મંથન - મારો પ્રિય શ્વેત ઉનાળો Saket Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંથન - મારો પ્રિય શ્વેત ઉનાળો

મંથન

સાકેત દવે

saketdave@yahoo.com

મારો પ્રિય શ્વેત ઉનાળો

બપોરના આ તડકાને, સ્હેજ કળ વળે,
સૂર્ય ઢાંકી ઝૂલતું ,ભીનું ભીનું વાદળ મળે.

ઢળતા સૂર્ય સામે, એકીટશે જોયા કરું,

ક્યારેક એની આંખ, જો ઝળહળ મળે.

કવિતા લખવા ક્યાં કશું જોઈએ મારે,

પ્રસંગ નાનકડો ને ભીંજાયેલ કાગળ મળે.

શાળા જીવનમાં અનેકવાર પૂછાયેલા નિબંધ “મારી પ્રિય ઋતુ”માં ક્યારેય ‘ઉનાળા’નો ઉલ્લેખ કર્યાનું યાદ નથી. કોઈપણ વ્યક્તિને તેની પ્રિય ઋતુ તરીકે ઉનાળો સ્વીકાર્ય હોય એવું જાણ્યું નથી. ભૌગોલિક રીતે આપણે જે વિસ્તારમાં છીએ ત્યાંનો ઉનાળો ગમાડવા-લાયક હોતો નથી એવો સામાન્ય મત રહ્યો છે. પણ ઉનાળાને જોવાની દ્રષ્ટિ જરાક અમથી બદલીએ તો ઉનાળો રંગોના ફુવારા જેટલો રંગબેરંગી અને મનપ્રિય લાગે એવો બેશક છે જ ! કુદરતે ગ્રીષ્મની ઋતુની સ્થાપના બહુ યોગ્ય રીતે કરી છે. શિયાળાની કડકડતી ઠંડી માણ્યા પછી સીધો જ વરસાદને આવકારવાનો થાય તો એ કેટલું સ્વીકાર્ય બને ? અને ઉનાળાના અસ્તિત્વ વિના ચોમાસાની કલ્પના પણ કેવી રીતે કરી શકાય? ગ્રીષ્મની ભઠ્ઠીમાં તપીને જ અવનિ વર્ષાઋતુના વાદળ બાંધવા માટેનું જળ એકઠું કરે છે.

ઉનાળાની બપોરે ઓરડામાં પ્રવેશો ને જુઓ કે બારીમાંથી પ્રવેશીને લાંબો થઇ આરામથી તડકો પથરાયો હોય, અને એ સૂતેલા તડકાને બારી અધૂકડી બંધ કરી બેઠો કરીએ ત્યારે ઉડાઉડ કરી મૂકતી સોનેરી રજકણોની ગતિ નિહાળવી કેવી મનોરમ્ય ! ઉનાળાની સવાર શુદ્ધ ધુમ્મસરહિત તડકો પ્રદાન કરે છે. બપોરે સૂર્યના કોપને સન્માન આપ્યા વગર કોઈ છુટકો હોતો નથી અને ગ્રીષ્મની સંધ્યાએ વારેવારે આવી સ્પર્શી જતી પવનની અલ્લડ લહેર... વાહ !

ઉનાળાની બાલ્યાવસ્થા ઘણી રમણીય હોય છે. કોઈ સાધક પોતાના તંતુવાદ્યને વિરામ આપતા પહેલાં જેમ અંતિમ વખત ઝણઝણાવે ને, એમ જતો શિયાળો નવજાત ઉનાળાના તડકા પર છૂટીછવાયી ગુલાબી ઠંડક વેરી દે છે. ઉનાળાના આરંભે કેસૂડાંના વૃક્ષને કેસરી કેસરી કૂંપળો ફૂટે છે, આસોપાલવનું વૃક્ષ લીલા રંગના જુદાજુદા ચારેક પ્રકારના શેડ્સ ધરાવતાં પર્ણો ખીલવે છે. બહારથી લીલા અને અંદરથી લાલ તરબુચ, મીઠી દ્રાક્ષની મીઠાશ ઈશ્વરીય વરદાનની જેમ આપણા જીવનમાં પ્રવેશે છે. પીળી મીઠી રાયણ, લીલવર્ણ આંબળા ને કેસરી સક્કરટેટી ઉનાળાને રંગીન બનાવે છે. જાહેર બગીચામાં ટહેલતી વખતે લીલાછમ ઘાંસ પર પડતાં ચરણ આહલાદક ઠંડક આપે છે તો લાલચટ્ટક ગુલમહોર આંખોમાં રાતાં હસીન સ્વપ્નો પૂરે છે.

થોડું થોડું ભલે, પણ ઉનાળાની બપોરે ગોરંભાયો છું
આછો ભલે, પણ મકાનનો નહિ; વૃક્ષનો પડછાયો છું

વયસ્ક ઉનાળો જરાજરા રૌદ્ર ખરો, પણ એની પણ એક આગવી મજા છે. ધૂણી ધખાવીને બેઠેલા કોઈ તપસ્વી માફક બપોરે સૂર્ય રાતોચોળ હોય અને પવન પણ કોઈ મર્દના છૂપાવેલા અશ્રુની જેમ લગભગ અદ્રશ્ય હોય ત્યારે શાળા કોલેજોમાં વેકેશન અને બળબળતી ગરમીને કારણે ધંધા-રોજગાર પણ અંશત: બંધ રહેતા હોય છે. આવી બપોરોના અનેકાનેક લાભ લેવામાં આવે. અમીર ઘરના બાળકો પોતાના વાતાનુકુલિત ઓરડામાં વિડીયોગેમ રમે, વિડીયો ફિલ્મ જૂએ અને મહિલાઓ કિટ્ટી પાર્ટીઓમાં મહાલે. સામાન્ય ઘરનાં બાળકો પત્તા કે કેરમ જેવી રમતોનો લુત્ફ ઉઠાવે અને અંતાક્ષરી રમી આખુંય ઘર ગજવે. આસ્ફાલ્ટના કાળા રસ્તા ખૂબ તપે અને આવા કનિષ્ઠ વાતાવરણમાં પણ કોયલ પોતાની મસ્ત અદાથી બોરસલી પર બેસી ટહૂકતી રહે. આઈસ્ક્રીમ, શરબતો અને સોફ્ટડ્રીંકનો વ્યાપાર ચરમસીમા પર પહોંચે અને રેફ્રીજરેટરની ઉઘાડબંધ પણ બમણી થાય !

...ઉનાળુ બપોરનો એક પ્રસંગ...

ધોમ-ધખતા તડકે

નીચા વળી ન શકે,

એવા એક વૃદ્ધના હાથમાંથી

પડી ગઈ લાકડી...

જોઈને એ

સૂર્ય સામે મચકોડી મોં,

ઘોળીને તડકો પી ગઈ

એક વાદળી...

હાથના નેજવે ઢંકાયેલી

ઝાંખી ઝાંખી આંખે દેખાઈ

દોડીને પાસે આવતી

નાની એક બાળકી...

ઉપાડી લાકડી

ગોઠવી ધ્રુજતા હાથ નીચે,

વૃદ્ધ ચહેરાના સ્મિતથી

એક કરચલી થઈ પાતળી...

અને ઉનાળાની સાંજ... શરમાતી લહેરનો પાલવ ઓઢી ઉનાળાની સાંજ લચીલી ચાલે આવે ત્યારે તમામ વૃક્ષો પર્ણો ખખડાવી તેને વધાવે. આ સૌન્દર્ય જોવામાં મગ્ન એવો સૂર્ય ક્ષિતિજે ઠેસ ખાય અને આખીયે ક્ષિતિજ કેસરી રંગથી રંગાય. બાલ્કનીઓમાં વાળું કરવા આખુંય ઘર એકઠું થાય અને અગાસીઓ પર રાત્રીરોકાણ માટેના ગાદલાં નખાય. ઉનાળાની રાત્રીઓ પણ અદભુત અને આહલાદક. સૂર્યએ આખોય દિવસ સ્વચ્છ કરેલા આકાશમાં ચમકતા તારાઓ મોડી રાત્રી સુધી જોયા કરવાની અનેરી મજા છે. અગાસીમાં સૂતા હોઈએ ત્યારે વહેલી સવારે પક્ષીઓના મધુર કલરવનું એલાર્મ નિયમિત રીતે સાંભળવાનો લ્હાવો અને તેને સ્નૂઝ નહિ કરી શકવાની મજા... !!

ઉનાળો એટલે ફળોના રાજા કેરીને આવકારવાનો અવસર, ઉનાળો એટલે અથાણાં બનાવતી મમ્મીએ મોઢામાં મૂકેલી ખટમીઠી ક્ષણો, ઉનાળો એટલે તીખા તમતમતા મસાલાની તીવ્ર ગંધ નાસિકામાં ભરવાનો સમય, ઉનાળો એટલે પશ્ચિમ-દક્ષિણથી વાતા વાયરે ભીના થવાની મજા, ઉનાળો એટલે માટલા પર વીંટાળેલા કાપડના ઠંડા સ્પર્શની અનુભૂતિ, ઉનાળો એટલે એક બરફગોળાને બે તરફથી ચૂસતા યૌવનનો ઉછાળો, ઉનાળો એટલે... ઉનાળો એટલે જ તો ચોમાસાનું ગર્ભ-સ્થાન.... !!

થાકી હારી હાંફી રહે છે ઉનાળો ત્યારે,

પાંખ પવનની પકડી, ચોમાસું આવે.

કુદરત દ્વારા પ્રાપ્ત થતું સઘળું પ્રેમપૂર્વક અપનાવી લેવાની વૃત્તિ ધરાવતા આપણા જેવા લોકો માટે તો ઉનાળો પણ એટલો જ વ્હાલો જેટલો ઋતુનો પ્રથમ વરસાદ. અને હાલના થોડાં વર્ષોમાં તો અમદાવાદ જેવાં શહેરોએ પણ ભરઉનાળે માવઠા અને કરાંવર્ષાની પણ લહેજત ઉઠાવી. ઋતુ-સંચાલનની કુદરતની આવી અનિયમિતતાથી કૃષિપાક વગેરેને નુકસાન જરૂર થયું પણ કુદરત સામે ક્યાં કદી કોઈનું ચાલ્યું !

...આપણે તો...

ભરઉનાળે વાદળ જોઈએ,

સાંજેય થોડાં ઝાકળ જોઈએ.

સૂકી આંખો નહિ રે ચાલે,

બંને બાજુ ઝળહળ જોઈએ.

લાગણી વહેવા લાગે ત્યારે,

ધરવા એક કાગળ જોઈએ.

પાનખરની સાવ વચાળે,

ફૂટેલો એક ફાગણ જોઈએ.

પત્ર સાંજનો ખોલું ત્યારે,

મારા નામે ટાંચણ જોઈએ.

મુખવાસ :

ભર-ઉનાળે આંખોમાં ભીનું ભીનું આંસુ આવે

કોઈ મોરલાને યાદ વીતી ગયેલું, ચોમાસું આવે

-સાકેત દવે