પ્રકરણ – ૧૦
ત્રણ હાથ નો પ્રેમ
લેખકઃ
શૈલેશ વ્યાસ
Email : saileshkvyas@gmail.com
Mobile : 9825011562
સલમાનો ફોન પુરો થતા જ બધા ઉભા થઈને સુદર્શના પાસે આવી ગયા. સૌના ચહેરા ઉપર ચિંતા ના ભાવ હતા. આ એક નવી પરિસ્થતી ઉત્પન્ન થઈ હતી. તેનો સામનો કેવી રીતે કરવો એ અંગે સૌના મનમાં અનિશ્ચિતતા હતી. સુદર્શનાએ જ મૌન તોડયું. “શું લાગે છે?” તેણે સૌને ઉદ્દેશીને પૂછયું. સૌ એ બધી વાત સાંભળી હતી.
રાધાબેને સૌ પહેલા જવાબ આપ્યો. “આપણે જાણતા નથી કે આ બાઈ કોઈ છે? સાચે જ કોઈ આવી સલમા છે કે નહી તેની આપણને જાણ નથી. આપણે કોઈ આવું જોખમ નથી લેવાનું.”
સુદર્શનાએ સ્વદેશ સામું જોયું “તારો શું અભિપ્રાય છે?”
“એક રીતે રાધાબેનની વાત વ્યાજબી છે. આ બાઈ વિશે આપણે કાંઈ જાણતા નથી. સાચે જ કોઈ માહિતી છે એની પાસે કે નહિ તેની આપણને કોઈ ખાતરી નથી. એટલે જોખમ તો છે જ” સ્વદેશે ક્યું.
“પણ, આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. જો આ બાઈ પાસે સાચે જ કોઈ માહિતી હોય તો આપણે હુમલાખોરો સુધી પહોંચી શકીયે” સુદર્શનાએ ક્યું.
રાધાબેને રોષ ભરેલા સ્વરે ક્યું “પણ એ તને એકલીને બોલાવે છે રાતે અને તે પણ લાખ રૂપિયા સાથે, આ કેટલુ જોખમ ભરેલુ છે તેનો ખ્યાલ છે તને?”
“જોખમ તો છે જ” સ્વદેશે ટાપસી પૂરી.
રાત્રે તું એકલી જાય અને તારા પૈસા ઝુંટવી લઈ, તારૂ ગળું કાપી નાખશે તો તું શું કરીશ? કાંઈ સમજ પડે છે? રાધાબેને હવે ખરેખર ગુસ્સામાં કહ્યું.
“તમારી વાત સાચી છે, રાધામાસી, પણ મે કહ્યુ, તેમ આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી અંધારી કેડીમાં આ એક માત્ર પ્રકાશનું કિરણ છે. આ તક હાથમાંથી જવા દઈશું તો પછી ક્યારેય જાણી નહી શકીયે કે મારા ઉપર હુમલો કોણે કરાવ્યો તો. જો આપણને જાણ થશે કે મારા ઉપર હુમલાની પાછળ કોનો હાથ હતો તો પછી રફિકના ખૂન માટે ગુન્હેગાર ને પણ આપણે ઓળખી શકીશું”
“રફિક ના ખૂન સાથે આપણે શું લેવા દેવા છે?” રાધામાસીએ અણગમાંથી પૂછયું.
“રફિકના ખૂન સાથે આપણે કોઈ સંબંધ નથી, પણ એના ખૂન માટે રાજમોહન કાકાને ખોટી રીતે જવાબદાર ઠેરવવામાં આવે તે સહન ન કરાય” સ્વદેશે સ્પષ્ટતા કરી.
“રાધામાસી, તમે સમજો, મારા ઉપર હુમલો કરનાર પકડાશે તો તેની પાછળ પાછળ રફિક ના ખૂન નો ભેદ પણ ઉકેલાશે અને રાજમોહન કાકાને કોણે ખોટી રીતે ફસાવવા માટે આ ષડયંત્ર રચ્યું છે તેની જાણ થશે.” સુદર્શના એ કહ્યુ.
“સલમા પાસે જવામાં જોખમ તો છે જ પણ જો આપણે અંધારામાં રહેવુ પસંદ કરીશુ તો હુમલાખોર સ્વતંત્ર અને આઝાદ ફરશે અને ફરી સુદર્શના ઉપર આનાથી વધારે કાતિલ હુમલો કરે તેવી શક્યતા વધી જાય” સ્વદેશે કહ્યું. પછી રાધાબેનની આંખોમાં આંખ પરોવી તેણે પૂછયું. “તમારી દીકરી ઉપર ફરી પ્રાણઘાતક હુમલો થાય એવુ તમે ઈચ્છો છો?”
“ના,ના,ના, હું એવું નથી કહેતી કે ઈચ્છતી, મને તો માત્ર સુદર્શનાની ચિંતા થાય છે. એકલી છોકરી, રાત્રે, ખબર નહિ કયાં બોલાવશે અને તેય રૂ.એક લાખ લઈને જાય એનો મને ખૂબજ ડર લાગે છે.” રાધાબેને પોતાના મનની વાત કહી.
સ્વદેશે વાત ને વ્યવહારૂ વળાંક આપતા કહ્યું. “જૂઓ, આપણે આ વાતને વ્યવહારીક રીતે વિચારીયે, નંબર ૧, આપણી પાસે અત્યારે કોઈ કડી કે માહિતી નથી, નંબર ૨, આ સલમા સાચી કે ખોટી, અત્યારે એક માત્ર કડી છે, નંબર ૩, જો આ તક ગુમાવીશું તો ફરી ક્યારે આપણ ને આવી તક કે મોકો મળશે તેની આપણ ને ખબર નથી, નંબર ૪, આમાં જોખમ તો છે જ, રાધાબેન કહે છે તે પ્રમાણે, પણ જોખમ તો લેવુ જ પડશે, નંબર ૫, જોખમ તો લઈશું પણ ગણત્રી પૂર્વક નું એટલે જોખમ ની ગંભીરતા ઓછી થઈ જશે.”
“ગણત્રીપૂર્વક નું જોખમ એટલે?” રાધાબેન ત્થા સુદર્શના એ એમ બંને એ પૂછયું.
“ગણત્રીપૂર્વક નું જોખમ એટલે હું તમને સમજાવું” સ્વદેશ સ્પષ્ટતા કરતા જણાવ્યુ. “તુ સલમાને મળવા જઈશ પણ એકલી નહી, હું સાથે આવીશ.... “પણ” સુદર્શનાએ અધવચ્ચે સ્વદેશ ને રોક્યો “તે સાંભળ્યુ નહી? તેણે સાવ એકલા આવવાનું કહ્યુ છે”
“બરાબર છે. સલમા પાસે તો તું એકલી જ જઈશ” સ્વદેશે કપટી હસતા કહ્યું. “પણ તને લઈને હું જઈશ”
“પણ બંને વાત એક સાથે કઈ રીતે થઈ શકે? “જો,” સ્વદેશે સમજાવ્યું. “અહિથી હું તને મોટર સાઈકલ ઉપર લઈ જઈશ. જયાં તને મળવા આવવાનું તે કહેશે તેનાથી થોડે દુર હું તને ઉતારી દઈશ. ત્યાં થી તું આગળ એકલી જજે સલમા ને મળવા”
“પણ, એકલી જાય એટલે જોખમ તો માથા ઉપર ઉભું જ રહેશે ને?” રાધાબેને ભય વ્યક્ત કર્યો.
“તમે સૌ મારી વાત પૂરી રીતે સાંભળો, હું ૧૫ મિનીટ તેની બહાર રાહ જોઈશ, જો પંદર મીનીટમાં મને તેનો મીસકોલ નહી આવે તો હું સમજીશ કે અંદર કાંઈક ગરબડ છે અને હું તરત જ ત્યાં પહોંચી જઈશ” સ્વદેશે સધીયારો આપ્યો.
“પણ ૧૫ મીનીટ નહી, ૧૦ મીનીટ પછી મીસકોલ ન આવે તો તું અંદર જજે, પંદર મીનીટમાં તો શું નું શું થઈ જાય” રાધાબેને કહ્યું.
“રાધાબેન” સ્વદેશે નાના બાળક ને સમજાવતા હોય તેમ સમજાવ્યું. “સુદર્શના પહોંચે, કઈ વાત કરે, સમજે ત્યાં સુધી ૧૦ મીનીટ તો થઈ જાય, હું તરત જ ઘસી જાવ તો બધુ ગરબડ થઈ જાય”
“હા, રાધામાસી, ૧૫ મીનીટ, બરાબર છે “સુદર્શના એ કહ્યું.”
“તમારા સૌ નો શું અભિપ્રાય છે?” સ્વદેશે પરિક્ષિત તથા મોહિત ને પૂછયું.
બંને એ પોતાનો સુર પૂર્યો “તમારી વાત બરાબર છે.”
સ્વદેશે સુદર્શના અને રાધામાસી સામે જોયું. “તો પછી આ વાત નક્કી થઈ ગઈ. હું મોટર સાયકલ ઉપર સુદર્શના ને લઈ જઈશ, બહાર રાહ જોઈશ, ૧૫ મીનીટ સુધી સુદર્શનાનો કોઈ સંદેશ નહી મળેતો હું અંદર તરત જ જઈશ, બરાબર?”
“બાકી તો બધુ બરાબર છે. પણ ધારો કે સલમા એ કોઈ માણસને તપાસ રાખવા પૂરતો મૂકયો હોઈ જોવા કે હું એકલી આવું છું કે કોઈને સાથે લઈને તો?” સુદર્શના એ શંકા વ્યક્ત કરી,
“એનો જવાબ સાવ સહેલો છે. સૌ ને ખબર છે કે એક્સીડંટ પછી તું એક હાથે ગાડી કે સ્કુટર ચલાવી શકે તેમ નથી, એટલે તારે કહેવાનું કે “હું એકલી વાહન ચલાવી શકુ તેમ નથી એટલે મને કોઈકે લેવા અને મુકવા આવવું પડે, એટલે સ્વદેશ આવ્યો છે. મને મૂકવા અને લેવા””
“હા, એ બરાબર છે.” સુદર્શનાની શંકાનું સમાધાન થઈ ગયું.
“તો આપણે આપણી તૈયારીઓમાં લાગી જઈએ.” સ્વદેશે સલાહ આપી.
“કેવી તૈયારીઓ” રાધાબેને પૂછયું.
“સૌ પહેલા તો આપણે લાખ રૂપિયાની સગવડ કરવી પડશે.” સ્વદેશે પહેલો મુદ્દો જણાવ્યો.
“એ તો થઈ જશે, હું રાજમોહનભાઈ, સુદર્શના, અમે બધા આકસ્મિક આવશ્યકતા માટે ૨૦/૨૫ હજાર રૂપિયા તો અમારી પાસે ઘરમાં રોકડા રાખીએ જ છીએ. એટલે ૭૦/૭૫ હજાર રૂપિયા તો ઘરમાંથી મળી જશે” રાધાબેને કહ્યુ અને પછી સૂચના આપી “પરિક્ષિત, તારા ડેડીના કબાટમાં જેટલી રકમ હોય તે લઈ આવ, મોહિત તુ મારો કબાટ ખોલી જેટલી રકમ હોય તેટલી લઇ આવ અને તું સુદર્શના, તારી પાસે જેટલી રકમ હોય તેટલી લઈ આવ. ખૂટતી રકમ, ATM માંથી લઈ આવીશું. રાજમોહનભાઈ ના કાર્ડ દ્વારા, એમનો પીન નંબર પરિક્ષિત ને ખબર છે.”
અડધા કલાકમાં તો લાખ રૂપિયાની રકમ ભેગી થઈ ગઈ. હજાર હજારની નોટોનું એક બંડલ થયું તે સુદર્શનાના પર્સમાં આસાની થી આવી ગયું.
સ્વદેશે મોહિત ને કહ્યું. “તું એક કામ કર, બજારમાં જઈ એક કાળા રંગનો બુરખો લઈ આવ”
“બધાએ આશ્ચર્ય થી પૂછયું” બુરખો કેમ? સ્વદેશે સમજાવ્યું “જૂઓ, સલમા લધુમતી કોમની છે, એટલે તેને મળવા માટે જે જગ્યાએ બોલાવશે તે પણ લઘુમતી વિસ્તાર જ હશે. એટલે મોડી રાતના એકલી સુદર્શના પંજાબી ડ્રેસ કે જીન્સ ટી શર્ટમાં નિકળે તો બધાંનું ધ્યાન આકર્ષાય, જે ઠીક નહિ. પણ જો તે બુરખો પહેરીને જાય તો કોઈ ને ય શંકા ના આવે અને તે વિસ્તારની સ્ત્રી સમજીને કોઈ તેના ઉપર વધારે ધ્યાન ન આપે, અને સુદર્શના ની સલામતી વધે”
સૌ કોઈ સ્વદેશ સામે પ્રસંશાથી જોઈ રહ્યા. “તું તો ભાઈ ડીટેકટીવ ચોપડીઓ બહુ વાંચે છે કે શું?” રાધાબેને હસતા હસતા ટોણો માર્યો.
“ના, ના, માસી, વાંચવાનો તો આજકાલ ક્યા કોઈને ટાઈમ હોય છે. આ તો ટીવીની સીરીયલો કે અંગ્રેજી પીક્ચરો જોઈને સુદર્શના જણાવતી હોય છે.”
“ચલ, જૂઠ્ઠા, હું કયાં આવી બધી સીરીયલ જોઉ છું?” સુદર્શના એ સ્વદેશના હાથ ઉપર ટપલી મારતા કહ્યું.
“સુદર્શના તો મમ્મીના જોડે દેવી દેવતાની સીરીયલ જોતી થઈ ગઈ છે” મોહિતે હસતા હસતા કહ્યું. વાતવરણ થોડું હળવુ થઈ ગયું.
“ચાલો, બધા થોડી વાર આરામ કરો” રાધાબેને આદેશ આપ્યો. “મોહિત, તું બુરખો લઈ આવ” કહેતા તે પોતાના ખંડમાં ગયા. પરિક્ષિત પણ પોતાના રૂમમાં ગયો.
સ્વદેશ અને સુદર્શના એકલા પડયા. સ્વદેશે ચારે બાજુ જોયું. તેઓ સાવ એકલા છે જાણી તેણે સુદર્શના ને એક બાજુ લઈ જઈ કાનમાં ધીમે થી કહ્યું. “જો, તુ જ્યારે અંદર જાય ત્યારે તારો mobile સ્વીચ ઓન કરી દે જે. હું મારો મોબાઈલ પણ ચાલુ રાખીશ જેથી તારી અંદર શું વાતચીત થાય છે તે હું સાંભળી શકીશ જરા પણ તને કાંઈ અજુગતુ લાગે તો અવાજ કરજે. હું સાંભળીને તરત જ અંદર આવી જઈશ”
સુદર્શના એ સ્નેહ થી સ્વદેશનો ગાલ પંપાળ્યો “તું મારા માટે કેટલુ બધુ વિચારે છે. થેંકસ” આપણા વચ્ચે શું નક્કી થયું હતું? કે આપણી વચ્ચે નો સોરી, નો થેંકસ, બરાબર” સ્વદેશે સુદર્શના નો હાથ પકડી કહ્યું.
“પણ તોય મારા માટે આ જોખમ લેવામાં તે મને સાથે આપ્યો......” સ્વદેશે તેને અટકાવી “તારા માટે હું ગમે તેવા જોખમમાં સાથ આપવા તૈયાર છું.” મને ખબર છે તું તારો હાથ છીનવનાર ને સજા આપવા કેટલી દ્રઢ નિશ્ચયી છું તે, એટલે હું તારી સાથેજ છું ગમે તેવા જોખમમાં કે ગમે તેવી તકલીફમાં”
સુદર્શનાની આંખી ભીની થઈ ગઈ. તેણે સ્વદેશનો એક હાથ લઈ પોતાના હોઠો સાથે સ્પર્શ કરાવ્યો.
સ્વદેશે સુદર્શનાનું ધ્યાન દોર્યું. “આપણે આપણા તરફ થી તો દરેક પ્રકારની સાવચેતી લઈ રહ્યા છીએ પણ મને લાગે છે” કે આપણે તું જવાની છું તેની જાણ ઈન્સ્પેક્ટર ગોહિલને પણ કરી દેવી જોઈએ”
સુદર્શના ને એ આંખો થી જ સવાલ કર્યો “શા માટે” જો આપણે જાણતા નથી કે સલમા કોણ છે. કેવી છે? તેની સાથે કોણ કોણ છે? એટલે પોલીસને જાણ કરી હોય તો આગળ કોઈ વાંધો ન આવે.
“પણ પોલીસ ને કે કોઈને જણ કરવાની તો સલમાએ ના પાડી છે.”
“એ બરાબર છે, પણ આપણે પોલીસને કહીશું કે મારી જેમ દુર અદ્રશ્ય રહે પણ જરૂરત પડે તો તરત જ આવી જાય” સ્વદેશને કહ્યું. પછી આગળ ઉમેર્યુ “આપણે રફિકને ત્યાં ગયા અને જેવુ થયું તેવું અહિઆ કાંઈક થાય તો પહેલે થી પોલીસને જણાવેલ હોય તો આપણા ઉપર આરોપ કે શંકા ન આવે”
“તારી વાત સાચી છે, ઈન્સ્પેકટર ને ફોન કરીને જણાવી દે” સુદર્શનાએ સહેમતી આપતા કહ્યું.
સ્વદેશે ઈન્સ્પેકટર ગોહિલનો મોબાઈલ જોડયો પણ તે આઉટ ઓફ રીચ આવતો હતો. એટલે તેણે પોલીસ ચોકી ઉપર ફોન જોડયો. “કોન્સ્ટેબલ પાઠક બોલુ છું, બોલો કોનું કામ છે?”
“મારે ઈન્સ્પેકટર ગોહિલ નું કામ છે?”
“તમે કોણ બોલો છો?
હું સ્વદેશ બોલુ છું, મારે સાહેબ નું ખાસ કામ છે”
“સાહેબ અને વિરજીભાઈ તો વડોદરા અગત્યાના કામે ગયા છે એટલે નહી મળી શકે”
“તેઓ ક્યારે આવશે?”
એક બે દિસવ તો થશે. થોડો જટીલ કેસ છે એટલે ત્યાં તેમને રોકાવુ પડે તેમ છે. પણ એક મિનીટ તમારા વકીલ રાજકુમાર શર્મા અહિ છે. તમારે એમની સાથે વાત કરવી છે?
સ્વદેશે અનિર્ણાયક ગડમથલમાં કહ્યું “આપો”
એક મિનિટ પછી રાજકુમાર શર્મા ફોન ઉપર આવ્યા તેમણે કહ્યું. “બોલ શું હતું?” રાત્રે મારે કદાચ ઈ.ગોહિલ જોડે વાત થશે, એમણે મને એક અગત્યનું કામ સોંપેલ છે એટલે એમનો ફોન આવવાનો છે. કાંઈ કહેવુ છે એમને?
સ્વદેશે તેમને સલમા સાથે થયેલ વાત જણાવી અને સુદર્શના મળવા જવાની છે તે જણાવ્યું. રાજકુમાર શર્માએ કહ્યું. “તમે લોકો ખોટુ જોખમ લ્યો છો પોલીસની મદદ વગર આવું સાહસ ના કરાય”
“એટલે જ તો ગોહિલ સાહેબને ફોન કર્યો છે. પણ હવે એ નથી ત્યારે અમારે આ કામ કરવુ જ પડશે. કારણ કે કાલે તો સલમા કયાંય. જતી રહે”
“મારી ઈચ્છા વિરૂધ્ધ નું આ કામ છે પણ તારી વાત પણ સાચી છે. આ કદાચ છેલ્લી કડી છે આપણ ને જાણકારી મળે તો સુદર્શના ના હુમલાખોરને પકડી શકાય અને રાજમોહનભાઈ ને નિર્દોષ છોડાવી શકાય” રાજકુમાર શર્માએ કહ્યુ પછી ઉમેર્યુ “પણ તમે લોકો ખૂબ જ સાવધાની રાખજો અને કંઈક પણ ગરબડ લાગે તો તાત્કાલીક ત્યાંથી નિકળી જજો અને મને ફોન કરજે હું તરત જ અન્ય પોલીસને લઈને આવી જઈશ, બી કેરફુલ” તેમણે હિદાયત આપી.
“થેંક યું” કહીને સ્વદેશે ફોન કાપ્યો.
તેણે સુદર્શના તરફ જોયુ અને ઈન્સ્પેક્ટર ગોહિલ નથી અને રાજકુમાર શર્મા સાથે થયેલ વાત જણાવી.
રાતના પોણા આઠે સૌ ફરી દિવાનખંડમાં ભેગા થયા. મોહિત બુરખો લઈ આવ્યો હતો. સ્વદેશે ગયા વખતની જેમ જ સુદર્શનાના પર્સમાં રૂપિયા ઉપરાંત, ફોલ્ડીંગ નાનુ ચપ્પુ, નાની ટોર્ચ, મોબાઈલ, પોલીથીનના ગ્લાવ્ઝ વિ.ગોઠવી દિધા હતા. તેઓ સૌ સલમાના ફોનની રાહ જોઈ રહ્યા હતા.
બરાબર આઠ વાગે સુદર્શનાના મોબાઈલની ઘંટડી વાગી. સુદર્શનાએ ફોન સ્પીકર મોડ ઉપર મૂક્યો જેથી સૌ સાંભળી શકે “હેલો” સામેથી હિંદીમાં અવાજ આવ્યો. “હું સલમા બોલુ છું, શું વિચાર કર્યો” “વિચાર શું કરવાનો હતો, મે તો તૈયારી બતાવી જ હતી. તને મળવા આવવાની” સુદર્શનાએ હિન્દીમાંજ જવાબ આપ્યો.
“પૈસાની વ્યવસ્થા કરી દીધી”
“હા, તારા કહેવા પ્રમાણે ની રકમ તૈયાર કરી દીધી છે.” “તારે એકલાએ જ પૈસા લઈને આવવાનું છે, બીજુ કોઈ સાથે હશે તો હું તને નહિ મળું” સલમાએ કહ્યુ.
“પણ તને તો ખબર જ હશે કે મારો એક હાથ નથી, એટલે હું ગાડી કે સ્કૂટર ચલાવી શકતી નથી. કોઈકે મને મૂકવા અને લેવા આવવું પડશે”
“ઠીક છે, પણ જે લેવા મુકવા આવે તેને હું જે સરનામું આપુ તે સ્ટ્રીટના ખૂણા ઉપર તને ઉતારી દે પછી તું ચાલતી આવજે”
“હા, એનો કોઈ વાંધો નથી” સુદર્શનાએ કહ્યું.
“ફરી કહુ છું કોઈ પણ ચાલાકી કરી છે અથવા કોઈ તારી સાથે આવશે તો હું તને નહી મળું. અને તને કોઈ માહિતી નહી મળે. કારણ કે હું એકલી જ આ માહિતી જાણું છું” સલમાએ કહ્યું.
“મારી માટે માહિતી અગત્યની છે, તેના હું તને પૈસા આપવાની છું, કોઈને લઈને આવવાથી મને કોઈ ફાયદો નથી. તને કોઈ મુશ્કેલીમાં મુકવાનો મારો કોઈ ઈરાદો નથી” સુદર્શનાએ તેનો ભય ઓછો કરવા જણાવ્યું. પછી ઉમેર્યું “તું કહે તને ક્યાં મળવા આવવાનું છે?”
સામે બે ઘડી શાંતિ પથરાઈ ગઈ. જાણે શબ્દ ગોઠવતી હોય તેમ પછી તેણે કહ્યું. “ઠીક, સાડા નવ વાગે, રહેમાન ગલીમાં આવી જાજો ત્યાં છેવાડે નું મકાન છે “અબ્દુલ મંઝીલ” ત્યાં આવી જજે. દરવાજો ખૂલ્લો હશે. ચૂપચાપ અવાજ ક્યા વગર અંદર આવી જજે. તુ મને પૈસા આપજે, હું તને માહિતી આપીશ”
“ઠીક છે હું આવી જઈશ” સુદર્શનાએ કહ્યું. “યાદ રહે, સાડા નવ વાગે, રહેમાન ગલી, અબ્દુલ મંઝીલ પૈસા લઈ એકલી આવજે. નહિતર ન તો સલમા મળશે ન માહિતી”
“તમે બેફિકર રહો. હું આવીશ અને એકલી આવીશ” સામેથી ફોન કપાઈ ગયો. સૌ એકબીજા સામે તાકી રહ્યા. સુદર્શના અને સ્વદેશે જવાની તૈયારીઓ કરવા માંડી.
(ક્રમશઃ)
(વધુ રસીક ભાગ આવતા અંકે)