પ્રકરણ ૨૦
ત્રણ હાથનો પ્રેમ
લેખકઃ
શૈલેશ વ્યાસ
email : saileshkvyas@ gmail.com
mobile : 9825011562
એક જ ક્ષણની વાર થઈ હોત તો લાંબા ચાકુનું ફણું સ્વદેશની છાતીમાં ઉતરી ગયુ હોત પણ જીવનની જીજીવિષાએ અચાનક જ સ્વદેશમાં ઝનુન ઉપસ્યું. તે ઘાયલ હતો. તેના પગ લડખડાતા હતા. હોઠ અને નાકમાંથી લોહી નિકળી રહ્યુ હતું. એક આંખ અડધી બંધ હતી. પણ મૃત્યુને સામે જોઈને તેના શરિરમાં એક અદમ્ય શક્તિ ઉદ્દભવી. જે માણસે તેની પ્રિયતમાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને અત્યારે તેના પોતાના પ્રાણ લેવા તત્પર હતો. તેની સામે ક્રોધ, વૈર અને બદલાની ભાવનાએ તેના શરિરમાં સાહસ અને શક્તિનો સંચાર થયો.
તેણે અચાનક જ પોતાનો જમણો પગ જમીન ઉપર સ્થિર કર્યો અને આખા શરિરનું વજન જમણા પગ ઉપર મુકી શરિરને સમતોલ કરી ડાબા પગથી વિજળી ની ત્વરાથી સામે ચાકુ ઉગામેલ બોસના જમણા ઘૂંટણ ઉપર પ્રહાર કર્યો. નાકની જેમ ઘૂંટણ પણ મનુષ્યના અંગનો એ ભાગ છે કે જે આકસ્મીક પ્રહાર સહન કરી શકતો નથી.
ઘૂંટણ ઉપર જોરદાર પ્રહારથી જાણે તેમાં કડેડાટી બોલાઈ ગઈ હોય તેવો અવાજ આવ્યો. બોસે પોતાનું સમતોલન ખોઈ દીધુ. તેના પગો લડખડાઈ ગયા. ઘાત કરવા ઉચકાયેલો હાથ ધ્રૂજી ગયો અને ચાકુ ઉપરની તેની પકડ છુટી ગઈ. ચાકુ ખણખણાટ કરતુ નીચે થોડે દૂર પડી ગયુ. બોસના મોઢામાંથી ચિસ નીકળી ગઈ.
સ્વદેશે ઉભરાયેલ જોશનો લાભ લઈ ત્વરાથી બીજો પગ જમણી બાજુથી તેને પકડીને ઉભેલા ગુંડાની પીંડી ઉપર માર્યો, પીડાને લીધે તે ગુંડા એ સ્વદેશનો હાથ છોડી દીધો, તરત જ સ્વદેશે છુટ્ટા થયેલ શરિરને અર્ધ ગોળાકારમાં ફેરવી પોતાના જમણા હાથ નો મુક્કો તેનો ડાબો હાથ પકડી ઉભેલા ગુંડાના જડબામાં ધરબી દીધો. ગુંડાનું જડબુ આ જૂસ્સા ભરેલ પ્રહારથી હલબલી ગયુ. એકાદ દાંત પણ તુટીને બહાર આવી ગયો. મોઢામાંથી લોહીની ધાર નીકળવા લાગી, જડબું અને હોઠ દબાવતા તે ચાર પગલા પાછળ હઠી ગયો.
સ્વદેશે ચાકુ હાથ કરવા તરાપ મારી, પણ મૃત્યુને સમક્ષ જોઈને આવેલો જૂસ્સો હવે ઓસરી ગયો હતો પ્રહાર અને પીડાથી ઘવાયેલા શરિરમાં ફરી પાછી નબળાઈ પ્રસરી ગઈ. તેના હાથ પગ શિથિલ થઈ ગયા અને આંખ સામે અંધારા આવવા લાગ્યા. તેના પગમાંથી જોર ઓસરી ગયું. ચાકુ પાસે પહોંચતા પહેલા જ તેની તરાપ તુટી ગઈ અને તે જમીન ઉપર ફસડાઈ પડયો.
બોસ હજી પીડાથી કરાહી રહ્યો હતો. તેને ફડક પેસી ગઈ હતી કે તેના ઘૂંટણનું કચુંબર તો નથી થઈ ગયુ ને? એવુ હશે તો જીવનભર તે બરાબર ચાલી નહી શકે કુદરતી રીતે, કાંખઘોડી લઈને ચાલવું પડશે. તે ધીરે ધીરે પોતાના ઘૂંટણ ઉપર ઉભા થવાનો અને સમતોલન સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પીડાને લઈને થોડી થોડી વારે તેના મોંઢામાંથી સીસકારીઓ નીકળી જતી હતી.
આવી પરિસ્થતીમાં પણ તેની નજર સ્વદેશ ઉપર હતી. જે ત્વરા થી સ્વદેશે તેના ઉપર અને તેના બે ગુંડા ઉપર આક્રમણ કર્યુ હતુ તે જોઈને તે છક જ થઈ ગયો હતો અને તેના ક્રોધનો પાર રહ્યો ન હતો.
ચાર ચાર ગુંડાઓએ જેને પકડીને મુઢ માર માર્યો હતો, તેના દ્વારા આવા જબરજસ્ત પ્રતિ આક્રમણ ની તેણે કલ્પના કરી ન હતી. ક્યાંથી આવી શક્તિ ઉદ્દભવતી હશે? શું પ્રેમ માણસ ને આવો જુસ્સો પ્રદાન કરતો હશે? આવા વિચારો જે અત્યારે અપ્રાસંગિક હતા તો પણ તેના મનમાં આવી જ ગયા.
પણ તરત જ ક્રોધ, પીડા અને સ્વાર્થે તેના મનનો કબજો લઈ લીધો. તેણે ચારે બાજુ નજર ફેરવી તો સ્વદેશ જમીન ઉપર પડયો હતો. અને લગભગ અર્ધમૂર્છિત અવસ્થામાં હતો. પોતાના બે ગુંડા તેમના ઉપર થયેલ પ્રહારની સ્તબ્ધતામાંથી બહાર ન હતા આવ્યા. બીજા બે ગુંડા સહીસલામત હતા પણ આ આક્રમણથી સ્તબ્ધ થઈ મૂર્તિવત થઈ ઉભેલા હતા. એક બે ક્ષણ માટે બધુ ચિત્રવત્ત થઈ ગયેલુ લાગતુ હતું. રાધાબેન વ્હીલચેરમાં સ્થિર થઈને જોઈ રહ્યા હતા. તેમના કપાળમાં કરચલીઓ પડતી હતી. મોંઢા ઉપર પટ્ટી બાંધેલી હોવાથી તેઓ કઈ બોલી શકતા ન હતા. પણ તેમની આંખોમાં ગભરાટ સ્પષ્ટ હતો.
***********************
આ દરમ્યાન રાજમોહન પરિખની ગાડી સાઉથ બોપલની પાછળ આવેલા વિસ્તારના એક ફાર્મ હાઉસના દરવાજે આવીને ઉભી રહી. ચોકીદારે હાથ ઉંચો કરી ગાડી ઉભી રાખી. ‘‘કોનુ કામ છે?’’ તેણે રૂક્ષ અવાજે પૂછયું.
‘‘તારા સાહેબને મળવાનું છે. એમને ખબર છે હું આવવાનો છું. જા કહે કે રાજમોહન પરિખ આવ્યા છે. ચોકીદારે અંદરથી દરવાજો બંધ કર્યો અને અંદર પૂછવા ગયો. થોડી વારે પાછો આવી તેણે દરવાજો ખોલ્યો. ‘‘જાવ, સાહેબ તમારી રાહ જોવે છે’’ રાજમોહને ગાડી અંદર લીધી અને અંદર પાર્ક કરી તે ઘરની અંદર ગયો.
‘‘આવો, આવો, રાજમોહનજી, વેલકમ’’ હિન્દીમાં આવકાર આપતી એક વ્યક્તિ સામે આવી. તેનું મોંઢુ જોઈને કોઈને પણ દ્રાપરયુગના શકુની ની કે લૂચ્ચા શિયાળની મુખમુદ્રા યાદ આવે. તે પચાસેક વર્ષ નો ઉંચો, મજબુત અને ધારદાર નેત્ર વાળો માણસ હતો. તેના માથે વાળનો ગુચ્છો હતો પણ આગળના વાળમાં કયાંય કયાંક સફેદી ઝલકાઈ રહી હતી. એના જડબા ખેંચાયેલા હતા પણ હોઠ ઉપર ખોટુ સ્મિત રમી રહ્યુ હતુ. જાણકાર તરત જ કહી દે કે આ માણસનો ક્યારેય વિશ્વાસ ન કરાય. રાજવીર અરોરા ઉપર વિશ્વાસ મુકાનાર માણસ વહેલો કે મોડો પોતાના માથે વિનાશ જ નોતરે.
‘‘બેસો, રાજમોહન પરિખ શું લેશો? ઠંડુ કે ગરમ?
રાજમોહને ઉભા ઉભા જ જવાબ આપ્યો. ‘‘ હું અહિઆ કાઈ લેવા નથી આવ્યો’’ તેના અવાજમાં તિરસ્કાર હતો. તમે શા માટે બોલાવ્યો છે?’’
વાતચીત હિંદીમાં જ થઈ રહી હતી. રાજવીરે ઠંડે કલેજે કહ્યું ‘‘બેસો, નિરાંતે કહુ છું’’ તેણે રાજમોહનના ખભા ઉપર હાથ મૂકી તેને સોફામાં બેસાડયો.
‘‘જુઓ મારી પાસે વધારે સમય નથી એટલે સીધી વાત ઉપર જ આવુ છું, મારી ઓફર ઉભી જ જછે. તમારી કંપની ને અમારા ગ્રૂપમાં ભેળવવામાં મારી મદદ કરો. હું તમને અમારા ગ્રૂપના CEO બનાવી દઈશ. અત્યારે ૩૦૦ કરોડની કંપની સંભાળો છે. પછી ૧૪૦૦ કરોડની કંપની ના સર્વેસર્વા થઈ જશો’’ રાજવીરે મધલાળ બીછાવી.
રાજમોહન હસી પડયો ‘‘ મેનેજીંગ ડાયરેક્ટર, તો હું અત્યારે પણ છું. પણ ૩૦૦ કરોડની કંપનીમાં નંબર એકની વ્યક્તિ છું તમારે ત્યાં ૧૪૦૦ કરોડની કંપનીમાં મારો ચોથો નંબર હશે. તમારા પિતાજી અને તમે બે ભાઈઓ પછીનો. ૧૪૦૦ કરોડની કંપનીના ચોથા નંબરની વ્યકિત બનવા કરતા ૩૦૦ કરોડની કંપનીના પહેલા નંબરની વ્યક્તિ બનવું વધારે સારૂ છે’’
‘‘પણ તે કેટલા દિવસ? આવતે વર્ષે સુદર્શના સત્તા હાથમાં લેશે એટલે પહેલો નંબર તેનો થશે. બીજો નંબર એના પતિનો હશે અને તમારો ત્રીજો નંબર હશે. હજુ વિચારી જૂવો ૩૦૦ કરોડની કંપનીમાં ત્રીજો નંબર કે ૧૪૦૦ કરોડની કંપનીનો ચોથો નંબર શું વધારે આકર્ષક છે?
‘‘પણ ચોથો નંબર કેટલા વખત સુધી? મે તમારી કંપનીઓનો ઉંડો અભ્યાસ કર્યો છે. તમે શરૂઆતમાં લાલચ આપી. માણસોને ફોડી કંપનીઓ હસ્તગત કરો છો. જૂના એકઝીક્યુટીવ્સને ઉંચો હોદ્દો અને પગાર આપો છે. પણ બે ત્રણ વર્ષમાં જ તમને મદદ કરનાર દગાખોરોને તમે પાણીચુ પકડાવી દયો છો, છેલ્લા પાંચ વર્ષમાં તમે સાત ઉચ્ચ આવા અધિકારીઓને નોકરીમાંથી હાંકી કાઠયા છે. નામ ગણાવું? રાજમોહને ધારદાર સ્વરમાં કહ્યું.
રાજવીરની આંખો ઝીણી થઈ ગઈ. આ માણસ ધાર્યો એવો માટીપગો ન હતો, અને સહેલાઈથી કાબુમાં કરી શકાય તેમ ન હતો. એણે તીખા અવાજે કહ્યું ‘‘તો તમે જાણતા જ હશો કે જે કંપની મારે હસ્તગત કરવી હોય તે હું કરીને જ રહુ છું હું સામ, દામ, દંડ, ભેદ બધુ કરી શકુ છું’’ તેણે ધમકી ભર્યો સ્વરે કહ્યું.
રાજમોહન ઉભો થઈ ગયો ‘‘તમારે જે કરવુ હોય તે કરજો. પણ એક વાત તમને કહી દઉ હવે જો અમારા કુટુંબના કોઈપણ એક વ્યક્તિનો વાળ પણ વાંકો થશે તો તમારૂ સામ્રાજય કડકભૂસ થઈ જશે અને તમે બંને ભાઈઓ અને પિતા સૌ જેલના સળીઆ ગણશો.’’
‘‘એટલે?’’ રાજવીરે ક્રોધમાં કહ્યું. આજ સુધી તને આવી ચૂનૌતી કોણેય આપી ન હતી.
રાજમોહને તેની આંખમાં આંખ પુરાવી કહ્યુ ‘‘સામાન્ય રીતે હું મારા પત્તા છુપાવી ને રાખુ છું ક્યારેય ખૂલ્લા કરતો નથી. પણ જો તમે અંધારામાં હો તો ભૂલથી એવુ કોઈક પગલુ ભરીલો જેથી અમારા કુટુંબને નુકશાન પહોંચે ભલે તમો એનુ ફળ ભોગવો પણ અમારા કુટુંબને નુકશાન ન થાય તે માટે સાફ સાફ કહુ છું મારા કુટુંબનો વાળ પણ વાંકો થશે તો તમે ખૂબ જ પસ્તાસો’’
રાજવીર સહેજ સહેમી ગયો, ‘‘આ માણસ આટલી ઠંડકથી વાત કઈ રીતે કહે છે. કઈ વસ્તુ ઉપર તે આટલો મુશ્તાક છે? તેણે ખોટી હિંમત દેખાડતા કહ્યું. ‘‘ હું મારૂ ધાર્યુ જ કરીશ, તું શું કરી લેવાનો?’’
રાજમોહને બરફ જેવા ઠંડા અવાજે કહ્યું ‘‘મારી પાસે માહિતી અને પુરાવા છે. ગયા મહિને વિદેશથી જે ચાર કન્ટેઈનર તે મંગાવ્યા હતા ફાર્માસ્યુટીકલ કેમીકલ્સ તરીકે પણ એમા ખરેખર વિસ્ફોટક કેમીકલ્સ હતા જે તે ખોટા બીલ ઓફ લેડીંગ અને ખોટા દસ્તાવેજો કરીને મંગાવ્યા છે અને મુબઈ અને દિલ્હી વિ ના માફિઆ અને આતંકીઓને વેચવાનો છું તે બધાના દસ્તાવેજ વિ. ની કોપીઓ મારી પાસે છે. તે જે માણસોને ફોડેલા છે એ બધા પાસે એમે એફીડેવીટ કરાવી લીધી છે. એટલે અમારા કુટુંબમાં કોઈને કાંઈ પણ થયુ. એકસીંડટ, અપહરણ કે હાર્ટએટકે કે અન્ય કોઈ રીતે હાની પહોંચી છે તો બધા દસ્તાવેજો સી.બી.આઈ વિ. ને પહોંચી જશે. સમજ્યો ને?’’
રાજવીર અંદર થી હલી ગયો પણ ઉપરથી હિંમત દેખાડતા કહ્યું. ‘‘ એ માહિતી તો હું તને પકડીને કઢાવી શકું છુ અને પછી એનો નાશ કરી દઈશ’’ રાજવીરે વ્યંગાત્મક સ્મિત કરતા કહ્યું ‘‘બધા દસ્તાવેજો મારી પાસે રાખ્યા જ નથી. દસ્તાવેજો ની નકલો મારી બેંકમાં, અમારા વકીલો પાસે, તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીઆના અમુક પત્રકારો પાસે પડી છે. એટલે અમને કોઈને એક કલાક માટે પણ તુ પકડીશ તો માહિતી છપાઈ જશે. ‘‘તેણે પોતાની ઘડિયાળ સામુ જોયું ‘‘હું નક્કી કરીને આવ્યો છું કે આવતા અડધા કલાકમાં હુ તેમને કોન્ટેક ન કરૂ તો તેઓ જે કરવાનું છે તે કરશે?’’
રાજમોહન અટકયો ‘‘બીજુ, મારી પાસે જે માહિતી છે તે દેશ માટે મૂલ્યવાન છે અને તારો જે સામાન જે આવ્યો છે તે દેશ માટે ખતરનાક એટલે જો હું આ માહિતી સરકારને ન આપુ તો હું ગુનેગાર ગણાઉ એટલે આ બધો જથ્થો નષ્ટ કરી નાખ નહિંતર મારે આ માહિતી સરકારને આપવી પડશે. પછી તમારી અને તમારા ૧૪૦૦ કરોડના ગ્રુપનું જે થાય તે માટે જવાબદાર તું જ રહેશે’’.
‘‘ના, ના, આવી કોઈ માહિતી આપવાની જરૂર નહી પડે’’ રાજવીરે ગભરાટના સ્વરમાં કહ્યું. ‘‘એક મિનીટ’’ તેણે પોતાના મોબાઈલમાંથી એક નંબર લગાવ્યો. ‘‘પ્રસાદ, રાજવીર બોલુ છું હમણા ને હમણા આપણે જે કેમીકલ્સ મંગાવ્યા છે તેનો નાશ કરી નાખો. આખું ગોડાઉન જ ખલાસ થઈ જાય તેવી વ્વયસ્થા કરો. એક કલાક પછી આખા દેશના ટી.વી. ઉપર આ સમાચાર આવવા જોઈએ. ગોડાઉન આપણા નામે નથી એટલે આપણું નામ નહીં આવે તાત્કાલીક કરો.’’
‘‘બસ, રાજી?’’ તેણે ઢીલા અવાજે કહ્યું. રાજમોહને કહ્યું ‘‘પણ અમારા કુટુંબનું શું? કશું બોલ્યા વગર રાજવીરે બીજો નંબર લગાડયો. ‘‘અફઝલ, પરિખ કુટુંબના કોઈ સભ્યને ઉંની આંચ આવવી ન જોઈએ. સમજ્યો?’’
‘‘બસ રાજમોહન તારી બધી વાત મે માની લીધી. તારી કંપની, તારૂ કુટુંબ ને કોઈ તકલીફ નહી પડે.’’ ઢીલા અવાજે રાજવીરે કહ્યુ. જીંદગીમાં કદાચ પહેલી વાર તે આટલી હદે ગભરાઈ ગયો હતો.
રાજમોહન ઉભો થઈ કહ્યું. ‘‘ચાલો હું નિકળું છું તારા વચન ઉપર કાયમ રહજે, નહીંતર....તેણે વાક્ય અધુરૂ મૂક્યુ અને બહાર નિકળી ગયો તેણે ડ્રાઈવરને ગાડી ઓફિસે લેવા કહ્યું.
એરકંડીશન ગાડીમાં બેઠા બેઠા રાજમોહને ઉંડો શ્વાસ લીધો. તેણે કપાળ ઉપર આવી ગયેલા પરસેવાને લુછયો. તેના હૃદયના ધબકારા ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યા. બે મિનિટ સુધી આંખો બંધ કરીને ચૂપચાપ બેસી રહ્યો. તેના મન ઉપર થી ભાર ઉતરવા લાગ્યો. તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી ‘‘હે, માતાજી તમારા આશિર્વાદ થી આ થયું છે’’. તેણે માતાજીને પ્રસાદ ચડાવવાનું નક્કી કર્યું.
પછી, તે મનોમન હસી પડયો. તેણે ચલાવેલો તુક્કો, તીર પૂરવાર થયો હતો. તેની પાસે કોઈ જ સાબીતી રાજવીર વિરૂધ્ધની હતી જ નહી, માહિતી પણ વધારે તો અફવા રૂપે ફરતી વાતો જ હતી. રાજમોહને થોડા વખત પહેલા કંપનીની સિક્યુરીટી સંભાળતા મદનલાલ ને રાજવીર વિષે ની માહિતી મેળવવા સૂચના આપી હતી. જયારે તેણે પહેલીવાર કંપની ખરીદવા ઓફર આપી હતી. મદનલાલે તેમના જૂના મિત્રો જેઓ પોલીસ, બોર્ડર સીક્યુરીટી ફોર્સ કે ઈન્ટેલીજંસ ડીપાર્ટમેન્ટ મા હતા. તેમની મદદ માંગી હતી. પણ કોઈ પૂરાવા કે સાબીતી હાથ લાગી ન હતી. માત્ર ઉડતી વાતો અને સિધ્ધ ન થાય તેવી અફવાઓ સાંભળવા મળી હતી. આ બધાની ગુંથણી કરીને આજે રાજમોહને રાજવીર સામે શસ્ત્ર સાધ્યુ હતું. નસીબજોગે તીર નિશાના ઉપર લાગ્યુ હતું. ભગવાન પણ ક્યારેક ક્યારેક સારા માણસોનો સાથ આપે છે. નહિતર રાજવીર જેવા કાબા માણસને પછાડવો એ સહેજ વાત ન હતી. રાજમોહન ફરી હસી રહ્યો. તેણે માત્ર ગુબ્બારો જ ઉડાડયો હતો જે બોંબ બનીને રાજવીર ઉપર ફાટયો હતો.
***********************
બોસને હવે કળ વળવા લાગી હતી. તેના ઘુંટણમાં કોઈ કાયમી ઈજા થઈ ન હતી માત્ર સ્થાનીક પીડા જ હતી. તેણે ધીમે ધીમે પોતાનું સંતુલન સંભાળ્યુ અને ચારે બાજુ નજર કરી સ્વદેશ હજુ નીચે ફસડાયેલો હતો. તેના બે ગુંડા પોતાની પીડા પંપાળતા જોયા બીજા બે ગુંડા ચૂપચાપ ઉભા હતા. તેનુ મગજ છટક્યુ, ગુંડા છે કે ગરીબડા? તેણે બરાડો પાડયો ‘‘ઉભા છો કેમ? પકડો પેલાને’’ સ્થિર થયેલા ગુંડાઓમાં જાણે જીવ આવ્યો હોય તેમ તેઓ ચમક્યા અને તરત જ સ્વદેશ પાસે જઈને તેને ઉભો કર્યો. સ્વદેશ નો શ્વાસ ધીમે ધીમે સામાન્ય થઈ ગયો હતો. પણ શરિર અને પગમાં અશક્તિ હતી. લડખડાતા પગે તે ઉભો થયો બંને ગુંડાઓએ તેને બંને બાજુએ થી આધાર આપ્યો હતો.
બોસે દૂર પડેલ ચાકુ ફરી ઉપાડી લીધુ અને તેની ધાર સ્વદેશના ગળા ઉપર મૂકી કડકાઈ થી કહ્યું ‘‘મુર્ખ ન બન, બેગ તો નહી ખૂલે તો અમે તોડી નાખીશું, એટલે અમને તો પૈસા અને સાબિતી મળી જ જશે, તું મફતનો જીવનો જઈશ. નંબર બતાવ.
સ્વદેશ ને ખબર હતી કે અંદર માત્ર એક લાખ રૂપિયા જ હતા. લાલ ડાયરી કે સી.ડી તો માત્ર દેખાવ પૂરતા જ હતા. એટલે ખૂલ્યા પછી તેનો જીવ જોખમમાં જ હતો. એક માત્ર ઉપાય સમય ગુજારવાનો હતો. જો તે સમય કાઢે તો તેની યોજના મુજબ તેનો બચાવ થાય માત્ર સમય પસાર કરવાનો હતો.
તે હસ્યો ‘‘મે તને પહેલા જ કહ્યુ હતુ કે રાધાબેન ને છોડ અને નંબર લઈ લે, પણ તુ માનતો નથી.’’
બોસના હોઠ ભિંસાઈ ગયા. આ છોકરો માને એવો નથી. જો તે સ્વદેશના હિસાબે કરે તો તેના ગુંડાઓ સામે તેનુ નીચુ દેખાય અને તેની મહત્તા ઓછી થઈ જાય અને દરજ્જો જોખમાય. તેણે નિર્ણય લઈ લીધો અને ફરી એકવાર ચાકુ સહિત તેનો હાથ હવામાં ગયો. એક જ ક્ષણની વાર થઈ હોત તો લાંબા ચાકુનુ ફુણું સ્વદેશની છાતીમાં ઉતરી ગયુ હોત. સ્વદેશે આંખો મીચી દીધી હતી. પણ હાથનો પ્રહાર થાય તે પહેલા જ બોસ ઉભો હતો તેની સામે બાજુના દરવાજા તરફથી એક પિસ્તોલ ગર્જી ઉઠી. પિસ્તોલ ના ઘડાકાથી વાતાવરણ હલબલી ઉઠયું. પિસ્તોલમાંથી છુટેલી ગોળી એ બોસનો જમણો ખભો વિંધી નાખ્યો ઘગઘગતું સીસું બોસના ખભાની અંદર હાડમાંસ ચિરતું ઉતરી ગયું. બોસ વેદના અને પીડાથી ચીસ પાડી ઉઠયો. ચાકુ તેના હાથમાંથી પડી ગયું ખભામાંથી લોહીની ધાર વહેવા માંડી તેની આંખે અંધારા આવી ગયા પણ લડખડાવા લાગ્યા.
સૌ એ ધડાકાની દિશા તરફ જોયું. સ્વદેશ સિવાય સૌ સ્તબ્ધ થઈ જોઈ રહ્યા.
ત્યાં સુદર્શના એક હાથમાં પિસ્તોલ લઈને ઉભી હતી, જેની નળીમાંથી હજુ ધુમ્રસેર નીકળી રહી હતી. તેની પાછળ જ મોહિત ઉભો હતો.
‘‘ખબરદાર’’ સુદર્શનાએ સત્તાવારી સ્વરે કહ્યું.
ગુંડાઓએ સ્વદેશને છોડી દીથો. તે સંતુલન ખોઈ જમીન ઉપર ફસડાઈ પડયો.
‘‘દિવાલ પાસે ઉભા રહી જાવ’’ સુદર્શનાએ આજ્ઞા આપી, બોસના હાલ જોઈ ચારે ગુંડા ચૂપચાપ દિવાસ સાથે ઉભા રહી ગયા.
સુદર્શના એ ક્રીમ કલરનું ફુલ સ્લીવ્ઝનું શર્ટ અને ડાર્ક બ્લ્યુ જીન્સ પહેર્યા હતા. તેના હાથમાં અમેરીકન બનાવટની સ્મીથ એંડ વેસનની ૯ મી.મીની ૧૦ + ૧ કારતુસ વાળી પિસ્તોલ હતી. તેની પાસે આ પિસ્તોલ નું લાયસન્સ હતું.
‘‘સ્વદેશ તું ઠીક છે?’’ તેણે ચિંતાતુર સ્વરે પૂછયું. પણ તેની આંખ બોસ અને ગુંડાઓ સામેજ તકાયેલી હતી. એક ગુંડાએ પોતાના ખીસામાંથી ચાકુ કાઢવાનો પ્રયત્ન કર્યો તો ફરીથી સુદર્શનાની પિસ્તોલ ગર્જી ઉઠી. ગુંડાની હથેળીમાં ગોળી ઉતરી ગઈ. ચિત્કાર પાડી તે નીચે બેસી ગયો.
‘‘ફરી વાર નહી કહું, હું ગુજરાત રાઈફલ્સ એસોશીયન ની ચેંપીયન રહી છું નિશાનબાજીમાં, ચાલકી કરવા જશો તો આગલી ગોળી તમારા ઘુંટણુનું કચુંબર કરી નાખશે. આખી જીંદગી ચાલી નહી શકો’’ સુદર્શનાએ પોતાની પ્રતિભાનો પરચો આપતા કહ્યું.
સ્વદેશે જમીન ઉપર પડયા પડયા જ સુદર્શનાને સૂચના આપી ‘‘બીજુ બધુ પછી, પહેલા પેલા નો ચહેરો ખોલાવ, ખબર પડે તે કોણ છે?’’ પણ તું ઘાયલ છે...........’’ સુદર્શના વાક્ય પુરૂ કરે તે પહેલા સ્વદેશે ફરી કહ્યું. ‘‘મારા કરતા તે કોણ છે તે જાણવું વધારે અગત્યનું છે. મારી ફિકર છોડ’’ તેણે કણસતતા અવાજે કહ્યું.
સુદર્શનાએ પોતાની પિસ્તોલ બોસ સામે તાકી ‘‘તારી ટોપી ઉતાર અને મોંઢું દેખાડ’’
પિડાથી કે ભયથી બોસ પોતાનો ખભો દબાવી ચૂપચાપ ઉભો જ રહ્યો. સુદર્શના એ મોહિત ને આદેશ આપ્યો. ‘‘તું તેની પાસે જઈને તેનું મોઢું ખોલ, પણ સાવધાન મારી પિસ્તોલ અને તેના શરિરની વચ્ચે ન આવતો’’ તેણે પિસ્તોલ બોસના કપાળ ઉપર તાકેલી જ રાખી.
મોહિત સુદર્શનાની જમણી બાજુથી આગળ ગયો અને બંનેની વચ્ચે ન આવે તેવી રીતે બોસની જમણી બાજુએ ઉભા રહીને તેણે વાંદરા ટોપી ખેંચી કાઢી.
બોસનો ખૂલ્લો ચહેરો જોઈ સ્વદેશ, સુદર્શના અને મોહિત સ્તબ્ધ થઈ ગયા. તેમનો અવાજ ગળામાં જ અટવાઈ ગયો. સુદર્શના ખૂદ થોથવાઈ ગઈ, ત્રણે જણ બોલી ઉઠયા.
‘‘તમે ગુપ્તાજી, તમે? સ્વદેશે કણસતા કહ્યુ.
‘‘તમે રાજકુમાર ગુપ્તાજી? તમે તો મારા પપ્પાના ખાસ મિત્ર હતા’’ સુદર્શના માંડ માંડ બોલી.
‘‘તમે રાજમોહન કાકાને ફસાવ્યા?’’ મોહિતે પૂછયું.
ત્રણે જણાના મોઢા ઉપર ગુસ્સો, અકળામણ અને ખુન્નસ આવી ગયા તો સુદર્શના ઉપર જીવલેણ હુમલો કરાવનાર આ રાજકુમાર ગુપ્તા હતા. તેમનું નામ પણ ‘‘રા’’ થી શરૂ થતું હતું.
સામે રાજકુમાર ગુપ્તા, પરિખ ગ્રુપના વકીલ, કાયદાકીય સલાહકાર અને જગમોહન પરિખના મિત્ર લોહીથી તરબતર ખભે અને ભયથી થરથરતા નીચે મોઢે જમીન પર તાકી રહ્યા હતા.
ક્રમશઃ
(વધુ રસીક ભાગ આવતા અંકે)