પ્રકરણ – ૧૪
ત્રણ હાથનો પ્રેમ
લેખકઃ
શૈલેશ વ્યાસ
email:- saileshkvyas@gmail.com
Mobile : 9825011562
બીજે દિવસે રવિવારે સવારે સ્વદેશ અને સુદર્શનાને ઉઠતા થોડું મોડુ થઈ ગયુ આગલા દિવસનો માનસિક અને શારિરીક થાક અને કદી ન કલ્પેલા હત્યા તથા લોહિયાળ દ્રશ્યોએ આ સીધા અને સંસ્કારી યુગલને માનસીક રીતે નિચોવી નાખેલા. એટલે જ્યારે ઘરના સુરક્ષિત વાતાવરણમાં નિદ્રાધીન થવા મળ્યુ ત્યારે તેમણે શાંતીથી લાંબી, થાક ઉતારનારી ઉંઘ ખેચી નાખી.
સવારે પ્રાતકર્મ પતાવી, નહાઈને તૈયાર થઈ તેઓ પોતપોતાના રૂમમાંથી બહાર દિવાનખંડમાં આવ્યા ત્યારે બધા ત્યા જ બેઠા હતા.
“ચાલો, તમે બંને ચા, નાસ્તો કરી લો” રાધાબેને કહ્યુ અને ડાઈનીંગ ટેબલ તરફ ઈશારો કર્યો.
“તમે નાસ્તો કર્યો?” સુદર્શનાએ રાધાબેનને પૂછયું.
“મને આજે શરિરમાં મઝા નથી એટલે મે ખાલી દૂધ પીધુ છે. બાકી આ બધાએ નાસ્તો કરી લીધો છે. તમે શાંતીથી સૂતા હતા એટલે તેમને જગાડયા નહોતા” રાધાબેને ફોડ પાડ્યો.
“તબિયત બરાબર ન હોય તો ડોક્ટરને બતાવી દો અથવા અમારી સાથે ચાલો, અમે સુદર્શનાને ડ્રેસીંગ કરાવા જવાના જ છીએ ડોક્ટર પાસે” સ્વદેશે કહ્યું.
“ના, ના, એવુ ડોક્ટરને બતાવા જેવું કાંઈ નથી, આતો ગઈ કાલે માનસીક તણાવ થઈ ગયો હતો એટલે થોડી અસ્વસ્થતા જણાય છે. ગરમ દૂધ પીધુ છે અને થોડી વાર આરામ કરીશ એટલે ઠીક થઈ જશે” રાધાબેને કહ્યુ.
“માસી, તમે અમને કહો છો કે અમે તમારૂ માનતા નથી પણ તમે પણ અમારૂ કોઈનું માનતા નથી” સુદર્શનાએ ટોળ ભર્યા સ્વરે કહ્યું.
“સાચી વાત છે, મમ્મી કોઈનું માનતી નથી, ધરાર પોતાનું ધાર્યુ કરે છે” મોહિતે સૂર પૂરાવ્યો.
“હવે મારી રામાયણ બંધ કરો અને તમે બંને ચા, નાસ્તો કરી લો પછી તમારે પોલીસ સ્ટેશન અને ડોક્ટર પાસે જવાનું છે” રાધાબેને યાદ અપાવી “જમવાના સમય સુધીમાં તો પાછા આવી જશો ને?”
સ્વદેશે અચાનક યાદ આવ્યુ હોય તેમ કહ્યું. “અરે હું તો આ બધી ધમાલમાં કહેવાનું જ ભૂલી ગયો આજે મારા એક મિત્રના લગ્ન છે, એટલે અમારે બંનેએ બાવળા જવાનું છે. લગ્નમાં, જમવાનું પણ ત્યાં જ છે.”
સુદર્શનાએ સ્વદેશનો સાથ પૂરાવ્યો. “હા, માસી સ્વદેશે મને પહેલાથી જ કહેલુ પણ હું પણ આ બધી મહાભારતની વચ્ચે તમને કહેવાનું ભૂલી ગઈ”
“અમને પાછા આવતા સાંજે કદાચ મોડુ થઈ જશે” સ્વદેશે કાન પકડયા “સોરી માસી, મારા ભૂલી જવાથી તમારી તૈયાર રસોઈ બગડશે”
“કઈ વાંધો નહી, ક્યા મોટો જમણવાર બગડવાનો છે, એ તો એમે ગોઠવી લઈશું. આ બે છોકરાવ ને બે બે રોટલી ને થોડો ભાત વધારે પિરસીસું” રાધાબેને હળવા સ્વરે કહ્યુ “હવે તમે ચા નાસ્તો કરીને નિકળો”
સ્વદેશ અને સુદર્શના ચા નાસ્તો કરી “અમે જઈએ છીએ” કહી બહાર કમ્પાઉંડમાં આવી ગાડીમાં બેઠા. દૂર સાણંદ જવાનુ હતુ એટલે તેણે મોટર સાઈકલની જગ્યાએ ગાડી પસંદ કરી. જાણી જોઈને તેણે મારૂતી લીધી. જો કે પરિખ કુટુંબ પાસે ઈમ્પોર્ટેડ ગાડીઓની ભરમાર હતી પણ સ્વદેશે કોઈનું ધ્યાન ખેંચાય નહી એટલે સામાન્ય ગાડી લેવાનું પસંદ કર્યું.
તેઓ પહેલા ડો.જાની ના દવાખાને ગયા. પહેલે થી ફોન કર્યો હતો. એટલે ડોક્ટરે તેમને તરત જ અંદર બોલાવી લીધા. ડો.જાની છેલ્લા ૨૦/૨૨ વર્ષથી પરિખ કુટુંબના ફેમીલી ડોક્ટર હતા. સુદર્શના ના જન્મ વખતે પણ તેઓ હાજર હતા. અને સુદર્શના પ્રત્યે એક વડીલ તરીકેનું વાત્સલ્ય ધરાવતા હતા. તેઓ સ્વભાવે થોડા રમુજી પણ હતા. તેમણે કપાળ પરનો ઘા સાફ કરતા કરતા પૂછયું. “મારી દીકરી ક્યા મારામારી કરી આવી? આ સ્વદેશે તો વગાડયુ નથી ને? નહીતર ડોમેસ્ટીક વાયોલંસનો કેસ કરી અંદર કરાવી દઈએ”
સુદર્શના હસી પડી. સ્વદેશે હસતા હસતા જવાબ આપ્યો. “ડોક્ટર અંકલ, હજુ પાકા લગ્ન નથી થયા એટલે ડોમેસ્ટીક વાયોલંસ નો કેસ થઈ શકે તેમ નથી. તમે ડોક્ટરમાંથી વકીલ ક્યારે થઈ ગયા.”
આ દરમ્યાન ડોક્ટરે કપાળનો ઘા સાફ કરી દવા લગાડી બેંડએંઈડ જેવી પટ્ટી લગાડી દીધી. સાવચેતીના પગલા રૂપે ટીટેનેસ ટોકસાઈડ ના બુસ્ટર ડોઝનું ઈંજેક્શન પણ આપી દીધું.
ડોક્ટરને ત્યાંથી નિકળી બંને જણા પોલીસ સ્ટેશન પહોચ્યા. ઈન્સ્પેક્ટર ગોહિલ કોઈ વકિલો જોડે માથાકુટ કરતા હતા એટલે તેઓ બંને જણા કોન્સ્ટેબલ પાઠકના ટેબલ ઉપર જઈને બેઠા.
કોન્સ્ટેબલ પાઠકે તેમને ઉમળકાભેર આવકાર્યા. ગઈ કાલે સ્વદેશે કહેલી વાત હજુ તેમના કાનમાં ગૂંજતી હતી એટલે બને એટલી મિઠાશથી તેમની સાથે વાતો કરી.
“હું સાહેબનું ધ્યાન દોરૂ છુ કે તમે આવ્યા છો. એટલે પેલા માથાકુટીઆ વકીલોને રવાના કરે” કહી પાઠક ઈન્સ્પેક્ટર ગોહિલ પાસે ગયા અને ધીરે થી તેમના કાનમાં સ્વદેશ, સુદર્શના ના આગમન ના સમાચાર આપ્યા.
ઈન્સ્પેક્ટર ગોહિલે પણ પાંચ દશ મિનીટમાં જ પેલા વકીલોને રવાના કરી દીધા અને સ્વદેશ અને સુદર્શનાને પોતાની કેબીનમાં આવવા ઈશારો કર્યો.
સ્વદેશ અને સુદર્શનાએ ઈન્સ્પેક્ટર ગોહિલ સામે બેઠક લીધી. એકાદ બે ઘડી સુધી તો ઈન્સ્પેક્ટર સુદર્શનાને, તેના કપાળ ઉપરના ઘાને, તથા કૃત્રીમ હાથમાં પડેલા કાપાને જોઈ રહ્યા. કોન્સ્ટેબલ પાઠકે તેમને બધી વાત વિગતે જણાવેલ હતી. તેઓ આ સુંદર દિવ્યાંગનાને એકીટશે જોઈ રહ્યા, કેટલી બહાદુર છોકરી છે. તેમનું સુદર્શના પ્રત્યેનું માન વધી ગયું.
“હવે કેમ છે તમને સુદર્શનાબેન?” તેમણે સુદર્શનાના કપાળ તરફ ઈશારો કરતા કહ્યું.
“સારૂ છે સાહેબ, સહેજ છરકો જ થયો છે” સુદર્શના એ જવાબ આપ્યો.
“તમે ખરી હિંમત બતાવી અણી ને વખતે, સ્વદેશ તુ ખરેખર નસીબદાર છે ભાઈ” ઈન્સ્પેક્ટર ગોહિલ સાચા મનથી સુદર્શનાના વખાણ કર્યા.
“શું નસીબદાર સાહેબ” સ્વદેશે રમૂજ કરી “કાલે તેણે હથિયારબંધ હુમલાખોર ને ફટકાર્યો તો ભવિષ્યમાં મારા જેવા નિશસ્ત્ર વ્યક્તિની શું હાલત કરશે તેનો તો વિચાર કરો” બધા હસી પડયા. સ્વદેશે કહ્યુ. “સાહેબ અમે અમારૂ નિવેદન લખાવવા આવ્યા છીએ”
“હા, હા” તેમણે કોન્સ્ટેબલ પાઠકને આદેશ કર્યો. “આમનું બંને નું નિવેદન નોંધી લો” પછી સ્વદેશ તરફ ફરીને ક્યું. “ભવિષ્યમાં આવી કોઈ કડી મળે તો એકલા ન ઝંપલાવતા, પહેલા મને કહેજો. અમે બધી વ્યવસ્થા કરીશુ, આવા વખતે શું કરવુ ને શુ પગલા લેવા તે માટે પોલીસ વધારે તાલિમબધ્ધ અને તૈયાર હોય છે.”
“સાચી વાત છે. હું ધ્યાન રાખીશ” પછી સ્વદેશે ઉમેર્યુ “મે તમારો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી પણ તમે એવી અંતરયાળ જગ્યામાં ગયા હતા કે તમારો સંપર્ક જ થઈ નહોતો શકતો. મે SMS પણ મૂક્યો હતો.”
“ખરી વાત છે તમારી, પણ મારી ગેરહાજરીમાં બીજા કોઈએ જવાબદારી લઈ તમને સાથ આપ્યો હોત તો કદાચ તમારે આવા અનુભવમાંથી પસાર થવુ ન પડયુ હોત” ઈન્સ્પેકટર ગોહિલ થોડા અણગમાથી કહ્યુ. તેમનો ઈશારો કોન્સ્ટેબલ પાઠક તરફ હતો.
“કશો વાંધો નહિ સાહેબ, ચાલ્યા કરે એ તો” સ્વદેશે વાત ને સાધારણ ઓપ આપી દીધો. કોન્સ્ટેબલ પાઠકે આભારવશ આંખે તેની સામે જોયું.
સ્વદેશે અને સુદર્શના એ પોતાનું વિગતવાર નિવેદન લખાવી દીધુ જરૂરી સહી સિક્કા કરી તેઓ ઈન્સ્પેક્ટર ગોહિલ પાસે ગયા “સાહેબ અમે અમારૂ નિવેદન લખાવી દીધુ છે. જતા પહેલા અમે રાજમોહનકાકાને મળવા માંગીએ છીએ”
“જરૂર, મળવા જાવ” ઈન્સ્પેક્ટરે એક અન્ય કોન્સ્ટેબલને રાજમોહનને મેળવી દેવા આદેશ આપ્યો.
કસ્ટડીની જેલના સળીયા પાછળ રાજમોહન ઉદાસ ચહેરે બેઠેલા હતા. સુદર્શનાએ ધીમેથી કહ્યુ “કાકા” રાજમોહને અવાજ સાંભળી ઉંચુ જોયુ, સુદર્શના અને સ્વદેશને જોઈને તેમના ચહેરા ઉપર એક ક્ષણ માટે ખુશીના ભાવ આવ્યા પણ તરત જ વિલીન થઈ ગયા. તેઓ ઉભા થઈ સળીઆ પાસે આવ્યા.
“કેમ છો કાકા” સુદર્શનાએ કોમળ સ્વરે પૂછયું.
“ઠીક છે” ભાવવિહીન અવાજે રાજમોહને કહ્યું.
“કાકા, તમે ચિંતા ન કરો. કાલે તો તમને જામીન મળી જ જશે” સુદર્શનાએ રાજમોહનને સધિયારો આપતા કહ્યું.
“જામીન તો ઠીક છે, મળશે જ, પણ મારા કપાળે આ જે કલંક નો ડાઘ લાગ્યો છે તે કેમ ભૂસાસે? રાજમોહને નિરાશા ના સૂરમાં કહ્યું.”
“કાકા, પોલીસ ગમે તે વિચારે પણ અમારામાંથી કોઈ પણ તમને ગુનેગાર માનતુ નથી” સ્વદેશે પણ રાજમોહનને માનસિક હિંમત આપતા કહ્યું.
“તમે સૌ કોઈ મોઢે થી મને દીલાસો આપો છો, પણ આ સુદર્શના ને મનમાં કેવુ લાગ્યુ હશે, એનો તો મારા ઉપરનો વિશ્વાસ જ ઉઠી ગયો હશે” રાજમોહન ની આંખમાં પાણી આવી ગયા.
સુદર્શનાએ સળીઆમાંથી રાજમોહન નો હાથ પોતાની હાથમાં લઈ કહ્યું. “કાકા, મારા મનમાં તમારા માટે કોઈ અવિશ્વાસ નથી, તમે મને નાનપણ થી મોટી કરી છે. મારી આંગળીમાં ટાંકણી સરખી વાગે તો તમે બેબાકળા થઈ જતા મે તમને જોયા છે. મને એકવાર ટાઈફોઈડ જેવુ થઈ ગયુ હતું ત્યારે તમે લંડન ગયેલા, કોન્ફરંસ છોડી લાખોનું નુકશાન વેઠીને મારી પાસે બેસવા પાછા આવ્યા હતા. તમે તો મારા પપ્પા જ છો, તમારા ઉપર મને અવિશ્વાસ હોય જ નહી.”
સ્વદેશે અહિ ટાપશી પૂરી “કાકા અમે સૌ માનીયે છીએ કે કોઈએ જાણીજોઈને તમને આમા ફસાવ્યા છે. ઘટના સ્થળે તમારા વિઝીટીંગ કાર્ડસવાળુ પાકિટ અને તમારી ગાડીમાં લોહિયાળ હથોડી કોઈએ જાણીજોઈને ગોઠવી છે જેથી શંકાનું વાદળ તમારા ઉપર આવી જાય”
રાજમોહને સંમતિસૂચક માથુ હલાવ્યું. “પણ આવું કોઈ શા માટે કરે મને ફસાવી ને કોઈને શું ફાયદો.”
“કાકા” સ્વદેશે કહ્યું. “કારણો તો ઘણા હોઈ શકે, કોઈને તમારા તરફ અંગત વેર હોઈ શકે જેનુ કારણ તમને કે બીજા કોઈને યાદ પણ ન હોય, અથવા તો કોર્પોરેટ જગતની લડાઈ હોય શકે, સુદર્શના જીવીત ન હોય અને તમે જેલના સળીઆ પાછળ હો તો પરિખ કુટુંબનું ઔદ્યોગિક સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ જાય, જેનો લાભ આપણા હરિફોને મળે અને વ્યવસ્થિત ચલાવનાર ન હોય તો ૩૦૦/૪૦૦ કરોડનું સામ્રાજ્ય પાણીના મૂલ્યે કોઈ હસ્તગત કરી શકે.”
“હા, ” રાજમોહને સમંતિ સૂચક સ્વરે કહ્યુ. “વચમાં બે ત્રણ પ્રસ્તાવ મોટા ઔદ્યોગિક ગૃહોમાં થી આવ્યા હતા પણ આપણે તેને નકારી દીધેલા. વચમાં એક વાર તો એક બહુ રાષ્ટ્રિય બીઝનેશ સમૂહે આપણી કંપનીઓના શેર હસ્તગત કરવા માંડયા હતા. પણ આપણા ચાર્ટડ એકાંઉન્ટંટસની અગમચેતી અને હોંશિયારી ને લીધે આપણે તેમને મહાત આપી હતી.”
“સામ કે દામ થી જે કામ ન થાય તે હવે દંડ કે ભેદ અને કાયદાકીય હથિયાર દ્વારા કોઈ કરાવતું હોય તેમ બની શકે” સ્વદેશે કહ્યું.
“પણ મારી ગાડીમાં ખૂનનું હથિયાર કઈ રીતે આવ્યુ તે મને સમજાતુ નથી” રાજમોહને પોતાની શંકા વ્યક્તિ કરી.
“કાકા, ઘસાયેલુ પાકીટ અને ચાલુ વિઝિટીંગ કાર્ડસ તો કોઈ પણ ઘટના સ્થળે મૂકી શકે છે. પણ તમારી ગાડીમાં હથિયાર મળ્યુ એનો અર્થ એવો થાય કે એ વ્યક્તિ પાસે તમારી ગાડીની ચાવી અથવા ચાવીની ડુપ્લીકેટ છે. સ્વદેશ પોતાનો મત રજૂ કર્યો.”
“મને પણ એવુ જ લાગે છે” સુદર્શના એ કહ્યું.
“કાકા, કાલે જામીન મળે પછી તમે આ બાબતે ખાસ તપાસ કરજો. સૌથી પહેલા તો તમારા ડ્રાઈવર શ્યામલાલની ઉલટ તપાસ લેજો. ગાડીની ચાવીઓ તેની પાસે હોય છે. અને ગાડીની સલામતી અને રાખરખાવની મુખ્ય જવાબદારી તેની છે. બીજુ ઓફિસમાં ચાવી નો જે ગુચ્છો હોય છે તે પણ તપાસજો.”
“બરાબર છે. કાલે પહેલુ કામ હું એજ કરીશ” રાજમોહને કહ્યું.
“કાકા, હું તો તમારા કરતા ઘણો નાનો છું, એટલે નાના મોઢે મોટી વાત જેવુ લાગે, પણ મારૂ એટલુ જ કહેવાનું છે કે ઘણીવાર જીવન માં અણધાર્યા તોફાનો આવતા હોય છે. જે લોકો તેની સામે અડગ થઈ ઉભા રહે છે તેઓ સફળતા થી આવા અવરોધો ને પાર કરી દે છે. એટલે તમે હિંમત ન હારશો” સ્વદેશે પીઢતા થી કહ્યું.
“સાચી વાત છે દિકરા મારે પણ હિંમત કેળવવી જ પડશે” રાજમોહને કહ્યું.
સ્વદેશ અને સુદર્શનાએ ત્યારપછી સલમાના ફોન વિશે, સલમાની હત્યા, સુદર્શના ઉપર જીવલેણ હુમલા વિશે વિગતવાર જણાવ્યુ. આ વાતો સાંભળીને રાજમોહનના ચહેરા ઉપર ચિંતાની કરચલીઓ પડી ગઈ. તેઓ જરા અસ્વસ્થ થઈ ગયા.
“બેટા, હું કાલે બહાર આવુ પછી સિક્યુરીટી એજન્સી ના મદનલાલ જોડે વાત કરી તારા માટે એક, બે બોડીગાર્ડસ ની વ્યવસ્થા કરાવુ છું.”
સુદર્શના હસી પડી “કાકા મારી સાથે મારો આ બોડીગાર્ડ છે જ” કહીને તેણે સ્વદેશ સામે ઈશારો કર્યો. “આ બોડીગાર્ડ સલમાને ત્યાં ન હોત તો કદાચ હું અત્યારે તમારી સામે ઉભી ન હોત. કોણ બીજો બોડીગાર્ડ સ્વદેશથી વધારે મારા માટે જીવસટોસટની બાજી લગાવી શકે?” મારે બીજા કોઈ બોડીગાર્ડની જરૂર નથી “તેણે પ્રેમભર્યા નેત્રે સ્વદેશે સામે જાયું.” મારા માટે તો એ એકલો જ એકવીસ બરાબર છે. સ્વદેશ પોતાની પ્રેયસીને પ્રસંશા ભરેલી નજરે જોઈ મલકાયો.
“ઠીક છે. છતા કોઈ જરૂર લાગે તો કહેજે. આપણે વ્યવસ્થા કરી લઈશું.” રાજમોહને કહ્યું.
“સારૂ, કાકા, અમે હવે નિકળીએ, અમારે સ્વદેશના મિત્રના લગ્નમાં બાવળા જવાનું છે.” સુદર્શનાએ કહ્યું.
“તો કાલે મળીએ આપણે કાકા” પછી અચાનક યાદ આવતા તેણે રાજમોહનને કહ્યું. “કાકા, આ વકીલ ગુપ્તાજી દર વર્ષે તમારી પાસેથી લાખો રૂપિયા ફીના લે છે., પણ તમને રજાઓમાં જામીન અપાવી નથી શક્યો. જરા ખખડાવજો એને.”
“એ જ કરવુ પડશે. મને પણ ખૂબ નિરાશા થઈ છે એનાથી, આ જ કાલ તો બધા વકીલો આવી ગોઠવણ કરતા જ હોય છે. પણ આપણુ નસીબ આડું હોય ત્યારે આવું બનતુ હોય છે. ” રાજમોહને નિરાશાવાદી સૂરે કહ્યું.
સ્વદેશ અને સુદર્શના નિકળતી વખતે ઈન્સ્પેક્ટર ગોહિલને મોઢું બતાવવા ગયા. ઈન્સ્પેક્ટરે પોતાના કાગળીઆમાંથી ઉંચે જોઈ કહ્યું. “ફરી કોઈ કડી મળે તો પહેલા મને ચોક્કસ જણાવજો, અમારા રાજપુતો ની જેમ કેસરીયા ના કરતા.”
“ભલે સાહેબ” કહી બંને બહાર નિકળ્યા અને પોતાની ગાડી સ્ટાર્ટ કરી. સુદર્શના એ પૂછયું. “હવે, શું પ્રોગ્રામ છે?”
“આપણે ઘરે થી વહેલા એવુ કહીને નિકળ્યા છીએ કે પોલીસ સ્ટેશન થી આપણે બાવળા મારા મિત્રના લગ્નમાં જવાના છીએ અને જમવાના પણ ત્યાં જ છીએ. હવે આપણે જઈશુ સાણંદ અને ત્યાં ખબર નહી કેટલો સમય લાગશે. એટલે આપણે પહેલા જમી લઈએ” સ્વદેશે કહ્યું.
“ચાલ તો કોઈ સારી રેસ્તોરાં ઉપર લઈ લે, પહેલા પેટપૂજા કરી લઈએ” સુદર્શનાએ આદેશ આપ્યો.
સ્વદેશે ગાડી એસ.જી.હાઈવે ઉપર ની એક અત્યાધુનીક રેસ્તોરાં ઉપર લીધી, અંદર જઈ બંનેએ પોતાની બેઠક લીધી અને મનગમતી વાનગીઓ નો ઓર્ડર આપ્યો.”
સુદર્શનાએ સહેજ ચિંતીત સ્વરે કહ્યું. “મને હજી સમજણ નથી પડતી કે આ બધા પાછળનું રહસ્ય શુ છે? અને કોણ કરાવે છે?”
“અને શા માટે કરાવે છે? આ ખરેખર એક કોયડો છે” સ્વદેશે ટાપશી પૂરી.
“પોલીસ ને રાજમોહનકાકા ઉપર શક છે પણ કાકા તો પોલીસ કસ્ટડીમાં છે. એટલે સલમાના કિસ્સામાં તો એમનો હાથ હોઈ જ ન શકે, તો બીજુ કોણ છે?” સુદર્શનાએ ગૂંચવાઈ ને કહ્યું.
“જો, રાજમોહનકાકાની નિર્દોષતા પર કોઈ સંદેહ નથી. પણ આ બધુ જેટલુ દેખાય છે તેવુ સીધુ નથી હોતુ. આજકાલ મોટા માણસો, રાજકારણીઓ વિ. આવા બધા કામમાં પોતાના હાથ નથી બગાડતા, સૌ કોઈ રીમોટ કન્ટ્રોલ થી કામો કરાવતા હોય છે.” તણે સુદર્શનાની આંખોમાં ન સમજાયાના ભાવ જોઈ સ્પષ્ટતા કરી “એટલે ગુન્હાહીત કારકીર્દી વાળાઓને સોપારી આપી આવા કામો થતા હોય છે. હત્યા થાય ત્યારે કરાવનાર હજારો માઈલ દુર બેઠા હોય એટલે તેમને એલીબાઈ (Alibi) મળી જાય કે ગુન્હાના સમયે તેઓ અન્યત્ર જગ્યા એ હતા.” એટલે તેમની ગુન્હામાં સંડોવણી સાબિત ન થાય. છેલ્લે પકડાય તો પણ ખરેખર જેના હાથે હત્યા થઈ હોય તેને આજીવન કેદ કે ફાંસી થાય, ષડયંત્ર કરનારને કાયદાકિય દાવપેચ થી ૫ / ૧૦ વર્ષની જ સજા થાય. “તેણે તરત જ સુદર્શના સામે જોઈ ચોખવટ કરી” હું એવુ સૂચન નથી કરતો કે રાજમોહનકાકા આવુ કરી રહ્યા હોય, પણ આવુ બની શકે છે એટલે આપણે આંખ, કાન અને મન ખૂલ્લા રાખવા અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન રાખવો”
“પણ મને તો એક વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ છે” સુદર્શના એ મલકાતા કહ્યું.
સુદર્શના નો ઈશારો પોતાની તરફ છે એવુ સમજી જઈ સ્વદેશે તેને ચિડવી “એવી ભૂલ ના કરતી હો, કદાચ કોઈ વિશ્વસુંદરી મને મળી જાય તો હું તેની સાથે ભાગી પણ જાઉ.”
સુદર્શનાએ મોહક દેહભંગિમા કરી, પોઝ આપી કહ્યુ.
“વિશ્વસુંદરીઓ તો મારી સામે પાણી ભરે, તને કયાંય જવા જ ન દઉ ને.”
બંને પ્રેમીઓએ આવી મીઠી અલપઝલપ કરતા કરતા ભોજન પતાવ્યુ અને બીલ ચૂકવી ફરી ગાડીમાં ગોઠવાયા. સ્વદેશે સાણંદ તરફ ગાડી મારી મૂકી. ગાડીએ હજુ ૧૦/૧૫ મીનીટનો જ રસ્તો કાપ્યો હતો. ત્યાં સુદર્શના ના મોબાઈલની ઘંટડી રણકી ઉઠી.
“હેલો” તેણે કહ્યું.
સામેથી થોડો ચિંતીત અવાજ આવ્યો. “સુદર્શના હું મોહિત બોલુ છું તમે ક્યાં છો?”
“અમે બાવળા ના રસ્તે છીએ. થોડીવારમાં પહોંચીશું પણ તું આવો ગભરાયેલો કેમ લાગે છે?”
“કદાચ તમારે પાછા આવવું પડશે” મોહિતે થોડા ગભરાયેલા અવાજે કહ્યું.
“કેમ, કેમ શું થયું” સુદર્શના એ ચિંતીત થઈ પૂછયુ.
“મમ્મી ની તબીયત બગડી ગઈ છે અને નર્સિંગ હોમમાં દાખલ કર્યા છે.”
“પણ અચાનક શું થઈ ગયું?” સુદર્શના એ પૂછયું .
“સવાર થી જ આજે તેમને મઝા ન હતી. તમે ગયા પછી એમનુ બ્લડ પ્રેશર લો થઈ ગયું અને ચક્કર આવી ને પડી ગયા. થોડી વાર માટે તો ભાન જતુ રહ્યુ હતુ. ડો. જાની ને ફોન કર્યો તો તેમણે કહ્યુ કે તેમને લીંબુનું શરબત ગ્લુકોઝ નાખીને આપો અને પછી અહીંઆ નર્સિગ હોમમાં લઈ આવો. એક બે દિવસ આપણે એમના ઉપર ધ્યાન આપીએ કારણ કે છેલ્લા છ મહિનામાં ત્રણ ચાર વાર આવું થયુ છે. એટલે અત્યારે એમને નર્સિંગ હોમમાં દાખલ કર્યા છે.” મોહિતે લંબાણ થી ચોખવટ કરી “તમે લોકો આવી શકશો?”
“હા, હા અમે આવીએ છીએ” સુદર્શના એ જવાબ આપી દીધો. તેણે મોબાઈલ બંધ કર્યો અને સ્વદેશ ને વિગત જણાવી “મારે રાધામાસી પાસે જવુ જ પડશે”
“તે મોહિત ને હા તો પાડી દીધી પણ ત્યાં સાણંદ વાળુ કામ રખડી પડશે, સલમાના અબ્બા ને મળવાનું ટાળવુ બરાબર નથી. ક્યારે શું થઈ જાય” સ્વદેશે વ્યવહારીક વાત કરી “અને માસીને ખાસ કાઈ તકલીફ નથી”
“તારી વાત સાચી છે. પણ રાધામાસી બિમાર હોય ત્યારે મારા સિવાય કોઈનુ સાંભળતા નથી. હું વઢું નહિં ત્યાં સુધી દવા, ફળો લેતા નથી કે આરામ નથી કરતા” સ્વદેશના ચહેરા પર અસહેમતી જોઈ તેણે ઉમેર્યુ. “તુ જાણે છે ને એ મારા માટે મારી મા સમાન છે?”
સ્વદેશે હકારમાં માથુ હલાવ્યુ અને વધારે કશુ કહ્યા વગર ગાડી અમદાવાદ તરફ પાછી વાળી અને મનોમન ગણગણ્યો. “ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે”
(ક્રમશઃ)
વધુ રસીક ભાગ આવતા અંકે.