાઇ ગયા હતા. સંસાર રુપી રથની ધરતી સારથી હતી તો આકાશ એ રથનો મહારથી હતો. લગ્નના બે જ વર્ષે ધરતીએ પોતાના જેવીજ સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. ઘરમા ખુશીનો માહોલ હતો. ધરતી અને આકાશના મીલનથી અવતરેલી લાડલીનુ નામ ક્ષિતિજ રાખવાનુ નક્કી થયુ હતુ. આકાશને તો બાપ બન્યાની ખુશી સમાતી નહોતી.

આંખમાથી નીકળેલ આંસુ છાપા પર પડતાજ આકાશ ભુતકાળ માંથી વર્તમાનમા પાછો ફર્યો. છાપાના બે-ત્રણ પાન્ના આમતેમ ફેરવ્યા પણ અતિત તો અવીરત પણે તેની પાછળજ દોળતુ હતુ તેનો પીછો કરી રહ્યુ હતુ. આગાળના પાન્ના નુ જાણે અનુસંધાન જડી ગયુ હોય તેમ તેની નજર ફરી છાપામા સ્થીર થઇ અને મન પર અતિતે કબ્જો મેળવી લીધો હતો.

લગ્નની ત્રીજી વર્ષગાંઠ હતી એટલે એ દિવસે સ્કુલ માંથી ખાસ રજા લીધી હતી. આજે આખો દિવસ સાથે વીતાવવાનુ નક્કી થયુ હતુ. સવારે વહેલા ઉઠી તૈયાર થઇ આકાશ અને ધરતી બાઇક પર ગોઠવાયા ક્ષિતિજ તેની મ્મીના ખોળામા બેઠી હતી અને ત્રણે જણા મહાદેવના દર્શને ગયા હતા. દર્શન કરી પાછા ફરતી વેળાએ આકાશની બાઇકને અજાણ્યા ટ્રકે પાછળથી ઠોકર મારી હતી અને ત્રણે જીંદગી રોડ પર ફંગોળાઇ હતી. ક્ષિતિજને સાવ સામાન્ય ઇજાઓ થઇ હતી જ્યારે આકાશને માથાના ભાગે ગંભીર ઇજોઓ થઇ હતી પણ તેનો ચમ્તકારીક બચાવ થયો હતો. પણ ધરતીનુ ઘટના સ્થળેજ મોત થયુ હતુ.

આજે આકાશના માથા પર સાફાને બદલે સફેદ પાટો હતો અને શરીરે સફેદ વસ્ત્રો. ઘર આંગણે માંડવો તો બાંધ્યો હતો પણ એ મરણ માંડવો હતો. લગ્ન ગીતોને બદલે મરસીયા સંભળાતા હતા. ધરતી આજે પણ લગ્નના લાલ લીબાસ માંજ હતી પણ તેણીએ અનંતની વાટ પકડી હતી. જન્મ-જન્માંતરનો સાથ છુટ્યો હતો. ગુલાબનુ ફુલ હંમેશને માટે કરમાઇ ગયુ હતુ. આકાશનો બગીચો વેરાન બન્યો હતો. ધરતીની અરથીને આકાશે ખભો આપ્યો હતો. આજે ધરતીની વિદાય વેળાએ આકાશ ચોંધાર આંસુએ રડ્યો હતો. તેની નજર સામે ધરતીની ચીતા ભળ ભળ ભડકે બળતી હતી અને સાથે આકાશનુ હ્યદય પણ. આકાશનો સંસાર રથ થંભી ગયો હતો કારણકે વિધાતાની બનાવેલી જોડીને જાણે ખુદનીજ નજર લાગી હતી. રથના મહારથીએ આજ સારથીને ગુમાવ્યો હતો.

લગ્ન પછીના ત્રણજ વર્ષમા આકાશ વિધુર બન્યો હતો. આજે લગ્નને પાંચ વર્ષ અને ધરતીના ગયાને બે વર્ષ થયા હતા. નાનકડી ક્ષિતિજ “પપ્પા” બોલતા સીખી ગઇ હતી પણ “મમ્મી” બોલતા હજી સરખુ આવળતુ નહોતુ. ગળે આવેલો ડુમો આકાશે ફરી ગળાનીચે ઉતારી દીધો. છાપાને એક તરફ રાખી ઠંડી પડેલી ચા એકજ ઘુંટડે પી ગયો જાણે કે વિતેલો સમય ચા સાથે પી ગયો. એટલામા લાડકવાયી દિકરીના રડવાનો અવાજ સાંભળતાજ આતિતના કબ્જા માંથી જાતને છોડાવીને દુ:ખનો એ મહાસાગર ક્ષિતિજ તરફ દોડી ગયો.