ત્રણ હાથ
નો
પ્રેમ
લેખકઃ શૈલેશ વ્યાસ
પ્રકરણ 1
Email:- saileshkvyas@gmail.com
Mobile:- 9825011562
સ્વદેશની લાલ રંગની “ચામાસાટો” મોટર સાઈકલ એસ.જી.રોડના સપાટ આર.સી.સી. રોડ ઉપર પૂરપાટ જઈ રહી હતી. ગુજરાતી ડાયરાના કોઈ ગઢવી ઉપમા આપવા પર ઉતરી આવે તો એવુ કહે કે સૌરાષ્ટ્રના કોઈ રજવાડા નો યુવરાજ પોતાની લાખેણી કાઠીઆવાડી ઘોડી ઉપર રણમેદાન ઉપર શત્રુઓનો બંને બાજુ સોથ વાળતો વેગવંતી ગતિ થી જઈ રહ્યો હતો.
શિયાળાની સંધ્યા ને કારણે સામી બાજુથી આવતો પવન ધીમે ધીમે હિમ જેવો વહેતો હતો પણ મોટર સાયકલ ઉપર સ્વદેશે જરૂરી હેલ્મેટ પહેરી હતી એટલે શિતપવન તેના ચહેરા કે માથાને સ્પશર્યા વગર પસાર થઈ જતો હતો. તેણે આછા રાખોડી રંગનુ આંખી બાયનું શર્ટ પહેંર્યુ હતુ તથા નીચે બ્લ્યુ રંગનું બ્રાન્ડેડ જીન્સ પહેર્યુ હતુ બ્રાન્ડેડ હોવાને કારણે જીન્સનું કાપડ થોડું જાડુ હતુ જે શિતવાયુ સામે તેના પગોને રક્ષણ આપતા હતા. શર્ટ ઉપર તેણે એમેરિકાની સાઉથગેટ કંપનીનું બ્રાન્ડેડ જેકેટ પહેર્યુ હતુ જેની ચેઈન ગળા સુધી ખેચેંલી હતી.
કદાચ આવુ પહેરદાન ન હોત તો પણ સ્વદેશે કદાચ ઠંડીનો ચમકારો અનુભવ્યો ન હોત કારણ કે તે અત્યારે એક અજબ ખુમારીમાં હતો જેના કારણે ગરમી કે ઠંડી તેના શરિરને સ્પર્શ પણ કરે તો પણ તેને તેની અસર કે જાણ થાય તેમ ન હતી.
સ્વદેશનું અંતરમન અત્યારે અતિ પ્રસન્ન અને આનંદવિભોર હતુ. તેની આંખોમાં તલસાટ અને હોઠો પર મલકાટ હતો. તેની આંખો એસ.જી.રોડના રસ્તા ઉપર કેન્દ્રીત હતી પણ મન વ્યોમમાં વિહરતુ હતુ. પાછળથી આવતી કારને સાઈડ આપવી કે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવી વિ. ક્રિયાઓ આદત અનુસાર સ્વંયચાલિત રીતે થઈ રહી હતી. પરંતુ તેનુ મગજ મધુર સંસ્મરણો વાગોળતુ હતું. તેની પ્રેયસી સાથેના મિલનના સંસ્મરણો.
સવારે નવ વાગ્યે તેણે સુદર્શના ને ફોન કર્યો હતો. રોજના નિયમ મુજબ,
“ગુડ મોર્નિંગ, સ્વીટહાર્ટ”
“શુ ગુડ મોર્નિંગ ? મારી સવાર તો તે બગાડી નાખી” “કેમ, કેમ શું થયુ ? મારો શો અપરાધ થઈ ગયો ?” ગુજરાતી તખ્તાના પીઢ કલાકરાની છટા થી તેણે પૂછયું.
“અપરાધ પૂછે છે?. ક્યારની તારા ફોનની રાહ જોઈ રહી છું. હું તો ઘડિયાળ જોઈ જોઈને થાકી ગઈ. મને તો લાગ્યુ કે તું મને ફોન કરવાનું જ ભુલી ગયો લાગે છે.”
“પણ સમયસર તો ફોન કર્યો છે. આપણે નક્કી કરેલુ છે કે મારે તને રોજ સવારે નવ વાગ્યે ફોન કરવો એ પ્રમાણે સમયસર તો ફોન કર્યો છે.”
“સમયસર ફોન કર્યો છે ? તારી ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે.” સુદર્શનાએ રિસાયેલા અવાજે કહ્યું.
સ્વદેશે પોતાની ઘડિયાળના dial સામે જોયુ ઘડિયાળ સવારે નવ ને બે મિનીટ દર્શાવતુ હતુ.
“પણ નવ જ તો વાગ્યા છે.” સ્વદેશે વિરોધના સ્વરમાં કહ્યુ.
“ફરી જો” સુદર્શનાએ આદેશના સૂરમાં કહ્યુ. “અત્યારે નવ વાગીને બે મિનીટ ઉપર થઈ છે. સમજ્યો ?”
“ઓહ,” સ્વદેશ હસી પડયો.
“નવ ને બે મિનીટ એટલે નવ જ કહેવાય ને ?”
“ના” સુદર્શનાએ ફરિયાદ કરતા કહ્યુ “નવ માં અને નવ ને બે મિનિટમાં ઘણો ફરક છે. ખાસ્સો 120 સેકંડ નો” પછી સ્વરમાં મધની મિઠાશ ઉમેરતા કહ્યુ કે “અને આ 120 સેંકડનો વિરહ 120 યુગ જેવો લાગે છે.” એકાદ ક્ષણ રોકાઈને તેણે સહેજ ભિના પણ સ્નેહથી તરબોળ સ્વરે ક્હ્યુ “તને ખબર છે આ બે મિનિટ મે કેવી રીતે વિતાવી છે.?” અફાટ રણમાં તરસ્યો માનવી પાણી માટે જે પ્રમાણે વલખાટ મારે તેવી મારી મનોદશા થઈ ગઈ હતી. ફરી સુદર્શનાએ ફરિયાદ અને રિસાયેલા મિશ્ર સ્વરે કહ્યુ.
“આઈ એમ રીયલી સોરી” સ્વદેશે પોતાના હથિયાર નીચે નાંખી દીધા કારણ કે તેને ખબર હતી કે આ રૂપ અને પ્રેમની દેવી ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો શસ્ત્ર અને આત્મ સમર્પણ જ કરવા એજ ઉત્તમ માગે છે. પછી તેણે રમતિયાળ સ્વરે ઉમેર્યુ.
“આજે કોઈ કવિયત્રીએ આપના મનનો કબજો લીધો છે કે આપ કોઈ યુવા લેખક કે આધેડ શાયરના પુસ્તકમાંથી આ પંક્તિઓ બોલી રહ્યા છો.”
“એટલે”? સુદર્શનાઓ ખોટો ગુસ્સો બતાવતા કહ્યુ “તને એવુ લાગે છે કે હુ આવુ કોઈની નકલ કરીને બોલુ છું? તને હુ મારા હૃદયમાંથી નીકળેલી સીધી વાત કહુ છું. ”
“અચ્છા, અચ્છા, તું નારાજ ન થઈશ. મને ખબર છે કે તું મારા ફોનની રાહ કેટલી અધિરાઈથી જોતી હોય છે. પણ ઘડિયાળ છે. એકાદ બે મિનીટ આગળ પાછળ થઈ પણ જાય, અને કહે છે ને કે વિરહ પછીના મિલનનો આનંદ તો અદભૂત હોય છે.”
“એટલે તો તારી જોડે વાત કરુ છું નહિંતર રિસાઈ ને વાત જ ન કરત” “ચાલ હવે કહે આજ નો શુ પ્રોગ્રામ છે ?” ક્યાં મળીશું?” સ્વદેશે પૂછયું.
“આજે તો ઘરે મહેમાન આવવાના છે એટલે બપોર સુધી તો નહિ મળવા અવાય” સુદર્શનાએ કહ્યુ.
સ્વદેશે જાણી જોઈને સુદર્શનાને ચિડવી “કેમ, કેમ, કોઈ છોકરો તને જોવા આવવાનો છે?” સુદર્શના ખરેખર ચિડાઈ ગઈ “શું તું પણ, હું કોઈને જોવા આવવા દેતી હોઈશ? આ તો કાકાના બીઝનેશ ગેસ્ટ છે. બપોરે લંચ માટે આવવાના છે અને સાંજ સુધી રોકાવાના છે.”
સુદર્શનાના કાકાનું નામ રાજમોહન પરિખ હતુ અને તેમના કુટુંબનો તમામ કારોબાર, ફેકટરીઓ, જમીનો વિ.નો વહિવટ તેઓ જ સંભાળતા હતા તથા તેમના કુટુંબની વિશિષ્ટ અને આદરણીય વ્યક્તિ હતા.
“ઓકે. તો પછી તું ક્યારે ફ્રિ થઈશ?”
“આપણે સાંજે પાંચ વાગે મળી શકીયે, કાકાના મહેમાનો સાંજે ચાર-સાડા ચાર વાગે ચા પાણી પીને નિકળી જવાના છે. પછી આપણે કોફી પીવા સાથે મળીએ.”
“ક્યાં જવાની ઈચ્છા છે ?” સુદર્શને પૂછયું સુદર્શનાની પસંદગી ખાસ હતી તેને સ્વચ્છ કલાત્મક, શાંત પણ આધુનિક રેસ્તોરાં પસંદ હતી. બહુ ભીડભાડ કે ઘોંઘાટવાળી જગ્યા તેને ગમતી ન હતી. તેને વ્યવસ્થિત અને રચનાત્મક વાતાવરણ ગમતા હતા.
“આપણે “કોફીરૂમ” ઉપર પાંચ વાગ્યે મળીએ, બહુ સરસ જગ્યા છે. હમણા જ મારી ફ્રેન્ડઝ ત્યાં જઈ આવી, આપણે ત્યા મળીએ.”
“કોફીરૂમ” રેસ્તોરાં એસ.જી.રોડ હાઈવે ઉપર હતી. “હું તને કેટલા વાગે લેવા આવુ ?”
“તુ ઘક્કો ન ખાતો, કારણ કે મારૂ નિકળવાનું નક્કી નહી હોય કાકાના મહેમાનો જશે પછી હું નિકળીશ, તારે ખાલી ખાલી બેસી રહેવુ પડશે. એના કરતા હું મારી રીતે નિકળીને આવી જઈશ, તુ સીધો ત્યા પહોંચજે”
“ભલે પણ બે મિનિટ કે 120 સેકંડનું મોડુ ન થવુ જોઈએ” સ્વદેશે હસતા હસતા સંભળાવ્યુ
“મોડું તો હું જાણી જોઈને કરીશ, તે મને બે મિનિટ રાહ જોવડાવી હતી ને ?” હું તને બે કલાક રાહ જોવડાવીશ.” સુદર્શના એ દમ મારતાં કહ્યું.
“અરે એવુ ના કરતી નહિંતર તું મને એસ.જી.રોડ ઉપર પગપાળો તને ગોતતો જોઈશ “સુદર્શના સુદર્શના પુકારુ મે વન મે, મેરી સુદર્શના બસી મેરે મન મે” આવુ ગાતો હોઈશ
“ચાલ, ફિલ્મી ડાયલોગ બંધ કર, પણ કદાચ મને 5-15 મીનીટ મોડુ થઈ શકે છે. એવુ હશે તો હું તેને ફોન કરી દઈશ”
સાંજે નક્કી કરેલા સમયે અને સ્થળે બંને મળ્યા હતા. રેસ્તોરાં માં એકબાજુના ટેબલ ઉપર જયાં ઉપરથી નીચે સુધી જાણે કાચની દિવાલ જ કરી હોય તેવી રીતે પારદર્શી કાચ લગાવેલ હતો જેમાંથી એસ.જી.રોડ ઉપરની અવર જવર દેખાતી હતી તથા આસપાસના ઉંચા ઓફિસના મકાનો, શોરૂમ રાહદારીઓ વિ.ના દ્રશ્યો પોતાના પ્રિયતમ સાથે એકાંતમાં વાતો કરતા હોવા છતા માનવમહેરામણનો સાથ હોય તેવો આભાસ ઉભા કરતા હતા.
ટેબલ ઉપર સામસામે બંને પ્રેમિઓ બેઠા હતા વચ્ચે બે કોફીના ધૂમ્રસેર કાઢતા mug, બે પ્લેટમાં ચીઝ સેન્ડવીચ અને બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રીઝ જે વેઈટર મુકી ગયો હતો તે હજી એમના એમ અડક્યા વગર ક્યારે ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા હતા. પ્રેમિઓ એકબીજાની આંખોમાં આંખો પરોવીને બેઠા હતા. સુદર્શનાના પ્રસારેલા હાથ ઉપર સ્વદેશનો હાથ પ્રિયતમાની હથેળી ને સ્પર્શતો હતો.
ધીમા ધીમા અવાજે બંને વાતો કરી રહ્યા હતા. કહેવાય છે કે સ્ત્રી રોંગ નંબર લાગ્યો હોય અને સામે કોઈ સ્ત્રી હોય તો સહેલાઈથી એકાદ કલાક વાત કરી શકે છે પણ પ્રેમીઓનો એકાદ રંગ, ફૂલ વાળની લટ કે રંગબેરંગી પતંગિયઆનો ઉલ્લેખ પણ થાય તો કલાકોના કલાકો તેના ઉપર રસભરેલી વાતો કરી શકે છે.
કોફી, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રીઝ તથા ચીઝ સેન્ડવીચ ને ન્યાય આપતા આપતા અને પ્રેમમુગ્ધ વાતોમાં બે કલાક ક્યા વિતી ગયા તેની બંનેને કોઈ ખબર જ ન હતી.
અચાનક સુદર્શના ની નજર તેની લેડીઝ Rolex કાંડા ઘડિયાળ પર ગઈ
“ઓ બાપરે, સાત વાગી ગયા, બધા રાહ જોતા હશે. મારે નિકળવુ પડશે.”
“બેસને થોડી વાર હજુ, કાકા તો રાહ જુવે, એમનુ કામ રાહ જોવાનું છે. ભત્રીજીનું કામ મારી જોડે સમય વિતાવવાનું છે.” સ્વદેશે સુદર્શનાની આંખોમાં આંખો પરોવી કહ્યુ.
“બે કલાક તો તારી જોડે વિતાવ્યા અને મોડુ થશે ને તો માસીમા મને વઢશે”
“આ તારી માસીમા પણ અજબ છે તને મારો કે કાકાનો ડર નથી લાગતો એટલો માસીમાનો ડર લાગતો લાગે છે.” સ્વદેશે ટીખળમાં ટોણોં માર્યો.
“માસીમાનો મને ડર નથી લાગતો પણ એમને ચિંતા થાય કે ઉચાટ થાય તે મને નથી ગમતું. નાનપણથી જ એમણે મને ઉછેરી છે. મારા માટે તો એ મારી મા સમાન જ છે. મને થોડુક પણ મોડુ થાય છે. તો એ વ્યાકુળ બની જાય છે. અને એમનુ B.P. વધી જાય છે. સુદર્શનાએ લાગણીશીલ અવાજે કહ્યુ.” “ઓકે, તો આપણે તારા માસીમાને ઉચાટ નહી કરાવીએ બસ, આપણે નિકળીએ” સ્વદેશે વાતાવરણ હળવું કરતા કહ્યુ.
સ્વદેશે બિલ ચુકવી દીધુ અને બંને બહાર નિકળ્યા પાર્કિગમાં જઈ સ્વદેશે પોતાની “ચામાસાટો” પર સવારી કરી હેલ્મેટ હાથમાં લઈ પુછયું.
“આવવુ છે મારી મોટરસાઈકલ પર ?” “તો પછી મારી BMW કોઈ લઈ જશે?” “અરે એ તો તારો ડ્રાઈવર આવીને લઈ જશે.” ચાલ, મારી જોડે, મોટરસાઈકલ પર જવામાં જે મઝા છે એ તારી આ ઈમ્પોર્ટેડ BMW માં નથી.”
“ના, અત્યારે તારો રસ્તો જુદો છે ને મારે બીજી બાજુ જવાનું છે. પાછો આજે ડ્રાઈવર પણ રજા ઉપર છે.” સુદર્શનાએ સમજાવ્યુ.
“ચાલ બાય, સીયુ,” કહેતા સુદર્શના પોતાની ગાડીમાં સ્ટેયરીંગ પાછળ ગોઠવાઈ અને હાથ હલાવી ગાડીને રેવાલ ચાલે હાઈવે ઉપર લઈ લીધી.”
જયાં સુધી ગાડી દેખાઈ ત્યાં સુધી સ્વદેશ તેને જોઈ રહ્યો, પછી તેણે પણ પોતાની મોટર સાઈકલ ચાલુ કરી પોતાના ઘર તરફ નિકળ્યો.
પોતાને ઘરે પહોંચતા લગભગ 20 મિનીટ લાગશે જ્યારે સુદર્શનાને અડધો કલાક જેવુ થશે તેવુ અનુમાન સ્વદેશે કર્યુ હતુ. હજુ તો અડધો રસ્તો જ કાપ્યો હતો.
આવા મધુર સંભારણામાં અચાનક જ વિક્ષેપ પાડતો મોબાઈલની ઘંટડી નો રણકાર થયો. આકાશમાં વિહરતા દેવતા ને ઋષિના શ્રાપથી પૃથ્વી પર પટકાવુ પડે ત્યારે જે અનુભુતિ થાય તેવી અનુભુતી સ્વદેશને થઈ. કેટલા સરસ સંભારણા હતા જેમાં આ ઘંટડીઓ એ વિધ્ન નાખ્યુ. કોનો ફોન હશે? જરૂર કોઈ મિત્રનો હશે. “આ મિત્રોને પણ નિરાંત નથી” તે બબડ્યો. એક ક્ષણ તો ફોન લેવો કે નહી તેની દ્વિધામાં તે રહ્યો પણ મોબાઈલ જેકેટના અંદરના ખિસ્સામાં હતો અને જેકેટની ચેઈન બંધ હતી. મોબાઈલ બહાર કાઢવા માટે ઘણી જહેમત કરવી પડે તેમ હતી.
“ઘરે જઈને જોઈશ, જે હશે તેને સામેથી કોલ કરીશ” તેણે મનોમન નક્કી કર્યુ.
ઘંટ઼ી થોડી વાર રણકતી રહી, જાણે આહવાન આપતી હોય કે મને ઉપાડ પણ છેવટે થાકી હારીને બંધ થઈ ગઈ.
“હાશ” સ્વદેશે નિરાંતનો શ્વાસ લીધો પણ હજી તો તેનો શ્વાસ બેસે ત્યા ફરી વાર મોબાઈલની ઘંટડીએ રણકાર ચાલુ કર્યો. “અરે યાર, આ લોકો જંપતા નથી. ના ઉપાડીએ એટલે સમજી જવુ જોઈએ કે હાઈવે ઉપર મોટર સાઈકલ ચલાવતા હશુ કે કોઈ અગત્યના કામમાં હોઈશું” સ્વદેશે મનોમન કંટાળો વ્યક્ત કર્યો.
આ વખતે ઘંટડીઓ થોડી વધારે વાર વાગતી રહી જાણે નિશ્ચય કરી ને આવી હોય કે જ્યા સુધી નહી ઉપાડે ત્યાં સુધી વાગતી રહીશ પણ સ્વદેશના અડગ વિશ્વાસ સામે હારી ને તેણે શસ્ત્રો હેઠા મૂકી દીધા.
“થેંક ગોડ” સ્વદેશે નિરાંતનો ફરી શ્વાસ લીધો બે ત્રણ મિનીટ સુધીતો શાંતિ રહી પછી ફરી ઘંટડીઓએ પોતાનો ઉત્પાત શરૂ કરી દીધો. એકવાર વાગીને બંધ થઈ ગઈ ફરી વાર વાગવા માંડી, ફરી બંધ થઈ ગઈ, પછી ફરી વાગવાનું ચાલુ થયું.
“આટલી બધી શી ઉતાવળ છે ?” હવે સ્વદેશના મનમાં થોડી ચિંતા પ્રગટ થઈ, મિત્રહોય તો આટલી બધી વાર પાછળ પડીને ફોન ના કર્યા કરે. ચોક્કસ કોઈને ખાસ જરૂરત પડી હશે હવે ફોન લેવો જ પડશે. પણ જો કોઈએ અમથો અમથો જ ફોન કર્યો હશે તો તેને ખખડાવી નાખશે. પછી ભલે ગમે તેવો મિત્ર હોય.
પણ જો ખરેખર જરૂરત હોય અને પોતે ફોન ના ઉપાડે તો તેની અક્ષમ્ય બેદરકારી કહેવાય.
સ્વદેશ પોતે એક જવાબદાર, શિસ્તબધ્ધ અને વિચારશીલ વ્યક્તિ હતો. તે આધુનીક વિચારધારા સાથે સાથે પરંપરાગત માર્ગને પણ મહત્વ આપતો હતો. તેનામાં યુવાનીના થનગનાટ સાથે સંયમની પાકટતા પણ હતી.
સ્વદેશે ધીરે રહીને પોતાની મોટર સાઈકલ હાઈવે ઉપર સાઈડમાં લીધી અને ધીરે ધીરે ઉભી કરી જેથી કરીને પાછળથી પૂરપાટ આવતા વાહનોની અડફેટમાં ન આવી જાય.
મોટર સાઈકલ ઉભી રાખી, હેલ્મેટ કાઢી તેણે જેકેટની ચેન ખોલી, મોબાઈલ પોતાના હાથમાં લીધો. ઘંટડી હજી રણકતી હતી.
“હેલો” તેણે હેન્ડસેટ કાને લગાવી કહ્યુ. “હેલો બેટા” સામેથી ગભરાટ ભર્યો સ્વર આવ્યો “હું રાજમોહન બોલુ છું.”
“હા, કાકા બોલો” સ્વદેશ ગભરાટ પારખ્યો, “બ-બ-બેટા” રાજમોહનનો અવાજ ધ્રુજતો હતો. સ્વદેશને ચિંતા થઈ “હા, હા, બોલો કાકા શું છે. કેમ આટલા ગભરાયેલા છો?”
“બેટા તુ જલ્દી આવી જા” રાજમોહનના ગળામાં શબ્દો માંડ માંડ આવતા હતા.
“હા પણ ક્યા આવું ? શું થયું છે. શું પ્રોબ્લેમ છે.?” સ્વદેશે એકસામટા પ્રશ્નો પુછી નાખ્યા.
“ બેટા તું તાત્કાલીક સીટી હોસ્પીટલ આવી જા, સુદર્શના ને ત્યાં દાખલ કરી છે.”
“શુ?” સ્વદેશ ઉપર જાણે વિજળી ત્રાટકી “સુદર્શના ને દાખલ કરી છે?” આ શું કહો છો. તમે, હજૂ હમણા તો મારી સાથે હતી” સ્વદેશની જીભ તાળવે ચોંટતી હતી.
“સુદર્શના ની ગાડી નો Accident થયો છે. રાજમોહને તુટતા અવાજે સ્પષ્ટતા કરી એટલે એને હોસ્પિટલમાં દાખલ કરી છે. આઈસીયુમાં છે.”
“એટલે, બહુ વાગ્યુ છે. એને?” સ્વદેશના અવાજમાં ઉચાટ અને ચિંતા ભળેલા હતા. “ડોકટરોના હિસાબે ગંભીર ઈજાઓ છે. તુ જલ્દી આવીજા” રાજમોહને તાકીદ કરતા કહ્યુ.
આ વાતચીત દરમ્યાન જ તેણે મોટરસાઈકલ ચાલુ કરી દીધી હતી અને નિયમાનુસાર હેલ્મેટ પહેર્યા વગર જ તે ફોન ઉપર વાત કરી રહ્યો હતો. પોલીસ પકડશે તો દંડ કરશે તેની તેને જાણ હતી પણ અત્યારે દંડ કરતા સુદર્શનાની સ્થિતી જાણવી વધારે જરૂરી હતી.
“હું રસ્તામાં જ છું હમણાજ આવુ છું. પણ થયુ શું? એક્સિડંટ કઈ રીતે થયો?” તેણે ચાલુ મોટરસાઈકલે જ જવાબો માગ્યા.
“તુ અહિં આવી જા એટલે તને બધી વિગત કહું છું” રાજમોહને ધીરેક થી કહ્યુ.
“ના ના પણ મને કહો તો ખરા” “સારૂ કહુ છું પણ શાંતિ રાખજે અને વ્યવસ્થિત વાહન ચલાવજે. મારે બીજો એક્સિડંટ નથી જોઈતો”
“હા પણ, બોલોને શું થયુ?” સ્વદેશ થી ધિરજ નહોતી રહેતી.
“પોલીસ નું કહેવુ છે કે જે પ્રમાણે એક્સિડંટ થયો છે તે પ્રમાણે એવુ લાગે છે કે જાણે કોઈએ જાણી જોઈને ઈરાદાપૂર્વક આ એક્સિડંટ કરાવ્યો હોય તેમ લાગે છે. જે પ્રમાણે અને જે એંગલથી ટ્રકે ટક્કર મારી હતી પાછળથી એ સામાન્ય કે રાબેતા મુજબનો અકસ્માત ન હોઈ શકે. હાઈવે ઉપરના બાજુના ગેરેજો કે અન્ય સાક્ષીઓના હિસાબે પણ ટક્કર જાણી જોઈને મારી હોય તેવુ લાગે છે.
“પણ જાણી જોઈને કોઈ ટક્કર સુદર્શના ને શા માટે મારે? ” સ્વદેશે અવિશ્વાસ ભર્યા સ્વરે મોટરસાઈકલ હોસ્પિટલની દિશા બાજુ વાળતા પૂછયું.
“પોલીસ ના હિસાબે આ કોઈ ઈરાદાપૂર્વક, પૂર્વઆયોજીત, સુદર્શનાની હત્યા કે ખૂન કરવાનો પ્રયાસ છે.” રાજમોહને જાણે સ્વદેશના કાનમાં બોમ્બ ફોડ્યો.