Trun haathno prem-ch.17 Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Trun haathno prem-ch.17

પ્રકરણ ૧૭

ત્રણ હાથનો પ્રેમ

લેખક

શૈલેશ વ્યાસ

email : saileshkvyas@gmail.com

mobile : 9825011562


સ્વદેશ અને સુદર્શના ચૂપચાપ પોતપોતાની વિચારધારામાં વ્યસ્ત હતા. ગાડી એકધારી ગતીથી અમદાવાદ તરફ પ્રયાણ કરી રહી હતી. સ્વદેશ અને સુદર્શના આ લાલ ચોપડીમાં શું માહિતી હશે તે વિષે કલ્પના કરી રહ્યા હતા. એવું તે શું રફિકે આ ચોપડીમાં નોંધ્યુ છે જેને કારણે રફિક અને સલમાએ પોતાનો જીવ ખોવો પડયો?

અચાનક સુદર્શના નો મોબાઈલ રણકી ઉઠયો. કોઈ અજાણ્યો નંબર હતો. સુદર્શના નો હાથ એકવાર તો ધ્રુજી ઉઠયો. દર વખતની જેમ કોઈ ગંભીર કે અણગમતા સમાચાર હશે? મળેલ માહિતી વિષે કોઈને જાણ થઈ હશે?

તેણે સ્વદેશ સામું જોયું ‘‘ કોઈ અજાણ્યો નંબર છે. શું કરૂ?

સ્વદેશે બે ઘડી વિચારીને કહ્યુ ‘‘ આખી રીંગ વાગી જવા દે ઉપાડીશ નહી, રોંગ નંબર હશે તો ફરી નહી આવે. જરૂરી હશે તો ફરી કરશે. તો ઉપાડજે’’

સુદર્શના એ આખી રીંગ વાગી જાય ત્યાં સુધી ફોન સ્વીચ ઓન ન કર્યો. થાકી ને ઘંટડીઓ બંધ થઈ ગઈ. અડધી મીનીટ પછી પાછો ફોન રણક્યો. એજ અજાણ્યો નંબર હતો. ‘‘વાત કર’’ સ્વદેશે કહ્યુ ‘‘પણ ગભરાતી નહી સ્વસ્થતા થી સાંભળજે’’

સુદર્શનાએ ફોન ઓન કર્યો સામેથી થોડો જાણીતો અવાજ આવ્યો ‘‘ આપા, ઝુબેદા બોલુ છું’’

સુદ્રશના ના મન ઉપરથી એક ભારે બોજ ઉતરી ગયો. તેનો ગભરાટ ઓસરી ગયો. ફોન ઉપરની પકડ સામાન્ય થઈ ગઈ.’’

‘‘ ઝુબેદા છે’’ તેણે સ્વદેશને માહિતી આપી.

‘‘વાત કર શું કહે છે?’’ સ્વદેશે કહ્યુ.

‘‘હા, ઝુબેદા બોલ ક્યાં છો, ફેકટરી પહોંચી ગઈ? મારે વસોયા સાહેબ જોડે વાત થઈ ગઈ છે’’

સુદર્શનાએ સામાન્ય થઈ ને કહ્યુ

‘‘અત્યારે ત્યાં જ જઈ રહી છું, રસ્તામાં જ છું ‘‘પછી થોડા ઝંખવાયેલા સ્વરે કહ્યુ. ‘‘સોરી, આપા હું તમને ઉતાવળમાં એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ. હમણા યાદ આવ્યું એટલે તમને ફોન કર્યો.’’

‘‘કઈ વાત ભૂલી ગઈ’’ સુદર્શનાએ આશંકા થી પૂછયું.

‘‘અબ્બાએ મને છેલ્લે છેલ્લે કહ્યુ હતુ કે રફિકની ડાયરીમાં જે માહિતી છે તેની સાથે એક ફોન નંબર પણ લખેલો મળશે. આ ફોન ઉપર કોલ કરશો એટલે પાંચ વખત આ નંબર સેવામાં નથી એવુ રેકોર્ડીંગ તમને સંભળાશે. આ જાણી જોઈને ગોઠવેલુ છે જેથી ભૂલ થી કોઈ લગાડે તો એક બે વાર પ્રયત્ન કરી ને થાકીને છોડી દે. જેને ખબર હોય તેજ છઠ્ઠીવાર લગાડે. ત્યારે રફિકનો એક ખાસ મિત્ર આ ફોન ઉપાડશે. તેની પાસે રફિકે તમારા માટે એક સી.ડી. સાચવવા આપેલી છે. તમે ફોન છઠ્ઠી વાર કરશો એટલે તે સમજી જશે કે તમે એ સીડીના લેવાલ છો. એ જે રકમ માંગે અને જયાં બોલાવે ત્યાં જઈને લઈ આવજો. કદાચ એ સીડીમાં તમને બધુ મળી જશે’’ ઝુબેદા ગળગળી થઈ ગઈ. ‘‘આપા, સાચેજ સોરી હો, હું કહેતા સાવ ભૂલીજ ગઈ. આટલી અગત્યની વાત હતી પણ તમારા પ્રેમમાં હું એવી ભિંજાઈ ગઈ કે આ વાત મારા મગજમાંથી જ નિકળી ગઈ. આઈ એમ વેરી સોરી’’ ઝુબેદાના અવાજમાં અકૃતજ્ઞતા ના ભાવ આવી ગયા.

‘‘આ તો બહુ જ અગત્યની વાત છે અને આપણને ગુન્હેગાર ને પકડવામાં મદદ કરે તેવી માહિતી અને કાયદેસરની સાબિતી છે. પણ આગળ કઈ રીતે વધવુ છે તે આપણે નક્કી ન કરીએ ત્યાં સુધી આ વાત હમણાં કોઈને કહીશ નહીં આપણે આગળ કઈ રીતે અને કેવા પગલા ભરવા તે વિષે થોડુંક વિચારવુ પડશે. હવે ગુન્હેગાર છટકી ન જાય તેવું કાંઈક કરવું પડશે. ‘‘સ્વદેશે સુદર્શનાને સાવચેત કરી.

‘‘ તો શું કરવુ છે?’’ સુદર્શા એ પુછયું.

‘‘એ આપણે આ ચોપડીમાં શું માહિતી છે તે બરાબર સમજી લઈએ પછી નક્કી કરીશું. હવે જે નક્કી કરીશુ એ છેલ્લુ પગલુ હશે. દર વખતની જેમ હાથમાં આવેલુ પક્ષી ઉડી જાય તેવી કોઈ છટકબારી રહેવા નથી દેવી. પણ તે વિશે શાંતીથી વિચાર કરીને આગળ વધીશુ. ભલે પ્લાનીંગ કરતા એકાદ દિવસ લાગે’’ સ્વદેશે સમજાવ્યું.

સ્વદેશે ગાડી કંપાઉંડમાં લીધી. તો ત્યાં ઉભેલી પોલીસની જીપ જોઈને બંને આશ્ચર્યમાં પડી ગયા. ફરી પાછુ શું થયું? ઇન્સ્પેક્ટર ગોહિલ ને શું કામ પડયું? રાજમોહન કાકાને ફરી હેરાન કરવા આવ્યા છે કે શું? કે તેમને તપાસમાં કોઈ નવી બાતમી મળી હશે?

તર્ક વિતર્ક કરતા કરતા બંને ઘરમાં પ્રેવશ્યા. ઘરના બધા જ સભાસદો ત્યાં હાજર હતા નોકર શંકર અને વિણા પણ ખૂણામાં અદબ ભીડીને ઉભા હતા. બધાની સામે સોફામાં ઈન્સ્પેકટર ગોહિલ બેઠા હતા અને તેમના હાથમાં પાણીનો ભરેલો ગ્લાસ હતો. એવુ જણાતુ હતુ તેઓ પણ હમણાંજ આવ્યા હશે.

‘‘કેમ છો સાહેબ? ‘‘ સ્વદેશે વિનમ્રતા થી કહ્યું. ‘‘આપ ક્યારે આવ્યા?’’

‘‘બસ પાંચ મિનીટ પહેલા જ આવ્યો છું જૂઓ, હજુ પાણીનો ઘુંટડો પણ નથી પીધો’’ ઈન્સ્પેક્ટર નો સહજ અવાજ સાંભળી સ્વદેશ અને સુદર્શના ને થોડીક રાહત થઈ. અવાજ ઉપરથી કોઈ ગંભીર બાબત નથી લાગતી.

ત્યાં સુધી ઈન્સ્પેક્ટરે પાણીનો ગ્લાસ પૂરો કર્યો. તે જોઈ રાધાબેને હુકમ છોડયો. ‘‘શંકર, આ ગ્લાસ લઈ જા અને સાહેબ માટે ચા બનાવી લાવ અને સાથે ‘‘ઈમ્પોર્ટેડ’’ બિસ્કીટ પણ લાવજે. રાધાબેને ‘‘ઈમ્પોર્ટેડ’’ શબ્દ ઉપર ભાર મૂકતા કહ્યુ. સ્વદેશ મૂંછમાં હસ્યો. રાધામાસી હજુ જૂના જમાનામાં જીવે છે. હવે આ બધી ઈમ્પોર્ટેડ વસ્તુઓ ભારતમાં મળે જ છે.

રાજમોહને ઈન્સ્પેક્ટર ને સંબોધીને કહ્યુ. ‘‘બોલો સાહેબ શું કામ હતું. આપનો ફોન આવ્યો એટલે મે મારી મિટીંગ કેંસલ કરી આપની રાહ જોઈ રહ્યો છું’’ તેમણે થોડાક અણગમાના સૂરમાં કહ્યું. તેમને ઈન્સ્પેકટર ગોહિલ સામે થોડો પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો જે રીતે તેમણે રાજમોહન સાથે પહેલા વ્યવહાર કર્યો હતો. તેને લીધે.

ઈન્સ્પેક્ટરે ગળુ સાફ કરતા કહ્યુ. ‘‘રાજમોહનભાઈ તમારી સાથે જે થયું તેનું મને દુઃખ છે, પણ ક્યારેક અમારી ફરજ ખૂબજ કડવી હોવા છતા અમારે બજાવવી પડે છે અને ક્યારેક કોઈ સજ્જન માણસોને અમારા તરફથી તકલીફ પહોંચે છે’’ ઈન્સ્પેકટરે ‘‘સજ્જન’’ શબ્દ ઉપર થોડો ભાર મૂકતા કહ્યું.

‘‘એટલે’’ રાજમોહને પૂછયું.

‘‘જૂઓ, અમે સો જાણીએ છીએ કે તમે એક ઉંચી કક્ષાના ઉદ્યોગપતિ છો, તમારા અમારા પોલીસ કમિશ્નર સાહેબ સાથે મિત્રતાના સંબંધો છે તે છતા તમે એનો ગેરઉપયોગ ન કર્યો અને અમારી જેલમાં કસ્ટડીમાં રહ્યા એને હું સજ્જનતા અને જવાબદાર નાગરીકતા સમજુ છું’’

સૌ કોઈ ઈન્સ્પેક્ટર સામે તાકી રહ્યા, એ શું કહેવા માંગતા હતા તે કોઈને સમજાતુ ન હતુ. હા, એટલેુ સ્પષ્ટ થઈ ગયુ હતુ કે તેમનુ વર્તન અને વાણી નમ્ર બની ગયા હતા અને તેમના તરફના આક્રોશ ને થોડો ઓછો કરવાનો પ્રયત્ન કરતા હોય તેવુ લાગતું હતું.

રાજમોહને ફરી કહ્યુ ‘‘સાહેબ, જે હોય તે સાફ કહો તો સમજાય, તમારી પોલીસની ભાષા અમને બહુ સમજાતી નથી’’

ઈન્સ્પેક્ટરે સૌની સામુ જોઈને કહ્યું ‘‘મારૂ કહેવું એમ છે કે રાજમોહનભાઈ જામીન ઉપર છુટયા પછી પણ અમે અમારી પુછતાછ ચાલુ રાખી હતી. અમે તમારી ઓફિસના પાર્કીંગ માટેના બેઝમેંટના સીસી ટીવીના રેકોડર્ઝ તપાસ્યા તો અમને કાંઈક નવીન જાણવા મળ્યું.’’

સ્વદેશે અહિંઆ થોડા તીવ્ર અવાજે કહ્યુ ‘‘પણ સાહેબ, સીસી ટીવી રેકોડર્ઝ તો તમારે સૌ પહેલા તપાસવા જોઈએ’’

ઈન્સ્પેકટરે આંખો નીચી કરીને કહ્યું. ‘‘સાચી વાત છે, અમારા તરફથી........‘‘અહિંઆ અટકીને તેમણે સુધાર્યુ ‘‘એટલે કે અમારા પાઠક થી આ ગફલત થઈ છે.

‘‘મે અને અમારા એસ.પી. સાહેબે તેને ખૂબજ ખખડાવ્યો છે.’’ પછી થોડા ટટ્ટાર થઈને કહ્યું ‘‘પણ મે આ બાબત હાથમાં લીધી ત્યારે સૌથી પહેલુ કામ સીસી ટીવીના ફુટેજ તપાસવાનું જ કર્યુ.’’

સૌ આશ્ચર્ય અને ઈંતેજારી થી તેમની સામે જોઈ રહ્યા હતા.

‘‘અમે સીસી ટીવીના ફુટેજ ચકાસ્યા તો ખબર પડી કે રાતે ૭.૩૦ ના સુમારે એક અજાણી વ્યક્તિ તમારી ગાડી પાસે આવેલ, તેણે માથે શિયાળુ ટોપી પહેરી હતી અને આંખા શરીરે કાળા રંગની ચાદર કે શાલ ઓઢી હતી. તે વ્યક્તિ ફુટેજમાં રાજમોહનભાઈની ગાડીની ડીકી ખોલી તેમાં હથોડી જેવી વસ્તુ મુકતા રેકોર્ડ થયો છે.’’ ઈન્સ્પેકટરે વાસ્તવિકતા જણાવી.

‘‘રાજમોહન લગભગ ઉત્સુકતા થી ઉછળી પડયા’’

‘‘એ કોણ હતું?’’

ઈન્સ્પેકટરે માથું ધુણાવ્યુ ‘‘એનુ મોઢું જોવા નથી મળ્યું કારણ કે સીસી ટીવી સામે તેણે પીઠ ધરી રાખી હતી. કદાચ તેને કેમેરા વિષે જાણકારી હશે. પણ એટલુ નક્કી થઈ ગયું છે કે હથોડી તમારી ગાડીમાં કોઈએ મુકી હતી.’’

‘‘પણ સાહેબ, એ કોણ હતો તે નક્કી ન થાય ત્યા સુધી રાજમોહન કાકા ઉપર આશંકા તો ચાલુ જ રહે ને સરકારી વકીલ જ એમ કહેશે કે તેઓ પોતેજ શાલ ઓઢીને ગયા હશે મુકવા’’ સ્વદેશે શંકા જણાવી.

‘‘એવુ બનવુ શક્ય નથી’’ ઈન્સ્પેક્ટરે સહજતા થી કહ્યું ‘‘રાજમોહનભાઈ લગભગ છ ફુટ ઉંચા છે જયારે કેમેરા સામેની વ્યક્તિની ઉંચાઈ લગભગ સાડા પાંચ ફુટ જેટલી જ દેખાય છે. રાજમોહન ભાઈ ઉંચા અને સપ્રમાણ શરીરના છે. જયારે પેલી વ્યક્તિ બેઠી દડીની અને ભરાવદાર શરિર વાળી હતી. હવે રાજમોહનભાઈ કાંઈ પોતાની ઉંચાઈ ઓછી કરી નાખે કે શરિર ભરાવદાર કરી નાખે એવી તો શક્યતા છે જ નહી વળી કેમેરા ના સમયે એટલે કે સાંજે ૭.૩૦ વાગે રાજમોહનભાઈ ઓફિસમાજ કામમાં હતા. અમે અમારી રીતે તપાસ કરાવી છે. તમારી ઓફિસના રીસેપ્સશનમાં પણ સી.સી. ટીવી કેમેરા લાગેલ છે. તેની માહિતી અમે લીધી છે.’’

ઈન્સ્પેકટરે આગળ વધતા કહ્યું. ‘‘તમારા ડ્રાઈવર શ્યામલાલની પણ અમે પૂછતાછ કરી છે. એના શરિરનો બાંધોપણ મળતો આવતો નથી.

સૌના ચહેરા ઉપર માનસિક રાહતના ભાવ ઉપસી આવ્યા. રાજમોહને ઈન્સ્પેક્ટરના હાથ પકડી લીધા. ‘‘થેક્યુ ગોહીલ સાહેબ’’

રાધાબેને શંકરને હુકમ આપ્યો. ‘‘અરે સાહેબનું મોઢું મીઠું કરાવો. જા મિઠાઈ લઈ આવ ફ્રીજમાંથી’’

સ્વદેશે મુખ્ય વાત કરી ‘‘પણ‘ સાહેબ આ જામીન, કેસ વિ. નું શું ?’’ સૌના મનમાં આ જ વાત હતી.

‘‘તમે એની ચિંતા ન કરશો, નવી મળેલ માહિતી ના ઉપરથી અમે અમારી રીતે જોઈ લઈશું કે કઈ રીતે કરવુ છે. તમે ચિંતા ના કરશો. કહેતા ઈન્સ્પેક્ટર ઉભા થયા અને શંકરે લાવેલ મિઠાઈનો એક ટુકડો મોઢામાં મુકતા કહ્યુ. ‘‘અને જે વોલેટ/પર્સ મળ્યુ છે એ તો તમે કહો છો એમ તદ્દન નકામુ છે સાબીતી તરીકે, ચાલો હું નિકળું’’ કહી ઈન્સ્પેક્ટરે વિદાય લીધી.

સૌના ચહેરા ઉપર ખુશી અને રાહત હતી. રાજમોહન ના ચહેરા ઉપરથી ચિંતાની રેખાઓ અદ્રશ્ય થઈ ગઈ.

રાધાબેને પૂછયું. ‘‘તમે બંને જણા બાવળા જઈ આવ્યા? ‘‘ હા, માસી’’ સ્વદેશે કહ્યું ‘‘મારો મિત્ર તો ખૂબજ નારાજ થઈ ગયો હતો. પણ સુદર્શનાએ તેને મનાવી લીધો.’’

‘‘મારી દીકરી તો છે જ એવી બધા એની વાત માને’’ રાધાબેને કહ્યુ પછી ઉમેર્યુ ‘‘તમે થાકી ગયા હશો. જાવ આરામ કરો’’

‘‘હા, માસી થાક તો લાગ્યો જ છે. ‘‘પછી જાણે યાદ આવ્યું હોય તેમ કહ્યું ‘‘પણ સુદર્શના હું એવુ વિચારતો હતો કે આ કેસમાં જે જે બનાવો બન્યા છે એને ક્રમવાર ગોઠવી એક કોઠા જેવું બનાવીએ જેનાથી કોઈ પણ નાની વાત પણ આપણા ધ્યાનમાં થી નીકળી ન જાય’’

‘‘ વાત તો બરાબર છે’’ સુદર્શના એ અગાઉથી નક્કી કરેલ મૂજબ ટાપશી પુરી.

‘‘તો એક કામ કરને, તુ ફ્રેશ થઈને મારા રૂમમાં આવ તો આપણે મારા કોમ્પ્યુટર ઉપર આ બધુ ગોઠવી દઈએ.’’

‘‘ભલે હું ફ્રેશ થઈને આવુ છું.’’ સુદર્શનાએ સહમતી દર્શાવી.

‘‘પણ બહુ મોડી રાત સુધી જાગતા નહી’’ રાધાબેને ટકોર કરી.

આ ટકોર માત્ર મોડી રાત સુધી જાગવાથી થતી અગવડતા માટે જ હતી બાકી બંને પ્રેમીઓ આખી રાત એકલા હોય તો પણ પોતાની મર્યાદા ના ઓળંગે એટલો તેમના શુધ્ધ પ્રેમ ઉપર સૌને ભરોસો હતો.

અડધા, પોણા કલાક પછી સુદર્શના સ્વદેશના રૂમમાં પહોંચી ગઈ, અને દરવાજો ધીરેથી અંદરથી બંધ કરી દીધો. સુદર્શના એ લાલ ચોપડી કાઢીને સ્વદેશના હાથમાં આપી.

‘‘જલ્દી જો’’

સ્વદેશે ચોપડીના પાના ફેરવવા માંડયા. દરેક પાના ઉપર પાંચ – સાત નોંધો હતી. પહેલે પાને ૧૭/૫ – મન/દિલ/૪૦,૦૦૦ લખેલ હતુ પછી આખી લાઈન કાપી નાખી હતી. સ્વદેશે ચોખવટ કરી ‘‘આ કોઈ મનસુખ કે મનહર કે મનમોહન માટે તેને કોઈ દીલીપ કે દીલખુશ કે દીલાવરે સોપારી આપી હોઈ શકે. ૪૦,૦૦૦ આ કામ કરવાના . કામ પતી ગયુ એટલે લાઈન ઉપર લીટી મારી લાઈન છેકી નાખી છે. ‘‘પછી તેણે પાના ફેરવવા માંડયા દરેક પાના ઉપરના કામ બધા પતી ગયા હોય તેમ બધી લાઈનો છેકી નાખી હતી.બધા નામો અને નોંધો બંને જણા ચોકસાઈ થી વાંચતા હતા પણ તેમને જોડતી કોઈ કડી તેમાં દેખાતી ન હતી. સ્વદેશ છેલ્લા પાના ઉપર આવી ગયો હતો. સુદર્શના વ્યગ્ર બની ગઈ. સ્વદેશના કપાળમાં ચિંતા ની કરચલીઓ પડી ગઈ.

શું બધી મહેનત પાણીમાં જશે? શું અંતે કોથળામાંથી બિલાડુ જ નિકળશે? છેલ્લે થી બીજુ પાનુ પણ પૂરૂ જોઈ લીધું. તેણે સુદર્શના સામે નિરાશા થી માથુ ધુણાવ્યુ.

ત્યાંજ અચાનક તેની અને સુદર્શના ની નજર છેલ્લા પાના ઉપરની ત્રીજી લાઈન ઉપર ગઈ. બંને ની નજર ત્યાંજ સ્થિર થઈ ગઈ. ત્યાં લખેલુ હતું.

સુદર્શ/રા/૭૦,૦૦૦. પણ કામ ન થયું હોય તેમ આ લાઈન ઉપર ચારે તરફ કુંડાળુ દોરેલુ હતુ અને બાજુમાં ? પ્રશ્નાર્થ ચિન્હ કરેલુ હતું. આ લખાણની નીચે લાઈન કરી તેની નીચે એક નંબર લખેલો હતો ૬૭૬૭૭૬૭૭૯૯

લખાણ વાંચીને બંને ના હૃદયમાં ધ્રાસકો પડયો. એક ક્ષણ તો બંનેની જીભ જ તાળવે ચોટી ગઈ આ નોંધ ચોક્કસ સુદર્શના માટેની જ હતી. પહેલા ટુંકાક્ષરમાં સુદર્શ અને પછી ‘રા’ આ ‘‘રા’’ શબ્દ તેમના બંનેના હૃદય ને હચમચાવી ગયો ‘રા’ એટલે કોણ? શું ‘‘રાજમોહન?’’ શું આ સોપારી રાજમોહન કાકાએ આપી હતી? અને હવે તેઓ નિર્દોષ હોવાનું નાટક અને અભિનય કરે છે? પણ આજે ઈન્સ્પેક્ટર ગોહિલે તેમની નિર્દોષતા માટે કહ્યુ તેનુ શું? શું તેમણે ખાનગીમાં પોલીસ કમિશ્નર સાથેની મિત્રતા નો ઉપયોગ કરી ઈન્સ્પેક્ટર ઉપર દબાણ લાવ્યા હશે?

‘‘રાજમોહન કાકા,?’’ તેના ગળામાં અવાજ અટવાઈ ગયો. બોલ ધ્રુજવા લાગ્યા અને આંખમાં થી આંસુની ધાર નીકળવા લાગી.

સ્વદેશે પરિસ્થિતી સમજી સુદર્શના ફરતે પોતાનો હાથ વિંટાળી તેને સહારો આપ્યો અને આશ્વાસન આપ્યું. ‘‘રા’’ એટલે રાજમોહન કાકા જ હોય તેવુ જરૂરી નથી’’

‘‘તો બીજી કોણ હોય?’’ સુદર્શનાએ ઉગ્રતાથી પૂછયું. તે આવેશમાં ધ્રૂજતી હતી.

સ્વદેશ સમજતો હતો કે સુદર્શના ને ગંભીર આઘાત લાગ્યો હતો. અને તેને પોતાને પણ એવુ જ લાગતુ હતુ કે ‘રા’ એટલે રાજમોહન જ હોઈ શકે. પણ અત્યારે સુદર્શનાને સાચવવી જરૂરી હતી જે પ્રમાણે તે આવેશ અને આઘાત થી ધ્રૂજતી હતી તે પ્રમાણે જો તેને આ પરિસ્થતીમાંથી બહાર ન કાઢવામાં આવે તો તેની માનસિક હાલત અસ્વસ્થ થઈ જાય તેવું લાગતુ હતું. તેની પ્રેયસી, માનસિક હતાશા અને ભયમાં સરી પડે તે તેને મંજુર ન હતુ. તેણે વાતને વાળવા અને હળવાશ લાવવા કહ્યું. ‘‘પણ ‘‘રા’’ હોય એટલે રાજમોહન જ હોય તેવું જરૂરી નથી’’

સુદર્શના એ તીખી નજરે તેની સામે જોયું ‘‘એટલે તુ શું કહેવા માંગે છે?’’

‘‘રા’’ માત્ર પ્રથમ અક્ષર જ છે. આખુ નામ નથી. તે કોઈ પણ નામ હોઈ શકે. અને કોઈનું પણ’’ તેણે સુદર્શનાના ખભે હાથ મુકી થોડી સ્વસ્થ કરવા પ્રયાસ કર્યો. ‘‘તું કહે આપણા બંગલાના ચોકીદારનું શું નામ છે?’’

‘‘રામચરણ’’ સુદર્શના એ વિચાર્યા વગર જ જવાબ આપ્યો.

‘‘અને તારા માસીનું શું નામ છે?’’

‘‘રાધામાસી’’

‘‘અને આપણા બાજુના બંગલામાં રહે છે આપણા પાડોશી તેમનું શું નામ છે?’’

‘‘રાધેશ્યામ અગ્રવાલ’’

‘‘અને આપણા શેરબ્રોકર નું શું નામ છે?’’

‘‘રાકેશ શાહ’’

‘‘તુ સમજી, આપણી આસપાસના ઘણા બધા લોકોની નામ એક અક્ષરથી શરૂ થતા હોઈ શકે છે. એટલે આપણે એમના ઉપર આંગળી ના ચિંધી શકીએ’’ સ્વદેશે સુદર્શના થોડીક હળવી થાય તેવા આશ્યથી ઉપર મુજબ વાત કરી.. ઉપરની વાતચીત થી સુદર્શના ની ઉગ્રતા ખરેખર ઓછી થઈ ગઈ. પણ તોય તેણે વિરોધમાં કહ્યું. ‘‘પણ આ બધામાં આપણી સાથે રાજમોહનકાકાની જીંદગી જ વણાયેલી છે, સંપત્તિ અને સત્તામાં, બાકીના ને આપણી સાથે શું લાગે વળગે?’’

‘‘તારી વાત સાચી છે પણ આપણી પાસે પૂરતી સાબિતી ના હોય ત્યાં સુધી આપણે કોઈને કશું કહેવાય નહીં. આ ચોપડીમાં પણ પુરૂ નામ નથી.પોલીસ હવે તેમને ગુનેગાર નથી માનતી એટલે આપણે એમના ઉપર આક્ષેપ કરીએ તો આપણી સાથે જ સલમાવાળી વાત થઈ શકે છે’’ સ્વદેશે કહ્યું.

સલમાની વાત યાદ આવતા સુદર્શનાના શરિરમાંથી ભયનું લખલખુ ફરી વળ્યું. ‘‘તો પછી આપણે શું કરવુ જોઈએ?

‘‘સૌથી પહેલા આપણે આ નંબર ઉપર ફોન કરી પેલી સી.ડી. કબજે કરવી જોઈએ. જોઈએ એમાં શું મળે છે?’’

સ્વદેશે ચોપડીમાં લખેલ નંબર લગાડયો. સામે બાજુથી આ નંબર સેવામાં નથી એવુ રોકોર્ડીંગ સાંભળવા મળ્યું. ઝુબેદાના કહેવા પ્રમાણે પાંચ વખત ફોન લગાડયો અને દરેક વખતે આ નંબર સેવામાં નથી એવુ રેકોર્ડીંગ વાગ્યુ, છઠ્ઠી વાર ફોન લગાડયો ત્યારે સામેથી એક ઘેરો અને ભારે અવાજ આવ્યો ‘‘કોનુ કામ છે?’’

‘‘અમારે રફિકનું કામ હતું’’ સ્વદેશે સાવચેતી થી કહ્યું.

‘‘તમારૂ શું નામ?’’

‘‘અમારૂ નામ સ્વદેશ અને સુદર્શના છે’’

‘‘બરાબર, રફિકે તમે ફોન કરશો તેવુ જણાવ્યુ હતું’’

‘‘હા, અમારે તે CD લેવાની છે.’’

‘‘ઓહ, હું તો કેટલા દિવસથી તમારી રાહ જોતો હતો.’’ પણ તમારો કોઈ ફોન જ આવ્યો નહી’’

‘‘તો અમે કયાં અને ક્યારે મળવા આવીએ?’’

સ્વદેશે પૂછયું.

સામે વાળો મુંઝવણમાં પડી ગયો હોય તેમ લાગ્યુ ‘‘ હું તમારી રાહ જોઈને કયાંય જતો ન હતો. પણ આટલા બધા દિવસ થઈ ગયા એટલે મારા એક બે કામ પુરા કરવા હું અહિઆ લખનૌ આવ્યો છું. મને પાંચેક દિવસ અહિઆ થશે. પછી હું તમને મળી શકીશ’’

સ્વદેશ અને સુદર્શના બંને નિરાશ થઈ ગયા ‘‘તો શું કરીશું?’’

‘‘આવતા સોમવારે ૫૦૦૦૦/- રૂ| લઈને હું જે જગ્યાએ કહુ ત્યાં આવજો અને સી.ડી. લઈ જજો. જગ્યા હું ત્યારે જ કહી શકીશ’’

સુદર્શના થી રહેવાયુ નહી ‘‘પણ એ સી.ડીમાં શુ છે તમને ખબર છે? તમે જોઈ છે?’’

‘મેડમ, એ ઓડિયો CD છે. તેમા રફિકની એક બીજા કોઈ જોડે થતી વાતચીત છે, અવાજ કોનો છે એ તમે સાંભળસો તો કદાચ ખબર પડશે પણ હું જણાવી દઉ કે રેકોર્ડિગ બહુ ચોખ્ખુ નથી. છતા તમે તે વ્યક્તિને જાણતા હશો તો ઓળખી જશો. ચાલો મને સોમવારે ફોન કરજો’’ અને ફોન કપાઈ ગયો.

‘‘તને શું લાગે છે?’’ સુદર્શનાએ પૂછયું.

‘‘આણે તો અઠવાડિયાની મોહલત નાખી દીધી છે.

‘‘સ્વદેશ, જે કરવુ હોય તે જલ્દી કર, મારાથી પાંચ દિવસની રાહ નહી જોવાય આ ચોપડી જોયા પછી, અને CDમાં કહે છે રેકોર્ડીંગ બરાબર નથી. અવાજ જ ન ઓળખી શકીયે તો? મારે દિવસો ભાંગવા નથી’’ સુદર્શનાએ અકળામણ અને ઉતાવળમાં કહ્યું.

સ્વદેશ નિર્ણાયક સ્વરે કહ્યુ ‘‘તારી વાત સાચી છે. હવે આપણે રાહ જોવી નથી દર વખતે ગુન્હેગાર આપણા હાથમાં થી છટકી જાય છે. આ વખતે આપણે ઉંધુ છટકું ગોઠવીયે, દર વખતે કોઈને આપણે કશું કહેતા નથી પણ આ વખતે ખુલ્લે આમ કહીશું કે આપણને માહીતી ની ચોપડી અને સીડી મળવાના છે. અમુક જગ્યાએથી, જગ્યા આપણે ઉપજાવેલી કહીશું. જેથી કરીને ગુન્હેગાર ત્યા આવે, આપણે પુરી તૈયારી કરીને જઈશું અને ઈન્સ્પેકટર ગોહિલ ને પણ જાણ કરીશું’’

‘‘પણ આમા આપણા ઉપર જોખમ છે, આપણા ઉપર ખુની હુમલો થઈ શકે છે.’’ સુદર્શનાએ ભય દર્શાવ્યો. ‘‘પણ હવે આટલુ, જોખમ તો લેવું જ પડશે. આ પાર યા પેલે પાર, તે તારો ચહેરો અરિસામાં જોયો છે? કેટલો ફિક્કો પડી ગયો છે આટલા દિવસોમાં, હવે મારે આનો અંત લાવવો છે મારે તારો પ્રફૂલ્લિત ચહેરો પાછો જોઈએ છે.

બીજા દિવસે તેમણે નક્કી કર્યા મુજબ બધાને એકઠ્ઠા કર્યા અને તેમને માહિતી ની ચોપડી અને સીડી મળવાની છે રફિકના મિત્ર પાસેથી એવું જણાવ્યું.

રાજમોહને પૂછયું. ‘‘કયા અને ક્યારે જવાનું છે?’’ આવતી કાલે જવાનું છે. સમય અને જગ્યા માટે મારા ઉપર સવારે ૧૦ વાગે રફિકના મિત્રનો ફોન આવશે. મારે અને સુદર્શનાએ જવાનું છે.’’

‘‘પણ સુદર્શનાનું દર વખતે શું કામ છે? તુ અને રાજમોહન જજો’’ રાધામાસીએ આક્રોશ ભર્યા સ્વરે કહ્યું.

‘‘સુદર્શના સિવાય તે કોઈને પૂરાવા નહી આપે, તેવું તેણે કહ્યુ છે.’’

‘‘તો પછી હું પણ આ વખતે સુદર્શનાની સાથે જઈશ’’ રાધાબેને જીદ પકડી ‘‘એને એકલી નહી જવા દઉં. ‘‘તમારૂ કામ નહી ત્યા માસી’’ સુદર્શનાએ સમજાવવા પ્રયત્ન કર્યો. પણ રાધાબેનની જીદ સામે તેણે હાર માની લીધી’’ સારૂ આવજો.’’

‘‘ઇન્સ્પેક્ટર ગોહીલને જણાવી દઈએ’’ રાજમોહને કહ્યું.

‘‘ના, પોલીસ ને હમણા નથી જણાવવુ, એ લોકો કામ બગાડી નાખશે’’ સ્વદેશે ના પાડી. રાધાબેને કહ્યુ ‘‘ચાલો, બધા જમી લો અને આરામ કરો.’’

સાંજે ચા પાણી પીધા પછી સૌ દિવાનખંડમાં બેઠા હતા. સુદર્શનાએ વિણાને પૂછયું. ‘‘રાધામાસી ક્યા છે? દેખાતા નથી’’

‘‘મંદિરે જાઉ છું એવુ કહેતા હતા, પણ જતા જોયા નથી.

‘‘તો તો મંદિરે જ ગયા હશે, તારા માટે પ્રાર્થના કરવા’’ સ્વદેશે હસતા હસતા કહ્યું. બધા વાતો કરતા અને ટીવી જોતા હતા.

એકાદ કલાક પછી સ્વદેશનો મોબાઈલ રણક્યો. સામેથી હિંદીમાં અવાજ આવ્યો.

‘‘કોણ બોલે છે?’’

હું સ્વદેશ બોલુ છું તમે કોણ છો? સ્વદેશે હિન્દીમાં જ જવાબ આપ્યો.

‘‘હું કોણ છું તે જાણવાની તારે જરૂર નથી. સાંભળ, તમારા રાધાબેન અમારા કબજામાં છે.

‘‘શું’’ સ્વદેશનો અવાજ ઉંચો અને તરડાઈ ગયો. ’’ફરી સાંભળી લે, રાધાબેન અમારા કબજામાં છે, અમે એમનું અપહરણ કર્યુ છે.’’

‘‘તમારે શું જોઈએ છે? કેટલા પૈસા જોઈએ છે, તમારે? રાધામાસીને કાંઈ થવુ ન જોઈએ’’ સ્વદેશની વાત ઉપરથી બધાને સમજાઈ ગયુ કે રાધાબેન વિશે વાત છે અને પૈસા આપવાની વાત છે એટલે અપહરણ જ થયું હશે.

‘‘સાંભળ, આવતી કાલે રૂ|.૧૦૦૦૦૦/- તૈયાર રાખજો અને રાધાબેનને લઈ જજો. જો કોઈપણ જાતની ચાલાકી કરી છે તો રાધાબેનની જગ્યાએ તેમની લાશ તમને મળશે’’

સ્વદેશે કહ્યું. ‘‘ના,ના, રાધાબેનને કશું ના કરશો? અમે પૈસા લઈને આવી જઈશું. કયાં આવવાનું છે?‘‘ વાતચીત બધી હિન્દીમાં જ ચાલતી હતી.

‘‘માર ફોનની રાહ જોજો કાલે સવારે, તમારે ક્યાં આવવાનું છે તે જણાવીશું. ફરી એકવાર ચેતવી દઉં જો કોઈ ચાલાકી કરી છે કે પોલીસને ખબર કરી છે તો રાધાબેનને બદલે તેમની લાશ જ મળશે અને બીજુ ખાસ સમજી લો આ રફિક અને સલમા વિષે તપાસ બંધ કરી દો, કશું હાથમાં નહિ આવે અને જીવ જશે એ જૂદો’’ સામેથી ફોન કપાઈ ગયો.

બધા સ્તબ્ધ થઈ ગયા. સુદર્શના અને વિણા તો રડવા જેવા જ થઈ ગયા. બીજા બધા શું કરવું કે ન કરવું તેની ચિંતામાં પડી ગયા.

આપણે પોલીસને જાણ કરીએ ‘‘રાજમોહને સૂજવ્યું. ‘‘ના ના, એ લોકોએ પોલીસને જણાવવાની ના પાડી છે. મોહિતે ગભરાટમાં કહ્યું.

‘‘હવે, અત્યારે આપણે કશું કરી શકીએ તેમ નથી. આવતી કાલે ફોનની રાહ જોવી જ પડશે ‘‘સ્વદેશે કહ્યું. ‘‘રૂપિયાની વ્યવસ્થા તો થઈ જશે.’’ કહી સૌને પોતપોતાના રૂમમાં વિદાય કર્યાં. એકલા પડતાજ સ્વદેશે કહ્યું. ‘‘આનો અર્થ એ થયો કે આપણા પૂરાવા ને સાબિતી વાળી વાત કોઈને પહોંચી ગઈ છે. આવતી કાલે પૈસા સાથે સાબીતી અને પુરાવા પણ આપવા માટે કહેશે.’’ સુદર્શનાના આશ્ચર્યથી તેની સામે જોઈ રહી. ‘‘તુ સમજી નહી, આપણે જે છટકું ગોઠવ્યુ હતુ એ જ પ્રમાણે થઈ રહ્યુ છે. ખાલી રાધામાસી મફતના વચમાં ફસાઈ ગયા. જો કાલે પૂરાવા માગે તો આ લોકો આપણી જાળમાં ફસાઈ જશે.’’

(ક્રમશઃ)

વધુ રસિક ભાગ આવતા અંકે