પુસ્તકો છે સાથી Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુસ્તકો છે સાથી

પુસ્તકો છે સાથી

જેને પુસ્તક વાંચવાનો શોખ છે. તે સર્વત્ર સુખી રહી શકે છે. પુસ્તકો મન માટે સાબુ નું કાર્ય કરે છે.

  • મહાત્મા ગાંધી.
  • બુક્સ વિશે વિચારતા જ જેમને જે કાઈ પણ વિશે વાંચવાનો શોખ હોય તે બુક્સ યાદ આવી જાય છે. તેમાં પછી જો કોઈને નોવેલ ગમતી હોય તો તેને તેમની ગમતી નોવેલ યાદ આવે છે, તેમાં રહેલા પાત્રો અને પછી તેની કહાનીઓ મગજ માં ફરવા લાગે છે. અને આવું બધી જ ટાઈપ ની બુક માં થાય છે. ઇતિહાસ વાંચવો ગમતો હોય તો તેને કોની વચ્ચે યુદ્ધ થયું હતું તે યાદ આવે છે અને પછી કોણ જીત્યું અને જીતેલા એ ત્યાં ક્યાં નામે શાસન ચલાવ્યું હતું તે પણ યાદ આવી જાય છે આ છે પુસ્તકો ના વાંચન નો નશો.. આ નશો છે પુસ્તકો પ્રત્યે ના પ્રેમ નો. એટલે જ રવીન્દ્રનાથ ટાગોર એ કહ્યું છે કે ધનબળ, શક્તિબળ, આયુષ્યબળ એ સૌ બળો કરતાં ગ્રંથ બળ ઉચું છે. આ વાત પાછળ હું તમને એક દ્રષ્ટાંત કહું છું, તમે માની લો કે કોઈ જંગલ માં ફરવા ગયા છો, હવે તમને જંગલ માં એન્ટર થવાનો દરવાજો ખોલી દીધો છે, હવે આ આખું ઘટાદાર અને સિંહો થી અને દીપડાઓ થી ભરેલું જંગલ તમારી સામે છે પણ આ જંગલ માં જવા માટે ગાઈડ નથી... તો શું તમે જશો ? એટલે આમાં પણ એવું જ છે કે આ જિંદગી માં સાચો રસ્તો પુસ્તકો ના શબ્દો જ બતાવી શકે છે. બાકી તમારી પાસે હજુ આયુષ્ય છે, પણ જ્યારે તમે પુસ્તકો વાંચો છો તો જીવન પ્રત્યે નો દ્રષ્ટિકોણ બદલતો જાય છે. એટલે, આપણે જીવન ઘડતર ને ખાતર વાંચન કરવું જોઈશે.. અને એક મહત્વ ની વાત કે જ્યાં વાંચન હોય ત્યાં સમજદારી પણ હોય છે એટલે સમજદાર માણસો ક્યારેય કોઈની સાથે વધુ દલીલ માં કે તર્ક માં પડતા નથી.. આ ખરા વાચક ની ખરી નિશાની છે.

    બે મહાન વાચકો ના નામ અહી નોંધુ છું તેમાં નો પહેલો ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય માં લોરેન્સે ૬ વર્ષ માં યુનિયન પુસ્તકાલય ના ૫૦૦૦૦ પુસ્તકો પૈકી એક એક પુસ્તક વાંચી કાઢ્યું હતું. અને બીજું ઉદાહરણ છે, ‘બ્રિટીશ વીકલી’ ના તંત્રી તરીકે ખુબ પ્રસિદ્ધ સર વિલિયમ રોબર્ટસન નિકોલ. તે સ્કોટલેંડ ના પાદરી ના ઘરમાં જન્મ્યા હતા. આ ઘર પુસ્તકો થી ભરપુર હતું. તેમાં ૧૭૦૦૦ થી વધુ પુસ્તકો હતા. સર વિલિયમ ના પોતાના પુસ્તકાલય માં ૨૫૦૦૦ થી વધુ પુસ્તકો હતા. એવી જ રીતે એક ઉદાહરણ માં પ્રફુલ્લચંદ્ર રોય પણ છે. તેઓ ને પણ વાંચવાનો ખુબ જ શોખ હતો, તેઓને વાંચવાનો સમય ઓછો મળતો તો તેઓ સવારે ૪ વાગ્યે ઉઠી ને વાંચતા.

    કોઈએ એવું પણ કહ્યું છે કે, “બુક એ એક ગીફ્ટ છે જેને તમે વારંવાર ખોલી શકો છો.” સાચી વાત છે કદાચ, એક જ બુક તમે બે વાર વાંચી જશો તો તમને તેમાંથી જ કઈક નવું નવું જાણવા મળશે જ. પુસ્તકો વાંચતા માણસ માં મેનર હોય, સમજદારી હોય, સમતા હોય અને વળી મુશીબત આવે તો તેનામાં લડવા માટે ની શક્તિ પણ પુરતી હોય જ. કારણ કે, પાણી આવે તે પહેલા પાળ બંધાવી એવું આપણે કહેતા હોઈએ છીએ તેમ જ પુસ્તકો ના વાંચન થી ચણાયેલી જે પાળ હોય છે તે માણસ ને મુશ્કેલી ના સમય માં હાર માનવા દેતી નથી. તે કોઈ આડું પગલું ભરતા પહેલા પણ વિચારશે..

    ઘણી વાર પુસ્તક વાંચીએ તો એવું લાગે કે ‘આ શું કામ આવશે ?’ પણ તે આપણા દિલ માં અને મગજ માં ક્યારે અસર કરી જાય છે તે જ્યારે સમય આવે છે ત્યારે જ ખબર પડે છે. પુસ્તકો અને સારા વ્યક્તિ બે માણસ ના જીવન માં સફળતા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે લાઈબ્રેરી માં જઈને સારા પુસ્તકો શોધવા અને વાંચવા. અને બહાર ની દુનિયા માં સારા અને સમજદાર વાચકો ને શોધવા એ બન્ને આપણા જ હાથમાં છે. અને આ બન્ને જીવન ની સાચી પુંજી છે ક્યારેક કઈક પૂછવા નું થશે તો કોઈ સમજદાર વ્યક્તિ ને પુછશો તો સાચો જવાબ મળશે.

    પહેલા ના ધ ગ્રેટ માણસો જેમકે, મહાત્મા ગાંધી અને તેની જેવા મહામાનવો ને એકાદ સારા પુસ્તકે – પુસ્તકે નહી. પણ તેના એક જ વાક્યે કેટલાએ મનુષ્યોના હૃદય માં મહત્વાકાંક્ષા ઉત્પન્ન કરી મહાન બનાવ્યા હશે. આ વિશે ગાંધીજી એ મંગળપ્રભાત માં રહેલ જાતમહેનત વિશે લખ્યું જ છે કે, તેમણે તે લેખ ટોલ્સ્ટોય ના એક નિબંધ ના એક વાક્ય ની પ્રેરણા થી લખ્યો હતો. અને રસ્કિન નું ‘અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યા પછી જાતમહેનત નું તેમણે આચરણ ચાલુ કરી દીધું હતું. એમ, એકાદ વાક્ય જ ક્યારેક દિલ માં સોસરવું ઉતરી ને ચમત્કાર સર્જી શકે છે. શિવાજી ની દેશદાઝ માતા જીજાબાઈ ના રામાયણ-મહાભારત પ્રત્યેના પુસ્તક પ્રેમ ને જ આભારી હતી. દાનવીર એન્ડ્રયુ કર્નેગીનો પુસ્તકપ્રેમ વિશ્વવિખ્યાત છે. યુદ્ધવીર નેપોલિયન પણ પુસ્તક પ્રેમી હતો અને એક સારા પુસ્તકના સતત સહવાસને માટે એક સારા રાજયનો સદાને માટે ત્યગ કરવાને તૈયાર એવા પુસ્તક પૂજકો પણ આમાં અવતાર્યાના દ્રષ્ટાંત છે.

    પુસ્તકો, માણસ ને જેવા બનવા ચાહે તેવો બનાવે છે. એક શિલ્પી મૂર્તિ બનાવે તેમ નહી, પરંતુ પોતાના ધ્યેય ને પહોચવાનો સ્પષ્ટ રસ્તો તેની દ્રષ્ટિ સમક્ષ ઉભો કરી તેના પ્રેરક અને ગાઈડ બનીને.

    આજના યુગ માં વાચકો પણ સારા એવા છે. એક સારા અને ખરા વાચક ને પુસ્તક પ્રત્યે નું એક ખેંચાણ પણ હોય છે તે હંમેશા એક સારા પુસ્તક ની શોધ માં હોય છે. તેને એક વાર લાઈબ્રેરી રસ્તા માં આવતી હોય તો ત્યાં જવાનું પણ મન થઇ જાય છે, છેવટે તે સમય ના અભાવે બહાર થી જ લાઈબ્રેરી નો નઝારો જોવા માટે પણ નજર તો નાખતો જ જાય છે. પછી કોઈ બુક શોપ આવતી હોય તો લેટેસ્ટ કઈ બુક આવી છે તે જાણવા ની પણ ઉત્સુકતા હોય છે. પોતાને ગમતા પુસ્તક પર કોઈએ અભ્યાસ કરી ને બુક લખી હોય તો તે પણ તે વાંચી લે છે. આમ પુસ્તક પ્રત્યે પછી તેને પ્રેમ થઇ જાય છે.. લાઈબ્રેરી કે બુલ શેલ્ફ નો સીન જોવો પણ ખુબ જ ગમવા લાગે છે. એટલે જ, વિલિયમ ફીધર એ અમેરિકાના બિઝનેસમેન છે તેઓ પોતાની સફળતા નું શ્રેય પુસ્તકો ને આપતા આટલું કહે છે કે “જ્યારે સારું પુસ્તક વાંચીને પૂરું કરીએ ત્યારે એક ઉતમ મિત્રથી છુટા પડતા હોઈએ એવી લાગણી થાય છે.”

    મહાત્મા બુદ્ધ, જીસસ ક્રાઈસ્ટ, મહંમદ, રામ અને કૃષ્ણ એવા વિભૂતિસંપન્ન માનવો પણ મનુષ્યદેહ ના અટલ નિયમોને આધીન સ્થૂળ જગતથી અલોપ થઇ ગયા. છતાં આજેય પુસ્તકો માં રહેલા તેમના મહાન ઉપદેશો અને વાક્યો તથા તેમના વૈવિધ્ય ને મહત્વપૂર્ણ જીવનચરિત્રો કેટલાયે મુમુક્ષ આત્માઓને શ્રેયપથદર્શક નીવડે છે.

    વાંચન ના શોખીન ને આવું ઘણીવાર થતું હોય છે એકાદ બુક પૂરી કર્યા બાદ જ્યારે નવી બુક ખરીદવાની હોય છે ત્યારે કઈક અલગ જ ફીલીંગ થાય છે જાણે નવો મિત્ર મળવાનો છે, તે બુક શોપ માં જાય છે ઘણાને પૂછ્યા બાદ નક્કી કરીને રાખેલી બુક ને જોયા બાદ તે ખરીદે છે, ક્યારેક ડિસ્ક્રીપ્શન વાંચ્યા પછી લેવાનું મન ન પણ થાય, તો પછી કોઈ બીજી બુક ખરીદે છે.તેને ત્યાં ને ત્યાં બે વાર જોઈ લે છે. કઈક અલગ જ થાય છે, મજા આવે છે નવી બુક વાંચવાનો રોમાંચ જન્મી ચુક્યો હોય છે, તે ઇગરનેસ નો આનંદ લેવા જેવો છે અને તે બુક વાંચ્યા પછી મજા આવે તો તે તેની ફેવરીટ બુક માં સ્થાન લઇ લે છે નહિતર ફેસબુક પર રીડ બુક્સ માં નામ પામે છે. પણ, આ જર્ની જ મજાની હોય છે નવી બુક ની કોઈ બુક શોપ માંથી ખરીદી નો રોમાંચ, તેને ઘરે આવીને કેરી બેગ માંથી બહાર કાઢી ને અડધો કલાક તો બસ તેની પ્રસ્તાવના અને કવર પેજ જોવામાં જ જાય, પછી તેનું વાંચન ચાલુ થાય ત્યાર થી ગમે ત્યાં જવાનું થાય, બુક સાથે ને સાથે. અને અંતે જ્યારે બુક પૂરી થાય ત્યારે પેલા કહ્યું તેમ, કોઈ ખાસ મિત્ર થી છુટા પડતા હોઈએ તેવી લાગણી થાય.

    મિત્રો, પુસ્તકો નું વાંચન અને સફળતા એ બન્ને માં પણ કઈક કનેક્શન છે. સફળતા મેળવવા માટે વાંચેલું અને તેમાંથી મેળવેલું જ્ઞાન ઘણે અંશે સફળતા માં સાબિત થતું હોય છે. ડૉ. અબ્દુલ કલામ એવું કહેતા કે, “સફળ થવા માટે સફળતા કરતાં અસફળ ગયેલા માણસો ની વાર્તાઓ વાંચો જેથી તમને ખબર પડે કે તેણે સફળતા મેળવવા માટે શું કચાશ રાખી હતી..” એવી જ રીતે ભગવદ ગીતા માં પણ કર્મ નું મહત્વ બતાવ્યું છે કે, “ઉઠ, ઉભો થા, હાંક મારતો જા.. અને કર્મ કરતો જા..”. આ બધા પુસ્તકો જ આપણ ને ગાઈડ કરી શકે છે. એટલે, આપણે આને વાંચવા જ રહ્યા...

    તમને ખબર છે ? આપણા પ્રધાન મંત્રી, નરેન્દ્ર મોદી એ વર્ષો સુધી પુસ્તકો વાંચ્યા છે. તેઓ રાત્રે પણ વડનગર ની સ્ટ્રીટ લાઈટ નીચે બેસી ને પુસ્તકો વાંચ્યા કરતાં.. ત્યારે આજે કોઈ પણ તૈયારી વિના, કોઈ પણ કાગળ વિના એક ધારું ભાષણ આપી શકે છે. એટલે ક્યારે આપણી અંદર પુસ્તકો ફેરફાર કરે છે તે આપણ ને ખબર નથી પડતી. એમ જ નરેન્દ્ર મોદી થી માંડી ઓબામા સુધી અને માર્ક ઝકરબર્ગ થી લઈને બિલ ગેટ્સ સુધી ના તમામ ને પુસ્તકો વાંચવાનો શોખ છે, એ તો તમે પણ સોસીયલ નેટવર્કિંગ સાઈટ્સ પર જોતા હશો. અને ખરેખર માં તેમાં ખોટું શું છે ? તેમાંથી આપણ ને કઈક નવું જાણવા મળવાનું જ છે ને.. અને નવું જાણવા થી આપણો વિકાસ પણ થવાનો છે. અને Growth is Life.

    જેમ આપણ ને આ માનવ દેહ ના પોષણ માટે ખોરાક જરૂરી છે તેવી જ રીતે, માનસિક પોષણ માટે વાંચન જરૂરી છે. આમ પુસ્તકો નું જીવનમાં એક અનોખું ને વિશિષ્ટ પ્રકારનું સ્થાન છે. એકલવાઈ જિંદગી માં પુસ્તકો ની મૈત્રી નવો પ્રાણ પૂરે છે. જીવનવ્યાપી કોઈ ઘેરી નિરાશા કે આઘાત ની લાગણી હૈયાને આવરી ગઈ હોય અને જીવનની ગતિ જાણે થીજી ગઈ હોય ત્યારે ધ્યેયલક્ષી ગ્રંથોનું વાંચન અને અધ્યયન જીવનમાં નવો વેગ પૂરે છે. નવો પ્રકાશ ને નવી ઉષ્મા આપે છે. આવા પુસ્તકોની સોબત જીવન માં પ્રસન્નતા ભરી દે છે.

    આપણે જ્યારે કોઈ બુક ખરીદવી હોય ત્યારે, આપણે કોઈ વાચક ને પૂછીએ છીએ કે કયું સારું છે ? કે પછી કોઈ પુસ્તક જેનું વધુ વેચાણ થયું હોય તે લેવા મોટે ભાગે આકર્ષતા હોઈએ છીએ. પરંતુ, તેવું જ નથી કે તે જ પુસ્તક લેવું, ક્યારેક તમે બુક શોપ માં જાઓ તમને કવર પેજ ગમ્યું, તમે એકનોલેજમેન્ટ વાચ્યું તે પણ ગમ્યું, પછી તમારે તેનું ભલે થોડું ઓછું વેચાણ થયું હોય તો પણ લઇ લેવી જોઈએ. કારણ કે, ક્યારેક કોઈને પૂછ્યા વિના અને વધુ સેલ થયેલું પુસ્તક ન લીધું હોય તો પણ તે આપણ ને વધુ ઉપયોગી અને પસંદ પડી શકે છે. Reading changes lives.

    સ્પાર્ક – આ વખતે કોઈ નવી નહિ, પણ જૂની, સીધી, સપાટ અને સાચી વાત કે, “પુસ્તકો જ આપણા સાચા માર્ગદર્શક અને મિત્રો છે.”

  • હાર્દિક રાજા
  • Email -

    Mo. – 95861 51261