Manthan - Vartao Bhag 1 Saket Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

Manthan - Vartao Bhag 1

મંથન

સાકેત દવેCOPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

લાલ ફ્રેમવાળાં ચશ્માં

“જો બેટા, આજે તારા માટે નવા ચશ્માં કરાવી લાવ્યો છું. તેં કહેલું ને, કે તને લાલ ફ્રેમવાળાં ચશ્માં બહુ ગમે છે, તો જો... એવાં જ કરાવ્યાં છે.” ફૂલ વેચનારા કિશને તેની બાર વર્ષની દીકરી જુઈને ચશ્માંનું કવર આપતાં કહ્યું.

“અરે વાહ... લાવો પહેરી જોઉં... કહો તો, કેવાં લાગે છે ?”

“સરસ લાગે છે, પણ સાચવજે હવે, ગયા વખતની જેમ જોજે ઠેસ લાગે ને તૂટી ન જાય...”

“હા પપ્પા, શું કરૂં ? એક તો આ આપણી શેરીનો ઉબડખાબડ રસ્તો ને એના પર બેફામ ચાલતાં આ વાહનો... એમાં ધ્યાન ન રહ્યું...”

જુઈ ચશ્માં પહેરી, ટોપલો ઉઠાવી ઘરેથી નીકળી અને શેરીને નાકે આવેલા ફૂટપાથ પર ફૂલો વેચવા બેઠી. થોડી જ વારમાં એક વૃદ્ધ લાકડીના ટેકે ચાલતા તેની પાસે આવી પહોંચ્યા, ને ધીમે અવાજે બોલ્યા,

“દીકરી... આજે મારા લગ્નની પંચાવનમી તિથિ છે, એક સરસ ગુલદસ્તો બનાવી આપ મારી પત્નીને આપવા માટે... અને મને ઉંમરને લીધે જરા ઓછું દેખાય છે તો કયાં પુષ્પો ગુલદસ્તામાં ઉમેરે છે તે કહેજે મને જરા...”

“હા જરૂર... જુઓ દાદા... સૌથી પહેલાં તો હું આછા કથ્થાઈ રંગની વાંસની ટોપલીની ધાર ફરતે લીલી અને પીળી પાતળી મુલાયમ રીબન વીંટાળીશ. પછી જેની સુગંધ માત્રથી દાદી ખીલી જાય ને, એવા આ સફેદ રંગના મોગરાની કળીઓ બિછાવીશ.”

“અરે વાહ છોકરી... તને તો ટોપલીની સજાવટ સરસ આવડે છે ને...” વૃદ્ધે છોકરીના ઉત્સાહને વેગ આપવા કહ્યું.

“હા દાદા... પપ્પાનું જોઈ-જોઈને સજાવટ શીખી છું...”

ચાલો હવે આ લવન્ડર અને સફેદ રંગના ઓર્ચિડ અને તેની સાથે જાંબલી કિનાર ધરાવતાં સફેદ પુષ્પો ગોઠવી દઉં.

દાદીને શું પસંદ છે એ તો કહો દાદા...”

“એને સૂર્યાસ્ત ઘણો પસંદ છે બેટા...” દાદા માટે હવે આ માસુમ પણ હોંશિયાર છોકરી આત્મીય થવા લાગી હતી.

“ખૂબ સરસ... તો હું ડૂબતા સૂર્યના રંગના આ કાર્નેશન ફૂલો આમાં ઉમેરી દઉં છું. અને સાથે ભૂરી અને સફેદ રંગની ટેટસની સેર પણ મૂકું છું. રજનીગંધાના સફેદ પુષ્પો વગર તો કોઈપણ પુષ્પ-છાબ અધૂરી જ લાગે... બરાબર ને ?”

“બરાબર...” દાદાએ સ્મિત સાથે કહ્યું.

“અને અંતમાં તમારા બેના અનંત પ્રેમના પ્રતીક એવા આ લાલ ગુલાબ અને લીલીના ગુલાબી ફૂલ રહી જાય એ તો કેમ ચાલે... લ્યો દાદા, આ તમારી પુષ્પ-છાબ તૈયાર...”

નાની એવી ઠાવકી છોકરીની ગ્રાહકને પ્રભાવિત કરવાની કળા વિષે દાદા વિચારી જ રહ્યા હતા, ત્યાં જ દોડીને આવેલા કિશને હાંફતા-હાંફતા જૂઈને કહ્યું, “ચાલ બેટા, જલ્દી કર... આપણે જેની રાહ જોતાં હતા એ ઘડી આવી ગઈ લાગે છે. સરકારી અસ્પતાલથી ડોક્ટર-કાકાનો ફોન હતો, તાત્કાલિક બોલાવ્યા છે આપણને... અકસ્માતમાં મૃત્યુ પામેલા કોઈની આંખ તને આપવાની વાત કરતા હતા. તારી આંખોનો આ અંધકાર હવે કદાચ જલ્દી દૂર થવાનો દીકરા...” કહેતા કહેતા કિશનને ગળે જરા ડૂમો બાઝ્‌યો, જે તેણે ખોંખારો ખાઈ દૂર કર્યો.

કાળી આંખોમાં દરિયા જેટલી અપેક્ષા લઈ જુઈએ વેરાયેલા ફૂલ ઝડપથી ભેગાં કર્યાં, લાલ દાંડલીવાલા કાળાં ચશ્માં ચડાવ્યાં અને ઝડપથી કિશન સાથે ચાલી નીકળી ત્યારે જુઈના અંધત્વ વિષે હાલ સુધી અજાણ એવા દાદા અચરજથી તેને તાકી રહેલા. ઘડી પહેલાં પુષ્પના જુદાં જુદાં રંગ અને નામ સાથે વર્ણન કરી-કરીને પુષ્પ-છાબ તૈયાર કરતી અંધ જુઈએ કહેલા શબ્દો તેમના મનમાં પડઘાઈ રહેલા, “સજાવટનું કામ તો હું પપ્પાનું ‘જોઈ-જોઈ’ને શીખી છું...”

સોપારી

“સાંભળ્યું છે કે... તમે પૈસા લઈ ખૂન કરી આપો છો...” દેવકુમારે આજુબાજુમાં જોઈ દબાતા અવાજે પણ સીધું જ પૂછી લીધું.

શહેરથી જરા દૂર આવેલી અને ઉજ્જડ દેખાતી આ જગ્યા સુધી પહોંચતા સુધીમાં દેવકુમારને ખ્યાલ આવી જ ગયેલો કે આ કહેવાતી કન્સ્ટ્રકશન સાઈટ, ખરેખર તો ગેરકાયદેસર કાર્યો કરવા માટે ઊંભો કરેલો એક અડડો જ છે. અડધું બંધાયેલું એક બહુમાળી મકાન, થોરની વાડ કાપીને બનાવેલો ઝાંપો અને સામાન ચડાવવા માટે બનાવવામાં આવેલી અને કદાચ વર્ષોથી બંધ એવી લટકી રહેલી એક ખુલ્લી લિફ્ટ... આ બધું જ સ્થળની વેરાનતા કેટલી સરળતાથી વધારી આપતું હતું-તેવો વિચાર કરતા દેવકુમારે સ્થળ-પ્રવેશ કર્યો. લિફ્ટની સામે માત્ર લૂંગી પહેરેલો મજબૂત બાંધાનો અને કલ્લુસિંહ નામે આખા શહેરમાં કુખ્યાત ઈસમ અડધી બીડી ચૂસતો બેઠો હતો. સામે અવાજ વગરનું ટીવી ચાલી રહ્યું હતું ને તેના રીમોટને કલ્લુ કારણ વગર હાથમાં રમાડી રહ્યો હતો. કલ્લુની સામેના ભાગે જમીનમાં અજબ રીતે અડધી ખુંપાવેલી લાકડાની ખુરશી પર જરા સંકોચ સાથે બેસતાં દેવકુમારે પૂછ્‌યું, “સાંભળ્યું છે કે... તમે પૈસા લઈ ખૂન કરી આપો છો...”

“સાચું સાંભળ્યું છે...” જરા પણ ચલિત થયા વગર કલ્લુએ જવાબ આપ્યો.

“તો.. મારે એક વ્યક્તિનું ખૂન કરાવવાનું છે... હું એની તસ્વીર લાવ્યો છું.”

“માત્ર તસ્વીર નહિ ચાલે... ખૂનનું કારણ જોઈશે...”

“જુઓ મિસ્ટર... તમે તમારા પૈસાથી મતલબ રાખો તો વધુ સારૂં...”

“હમમમ, તમને કદાચ ખબર નથી કે હું વ્યક્તિની લાયકાત જોયા વગર સોપારી લેતો નથી. તમે સિધાવી શકો છો, જય રામજીકી...”

દેવકુમારે કમને જરા-જરા વાત કરી.

“ઠીક છે, તો સાંભળો. આ રશ્મિ છે. મારી બિઝનેસ કોમ્પીટીટર... છેલ્લા ત્રણ વર્ષથી ત્રણસો કરોડના સરકારી ટેન્ડર લઈ જાય છે. બહુ પ્રયત્ન કર્યા મેં, તમામ સરકારી વિભાગોમાં પૈસા વેર્યા, એની કંપનીના ઘણાં માણસો ફોડયા, પણ રશ્મિની વ્યવસાય પદ્ધતિ જાણી નથી શક્યો... આર્થ્િાક નુકસાન તો વેઠી લઉં, પણ એક પુરૂષ થઈને સ્ત્રીના હાથે મળતી નાલેશીભરી આ હાર હવે સહન થઈ શકે એમ નથી. બીજા તમામ રસ્તા બંધ છે હવે, બસ હવે તો...

બોલો, તમે કરી શકશો આ કામ કે બીજાને શોધું હું ?”

“ઓહ્‌હો... તો એમ વાત છે... સારૂં ચાલો.... અને એક વાત એ પણ જાણી લો કે આવા ‘જેન્યુઈન’ કામ હોય તો હું એના પૈસા પણ લેતો નથી...” એ જ નિર્લેપતાથી કલ્લુએ કહ્યું.

“ઓહ... શું વાત કરો છો... વાહ, તો તો ખૂબ આભાર... કામ ક્યારે થશે ?” જરા હળવાશથી દેવકુમારે પૂછ્‌યું.

“કામ શરૂ થઈ ગયું છે...” સાવ સહજતાથી કલ્લુ બોલ્યો.

“એટલે ?”

“જુઓ મિસ્ટર દેવ, હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો... તમે અત્યારે જે ખુરશી પર બેઠા છો, એની ઉપરની બાજુએ જરા નજર કરો તો તમારા માથાં ઉપર લટકી રહેલી લિફ્ટ જરૂરથી જોઈ શકશો. હવેની વાત તમારી સલામતી માટે વધુ મહત્વની છે. જરા પણ હલ્યા છો તમે... તો આ રીમોટ જુઓ છો ને ? તમારા કમભાગ્યે એ ટીવીનું રીમોટ નથી, ઉપર લટકી રહેલી લિફ્ટનું છે. મારા ટેરવાને તકલીફ પડે એવી કોઈ હરકત ન કરશો, નહિ તો અડધી સેકન્ડમાં એ લિફ્ટ ધસમસતી નીચે આવશે અને...

મેં કહ્યું ને તમને, કે મેં કામ શરૂ કરી દીધું છે...”

ઉપરની તરફ નજર કર્યા પછી, કોઈ પિંજરમાં પુરાયેલા પંખીની જેમ સ્તબ્ધ દેવકુમાર છટપટી ગયો.

“આ દગો છે કલ્લુભાઈ, મેં તમારૂં શું બગાડયું છે ? અને તમારા જેવો માણસ... આઈ મીન... પ્રોફેશનલ કિલર આવું કરે ? હું તમારી દસ લાખ રૂપિયાની ફી પણ લઈને આવ્યો છું.” લાલઘૂમ આંખો કરી દેવકુમારે પૂછ્‌યું.

“હાહાહા... દગો ? આને તમે દગો કહેશો ? અને તમે જે કરવા જઈ રહ્યા છો એ ?

જુઓ મિસ્ટર, હું કોઈ સમાજ-સુધારક નથી, પણ તમારા જેવાને સીધા કરવા એ મારા ધંધાથી મને ચડતા ખુન્નસ જેટલું જ પ્રિય કાર્ય છે. અને તમે ફીની વાત કરો છો ને ? તો એ તો તમારે તમારો જીવ બચાવવા આપવી પડશે હવેપ

ચાલો, હવે ઊંભા થયા વગર બાજુના ટેબલ પર પડેલ કાગળ અને પેન ઉપાડો, અને લખી આપો તમારી કરમકહાણી તમારા જ હસ્તાક્ષરોમાં... ગભરાશો નહિ, હું તેનો ઉપયોગ માત્ર સલામતી માટે જ કરીશ. જેથી ફરી આ વિચાર તમારા મનનો કબજો લેવાની કોશિશ ન કરે....”

દાંત અને નહોર ગુમાવી ચુકેલા કોઈ ભયાનક જંગલી પ્રાણીની માફક તરફડતા-તરફડતા દેવે બાજુના ટેબલ પર રહેલ કાગળ અને પેન ઉપાડયા ત્યારે કલ્લુસિંહ ડૂબતા સૂર્યની બેપરવાઈથી નવી બીડી સળગાવી રહ્યો હતો...

પોણા-સાત વાગ્યે...

શિયાળાની ઢળી ગયેલી એ સાંજે બાપ-દીકરી બસમાં તો સાથે ચડયા પણ મારી બાજુમાં એક જ બેઠક ખાલી હોવાથી બેબીને ત્યાં બેસાડી પિતા ત્રણેક સીટ આગળની જગ્યામાં જઈ ઊંભા રહ્યા.

“અંકલ... કેટલા વાગ્યા ?” લગભગ ત્રણ-સાડાત્રણ વર્ષની લાગતી બાળકીએ મને પૂછ્‌યું.

“પોણા સાત... એટલે, સિક્સ ફોર્ટી-ફાઈવ... કેમ બેટા ?”

“અરે થોડીવારમાં મમ્મા આવશે ને, એટલે...” મધુરૂં સ્મિત વેરી બેબીએ જવાબ આપ્યો.

“અચ્છા... પણ તું તો ડેડી સાથે બહાર આવી છે, મમ્મા ક્યાંથી આવશે બેટા ?”

“અરે અંકલ, તમને ખબર નથી... રોજ સાંજ પડયે મારી મમ્મા આવે ને રાતે જતી રહે...”

મને રસ પડયો વાતમાં.

“ઓહ... એવું કેવું વળી... સાંજ પડયે આવે ને રાતે જતી રહે ? ક્યારથી એવું થાય...”

“બે મહિના થયા હશે... મમ્માને બહુ પેટમાં દુઃખવા આવેલું... ને ખબર છે અંકલ... પપ્પાને ઓફિસથી ખાસ બોલાવવા પડેલા... પછી એમ્બ્યુલન્સમાં મમ્માને હોસ્પિટલ લઈ ગયેલા.”

“પછી ?” મારી વધતી અધીરાઈ સ્વાભાવિક લાગી હશે કે કેમ, બસ પણ જરા ગતિથી દોડવા લાગેલી.

“પછી એ દિવસે અમારે ત્યાં મારો નાનો ભાઈ ‘મૃત્યુંજય’ આવ્યો...”

“અને મમ્મા ?”

“મમ્મા ઘરે પાછી ન આવી... પપ્પાએ કહ્યું કે, મૃત્યુંજયને અમારા સુધી પહોંચાડવામાં મમ્મા બહુ થાકી ગઈ હતી તો હવે કાયમ આરામ કરશે. મેં બહુ જીદ કરી મમ્મા પાસે જવાની. તો એકવાર પપ્પા રડી પડયા.

બોલો અંકલ... પપ્પા રડે કોઈ દિવસ ? પણ એ દિવસે રડયા. મને કહે, ‘જો બેટા, હવે મમ્મા સ્ટાર બની ગઈ છે, તો એ આપણી પાસે તો ન આવે. પણ તને રોજ આકાશમાં જોવા મળે. અમે એ સાંજે અગાશીમાં ગયા. અંધારૂં થતાં પપ્પાએ મને દક્ષિણ દિશામાં એક તારો બતાવ્યો. સાચે જ મારી મમ્મીની જેમ ચમકતો હતો, હું રોજ સાંજે મમ્મીને મળવા અગાશીએ જઉં છું પણ રાત ઢળતા એ તારો પણ દેખાતો બંધ થઈ જાય છે...

તો અંકલ... એક સિક્રેટ વાત કહું ? આજે મેં નક્કી કર્યું છે કે હું મમ્મીને બૂમ પાડીને રોકી લેવાની છું... આજની આખીયે રાત માટે...”

બસની બહાર કોઈ બાળકના હાથમાંથી છૂટી ગયેલો ફુગ્ગો ચાલુ બસની બારીને અથડાઈ ફૂટી ગયો ત્યારે ત્રણેક સીટ આગળની જગ્યામાં ઊંભેલા બેબીના પપ્પાના ચહેરા પરની મજબૂર તટસ્થતા જોવામાં હું ભીનાં હૈયે ખોવાયેલો હતો. અને બેબી ફરી મને પૂછી રહી હતી,

“અંકલ... હવે કેટલા વાગ્યા ?”

એક મહોરૂં, નામે માણસ...

“ભૈયા... વો આગે સ્વિફ્ટ કાર જા રહી હૈ ન... જલ્દી સે ઉસકા પીછા કરો...”

લગ્નના માત્ર ત્રણ મહિના પછી પોતાના જ પતિ ઉપર શંકા કરી આ રીતે છુપાઈને તેની પાછળ પાછળ જવું રઝિયાને ખૂબ અજુગતું લાગતું હતું, પણ તેણે વિચાર્યું કે હવે અન્ય કોઈ વિકલ્પ ન હતો. પાણી હવે માથાંથી ઉપર વહી ગયું હતું.

વડીલોની મંજુરીથી થયેલા (એરેન્જડ) લગ્ન પહેલા ફિરોઝ સાથે ખાસ વધુ મુલાકાતોનો યોગ થઈ શકેલો નહિ. ને તે દરમ્યાન રઝિયાએ ફિરોઝને અને તેના જીવનને સમજવાનો થોડો પ્રયાસ કરેલો, પણ મુગ્ધતાના એ દિવસોમાં વાગ્દત્તા રઝિયાને ફિરોઝ અને તેની તમામ વાતો પ્રિયકર જ લાગી હતી. પણ અત્યારે રઝિયાને એ સઘળું યાદ આવી રહ્યું હતું અને તેની શંકા વધુ દ્રઢ બને એવા પ્રસંગો પણ બનેલા જ ને! લગ્ન પહેલાંની થોડીક મુલાકાતો દરમ્યાન જ્યારે ફિરોઝે રઝિયાને કહેલું કે, “જો રઝિયા, મારે પાપા તો ઘણા સમયથી નથી, ને અમ્મીજાન પણ ઘરડાં... તો હું કોઈ વન્ય-પંખીની માફક બહુ સ્વતંત્ર રીતે જીવવા ટેવાયેલો છું. હું અનેક વ્યવસાયો સાથે જોડાયેલો છું. મારી નાની એવી આ જિંદગીમાં કોઈપણ અન્ય વ્યક્તિ ચંચુપાત કરે તે મને પસંદ નથી; મારી પત્ની પણ નહિ... પ્લીઝ ડોન્ટ ટેઈક ધીસ નેગેટીવ ડીયર...”

એ સમય જ એવો હતો કે ફિરોઝ જાણે કોઈ કવિતા બોલતો હોય એમ મુગ્ધ રઝિયા આ બધું સાંભળી લેતી ને મીઠું મીઠું મુસ્કુરાતી. આજે ફિરોઝનું એ સ્મિત રઝિયાને મૂર્ખ બન્યાનો એહસાસ કરાવી ખૂંચી રહ્યું હતું. લગ્ન પહેલાંની એ મુલાકાતો દરમ્યાન અચાનક આવેલા કોઈપણ ફોન-કોલને પતાવી ઘણીવાર ફિરોઝ તાત્કાલિક ત્યાંથી નીકળી જતો, ત્યારે રઝિયા તેને એક મીઠો ઝગડો કરવાનો અવસર માત્ર માનતી. આજે યાદ આવેલા આવા પ્રસંગો રઝિયાને વધુ ને વધુ શંકાશીલ બનાવી રહ્યા હતા.

ફિરોઝની ગાડી અમદાવાદની બહાર નીકળી ગાંધીનગર તરફ વળી ત્યારે રીક્ષાવાળાએ પાછળ વળી રઝિયા સામે જોયું ને રઝિયાએ આંખો વડે જ સંમતિ દર્શાવી. કોઈ અઘરી પઝલ-રમતના અંકોડા મળતા હોય એમ ત્રણ મહિનાના લગ્નજીવન દરમ્યાન બનેલા કેટલાક પ્રસંગો રઝિયાના મનમાં ફરી તાદૃશ થઈ ઉઠ્‌યા. એક્સપોર્ટ-ઈમ્પોર્‌ટનો ધંધો તો ફિરોઝને નામનો જ હતો તેવી ખબર ઘણી વહેલી પડી ચૂકી હતી, કારણ તે મોટાભાગે મિટિંગના બહાને ઓફિસની બહાર કોઈ અજ્જ્ઞાત સ્થળે રહેતો અને વીક-એન્ડમાં પણ ઘરેથી કલાકો સુધી ગાયબ થઈ જતો. મોડી રાત સુધી એ ઘરમાં બીજે માળે આવેલા અલગ ઓરડામાં લેપટોપ પર બેસી રહેતો ને રઝિયા આવતાં જ લેપટોપ બંધ કરી દેતો.

થોડાં જ દિવસો પહેલાં ડાબા બાવડાં પર પડેલ ઊંંડા ઘાને ફિરોઝે અકસ્માતમાં થયેલ ઈજા દ્વારા ઢાંકી દેવાની કોશિશ કરેલી; એકવાર જ્યારે તેની બેગમાંથી પડી ગયેલા કેટલાક નકશાઓ વિષે રઝિયાએ તેનું ધ્યાન દોરેલું, ત્યારે પણ એ અજબ રીતે અસ્વસ્થ બની ગયેલો. નકશા શેના છે તેના વિષે રઝિયાને આપવા માટે ફિરોઝ પાસે ઉત્તર નહોતો, આવા તો અનેક પ્રસંગો રીક્ષામાં ઊંભડક બેઠેલી રઝિયાને યાદ આવી ગયા. અને આજે સવારે રઝિયાએ જે જોયું તેને શંકાનું નામ આપી શકવાની તેને જરાય જરૂર ન લાગી. થોડાં દિવસોથી શંકાથી ઘેરાયેલી રઝિયાએ જ્યારે જોયું કે, સવારનો નાસ્તો કરતી વખતે આવેલા ફોન-કોલે ફિરોઝની ગતિવિધિ અચાનક વધારી દીધેલી અને ફિરોઝ કપડાં બદલવા રૂમમાં ગયો ત્યારે ઉતાવળમાં અધખુલા રહી ગયેલા બારણામાંથી ઝાંખીને જોવાનું રઝિયા ટાળી શકી નહોતી. અને જ્યારે ફિરોઝે તેના ટેબલના અંદરના ખાનામાંથી ૨૪ બેરેટની ઓટોમેટિક પિસ્તોલ કાઢીને બેગમાં મૂકી ત્યારે રઝિયા અવાચક બની તેને જોઈ રહી હતી.

રઝિયાએ વિચાર્યું કે, નક્કી ફિરોઝ કોઈ અમાનવીય પ્રવૃત્તિમાં જોડાયેલો હોવો જોઈએ, અન્યથા પોતાની પત્નીથી છુપાઈ, પિસ્તોલ લઈ કોઈ જગ્યાએ દોડી જવાનું પ્રયોજન શું હોઈ શકે? ફિરોઝની ગાડી ગાંધીનગર આવતાં પહેલાં કોઈ ગામડાં તરફ જતી કેડી ઉપર વળી અને દોઢેક કિલોમીટર આગળ જતા એક ખંડેર જેવા મકાનની બહાર ઊંભી રહી. સલામત અંતર રાખી રઝિયાએ રીક્ષા છોડી દીધી અને તે પગપાળા આગળ વધી. તેણે જોયું કે ફિરોઝ ખૂબ ત્વરિતપણે ગાડીમાંથી ઉતરી મકાનમાં પ્રવેશ્યો. મકાનના દરવાજે ઊંભેલા કરડા ચહેરાવાળા એક હટ્ટાકટ્ટા વ્યક્તિએ એને સલામ ભરી તે પણ દૂરથી રઝિયાએ જોઈ લીધું.

લપાતી છુપાતી રઝિયા મકાનની પાછળના ભાગે આવેલી તૂટેલી વાડમાંથી મકાનમાં પ્રવેશી અને ખૂબ સાવધાનીથી મકાનના મુખ્ય ઓરડાની બારી પાસે પહોંચી. અધખુલી બારીમાંથી તેણે જોયું તો લશ્કરી ગણવેશ જેવા કપડામાં સજ્જ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ફિરોઝ કોઈ ચર્ચામાં મગ્ન હતો અને ઘરેથી લાવેલા નકશા ટેબલ પર પથરાયેલા હતા. રઝિયાને ત્રુટક વાતચીત પરથી લાગ્યું કે ક્યાંક હુમલો કરવાની સાજીશ રચાઈ રહી હતી. રઝિયા વધુ સાંભળે કે સમજે એ પહેલાં અચાનક કોઈકે પાછળથી આવી રઝિયાને બાવડાથી પકડી તેના લમણાં પર પિસ્તોલ ધરી દીધી. રઝિયા પાસે તે વ્યક્તિને શરણે થવા સિવાય અન્ય વિકલ્પ રહ્યો નહિ. ત્રસ્ત બનેલી રઝિયાને મોંઢે ડૂચો મારી પેલો માણસ તેને લગભગ ઘસડીને મકાનમાં લઈ ગયો તે સમયે તેમના પ્રવેશદ્વાર તરફ પીઠ રાખી ઊંભેલી વ્યક્તિઓ યોજનાને અંતિમ સ્વરૂપ આપી રહેલી લાગી. ઓરડામાં રહેલા એક વ્યક્તિ દ્વારા ફિરોઝને સંબોધીને કહેવાઈ રહેલા તેમની ચર્ચાના અંતિમ શબ્દો, થાકીને લથડી ચૂકેલી રઝિયાના કાને પડયા,

“......તો કેપ્ટન ફિરોઝ, ભારત સરકાર અને સમગ્ર ભારતીય સેનાને આપના જેવા અન્ડરકવર લશ્કરી એજન્ટ અને કમાન્ડો ઉપર નાઝ છે, જેમણે દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે. મને ખાતરી છે કે અન્ય ઓપરેશન્સની જેમ ભારતના અનેક નાગરિકોની સુરક્ષા જેની સાથે સંકળાયેલી છે તેવા આ ઓપરેશનને પણ આપ ખૂબ ખાનગીપણે સફળતાપૂર્વક પાર પાડશો. જય હિન્દ સર....! ”

ફાટેલી આંખે પોતાના પતિના આ નવા સ્વરૂપને જોઈ રહેલી રઝિયા એ સમયે અવાચક બની એક આછા સંતોષકારક સ્મિતને હોઠ પર સમાવી બેહોશ થઈ ઢળી રહી હતી...