લેખક બનવાની કળા! Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લેખક બનવાની કળા!

લેખક બનવાની કળા!

(વિશ્વાસ નામના તેર વરસના એક છોકરાએ મારી બુક વાંચી અને મને ઘરના લેન્ડલાઇન પરથી કોલ કર્યો. મને પછી પોતાનું સપનું કહ્યું. તેને પોતાને લેખક બનવું છે. ખુબ વાંચે છે. પર્સનલ ડાયરી લખે છે. મેં કહ્યું: એક જ બુક લખી હોય તેવા લેખક પાસેથી ક્યારેય સલાહ ન લેવી. મેં તેને સલાહ લેવાની ના પાડી, પણ એનો પ્રેમ-સપના અને ઉત્સાહ સાંભળીને રહેવાતું નથી એટલે તેને ઓનલાઈન સલાહ આપું છું. )

Dear Vishwas.

As I promised you on phone, here I am writing a guide for a Novelist!

તો વિશ્વાસ લેખક-નોવેલ રાઈટર બનવા માટેની પહેલી સલાહ:

સલાહ ૧)

” Write in the language in which you dream.” બંગાળની મહાન લેખિકા મહાશ્વેતાદેવીએ મને Jaipur Literature Festival માં મને આ વાક્ય કહેલું. તમને જે ભાષામાં સપના આવે એ ભાષામાં લખો. ધેટ્સ ઓલ. મને સપના ગુજરાતીમાં આવે છે, મારું ઈમેજીનેશન ગુજરાતી દુનિયા રચે છે. મારું હૃદય ગુજરાતીમાં પીડાય છે અને આંખોમાં આંસુ કે ચહેરાની મુસ્કાન ગુજરાતીમાં વધુ કાતિલ હોય છે એટલે હું ગુજરાતીમાં લખું છું. તું એવું ન વિચારતો કે કઈ ભાષામાં લખીશ તો નોવેલ વધુ લોકોને પહોચશે કે વધુ વેચાશે. લેખકનો પહેલો ધર્મ: પોતાનો આત્મો ખુશ થાય એને માટે અને એવી રીતે લખવું. જે લખાણ તને ખુશ કરશે તે આખી દુનિયાને ખુશ કરશે. પીરીયડ.”

——————————————————————————————————

Dear Vishwas.

Here is my Rule-2 to be a Writer!

સલાહ ૨)

-એક વાર તે તારી લખવાની ભાષા નક્કી કરી લીધી પછી બીજું સ્ટેપ ખુબ સીધુંસાદું છે: “લખવું!” યસ…મને ઘણા પૂછતાં હોય છે કે મારે લેખક બનવું છે તો હું શું કરું? મારો જવાબ એક જ વાક્ય માં છે: લખો.

થોડું ઊંડાણમાં કહું:

મેં એક જગ્યાએ સફળતાના પાંચ સ્ટેપ જોયેલા: 1) I wish to be writer 2) I will be writer 3) I am writing 4) I completed writing 5) I am writer!

૧) તારું સ્ટેજ પહેલું છે. મોટા ભાગના માત્ર ઈચ્છા જ કરી શકે છે લેખક બનવાની. વાતો.

૨) બીજા સ્ટેજમાં પણ તેઓ પાસે વાર્તા/કન્ટેન્ટ હોવા લખવાનું ચાલુ કરી શક્યા નથી હોતા.

૩) ત્રીજુ સ્ટેપ, જે ખુબ જ ડીસીપ્લીન અને મહેનત માગે છે અને બોરિંગ છે તેમાં તું આશા રાખી શકે કે તું લેખક બનીશ! કેમ? કારણ કે એમાં પણ લોકો Writer’s Block નો ભોગ બની કે આળસ અથવા આત્મ વિશ્વાસની ઉણપને લીધે અડધું લખેલું મૂકી દે છે.

4) ચોથા સ્ટેપમાં તે લખવાનું પૂરું કર્યું! પરંતુ હજુ પબ્લીકેશન અને બીજી હજાર પળોજણ બાકી છે! એનાથી ડરવું નહી પણ તારા હાથમાં તારી બુક આવે ત્યારે તારું પાંચમું સ્ટેપ ક્લીયર થાય!

હવે આ બીજો નિયમ બરાબર ગળે ઉતારજે:

લખ. માત્ર લખવા ખાતર નહી પરંતુ તારી ખુશી માટે લખ. રોજે લખ. ફરીથી: રોજે લખ. ગમે તેવી સ્થિતિ હોય પરંતુ લખવાનું છોડ નહી. જો કંટાળો આવે તો બે-ત્રણ પેજ જ લખ. જો મોજ વછૂટે વીસ-ત્રીસ પેજ લખ. કબજિયાત હોય તો પણ લખ. તાવ ચડ્યો છે તો પણ લખ. જીવનમાં ફેઈલ થયો ત્યારે પણ લખ, અને જન્મદિવસ હોય તો પણ લખ. કોઈ સગું મરી ગયું છે તો પણ લખ, અને તું મરવાપડ્યો છે તો પણ લખ.

આવું કેમ? મેં મારા ખેડૂત પપ્પા પાસેથી સિમ્પલ નિયમ શીખ્યો છે: ‘ખેતરમાં હળ હાંકતા શીખવું હોય તો રોજે ઉઠીને જુતવું પડે. ન ગમે તો પણ રોજે ગાંડી મહેનત કરવી પડે ત્યારે જઈને એકાદ ચાસ સીધો થાય!’ લખવાનું એવું જ છે. ધાર કાઢવી પડે. મસલ્સ મજબુત બનાવવા પડે. દિવસે-દિવસે તું લખીશ તેની ધાર-ગ્રીપ-શાર્પનેસ એવી નશીલી બની જશે કે પછી તને એટલીસ્ટ લેખક બનતા તારી જાત પણ રોકી નહી શકે.

હજુ એક પોઈન્ટ કહી દઉં: લાઈફની રોજ-બરોજની ટ્રેજેડીને સર્જનમાં ફેરવ. તારો શબ્દ તારા જીવનના અનુભવો માંથી ઉલેચ. કઈ રીતે? ગર્લ-ફ્રેન્ડ છોડી ગઈ? લખો! કુતરી મરી ગઈ? લખો. જોબ છૂટી ગઈ? લખો. ઘર ભાંગી ગયું? લખો. કોઈને કિસ કરી? લખો. કોઈએ કિક મારી? લખો. લાઈફની વાટ લાગી ગઈ? લખો. રસ્તે રખડવું પડ્યું? લખો. ખુશ છો? લખો. રડવું આવે છે? લખો. સેક્સ કરવાનું મન છે? લખો.

ઓકે…હું ઉભો રહું છું. ઇન-શોર્ટ જીવનના દરેક રંગને જીવતો જા…લખતો જા…ઉભો ન રે બસ…

——————————————————————————————————–

Dear Vishwas,

Here is the third rule to be a Writer!

હવે આવે છે કન્ટેન્ટ. સ્ટોરી. લેખકને જે લેખક બનાવે તે વાત. સીધા શબ્દોમાં ‘શું લખવું? અને કેવી રીતે લખવું’

ક્વેશ્ચન: શું લખવું અને કેવી રીતે લખવું?

Ans: આનો કોઈ નિયમ નથી! આમાં તો નિયમો તોડવાના હોય! સાહિત્યના જુના પેટાળમાં પાટું મારીને નવું પાણી કાઢવાનું હોય. જુના લેખકોએ લખ્યું એના બધા નિયમો તોડીને, બધી સરહદો વટાવીને, પ્રસિદ્ધિ કે ક્રિટિસિઝમને ‘થું’ કહીને તારે તારા વિશ્વનું સર્જન કરવાનું છે. બસ. તારા દિલના પુરા ઊંડાણથી પૂરી પ્રમાણિકતાથી તારે તારા પાત્રોને સર્જવાના-જીવાડવાના-મારવાના અને ઉજવવાના છે. આમાં કોઈને પૂછવાનું નથી કે કેવી રીતે લખું. તારા પાત્રોનો જીવવાનો અંદાજ, તેમનો મરવાનો અંદાજ, તેમનો પ્રેમ કે સેક્સ કરવાનો અંદાજ, તેમનો રડવાનો અને રાડો નાખવાનો અંદાજ, તેમના શરીરની ગંધ અને દિમાગની હવસ..આ બધામાં સુગંધ તારે ભરવાની છે. સાથે-સાથે લખતી સમયે તને એ પણ મનમાં ન હોવું જોઈએ કે મારો વાંચક આ બધું વાંચીને શું વિચારશે. લખતા લેખક માટે થોડા સમય પુરતો વાંચક મરી જવો જોઈએ. તું જ મનમાંથી વાંચકને મારી નાખ.

કહેવાનો સાર: Choice of words is all yours!

હું મારો અનુભવ કહું તો મેં બે વિચાર કરીને વિશ્વમાનવ લખેલી: ૧) જાણે પુરા કોસમોસમાં, પુરા યુનિવર્સમાં માત્રને માત્ર ‘હું’ આ કહાની કહેવા માટે ઘડાયો છે. આ કહાનીની આખી દુનિયામાં કોઈને ખબર નથી અને મારે પહેલી જ વાર આ કહાનીને વિશ્વ સમક્ષ શબ્દો વડે રચીને મુકવાની છે. અને…

૨) મારે બાળકની જેમ આ કહાનીને કહેવાની છે. બાળક જેવું ભોળપણ-પ્રામાણિકતા-લાગણીઓ અને સાચાપણું રાખીને મારે આ કહાની જાહેર કરવાની છે.

પરંતુ વિશ્વાસ…આ નિયમો નથી. મારી કહાની કહેવાની આદત છે. આ બાળક આવતીકાલે યુવાન કે શેતાન કે સ્ત્રી કે બુઢો કે વ્યંઢળ કે રંડીબાજ બનીને પણ કહાની કહેશે. ફરી કહું છું: કોઈ નિયમ નથી કે કેવી રીતે લખવું.

અને આવું જ દોસ્ત કઈંક આખી લાઈફનું છે! અહી જીવવાના કોઈ નિયમ નથી. તું તારી મોજથી નિયમો બનાવીને જીવી શકે. તું જીવનને ઉત્સવ બનાવી શકે અને સુકું રણ પણ! તું જીવનને કોઈ એક કામ માટે ફના કરી શકે અને હજાર પ્રયોગોને ટેસ્ટ કરી શકે. તું જીવાતી લાઈફને D.C કરંટની જેમ સીધીસાદી જીવીને પણ ખુશ રહી શકે અને A.C કરંટની જેમ હિલોળે ચડાવીને પણ જીવી શકે. તું પાંચ માણસને પ્રેમ પણ કરી શકે અને તારી નનામી ઉઠાવનારા પણ ના હોય એવી સ્થિતિ પણ પેદા કરી શકે.(અને કોઈ કાંધો દેવા વાળું નથી તેનો અફસોસ ન હોય એવા અંદાજભર્યું પણ જીવી શકે) અને ધાર કે તને લાગે કે હજુ કઈ કર્યું જ નથી…તો પણ અહી ક્યાં મોડું થયું છે. મંડી પડ. એકડે એકથી.

લેખકને તો બસ આ જીવાતા જીવનનું પ્રતિબિંબ જ પાડવાનું છે!

જો કે એ પણ નિયમ નથી.

——————————————————————————————————————

Dear Vishwas…

Here is Rule-4 to be a writer!

શું રુલ ફોર? કાકા ચાર દિવસથી તને આ લખવા વિષેની ફિલોસોફી આપી આપીને મને હું કોઈ યોગી-બાબા બની ગયો હોય એવું લાગે છે!

છાનો-મુનો દુનિયાને ‘શું કરવું ને કેમ કરવું’ એવું પૂછ્યા વિના લખવા માંડ…

લખવું એ જૂની દારુ જેવું છે…જેમ પીતો જઈશ એમ અંદરથી ખેલ નીકળ્યા કરશે. બી ડ્રંક