Dikri Laghu Kavyo books and stories free download online pdf in Gujarati

દીકરી : લઘુકાવ્યો

લઘુકાવ્યો : દીકરી

૧) પ્રથમ વરસાદ...

હું ને મારી દીકરી...

છેલ્લા કેટલાય દિવસોથી

રોજ સવારે એક કાગળ લેતા,

ને સાંજે તેનું વિમાન બનાવી ઉડાડી દેતાં...

આજે અમે,

વિમાનને બદલે

કાગળની હોડી બનાવી છે...

૨) શાતા...

આખો દિવસ

દુનિયા આખીનો ઘોંઘાટ સાંભળ્યે રાખ્યો હોય

એ પછી,

સાવ શાંત સાંજે

હિંચકે બેઠેલા મને આવી

દીકરી પૂછે,

“પપ્પા, એક નવી પ્રાર્થના શીખી... ગાઉં ?”

ત્યારે,

કાનની સાવ સૂકી વાવમાં

ઋતુની પ્રથમ વર્ષાનું જળ

ટપક-ટપક ટપકી શાતા આપતું હોય એમ લાગે...

૩) ...એક મૂક સંવાદ...

“જમ્યા પછી હું આજે કોની ઉપર પાણીના છાંટા ઉડાડીશ ?”

“આજે કોણ નહાવા બેઠું હશે ત્યારે,
હું બાથરૂમની લાઈટ બંધ કરી દઈશ ?”

“આજે ઓફિસેથી આવીને બારણા પાછળથી,
કોને હું સીટી મારી બોલાવીશ ?”

“આજે કોના વાળમાં ભરાઈ ગયેલું ફ્રોકનું હૂક,
હું જાળવીને કાઢી આપીશ ?”

વેકેશનમાં એક મહિનો મામાના ઘરે જતી દીકરીને

મેં આ તમામ પ્રશ્નો,

પ્લેટફોર્મ પર ઊભા રહી,

ટ્રેઈનની બારીના અર્ધપારદર્શક કાચમાંથી

આંખો દ્વારા પૂછી લીધા...

૪) વ્હાલપ...

સ્કૂલે જતા સમયે દીકરીએ પૂછ્યું,

“પપ્પા, કયું ફૂલ સૌથી વધુ સુગંધી ?”

“જે તું માથામાં નાખે એ જ...”

“કેમ ?”

“કારણ...
તું આમ સ્કુટરમાં આગળ ઊભી રહે એટલે, આખોય આ રસ્તો મને સુગંધથી ઉભરાયેલો લાગે...

“ને પપ્પા, પાછા આવતી વખતે ?”

“ફૂલ જરી જરી કરમાયા હશે, પણ એની સુગંધ તો
તારી આવી બધી વાતો જેટલી તાજી જ હશે બેટા....

૫) ચાલ દીકરી...

વસંતે વસંતે કુંપળ બની મ્હોરીએ,

ને હોય પાનખર તો ધીરેથી ખરીએ.

આખીયે દુનિયામાં ફેલાયા સુખો,

જરા જરા કરી એ ખિસ્સામાં ભરીએ.

૬) ...ખાલી ખિસ્સું...

એક રોજીંદો નિત્યક્રમ એવો કે દીકરીને સ્કુલે લેવા જઉં ત્યારે ઘરેથી ખીસામાં શિંગ-ચણા/ચોકલેટ/બોર /સૂકી દ્રાક્ષ-કંઈક લેતો જઉં,

ને સ્કુલેથી છૂટતી વખતે તેને આપું. આજે ઉતાવળમાં ભૂલી ગયો, જરા અફસોસ થયો. દીકરીએ મારી હળવી અસ્વસ્થતા જોઈ બનાવને પોતાને હસ્તક લીધો.

મને કહે, “પપ્પા, ચિંતા ન કરો,

તમે કંઈ લાવ્યા ન હોવ તો મને

એક પપ્પી આપી દો ખાલી...”

હવે વાત એમ છે કે...

હું અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણવાર, દીકરીને શાળાએ લેવા, ખાલી ખિસ્સે જવાનો છું...

૭) ...સમય સમયની એક વાત...

“ચાલ બેટા, ઊભી થા હવે

અને કામ કરવા દે મને...”

દીકરીને ખોળામાંથી ઉઠાડતી વખતે

અચૂક વિચાર આવી જાય કે,

વર્ષો પછી જ્યારે

સાવ નવરાશની ક્ષણોના ટોળા વળગેલા હશે,

એક નજર એને જોવાના તલસાટ સળગેલા હશે,

ત્યારે,

દીકરી દૂર-સુદૂરની કોઈ દુનિયામાં

આમ જ મારો ખોળો શોધતી હશે....

૮) ...મિડલ-ક્લાસ ખુશીઓ...

“વીજળીનું બિલ ભરવાની કાલે છેલ્લી તારીખ,

ને પગાર દસમીએ થવાનો...;

પપ્પાને હમણાંથી વધુ થાક લાગે છે, કાલે બ્લડ પ્રેશર ચેક કરાવી લઈએ...
;

ફલાણા છોકરાના પપ્પાને દાખલ કર્યા છે, ફી નહિ આપી શકે....

સમી સાંજે,

નાની એવી અમારી દુનિયાની

મોટી મોટી વિટંબણાઓ લઈને બેઠાં હોઈએ ત્યારે....

દીકરી આવી ખાલી એટલું જ કહે,

“મમ્મી.... પપ્પા... આ પઝલ-ગેઈમમાં જુઓને,

હાથીનું માથું સેટ નથી થતું... કરી આપો...”

અને,

અમે જિંદગીના પ્રશ્નો ક્ષણિક એક-તરફ મૂકી

દીકરીના પ્રશ્નને પ્રાણપ્રશ્ન બનાવી લઈએ...

૯) ...ખામોશી...

મા-બાપના જીવનની,

જીરવવી અઘરી,

એવી એક પળ એટલે...

બરોડાથી બોસ્ટન વળાવી હોય

એવી દીકરીના,

"હું સુખી છું" શબ્દો પછી

ફોનના બન્ને છેડા પર ફરી વળતી

ટૂંકી ખામોશી....

૧૦) ...એક શામ, તેરે નામ...

“સવારે તમે મને કહેલું ને પપ્પા કે, કંઈજ એઠું નહિ મુકવાનું... આ તમારી વાટકીમાં થોડોક સાંભાર છે
, પી જાઓ ચાલો....”

“મને પાવડર છાંટી આપશો પ્લીઝ ?”

“રાતે મારા માથામાં બક્કલ ના નખાય, વાગે... રબ્બર નખાય.... તમે પણ ને પપ્પા...

“મમ્મા રોજ સૂતી વખતે માથે હાથ ફેરવે છે...તમને આવડશે?”

(પત્ની વગરની અને) દીકરી સાથેની એક સાંજની પૂર્ણાહુતિ..

૧૧) ...દૂરગત...

દર ત્રીજા પગલે

એ પાછું વળી વળીને જુવે,

હાથ વેવ કરી ‘આવજો’ કરે,

ધીમે ધીમે અંતર વધતું જાય,

ને પછી

ઘણાં લોકો આવી ગોઠવાતા જાય

મારી અને દીકરી વચ્ચે,

આંખ આગળ

ઝાંખપ ન આવી જાય ત્યાં સુધી.....

૧૨) ...જાંબલી ફુગ્ગો...

“પપ્પા, મમ્મી ક્યાં ગઈ ?”

“બેટા... એ સ્ટાર બની ગઈ....”

“એ તો તમે કહ્યું, પણ એટલે ક્યાં ગઈ ?”

“બહુ જ દૂર બેટા...”

“પાછી ક્યારે આવશે ? મને નથી ગમતું મમ્મી વગર...”

“હા બેટા... આવશે... ચાલ, તને બલૂન અપાવું...”

દીકરીએ ત્રણ ફુગ્ગા ખરીદ્યા....

“પિંક મારો... આ બ્લ્યૂ તમારો પપ્પા... ને પર્પલ મમ્મીનો... એ આવે ત્યારે આપીશ...

અને એજ જ ક્ષણે, જાંબલી ફુગ્ગાના અચાનક ફૂટી ગયા પછી
,

બાપ-દીકરી ધીમા પગલે ઘર તરફ ચાલી નીકળ્યા....

૧૩) દિવાળી...

એક સાંજ ઊંઘી રહી છે

મારી દીકરીની આંખમાં…

અને એ જાગી ન જાય એટલે,

સળગેલો ફટાકડો જોઈ

તે કાન બંધ કરી દે છે...

૧૪) ટાટા...

બાલમંદિર જતી દીકરીને
ગાડી દેખાતી રહે ત્યાં સુધી “ટાટા” કર્યા પછી
એણે,
વૃક્ષેથી અટકી અટકીને

આંગણે ખરી ગયેલા
લીલા પાંદડા ઝડપથી વીણી લીધા.....

૧૫) ...પરણેલી દીકરીનો એક મેસેજ...

વ્હાલા પપ્પા,

યાદ આવે છે કે,

ટ્યુશનમાં મુકવા આવતી વખતે

ભારે ભીડવાળા રસ્તાની એક તરફ તમે મને ઉતારી,

બીજી તરફ હું સહીસલામત પહોંચી જઉં ત્યાં સુધી રાહ જોતાં....

રસ્તાની પેલે પાર પહોંચી

આપણે સંતોષભર્યા સ્મિતની આપ-લે કરી છૂટાં પડતા...

આજે,

એવો જ ભીડભાડ વાળો રસ્તો છે જિંદગીનો,

બસ,

સામે છેડે દૂરદૂર સુધી તમે નથી દેખાતા પપ્પા.....

૧૬) ...થોડાંક વારસાનું સ્થાનાંતરણ...

અમે નક્કી કર્યું કે...

“રોજ સ્કુલે મુકવા આવું ત્યારે,

હું પ્રાર્થના ગાઈશ, તને ન આવડે તો,

તારે સાંભળવાની, શીખવાની...”

શરૂઆતમાં હું મોટેથી ગાઉં, ને એ સાંભળે,

પછી,

થોડાં શબ્દો આવડ્યા, ગણગણવા લાગી...

તે પછી,

એણે મોટેથી ગાવાનું શરુ કર્યું,

ને હું સાથે ગણગણવા લાગ્યો...

હવે,

દીકરીને પ્રાર્થના પાક્કી આવડે છે,

હું મૌન છું....

૧૭) ધ્વનિ...

તમને કયો ધ્વનિ સૌથી વધુ ગમે ?

“તમારા પ્રિય ગાયકે ગાયેલું ગીત ?” “ના”

“તમારાં વ્હાલા કલાકારે બોલેલો ડાયલોગ?”“ના”

“પ્રિયતમા કે પત્નીએ કરેલું સંબોધન ?”“ના”

“મોરનો મીઠો ટહૂકો?”“ના”

“મોડી સાંજે થયેલો પંખીનો કલબલાટ?”“ના”

તો ?

“દીકરી બાલમંદિરથી છૂટીને દોડેને મારી તરફ,

ત્યારે,

તેના ખાલી ડબ્બામાં થતો, પેલી ચમચીનો ખખડાટ.....”

૧૮) …કીસ…

તો આખોય દિવસ, મઘમઘતો જવાની પ્રોમીસ હોય

આંખ ઉઘડે એ પહેલા દીકરીએ આવી કરેલી કીસ હોય

આખી દુનિયા પજવ્યા કરતી હોય એમ લાગે ત્યારેય,

દીકરીની આંખમાં ભીંજાયેલી એક મીઠાશ ફિક્સ હોય

૧૯) ઓઝલ...

આજે એ કૈંક વધુ ખૂબસૂરત લાગતી હતી.

મેં ગાડીનો દરવાજો ખોલી તેને હાથ પકડી નીચે ઉતારી, તેનો સામાન તેના હાથમાં સોંપ્યો અને વિદાય આપી.

છૂટા ન પડવાની બાબતમાં અમારા બંનેના મનની સ્થિતિ એકસમાન હતી, છતાં મેં સ્મિતભર્યા હોઠ સાથે હાથ ‘વેવ’ કરી આવજો કહ્યું....

દીકરી પગથીયા ચડી ગઈ, મને ચિંતા હતી કે ભીંજાયેલી આંખે વારંવાર પાછળ જોઈ આવજો કરવામાં એને પગથીયે ઠેસ ન લાગે, પછી વિચાર્યું, હવે એ તમામની ચિંતા એણે જાતે કરવી જોઈએ ને....

વેલ અને વૃક્ષો વચ્ચે આવતા હોવા છતાં, એ દેખાતી બંધ થઇ ત્યાં સુધી અમીટ દ્રષ્ટિએ એને નિહાળ્યા કર્યું....

અને ત્યારે,

.

મારા ખભે હાથ મૂકી સિક્યોરીટીવાળા ભાઈએ કહ્યું, “સાહેબ, સાંજે આવી જશે પાછી, દીકરી સ્કુલે ગઈ છે, સાસરે નહિ....”

૨૦) ઊંડા અંધારેથી...

અંધારું.....
પરમ દિવસની મધરાત, ગાજવીજ, મુશળધાર વરસાદ...
મારી પાંચ વર્ષની દીકરી જાગી ગઈ,
મને કહે, “પપ્પા, મને અંધારાથી બીક લાગે છે...”

હું એને બાલ્કનીમાં લઇ ગયો, ખૂબ સુંદર/શાંત વાતાવરણ હતું,
અંધકારનું મહત્વ સમજાવ્યું....
- અંધારું એકદમ ચોક્ખું હોય છે.
- અંધારું શાંત હોય છે.
- અંધારામાં વરસાદ ભળે ત્યારે રાતની સુંદરતા વધી જાય છે.
- અંધારાને લીધે જ આ સામેનો રસ્તો ઉંઘી શકે છે.
- અંધારાનો કોઈ ફોટો પાડી શકતું નથી, અનુભવવું જ જરૂરી બને છે.

ખબર નહિ, આ બધી વાતો એને સમજાઈ કે નહિ, પણ તકલીફ આજે સવારે થઇ, જ્યારે મેં એને પ્રાર્થનામાં સંભળાવ્યું ને સમજાવ્યું...
“ઊંડા અંધારેથી પ્રભુ-પરમ તેજે તું લઇ જા.....”

પ્રશ્ન એ હતો કે, “પપ્પા, અંધારું આટલું સરસ છે, તો પ્રકાશ તરફ કેમ જવાનું ?”

૨૧) દીવાદાંડી.....
અતિ મહત્વના કોઈ કામે હું વળગેલો હોઉં,
ને
બે કુમળા હાથ આવીને
મારો શર્ટ ખેંચવા લાગે ત્યારે,.

મારા આખાયે અસ્તિત્વના
છત્રીસ લાખ વહાણોના કાફલા
એને દીવાદાંડી સમજી ચાલી નીકળે છે....

૨૨) હળવાશ...

દીકરીના સાસરે ગયાના

બીજા જ દિવસથી
દાદરના એક-એક પગથીયા

સતત કરે ફરિયાદ,
ઝાંઝરના હળવા થયેલા ભારની.....

૨૩) જીવન એટલે...

હાથની એ પહેલી આંગળી,
અને,
જોડાયેલું દીકરીનું આખુંયે અસ્તિત્વ.....

૨૪) માએ કઠણ-હૃદયે સ્તબ્ધ બાપ સાથે કરેલો એક સંવાદ :
"ના,
આ ડોક્ટર નથી, ગોર મહારાજ છે.
આ તમારો રીપોર્ટ નથી, પંચાંગનું કેલેન્ડર છે.
તમારી કોઈ કોરોનરી આર્ટરી બ્લોક નથી થઇ, ખાલી આ તો....
.
.
.
.
.
......દીકરીના લગ્નની તારીખ નક્કી થઈ છે...."

૨૫) વિટંબણા...

દુનિયાભરમાં

અનેક વિટંબણાઓ ભલે હોય,

મારી દીકરીને રસ્તે ચાલતા

એક જ ચિંતા હોય છે.....
.
બસ, પપ્પાની આંગળી છૂટી ના જાય....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED