TRun haathno prem ch 18 Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

TRun haathno prem ch 18

ત્રણ હાથનો પ્રેમ

પ્રકરણ ૧૮

લેખકઃ

શૈલેશ વ્યાસ

saileshkvyas@gmail.com

9825011562


સ્વદેશ અને સુદર્શના લગભગ એકાદ કલાક સુધી વિચાર વિમર્શ કરતા રહ્યા. બદલાયેલ પરિસ્થિતી ની ગંભીરતા બંને સમજતા હતા. ગુન્હેગારો માટે તેઓ જે ચક્રવ્યુહ રચવા જઈ રહ્યા હતા તેનો એક દ્વાર તેમણે રાધાબેનના રૂપમાં અત્યારથી જ તોડી નાખ્યો હતો. તેઓ કોઈ સકંજો કે જાળ બિછાવે તે પહેલા જ તેમણે એક અત્યંત અગત્યતાનું ગાબડું તેમા પાડી દીધું હતું.

તેમણે આખી ફેરવિચારણા ફરી કરવી પડતી હતી કે જેથી કરીને રાધામાસીને કોઈ પણ જાતની હાની ન થાય.

સુદર્શના નો ચહેરો ચિંતાથી તંગ થઈ ગયો હતો. તેણે ચિંતાતુર સ્વરે પૂછયું ‘‘પણ રાધામાસીનું અપહરણ કરવા થી તેમને શું મળે’’

સ્વદેશે ગંભીરતાથી જવાબ આપ્યો ‘‘સો કોઈ જાણે છે કે તારી અને માસી વચ્ચે મા-દિકરી જેવો સંબંધ છે. રાધામાસી ને બચાવવા માટે તું કોઈ પણ જાતનું બલિદાન આપવા તૈયાર થઈ જશે એની ખાતરી સૌને છે. એટલે તેમણે આપણી દુઃખતી નસ દબાવી છે.’’

‘‘પણ તને નથી લાગતુ કે આ કોઈ સાધારણ અપહરણ નો કેસ હશે, કોઈને જાણ હશે જ કે આપણે રાધામાસીને બચાવવા કોઈ પણ કિંમત ચૂકવશું એટલે જ તેમણે તેમનું અપહરણ કર્યુ હોય?’’ સુદર્શનાએ પોતાની શંકા દર્શાવી.

સ્વદેશે માથું ધૂણાવ્યું ‘‘ ના આ કોઈ સાધારણ અપહરણ નથી, માત્ર પૈસા માટે કરાયેલ આ ઘટના નથી’’

‘‘તું એવુ કઈ રીતે કહી શકે કે આ સાધારણ અપહરણ નથી’’? સુદર્શના એ પૂછયું.

‘‘તુ મને કહે કે અપહરણ કારો એ કેટલી ફિરૌતી માંગી છે?’’

‘‘ રૂ| ૧૦૦૦૦૦/- એક લાખ’’ સુદર્શના એ તરત જ જવાબ આપ્યો.

‘‘ફરી વિચાર કરીને કહે’’ સ્વદેશે સુદર્શના ની આંખમાં આંખ પરોવી કહ્યું.

‘‘ રૂપિયા એક લાખ, એમાં ફરી શું વિચારવાનું?’’ સુદર્શનાએ થોડી અકળાઈને કહ્યું.

‘‘એક્ઝેટલી રૂપિયા એક લાખ’’ સ્વદેશે ‘‘એક લાખ’’ શબ્દ ઉપર ભાર મુકતા કહ્યું. ‘‘ફક્ત એક લાખ જ’’

‘‘એટલે તું શું કહેવા માંગે છે?’’ સુદર્શનાએ વાત ન સમજાતા પૂછયું.

‘‘અપહરણકારો એ ફિરૌતી માટે માત્ર એક લાખ રૂપિયા જ માંગ્યા એમા તને કાંઈ વિચિત્ર નથી લાગતું?’’ સ્વદેશે સ્પષ્ટતા કરતા કહ્યું ‘‘આજકાલ કોઈ નાના દુકાનદાર કે વેપારીના દિકરા નું અપહરણ થઈ જાય છે તો તેને પાછો આપવા માટે દસ – વિસ લાખ રૂપિયા માંગતા હોય છે. જયારે આ તો પરિખ કુટુંબના મોભી જેવા છે અને તારા માટે તો મા સમાન છે. સૌ ને જાણ છે કે પરિખ પરિવાર કરોડપતી છે અને માત્ર બે ચાર કરોડ વાળું કુટુંબ નથી પરિખ ગ્રુપ ઓફ કંપનીઝ, ૩૦૦ – ૪૦૦ કરોડનું ગ્રૂપ છે એટલે અપહરણ માત્ર પૈસા માટે જ થયું હોય તો ફિરૌતી ઓછામાં ઓછી એક બે કરોડની હોય, માત્ર એક લાખ ની નહી’’

‘‘વાત તો તારી સાચી છે.’’ સુદર્શનાએ વાત ની સ્પષ્ટતા સમજતા કહ્યુ. પછી ઉમેર્યું ‘‘તો પછી માસીના અપહરણ પાછળ તેમનો શું ઈરાદો હોઈ શકે?’’

‘‘અપહરણ પાછળ બે કારણો હોઈ શકે’’ સ્વદેશે સમજાવ્યું ‘‘એક તો આપણી પાસે શું માહિતી છે તેની જાણ માટે, રાધામાસીનો માત્ર એક હાથ જ આમળે તો તેઓ ઘરમાં થયેલ બધી વિગતો તેમને જણાવી દે. તેમને ખ્યાલ આવે કે આપણી પાસે કે પોલીસ પાસે શું માહિતી છે. બીજુ આપણા ઉપર દબાણ લાવીને પૂરાવાઓ આપણે તેમને આપી દઈએ. તેમણે કહ્યુ હતુ કે રફિક અને સલમા વિષે તપાસ બંધ કરી દો. એનો અર્થ એ જ થાય કે આ અપહરણકર્તાઓ રફિક સલમા અને તારા ઉપર થયેલા હિચકારા હુમલા કરાવનાર જ છે.’’ સ્વદેશે પોતાનો તર્કસંગત અભિપ્રાય રજૂ કર્યો.

‘‘તો તો રાધામાસી નો જીવ જોખમમાં કહેવાય’’ સુદર્શનાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

‘‘હું તને અત્યાર થી એક ભવિષ્યવાણી કરી દઉ’’ સ્વદેશે ગંભીરતા થી કહ્યું ‘‘જો જે જયારે કાલે અપહરણકર્તાઓ નો ફોન આવશે ત્યારે તેઓ એક લાખ રૂપિયા ઉપરાંત આ લાલ ચોપડી અને સીડીની પણ માંગણી કરશે’’

‘‘તો તો આ વાત આપણા અને રાધામાસી બંને માટે જોખમી કહેવાય’’ સુદર્શના એ ગભરાટ થી કહ્યું.

‘‘જોખમ તો છે જ પણ સોગઠા આપણે જે પ્રમાણે ગોઠવવા ઈચ્છતા હતા તેમ જ ગોઠવાઈ રહ્યા છે. શતરંજ ની રમતમાં માત્ર રાધામાસી નો ઊંટ આડો ના ચાલે તો ‘‘સ્વદેશે કહ્યું. ‘‘રાધામાસી ની તુલના શતરંજ ના ઊંટ સાથે ન કર’’ સુદર્શના એ અણગમાના ભાવ સાથે કહ્યું. ‘‘સોરી, સોરી તારી માસીને ઊંટ નહી કહીએ બસ’’ સ્વદેશે પોતાની પ્રેયસીને મનાવતા કહ્યું. ‘‘પણ હવે આગળ શું કરવાનું છે?’’ સુદર્શના એ પૂછયું.

‘‘સોથી પહેલા તો આપણે પોલીસને જાણ કરવી પડશે. ઈન્સ્પેક્ટર ગોહીલ ની મદદની આપણને ખૂબજ જરૂરત પડશે. એટલે એમને આ વાતની જાણ કરી વિશ્વાસમાં લેવા પડશે’’ સ્વદેશે કહ્યું.

‘‘પણ એનાથી તો રાધામાસી ઉપરનું જોખમ વધી જશે’’ સુદર્શના એ વિરોધ કરતા કહ્યું ‘‘ તે જ તો કહ્યુ કે એ લોકો એ પોલીસને જાણ ન કરવા ની ધમકી આપી છે.‘‘ સુદર્શના ના સ્વરમાં રાધામાસી માટેની લાગણી અને અજ્ઞાત ભયનો ગભરાટ હતો.

‘‘આપણે આ વખતે જોખમ તો લેવુ જ પડશે પણ આપણે એકદમ ગણત્રીપૂર્વકનું જોખમ લઈશું અને તે માટે ઈન્સ્પેક્ટર ગોહિલને આપણે વિશ્વાસમાં લેવા પડશે’’ સ્વદેશે કહ્યું.

‘‘આપહરણકારો પણ આ વાત ઉપર જ મદાર રાખીને બેઠા હશે કે આપણે ગભરાઈને કોઈ અન્ય પગલા નહી લઈએ અને સ્થગિત થઈ જઈશું. પણ આપણે તેમની કલ્પના બહારની ચાલ ચાલવાની છે. એમા પોલીસની ભૂમીકા ખૂબ જ આવશ્યક અને અગત્યની હશે’’ સ્વદેશે વાતની ગંભીરતા સમજાવી.

સુદર્શના ના ચહેરા ઉપર હજી અવઢવ જોઈ તેણે તેનો હાથ પોતાના હાથમાં લીધો ‘‘તને મારામાં વિશ્વાસ છે ને?’’ તેણે સુદર્શનાની આંખમાં આંખ પરોવી ને કહ્યું.

‘‘મારી જાત કરતા પણ વધારે’’ સુદર્શનાએ સ્નેહાળ સ્વરે કહ્યું.

સ્વદેશે સુદર્શના નો હાથ પંપાળતા કહ્યુ. ‘‘જો જોખમ તો તારા ઉપર હુમલો થયો ત્યારથી જ છે. પછી રફિક અને સલમાની હત્યા થઈ હવે રાધામાસીનુ અપહરણ થયું એટલે જયાં સુધી આ વાત નો અંત નહિ લાવીએ ત્યાં સુધી આવું જોખમ કે હુમલાઓ થયા જ કરશે. આજે રાધામાસીનું અપહરણ થયુ છે, આપણે કોઈ નક્કર પગલા નહી લઈએ તો હત્યા અને અપહરણના ગુન્હેગારો આઝાદ થઈને ફરતા રહેશે અને તારા ઉપરના ભયના વાદળા છંટાયા વગરના રહેશે’’ સ્વદેશ સુદર્શના ના ચહેરા તરફ તાકી રહ્યો. રાધાબેનનો જીવ કદાચ જોખમાય એ ભયના ઓછાયા તેના ચહેરા ઉપર સ્પષ્ટ જણાતા હતા.

સુદર્શનાને અવઢવમાંથી બહાર નિકાળવા સ્વદેશે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો’’ અને ભવિષ્યમાં કદાચ તારી બદલે મારા ઉપર પ્રાણઘાતક હુમલો પણ કરે જેમાં હું કદાચ’’.......સુદર્શનાને જાણે વિજળીનો ઝટકો લાગ્યો હોય તેમ તેનુ આખું શરિર ધ્રુજી ઉઠયું. શારિરીક અને માનસિક શિથિલતામાંથી તત્કાલ બહાર આવી તેણે પોતાનો હાથ સ્વદેશના હોઠ ઉપર મૂકી એને આગળ બોલતો અટકાવી દીધો ‘‘ના, ના, એવુ ના બોલ’’ પોતાના પ્રિયતમ ઉપરના પ્રાણઘાતક હુમલા ના વિચારે તેને અસહ્ય પીડા થઈ આવી અને તેને દુઃખ થયુ કે આવા કઠીન સમયમાં જયારે તેણે સ્વદેશને પૂરો સાથ અને સમર્થન આપવું જોઈએ ત્યારે તે તેના પ્રયાસો ને શિથિલ બનાવી રહી હતી.

સુદર્શનાને રડવુ આવી ગયું. એક બાજુ સ્વદેશ આવી કઠીન પરિસ્થિતીમાં પણ પોતાનો જીવ જોખમમાં મૂકી સુદર્શનાને સુરક્ષિત કરવા પ્રયાસો કરતો હતો જયારે બીજી બાજુ રાધામાસી પ્રત્યેની મમતા ને કારણે તે સ્વદેશ ને એના સંકલ્પમાંથી શિથિલ કરી રહી હતી તેની આંખમાં થી આંસુ ની ધાર વહી રહી. ‘‘શુ આ સ્વદેશના પ્રેમ સાથે અન્યાય નહોતો’’? શું તે સ્વદેશનો ભવિષ્યમાં જીવ જોખમમાં નખાયતે જોઈ શકશે?’’ સુદર્શનાનો જીવ વલોવાઈ ગયો.

સ્વદેશ પોતાની પ્રિયતમાની મનસ્થિતી સમજી. તેના હાથની આંગળીઓ ધીરેથી અને પ્રેમથી ચૂમી લીધી. એક ક્ષણ માટે તો અફસોસ થઈ આવ્યો કે તેણે સુદર્શનાની ભાવનાને ઝંઝોડી હતી પણ તરત જ તેણે પોતાની જાત સ્વસ્થ કરી લીધી. ભવિષ્યમાં આવનાર ઝંઝાવાત થી બચવા નાનુ અમથું જોખમ તો લેવુ જ રહ્યું.

સુદર્શનાએ એકદમ સ્વસ્થ અવાજે પૂછયું’’ તો શું કરવુ છે’’?

‘‘સૌ પહેલા તો આપણે રાધાબેનના અપહરણ વિશે ઈન્સ્પેક્ટર ગોહિલને જણાવવું પડશે’’

‘‘તો તું અત્યારે જ સાહેબને ફોન કરીને જણાવી દે, મોહિતને હું સમજાવી લઈશ’’ સુદર્શનાએ દ્રઢતાથી કહ્યું.

સ્વદેશે ઈન્સ્પેક્ટર ગોહિલને મોબાઈલ જોડયો. ઈન્સ્પેક્ટર ગોહિલે ત્રીજી ઘંટડીએ તો ફોન ઉપાડી લીધો. ‘‘બોલો સ્વદેશ ભાઈ’’ તેમણે મોબાઈલ ના સ્ક્રીન ઉપર નામ વાંચી ને કહ્યું. તેમણે સ્વદેશ, સુદર્શના, રાજમોહન વિ. સૌના મોબાઈલ નંબર સેવ કરેલા હતા.

‘‘સાહેબ એક અગત્યની અને ગંભીર બાબતની સૂચના આપવાની છે’’

‘‘બોલો, બોલો’’ ઈન્સ્પેક્ટર ગોહિલે ત્વરાથી પૂછયું. સ્વદેશે લંબાઈપૂર્વક રાધાબેનના અપહરણ વિશે, પછી આવેલા નનામા કોલ બાબતે રૂ|. ૧ લાખની ખંડણી અને રફિક અને સલમાની હત્યાની તપાસ બંધ કરવા બાબત આપેલ ધમકીની વાત કહી.

‘‘તમે સારૂ કર્યુ મને ખબર કરી દીધી. અમે અમારી રીતે તપાસ ચાલુ કરી દઈશું, તમે મને જે મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો તેની વિગત આપો, અમે સર્વીસ પ્રોવાઈડર પાસેથી તેની વિગતો કઢાવી લઈશું’’ જો કે સ્વદેશ વધુ પડતી આશા ન રાખે તે માટે કહ્યુ ‘‘ જો કે આજકાલ આ લોકો ચોરાયેલા હેંડસેટ અને ખોટા નામે ખરિદાયેલા સીમકાર્ડ વાપરતા હોય છે જેને લીધે તેમના સુધી પહોંચવું અઘરૂ થઈ જતું હોય છે. છતા ક્યારેક નસીબ હોય તો પકડાઈ પણ જાય તમે મને તેનો નંબર SMS કરી આપો’’

‘‘સાહેબ’’ સ્વદેશે અચકાતા, અચકાતા કહ્યું ‘‘મારી એક વિનંતી છે’’

‘‘શું છે કહો’’ ઈન્સપેક્ટરને સમજાયુ નહી કે સ્વદેશ શું કહેવા માંગતો હતો.

‘‘સાહેબ, મારી વિનંતી છે કે હું તમને કાલે સવારે મળુ નહિ ત્યાં સુધી આમા કોઈ પણ આગળ કાર્યવાહી કરતા નહી’’ સ્વદેશે નમ્રતા થી કહ્યું.

આદત પ્રમાણે ઈન્સ્પેક્ટર ગોહિલના ભવાં ચડી ગયા. આજકાલ નો છોકરો એમને શું કરવું કે શું ન કરવુ તેની સલાહ આપે તે તેમને રૂચ્યુ નહીં. તેઓ ના હોઠ ઉપર તીખો પ્રત્યુત્તર આવી ગયો. પણ તેમને સ્વદેશનો ‘‘વિનંતી’’ શબ્દ યાદ આવી ગયો. તેઓ થોડા નમ્ર થઈ ગયા. સ્વદેશે તેમને સલાહ નહોતી આપી પણ વિનંતી કરી હતી. તેમણે સહજ અવાજે પૂછયું.

‘‘કેમ કોઈ ખાસ કારણ?’’

‘‘કારણ તો છે. પણ સાહેબ તમારી સામે બેસીને સમજાવું તો વધારે સરળ રહેશે’’ પછી ઈન્સ્પેક્ટર નો અહમ સંતોષાય તે માટે કહ્યુ’’ અને સાહેબ મારે તમારી મદદની ખાસ જરૂર છે આ વખતે, એટલે વહેલા સવારે તમે મને સમય આપો તો ખૂબજ મેહરબાની’’

‘‘એક કામ કર, સવારે ૯ વાગે મને આવી ને મળ’’

ઈન્સ્પેક્ટરે થોડા પલળેલા અવાજે કહ્યું.

‘‘સારૂ સાહેબ, થેંક યું’’ કહીને સ્વદેશે ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે ૮.૦૦ વાગ્યે બધા બહારના ડાઈનીંગ ટેબલ ઉપર ચા-નાસ્તો કરવા ભેગા થયા. રાજમોહનની બાજુમાં વકિલ ગુપ્તાજી પણ બેઠા હતા અને ચા પી રહ્યા હતા. સ્વદેશે પૂછયું ‘‘શું ગુપ્તાજી આજે સવારના પહોરમાં’’ હા, રાજમહોન સાહેબ બોલાવ્યો હતો એક બે વાતો પર ચર્ચા કરવાની હતી.’’ ગુપ્તાજીએ ચા ની ચૂસ્કી લેતા લેતા કહ્યું.

સ્વદેશે કહ્યુ ‘‘અમારે આજે રફિકના મિત્રને મળવા જવાનું છે. તેની પાસે રફિકે એક ડાયરી અને સીડી મૂકી રાખી છે. જેમા હુમલાવરના વિશે વિગતો છે.’’ સ્વદેશે જાણે મધપૂડા ઉપર પથ્થર ફેક્યો હોય તેમ ચારે બાજુ ગણગણાટ થઈ ગયો.

‘‘શું?, સાચે જ?’’ કઈ રીતે? કયાં જવાનું છે?’’ વિ. અનેક પ્રશ્નો ચારે બાજુએથી આવ્યા.

સ્વદેશે ધીરજ થી બધાને શાંત પાડયા. ‘‘ગઈ કાલે તેનો ફોન આવ્યો હતો. રફિકે તેની પાસે સાવચેતી માટે હિસાબની ડાયરી અને સીડી મુકેલ, હવે તે આ પૂરાવા માટે રૂ્|. ૫૦૦૦૦/- માંગે છે, મારે હમણા નવ વાગે તેને મળવા જવાનું છે’’

‘‘કયા જવાનું છે?’’ રાજમોહને ચિંતાતુર સ્વરે પ્રશ્ન કર્યો.

‘‘એ તો હજી મને ખબર નથી. મારે ગુજરાત વિદ્યાપીઠ પાસે ઉભા રહેવાનું છે.પછી તે મને ફોન કરશે ત્યાં મારે જવાનું છે.’’ સ્વદેશે કહ્યુ તેની અને સુદર્શના વચ્ચે નક્કી થઈ ગયુ હતુ કે શું કહેવું?

‘‘પૈસાની વ્યવસ્થા કરી લીધી?’’ રાજમોહને પૂછયું.’’ કે હું આપુ?’’

‘‘ના,ના, કાકા વ્યવસ્થા છે. રાધામાસી માટેની રકમ પણ મે અને સુદર્શનાએ ભેગી કરી લીધી છે.

‘‘સારૂ પણ તું સંપર્કમાં રહેજે અને કાંઈ તકલીફ હોય તો જણાવજે. ‘‘રાજમોહને ચિંતા વ્યક્ત કરી’’ પણ ઈન્સ્પેક્ટર ગોહિલ ને તે જણાવ્યું?’’

‘‘ના, કાકા, પોલીસ ને જણાવવાથી કામ બગડી જશે આ તો હું એકલો જ હમણા કરી આવીશ’’

સુદર્શના એ આદેશ આપ્યો. ‘‘વાતોપછી કરજે, પહેલા ચા-નાસ્તો કરી લે’’

પછી સુદર્શનાએ સ્ત્રી સહજ કુતુહલતા થી રાજમોહનને પૂછયું. ‘‘કાકા, એવુ શું અગત્યનું કામ આવી ગયું તે ગુપ્તાજીને સવારે સવારે ઘરે આવવું પડયું.?

રાજમોહન ના કપાળમાં ચિંતાની રેખાઓ ઉપસી આવી’’ આપણા સૌથી મોટા હરિફ અરોરા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ ની સમસ્યા છે. આપણી પ્રોડક્ટસના બજારનો ૭૦% ટકા હિસ્સો આપણી પાસે છે બાકી નો ૩૦% બજાર હિસ્સો અરોરા ગ્રુપ પાસે છે. તે બહુ મોટુ જુથ છે લગભગ ૧૨૦૦-૧૩૦૦ કરોડનું છે. તે લોકો કેમીકલ્સ, ફાર્માસ્યુટીકલ્સ, મશીન પાર્ટસ, રેડીમેડ ગાર્મેન્ટસ, શુઝ વિ અનેક ક્ષેત્રમાં આગેવાની ભોગવે છે. તથા તે લોકો બીજાની કંપનીઓ ઉપર યેનકેન પ્રકારે કબજો મેળવી પોતાના બિઝનેશનો વિસ્તાર કરવામાં માને છે.’’

‘‘પણ આપણી સાથે શું લેવા દેવા છે તેમને?’’ સુદર્શના એ પૂછયું.

‘‘આપણી લાઈનમાં તેઓ આપણા કરતા ઘણા પાછળ છે પણ એકંદરે આપણા ૩૦૦ કરોડના ટર્નઓવર સામે તે લોકોનું ગ્રુપનુ ટર્નઓવર ૧૨૦૦-૧૩૦૦ કરોડનું છે. એટલે નાણાકીય પીઠબળ ઘણું છે. એટલે પૈસાના જોરે તેઓ આપણા ગ્રુપને તેમના ગ્રુપમાં ભેળવવા માંગે છે. પહેલા પણ તેમણે આપણી કુાંના અમુક શેરહોલ્ડરોને ખરીદી પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યો હતો.પણ આપણા શેરબ્રોકરની સજાગતા ને લીધે તેઓ નિષ્ફળ ગયા હતા. પણ આ લોકો લુચ્ચા અને સ્વાર્થી છે. પોતાના લાભ માટે તેઓ સાચી ખોટી દરેક રીતરસમો અજમાવે છે. થોડા મહિના પહેલા એમના મેનેજીંગ ડાયરેક્ટર અમદાવાદ આવેલ તેમની બે હરિફ ફાર્માસ્યુટીક્લ કંપની ને ખરીદવા માટે. બંને કંપનીઓએ તેમની ઓફર નકારી કાઢી. એક જ અઠવાડીઆમાં એક ફેકટરીમાં ભિષણ આગ લાગી ગઈ અને આખી ફેકટરી મશીનરી ને સ્ટોક બધુ બળીને ખાખ થઈ ગયું ૬ માણસો પણ મરી ગયા. હજુ સુધી કંપની બેઠી નથી થઈ. ઈન્સ્યુરન્સ પણ નથી મળ્યો. કારણ કે ઈન્સ્યુરંસ કંપની ને શક છે કે આગ ઈરાદાપૂર્વક લગાવાઈ હતી પણ આ વાત માન્યમાં નથી આવતી, ધમધોકાર કમાતી કંપનીને માલીક શું કામ આગ લગાડે?’’

બીજી ફેકટરીમાં અચનાક જ કામદારો એ હડતાલ પાડી છે. અને આજ સુધી હડતાલ ચાલુ છે. પગાર બંધ છે પણ કામદારોના જીવનમાં કોઈ તકલીફ નથી દેખાતી’’ અરોરાના હરિફો રસ્તા ઉપર આવી ગયા છે અને અરોરાનું વેચાણ અને નફો વધી ગયા છે. આ બંને બનાવ પાછળ અરોરા ગ્રુપ નો દોરી સંચાર છે એવું સૌ કોઈ માને અને સ્વિકારે છે. પણ પૂરાવા કોઈ નથી. ‘‘ રાજમોહને સમસ્યા વિશે વિસ્તારથી જણાવ્યુ’’

‘‘અરોરા ગ્રુપે આપણી કંપની માટે ક્યારે ઓફર કરી હતી?’’ અચાનક જ સ્વદેશે પૂછયું.

રાજમોહને યાદદાસ્ત ટટોળતા કહ્યું ‘‘જો ને સુદર્શના નો કાર એકસીંડટ થયો એના એક અઠવાડિયા પહેલા જ તે અમદાવાદ આવ્યો હતો.

‘‘કોણ આવ્યુ હતું? સ્વદેશે પૂછયું.

‘‘અરોરા ગ્રુપ નો મેનેજીંગ ડાયરેક્ટર ‘‘રાજવીર અરોરા’’ નામ સાંભળી સ્વદેશ અને સુદર્શના બંને ચોંકી ઉઠયા, ‘‘રાજવીર’’ આ નામ પણ ‘‘રા’’ ઉપરથી શરૂ થતું હતું. સુદર્શના કાર એક્સિડંટમાં ના બચે અને તેની હત્યા ની સજા રૂપે રાજમોહન ને જન્મટીપ ની સજા થાય તો નોંધારા પરિખ ગ્રુપને હસ્તગત કરવુ એ રાજવીર અરોરા જેવા કાબા અને સ્વાર્થ જ જોનારા માટે ડાબા હાથના ખેલ જેવું હતું.

‘‘કાકા, રાજવીર અરોરા, સુદર્શના ઉપર હુમલો કરાવી શકે?’’ સ્વદેશે સીધું જ પૂછયું.

‘‘રાજવીર માટે કશું અશક્ય નથી તે કાયદાની આડમાં, કાયદાની છટકબારીનો ઉપયોગ કરી ઘણા બધા ગેરકાયદેસર કામો પોતાના લાભ માટે કરે છે. એવું કહેવાય છે કે માણસો ને ખરીદવા, બ્લેકમેઈલીંગ કરી કામ કઢાવવા, આગ લગાડવી, હડતાલ પડાવવી તથા હત્યા કરાવવી વિ માટે તેને કોઈ છોછ નથી. તેનું એક જ ધ્યેય છે. વધારે નફો અને હરિફો નું નુકશાન. આ માટે તે કંઈ પણ કરી શકે છે. તે અત્યારે અમદાવાદમાં જ છે. અને કદાચ આજ કાલમાં મને ફરી ઓફર કરશે. એટલે જ ગુપ્તાજી ને મે ચર્ચા કરવા બોલાવેલ છે.’’ રાજમોહને કહ્યું.

સ્વદેશ અને સુદર્શના વિચારમાં પડી ગયા. શું ‘‘રા’’ એટલે રાજવીર હશે? ‘‘રા’’ એટલે રાજમોહન કે ‘‘રાજવીર’’? પણ શું રાજમોહન કાકાની વાત સાચી હતી કે ઉપજાવી કાઢેલી હતી. આટલા વખત સુધી તેમણે આ વાત કેમ કોઈને કહી નહી અને હવે અત્યારે જયારે તેણે ડાયરીની વાત કરી ત્યારે આ વાત કરી, કદાચ તેમનું નામ કે આવા ‘‘રા’’ કોડવર્ડ નો ભય હોય એટલે તેમણે રાજવીરની ખોટી વાત ઉપજાવી કાઢી હોય મોટા ભાગે આવી ડાયરીઓમાં નામ સાંકેતીક જ હોય છે. એટલે તેમણે તીર કે તુક્કો ચલાવ્યો હોય.

સુદર્શના અને સ્વદેશ ના મનમાં એકજ મનોમંથન ચાલતુ હતું. બને એકબીજાની સાચે જોઈ રહ્યા. સુદર્શના એ તેને ઈશારો કર્યો. સ્વદેશે ઈશારો સમજી કહ્યું. ‘‘સારૂ ચાલો હું નિકળું છું કહીને તે ‘‘પુલ અપ ફલેપ’’ વાળી ચામડાની બ્રીફકેસ લઈને મોટર સાયકલ લેવા બહાર નિકળ્યો. સુદર્શના એ સૌ સાંભળે એમ પૂછયું. ‘‘ પૈસા લીધા’? ‘‘હા, લીધા, ચિંતા ના કર, કલાક, બે કલાકમાં આવું છું સ્વદેશે કહ્યુ ‘‘કાકા, આવું છું ચાલો ગુપ્તાજી ફરી મળીએ’’ કહીને તેણે મોટર સાયકલ ઉપર સવારી કરી તે બંગલાના ઝાંપાની બહાર નિકળ્યો.

(ક્રમશઃ)

(વધુ રસિક ભાગ આવતા અંકે)