ત્રણ હાથનો પ્રેમ
પ્રકરણ-૬
લેખક : શૈલેશ વ્યાસ
saileshkvyas@gmail.com |
M. : 9852011562
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
ત્રણ હાથનો પ્રેમ : પ્રકરણ-૬
બંને પ્રેમિઓની આ પ્રેમસમાધી તોડતો એક ઠક ઠક કરતો અવાજ દરવાજા તરફથી આવ્યો. સ્વદેશ, સુદર્શના, રાધાબેન તથા નર્સે તે દિશા તરફ જોયુ તો ઈ. ગોહિલ અને કોન્સ્ટેબલ વિરજી ત્યા દરવાજામાં ઉભા હતા. ઈન્સ્પેકટર ગોહિલે પોતાની લાકડી થી દરવાજા ઉપર ટકોરા માર્યા હતા.
સત્તા અને હોદ્દાની રૂએ ઈન્સ્પેક્ટરે કોઈની પરવાનગી લીધા વગર જ અંદર પ્રવેશ કરી લીધો હતો. “કેમ છે હવે દર્દીને ?” તેમણે નર્સને પૂછયું.
“હવે પહેલા કરતા ઘણું સારૂ છે.” નર્સે જવાબ આપ્યો. “તમે હવે વાત કરી શકો છો.”
“એ તો ડોક્ટર જોડે અમારે વાત થઈ ગઈ” ઈન્સ્પેકટર ગોહિલે નર્સને લગભગ ઉતારી પાડતા કહ્યું “તમે સૌ બહાર જાવ, મારે સુદર્શનાબેનનું નિવેદન લેવુ છે.”
“ચાલો, રાધાબેન, આપણે બહાર બેસીયે” સ્વદેશે રાધાબેનને ઉભા કરતા કહ્યુ. પણ નર્સે ઈન્સ્પેક્ટર ગોહીલની આંખમાં આંખ મિલાવી કહ્યુ. “મારાથી દર્દીને એકલા મુકીને નહી જવાય, ડોક્ટર સાહેબનો હુકમ છે.” નર્સે પોતાની વ્યવસાયીક ઉપયોગીતાનો પરિચય આપતા કહ્યું. જાણે ઈન્સ્પેક્ટર દ્વારા તેને ઉતારી પાડતા વાક્યનો બદલો લેતી હોય.
“મે કહ્યુ ને બહાર જાવ” ઈન્સ્પેક્ટે સત્તાવાહી અવાજે કહ્યુ. એક નર્સ પોતાની આજ્ઞાનો અનાદર કરે તેનાથી તેઓ ધૂંઘવાઈ ઉઠયા હતા.
નર્સે ઠંડે કલેજે પૂછયું. “હું બહાર જઈશ અને પાછળથી દર્દીને કોઈ તકલીફ થશે તો તમે તેની જવાબદારી લેવા તૈયાર છો? તો હું ડોક્ટર સાહેબને વાત કરી બહાર જાઉ” ઈન્સ્પેકટરને સુદર્શનાની માનસિક અને શારિરીક સ્થિતી વિશે જાણ હતી. પોતાના સવાલ જવાબ કે નિવેદન વખતે કોઈ ગંભીર પરિસ્થતી ઉત્પન્ન થાય અને નર્સ ગેરહાજર હોય તો બધો દોષ તેમના માથે આવે તેની તેમને જાણ હતી જ. રાજમોહન પરિખના પોલીસ કમીશ્નર સાથેના સંબંધો વિશે પણ તેમને જાણ હતી, એટલે તેમણે નમતુ જોખ્યુ. “સારૂ, તમે રહી શકો છે.” નર્સના મોઢાં ઉપર વિજય નો મલકાટ આવી ગયો.
લગભગ અડધો કલાક પછી તેઓ બહાર આવ્યા, ત્યારે સ્વદેશ તથા અન્ય સૌ તેમની રાહ જોતા ઉભા હતા. સ્વદેશે પૂછયું. “શું કહે છે સુદર્શના, સાહેબ?”
“બીજા સાક્ષીઓ એ જે પ્રમાણે કહ્યુ હતુ, એવુ જ નિવેદન સુદર્શના બેને આપ્યુ છે. એટલે એવુ લાગે છે કે કોઈએ જાણી જોઈને આ એકસીડંન્ટ કરવાનો પ્રયાસ કર્યો હશે” ઈન્સ્પેક્ટરે વિગત આપી. “અમે અમારી રીતે તપાસ કરીશું” કહીને ઈન્સ્પેક્ટર જવા માટે આગળ વધ્યા.
સ્વદેશે આગળ જઈ તેમને રોકતા પૂછયું. “પણ સાહેબ, તમે રફીકની તપાસ કરવાના હતા. તેનુ શું થયું?”. ઈન્સ્પેક્ટરે કરડી નજરે સ્વદેશ સામે જોયું. “પોલીસ પોતાનુ કામ કરી રહી છે” પોતાને કોઈને જવાબ આપવાની જરૂર નથી એવા તોરમાં ઈન્સ્પેક્ટરે જવાબ આપ્યો. પોલીસ ખાતાની માનસિકતા જાણતો હોવાથી સ્વદેશે મધલાળ પાથરતા કહ્યુ. “અરે ગોહિલ સાહેબ, તમે તપાસ કરતા હો તો બીજુ તો પૂછવાનું જ ન હોય, બરાબર તપાસ ચાલતી જ હશે. પણ આ તો માત્ર જાણવા ખાતર જ”
ઈન્સ્પેક્ટરનો અહમ સંતોષાયો. “જુઓ, અમે અમારી રીતે બધી તપાસ કરી છે. આમાં રફિકનો હાથ લાગતો નથી, કારણ કે અકસ્માતના દિવસે અને સમયે રફીક અમદાવાદમાં હાજર જ નહતો. તે વડોદરામાં પોતાના મિત્રના લગ્નમાં ગયો હતો. તેના સાક્ષીઓ પણ છે અને લગ્નની વિડીઓમાં પણ તે છે. એટલે રફિક ઉપર શંકા નું કારણ નથી.”
“પણ સાહેબ, તેણે તેના કોઈ મળતીઆ દ્વારા પણ આ કામ કરાવ્યુ હોઈ શકે ને?” સ્વદેશે શંકા દર્શાવી.
“એનો પણ કોઈ પુરાવો મળતો નથી. અમારા ખબરીઓએ ચારે તરફ તપાસ કરી છે પણ કોઈપણ ભાડુતી ખૂની કે સોપારી લેવા વાળી ગેંગ વિશે કોઈ માહિતી નથી. એની ટ્રક પણ એનો એક મિત્ર વાપરવા લઈ ગયો હતો અમદાવાદ બહાર” ઈન્સ્પેક્ટરે થોડા કંટાળાજનક સ્વરે કહ્યુ. જાણે તેમનો રસ આ કેસમાં થી ઓછો થતો જતો હોય.
“પણ સાહેબ, તમારા અને સુદર્શનાના કહેવા મુજબ હત્યાનો પ્રયાસ તો થયો જ છે ને”?” સ્વદેશે વિરોધના સ્વરમાં કહ્યુ.
“હા, એવુ લાગે તો છે જ. એટલે અમે અમારી રીતે તપાસ ચાલુ રાખીશું. અમે આવતી કાલે સુદર્શના બેનને ઘરે જઈ રાજમોહનભાઈ, રાધાબેન વિ. સાથે લંબાણપૂર્વક વાતચીત કરવાના છીએ અને આ હત્યાનો પ્રયાસ હોય તો તેની પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરીશુ” ઈન્સ્પેક્ટરે આ કેસમાં કાંઈ કાંદા નથી નિકળવાના એવા ભાવ સાથે ઔપચારિક રીતે કહ્યુ.
“પણ સાહેબ, રફિક ઉપર નજર રાખજો” સ્વદેશે વણમાંગી સલાહ આપી.
“એ તમારે અમને શિખવવું નહી પડે, અમે અમારી રીતે નજર રાખી જ છે.” ઈન્સ્પેકટરે થોડી તોછડાઈથી જવાબ આપ્યો અને ઉમેર્યુ રાજમોહન સામે જોઈને “આવતી કાલે અમે તમારે ત્યાં આવીશું થોડી પુછતાછ તમારી અને રાધાબેન સાથે કરવા” “પણ હુ તો ત્રણ દિવસ માટે કાલે સવારે બહારગામ જવાનો છું એક કોન્ફરંસ માટે” રાજમોહને કહ્યુ.
“વાંધો નહિ, અમે કાલે રાધાબેન તથા અન્યો સાથે વાતચીત કરીશું. તમારો વારો તમે પાછા આવો ત્યારે” જાણે આ કેસમાં કોઈ ઉતાવળ ન હોય તેવા ભાવ સાથે ઈન્સ્પેકટરે કહ્યુ. અને પોતાના કોસ્ટેબલ વિરજી સાથે નિકળી ગયા.
ઈન્સ્પેક્ટરના ગયા બાદ સૌ સુદર્શના પાસે એના રૂમમાં ગયા સુદર્શના થોડી થાકેલી અને વિચલીત લાગતી હતી. તેણે પૂછયું. “પોલીસે રફીકની તપાસ કરી?”
સ્વદેશે શાંતી થી ઈન્સ્પેક્ટરે કહેલ વિગતો જણાવી. સુદર્શનાનો ચહેરા ઉપર નિરાશાના ભાવો આવ્યા. “રફિક ન હોય તો આવું કોણ કરાવે. મારી જોડે કોને વેર હોઈ શકે? તે થોડી ઉત્તેજીત થઈ ગઈ.
સ્વદેશે તેના કપાળ ઉપર હાથ મૂકી તેને શાંત પાડતા કહ્યુ. “તું શાંત થઈ જા, એકવાર તું ઘરે આવી જા પછી આપણે જે કોઈ ગુનેગાર હશે તેને છોડીશું નહી.”
“એટલે?” તમે શું કરવા માંગો છો. “રાધાબેને તિવ્ર અવાજે કહ્યુ.” શું તમે પોલીસની ઉપરવટ જઈ જાતે તપાસ કરવાના છો? તેમના સ્વરમાં ચિંતા અને ઉચાટ હતા.
“ના, ના, રાધાબેન, અમે કાંઈ ડીટેકટીવ થોડા છીએ, મારો કહેવાનો અર્થ એ હતો કે સુદર્શના ઘરે આવી ઠીક થઈ જાય, પછી પોલીસની પાછળ પડી તપાસ ત્વરીત થાય તેવા પ્રયત્નો કરીશું”
“તો, ઠીક, મારે હવે મારી દિકરી ઉપર કોઈ જોખમ આવેતેવું નથી કરવું” રાધાબેને કહ્યુ.
“રાધામાસી, તમારી દિકરી ઉપર કોઈ જોખમ આવે તો તે મારા માથે બસ” સ્વદેશે આશ્વાસન આપ્યુ.
રાજમોહને કહ્યુ. “જૂઓ, આવતી કાલ ની હું ત્રણ દિવસ નથી, એટલે આજે હું અહિંઆ રહીશ, તમે સૌ ઘરે જાવ અને આરામ કરો. આવતી કાલે ઈન્સ્પેક્ટર ઘરે આવવાના છે એટલે સ્વદેશ તુ રાધાબેન, મોહિત અને પરિક્ષત ઘરે રહેજો. અને તેમની પૂછતાછમાં સહાય કરજો. હું ઓફિસમાં સૂચના આપી દઉ છું એટલે આપણી રિસેપ્સ્નીસ્ટ નિલીમા અને જૂનીયર એકઝીક્યુટીવ રોમેશ આખોદિવસ અહિઆ હોસ્પીટલમાં સુદર્શના પાસે હાજર રહેશે. કેમ બરાબરને?” તેમણે પૂછયુ. સૌ એ હામી ભરી આ વ્યવસ્થા ઉપર.
“ચાલો, તો તમે સૌ ઘરે જાવ અત્યારે, હું અહિંઆ બેઠો છું. સૌ ઘરે જવા નિકળ્યા, જતા પહેલા સ્વદેશ સુદર્શનાને મળવા ગયો અને તેના કાનમાં ધિમા અવાજે કહ્યુ.” તું ચિંતા ના કરતી, આપણે તારા ઉપર હિચકારો હુમલા કરનારને પકડીને જ જંપીશું, તું ઠીક થઈ ઘરે આવ પહેલા” સુદર્શના એ સંમતિમાં માંથુ હલાવ્યુ.
બીજા દિવસે સવારે લગભગ ૧૧ વાગ્યે ઈન્સ્પેક્ટર ગોહિલ અને કોન્સ્ટેબલ વિરજી રાજમોહનના બંગલે પહોચ્યા. ઘરમાં રાધાબેન, સ્વદેશ, પરિક્ષિત, તથા મોહિત હાજર હતા.
રાધાબેને તેમને બંનેને સોફા ઉપર બેસાડી ચા, નાસ્તો લાવવાનો નોકરને આદેશ આપ્યો. અને પુછી પૂછયું. “બોલો સાહેબ, શું પૂછવાનું છે?”
ઈન્સ્પેકટર ગોહિલે બધા ઉપર વારા ફરતી નજર ફેરવી અને પછી કહ્યું “અત્યારે અમારી પાસે આ કેસમાં આગળ વધવા માટે કોઈ આધાર નથી. સાયોંગિક પુરાવા એવુ દેખાડે છે કે પ્રયાસ પુર્વયોજીત હત્યાનો હતો પણ કોઈ ઠોસ પુરાવા નથી કે કોઈ એવી અગત્યની કડી નથી જેના આધારે અમે કોઈ દિશા તરફ આગળ વધી શકીયે, એટલે મારે સૌ પહેલા આ કુટુંબની માહિતી અને ઈતિહાસ જાણવો છે. રાધાબેન, તમે આ કુટુંબ સાથે વર્ષોથી જોડાયેલા છો તો તમે આ માહિતી આપવા ઉપર્યુક્ત વ્યક્તિ છો.” ઈન્સ્પેક્ટરે અહિ અટકીને ફરી સૌ ઉપર નજર કરી, સૌએ તેમની આંખમાં આંખ મિલાવી જોયુ. ઈન્સ્પેકટર સ્વગત કહ્યુ “કોઈના મોઢા ઉપર કે આંખમાં ભય નથી દેખાતો.”
તેમણે રાધાબેનને ઉદ્દેશી કહ્યુ. “તમને શું લાગે છે?” કોણે આ હત્યાનો પ્રયાસ કર્યો હોઈ શકે?”
“મે, તો પહેલા જ તમને કહેલુ છે કે અમારા તો માન્યામાં જ નથી આવતુ કે કોઈ આવી સીધી સાદી, સંસ્કારી છોકરીની હત્યાનો પ્રયાસ કરે તે” રાધાબેને માથું ઘુણાવતા કહ્યુ.
“પણ ધારો કે કોઈએ કર્યો જ હોય તો તે કોણ હોઈ શકે?” ગોહિલે ઝીણું કાંતતા પૂછયું.
“અમારા હિસાબે તો રફિક સિવાય કોઈને તેની સાથે અદાવત ન હતી. અને તમે કહો છો કે રફિક નો આમાં હાથ નથી તો બીજુ તો કોઈ અમારા ધ્યાનમાં નથી આવતુ.” રાધાબેને કહ્યુ.
“તમારા ધ્યાનમાં એવો કોઈ યુવક છે કે જેને સ્વદેશ સાથે સુદર્શનાના પ્રેમ થી ઈષ્યા આવી હોય અને સુદર્શના પોતાને ના મળી એટલે કોઈને પણ ન મળે એવા વૈર વિચાર થી હુમલો કર્યો હોય?”
“મારા તો ધ્યાનમાં એવુ કોઈ નથી. સુદર્શનાએ પણ એવા કોઈનો ક્યારેય ઉલ્લેખ નથી કર્યો.” રાધાબેન કહ્યુ પછી પોતાના પુત્રને ઉદ્દેશી ને પૂછયું.” મોહિત, સુદર્શનાએ તને ક્યારેય એવા કોઈ યુવક વિશે કહ્યુ છે.? “ના” મોહિતે માથુ ઘુંણાવ્યુ. “સુદર્શના એ ક્યારેય મને એવુ જણાવ્યુ નથી, એવુ કોઈ હોત તો મને જરૂર જણાવત.”
“તમને શા માટે જણાવે સુદર્શના?” ઈન્સ્પેકટર ગોહિલે આંખ ઝીણી કરતા પૂછયું.
“હુ અને સુદર્શના બાળપણથી જ સાથે ઉછર્યા છીએ અને ખાસ મિત્રો છીએ. અમે એકબીજાને નજદીકથી ઓળખીયે છીએ અને બધી વાતો જીરટ્ઠિી કરીએ છીએ. સ્વદેશ સાથેના સંબંધની વાત પણ એણે સૌથી પહેલા મને જ કરી હતી. અમે બંને ટેનિસ, બેડમિંટન વિ સાથે જ રમીએ છીએ. અમારી કોલેજ જુદી છે. પણ વિષયો એકજ છે એટલે જીેંઙ્ઘઅ પણ સાથે કરીએ છીએ” મોહિતે લંબાણપૂર્વક તેની અને સુદર્શનાની મિત્રતા અને સમિપતા વિશે જણાવ્યુ.
ઈન્સ્પેટર ગોહિલ આ દરમ્યાન પોતાની ડાયરીમાં જરૂરી નોંધ કરતા જતા હતા. તેમણે પોતાનું ધ્યાન ફરી રાધાબેન ઉપર કેંદ્રીત કર્યુ, સ્વદેશની તો જાણે હાજરી જ ન હોય તેમ તેના તરફ કોઈ જ પ્રકારનો રસ દેખાડયો ન હતો.
“અચ્છા, તો રાધાબેન તમારા હિસાબે જો સુદર્શના સાથે કોઈ “અજુગતુ” થઈ જાય તો સૌથી વધારે ફાયદો કોને થાય?” ઈન્સ્પેક્ટરે તેમની તરફથી કરોડ રૂપિયાનો સવાલ કર્યો.
“અજુગતુ” એટલે?”
“જો હત્યાનો પ્રયાસ સફળ થયો હોત ને સુદર્શના બચવા ન પામી હોત એ “અજૂગતુ” ઈન્સ્પેક્ટરે ઠંડે કલેજે કહ્યુ અને ફરી ઉમેર્યુ. “તો ફાયદો કોને થાય?”
રાધાબેન એક બે મિનીટ તો કાંઈ બોલી જ ન શક્યા. “ફાયદો?” સુદર્શનાને કંઈ થાય એમા કોઈને શું ફાયદો થાય. હું ને રાજમોહનભાઈ અમારી દીકરી ગુમાવત, સ્વદેશ પોતાની થનાર વાગદત્તા ગુમાવત, પરિક્ષિત બેન ગુમાવત અને મોહિત પોતાની મિત્ર ગુમાવત, ફાયદો કોઈનેય ન થાત, સૌ ગુમાવત.”
“તમે સમજ્યા નહી, રાધાબેન મારા પુછવાનો અર્થ એ હતો કે સુદર્શના ન હોય તો આર્થિક ફાયદો કોને થાય. આ માલ મિલ્કત, ધંધો, ફેકટરીઓ, જમીનો, સંપતિ કોને મળે?” ઈન્સ્પેકટરે રાધાબેન સામે તિક્ષ્ણ નજરે જોતા કહ્યુ.
“તો-તો” રાધાબેન બોલતા થોથવાયા “હા, હા બોલો” “ઈન્સ્પેક્ટરે તેમને પ્રોત્સાહન આપતા કહ્યુ. રાધાબેન ને કઈ રીતે કહેવુ તેની સુઝ ના પડી, ઈન્સ્પેક્ટરે ફરી પુછયું “તમે કાંઈ કહેવા જતા હતા?”
રાધાબેને કાળજુ કઠણ કરીને કહ્યુ. “આવું કાંઈ બની શકે તેવુ હું માનતી નથી, પણ જગમોહન ભાઈએ કરેલ વિલ મુજબ સુદર્શનાને કાંઈ થાય તો આ બધી માલ મિલ્કત ને સંપતિ, સુદર્શનાના કાકા રાજમોહન ને મળે” તેમણે ફરી ઉમેર્યુ. “એવુ વિલમાં લખેલુ છે.”
ઈનસ્પેક્ટર ને જાણે જમીનમાં દટાયેલા સોનાના ચરૂ મળ્યા હોય તેમ સોફામાંથી અડધા ઉભા થઈ ગયા ઉત્સુક્તાથી “તમારૂ કહેવુ છે કે વીલ મુજબ સુદર્શનાને કાંઈ થઈ જાય તો આ બધી સંપત્તિ રાજમોહનભાઈને મળે તેમ છે?” “વિલ પ્રમાણે તો એમ જ થાય” રાધાબેને જણાવ્યુ.
ઈન્સ્પેક્ટરે જાણે બિલાડી ઉંદરને પકડવા તરાપ મારવા જઈ રહી હોય તેવી તત્પરતા થી કહ્યુ. “આ વિલ વિશે મને જણાવશો? આ જગમોહનભાઈ એટલે કોણ અને શાનું વિલ વિ મને જણાવશો?”
રાધાબેન થોડા ટટ્ટાર થયા અને તેમની આંખો અતિત ને જોઈ રહી હોય તેમ દિવાનખંડની છત તરફ તાકી રહી હતી. “એ, માટે મારે તમને આ કુટંબના ઈતિહાસ તરફ લઈજવા પડશે. થોડો ઈતિહાસ હું આ કુટુંબ સાથે જોડાઈ તે પહેલાનો છે અને બાકીનો મારા જોડાયા પછીનો છે. તમે સાંભળો”
ઈન્સ્પેક્ટર ગોહિલ, કોન્સ્ટેચબલ વિરજી, સ્વદેશ, મોહિત પરિક્ષિત વિ. સૌ એક કાન થઈ આ કુટુંબના ઈતિહાસને સાંભળી રહ્યા. રાધાબેન કહી રહ્યા હતા. તેનો સાર આ પ્રમાણે હતો.
“સુદર્શના ના પિતા જગમોહન એક સાધારણ પરિવારમાંથી આવતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ એક પ્રાઈવેટ કુંમાં નોકરીએ જોડાયા હતા. ત્યા તેમની પોતાની બુધ્ધિ, મહેનત અને પ્રમાણિકતાથી અને સેલ્સમેનશિપ થી નાની સરખી કંપની ને પોતાના ક્ષેત્રની આગવી કંપનીઓની હરોળમાં લાવી દીધી. તેમને મોટી કંપનીઓ તરફથી સારી સારી ઓફરો આવવા લાગી. પણ તે પોતાની કંપનીને વળગી રહ્યા. તેમની આ નિષ્ઠા જોઈ કંપનીના માલિકે તેમને વેચાણ ઉપર ના નફામાં ૫% નું કમિશન આપવાનું નક્કી કહ્યુ. કંપનીનું વેચાણ દર વર્ષે વધતા તેમની આવક પણ ઘણી સારી થઈ ગઈ. દરમ્યાન માલીકનું અવસાન થતા તેમના ઉત્તરાધીકારી અમેરીકા રીટર્ન પુત્ર સાથે મતભેદ થતા તેમણે નોકરી છોડી દીધી. આની જાણ થતા ઘણી બધી કંપનીઓએ તેમને તેમની સાથે જોડાવા, માંગે તે પગાર અને સુવિધા આપવા તૈયારી બતાવી. પણ હવે જગમોહનની શ્રદ્ઘા નોકરીમાંથી ઉઠી ગઈ હતી.
તેમણે પોતાની બચતમાંથી તથા બેંકમાંથી લોન લઈ, જેમા પોતાને અનુભવ હતો તેજ ક્ષેત્રમાં એક નાનુ કારખાનું શરૂ કર્યુ. પોતાની આગવી સુઝ, પ્રમાણિકતા, ઓળખાણ, બુધ્ધિ અને ઓછા નફે બહોળો વ્યાપાર ની નિતીને કારણે તેમની પ્રગતિ થતી ગઈ અને થોડા વર્ષોમાં તેમની કંપની અગ્રગણ્ય કંપનીઓમાંની એક બની ગઈ. બજારની માંગ પુરી કરવા, ધીમે ધીમે એકમાંથી બે, બેમાંથી ત્રણ અને ત્રણમાંથી ચાર કારખાનાઓ ઉભા કર્યા. પોતાને મદદ કરવા માટે તેમણે પોતાના નાના ભાઈ રાજમોહનને પણ પોતાની સાથે ધંધામાં લઈ લીધો. બીજાઓના ભૂતકાળમાંથી પાઠ લઈને તથા ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે તે માટે તેમણે એવો નિર્ણય કર્યો કે પોતાના ધંધામાં ભાગીદાર તરીકે તેઓ પોતે અને તેમની પત્નિ સુધા એમ બે જ વ્યક્તિ. રાજમોહન ધંધામાં સાથે ખરો, એને હોદ્દો, સત્તા, પગાર, સુવિધા બધી ભાગીદાર સરખી પણ કાયદેસર રીતે ભાગીદાર નહી. તેનો હોદ્દો એકઝ્યુક્ટીવ ડાયરેક્ટરનો, પણ પગારદાર, તેને તેમણે નફા ઉપર કમીશન બાંધી આપેલુ એટલે આવક ભાગીદાર જેવી પણ કાયદેસર રીતે ધંધા ઉપર કોઈ અધિકાર નહિ. રાજમોહનને બધી રીતે છુટ હતી એટલે તેને કોઈ જ વાંધો ન હતો. તે પણ પોતાના ભાઈ ની જેમ પ્રમાણિકતાથી કામ કરતો હતો.”
ધંધો વધવાની સાથે જગમોહને પોતાના નફાની મૂડી નું રોકાણ કરવા માંડયુ. સૌથી પહેલા તો તેણે રહેવા માટે એક મોટો બંગલો ખરિદયો અને પોતાની પત્નિ સુધા અને પુત્રી સુદર્શના સાથે રહેવા લાગ્યા. તેણે પોતાના ભાઈ રાજમોહન તેની પત્નિ રૂપા અને પુત્ર પરિક્ષિતને પણ પોતાની સાથે જ બંગલામાં રહેવા બોલાવી લીધા. તેની પત્નિ સુધાની તબિયત ડીલીવરી પછી નરમ ગરમ રહેતા તેમણે રાધાબાઈ નામની બહેનને દિવસ રાત સુદર્શનાની સંભાળ રાખવા નોકરીએ રાખી લીધા. રાધાબાઈ પોતાના સુદર્શના જેટલી જ ઉંમરના બાળક મોહિત સાથે બંગલાના સંર્વંટસ કવાટર્સમા રહેવા આવી ગયા. જગમોહનના ઘરમાં અમીર ગરીબ કે નાત જાત ના કોઈ ભેદ ન હતા એટલે મોહિત સુદર્શનાની સાથે જ રહીને ઉછરવા લાગ્યો. રાધાબાઈ પણ સુધાબેન તથા સુદર્શનાને પોતાના જીવ થી વધારે વ્હાલા ગણીને કામ કરતા હતા. ધીમે ધીમે ક્યારે તે રાધાબાઈમાંથી રાધાબહેન બની ગયા તેની કોઈનેય ખબર ન પડી.
આ દરમ્યાન જગમોહને પોતાની મુડીનું રોકાણ કારખાનામાં, બંગલામાં, જમીનોમાં ફાર્મહાઉસમાં, દુકાનોમાં, બેંકની ફીકસ્ડ ડીપોઝીટોમાં, રીઝર્વ બેંકના બોંડઝમાં, એલઆઈસી, કિસાન વિકાસ પત્રો કે એનએસસી વિ.માં કર્યુ હતુ. દુકાનો ભાડે આપવાથી દર મહિને ભાડાની પણ આવક હતી. એક ટ્રાન્સપોર્ટ કંપની પણ ચાલુ કરી હતી તથા બે વેરહાઉસ પણ ખરિદ્યા હતા. દર વર્ષે સોનાચાંદિની ખરીદી પણ કરવાનો નિયમ રાખ્યો હતો.
આટલી બધી, પ્રગતિ વચ્ચે જગમોહનના વકિલ રાજકુમાર શર્માએ તેને સલાહ આપી કે તમારે વ્યવસાયીક કારણસર દેશ વિદેશમાં ફરવુ પડતું હોય છે. ન કરે નારાયણ ને જો ક્યારેક કોઈ અજુગતુ થઈ જાય તો પાછળથી સુધાબેન કે સુદર્શનાને કોઈ કાયદાકીય તકલીફ ન થાય તે માટે તમારે તમારૂ વિલ બનાવી રજીસ્ટર કરાવી લેવુ જોઈએ. જેથી કરીને તમારી પાછળ તમારા કુટુંબને તમારા ધંધા કે સંપત્તિ માટે કોઈ અગવડ ન પડે.
રાજકુમાર શર્મા, જગમોહનની બધી કંપનીઓ માટેના કાયદાકીય સલાહકાર અને જગમોહનના અંગત મિત્ર હતા. જગમોહને તેમની વાત માનીને તુરત જ પોતાનું વિલ બનાવરાવ્યુ જેમાં નીચે મુજબની કલમો હતી.
•જગમોહનનું જો મૃત્યુ થઈ જાય તો તેમની બધી ચલ, અચલ સંપત્તિ ધંધો વિ.સૌની માલિક તેમની પત્નિ સુધા બને.
•જો અને જયારે જગમોહન અને સુધા બંને નું મૃત્યુ થઈ જાય તો તેમની બધી ચલ, અચલ સંપત્તિ ધંધો વિ.ની માલિક જો તેમની દિકરી સુદર્શના ૨૧ વર્ષની થઈ હોય તો તેને મળે.
•જો સુદર્શનો ૨૧ વર્ષની ન હોય તો જયાં સુધી તે ૨૧ વર્ષની ન થાય ત્યાં સુધી આ બધો કારભાર તેમના નાનાભાઈ રાજમોહનને હસ્તક રહે અને સુદર્શના વતિ તે દરેક આર્થિક વ્યવહાર કરે તે માટે તેમને કુલમુખત્યાર ગણવામાં આવે.
•જયારે સુદર્શના ૨૧ વર્ષની થાય ત્યારે બધી ચલ અચલ સંપત્તિ તથા ધંધો વિ સૌ ઉપર સુદર્શનાનો અધિકાર થાય અને તે માલિક બને અને બધા જ નિર્ણયો લે.
•કોઈ કારણ સર રાજમોહનનું મૃત્યુ થાય કે આવા નિર્ણયો લેવામાં કાયદેસર રીતે સક્ષમ ન હોય તો રાધાબેનને સુદર્શનાના ગાર્ડીયન તરીકે નિમણુંક કરવા અને રાધાબેન તથા વકિલ રાજકુમાર શર્મા એમ બંનેની ટ્રસ્ટીશીપ નીચે ધંધો, રોજગાર તથા આર્થિક કાર્યભાર ચલાવવો. આ કાર્ય માટે રાધાબેન તથા રાજકુમાર શર્મા ને દર મહિને એક લાખ રૂપિયા મહેનતાણાં તરીકે આપવા.
આ પ્રમાણે વીલ તૈયાર કરી તેમણે સહી કરી. બે સાક્ષીઓની સહી લઈ, વીલ રજીસ્ટર કરાવી લીધુ.
ઈશ્વરની લીલા અકળ છે. આ વિલ બનાવ્યા બાદ ત્રણેક મહિના બાદ જગમોહનના સગામાં વડોદરા લગ્ન હતા તેનું આમંત્રણ તેમને આવ્યુ હતુ. સબંધ નજદીકના હોઈ જાવુ પણ જરૂરી હતુ. એટલે એવુ નક્કી કર્યુ કે જગમોહન, સુધાબેન તથા રૂપાબેને, લગ્નમાં મ્અ ષ્ઠટ્ઠિ જવુ રાજમોહનને ઓફિસમાં અગત્યનુ સવારે કામ હતુ અને સાંજે સુદર્શના તથા પરિક્ષિત ની સ્કુલમાં હ્લેહષ્ઠર્ૈંહ હતુ જેમા પેરેન્ટસ ની હાજરી જરૂરી હતી એટલે તે બાળક સાથે અમદાવાદ રહે એવુ નક્કી થયું.
દુર્ભાગ્ય વશ તેઓ લગ્ન પ્રસંગ માણીને પાછા આવતા હતા ત્યારે સરખેજ પાસે તેમની ગાડીનો એક ખાનગી ટ્રાવેલ કું ની અંધાધુંધ ઘસી આવતી બસ સાથે અથડામણ થઈ. જેમા તેમની ગાડીનો કચ્ચરઘાણ નિકળી ગયો. તથા જગમોહન, સુધાબેન તથા રૂપાબેનનું સ્થળ ઉપર જ અવસાન થઈ ગયુ એટલે વિલ મુજબ બધી સંપત્તિ અને ધંધો સંભાળવાની જવાબદારી રાજમોહનને માથે આવી પડી અને આજ રોજ સુધી તેઓ સંભાળી રહ્યા છે.”
રાધાબેન ઈતિહાસ પૂરો કરતા કહ્યુ. સાંભળનાર સૌ સભાન થઈ ગયા.
“હમ્મ....” ઈન્સ્પેક્ટર ગોહિલે, પોતાની લાકડી હાથમાં રમાડતા કહ્યુ “તો આનો અર્થ એવો થાય કે અત્યારે આ બધો કારભાર રાજમોહનના હાથમાં છે કારણ કે અત્યારે સુદર્શના ૨૦ વર્ષની છે આવતા વર્ષે તે ૨૧ વર્ષની થઈ જશે ત્યારે બધા કારોબાર તેના હાથમાં જતો રહેશે અને રાજમોહનના હાથમાંથી સત્તા અને સંપત્તિ સરકી જશે.”
“તમારો કહેવાનો શું અર્થ છે?” સ્વદેશ અને રાધાબેને ઉકળીને કહ્યુ.
“મારા કહેવાનો અર્થ એ છે કે વિલ પ્રમાણે સુદર્શના ૨૧ વર્ષની થાય ત્યારે બધી સંપત્તિ અને સત્તાની માલિક તે બની જાય અને જો તે પહેલા સુદર્શના નું મૃત્યુ થઈ જાય તો આ બધી સંપત્તિ અને ધંધાનો માલિક રાજમોહન બને. સમજણ પડી તમને?” ઈન્સ્પેકટરે બધાની સામે ધારદાર નજરે જોયુ. “જો ૨૧ વર્ષની થાય તે પહેલા સુદર્શના નું મૃત્યુ, એકિસડંટ કે હત્યા થઈ જાય તો સૌથી વધારે ફાયદો રાજમોહનને થાય, તે સુવાંગ અને અબાધિત આ બધી સંપત્તિ અને ધંધોનો માલિક બને, આઈ બાત સમજમે?”
સ્વદેશ, રાધાબેન તથા અન્ય આશ્ચર્ય ચકિત થઈ ઈન્સ્પેકટરની સામે ખુલ્લા મોઢે તાકી રહ્યા.
ક્રમશઃ...
(વધુ રસીક ભાગ આવતા અંકે)