Trun haath no prem -chapter 9 Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

Trun haath no prem -chapter 9

પ્રકરણ-૯

ત્રણ હાથનો પ્રેમ

લેખક:

શૈલેશ વ્યાસ

Email:-

mobile : 9825011562

પ્રકરણ – ૯

ઇન્સ્પેકટરનો આદેશ સાંભળી સૌ સ્તબ્ધ થઇ ગયા. રાજમોહન,રાધાબેન,સ્વદેશ સુદર્શના તથા ઘરના અન્ય સૌ એકક્ષણ માટે મૂર્તિમંત થઇ ગયા.આ શું થઇ રહ્યું છે તે જ તેમને સમજાયું નહિ.સૌ પહેલા સ્વદેશે પ્રતિભાવ આપ્યો.

"પણ, શા માટે, તેમને એરેસ્ટ શા માટે કરો છો?" ઇન્સ્પેકટરે સત્તાવાહી અવાજે કહ્યું "તમે પોલીસને તેમની કામગીરી બજાવવા દો, વચ્ચે દાખલ ન નાખો"

"પણ મને સમજાવશો કે મને અરેસ્ટ શા માટે કરો છો?" રાજમોહને વિનંતીના સુરમાં કહ્યું.

ઇન્સ્પેકટરે કડકાઈ ભર્યા સ્વરે કહ્યું "જુઓ, જ્યાં હત્યા થઇ છે ત્યાંથી તમારું પાકીટ મળ્યું છે, જેમાં તમારા વીઝીટીંગ કાર્ડ છે અને તમારી ગાડીમાંથી સુકાયેલ લોહીથી રંગાયેલું હથીયાર મળ્યું છે, જેનાથી હત્યા થઇ હોવાનો સંદેહ છે, એટલે તમારા ઉપર હત્યા કરવાનો શક છે જેના આધારે આગળ તપાસ કરવા તમને પોલીસ થાણા ઉપર લઇ જવામાં આવે છે"

"પણ આ પાકીટ મારું નથી, મારા વીઝીટીંગ કાર્ડ હોય એટલે એ પાકીટ મારું નથી થઇ જતું. મે જિંદગીમાં આવા સસ્તા વોલેટ વાપર્યા નથી, અને આ હથિયાર મારી ગાડીમાં કેવી રીતે આવ્યુ તેની મને કાંઈ જ ખબર નથી"રાજમોહને લગભગ આજીજી ભર્યા સ્વરે કહ્યું.

"કાકા સાચું કહે છે, ઇન્સ્પેકટરે સાહેબ" સુદર્શને ટાપશી પુરાવતા કહ્યું "આખી જિંદગી કાકા બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરતા આવ્યા છે. વોલેટ/પર્સ તો તેઓ હંમેશા GUCCI બ્રાન્ડ્સનું વાપરે છે તમે એમના ખીસા કે Drawer તપાસી શકો છો અને જ્યાં સુધી ગાડીની વાત છે તો કાકા ની ચાવીનો એક ગુચ્છો ઓફિસમાંજ રાખે છે કારણ કે તેઓ ઘણીવાર ચાવી ભૂલી જાય છે. એ ગુચ્છામાં ગાડીની ચાવીઓ પણ હોય છે. કોઈએ પણ એનો દુરુપયોગ કરી ચાવીની ડુપ્લીકેટ કરી શકે છે."

"જે હોય તે, બધું તપાસમાં બહાર આવશે, અત્યારેતો જે સાંયોગિક પુરાવા છે તે ઉપરથી મારે તેમને લઇ જવા પડશે" ઇન્સ્પેકટરે જણાવ્યું.

"શું હું મારા વકીલ સાથે વાત કરી શકું છું?" રાજમોહને પૂછ્યું. ખાસ કરીને આડકતરો ઈશારો હતો ઘરવાળાઓ માટે કે તુરત જ તેમણે વકીલ નો સંપર્ક સાધવો.

"તમને વકીલ સાથે વાત કરાવીશું, પણ ત્યાં પોલીસ થાણે પહોચ્યા પછી." ઇન્સ્પેકટરે જવાબ આપ્યો."ચાલો હવે" પછી વીરજી ને ઉદ્દેશીને કહ્યું "પુરાવા અને મુદ્દામાલ સાચવીને લઇ લો, ક્યાંય આપના હાથના નિશાન ન પાડવા જોઈએ"

"જી.વ્યવસ્થિત, પ્લાસ્ટિકની બેગમાં લઇ લીધા છે" વીરજીએ કહ્યું અને હાથકડી લઇ રાજમોહન તરફ જવા પગ ઉપાડ્યો.

"એની જરૂર નથી" ઇન્સ્પેકટરે તેને રોક્યો "રાજમોહન ભાઈ વ્યવસ્થીત અને જવાબદાર વ્યક્તિ છે. ભાગી નહિ જાય" ઇન્સ્પેકટરે થોડા માનથી અને થોડા વ્યંગમાં કહ્યું.

ઇન્સ્પેક્ટર, વિરજી, બીજા પોલીસો, રાજ્મોહનને લઇ જીપમાં બેસાડી નીકળી ગયા.

રાધાબેનનો જ્વાળામુખી ફાટી નીકળ્યો "આ કેવી પોલીસ છે. સુદર્શના ઉપર હુમલો કરનારને ગોતતી નથી અને રફીક જેવા ગુંડાના મૃત્યુ માટે રાજમોહન જેવા જવાબદાર વ્યક્તિને ગુનેગાર માને છે"

"પોલીસ પોતાની રીતે કામ કરે છે" સ્વદેશે સમજાવ્યું " રાજમોહન કાકાની ગાડીમાંથી ખૂનનું કથિત હથિયાર મળ્યું છે તથા તેમના વીઝીટીંગ કાર્ડ વાળું પાકીટ હત્યાના સ્થળેથી મળ્યું છે. એટલે પોલીસ સંયોગીક પુરાવાનાં આધારે શક તો કરવાની જ" પછી તેને યાદ આવ્યું "સૌ પહેલા મને આપણા વકીલ રાજકુમાર શર્મા જોડે વાત કરવા દો, એ કાંઈક રસ્તો કાઢશે. "

તેણે રાજકુમાર શર્માનો મોબાઈલ લગાડ્યો . મોબાઈલ બિઝી આવતો હતો. સ્વદેશને જાણ હતી કે રાજકુમાર શર્મા નો મોબાઈલ આખો દિવસ ચાલુ જ રહેતો હતો, કોઈ ને કોઈ ક્લાયંટ કે પોલીસ કે વકીલો જોડે તેમનો વાણી વ્યવહાર ચાલતો જ રહેતો હતો.તેની પાસે રાજકુમાર શર્માનાં બીજા મોબાઈલની માહિતી હતી. તેણે તે નંબર ઉપર મોબાઈલ લગાવ્યો. ત્રણ-ચાર વાર ઘંટડીઓ વાગ્યા પછી તેમણે ફોન ઉપાડ્યો "એક મીનીટ ચાલુ રાખજે સ્વદેશ" કહી બીજા મોબાઈલમાં પોતાની વાત ચાલુ રાખી. સ્વદેશ અજંપા ભરી મન સ્થિતિમાં ફોન પકડી રાહ જોઈ રહ્યો. બે એક મીનીટ પછી રાજકુમાર શર્માનો અવાજ આવ્યો "હા, બોલ સ્વદેશ શું હતું?"

સ્વદેશે, ટૂંકસારમાં આખી પરીસ્થીતી સમજાવી "કાકાને પોલીસ પુછતાછ માટે લઇ ગઈ છે. તમે ગમે તેમ કરીને તેમને છોડાવો."

"પણ મને ત્યારેજ કેમ ફોન ન કર્યો" વકીલે થોડી અકળામણમાં પૂછ્યું.

"પોલીસે કહ્યું કે પોલીસ ચોકીએ જઈને વાત કરજો"સ્વદેશે સ્પષ્ટતા કરી" તમે એમને જામીન કે અન્ય કોઈ રીતે છોડાવી લાવો"

"સારૂ, હું અત્યારેજ પોલીસ થાણે જાઉં છું" રાજકુમાર અને તેમની કંપનીઓ રાજકુમારનાં સૌથી મોટા ક્લાયંટ હતા એટલે તેમના માટે સૌથી સારી સેવા પ્રદાન કરવી રાજકુમાર માટે જરૂરી હતું.પછી તેમને ઉમેર્યું"પણ આજે શનિવાર છે એટલે કોર્ટ બંધ હશે, છતાં પણ હું જોઉં છું"

"અમે બધા પણ પોલીસ થાણે પોહાચીયે છીએ"સ્વદેશે કહ્યું.

"અત્યારે તમારે સૌએ આવવાની જરૂર નથી તમને જોઈને રાજમોહનભાઈ વધારે ઢીલા પડી જશે. હું જાઉં છું અને જામીન મળે તેની વ્યવસ્થાનો પ્રયત્ન કરું છું. આજે શનિવાર છે અને આપણા ઓળખીતા બે ડીસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ છે તે બંને એક લીગલ કોન્ફરન્સમાં ગયા છે છતાં હું મારા બનતા પ્રયત્નો કરું છું."

"સારૂ, શું થાય છે એ મને જણાવજો" સ્વદેશે કહ્યું.

"ચોક્કસ, ચાલો હું મુકું છું" કહી વકીલ સાહેબે ફોન કટ કર્યો.

સ્વદેશે ઘરના બધાને રાજકુમાર શર્માસાથે થયેલ વાત જણાવી અને રાહ જોવા જણાવ્યું.

સ્વદેશે બધાને તાકીદ કરી "બધા તૈયાર થઇ જાવ અને જમી લો એટલે પોલીસ થાણે જવું પડે તો વાંધો ન આવે, હું પણ ન્હાવા જાઉં છું" કહીને તે પોતાના રૂમમાં ન્હાવા ગયો.

બે એક કલાક પછી રાજકુમાર શર્માનો ફોન આવ્યો " સ્વદેશ, આઈ એમ સોરી આજે તો જામીન મળ્યા નથી, એકતો કોર્ટ બંધ છે અને કોઈ મેજિસ્ટ્રેટ હાજર નથી લગભગ બધાજ કોન્ફરન્સમાં ગયા છે. સોમવારે આવવાના છે."

"પણ તમારી ઓળખાણ કે કોન્ટેકટ હશે ને, બધા જ મેજિસ્ટ્રેટ તો ગયા નહિ હોય ને?" સ્વદેશે અણગમાનાં ભાવથી કહ્યું."આ મોટા મોટા સેલીબ્રીટીઝ અને ફિલ્મના કલાકારોના કામ અડધી રાતે થતા હોય છે"

"હા, પણ તેઓ બધી સાચી ખોટી રીતો અજમાવતા હોય છેજયારે આપણે બધું કાયદેસર રીતે કરીએ છીએ"

"તો હવે શું કરવાનું?"

" આપણે સોમવાર સુધી રાહ જોવી પડશે" વકીલે કહ્યું.

"તમે લોકો બપોરે આવી જાવ હું પણ ત્યાજ હોઈશ, તમે ઘરેથી એમને માટે જમવાનું લેતા આવજો, મે પરવાનગી લઇ લીધી છે".

સ્વદેશ સ્વગત બબડ્યો "જમવાને શું કરવાનું છે, જામીનનું કરોને?" પણ મોઢેથી તેણે કહ્યું "સારું અમે આવીએ છીએ"

તેણે ઘરના સૌને વકીલ સાથે થયેલ વાત જણાવી અને જમવાનું ટીફીન તૈયાર કરવાનું કહ્યું.

રાધાબેને રોષપૂર્વક કહ્યું "એટલે રાજમોહન ભાઈએ બે દિવસ પોલીસ કસ્ટડીમાં રેહવું પડશે?આ વકીલ લાખો રૂપિયાની વર્ષે ફી લે છે પણ કામ વખતે નકામો છે."

સ્વદેશે તેમને ઠંડા પાડતા કહ્યું "તમે શાંત થઇ જાવ, કાયદો એની રીતે જ ચાલે. વકીલ પણ ઘણી વખત ધારે તેમ નથી કરી શકતા"

"તું કોને સમજાવશ" રાધાબેન વધુ ઉગ્ર બન્યા " આપણે ટીવીમાં નથી જોતા? પેલા એક્ટરો એક કલાકમાં છૂટી જાય છે"

"એમની વાત જુદી છે, તેઓ જરૂર પડે કરોડો રૂપિયા ખર્ચી શકે છે" સ્વદેશે જણાવ્યું અને પછી ઉમેર્યું "તમે ચિંતા ના કરો, સૌ સારા વાના થઇ જશે"

"તું તો માસીની ભાષા બોલતો થઇ ગયો" સુદર્શનાએ વાતાવરણ હળવું કરવા ટાપસી પૂરી.

રાધાબેન ઉભા થઇ અંદર રૂમમાં ગયા. જતાજતા રીસાયેલા અવાજે કહ્યું"બસ હવે મારી મજાક ઉડાડવાનું જ બાકી રહ્યું છે"

સ્વદેશ અને સુદર્શના એકબીજા સામું જોઈ રહ્યા.આ નવી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિમાં શું કરવું તે બન્ને વિચારી રહ્યા હતા.

બપોરે ટીફીન લઈને બન્ને પોલીસ થાણે પોહચ્યા.રાધાબેન અને પરીક્ષિતે પણ સાથે આવવાની જીદ કરી. પણ વધારે ભીડ કરવાથી કોઈ લાભ નહિ થાય તેવું સમજાવી બંને ને ઘેર રાખ્યા.

બન્ને પોલીસ ચોકી ઉપર પહોચ્યા ત્યારે રાજકુમાર શર્મા ઇન્સ્પેક્ટર ગોહિલની સામે જ બેઠા હતા.સ્વદેશે ઇન્સ્પેક્ટરનું અભિવાદન કર્યું જે તેમને માત્ર માથું હલાવીને સ્વીકાર્યું.

રાજકુમાર શર્માએ કહ્યું,"તમે રાજમોહન ભાઈને જમાડી લ્યો"

ચુપચાપ સુદર્શના પોલીસ ચોકીમાં સળિયા પાછળની જેલ તરફ ગઈ. એક પોલીસ કોન્સ્ટેબલે જેલનો દરવાજો ખોલી આપ્યો. રાજમોહન અંદર બેઠેલો હતો. બીજા પણ બે આધેડ લાગતા ગુનેગારો હતા. રાજમોહનની જાણે દશ વર્ષ ઉમર વધી ગઈ હોય તેવું લાગતું હતું.તેનો ચહેરો ગંભીર,ઉદાસ અને ઉતરેલો લાગતો હતો. કપાળમાં ચિંતાની કરચલીઓ પડી હતી. એક અર્ધા દિવસમાં જ તેમની આંખો ઊંડી ઉતરી ગઈ હોય તેવું જણાતું હતું. અત્યાર સુધીની ચોખ્ખી કારકિર્દીમાં આ એક મોટું કલંક હતું, અને તેનો ઘા તેમને વસમો પડતો હોય તેવું લાગતું હતું.

સુદર્શનાએ ઈશારાથી સ્વદેશને બોલાવ્યો. સ્વદેશે આવીને કહ્યું "ચાલો કાકા જમી લો" રાજ્મોહને કોઈ જવાબ ન આપ્યો. તે કસ્ટડીના સળિયા સામે શૂન્ય ભાવે તાકી રહ્યો હતો. જાણે જીવનમાંથી રસ ઉડી ગયો હોય.

સ્વદેશે તેનો ખભો હલબલાવ્યો "કાકા જમીલો" ખભો હલાવવાથી રાજમોહન જાણે ભાનમાં આવ્યો. તેને સ્વદેશ અને સુદર્શના સામે નજર સ્થિર કરી "મને ભુખ નથી" "એવું ચાલતું હશે, જમવું તો પડે જ ને"સુદર્શને કહ્યું.

રાજમોહનની ઈચ્છા વિરુધ્ધ એને જોરજબરદસ્તીથી જમાડ્યો.

"કાકા અમે રાત્રે ફરી જમવાનું લઇ આવીશું" કહી બંને બહાર આવ્યા. વકીલ પણ ઉભા થયા " આપણે ચાલો, હવે સોમવારે સવારે હું જામીનની વ્યવસ્થા કરી દઈસ"

બધા બહાર નીકળ્યા સ્વદેશ સુદર્શના ઘરે આવ્યા તથા વકીલ તેમની ઓફિસે ગયા.

રાધાબેને આવતા વેત જ પૂછ્યું "શું થયું?"

"એજ જે રાજકુમાર શર્માજીએ કહ્યું હતું.જામીન તો હવે સોમવારે જ થશે" સ્વદેશે કહ્યું.

રાધાબેને માથું ધુણાવ્યું "રાજમોહન આખી જીંદગી એરકંડીશન રૂમમાં રહેલો છે, તેને ત્યાં ઊંઘ કેમ કરીને આવશે?"

"અત્યારે આપણા હાથમાં કોઈ વાત નથી, હવે જે થશે તે સોમવારે જ થશે" સ્વદેશે જણાવ્યું.

શનિવારે રાત્રે અને રવિવારે સવારે ટીફીન લઇને પરીક્ષિત અને મોહિત ગયા.પાછા ફર્યા પછી સ્વદેશે પૂછ્યું "શું બોલ્યા, રાજમોહન કાકા?"

પરીક્ષિતે ઢીલા સ્વરે કહ્યું "ડેડી તો કશું જ બોલતા જ નથી, તેઓ તો માની જ નથી શકતા કે તેમણે કસ્ટડીમાં લીધા છે ખૂનના આરોપસર"

"તું ચિંતા ન કર, ભગવાન બધું ઠીક કરશે" સુદર્શના એ પરીક્ષિત ને સહિયારો આપતા કહ્યું.

"ઇન્સ્પેક્ટર ગોહિલ કશું બોલ્યા?" સ્વદેશે પૂછ્યું.

"ઇન્સ્પેકટર અને વિરજીભાઈ તો આજે હતા જ નહિ, અમે પૂછ્યું તો બીજા પોલીસે કહ્યું કે કોઈ અર્જન્ટ કામ માટે તેઓ વડોદરા બાજુ ગયા છે. અહીનો કોઈ ખુંખાર અપરાધી તે બાજુ ભાગ્યો છે એટલે તે બન્ને તેની પાછળ ગયા છે" મોહિતે માહિતી આપી.

રવિવારે બપોરે ત્રણ વાગે સુદર્શનાનો મોબાઈલ રણક્યો. નંબર અજાણ્યો હતો.સુદર્શનાએ કહ્યું "હેલો" સામેથી હિન્દી ભાષામાં કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો "શું તમે સુદર્શના બોલો છો?" સુદર્શનાએ જવાબ આપ્યો "હા" અને હિન્દીમાંજ પૂછ્યું "તમે કોણ બોલો છો?"

સામેની સ્ત્રીએ ફરીથી હિન્દી ભાષામાં કહ્યું "હું કોણ છું એ જાણવાની તમારે કોઈ જરૂરત નથી. પણ શું તમે જાણવા માંગો છો કે તમારા ઉપર હુમલો કોણે કરાવ્યો હતો?"

સુદર્શના એક મીનીટ સુધી ફોન સામે તાકી રહી. તો એનો અર્થ એવો થયો કે તેના ઉપર હુમલો ખરેખર હત્યાના ઈરાદાથી જ થયો હતો.

તેણેદીવાનખંડમાં બેઠેલા સૌ કોઈ સામે જોયુ સ્વદેશ, રાધાબેન, પરીક્ષિત, મોહિત વિ. સૌ તેની સામે પ્રશ્નસુચક નજરે જોઈ રહ્યા હતા.

સુદર્શનાએ મોબાઈલ સ્પીકર મોડ ઉપર મુક્યો જેથી સૌ કોઈ સાંભળી શકે.

"હા હું ખરેખર જાણવા માંગુ છું" સુદર્શનાએ કહ્યું."

"તો પછી તમારે તેની કિંમત મને ચૂકવવી પડશે"

"શું કિંમત?" સુદર્શનાએ પૂછ્યું.

"તમારે મને રૂપિયા એક લાખ આપવા પડશે તો હું તમને જણાવીશ કે તમારા ઉપર હુમલો કોના કહેવાથી થયો હતો"

"પૈસા આપવામાં તો મને કોઈ વાંધો નથી કારણ કે મારે જાણવું છે કે હુમલો કોણે કરાવ્યો હતો"

"તો પછી હું કહું ત્યાં પૈસા લઈને આવો"

"પણ હું કેવી રીતે માની લઉં કે તમને આ બાબતની જાણ છે તમે કોણ છો? તમને આની જાણ કેવી રીતે થઇ, એ જ્યાં સુધી તમે વિશ્વાસ ન અપાવો ત્યાં સુધી હું કેવી રીતે ભરોસો કરું?"

સામેની બાજુ થોડીવાર શાંતિ સ્થપાઈ ગઈ જાણે તે સ્ત્રી વિચારી રહી હોય. એકાદ મીનીટ પછી ફરી અવાજ આવ્યો. વાતચીતની ભાષા હિન્દી જ હતી.

"હું રફીકની પ્રેમિકા બોલું છું" રફીકનું નામ સાંભળી બધાની આંખો આશ્ચર્યચકિત થઇ ગઈ. "મારું નામ સલમા છે. રફીક તેની બધી વાતો મને કેહતો હતો.રફીકે મને કહેલું કે તમારા ઉપર હુમલાની યોજના કોણે કરી હતી.તે લોકોએ રફીકનું પણ ખુન કરી નાખ્યું છે અને કદાચ મને પણ જીવતી ન છોડે એટલે હું અહીંથી નીકળી જવા માંગું છું તે માટે મારે પૈસાની જરૂર છે.તમે મને પૈસા આપો હું તમને માહિતી આપીશ, બોલો મંજુર છે?"

સુદર્શનાએ સ્વદેશ વિ. સામે જોયું. સ્વદેશ, રાધાબેન વિ. બધાએ માથું હલાવી વાત સ્વીકારવાનો ઈશારો કર્યો.

"ભલે, હું તૈયાર છું, ક્યારે મળવું છે?" સુદર્શનાએ કહ્યું.

"આજે રાત્રે ૭ વાગ્યે હું તમને ફોન કરીને એડ્રેસ આપીશ ત્યાં તમે પૈસા લઈને આવજો. પણ ખાસ ધ્યાનમાં રાખજો એક વાત, પૈસા લઈને તમારે એક્લાયેજ આવવાનું છે. સાથે બીજું કોઈ હશે તો હું તમને નહિ મળું અને તમને જોઈતી માહિતી નહિ મળે."

"સારૂ હું એકલીજ આવીશ" સુદર્શનાએ કહ્યું.

"અને એક બીજી ખાસ વાત, તમારા અને મારા વચ્ચે થયેલી આ વાતની જાણ બીજા કોઈને ન થાય તેની તકેદારી રાખજો નહીતર જેણો તમારા ઉપર હુમલો કરાવ્યો છે એ તમને કે મને હાની પોહચાડી શકે છે.એટલે કોઈનેય આ વાતની ગંધ સરખીય ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો" પેલી સ્ત્રીએ સાવચેતીનાં સુરમાં કહ્યું.

"ભલે કોઈનેય નહિ જણાવું, હું તમારા ફોનની રાહ જોઇશ" સુદર્શનાએ કહ્યું.સામેથી ફોન કટ થઇ ગયો.

(ક્રમશ:)

(વધુ રસિક ભાગ આવતા અંકે)