દુપટ્ટો Saket Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

દુપટ્ટો

કોલમનું નામ : મંથન

લઘુકથાનું નામ : દુપટ્ટો

“એય છોડી.... સમજી લેજે તું... માન-મર્યાદામાં રહેતા ન આવડતું હોય તો ચાલી જજે પાછી તારે શહેર...”

વિદ્યા આમ તો ગામની જ દીકરી હતી. અનાથ હોવાના કારણે તેના વૃદ્ધ દાદાએ ક્યાંકથી શિષ્યવૃત્તિ અપાવેલી અને એ શહેરમાં જઈ કોલેજમાં ભણી આવેલી. વતનપ્રેમ હશે કે શું ખબર નહિ પણ ભણ્યા પછી એણે ફરી ગામમાં આવી અને સરપંચની મંજૂરી લઇ વર્ષોથી બંધ પ્રાથમિક શાળા શરૂ કરાવી. સરકારી ગ્રાન્ટ મળતી હોવાથી પગારનો પ્રશ્ન નહોતો અને ઘેર-ઘેર ફરી ગ્રામવાસીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પચાસેક બાળકોને ભણવા તૈયાર કરેલાં.

શાળા જ્યાં બરાબર ચાલતી થઇ ત્યાં જ એક દિવસે ગામના વડીલ અને હવે જરા ઓછું સાંભળતા કરસનકાકાએ આવીને શાળાના પ્રાંગણમાંથી જ બૂમ પાડી,

“એય છોડી.... સમજી લેજે તું... માન-મર્યાદામાં રહેતા ન આવડતું હોય તો ચાલી જજે પાછી તારે શહેર...”

વર્ગ છોડીને વિદ્યા દોડી આવી, “અરે કરસનદાદા, શું થયું ? કેમ આમ કહો છો ? શું કર્યું મેં ?”

“આ કેવાં લૂગડાં પહેર્યાં છે તે.. કંઈ શેહશરમ જેવું છે કે નહિ ?”

“અરે દાદા, આને પંજાબી ડ્રેસ કહે છે. દાદા, માફ કરજો પણ સાડી કરતાં તો આમાં વધુ અંગ ઢંકાય અને પહેરવામાં પણ અનુકૂળતા રહે.”

“એય છોડી... આ ઉંમરે તું મને શિખવાડીશ એમ... કે મર્યાદા કોને કહેવાય ? અને જો તારા આ ડરેસ ઉપર એકેય લૂગડુંય ક્યાં તેં ઓઢ્યું છે...”

“અરે દાદા... નાના નાના બાળકોને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપતી હતી એટલે જરા દુપટ્ટો કાઢીને બાજુએ મુકેલો. હાલ ઓઢી લઉં છું...”

“ના છોકરી... જો તને કહી દઉં છું. કાંતો સરખો સાડલો પહેરવાનું ચાલુ કર ને નહિ તો ગામ છોડી ચાલી જા. મારે પંચને વચ્ચે લાવી આકરાં પગલાં લેવાં ના પડે તેનું ધ્યાન રાખજે...”

વિદ્યા સમસમી રહી. તેણે જોયું કે કરસનકાકાનો છોકરો અરજણ જરાક જ દૂર ઝાડ પાછળ ઊભો-ઊભો લુચ્ચું હસતો હતો. તેને ખબર પડી ગઈ કે કરસનકાકાની કાનભંભેરણી અરજણે જ કરી હતી. અરજણ ગામનો ઉતાર હતો અને છેડતીની કોશિશ બદલ વિદ્યાએ એકવાર તેને તમાચો પણ રસીદ કરેલો. તેનો બદલો લેવા માટે હવે સારો મુદ્દો અરજણના હાથમાં આવ્યો હતો.

કરસનકાકાએ ઘણું કહેવા-ના કહેવાનું કહ્યું ને ગામ આખું ભેગું થયું. વિદ્યાએ પોતાની પાસે સાડી ન હોવાનું કહી થોડો સમય માંગ્યો અને ભીની આંખે શાળાએથી ઘર તરફ ચાલી નીકળી.

બીજા દિવસે સવારે જ્યારે વિદ્યા પોતાના ઘરેથી નીકળી ચાલતી શાળાએ જતી હતી ત્યારે અરજણ મોટર-સાયકલ પર ધમધમાટ કરતો નીકળ્યો અને વિદ્યા પાસેથી પસાર થતા હોર્ન વગાડી મોટેથી સીટી મારતો પસાર થયો. વીસેક મીટર આગળ જતાં જ આ બધી ચેષ્ટાઓના પરિણામે તેનું સંતુલન બગડ્યું અને મોટરસાયકલ સાથે પડ્યો. પડતાંની સાથે તેનું માથું રસ્તાને છેડે આવેલા પથ્થર સાથે ધડાકાભેર અથડાયું ને અરજણે ચીસ પાડી. એ ઊભો થવા ગયો પણ ત્યાં જ આંખે અંધારાં આવવાથી ફરી ઢળી પડ્યો.

વહેલી સવારનો સમય હોવાથી રસ્તા પર ખાસ કોઈ વસ્તી નહોતી પણ થોડા ગામવાસીઓ આસપાસથી દોડી આવ્યા. અરજણ બેહોશ બની પડ્યો હતો અને માથામાં પડેલા ઊંડા ઘામાંથી લોહી દદડી રહ્યું હતું. થોડી જ ક્ષણોમાં માથા પાસેની રેતી તાજા લોહીના ભળવાથી કાળી પડી જતી દેખાતી હતી. વિદ્યા પણ ઝડપી પગલે ત્યાં આવી પહોંચી અને અરજણની હાલત જોઈ જરા સ્તબ્ધ બની. અચાનક બની ગયેલી દુર્ઘટનાથી અબૂધ ગ્રામવાસીઓને શું કરવું તેની કાંઈ સમજ પડી નહિ.

અરજણની છાપ આમ પણ ગામમાં સારી ન હતી. એકઠાં થયેલાં ગામવાસીઓ જરા દૂર ઊભા રહી ગુસપુસ કરવા લાગ્યા. વિદ્યાએ તરત જ છાતી પર ઓઢેલો પોતાનો દુપટ્ટો ઉતાર્યો અને અરજણના ઘા ઉપર બાંધી દીધો. ગામવાસીઓ ફાટી આંખે તેને તાકી રહ્યાં. વિદ્યાએ બૂમ પાડી કહ્યું, “જોઈ શું રહ્યા છો બધાં... જાઓ જલ્દી કોઈ વાહન લઇ આવો, આને દવાખાને લઇ જવો પડશે.” કોઈક દોડતું જઈને પોતાનો ટેમ્પો લઇ આવ્યું. વિદ્યાની મદદથી અરજણને ઊંચકીને ટેમ્પામાં મૂકવામાં આવ્યો. ટેમ્પો દસેક કિલોમીટર દૂર આવેલા દવાખાના તરફ આગળ વધ્યો.

કરસનકાકાને ઘટનાની જાણ થઈ. એ દોડાદોડ દવાખાને પહોંચ્યા ત્યારે અરજણની સારવાર પૂરી થઇ ગયેલી. ડોક્ટરે કહ્યું કે અરજણ હવે ભયમુક્ત છે પણ જો તેને માથે પાટો બાંધવામાં ના આવ્યો હોત અને દવાખાને લાવવામાં વાર થઇ હોત તો લોહી વહી જવાને કારણે તેનું બચવું મુશ્કેલ હતું. ખુલ્લા મોઢે ને ફાટી આંખે કરસનકાકા એ સાંભળી રહ્યા.

….કેસરિયા રંગની સાડી ઓઢીને સાંજ ગામમાં પગરવ માંડી રહી હતી ત્યારે વિદ્યા પોતાનો સામાન બાંધી ગામ છોડવાના નિર્ણય સાથે તેના નાના એવા ઘરમાંથી બહાર આવી રહી હતી. તેણે જોયું કે કરસનકાકા પોતાની પાઘડી હાથમાં રાખી ચોધાર વહેતી આંખે બે હાથ જોડી ઘરની બહાર ઊભા હતા...

-સાકેત દવે