Pag-ni Pani-no Tal books and stories free download online pdf in Gujarati

પગની પાનીનો તલ

ડાબા પગની પાનીનો તલ

140 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી દોડતી રાજધાની એક્સ્પ્રેસ ટ્રેઇનના કોચ નંબર A6માં બેઠેલા પ્રતાપે ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળે બાઝેલા પ્રસ્વેદ-બુંદ લૂછ્યા. એસીની ઠંડક અને પાર પાડવામાં આવનાર દુષ્કૃત્ય તેના માટે રોજિંદુ કાર્ય હોવા છતાં પોતાને થયેલ નર્વસનેસ વિષે એ જરા વિચારી રહ્યો.

આમ તો દર વખતની જેમ તેનું આયોજન સંપૂર્ણ હતું અને કાર્ય જરા સરળ. જયપુર છોડ્યા પછીની ત્રીસમી મિનિટે સામેની બેઠક પર બેઠેલી અનન્યા નામની સ્ત્રીને ટ્રેઈનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દેવાની હતી. દેવમ નામના શખ્સ સાથે પત્ની અનન્યાની હત્યા માટે માતબર કહી શકાય એવી રકમનો સોદો થઈ ચૂક્યો હતો. ટ્રેઈનની આ અલાયદી કૂપે (કેબીન) હતી, જેમાં માત્ર એ બે જ વ્યક્તિ હતી. અન્ય બે ટિકિટ દેવમે ખોટાં નામથી ખરીદી ફાડી નાખી હતી. પ્રતાપ અત્યારે અનન્યા માટે એક જ ટ્રેઈનમાં સફર કરતો કોઈ અજનબી માત્ર હતો.

જયપુરથી આશરે અડધો કલાક થયો હશે ત્યારે પ્રતાપે દેવમને ટેક્સ્ટ-મેસેજ મોકલી કાર્ય શરૂ કરવાની સૂચના આપી. દેવમે પોતાના ઘરેથી પત્ની અનન્યાને ફોન જોડ્યો. યોજના અનુસાર દેવમે ફોનમાં અવાજ કપાતો હોવાનું બહાનુ કરી અનન્યાને કૂપેમાંથી બહાર નીકળી બોગીના દરવાજા પાસે જવાનું કહ્યું. અનન્યા પતિની સૂચનાને અનુસરી બોગીના દરવાજા તરફ જવા નીકળી. પ્રતાપ ધીમે પગલે તેની પાછળ થયો.

યોજનાના ભાગરૂપે પ્રતાપે સામાન્ય રીતે રાતે બંધ રહેતી બોગીનું એક તરફનું બારણું પહેલેથી ખોલી રાખ્યું હતું. ટ્રેઈનની ઝડપને લીધે બારણાંમાંથી વાવાઝોડા માફક પવન ફૂંકાઈ રહ્યો હતો. બોગીમાં અન્ય મુસાફરો મધ્યરાત્રીની મીઠી ઊંઘ માણી રહેલા ત્યારે પ્રતાપે અચાનક નજીક જઈ અનન્યાને ધક્કો મારી બારણાની બહાર ધકેલી. નાજુક બાંધાની અનન્યા ફંગોળાઈને ટ્રેઈનની બહાર ફેંકાઇ. પ્રતાપ ઝડપથી આવીને પોતાના સ્થાને ગોઠવાઈ ગયો અને પછીના સ્ટેશને ઉતરી ગયો. એક અઠવાડિયું તેણે શહેરમાં પાછા નહિ આવવાનું આયોજન પણ હતું જ. કાર્ય સરળતાથી પાર પડી ગયું હતું તેની દેવમને જાણ કરવામાં આવી.

બીજા દિવસની સવારે ટીવીમાં સમાચાર જોવાની દેવમ જેટલી તાલાવેલી શહેરમાં અન્ય કોઈને નહોતી. સમાચારમાં દર્શાવવામાં આવ્યું કે દિલ્હીથી બરોડા આવી રહેલી રાજધાની એક્સપ્રેસમાંથી ચાલુ ટ્રેઈને પડી જવાથી ત્રીસેક વર્ષની એક સ્ત્રીનું મૃત્યુ થયું હતું. ટ્રેઈનમાંથી પટકાયા બાદ અન્ય દિશામાંથી આવતી બીજી ટ્રેઈન તેની પર ફરી વળતા શરીર કપાઈને વિકૃત થઈ ગયું હતું.

સાંજે બે કોન્સ્ટેબલ આવી દેવમને ઘટનાના સમાચાર આપી ગયા. બીજા દિવસે પોસ્ટમોર્ટમની વિધિ બાદ અનન્યાનું મૃત શરીર દેવમને સોંપી દેવામાં આવ્યું. લાશ પર વીંટળાયેલું કાપડ મોઢાંના ભાગ પરથી દૂર થતાં અત્યંત ખરાબ રીતે ચૂંથાયેલો ચહેરો જોઈ દેવમ જરા હેબતાઈ ગયો. અને જરાવાર રહી શરીર અનન્યાનું જ હોવા અંગે એ ભારે સાશંક બન્યો. તેને વિચાર આવ્યો કે પ્રતાપ પણ કંઈ ઓછી માટીનો નહોતો અને પૈસા માટે એ બધું જ કરી છૂટે એમ હતો. કદાચ અનન્યા સાથે મળી અન્ય સ્ત્રીની હત્યા કરી તે રમત રમી ગયો હોય એ શક્યતાને દેવમ અવગણી શક્યો નહિ. આવનાર સમયમાં કદાચ પ્રતાપ પોતાની આ ચાલનો ગેરલાભ લઈ બ્લેક-મેઈલ કે અન્ય પરેશાની ઊભી કરી શકે તેવો સંશય પણ દેવમના મનમાં ઉદભવી રહ્યો. સમય જતાં શંકાએ ખાતરીનું સ્વરૂપ લેવા માંડ્યું પરંતુ દેવમને ચકાસણીનો કોઈ ખાસ માર્ગ નજર આવ્યો નહિ.

અચાનક દેવમને યાદ આવ્યું કે અનન્યાના ડાબા પગની પાની પર એક કાળો તલ હતો. એ પણ યાદ આવ્યું કે લગ્ન પહેલાં અને પછીના થોડા સમય સુધીના તેમના પ્રેમાલાપમાં એ તલ વિશેષ ભાગ ભજવતો. દેવમ ઘણીવાર એ તલને તેના પ્રેમનું કેન્દ્રબિંદુ કહેતો ને અનન્યા લજ્જાસહ હસી પડતી. ખાસ આકર્ષણના ભાગરૂપે પાનીના તલ પર બનાવેલી કેટલીક કવિતાઓ દેવમને યાદ આવી ગઈ. તેની ઘાતકી આંખોમાં જરા જરા ભેજ છવાયો.

ઘરમાં કોઈ નહોતું. લાશ પાસે ઊભડક બેઠેલા દેવમે ધ્રુજતા હાથે બાજુમાં પડેલી લાકડી લઈ લાશના પગ પાસેથી કપડું હટાવ્યું. વિકૃત થઈ ગયેલા આખાય શરીર સાથે ડાબા પગની પાની પરનો કાળો તલ હેમખેમ દેખાઈ આવ્યો. લાશ અનન્યાની જ હતી તેની ખાતરી થઈ. દેવમનો ચહેરો પરસેવાથી નીતરી રહ્યો. દુષ્કૃત્ય અચાનક તેને આભડી ગયું હોય એમ એ બેસી પડ્યો. સહસા એને અનંત નિરાશા ઘેરી વળી. દામ્પત્યના એક અરસાનો તમામ મીઠો સમય તેની આંખ આગળ આવી ઝળહળી રહ્યો. બે હથેળી વચ્ચે મોઢું મૂકી ક્રૂર દેવમ નાના બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.

જરાવાર પછી થોડું સ્વસ્થ થતાં દેવમે નિર્ણયાત્મક બની ટેલીફોન ઉપાડ્યો અને પોતાના આ જઘન્ય કૃત્યની જાણ કરવા પોલીસને ફોન લગાડ્યો ત્યારે પવનની લહેરખી આવી લાશ પરનું સફેદ કપડું ડાબા પગની પાની પર ઓઢાડી રહી હતી.

-સાકેત દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED