પ્રકરણ – ૮
ત્રણ હાથનો પ્રેમ
લેખકઃ
શૈલેશ વ્યાસ
Email : saileshkvyas@gmail.com
Mobile : 9825011562
સ્વદેશ ની “યામાસાટો” મોટર સાઈકલ પૂરપાટ જતી હતી. પાછળ સુદર્શના તેને એક હાથે ઝકડીને બેઠી હતી. બંને ના મગજમાં એક તુમુલ તોફાન સર્જાયુ હતું. રફિકનું ખૂન કોણે કર્યુ? સાથે સાથે એક બીજો નવો પ્રશ્ન પણ ઉદભવ્યો હતો. ખૂન આજે જ કેમ થયું? શા માટે કર્યુ? અકસ્માતને તો લગભગ ત્રણ મહિના ઉપર સમય થયો હતો. ખૂન અકસ્માતના સંદર્ભે હોય તો ક્યારનુંય થઈ જવુ જોઈતુ હતુ. આજે જ કેમ? શું આ એક માત્ર સંયોગ કે યોગાનુયોગ હતો? કે રફિકના ગેરકાયદેસર કાર્યો નુ પરિણામ હતું?
સ્વદેશ અને સુદર્શનાના ચહેરા ઉપર ભય, ચિંતા અને ઉદવેગ હતા. હુમાલાવર ની તેમની તપાસમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવુ થયુ હતું. રફિક પાસે થી કોઈ માહિતી કે કડી મળવાને બદલે રફિકનો હત્યા કરાયેલ મૃતદેહ જ તેમને મળ્યો.
તેમની તપાસ શરૂ થતા પહેલા જ પુરી થઈ ગઈ. એક અદ્રશ્ય દિવાલ તેમની સમક્ષ ઉભી થઈ ગઈ હતી જેની પેલેપાર જોવુ તેમને માટે હવે ઘણુ મુશ્કેલ બની ગયુ હતું.
હવે આગળ શું કરવુ કે કેવી રીતે વધવુ તે બંને ને સમજાતું ન હતું.
શિયાળાની રાતમાં મોટરસાઈકલ ઉપર જઈ રહેલા સ્વદેશ અને સુદર્શના ને સુસવાટા ભરેલ ઠંડા પવનના સપાટા વચ્ચે પણ બંને જણના કપાળમાં પરસેવાના બિંદુઓ જામી ગયા હતા.
અચાનક જ સ્વદેશે મોટરસાઈકલ બીજી દિશામા વાળી. “તું ક્યા જઈ રહ્યો છે?” સુદર્શનાએ પુછયું.
“આપણે ઘરેથી કહીને નિકળ્યા હતા કે સિનેમા જોવા જઈએ છીએ એટલે થિયેટર ઉપર લઈ રહ્યો છું” સ્વદેશે સમજાવ્યુ. “કદાચ કયારેય તપાસ થાય તો આપણે કહી શકીયે કે અમે સિનેમામાં હતા. સુદર્શના, સ્વદેશના જવાબમાં રહેલ ગુઢાર્થ ને સમજી ગઈ Alibi / અન્યત્ર હાજરી કદાચ જરૂર બની જાય. તેણે સંમતિમાં માથુ હલાવ્યુ.”
ઘરેથી તેઓ ૮ વાગે જવા નિકળ્યા હતા, નવ વાગ્યાના શોમાં જવા પણ પહેલા તેઓ સિનેમા ને બદલે રફિકને ઘરે પહોચ્યા હતા. અત્યારે લગભગ પોણા નવ વાગ્યા હતા. તેઓ ૯.૧૫ના શોમાં પહોંચી શકે તેમ હતા.
સુદર્શના અને સ્વદેશે મલ્ટીપ્લેક્ષ થીયેટરના બેઝમેંટમાં મોટર સાઈકલ પાર્ક કરી, લીફટ થી ઉપર આવી, ટીકીટબારી ઉપર થી ટિકીટ લઈ, સિનેમાગૃહમાં પ્રવેશ કર્યો, પોતાની સીટ ઉપર જગ્યા લીધી. તરત જ પીક્ચર ચાલુ થઈ ગયું.
બંને માંથી કોઈને પીક્ચર જોવામાં રસ ન હતો. મનમાં હજાર વિચાર ચાલતા હતા. થોડીવારમાં સુદર્શના એ સ્વદેશના ખભા ઉપર માંથુ નાખી દીધુ અને આંખો મીંચી દિધી. સ્વદેશ પણ અમનસ્યક ભાવે પડદા સામે જોઈ રહ્યો હતો, પણ પડદા ઉપર ના કોઈ પણ દ્રશ્ય વિશે તેને કોઈ જ ખ્યાલ ન હતો. તેણે પણ આંખો મિંચી દીધી.
તેના મગજમાં એક જ વિચાર ઘૂમતો હતો. આ શું થઈ રહ્યુ હતું? પોલીસ ને તપાસમાં તો રફિક ઉપર કોઈ જ શંકા ઉપજે તેવુ જણાયું ન હતું. તો પછી રફિકની હત્યા શા માટે? અને મોટો સવાલ, આજે જ કેમ?
લગભગ સાડા અગિયારે પીકચર પુરૂ થયુ. બંને જણા ચૂપચાપ મોટરસાઈકલ ઉપર બેસીને ઘરે પહોચ્યા. બંનેમાંથી કોઈની વાત કરવાની કે બોલવાની હિંમત ન હતી.
મૂળભૂત સ્વદેશ અને સુદર્શના સંસ્કારી, જવાબદાર અને સીધાસાદા યુવક યુવતી હતા. ગુનેહગારો કે ગેરકાયદેસર જગત સાથે દૂર દૂર સુધી તમને કોઈ સંબંધ ન હતો. આવા ઘાતકી જગત ની તો તમને કલ્પના પણ નહોતી. તેઓ તો પોતાના પ્રેમને ખંડિત કરનાર તથા સુદર્શનાના એક હાથ ગુમાવવાના ગુનેગાર ને પકડવા નો ઈરાદો રાખતા હતા. ચાર હાથના પ્રેમને ખંડિત કરી ત્રણ હાથનો પ્રેમ બનાવનારને સજા આપવાની ઈચ્છા રાખી હતી.
પણ..
તપાસના પ્રથમ પગથિયે જ તેમનો સાક્ષાત્કાર એક હત્યા સાથે થયો હતો. શું આ હત્યા રફિક સુધી જ સીમીત રહેવાની હતી કે હત્યારાના રસ્તામાં આવનાર સ્વદેશ કે સુદર્શના ઉપર પણ આવો પ્રાણ ઘાતક હુમલો થવાનો કે થઈ શકવાનો હતો?
સ્વદેશ પોતાના મનને મજબુત બનાવ્યુ. સુદર્શના ઉપર તો એક વાર હુમલો થઈ ચુક્યો છે. બીજી વાર ન થાય તે માટે જ તો તેઓ આ પ્રયાસ કરી રહ્યા હતા. એટલે ગભરાયા વગર તેમણે પરિસ્થિતીનો સામનો મજબૂત મનોબળથી કરવો પડશે. તો જ સુદર્શના ના અને તેમના પ્રેમના ગુનેગાર ને સજા ને પાત્ર બનાવી શકાશે.
સ્વદેશે સુદર્શનાના ખભે હાથ મૂક્યો “ગભરાવાની જરૂર નથી. આપણે કોઈ ગુનો નથી કર્યો. આગળ શું કરવુ તે કાલે વિચારીશું. શાંતીથી સૂઈ જજે.”
“પણ આપણે પોલીસને જાણ કરવી જોઈએ?
“પોલીસ, પોતાની રીતે બધી જાણ મેળવી લેશે. આપણે કશું કરવાનું જોખમ લેવુ નથી.” સ્વદેશે કહ્યુ.
“પણ આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોલીસને જાણ ન કરવી જોઈએ?” સુદર્શનાએ ભાર મુક્યો. “આપણ ને જાણ થઈ છે તો આપણે પોલીસને જણાવવું જ જોઈએ.”
“સારૂ, હું અત્યારે બહારથી Pco ઉપર થી એક નનામો ફોન કરી દઉ હું, બસ?” સ્વદેશે સુદર્શનાની વાત સ્વિકારતા કહ્યુ.
બંગલામાં બધા સૂઈ ગયા હતા. સ્વદેશે મોટર સાઈકલ ચાલુ કરી Pco ગોતવા નિકળ્યો પોતાના મોબાઈલ ઉપર થી ફોન કરે તો ખબર પડી જાય. રાતના લગભગ બાર વાગવા આવ્યા હતા. એટલે લગભગ બધા Pco બંધ હતા. અડધો કલાકની રઝળપાટ પછી એક Pco ખૂલ્લો દેખાયો. Pco નો માલીક અડધો ઉંધમાં હતો. સ્વદેશે માથા અને મોઢાને મફલર થી ઢાંકી દીધુ હતુ. તેણે ટેલીફોનની કેબીનમાં જઈ પોલીસનો ૧૦૦ નંબર લગાડયો. સામેથી જવાબ મળતા જ તેણે રફિક વિશે માહિતી આપી અને પોલીસ બીજુ કાંઈ પૂછે તે પહેલા ફોન મૂકી દીધો અને અડધા ઉંધમાં રહેલા Pcoના માલિકના હાથમાં પૈસા મુકી તાત્કાલીક ત્યાંથી નિકળી ગયો. મોટરસાઈકલ તેણે થોડે દુર પાર્ક કરી હતી જેથી તેનો નંબર કોઈને ધ્યાનમાં ન આવે.
પાછા વળતા તેણે એક આઈસ્ક્રીમ પાર્લર ઉપરથી બે આઈસ્ક્રીમના કપ લીધા પેક કરાવીને બંગલા ઉપર કોઈ પુછે કે સુદર્શનાને મૂકીને ક્યાં ગયો હતો. તો કહી શકાય કે સુદર્શના માટે આઈસ્ક્રીમ લેવા ગયો હતો.
બંગલા ઉપર આવીને તે ચૂપચાપ તેના રૂમમાં જઈને સૂઈ ગયો. બધા જ સૂતેલા હતા.
થોડો વખત તો તેને ઉંધ ન આવી. વિચારો ના વમળ મનમાં ચાલતા રહ્યા. રફિકનો મૃતદેહ તેની આંખ સામે તરવરી રહ્યો. કોણે આવી ઘાતકી રીતે તેની હત્યા કરી હશે? તેના ગુનાહિત સાગરીતો દ્વારા? કે કોઈ અન્ય દ્વારા?
તેણે આ બધા વિચારો પોતાના મનમાંથી હડસેલી દીધા અને જે થશે તે સારૂ જ થશે એવુ વિચારી બધુ ઈશ્વર ઉપર છોડી તે ઉંધી ગયો.
તે કેટલુ સૂતો તેની તેને જાણ જ ન હતી. પણ અચાનક જ કોઈના ઢંઢોળવાથી તે જાગી ગયો. જોયુ તો શંકર તેને ઉઠાડતો હતો.
“સ્વદેશ ભાઈ ઉઠો, સાડા નવ વાગ્યા છે.” “ઓહો, સાડા નવ વાગી ગયા?” ચાલ ઉઠું છું” પછી સ્પષ્ટતા કરતા કહ્યુ. “રાત્રે સિનેમામાંથી આવતા મોડું થયું હતુ એટલે ઉઠવામાં વાર લાગી” પછી પૂછયું. “બધા ઉઠી ગયા?”
“કયારનાય” શંકરે જવાબ આપ્યો. “રાજમોહન સાહેબ તો હમણા થોડીવારમાં ઓફિસ જવા નિકળશે?” અને સુદર્શના?
“બેન તો ક્યારનાય ઉઠી ગયા છે, તેઓ એ તો કસરત ચાલવાનું વિ. બધુ કરી લીધુ, તમારા માટે ચા નાસ્તા ના ટેબલ ઉપર રાહ જૂવે છે.”
“ઓહ” કહેતા સ્વદેશે બ્લેકેંટ વગેરે હટાવી, પલંગ ઉપરથી નીચે ઉતરી આવ્યો “બેનને કહે બ્રશ વિ. કરીને દશ મિનીટમાં જ આવુ છું.”
સ્વદેશે ઝડપથી પ્રાતઃક્રમ તથા બ્રશ વિ. પતાવી ડાઈનીંગ ટેબલ ઉપર પહોંચી ગયો. રાજમોહન, રાધાબેન તથા સુદર્શના ત્યાં બેઠા હતા. રાજમોહન સવારે જમતા ન હોઈ તેઓ ઓફિસે નિકળતા પહેલા ભારે નાસ્તો કરતા હતા. રાધાબેન નિત્યક્રમ મુજબ આદુ, અજમો, ફુદીનો ને મધનું ઉકાળેલુ પાણી પીતા હતા. “ગુડ મોર્નિગ” સુદર્શનાએ પ્રસન્ન ચિત્તે કહ્યુ. “ગુડ મોર્નિગ” સ્વદેશે જવાબ આપ્યો. તે આશ્ચર્યચકિત થઈ જોઈ જ રહ્યો. સુદર્શના એકદમ પ્રફુલ્લિત, તાજી અને ફુલ ગુલાબી લાગતી હતી. કાલ રાતનો કોઈ ઓછાયો તેના ચહેરા ઉપર ન હતો.
“ચાલ, બેસ, આ નાસ્તો કરીલે” સુદર્શના એ આદેશ આપ્યો.
“જી, મેડમ,” સ્વદેશે હસતા હસતા જવાબ આપ્યો. તે પણ સમજી ગયો કે ગઈકાલ રાતના બનાવનો કોઈ પણ ઓછાયો તેમના ચહેરા ઉપર આવવો ન જોઈએ. કોઈને ગંધ સુધ્ધા આવવી ન જોઈએ કે તેઓ રફિકને ત્યાં હતા.
તેણે અને સુદર્શનાએ નાસ્તો શરૂ કર્યો. ત્યાં જ રાજમોહનના મોબાઈલની ઘંટડી વાગી. “રાજમોહન બોલુ છું” તેમણે ફોનમાં કહ્યુ. સામેની વ્યક્તિએ રાજમોહનને કાંઈક કહ્યુ. તેના જવાબમાં રાજમોહને “જી સાહેબ, જી સાહેબ, અમે સૌ હજી ઘરે જ છીએ. હું નિકળવાની તૈયારીમાંજ હતો. ભલે, ભલે, તમારી રાહ જોઈશું. આવો તમે “કહેતા તેમણે ફોન બંધ કર્યો.”
સૌ કોઈ તેમની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા. તેમણે ફોડ પાડતા કહ્યુ. “ઈન્સ્પેક્ટર ગોહિલનો ફોન હતો. અડધા કલાકમાં તેઓ આવે છે. બધાને હાજર રહેવા જણાવ્યુ છે. ફરીથી કાંઈક પૂછપરછ કરવાની છે.”
સ્વદેશ અને સુદર્શનાના શરિરમાંથી એક ભયની લહેરખી નીકળી ગઈ. ઈન્સ્પેકટર ગોહિલ અહિઆ સવારના પહોરમાં શા માટે આવે છે? રફિકની હત્યાના કારણસર જ આવતા હશે. પછી તેને યાદ આવ્યુ કે રફિકના મૃત્યુ વિશે તો તેણે જ પોલીસ ને નનામો ફોન કર્યો હતો.
સુદર્શના ના અકસ્માત વખતે રફિકને ત્યાં તપાસ થઈ હતી એટલે સ્વાભાવિક છે કે તેની હત્યા થાય તો તેની કોઈ કડી માટે ઈન્સ્પેક્ટર તપાસ કરવા તેમને ત્યાં આવે.
સ્વદેશે આંખો થી જ ઈશારો કરી સુદર્શનાને જણાવ્યુ કે કાંઈ ગભરાવા જેવું નથી. બધુ સામાન્યત જ છે. સુદર્શનાએ ઈશારો સમજીને માથું હલાવ્યું.
બધાએ પોતા પોતાનો નાસ્તો પૂરો કરી લીધો અને દિવાનખાનાના સોફા ઉપર ગોઠવાયા અને ઈન્સ્પેક્ટર ની રાહ જોવા લાગ્યા.
રાજમોહને ફોન કરી ને ઓફિસ ઉપર સમાચાર આપી દીધા કે તેઓ ને આવતા મોડું થશે.
સૌ કોઈ ઈન્સ્પેક્ટરની રાહ જોવા લાગ્યા. વાતાવરણ થોડું ભારે થઈ ગયુ. વાતાવરણ ને હળવુ કરવા રાધાબેને કહ્યુ. “છોકરાઓ, કાલે પિકચર કેવુ લાગ્યુ?” “સારૂ હતુ” સ્વદેશે જવાબ આપ્યો. “પણ તમારા કામનુ ન હતુ કયાંય કોઈ ભગવાન કે દેવી દેવતા પ્રગટ થતા ન હતા.” સ્વદેશે રાધાબેનને ચિડવ્યા. તે ભગવાન અને દેવી દેવતા તથા પૂજાપાઠમાં ખૂબ જ શ્રધ્ધા રાખતા હતા.
“તમારા લાયક, પીકચરો એ તો દાટ વાળ્યો છે.” રાધાબેને મોઢુ બગાડતા કહ્યુ.
સ્વદેશ કાંઈ જવાબ આવે તે પહેલા બાહર જીપ ઉભી રહેવાનો અવાજ આવ્યો. “ઈન્સ્પેક્ટર આવી ગયા લાગે છે.” કહી સ્વદેશે દરવાજો ખોલ્યો. “આવો, સાહેબ” તેણે આવકાર આપતા કહ્યુ.
ઈન્સ્પેકટર ગોહિલ અને વિરજી કોન્સ્ટેબલ અંદર આવ્યા. બંનેના ચહેરા ગંભીર હતા. “તમારી થોડી પુછતાછ કરવાની છે.” તેમણે શરૂ કર્યુ.
“શું કોઈ નવી માહિતી કે કડી મળી છે કે કોણે સુદર્શના ઉપર હુમલો કર્યો હતો?” રાજમોહને પૂછયુ.
ઈન્સ્પેક્ટરે તીક્ષ્ણ નજરે બધાની સામે જોયું. પછી ઉમેર્યુ. “તમારી જાણ માટે રફિકની કાલે રાત્રે હત્યા થઈ ગઈ છે.” બધાની પ્રતિક્રિયા જાણવા જોવા તે ધારદાર નજરે બધાની સામે જોઈ રહ્યો.
એક સામટા સૌના મોઢામાંથી એક જ સવાલ આવ્યો.
“શું રફિકની હત્યા થઈ ગઈ?”
“કોણે કરી?”
“ક્યારે”
“શા માટે”
“આ બધા સવાલોનો જવાબ ગોતવાજ હું અહિ આવ્યો છું.” ઈન્સ્પેક્ટરે કહ્યુ.
“પણ, અહિંયા શા માટે?” રાજમોહને પૂછયું.
“સુદર્શના ના ઉપર થયેલ હુમલામાં રફિક ઉપર તપાસ થઈ હતી. એટલે અમારા મત મુજબ એની કોઈ ને કોઈ કડી આ બંગલા સાથે સંકળાયેલી હોવી જોઈએ.”
“તમે રાજમોહન કાલે રાત્રે આઠ-સાડા આઠની વચ્ચે ક્યાં હતા?”
“એટલે, તમે મને શા માટે પૂછો છો?” મારે ને રફિકના મોતને શું લેવા દેવા?
“જેટલુ પુછુ એનો જવાબ આપો” ઈન્સ્પેકટરે થોડી અવાજમાં સખતાઈ લાવીને પૂછયુ.
રાજમોહને નરમાશ થી જવાબ આપ્યો. “હું તો ધેર જ હતો. જમીને મારા રૂમમાં વાંચતો હતો.”
“તમારી પાસે કોઈ પૂરાવો છે કે તમે ઘરમાં જ હતા” ઈન્સ્પેકટરે સવાલ કર્યો.
“કેવી વાત કરો છો?” શું કોઈ પોતાના ઘરમાં પોતે હાજર હોય તેની વિગત કે નોંધ રાખતા હોય છે? ઘરે હતો એટલે ઘરે હતો. રાજમોહને ઉકળીને કહ્યુ.
રાધાબેને અહિં સૂર પૂરાવ્યો “ઈન્સ્પેક્ટર સાહેબ, તમે તમારા ઘરે હો છો ત્યારે દરેક મીનીટની વીડીઓ ઉતારો છો કે cctv માં record કરો છો? રાધાબેનની વાત સાંભળી બધાના મોઢા ઉપર હાસ્ય ફરક્યુ.”
ઈન્સ્પેકટરે સખતાઈ પૂર્વક કહ્યુ “રાધાબેન આ હસવાની બાબત નથી. ખૂનનો કેસ છે. રફિકની હત્યા થઈ છે. એટલે અમારે પૂછવુ પડે છે.”
“તમારી વાત સાચી છે. પણ ઘરમાં દરેક સભ્ય ચોવીસે કલાક કોઈને પોતાના સાક્ષી તરીકે તો ના જ રાખી શકે ને? હું પણ મારા રૂમમાં હતી તો હું સાક્ષી કયાં થી લાવુ? સ્વદેશ અને સુદર્શના પીક્યર જોવા ગયા હતા. તો એ સાક્ષી ક્યાંથી લાવે?”
“સિનેમા જોવા ગયા હોય તો, ત્યાં ના cctv માં તેમના ફોટા હોય જ તદ્ઉપરાંત ટીકીટના અડધીઆ પણ હોય,જો રાખ્યા હોય તો”
સ્વદેશે કહ્યુ “છે જ ટીકીટના અડધીઆ મારા રૂમમાં પડયા છે. શંકર, જા લઈ આવ તો” સ્વદેશે નોકરને કહ્યુ.
“એની અત્યારે જરૂર નથી” ઈન્સ્પેક્ટરે શંકરને રોકતા કહ્યુ. તેઓએ ફરી રાજમોહનને પૂછયુ.
“તમે ફરીવાર યાદ કરીને કહો, તમે કાલે રાત્રે આઠ અને સાડા આઠની વચ્ચે કયાં હતા?”
“મે તમને કહ્યુ ને હું મારા રૂમમાં જ હતો, વાંચતો હતો.” રાજમોહને કહ્યુ.
“રાજમોહન ભાઈ સાચુ નહિ બોલો તો તકલીફ થશે હો?” ઈન્સ્પેક્ટરે ફરી સખતાઈ થી કહ્યુ.
સ્વદેશે વચમાં ઝૂકાવ્યુ. “તમે કઈ રીતે કહો છો કે રાજમોહન કાકા સાચુ નથી બોલતા”
ઈન્સ્પેક્ટરે વિરજી કોસ્ટેબલ સામે જોયુ “લાવ તો” વિરજીએ પોતાની ખીસામાંથી એક વસ્તુ કાઢી ઈન્સ્પેકટરના હાથમાં આપી.
“ઈન્સ્પેકટરે હાથ લંબાવ્યો” તો આ શું છે?”
રાજમોહને આશ્ચર્ય થી પૂછયું. “શુ છે?” બધાએ જોયુ કે ઈન્સ્પેક્ટરના હાથમાં એક વોલટ / ખીસા નું પાકિટ હતું.
“ઓળખો છો આ વોલેટ/ પર્સને?” ઈન્સ્પેકટરે પૂછયું. “તેમણે એક જૂનુ ઘસાયેલુ પાકિટ દેખાડતા કહ્યુ.”
“ના સાહેબ” રાજમોહને માથું ઘુણાવ્યુ.
“હું તમને બતાવુ, આ તમારૂ પાકીટ છે જે રફિકની લાશ પાસે થી અમને મળ્યુ છે.” ઈન્સ્પેકટરે પાકિટ રાજમોહનના હાથમાં થમાવતા કહ્યુ.
રાજમોહને પાકિટ આમતેમ ફેરવી જોયું. “પણ કોણે કહ્યુ કે આ મારૂ પાકીટ છે? હું તો બ્રાંડેડ પાકીટ જ વાપરૂ છું વર્ષોથી. આવુ સસ્તુ ને ઘસાયેલુ પાકીટ તો અમારા પટાવાળા પણ નથી વાપરતા. ”
“અંદર જૂવો, પાકિટમાં તમારા બે વિઝીટીંગ કાર્ડ છે. હજાર હજારની પાંચ નોટો છે અને તમારો ફોટો પણ છે.” “પણ વિઝિટીંગ કાર્ડઝ તો હું વર્ષે ૨૦૦૦ છપાવુ છુ અને આખા ગામમાં ને બીઝનેશ સર્કલમાં આપુ છું. મારા ફોટોગ્રાફસ પણ ઘણા પાસે મળે કારણ કે ઘણા બધા સમારંભોમાં કે કોન્ફરંસમાં અમારા ફોટા પાડતા હોય છે. ફોટોગ્રાફ્સ એટલે આ પાકિટ મારૂ છે તેમ કેમ માની લેવાય.” રાજમોહને અહિંઆ અટકી ફરી કહ્યું. “મારૂ પાકીટ હોય તો એમા મારૂ ડ્રાઈવીંગ લાઈસંસ હોય, ક્રેડીટકાર્ડસ હોય, બીજા બીલો કે કાગળીઆ હોય, આ મારૂ પાકિટ નથી.”
“વિરજી, ઘરની તલાશી લ્યો.” ઈન્સ્પેક્ટરે આદેશ આપ્યો. જીપમાં બેઠલા બીજા ચાર પોલીસ કર્મીઓ એ અંદર આવી ઘરની તપાસ ચાલુ કરી “મારી પાસે સર્ચ વોરંટ છે” ઈન્સ્પેક્ટરે ચોખવટ કરતા કહ્યુ.
“પણ ઘરની તલાશી શા માટે?” સ્વદેશે પૂછયુ.
“અમે ખૂનના હથિયાર અથવા અન્ય કોઈ પૂરાવાની તપાસ કરીએ છીએ. ખૂનની જગ્યાએ રાજમોહનનું પાકિટ મળ્યુ છે એટલે અમારો તેમના ઉપર શક છે.”
ચાર પોલીસો ઘરમાં તપાસ કરી રહ્યા હતા. બીજા બે બગીચા અને ગાડીઓ તપાસી રહ્યા હતા.
અચાનક બહારથી પોલીસ નો અધિરાઈ ભર્યો અવાજ આવ્યો. “સાહેબ, અહિઆ આવો” ઈન્સ્પેકટર દોડીને બહાર ગયા અન્ય સૌ પણ પાછળ પાછળ ગયા. બહાર એક પોલીસ રાજમોહનની ગાડીની ડીકી ખોલીને ઉભો હતો. અને ડેકીની અંદર કાંઈક દેખાડી રહ્યો હતો.
સૌ એ જોયુ તો ગાડીની ડેકીમાં એક ભારે વજનની હથોડી પડી હતી જેના ઉપર લોહી જામેલુ હતું. “રાજમોહન, આ શું છે?” ઈન્સ્પેકટરે તીક્ષ્ણ અવાજે પૂછયું. “મને ખબર નથી. આ મારી હથોડી નથી. મારી ગાડીમાં કેવી રીતે આવી તે હું નથી જાણતો.” રાજમોહને આશ્ચર્ય ભર્યા સ્વરે કહ્યુ. “રાજમોહન, તમારૂ પાકીટ ખૂનના સ્થળે મળ્યુ છે અને તમારી ગાડીમાંથી ખૂનનું હથિયાર મળ્યુ છે. યુ આર અંડર એરેસ્ટ વિરજી આમની ઘરપકડ કરો. ” ઈન્સ્પેકટરે સત્તાવાહી સ્વરે કહ્યુ.
(ક્રમશઃ)
વધુ રસિક ભાગ આવતા અંકે