કડક મીઠી ચાહ ફાવે પણ કડક સાહેબ નહિ ફાવે...! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કડક મીઠી ચાહ ફાવે પણ કડક સાહેબ નહિ ફાવે...!

કડક મીઠ્ઠી ચહા ફાવે, પણ કડક સાહેબ નહિ ફાવે....!

- રમેશભાઈ ચાંપાનેરી ( રસમંજન )

ફેંચી....! એ કોઈ જંક-ફૂડ નું તો નામ નથી જ. પણ ‘ જંકફૂડ ‘ જેવી પણ એની અસર અનુભવ પછી નિખાર કાઢે. દેખાવે ભલે સ્વાદિષ્ટ હોય, પણ એ ક્યારે આડઅસર કરે, એનું નક્કી નહિ.....! પાછી ચમનીયાની એ ખાસ માનીતી ‘ સાહેબ ‘ કહેવાય. બિચારાનો બીજો કોઈ ખરાબ ઈરાદો નહિ. પણ કામ ના હોય તો પણ કચેરીમાં પડ્યો રહે. કુદરતે ફેંચીને છુટ્ટા હાથે રૂપ જ એવું આપેલું કે, બધાને જ એ ગમે. અનિવાર્ય કારણો વગર સ્ટાફ પણ ઘરે નહિ રહે....! ણે રજા ઉપર તો ભૂલે-ચુકે પણ નહિ જાય....! મોડું થાય તો ઘરવાળા કચેરીમાં જ શોધવા આવે, ને તહેકીકાત કરે કે, આપણાવાળો આજકાલ ઓવરટાઈમ કરે છે, એ પ્રોપર તો છે ને....? એમાં ચમનીયા માટે તો ફેંચીને ભારે ફીલિંગ્સ...! સ્ટાફ હજી નક્કી નથી કરી શક્યો કે, આ બે વચ્ચેના સંબંધને ઉપમા કઈ આપવી...?

પણ આજે ચમનીયો નર્વસ છે. ફેન્ચીની બદલીના સમાચાર સાંભળીને બિચારો એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એટલા માટે કે, એને કોઈ પહેલ વહેલું વ્હાલ કરવાવાળું મળ્યું હોય તો એ ફેંચી જ હતી. એની વાઈફ એકવાર પહેલા માળેથી પડેલી, ત્યારે પણ ચમનીયો આટલું નહિ રડેલો. પણ આજે એ એનાથી વધારે રડ્યો....! ફેંચીને આમ તો બધા સ્ટાફમાં ઢીંગલી જ કહેતાં. એ કહેવાય ભલે બધાની ઉપરી અધિકારી. પણ સ્ટાફ એવું માનતો કે, ‘ બાલુંડા ‘, ઢીંગલી સાથે નહિ રમવાના, તો કોની સાથે રમવાના....? ને ઢીંગલીના નશીબમાં તો આમ પણ રમવાનું ક્યાં હોય...? એટલે ફેંચી પણ એવું માનતી કે, છો ને રમતા રમતા કામ કરતાં....!

આવી જાનદાર ફેંચીની બદલીના સમાચાર સાંભળીને, કચેરીનું વાતાવરણ તો એવું થઇ ગયું કે, જાણે કચેરીમાં બદલીના ઓર્ડરને બદલે આતંકવાદી નહિ ઘૂસી આવ્યો હોય...? બધાના મોઢાં આશ્ચર્ય ચિહ્ન જેવાં થઇ ગયાં....! ચમનીયો તો ડૂસકે ડૂસકે બોલ્યો પણ, કે હવે આપણું કોણ....? રેલના પાણી ઘૂસી ગયાં હોય, એમ સ્ટાફમાં સોપો પડી ગયો. કેટલાંક તો છતી વાઈફે વિધૂર થઇ ગયાં હોય એવાં લેવાય ગયાં. ને એમાં અમારો ચમનીયો, એટલે ખલ્લાસ....! દરિયાનું માછલું જાણે પાણીમાંથી બહાર ફેંકાય ગયું હોય, એમ તરફડવાં લાગ્યું...! ફેંચી એક કલાક પણ જો ટુરમાં ગઈ હોય, તો એવાં રઘવાયા બની જતાં, કે ઘરના દુખડા મગજમાંથી ધુમાડો બનીને બહાર આવી જતાં. અને હવે તો ફેંચી કાયમ માટે જવાની....! આઘાત તો લાગે જ ને બોસ.....! આને કયા પ્રકારનું વળગણ કહેવાય, એ સમઝ્યા નહિ સમઝ્યા ત્યાં તો ફેંચીનું ઉઠમણું આવી ગયું.....! જો કે સારો અધિકારી હોય તો જ આવું થાય. બાકી તીખાં મરચાં જેવા અધિકારીની બદલી થાય તો, એ જ સ્ટાફ એમ કહેવા માંડે કે, ‘ એઈઇઈ....ચમનીયા, અડધી ચાઈ મંગાઈ....! પેલો તારો કાનખજૂરો ગીયો......!

જો ગીતામાં કહ્યું જ છે કે, કરેલા કર્મો બધા અહિયાં જ ભોગવવાના હોય...! બધાએ આવનાર સાહેબનો ગુપ્ત રીપોર્ટ પણ મેળવી લીધો. રીપોર્ટ એવો આવ્યો કે, આવનાર સાહેબ આરબના ઊંટ જેવો છે. એવો ખતરનાક અને કડક ભેજાનો કે, એની વાઈફ સિવાય એ કોઈને ગાંઠે જ નહિ. આ સાંભળીને અડધાના ચહેરા ઉપર તો જે લાલી હતી, એ ઉડી ગઈ અને ચહેરા લાલ થઇ ગયાં. જાણે મસાલા વગરનું ખીચ્ચું નહિ ચાવી નાંખ્યું હોય....?

આવનાર સાહેબનું નામ આમ તો સી.બી. શર્મા....! એટલે બધા એને સી.બી.શર્મા નહિ, પણ સી.બી.એસ. તરીકે જ બોલાવે. એટલે કે, છૂ...ભેજાનો....સાહેબ, સી.બી.એસ.....! પણ પછી તો જોવા જેવી થઇ ગઈ...! કર્મચારીઓમાં ઉચાટ, વચેટિયાઓમાં ગભરાટ, અને બટરમેનોમાં સળવળાટ ચાલુ થઇ ગયો. જાણે આતંકવાદીના હુમલા થવાના સમાચાર નહિ આવ્યા હોય....? એમાં ચમનીયાની જૂની કબજિયાત તો આપોઆપ ચાલી ગઈ. સમાચાર સાંભળીને બિચારો પાંચ પાંચ મીનીટે વોશરૂમના દર્શન કરે છે, બોલ્લો....!

એમાં ચંદુ ચપાટી કર્મચારી યુનિયનનો લીડર. એની જવાબદારી વધી ગઈ. આવનાર દેખાવે કેવો છે, એની વાઈફની કુંડળીમાં એવું શું છે કે, ધણીને એ ધાકમાં રાખી શકે, આ બધ્ધું અને સાહેબનો ફોટો પણ એણે વોટશેપ પર મંગાવી લીધો. ફોટો જોઇને જ, અડધો સ્ટાફ મૂર્ચ્છામાં આવી ગયો. જેવી સાહેબની છાપ, તેવો જ એનો ફોટો. ભરાવદાર કડક મૂછ, ને કદાવર બાંધો...! એના બંને બાવડાં જુઓ તો, ભરેલી સિમેન્ટના બંને હાથે જાણે ગુણચા નહિ બાંધ્યા હોય, એવાં ફાટફાટ થાય....! ફોટો જોઇને એક જણથી તો “ જય માતાજી “ બોલવાને બદલે, “ જય ભૈરવનાથ “ બોલી જવાયું...! તો બીજો કહે, ‘ યાર....આ તો એકઝેટ મારી વાઈફ જેવો જ લાગે...! ‘ ચમનીયો કહે, બૂચા.... આ માણસ છે, પેલી આપણી ફેંચી નથી....! આને તો ભરાવદાર મુછ છે, જરા આંખ ફાડીને તો જો...? પેલો કહે, ‘ તે મારાવાળીને પણ મુછ છે જ ને....? આટલી ભરાવદાર નહિ પણ આછી આછી ખરી....! બાકી બાવડાની વાત કરીએ તો બાવડાં એનાથી પણ મજબૂત....! જાણે પોતાના અનુભવના પડીકાં નહિ છોડતો હોય...? ‘ તારી ભલી થાય તારી.....!!

ને, આખ્ખર....એ દિવસ આવી ગયો. કડક સાહેબ હાજર થઇ ગયાં, ને ફેંચી પણ છૂટી....! નવા સાહેબ દેખાવમાં તો બિલકુલ ફોટા જેવાં જ ભયાનક નીકળ્યા. પણ અવાજમાં બેટરી માર ખાય ગયેલી. અવાજ એવો કે, સ્વરપેટીની ગુફામાં સાવજને બદલે, જાણે ચકલીએ માળો નહિ બાંધ્યો હોય...? એવો તીણો....! એ બોલે તો પણ આપણને ચીં..ચીં.. જ સંભળાય....! આપણને સો ટકા ખાતરી થાય કે, બિચારાએ પ્રાથમિક શિક્ષણ, કોઈ મેડમની છત્રછાયામાં જ લીધું હશે....! જેનો કદાવર બાંધો હોય, ભરાવદાર મુછ હોય, ને અવાજમાં મંદિરીયાની જેમ ઘંટડી જ રણકતી હોય તો કેવું લાગે...? જાણે મોળો ફાલુદો નહિ પિતા હોય....? આપણને સો ટકા ખાતરી થઇ જાય કે, આના ગાળામાં પોલીયાના બે બદલે બાવીસ ટીપાં નાંખીએ તો પણ આનો અવાજ તાળું તોડીને બહાર નહિ આવે....!

પણ રૂઆબ પાછો ભારી. એટલો ભારી કે, શિયાળામાં જાણે ઉનાળો ઘૂસી ના ગયો હોય....? સ્ટાફને શિયાળામાં પણ પરસેવાના દર્શન થવા માંડ્યા. ધોતિયાંવાળાના ધોતિયાં આપોઆપ ઢીલ્લા થવા માંડ્યા. ને પાટલુન વાળાના પાટલુન આપોઆપ ભિન્ના થવા માંડ્યા. જે લોકો બોસ આગળ બટર ચોપડીને કલ્લી કઢાવતાં હતાં, એના મોઢાં કાચા કારેલા ખાતા હોય, તેવા થવા માંડ્યા. ઘણાને ખાધેલું તો ઠીક, પાનના કૂચા ને ગુટખા પણ ગળે ઉતારવાના ફાંફા પડી ગયાં. પછી તો થયું એવું કે, અત્યાર સુધી જે લોકો, બીજાનું બ્લડપ્રેસર ઊંચું નીચું કરતા હતાં, એ બધા હવે પોતાનું જ બી.પી. મપાવતા થઇ ગયાં. ડોક્ટર પણ નક્કી ના કરી શક્યા, કે સાલા,ને તાવ આવે છે કે, કોઈ જાતનો વાઈરલ બફારો છે....! ઘણા તો ગભરાટમાં ને ગભરાટમાં કબાટની ચાવીઓ ચાવતા થઇ ગયાં. ઘરે જઈને વાઈફને પણ ‘ ગુડ મોર્નિંગ સર ‘ કહેવા લાગ્યાં. જે લોકોને ઊંઘમાં માત્ર ‘ ગર્લફ્રેન્ડ ‘ નો જ ચહેરો દેખાતો હતો, એને હવે સાહેબનો કડક ચહેરો જ દેખાવા લાગ્યો. બાથરૂમમાં ન્હાતાં ન્હાતાં જે લોકો ‘ જય ગંગે...જય યમુને ‘ બોલતા હતાં, એ બધા હવે ‘ યશ સર....યશ સર...! ‘ બોલીને જ ભીન્નાવા લાગ્યા. ત્યાં સુધી ધાક બેસી ગયો કે, ઘરે ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો હોય તો પણ, સાહેબનો ફોન હશે એમ માની ફોનને ટચ શુદ્ધાં નહિ કરે. કડકાઈ એવી ઘૂસી ગઈ કે, આખો માહોલ ચેઈન્જ થઇ ગયો....! તારી ભલી થાય તારી....!

ભારે પગવાળાનો તો ઈલાજ થાય, પણ આ ભારે મગજવાળાને કેમનું પહોંચી વળવું....? એના વિચારમાં અડધાં તો ડાયેટિંગ વગર સુકાવા લાગ્યા. ચમનીયો તો કહે, આંઈ સાથે ત્રણ વસ્તુના સવાલ હવે મને મૂંઝવે છે. એક તો, કટપ્પાને માર્યો હતો શું કામ...? વંદના માટે નીખીલે કોફી કેમ મંગાવી...? અને ત્રીજો આ, કડક મગજવાળા સાહેબને અમારે હવે આંટીમાં કેમનો લેવો ....? બીજી બાજુ, સાહેબે એકવાર ચમનીયાને પૂછ્યું કે, ‘ આ સ્ટાફ દેખાવે ભલે સારા નથી લાગતાં, પણ સાલ્લાં, ખરાબ પણ નથી લાગતાં એનું કારણ શું....! ‘ ચમનીયો કહે, ‘ સાહેબ એને સંસ્કારી કળિયુગ કહેવાય.....! ‘ આ સાંભળી કડક સાહેબ ને તો તમ્મર આવી ગયાં. એણે પૂછ્યું પણ ખરું કે, ‘ યે સંસ્કારી કળિયુગ ક્યા હોતા હૈ....? “ ચમનીયો કહે, ‘ સર....! હિન્દીમે ફાડનેકી જરૂરત નહિ, મુઝકો ગુજરાતી આવડતા હૈ....! પણ પછી જે બોલ્યો, તે એવું બોલ્યો કે, જાણે પાટલુનમાં કોઈએ બોંબ નહિ ફોડ્યો હોય....? ‘ સર....! ઉસમેં ઐસા હૈ કી, જબ શાદીકે બાદ કન્યા બિદાઈ હોતી હૈ ન...? તબ ઉસકે માતાજી-પિતાજી તો રોતે હી હૈ. લેકિન મહોલ્લેકે સારે લડકે જબ માતાપિતાસે ભી જીયાદા રોને લગતે હૈ ન, ઉસે હમ સંસ્કારી કળિયુગ કહતે હૈ....! ‘ કડક સાહેબ કહે, તું ગુજરાતીમાં બોલ, મને પણ ગુજરાતી આવડે છે....! ચમનીયો મનમાં જ બોલ્યો કે, ‘ તારા કપાળમાં કાંદા ફોડું....! ‘

‘આ તો થઇ હસવા હસાવવાની વાત....! બાકી કડકાઈ તો જોઈએ જ. ડોક્ટર બહુ ગરમ પણ નહિ સારાં, અને અધિકારી બહુ નરમ પણ નહિ સારાં....! ડોક્ટર ગરમ હોય ને, પેશન્ટને ખખડાવી નાંખે કે, ‘ બદમાશ....! શરમ નથી આવતી વારે ઘડી તાવ લઈને દૌડી આવે છે તે...? ઘરના બારણા ખુલ્લાં શું કામ રાખે કે, તાવ ઘરમાં ઘુસી જાય....! હવે જો આવ્યો છે ને તો, મારી દવાને બદલે, હાડકાં ના ડોક્ટરની દવા ચાલુ કરાવી દઈશ.....! ‘ આવા ગરમ સ્વભાવના ડોક્ટર પાસે પછી દર્દી આવે...?

એમ અધિકારી પણ સાવ લપ્પુક ને નરમઘેંસ નહિ ચાલે. ને તેમાં ધાર્મિક વૃતિવાળા તો મુદ્દલે નહિ ચાલે....! આવા અધિકારી જો માથે ઝીંકાયા હોય, તો કર્મચારીને નોટીશ કે મેમો નહિ આપે. એ કહેશે.........!

“ શિવ....શિવ...શિવ....શિવ.! લાવ બેટા કપાળ સામું ધરો. હું તમને ચંદનનું તિલક કરી દઉં. તિલક કર્યા વગરનું કપાળ લઈને ફરો એટલે ભૂલ થવાની જ. પણ....આપે તો મહાભુલ કરી નાંખી વત્સ...! ગણપતિબાપા આગળ હનુમાનજીની આરતી થાય....? જે કાગળ કમિશ્નર સાહેબને મોકલવાનો હતો, એ કાગળ કલેકટરશ્રીને મોકલાય.....? તમે તો એવી ઘૃષ્ટતા કરી નાંખી કે, જાણે યુધિષ્ઠરે દ્રૌપદીના ચીર ખેંચી નાંખ્યા.....! શિવ...શિવ....શિવ....! વાંધો નહિ, માણસ માત્ર અને ભૂલને પાત્ર. સવારે તુલસીના પાન ખાધા વગર આવ્યા લાગો છો. તમને આ માટે મારે સજા તો કરવી જ પડશે. લો આ મારી રુદ્રાક્ષની માળા. અને મારી ચેમ્બરમાં પૂર્વ દિશામાં મો કરીને બેસી જાવ. અને ‘ ઓમ નમ: સિવાય ‘ ની ૧૦૦૮ માળા કરી નાંખો. સૌ સારા વાના થઇ જશે, જાવ.....! તમારી સજા પૂરી.....! “ તારા કપાળમાં કાંદા ફોડું.....!!

-_________________________________________________________________સંપૂર્ણ __________