આખરી ઈચ્છા Saket Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરી ઈચ્છા

કોલમનું નામ : મંથન

લઘુકથાનું નામ : આખરી ઈચ્છા

“સવારે જ તો ઇન્જેક્શન આપેલું, અત્યારે ફરી ?” પત્નીએ ઊંડી ઉતરી ગયેલી આંખોમાં પ્રશ્ન ભરી એની સામે જોયું.

“હા... ડૉક્ટરે કહ્યું છે...” એણે ટૂંકમાં પતાવ્યું.

“રસોઈવાળા બહેને ટેબલ પર જમવાનું ઢાંકીને મુક્યું છે, જમી લેજો...”

એણે ખાનામાંથી સિરિન્જ કાઢી અને ખિસ્સામાંથી બહાર કાઢેલી કાચની કેપ્સ્યુલમાંથી પ્રવાહી ખેંચી ઇન્જેક્શન ભર્યું. પત્નીને માથે હાથ ફેરવી તેણે કહ્યું, “જરાક જ દર્દ થશે હવે...”

પત્નીના જમણા હાથની ધોરી નસમાં જરા ધ્રૂજતા હાથે ઇન્જેક્શનની દવા ભર્યા પછી જ્યારે પત્નીની આંખ ઘેરાવા લાગી ત્યારે એ બાલ્કનીમાં આવીને ખુરશી પર બેઠો. એક ઊંડો શ્વાસ લઇ તેણે સિગરેટ સળગાવી. જમવાની વાત તો બહુ દૂરની હતી, આજની આખી રાત ઊંઘ પણ નથી આવવાની તેની એને ખાતરી હતી.

“જુઓ મિસ્ટર... આ કેપ્સ્યુલમાં ખૂબ કાતિલ ઝેર છે. એક ડૉક્ટર તરીકે હું તમને આ ન આપી શકું ક્યારેય... એક મિત્ર તરીકે આપું છું. વિચારી લેજો હજીયે...”

ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે હવે કાલે સવારે પત્ની ઊંઘમાંથી જાગશે નહિ. માત્ર હોઠ અને નખ જરા કાળા પડી ગયા હશે. ડૉક્ટરે ડેથ-સર્ટીફીકેટ તૈયાર રાખ્યું હશે. તાત્કાલિક અંતિમ સંસ્કાર કરી નાખવા માટે ખાસ મિત્રને અછડતી સૂચના પણ આપી રાખેલી. આમેય નજીકનું કહી શકાય એવું બીજું કોઈ ક્યાં હતું...

સિગારેટના ફૂંકેલા ધુમાડામાં તેણે નવપરિણીત પત્નીનો ચહેરો વંચાઈ રહ્યો. બહુ જૂનો ભૂતકાળ નહોતો. પરણીને આવ્યાના ચાર મહિનામાં પત્નીનો ખોરાક ઓછો થઈ ગયેલો ને નાનાં-નાનાં કાર્યોમાં અશક્તિ લાગતી. ડૉક્ટરને હાડકાના દુખાવાની પણ ફરિયાદ કરેલી એ તેને યાદ આવ્યું. ચોથી મુલાકાતમાં ડૉક્ટરે લોહીની તપાસ કરાવવાની સલાહ આપેલી. અને રીપોર્ટ લઈ મોટા ડૉક્ટરને બતાવવાનું કહ્યું હતું.

“જુઓ મિસ્ટર મેહતા, અમારી ભાષામાં આ રોગને ‘એક્યુટ માયેલોસાયટિક લ્યૂકેમિયા’ કહે છે. અને તમારી ભાષામાં કહું તો ‘લોહીનું કેન્સર’. રોગ જ એવો છે જેમાં કોષ-વિભાજન ખૂબ ઝડપથી થાય છે. લિમ્ફોસાઈટ પ્રકારના શ્વેતકણો બનવાની પ્રક્રિયા ધીમી પાડી અટકાવી નાખવામાં આવે છે અને આ રોગ આપણને ક્યારેય વધુ સમય આપતો નથી. તબીબી વિજ્ઞાન આગળ વધી ગયું છે, આપણે પૂરતા પ્રયાસો કરવાના છે પણ હું તમને અંધારામાં રાખવા માંગતો નથી.” ડૉક્ટરે શક્ય એટલી હળવાશથી કહેલું ને એ સ્તબ્ધ બની સાંભળી રહેલો.

ત્યાર પછીનો સમય બહુ ઝડપથી વીતેલો. શરૂઆતમાં દવાઓ, પછી ઈન્જેક્શનો અને અંતમાં કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી. સરળ એવા પતિ-પત્ની માનસિક રીતે ભાંગી પડેલાં. મિસિસ મેહતાનું સ્વાસ્થ્ય કથળતું રહેલું, વાળ ઉતરી ગયેલા, આંખો ઊંડી ઉતરી ગયેલી ને ઘણીવાર લોહીની ઉલટીઓ થતી.

નિદાનના ચારેક મહિના પછી એક સાંજે પાસે બેઠેલા પતિને પત્નીએ આંખોમાં અંધારું ભરી સાવ કૃશ સ્વરે કહેલું, “હવે સહન નથી થતું.... કંઈક કરો ને પ્લીઝ... મને છોડાવો આ દર્દમાંથી... મારી આખરી ઈચ્છા સમજીને...” ને બંને ખૂબ રડેલાં એ રાતે...

બાલ્કનીમાં બેઠેલા મિસ્ટર મેહતાની આંખો ભીંજાઈ. પત્નીની આખરી ઈચ્છા પૂર્ણ થવા આડે હવે માત્ર થોડાં કલાક હતા. બાલ્કની બહાર એક વૃક્ષ પરથી પીળાં પર્ણો ખરી રહ્યાં હતાં અને વસંત દૂર દૂર સુધી દેખાતી ન હતી. નહિ પિવાયેલી સિગારેટ પૂરી થઈ ટેરવાંને દઝાડી રહી હતી...

-સાકેત દવે