Tran Hath no Prem Part-2 Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Tran Hath no Prem Part-2

ત્રણ હાથ

નો

પ્રેમ

લેખકઃ શૈલેશ વ્યાસ

પ્રકરણ – 2

Email:- saileshkvyas@gmail.com

Mobile:- 9825011562

સ્વદેશ ઘડી બે ઘડી તો અવાચક જ થઈ ગયો. રાજમોહન કાકા આ શું કહી રહ્યા છે ? હજુ તો તેને સુદર્શના ના અકસ્માતના ખબર ની કળ વળી ન હતી. ત્યાં આ બીજો આધાત હતો. તેનુ મગજ આ સમાચારો સાંભળી શુનમનસ્યક થઈ ગયુ હતુ “અકસ્માત” ? તેની સુદર્શના નો અકસ્માત અને તેય હત્યાનો પ્રયાસ? કોઈ શા માટે સુદર્શનાની હત્યાનો પ્રયાસ કરે? તેની સાથે કોઈ ને શું વેર હોઈ શકે?”

“ના,ના આવુ કદાપી ન બની શકે” આ કોઈ હેરાનગતી કરવાના ઉદ્દેશ્ય થી કરેલ કોલ હશે” તેનુ મન આ સમાચાર સ્વિકરાવા કે માનવા જ તૈયાર ન હતું.

“તું સાંભળે છે, સ્વદેશ?” રાજમોહન નો ફરી ગભરાટ ભરેલો અવાજ આવ્યો. “તુ ઠીક છે ને?, તું જલ્દી આવી જા.”

“પણ પણ કાકા....સ્વદેશ હજૂ ખાતરી કરવા પૂછવા જતો હતો પણ સામી બાજુએ જાણે નર્સ રાજામોહન ને બોલાવતી હોઈ તેવા અવાજો સાંભળ્યા એટલે રાજમોહને ઉતાવળ કરી” હું મુકું છું, નર્સ બોલાવવા આવી છે. તુ જલ્દી આવ,” કહીને રાજમોહને ફોન કાપી નાખ્યો.

સ્વદેશના ભયભીત મગજે હવે તેના હાથ અને પગ ઉપર કાબુ જમાવી દીધો હતો. મગજમાં સારા નરસા વિચારો ચાલતા હતા અને હાથ મોટરસાઈકલના હેંડલબાર ને દિશા આપતા હતા અને પગો ગેર પાડતા હતા મોટર સાઈકલની ગતિ આપમેળે વધી ગઈ હતી અને આગળ ધીમી ગતિએ જતા વાહનોને ઓવરટેક કરી હોસ્પિટલના રસ્તે તીવ્રતાથી જઈ રહી હતી.

સ્વદેશની આંખો અને કાન હાઈવેના રસ્તા ઉપર હતા પણ તેના મગજમાં ધમસાણ મચી રહ્યુ હતું, કેવી રીતે થયું હશે ? બહુ વાગ્યું હશે ? અકસ્માત, હત્યાનો પ્રયાસ આ બધુ તેને સમજાંતુ ન હતુ.

અચાનક જ તેને ખ્યાલ આવ્યો કે તે સીટી હોસ્પિટલના પ્રાંગણમાં પહોંચી ચૂક્યો છે. તેણે મોટરસાઈકલ ત્વરાથી વાળી અને પાર્કિગમાં પડેલી ખાલી જગ્યામાં ગોઠવી ઈગ્નીશન બંધ કરી ચાવી કાઢીને રસ્તામાં પહેરી લીધેલ હેલ્મેટ ઉતારતા ઉતારતા જ હોસ્પિટલના દરવાજા તરફ લગભગ દોટ જ મૂકી.

એક જ શ્વાસે તે હોસ્પિટલના રીસેપ્સન કાઉંટર ઉપર પહોંચી ગયો ને શ્વાસ ભરેલા અવાજે તેણે તાકીદ થી પૂછયુ. “સુદર્શના પરિખ ને ક્યા રાખી છે. ?” ”રિસેપ્નીષ્ટે તેની સામે નજર નાખ્યા વગર જ કોમ્પ્યુટર સામે જોતા જોતા જ જવાબ આપ્યો “આઈ.સી.યુ. બીજા માળે”

સ્વદેશ સામે આવેલ લીફટો તરફ લગભગ દોડયો જ પણ ત્યાં જઈને જોયુ કે લીફટ હજુ ઉપર ત્રીજે માળે હતી અને તેમાં ઉપર જવા માટે 7/8 જણા લાઈનમાં ઉભેલા હતા. એટલે કદાચ તેનો વારો બીજા કે ત્રીજા ફેરાંમાં આવે. એટલી રાહ જોવાની માનસીકતા અત્યારે સ્વદેશમાં નહોતી એટલે તેણે લીફ્ટની બાજુમાં આવેલી ઉપર જતી સીડીઓની પસંદગી કરી અને એક સાથે બબ્બે પગથીઆ કુદાવતો તે બીજા માળે પહોંચી ગયો.

ચડેલા શ્વાસને થોડો શાંત કરવા તેની ગતી એકાદ ક્ષણ માટે સ્થગિત થઈ. સામે પેસેજમાં બંને બાજુ દર્દીઓ માટેની એસી રૂમ્સો ના છેવાડે આઈ.સી.યુ વિભાગ હતો કોરીડોરમાં બંને બાજુ આઈ.સી.યુ થી દૂર અંતરે ખુરશીઓ દર્દીઓના સગાવ્હાલાઓને બેસવા માટે રાખેલી હતી.

સ્વદેશે જોયુ કે ત્યાં સુદર્શનાના કાકા રાજમોહન પરિખ તેમનો યુવા દિકરો ને સુદર્શનાનો પિતરાઈ ભાઈ પરિક્ષિત, વર્ષોથી સુદર્શનાને ત્યા ઘરકામ માટે રાખેલ રાધાબેન જેને હવે સૌ કોઈ “માસીમા” કહેતા હતા કારણ કે નાનપણ થી માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ સુદર્શના ના ઉછેરની જવાબદારી તેમણે પોતાના ઉપર લઈ લીધેલી અને સુદર્શનાને માતૃવાત્સલ્ય ની ખોટ કદી પડવા દીધી ન હતી. તેમની બાજુમાં તેમનો દિકરો મોહિત જે સુદર્શના ની ઉંમર જેટલો જ હતો અને જેની જોડે સુદર્શનાને સાથે ઉછરીને મોટો થયા હોવાથી ગાઢ મિત્રતા હતી. તદ્દઉપરાંત રાજમોહન પરિખની ઓફિસ તરફથી તેમના મેનેજર, ત્રણ ચાર કર્મચારીઓ તથા આડોશ પાડોશમાંથી બીજા બે ત્રણ જણા ઉભા હતા. પુરૂષો સૌ ઉભા હતા જ્યારે માસીમા તથા પાડોશનો સ્ત્રીવર્ગ ખુરશીઓમા બેઠેલા હતા.

સૌના ચહેરા ગંભીર અને ચિંતાગ્રસ્ત હતા. માસીમાની આંખોની ભિનાશ દુરથી પણ સ્વદેશે અનુભવી. રાજમોહન પરિખ અદબ અને હોઠ ભીડીને પોતાને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સ્વદેશ ને આવતો જોઈ રાજમોહન તથા અન્ય સૌ તેની સામે જોઈ રહ્યા સ્વદેશ સીધોજ રાજમોહન પાસે ગયો અને ઉતાવળા સ્વરે પૂછયુ “કાકા, આ બધુ શું થયું છે ?” સુદર્શના કેમ છે? તબિયત ઠીક તો છે ને? બહુ વાગ્યુ છે? આઈ.સી.યુમાં કેમ રાખી છે?. તેણે એક સામટા અનેક પ્રશ્નો પૂછી નાખ્યા.

રાજમોહને તેના ખભા ઉપર હાથ દબાવ્યો “થોડી શાંતિ રાખ, બધુ કહુ છું “થોડો શ્વાસ ખા”

સ્વદેશ ને જોરથી કહેવાનું મન થઈ આવ્યુ કે “મારો શ્વાસ ત્યાં આઈ.સી.યુ માં છે અને તમે મને શ્વાસ ખાવાનું કહો છો ?” પણ તેણે પોતાના ઉપર કાબુ રાખ્યો અને રાજમોહન પાસેથી માહિતી માટે તેની આંખો તાકી રહી.

“પોલીસ અને જેમણે અકસ્માત થતો નિહાળ્યો છે તેમના મુજબ સુદર્શનાની ગાડી રાબેતા મુજબની ગતીમાં જ ચાલતી હતી. હાઈવે પર ના ઘોરણ મુજબ અને પોતાની લાઈનમાં જ હતી. પાછળથી આવતી ટ્રકે થોડી વાર સુધી ગાડી અને ટ્રક વચ્ચેનું અંતર જાળવી રાખ્યુ હતુ અને પછી અચાનક જ પોતાની ગતિ વધારી સુદર્શનાની ગાડીની સાઈડમાં લગોલગ આવી ત્રાંસી થઈને સુદર્શનાની ગાડીને ટક્કર મારી જેનાથી સુદર્શનાએ પોતાનો કાબુ ખોઈ નાખ્યો અને હાઈવે પરથી ગાડી નીચે સાઈડમાં ઉતરી ગઈને લગભગ ઉંધી થઈ ગઈ. ગાડીના આગળના અને સાઈડની બાજુનો કચ્ચરઘાણ નીકળી ગયો. ભયંકર ઘડાકાનો અવાજ સાંભળી આજૂબાજુના લોકો દોડી આવ્યા ને ગમે તેમ કરી ને તેને માંડ માંડ ખેંચીને બહાર કાઢી. સુદર્શના વેદનાના કારણે બેહોશ થઈ ગઈ હતી. ભલા લોકો એ તાત્કાલીક 108 બોલાવી તેને અહીં હોસ્પિટલમાં પહોંચાડી અને તેના પર્સમાંથી નામ સરનામું ને મારો નંબર મળતા તેમણે અમને ફોન કરી ખબર આપી અમે તાત્કાલીક જ અહીં દોડી આવ્યા હું માસીમા પરિક્ષીત તથા મોહિત. ત્યાર બાદ ઓફિસથી અને આપણા બાજુવાળા પણ આવી ગયા છે.”

“પણ સુદર્શનાને તમે જોઈ, ડોક્ટરે શું કહ્યુ?” તમે કહ્યુ કે પોલીસે પણ હત્યાનો પ્રયાસ છે તેમ કહ્યું તો પોલીસ ક્યા છે?

“અમે આવ્યા ત્યારથી ડોક્ટર અંદર આઈ.સી.યુમાં જ છે. પોલીસ પણ સુદર્શનાનું નિવેદન ક્યારે લઈ શકે તે પૂછવા માટે અંદર ગઈ છે. અમને આ બધી માહિતી નર્સે આપી છે.”

“જે લોકો સુદર્શના ને લઈ આવ્યા તેઓ ક્યા છે ?” સ્વદેશે પૂછયું.

“તેઓ સૌ પોતાના કામધંધા છોડી ને માનવતા ના ધોરણે અહિઆ આવ્યા હતા, એટલે મે તેમને જવા દીધા” રાજમોહને કહ્યુ.

“પણ તે લોકો નો ઉપકાર....” રાજમોહને તેની વાત રોકતા કહ્યુ “ચિંતા ન કર. જો પાંચે પાંચ જણાને એક એક હજાર રૂપિયા આપ્યા છે અને જ્યારે પણ કોઈ જરૂરત હોય ત્યારે મને મળી જવા જણાવ્યુ છે. આપણા થી એમનો ઉપકાર કદી ન ભૂલાય”

સ્વદેશે માથુ હકારમાં હલાવ્યુ પણ તેની નજર આઈ.સી.યુ લખેલા દરવાજા ઉપર હતુ જેની પાછળ રહેલા આઈ.સી.યુ. રૂમ્સમાંના એકમાં તેની પ્રેયસી હતી. તેની સ્થિતી વિષે વિચારતા જ સ્વદેશના શરિરમાં ધ્રુજારી આવી ગઈ.

થોડી વાર સુધી સૌ ચૂપચાપ હોસ્પિટલના ચકચકીત ફલોર તરફ નજર રાખીને ઉભા રહ્યા થોડી થોડી વારે સૌની નજર આઈ.સી.યુ ના દરવાજા તરફ જઈ ફરી પાછી છત ઉપર કે ભોંયતળિએ જઈને સ્થિર થઈ જતી હતી.

રાજમોહન અને સ્વદેશ થોડી થોડી વારે પોતાના કાંડા ઘડિયાળ તરફ જોઈ લેતા હતા. સ્વદેશની માનસીક હાલત જોઈને “માસીમા” રાધાબેન ઉભા થઈને તેની પાસે આવ્યા અને તેના ખભા ઉપર પોતાનો હાથ મુક્યો.

“બેટા, ધિરજ રાખ, સૌ સારા વાનાં થશે ” તેમણે વિશ્વાસ ભર્યા સ્વરે કહ્યું

“પણ માસીમા, સુદર્શના....સ્વદેશ ઉચાટ ભર્યા સ્વરે કહેવા જતો હતો પણ માસીમા એ તેને વચ્ચે થી જ રોકી દીધો.”

“બેટા ઉપર આપણો ભગવાન છે ને?” એ સુદર્શનાને કશું નહિ થવા દે” પછી નાના બાળકને સમજાવતા હોય તે રીતે મૃદુ સ્વરે ઉમેર્યુ “અને જયાં સુધી ડોક્ટર બહાર ન આવે ત્યા સુધી આપણે રાહ જેવી જ રહીને? થોડીક શાંતિ રાખ” તેમણે સ્વદેશને પોતાની બાજૂની ખુરશીમાં બેસાડયો.

સ્વદેશને એક એક પળ યુગો જેવી લાગતી હતી. આ અસમંજસની સ્થિતી તેને માટે અસહ્ય હતી. પણ ધીરે ધીરે તે પોતાના મન ઉપર કાબુ મેળવતો ગયો અને ધીમે ધીમે તેના શ્વાસ અને વિચારો નું મંથન સામાન્ય બનતુ ગયુ.

માસીમાના ઈશારે મોહિત તેના માટે એક ગ્લાસ પાણી લઈ આવ્યો, કુલરનું ઠંડુ પાણી પીતા પીતા તેના શરિરનો બાહ્ય તરફડાટ ધીમે ધીમે સામાન્ય બની ગયો.

અચાનક જ આઈ.સી.યુનો દરવાજો ખૂલ્યો, સૌની નજર ત્યાં તાકી રહી. સ્વદેશ તો ખુરશીમાંથી ઉભો જ થઈ ગયો. પણ સામેથી ડોક્ટરને બદલે ઈન્સ્પેક્ટર ગોહિલ અને કોન્સ્ટેબલ વીરજી બહાર આવી રહ્યા હતા.

રાજમોહન અને સ્વદેશે સાથે જ પૂછી નાખ્યું “કેવુ છે સુદર્શના ને?”

ઈન્સ્પેક્ટર ગોહીલે આદત અનુસાર થોડીક કડક નજરે સ્વદેશ સામે જોયું. “આ ભાઈ કોણ છે?” તેમણે રાજમોહન ને પૂછયું.

“સાહેબ, આ સ્વદેશભાઈ છે. અમારી સુદર્શનાના ભાવિ પતિ, થોડા વખત પછી એમની સગાઈ થવાની છે.” રાજમોહને ખુલાસો કર્યો. ઈન્સ્પેક્ટર ગોહિલે માથું સહેજ નમાવીને ખુલાસો સ્વીકાર્યો. રાજમોહને પછી ચિંતાતુર સ્વરે પૂછયું. “સાહેબ, સુદર્શના સાથે તમારે વાત થઈ?” કેવુ છે એને? ”

ઇન્સ્પેક્ટર ગોહિલે પોતાની આદતાનુસાર સહેજ તીખા સ્વરે કહ્યુ. “જૂઓ ઘાયલ વ્યક્તિની શારિરીક સ્થિતી શું છે તે તો ડોક્ટર જ કહી શકે, હું નહી. મારૂ કામ નિવેદન લેવાનું છે પણ અત્યારે તેઓ હજુ બેહોશ જ છે એટલે ડોક્ટર જયારે અમને જણાવશે કે વ્યક્તિ નિવેદન આપવા માટે તૈયાર છે, શારિરીક કે માનસિક રીતે ત્યારે અમે ફરી આવીશું. ત્યાં સુધી ઘાયલ વ્યક્તિની તબિયત વિશે તમારે ડોક્ટરને જ પૂછવુ પડશે ઈન્સ્પેક્ટરે કોન્સ્ટેબલ સામે જોઈ આદેશ આપ્યો.” “ચાલો, વિરજી આપણે નિકળીએ”

“જી સાહેબ” કહી વિરજી આગળ થયો અને ઈન્સ્સેક્ટર ગોહિલ તેની પાછળ પાછળ જવા પગ ઉપાડયા. સ્વદેશ તેમને જતા જોઈ રહ્યો. અચાનક જ ઈન્સ્પેક્ટર ચાલતા ચાલતા રોકાઈ ગયા” ”એક મિનીટ વિરજી” આગળ ચાલતો વિરજી કોન્સ્ટેબલ ઉભો રહી ગયો અને પાછો આવ્યો.

ઈન્સ્પેક્ટરે સ્વદેશને ઈશારો કરી પોતાની પાસે બોલાવ્યો. “તમારી તો સગાઈ થવાની છે ને આ બેન જોડે?” તેણે આંખો ઝીણી કરી પૂછયું.

“જી”

“તો તો તમે એમના વિષે ઘણુ જ જાણતા હશો?” “બેશક અમે એકબીજા વિષે લગભગ બધુ જ જાણીએ છીએ” સ્વદેશે સહેજ ચિડાયેલા સ્વરે કહ્યુ.

“જૂવો ચિડાવાથી કાઈ હાંસલ નહિ થાય” ઈન્સ્પેક્ટરે થોડા કડક અવાજે કહ્યુ, પછી કાચિંડો જેમ એક જ ક્ષણમાં રંગ બદલે તેમ તેમણે સ્વર બદલી હળવાશ થી ઉમેર્યુ “જૂઓ હું જાણુ છું કે તમારા ઉપર શું વિતતી હશે અને મને તમારા પ્રત્યે પુરી સહાનુભૂતી પણ છે. પરંતુ અમારા હિસાબે આ કેસ માત્ર અકસ્માતનો નથી લાગતો, જે પ્રમાણે અકસ્માત થયો છે.” ઈન્સ્પેક્ટરે સહેજ અટકી ને શબ્દો ગોઠવતા કહ્યુ. “અથવા કરવામાં આવ્યો છે પૂર્વ ઈરાદા થી તે વિશે છણાવટ કરવી અમારી ફરજમાં આવે છે.”

ઈન્સ્પેક્ટરે સ્વદેશના ખભા ઉપર હાથ મુક્યો “જો પૂર્વ ઈરાદાથી અકસ્માત કરાયો હોય તો તે એક હત્યાનો પ્રયાસ કહી શકાય અને શા માટે આ પ્રયાસ કરાયો હતો તે જાણવા માટે મારે સુદર્શના ના જીવન વિશે માહિતી જોઈશે અને તમારા થી વધારે અને સારી રીતે બીજુ કોણ આપી શકે?”

“જી આપ જે પૂછવુ હોય તે પૂછી શકો છો” સ્વદેશે કહ્યું.

“આપણે એક કામ કરીએ. નીચે કેંટીંનમાં બેસી કોફી પીતા પીતા વાત કરીએ, આમ પણ મારૂ માથું ક્યારનું ચડયુ છે, તો કોફી પીવાથી થોડું હળવુ થશે”

સ્વદેશ જરા ખચકાયો “પણ અહિઆ સુદર્શના ના સમાચાર........” “ઈન્સ્પેક્ટરે તેની વાત કાપતા કહ્યુ” એની ચિંતા તમે ના કરશો, ઈન્સ્પેક્ટરે રાજમોહનને ઈશારો કરી પાસે બોલાવ્યા અને સૂચના આપી” “અમે નીચે કેંટીનમાં કોફી પીવા જઈએ છીએ. ડોક્ટર બહાર આવે તો સ્વદેશને તરતજ બોલાવવા ફોન કરજો” તેમણે સ્વદેશ સામે જોયું “બરાબર?” સ્વદેશે હકારમાં માથુ હલાવ્યુ “ચાલો” ઈન્સ્પેક્ટરે આદેશ આપ્યો. પણ એક ક્ષણ ઉભા રહી તેમણે રાજમોહન સામે જોયું રાજમોહનનો ચહેરો થાકેલો, ફિક્કો અને ઉતરી ગયેલો લાગતો હતો. ઈન્સ્પેક્ટરે સહજ સ્વરે પૂછયું “રાજમોહનભાઈ, તમારા માટે નીચેથી કોફી મોકલાવું ?”

રાજમોહને માથુ ઘુણાવ્યુ “ના ના સાહેબ, અત્યારે કોઈ ઈચ્છા નથી”

“સારૂં” કહી ઈન્સ્પેક્ટ, કોન્સ્ટેબલ વિરજી અને સ્વદેશ લીફ્ટ તરફ ગયા. લીફ્ટ માટે પાંચ છ જણા રાહ જોઈને ઉભા હતા. પણ ઈન્સ્પેક્ટર માટે તેઓએ જગ્યા કરી આપી. લીફ્ટ આવતા સૌ પહેલા તેઓ ત્રણેએ પ્રવેશ લીધો, નીચે કેટીંનમાં જવા માટે.

કેંટીનમાં ત્રણ જણે બેઠક લીધી ઈન્સ્પેક્ટરના યુનિફોર્મને જોઈ વેઈટર તુરત જ દોડતો આવ્યો. “સાહેબ શું લેશો?” તેણે “મેનુ” કાર્ડ આપ્યું તથા પાણીના ત્રણ ગ્લાસ મુક્યા. “ત્રણ પ્લેટ ગ્રીલ્ડ સેન્ડવીચ અને ત્રણ કોફી અને કોફી એકદમ સ્ટ્રોંગ બનાવજે ધોળી દૂધ જેવી નહી.”

“જી સાહેબ” વેઈટર ઓર્ડર લઈને પાછો ગયો ઈન્સ્પેક્ટર ગોહિલે સ્વદેશની આંખો સામે નજર નોંધી “હવે તમે તમારા અને સુદર્શના વિષે થોડી માહિતી આપો.” તમે ક્યારથી તેને ઓળખો છો? સ્વદેશે પાણીનો એક ઘૂંટ પીધો. “સાહેબ, અમે બંને છેલ્લા ત્રણ વર્ષથી સાથે કોલેજમાં ભણીએ છીએ.”

“કઈ કોલેજ ?”

“રામચંદ્ર મહેતા કોમર્સ કોલેજ સેટેલાઈટમાં” “છેલ્લા બે વર્ષથી અમે બંને એકબીજા થી ખૂબ જ નજદીક આવી ગયા છીએ” પછી સહેજ સંકોચથી ઉમેર્યુ “અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને થોડા સમય પછી અમારી સગાઈ પણ થવાની છે.”

“તમારા બંને કુટુંબો ની સહમતી છે. આ સંબંધ માટે”

“જી, સાહેબ સુદર્શના એના કાકાની ખૂબ જ લાડકી છે. તેઓ તેની બધી ઈચ્છા પૂરી કરે છે. પોતાના ભાઈ ભાભીની ગેરહાજરીમાં પોતાની ભત્રીજીને તેમણે પોતાની દીકરી થી પણ વિશેષ ઉછેરી છે.”

“તમારા માતા પિતા આ સબંધ માટે રાજી છે?”

“જી, સાહેબ...પણ માતા પિતાની વાત નિકળતા જ તેના ચહેરા ઉપર ફરી ઉદ્દવેગ ના ચિન્હો આવી ગયા” અરે, હું તો ભૂલી જ ગયો” તેણે ખીસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢી એક નંબર જોડયો, અડધી કે એકાદ મિનીટ પછી સામેથી ફોન ઉપર અવાજ આવતા તેણે ઉતાવળા સ્વરે કહ્યુ “પપ્પા હુ સ્વદેશ બોલુ છું. સુદર્શનાનો એક્સિડંટ થયો છે તમે ને મમ્મી તરત જ સીટી હોસ્પિટલ આવી જાવ”

સામેથી સ્વભાવિક રીતે કંઈક પૂછપરછ થઈ. “એ બધુ પછી કહીશ તમને, અત્યારે પહેલા તમે હોસ્પિટલ પહોંચો”

સ્વદેશે નિરાશામાં માથુ ઘૂણાવ્યુ અને ઈન્સ્પેક્ટર સામે જોઈ ઉમેર્યુ “મારા મમ્મી પપ્પાને જ જણાવવાનું જ મારા ધ્યાનમાં થી ઉતરી ગયુ”

ઈન્સ્પેક્ટરે સહમતિ દર્શાવી “ગભરાટ અને ઉતાવળમાં ઘણીવાર નજીકના જ વિસરાઈ જાય”

સ્વદેશે વાતનો તંતુ ફરી સાધ્યો “મારા માતા પિતા પણ આ સંબંધ થી ખૂબ જ રાજી છે.”

ઈન્સ્પેક્ટરે હવે ચિવટભર્યા સ્વરે પૂછ્યુ “હવે તમે મને સુદર્શના વિશે જણાવો”

“સાહેબ, સુદર્શના એક ખૂબજ સારી અને સંસ્કારી છોકરી છે. તેના કુટુંબમાં અને સમાજમાં સૌ એના વખાણ જ કરે છે. વડિલો ની આમન્યાઓ સાથે મૈત્રી કે સ્નેહભાવ એ એનો જન્મજાત સ્વભાવ છે. પોતાના મિત્રવર્તુળમાં ખૂબજ પ્રિય છે. અને ઘરના નોકર ચાકર જોડે પણ તેનુ વર્તન ખૂબ જ માયાળુ છે. તેને નાને થી મોટી કરનાર કામવાળા બેન રાધાબેન ને તો એ પોતાની મા જ સમજે છે.”

“આ રાધાબેન એટલે જેને સૌ માસીમા કહે છે તે જ ને?”

“હા, સાહેબ,”

“સવારમાં અમે બંને કોલેજ કરીએ છીએ ત્યારબાદ બપોરના 1 થી 4 તે તેમના બીઝનેશમાં તાલિમાર્થી તરીકે ઓફિસ જાય છે અને તેના કાકા રાજમોહનભાઈ પરિખના હાથ નીચે ઓફિસ અને ધંધાની તાલીમ લે છે.”

“તમે દિવસના શું કરો છો ?” ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

“હું પણ બપોરના અમારી ફેકટરી જાઉ છું અને મારા પપ્પાને એમના બિઝનેશમાં મદદ કરૂ છું. મદદ તો શું ?” હું પણ ખરેખર તો શિખું છું.

“તમારા હિસાબે, સુદર્શનાની હત્યાનો પ્રયાસ કોણે કર્યો હોય?”

“સાહેબ, મારૂ તો મગજ જ નથી ચાલતુ. કોઈ આવી સુશીલ અને સરળ છોકરી ઉપર હુમલો કરે એ મારા તો માનવામાં જ નથી આવતું.” કદાચ આ ખરેખર અકસ્માત જ હોઈ શકે”

“અમારે બધા પાસા નો વિચાર કરવો પડે” ઈન્સ્પેક્ટર ગોહિલે કહ્યુ જો અકસ્માત હોય તો હીટ એન્ડ રનનો કેસ કહેવાય, આ ડ્રાઈવર ના પકડાય તો ભવિષ્યમાં પણ બીજા સાથે આવો અકસ્માત કરી શકે અને જો પૂર્વયોજીત કાવત્રુ હોય તો તો હત્યાના પ્રયાસનો કેસ બને, અમારે તો આરોપી ને પકડવો જ રહ્યો.

“હું તમારી વાત સાથે સમંત થાવ છું” સ્વદેશે પોતાનો સૂર પૂરાવ્યો.

“સુદર્શના ને કોઈ ની સાથે કોઈ દુશ્મનાવટ કે મોટો ઝગડો તાજેતરમાં થયો હોય?”

“સાહેબ એવુ તો કઈ હમણા બન્યુ હોય તેવુ બન્યુ નથી”

“હમણા એટલે” ઈન્સ્પેક્ટરે “હમણા” શબ્દ ઉપર ભાર મૂકતા કહ્યુ.

“સાહેબ તમે તો સુદર્શનાને પહેલા જોઈ નથી. તે અત્યંત સુંદર છોકરી છે. અમારી આખી કોલેજમાં તેનાથી સુંદર બીજી કોઈ છોકરી નથી. આ હું નથી કહેતો. અમારી કોલેજની બધી વિદ્યાર્થીનીઓ કહે છે. બે ત્રણ બહેનપણીઓ એ તો તેને મિસ ઈન્ડીયા કે મિસ વર્લ્ડમાં ભાગ લેવા માટે આગ્રહ પણ કર્યો હતો. પણ તેણે ના પાડી દીધી હતી. કારણ કે તેને ઉછાંછળાપણુ કે દેહપ્રદર્શન વિ થી ખૂબ જ ચીડ છે.

“તમે કહેવા શું માંગો છો?” ઈ.ગોહિલે પૂછયુ.

“આટલી સુંદર છોકરી હોય એટલે કોલેજના રોમિયો ટાઈપ છોકરાઓ એની સાથે નિકટતા કેળવવા મથતા જ હોય પણ સુદર્શના કોઈને ભાવ જ નથી આપતી એટલે છંછેડાયેલા બે ત્રણ મજનૂઓએ તેની સાથે ચાળો કે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે તદ્દન શાંત દેખાતી સુદર્શનાએ અગ્નિસ્વરૂપ ધારણ કરીને આવા મજનૂઓને ચંપલોથી ફટકાર્યો હતા. ત્યારથી બધા રોમિયો તેનાથી સલામત અંતર રાખે છે.”

“આ ક્યારની વાત છે?” ઈન્સ્પેક્ટરે પૂછયું. “સાહેબ આ લગભગ ત્રણ વર્ષ પહેલાની વાત છે.

“તાજેતરમાં કોઈ આવો બનાવ બન્યો હતો? કોઈ રોમિયો દ્વારા અથવા તેની કોઈ ફ્રેન્ડ જોડે અણબનાવ બન્યો હોય?” – ઈન્સ્પેક્ટરે પૂછયું.

“હા લગભગ પાંચેક મહિના પહેલા આવો બનાવ બન્યો હતો.”

“શું થયુ હતું?”

“અમારી કોલેજ બહાર રફિક નામના એક ગુંડા જેવા છોકરાઓની ટોળી અડંગો જમાવીને બેસતી હતી અને આવતી જતી છોકરીઓની છેડતી કરતા હતા. વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરતા પ્રિન્સિપલે તેમને ધમકાવ્યા હતા. અને પોલિસ ફરિયાદ કરવાની ચિમકી આપી હતી. એટલે તેમણે કોલેજથી થોડે દુર રસ્તાના છેવાડે બેસવાનું શરૂ કર્યુ હતુ અને ચાલતા કે સ્કૂટર પર આવતી જતી છોકરીઓને હેરાન કરતા હતા. ક્યારેક ક્યારેક રિસેસ વખતે કોલેજ ના કેંપસમાં પણ આવી જતા હતા. રફિક થી આજુબાજુના લોકો પણ ડરતા હતા. એકાદ વાર ઝગડામાં સામેવાળા ઉપર ચાકુથી વાર પણ કરેલ ત્યારથી કોઈ તેને વતાવતું નથી.

“સુદર્શના સાથે તેને શું થયુ હતુ.”

“તેણે એક દિવસ સુદર્શનાની બહેનપણી રોમા સાથે અસભ્ય વર્તન કર્યુ હતું, સુદર્શના ને આ બાબતની ખૂબ જ ચીડ હતી એટલે તેણે રફીકને પાઠ શિખડાવવાનું નક્કી કર્યુ. બે એક દિવસ પછી જ્યારે રફિક અને તેના બે ત્રણ સાથીદારો રીસેસ વખતે કેંપસમાં આવ્યા હતા ત્યારે સુદર્શનાએ તેને ઉભો રાખી બધાની વચ્ચે ખખડાવ્યો હતો. તાસીર પ્રમાણે રફીકે સુદર્શના સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બધાની વચ્ચે તેને ચપ્પલે નેચપ્પલે ફટકાર્યો હતો. ગુસ્સામાં આવી જઈ રફિકે ચાકુ કાઢયુ હતુ અને સુદર્શના ઉપર વાર કરવાની કોશિષ કરી હતી પણ તે જ વખતે હું પણ ત્યાં પહોંચી ગયો હતો મે પણ તેને સારી પેઠે ઠપકાર્યો હતો.”

“તને ચાકુની બીક ના લાગી” ઈન્સ્પેક્ટરે આશ્ચર્ય થી પૂછયુ.

“હું જુડો જયુજસ્તુ શિખેલો છું એટલે ચાકુ તો તેના હાથમાંથી તેના કાંડા ઉપર પકડ લેતા સાથે જ પડી ગયુ હતુ પછી તો મે પણ ધોલધપાટ કરી હતી. પણ તેના સાથીદારો અને કોલેજના વિદ્યાર્થીઓ સામે અપમાનિત થવાથી એ ધૂંધવાયેલો હતો અને જતા જતા મને જોઈ લઈશ તને અને સુદર્શનાને, તને તો જીવતી નહી છોડું” એવી ધમકી આપતો ગયો હતો.

“પછી?”

પછી મે અને સુદર્શના એ નજદીકના પોલિસ સ્ટેશન ઉપર તેના વિરૂધ્ધમાં ફરિયાદ નોંધાવી હતી પણ પછી અમારા પ્રિન્સિપાલે કોલેજની ને સુદર્શનાની આબરૂ જશે અને ચારેકોર બદનામી થશે એવુ સમજાવી કંપ્લેઈન પાછી ખેંચાવી લીધી હતી.

“આજ તો આપણી મુશકેલી છે. આપણે ખોટી આબરૂ ના ભયે ગુનેગારોને જવા દઈએ છીએ, ખૈર સારૂ કર્યુ તે અમને આ જણાવી દીધુ. અમે અમારી રીતે તપાસ કરીશું, બીજી કોઈ વાત તારા ધ્યાન.......”

અધુરી વાતે સ્વદેશનો ફોન રણક્યો. “હા કાકા, બોલો, અચ્છા હું તરત જ આવુ છું.” તે ઉભો થઈ ગયો “સાહેબ, ડોકટર બહાર આવ્યા છે. એટલે કાકાએ મને તરત જ બોલાવ્યો છે. સુદર્શના હજુ બેહોશ જ છે. એટલે તરત જ શું કરવુ તેનો નિર્ણય લેવા મને બોલાવ્યો છે. મારે જવુ પડશે સાહેબ” “કાંઈ વાધો નહી તમે જાવ, તમારી ત્યાં વધારે જરૂર છે હું ફરી કાલે પાછો આવીશ ત્યારે તમને મળીશ.”

“થેંકયુ સાહેબ” તેણે ટેબલ ઉપર બીલ પેટે પૈસા મૂક્યા અને લગભગ દોડતી ચાલે, લીફટની રાહ જોયા વગર સીડી ચડવા લાગ્યો.