મનોદ્વંદ Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનોદ્વંદ

મનોદ્વંદ

એક ટુંકી વાર્તા

હિરેન કવાડ


પ્રસ્તાવના

આ મારી પહેલી એવી વાર્તા છે જે થોડી એબસર્ડ છે. હું જાણુ છું આવી વાર્તાઓનો વાંચક વર્ગ અલગ જ હોય છે, આવી વાર્તાઓનો અર્થ સામાન્ય રીતે દરેક વાંચક પોત પોતાની રીતે સમજતા હોય છે. પહેલો એવો પ્રયોગ છે કે જેમાં મેં અંગ્રેજી શબ્દો વાપરવાનો હેતુપૂર્વક ઉપયોગ ટાળ્યો છે. આશારાખુ છુ કે તમને ગમશે.

આ વાર્તા મારી બે ફ્રેન્ડને ડેડીકેટ કરૂ છુ

ફ્રેની અને બિનીતા

મનોદ્વંદ

સહેજ પીળાશ પડતો પ્રકાશ બારીમાંથી ડોકીયું કરીને અંદર પ્રવેશ્યો. હુંફ મળતી હોવા છતા બીન્નીએ પોતાની રજાઇ માથા સુધી ખેંચી લીધી. રજાઇમાંથી થોડા વાળ બહાર આવીને ઓશીકાને શણગારતા હતા. સુર્ય જાણે મલકાતો મલકાતો છંછેડતો હોય એમ પીળાશ મુકી તીવ્ર પ્રકાશ બનીને હુંફાળી ઠંડકને દૂર કરી હુંફાળી ગરમી આપી રહ્યો હતો. સુર્યના નખરા પૂરા નહોતા ત્યાંતો દિવાલ પર ટાંગેલ લાકડાની ઘડીયાળના લોલકે કાનમાં ગલીપચી કરવાનું શરૂ કર્યુ. જેના પર વાળ આરામ ફરમાવી રહ્યા હતા એ તકીયું ચહેરા પર આવી ગયુ, બીચારા વાળ. લોકલ એના દોલન કરતુ રહ્યુ, એને પણ નિષ્ફળતા શેતુર જેવી ખાટી મીઠી લાગી. થોડીવાર પછી ટેબલ પરની ઘડીયાળે કોયલના મધૂર અવાજમાં સૂરમય સંગીત પ્રસરાવવાનું શરૂ કર્યુ. આખરે બીન્નીના બન્ને હાથ રજાઇની બહાર ખેંચાઈને ફેલાય. આળસ મરડીને એ જાણે વહેતી સવારેને બથ ભરતી હોય એવુ લાગતુ હતુ. એના લાંબા અસ્તવ્યસ્ત વાળ સવારને વધારે સુંદર બનાવતા હતા. આંખો ચોળતા કોમળ હાથ પોતાની ઉંઘ ઉડાવવા માટે હતા કે મંત્રમુગ્ધ થયેલ સવારને ધ્યાન ભંગ કરવા એના પર પ્રશ્ન કરી શકાય! ફરી એકવાર એણે આળસ મરડીને ઉંઘનો બધો થાક ઉતાર્યો. એના ચહેરાએ ટેબલ પર આશાસ્પદ નજર કરી. નજર થોડી તીવ્ર બની. એની દ્રષ્ટિમાં રહેલી આશાઓ સહેજ નીરાશ થઇ. એણે બાજુમાં પડેલા તકિયાને તલાશી લેવા ઉંચુ કર્યુ. તકીયુ પણ મુંજાયુ, એણે કંઇજ છુપાવ્યુ નહોતુ. એના ઘઉં વર્ણા નમણા ચહેરા પર ચિંતાની સુંદર રેખાઓ ઉભરી. હ્રદયમાં મીઠી કળતર શરૂ થઇ. રજાઇને ત્યાગવાનો સમય આવી ગયો હતો. કોમળ પાની સફેદ ઠંડા માર્બલના સ્પર્શનો આનંદ લેવા તૈયાર હતી. એકક્ષણ માટે પાનીને ઠંડી ચડી ગઇ. બીન્નીએ પોતાના હાથ વડે વાળોને આંકાર આપવા અંબોડો બાંધ્યો. એજ ચિંતત કપાળ સાથે એણે ટેબલના ખાનામાં જોયુ. ટેબલ પર પડેલ પુસ્તકને હસતુ કર્યુ, ગાદલું ઉંચુ કરીને જોયુ, પરંતુ ચિંતાઓને જવાનો મોકો ન મળ્યો.

‘બીન્નીઇઇઇ?’, એક યુવાન થયેલ દિકરીની માતાનો અવાજ ખંડમાં પ્રસર્યો.

બીન્નીએ પોતાનો કમરો ફંફોળ્યો પરંતુ એ જે વસ્તુ શોધી રહી હતી એ ન મળી. એના ઉદાસ ચહેરે એ બાથરૂમમાં પ્રવેશી. તરત જ નળની ઉપરના છેડે લટકતી પીળી ચબરખી એણે જોઇ. એની આંખો અને ચહેરા બન્ને પર સ્મિત જલકાવા લાગ્યુ. એણે એ ચીઠ્ઠીને પોતાના હાથમાં લીધી. ફરી એ પોતાના રૂમમાં ગઇ અને ધીમું પ્રેમભર્યુ સંગિત શરૂ કર્યુ. એણે ચબરખીમાં પ્રેમથી છલકાતી આંખો પરોવી.

‘હાથ પર હું પણ છું અને તુ પણ.’, ચીઠ્ઠીમાં લખેલુ બીન્નીએ વાંચ્યુ અને એની નજર એના હાથ પર ગઇ. હાથ પર એક છોકરી અને એક છોકરાનું મહેંદીથી કરેલુ ચીત્રણ હતુ. બીન્નીના ચહેરા પર એક મોટુ સ્મિત પથરાઇ ગયુ. એ સંગિત સાંભળતા સાંભળતા જ આહલાદક વિચારોમાં આળોટવા લાગી.

‘બીન્નીઇઇઇ? ઓ… બીન્નીઇઇઇ’, બહારથી ફરી એજ અવાજ આવ્યો. તરત જ એણે ટેબલનું ખાનું ખેંચ્યુ અને એમાં ઘણી બધી ચીઠ્ઠીઓની વચ્ચે આ એક ચીઠ્ઠીને પણ મુકી દીધી.

‘રાતે વહેલા આવજે. ડો. શાહ આવવાના છે.’, મમ્મીએ બીન્નીને વિદાય આપતા કહ્યુ.

‘મારી ચિંતા ના કર હું આવી જઇશ મમ્મી.’, એના ચહેરા પર આત્મવિશ્વાસ છલકાતો હતો. ચાલતા ચાલતા એની મીઠી નજર આસપાસ ફરી રહી હતી, હોઠો પર સતત સ્મિત ફેલાતુ હતુ, ઉરજ ધીમે ધીમે દોલીત થતા હતા, આધુનિક કપડામાં એ સુંદર રમણિકા લાગતી હતી. બાજુમાંથી પસાર થતા કોઇ પણ પૂરૂષની નજરથી બીન્ની ન બચતી. પરંતુ બીન્નીની દ્રષ્ટિ સતત હાથ પર ચીતરાયેલા પેલા ચિત્ર પર જ હતી, એ ચીત્ર સતત એના હોઠો પર સ્મિત રેલાવતુ હતુ.

ઓછાબોલી બીન્ની પોતાના કામમાં જ વળગી રહીને કોઇ સાથે બોલવાનું ટાળતી. આખો દિવસ અઢળક કામ રહ્યુ. પરંતુ એના ચહેરા પર સ્મિતનું રોજ એક કારણ તો હોતુ જ. ઓફીસથી ઘરે જવાનો ટાઇમ થઇ ગયો એટલે પોતાનું કામ સંકેલી બીન્ની પગથીયા ઉતરતી હતી.

‘બિનીતા.’, પાછળથી એની સખીનો અવાજ આવ્યો.

‘બોલને ઉન્નુ.’, બીન્નીએ પાછળ ફરીને જોયુ.

‘મેં તને આજે આખો દિવસ જોઇ, તુ કોઇ સાથે કંઇજ નથી બોલી. પરંતુ તુ ખુશ જ દેખાય છે. તુ કઇ રીતે કરી શકે?’, બીન્નીએ પોતાનો મહેંદીથી ચીતરાયેલો હાથ આગળ કર્યો.

‘ખરેખર એ તને બહુ પ્રેમ કરે છે.’

‘હા, બહુ જ.’

‘રોજ આટલો સમય કાઢવો સહેલો નથી હોતો.’, ઉન્નુએ પોતાના માટે થોડુ ઉદાસ થઇને કહ્યુ.

‘હા, એને કામ હોઇ શકે.’, બીન્નુએ ખુબ મૃદુ સ્વરે કહ્યુ

‘એને પણ કામ નહિં હોય?’, ઉન્નુએ બીન્નીના હાથ તરફ ઈશારો કરતા પૂછ્યુ.

‘એ એના પર આધારીતા છે.’, બીન્નીએ હસતા હસતા કહ્યુ.

‘હા, એ પણ પ્રેમ તો બહુ કરે જ છે. હમણા જ અમે મળવાના છીએ.’, તરત જ બીન્નીના ચહેરા પરથી મૂસ્કુરાહટે ભાગવાની કોશીષ કરી.

‘વાહ, ચાલ મારે ઘરે વહેલા પહોંચવાનુ છે.’, બીન્નીએ કહ્યુ.

‘આવજે, અને સંભાળીને જજે, પેલાને યાદ કરતા કરતા.’, ઉન્નુએ હસતા હસતા કહ્યુ. બીન્નીએ ખોટુ સ્મિત કર્યુ અને ટાટા કરતી કરતી ચાલવા લાગી. બીન્ની સતત વિચારો કરતી પોતાના ઘર તરફના રસ્તે ચાલવા લાગી. રસ્તા વચ્ચે એક લારી પર ટેડીબેર મળતા હતા. બીન્નીને એ ગમતા હતા એટલે બીન્નીએ નાનું અમથુ ટેડીબેર ખરીદ્યુ. એ રીક્ષા દ્વારા ઘરે પહોંચી.

દરવાજા પર ટકોરા કર્યાની થોડી જ ક્ષણોમાં દરવાજો ખુલ્યો. દિવાનખંડમાં પ્રવેશતા જ ખુરશી પર ‘ડો. શાહને’ બેસેલા જોયા.

‘મમ્મી હું સ્વસ્થ થઇ આવું.’, બીન્ની તરત જ સ્નાનાગરમાં જઇને નાહી આવી. કપડા બદલ્યા અને ફરી મોટા ખંડમાં આવી. એના શરીર પરથી એકદમ તાજી લીંબુની સુગંધ આવી રહી હતી. ગરદન પાસે માદક ઇત્તર છાંટ્યુ હોય એવી સુંગધ પ્રસરી રહી હતી. ધોયેલા ખુલ્લા વાળમાંથી હજુ પાણીના પીણા ટપકી રહ્યા હતા. જાણે કોઇ પરિણીત સ્ત્રી પોતાના પ્રિયતમને રીજાવવા જઇ રહી હોય. પરંતુ આટલી માદકતા છતા બીન્નીના ચહેરા પર ઉદાસી હતી. એના હ્રદયમાં ઉન્નુનું એકજ વાક્ય રમતુ હતુ. ‘હમણા જ અમે મળવાના છીએ.’

બીન્ની સ્નાન કરતા કરતા જ વિચારી રહી હતી કે આજે તો એ એને કહી જ દેશે કે ‘હવે રોજ રોજની ચીઠ્ઠીઓ અને અચાનકની ભેટોથી કંટાળી ગઇ છું. હા આખો દિવસ તો ખુશ રહુ છું. પરંતુ જ્યારે કોઇ બે પ્રેમીને મળતા જોવ છું ત્યારે બાળી નાખતી તડપ પ્રસરી જાય છે. એટલે આજ પછી હું તને ક્યારેય જવાબ નહિં આપુ.’

બીન્ની ડો.શાહની સામેની ખુરશી પર આવીને બેસી. એણે ડો. શાહ સામે ઔપચારીક સ્મિત કર્યુ.

‘કેમ છે હવે તને?’, ડો. શાહે ઔપચારીક સવાલ કર્યો.

‘મને શું થવાનું. બસ અલમસ્ત.’, બીન્નીએ હસીને જવાબ આપ્યો.

‘કામમાં કેમ છે? હવે ધ્યાન આપી શકે છો?’, ડો. શાહે આગળ વધાર્યુ.

‘અરે સાહેબ, કામમાંથી ઉંચી આવુ તો બીજી વસ્તુમાં ધ્યાન જાય ને. એકદમ બરાબર.’, બીન્નીએ બિન્દાસ્ત મસ્તીમાં કહ્યુ.

‘તો વાંધો નહિ, હવે અવાજ બવાજ સંભળાય કે કોઇ કાનમાં બોલતુ હોય એવુ તો નથી થતુ ને?’, ડો. શાહે થોડુ ગંભીર થઇને પૂછ્યુ. બીન્ની પણ થોડી ગંભીર થઇ.

‘એ તો બધા ક્યારના ભાગી ગયા.’, ગંભીરતા દૂર કરવા બીન્નીએ થોડુ હસીને કહ્યુ.

‘દવાઓ આપી છે મમ્મીને. રોજ રાત્રે સુતા પહેલા એક ગોળી બરાબર?’, ડો. શાહે બીન્નીના ખભા પર હાથ મુકીને કહ્યુ.

‘પરંતુ હવે તો હું સાજી થઇ ગઇ છું. મને કંઇ નથી થતુ હવે. હું એકદમ બરાબર છું.’ ડો. શાહે મમ્મી તરફ નજર કરી.

એ ટેબલનું ખાનુ પોતાના હાથમાં લઇને ઉભા હતા.

‘એણે તમને બધુ કહી દીધુ નંઇ. મને ખબર જ હતી એ દગાખોર છે.’, બીન્ની ગુસ્સામાં ધીમા સ્વરે બોલી.

‘દવા ટાઇમસર લઇ લેજે. આ લે અત્યારનો ભાગ.’, ડો. શાહે ફરી એકવાર કહ્યુ અને એક ગોળી બીન્નીના હાથમાં આપી. મમ્મીએ પાણીનો ગ્લાસ આપ્યો. બીન્નીએ મોંમાં દવા મુકી, પાણીના ઘુંટડા સાથે ગળી ગઇ.

‘તમે ચિંતા ના કરો, હું બધુ બરાબર કરી દઇશ.’, બીન્ની ઉભી થઇ અને મમ્મી પાસેથી ખાનુ લઇને કચરા પેટી પાસે ગઇ, અને એમાં બધી જ ચીઠ્ઠીઓ ઠલવી નાખી

‘મમ્મી હું સુઇ જાવ છુ. આવજો.’, બીન્નીએ ડો.શાહ અને મમ્મીને કહ્યુ અને એ પોતાના રૂમમાં ચાલી ગઇ.

એનાથી રહેવાયુ નહિં, એ રડી રહી હતી અને બબડી રહી હતી. ‘મેં તારા માટે આજે ઇત્તર લગાવ્યુ અને તુ ? હું તને નફરત કરૂ છું. ક્યારેય મને ના બોલાવતો.’, તરત જ એ રડતી રડતી ઉભી થઇ અને એક કાગળ અને પેન લીધા.

એમાં લખી નાખ્યુ, ‘તે જે પણ કર્યુ એ બરાબર નથી કર્યુ. હું તારો ચહેરો ક્યારેય જોવા નથી માંગતી.’, એ ચીઠ્ઠીને એણે ટેબલના ખાનામાં મુકી દીધી. એની ગાલો પર આવેલા આંસુઓને કારણે ક્ષારી બાજી ગઇ હતી. આંખોનું કાજળ રેળાઇ ગયુ હતુ. એ રડતા રડતા જ ઉંઘી ગઇ.

અચાનક એ રાતે ત્રણ વાગે જાગી. એણે ટેબલના ખાનામાંથી કોરો કાગળ અને પેન લીધા.

‘માફ કરજે બીન્નુ, એ મારી મજબુરી હતી. એમણે મને તને મારી નાખવાની ધમકી આપી હતી. હું તને મારા પૂરા હ્રદયથી પ્રેમ કરૂ છુ. મહેરબાની કરીને આવુ ના કરતી. જો હું તારા માટે શું લાવ્યો છું? ટેડીબેર તારૂ ફેવરીટ. હું તને ખુબ પ્રેમ કરૂ છુ બીન્નુ, બીન્નુ સોરી. માફ કરીશને મને? અને હા આ ટેડીબેર પેલી ઓફીસવાળી ઉન્નુને ના બતાવતી. એને ઇર્ષ્યા થાય છે. ક્યાંક આપડા પ્રેમને નજર લાગી જશે તો? માલી પ્યાલી બીન્નુ.’, એણે કાગળ પર લખ્યુ અને ટેડીબેર સાથે એ ચીઠ્ઠી પોતાની બાજુમાં રાખીને ઉંઘી ગઇ.

***

સહેજ પીળાશ પડતો પ્રકાશ બારીમાંથી ડોકીયું કરીને અંદર પ્રવેશ્યો. હુંફ મળતી હોવા છતા બીન્નીએ પોતાની રજાઇ માથા સુધી ખેંચી લીધી. રજાઇમાંથી થોડા વાળ બહાર આવીને ઓશીકાને શણગારતા હતા. સુર્ય જાણે મલકાતો મલકાતો છંછેડતો હોય એમ પીળાશ મુકે તીવ્ર પ્રકાશ બનીને હુંફાળી ઠંડકને દૂર કરી હુંફાળી ગરમી આપી રહ્યો હતો. સુર્યના નખરા પૂરા નહોતા ત્યાંતો દિવાલ પર ટાંગેલ લાકડાને ઘડીયાળના લોલકે કાનમાં ગલીપચી કરવાનું શરૂ કર્યુ. જેના પર વાળ આરામ ફરમાવી રહ્યા હતા એ તકીયું ચહેરા પર આવી ગયુ, બીચારા વાળ. લોકલ એના દોલન કરતુ રહ્યુ, એને પણ નિષ્ફળતા શેતુર જેવી ખાટી મીઠી લાગી. થોડીવાર પછી ટેબલ પરની ઘડીયાળે કોયલના મધૂર અવાજમાં સૂરમય સંગીત પ્રસરાવવાનું શરૂ કર્યુ. આખરે બીન્નીના બન્ને હાથ રજાઇની બહાર ખેંચાઈને ફેલાય. આળસ મરડીને એ જાણે વહેતી સવારેને બથ ભરતી હોય એવુ લાગતુ હતુ. એના લાંબા અસ્તવ્યસ્ત વાળ સવારને વધારે સુંદર બનાવતા હતા. આંખો ચોળતા કોમળ હાથ પોતાની ઉંઘ ઉડાવવા માટે હતા કે મંત્રમુગ્ધ થયેલ સવારને ધ્યાન ભંગ કરવા એના પર પ્રશ્ન કરી શકાય. ફરી એકવાર એણે આળસ મરડીને ઉંઘનો બધો થાક ઉતાર્યો.

બીન્નીની નજર બાજુમાં પડેલા ટેડીબેર અને ચીઠ્ઠી પર પડી. એણે પહેલા તો બન્નેને નજરઅંદાજ કર્યા. પરંતુ એ રહી ન શકી. એણે તરત જ ચીઠ્ઠી ઉઠાવી અને વાંચી, એના ચહેરા પર સ્મિત આવી ગયુ. એણે ચીઠ્ઠીને પોતાના ઉરજ સાથે ચીંપી લીધી. એણે ટેડીબેર પોતાની આંખ સામે રાખ્યુ અને બોલી.

‘માફ કર દીયા જાનેમન !’, એના ચહેરા પર અલૌકીક પ્રેમ અને ખુશી હતા.

લેખકનો સંપર્ક

Facebook :

Google Plus :

Twitter :