Trun haathno prem-ch 15 Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Trun haathno prem-ch 15

પ્રકરણઃ ૧૫

ત્રણ હાથનો પ્રેમ

લેખકઃ

શૈલેશ વ્યાસ

email: saileshkvyas@gmail.com

Mobil: 9825011562


સ્વદેશે સુદર્શનાના કહેવાથી અને તેનું મન રાખવાથી ગાડી પાછી તો વાળી પણ તેના ચહેરા ઉપર ચિંતાના ભાવ ઉપસી આવ્યા હતા. તેણે સુદર્શનાને કશું કહ્યું નહી. પણ આવા વખતે અને આવી પરિસ્થિતીમાં સુદર્શનાએ આટલું લાગણીવશ થવુ જોઈતુ ન હતું એવુ એને ઉંડે ઉંડે લાગી રહ્યુ હતું.

એ વાત સાચી હતી કે રાધામાસી નું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયુ હતુ અને ચક્કર આવીને થોડી ક્ષણો માટે બેભાન જેવા થઈ ગયા હતા પણ તેઓ અત્યારે ડો.જાનીની સારવાર હેઠળ હતા અને સ્થિતી કોઈ ખાસ ચિંતાજનક ન હતી, માત્ર દેખરેખ રાખવા માટે જ નર્સિંગ હોમમાં દાખલ કર્યા હતા, એટલે તાત્કાલીક ત્યાં કદાચ ન જવાય તો કોઈ વાંધો ન હતો જયારે સામે પક્ષે રફિકના અબ્બાને મળવુ અત્યંત જરૂરી હતુ અને જેટલુ જલ્દી મળાય એટલુ વધારે સારૂં. આ લોકોનો કોઈ ભરોસો નહી કયારે શું કરે અને આવતી કાલે ક્યાંય નીકળી જાય. પછી અણી ચૂક્યો અથવા “જબ ચીડીયા ચૂગ ગઈ ખેત” વાળી વાત થાય.

પણ સામે પક્ષે સુદર્શનાની રાધામાસી પ્રત્યેની માયા પણ એટલી જ પ્રબળ હતી, એની સ્વદેશને જાણ હતી. પણ પછી જે થતું હશે તે સારા માટે જ થતું હશે એવું મન મનાવી તેણે ચૂપચાપ ગાડી ચલાવ્યે રાખી.

પણ પોતાના પ્રિયતમના ચહેરાની એકેએક રેખાઓ ને વાંચી શકતી અને તેના મનના ભાવો વાંચી શકતી સુદર્શનાને અણસાર આવી ગયો કે સ્વદેશના મનમાં કોઈ અન્ય વિચારો ચાલી રહ્યા છે.

“મને ખબર છે સ્વદેશ કે તુ મારી વાત સાથે સહેમત નથી પણ મારા માટે રાધામાસી ની તબિયત આ ગુન્હેગારો ને પકડવા કરતા વધારે મહત્વની છે.” સુદર્શનાએ સ્વદેશના ચહેરા તરફ જોઈને કહ્યું.

“ના, ના એવુ નથી. તે વિચાર્યુ એ બરાબર જ છે” સ્વદેશે કહ્યુ પણ તેના અવાજમાં હંમેશ જેવો રણકો ન હતો. “મે તો એટલે કહ્યુ કે જમાલ હુસૈન ને મળવાનું કયાંક અટવાઈ ન જાય” તેણે સુદર્શના સામે જોઈને મોઢું મલકાવ્યુ “બાકી તને ખબર છે ને તારી બધી વાત મને માન્ય જ હોય છે, આપણે રાધામાસીને જ મહત્વ આપવું જોઈએ”.

“ભગવાન કરે, આવો વફાદાર અને અધિન પ્રિયતમ બધી પ્રેયસીઓને મળે” સુદર્શનાએ વાતાવરણ હળવુ કરતા કહ્યું.

“એવુ તો શકય જ નથી, કારણક કે ભગવાને મને બનાવ્યા પછી આવુ મોડેલ બનાવવાનું જ બંધ કરી દીધુ છે. એટલે તું આ વિશ્વની છેલ્લી પ્રેયસી છે કે જેને મારા જેવો પ્રિયતમ મળ્યો છે.” સ્વદેશે ટોળ ચાલું રાખતા કહ્યું.

સુદર્શના ફરી ગંભીર વાત ઉપર આવી “આપણે એવુ કરીએ કે પહેલા રાધામાસી ની ખબર જોઈ આવીએ. પછી કાલે લગભગ બાર વાગ્યાની આસપાસ રાજમોહન કાકાને જામીન મળી જાય એટલે આપણે પોલીસ સ્ટેશન જઈ તેમને ઘરે લઈ આવીએ, પછી સાંજે ચારેક વાગ્યાની આસપાસ આપણે સાણંદ જઈએ, તને શું લાગે છે?”

“વાત તારી બરાબર છે. રાજમોહનકાકાને લેવા જવુ પણ જરૂરી છે. મોહિત તો જશે જ પણ આપણે પણ સાથે હોઈએ તો કાકાને સારૂ પણ લાગે અને તેમની હિંમત બંધાય” સ્વદેશે સહેમતી દર્શાવી.

ડો.જાનીનુ નર્સિંગ હોમ આવી જતા સ્વદેશે ગાડી નીચે પાર્ક કરીને ઉપર ગયા. રિસેપ્સ્નીષ્ટ પાસેથી રાધાબેનનો રૂમ નંબર જાણી તેઓ તેમની પાસે ગયા.

એ.સી. ડીલક્ષ રૂમમાં બેડ ઉપર રાધાબેન આંખ મીંચીને સૂતા હતા. અડધે સુધી ઓઢેલા બ્લેકેંટની બહાર તેમના બંને હાથની આંગળીઓ એકબીજાને વીંટળાયેલી હતી જાણે આંખ મીંચીને પ્રભુને પ્રાર્થના કરતા હોય મોહિત અને પરિક્ષિત ત્યાં સામે મૂકેલા નાના સોફા ઉપર બેઠા હતા. ગ્લુકોઝની શક્તિવર્ધક ડ્રીપ ચડતી હતી અને બાજુના નાના ટેબલ ઉપર દવાઓ, ફળો, થર્મોસ વિ. પડયુ હતુ. નર્સિંગ હોમ કે હોસ્પિટલના રૂમમાં હંમેશા હોય તેવી સ્તબ્ધ શાંતિ અને ઘ્રાણ ફેલાયેલા હતા.

“કેમ છે તમને માસી” સુદર્શના એ નજદીક જઈને પૂછયું.

જાણીતો અવાજ સાંભળી રાધાબેને આંખો ખોલી. થોડા આશ્ચર્ય સાથે પૂછયું. “તું અહિઆ ક્યાંથી, તમે તો બાવળા લગ્નમાં ગયા હતા ને?”

“હા, અમે જઈ જ રહ્યા હતા ત્યાં મોહિતનો ફોન આવ્યો કે તમારી તબિયત બગડી ગઈ છે એટલે અમે અધવચ્ચે થી પાછા આવ્યા” સ્વદેશે ચોખવટ કરી.

“આ મોહિત સાવ ઢીલો છે, ખાલી ખાલી ગભરાઈ ને ડો.જાની ને ફોન કર્યો અને ડોક્ટરો તો રાહજ જોતા હોય કે ક્યારે કોઈ બકરો ફસાય. મને દાખલ કરવાની કોઈ જરૂરત ન હતી. તોય કહે કે દાખલ થઈ જાવ ચેક અપ કરી લઈએ.” અરે ભાઈ, લો બીપી થઈ જાય તો લીંબુના પાણીનું શરબત મીઠું નાખીને પીયે એટલે ઠીક થઈ જાય” રાધાબેને અગણમા ના સુરે કહ્યુ, તેમને દવા અને ડોકટરો પ્રત્યે ચીડ હતી.

મોહિત પોતાનો વિરોધ વ્યક્ત કરવા જતો હતો પણ સુદર્શનાએ તેને ઈશારાથી જ રોક્યો. કારણ કે એને ખબર હતી કે જો ચાલુ થઈ જશે તો માં-દિકરાનુ વાગ્યુધ્ધ લાબુ ચાલશે.

”માસી, મોહિતે કર્યુ ને એ બરાબર જ કર્યુ છે, ચક્કર આવે ને પડી જાવ અને ભાન ગુમાવી દો તો ડોક્ટર ની સલાહ તો લેવી જ પડે, અવગણના કરીએ તો પાછળ થી મોટી ઉપાધી ઉભી થાય, અને આ કાંઈ પહેલીવાર નથી, બીજી, ત્રીજી વાર થયુ છે એટલે મોહિતે તો બરાબર જ કર્યુ છે. વાંક તમારો છે”

બધા સાંભળી રહ્યા. સૌ ને ખબર હતી કે રાધાબેનને માત્ર સુદર્શના જ ધમકાવી શકે છે અન્ય કોઈની હિંમત ન હતી. રાજમોહનભાઈ પણ રાધાબેનનો દરજ્જો અને સુદર્શના પ્રત્યેની લાગણી સમજીને તેમનુ માન રાખતા હતા. કયારેક કંઈ કહેવા જેવુ લાગે તો પણ નમ્ર અને તેમને ખોટુ ન લાગે તેવી રીતે કહેતા હતા. સૌ ને જાણ હતી કે સુદર્શના રાધાબેનને મા સમાન ગણે છે એટલે સૌ સુદર્શનાની આમાન્યા રાખીને રાઘાબેને જોડે વર્તાવ રાખતા હતા.

”જૂવો” સુદર્શનાએ ઠપકા ભર્યો સ્વરે કહ્યું. ”મને ખબર છે કે તમે દવા ખાવાના ચોર છો, પણ મારી સાથે આવુ બધુ નહી ચાલે” તેણે મોહિત ને ઉદ્દેશી ને કહ્યું ”મોહિત, બધી દવાઓ માસી સમયસર લે તેની જવાબદારી તારી છે. નર્સોને તો ગાંઠશે જ નહી અને ફળો, જયુસ કે જમવાનું બધુ ટાઈમસર લઈ લે તેનુ ધ્યાન રાખજે” મોહિતે ”ચોક્કસ” કહીને સ્વીકૃતી આપી.

સુદર્શના ત્રાંસી આંખે રાધાબેન તરફ જોઈ રહી હતી. ઉપરોક્ત વાતો દરમ્યાન તેમનું મોંઢું થોડું અણગમાથી વંકાતુ જોઈ, સુદર્શના એ દાટી આપી ”ગમે તેટલા મોંઢા બગાડશો ને તોય દવા, જયુસ ને જમાવાનું તો લેવુ જ પડશે” ફરીથી મોહિત ને સૂચના આપી ”માસી ના માનેતો મને ફોન કરજે, હું આવી જઈશ”

રાધાબેને હારીને બે હાથ જોડયા ”ખબર નહી આ છોકરીમાં કયાંથી આવુ જોર આવે છે, આમ તો સાવ નાજુક ફુલ જેવી છે પણ મારી વાત આવે છે ત્યારે ખબર નહી ક્યાંથી એનામાં હિટલર અને મુસોલીની બંને પ્રવેશી જાય છે.” રાધાબેનને ભક્તિરસના પુસ્તકો સાથે સાથે સાહિત્ય અને ઈતિહાસ ના પુસ્તકો વાંચવામાં રસ હતો.

”એવુ ના કરીએને તો તમારા જેવી જીદ્દી માસી કોઈનુ માને જ નહી” સુદર્શના એ હસતા હસતા કહ્યુ.

”જીદ્દી માસીનું બિરૂદ સાંભળી રાધાબેનનું મોઢું મલકી ઉઠયું. તેઓ જાણતા હતા કે તેમનુ ખરૂ સ્થાન તો એક કામવાળી નું હતુ પણ આ તો પરિખ કુટુંબની મોટાઈ હતી કે તેમને આટલા ઉચ્ચ સ્થાને સ્થાપિત કર્યા હતા.”

”ભલે ભાઈ, હું બધુ જ લઈશ, બરાબર, આ તારો વફાદાર જાસુસ” તેમણે મોહિત સામે ઈશારો કર્યો ”તને બધા રીપોર્ટ પહોચાડશે, મને ખબર છે.”

”બરાબર છે રાધામાસી” પછી હિંદી ફિલ્મનો સંવાદ દોહરાવતા કહ્યું. ”હમારે જાસુસ ચારો ઔર ફૈલે હુએ હૈ ”ચાલો હવે અમે નિકળીએ ઘરે જઈને જમી લઈએ કાંઈ કામ હોય તો કહેજો અને તમે તબિયત ઉપર ધ્યાન આપજો.” વાતાવરણ ને હળવુ કરી બંને જણા ઘરે જવા નિકળ્યા.

બીજે દિવસે સોમવાર ની સવારે બંનેએ લગભગ ૧૦ વાગ્યાની આસપાસ નર્સિંગ હોમમાં ફોન કરી રાધાબેનની તબિયત વિશે પૃચ્છા કરી લીધી. મોહિત રાતના ત્યાંજ રોકાયો હતો તેણે જણાવ્યુ કે રાધાબેનની તબિયત સારી છે અને બી.પી. નોર્મલ થઈ ગયુ છે. સમય સમય ઉપર ડોક્ટર અને નર્સ તેમની તબિયત અને બી.પી ઉપર દેખરેખ રાખી રહ્યા છે. કદાચ આવતી કાલે તો રજા પણ આપી દેશે.

સુદર્શનાએ આ સમાચાર સાંભળી રાહત અનુભવી. તેણે સ્વદેશને કહ્યુ. “રાધામાસીની તબિયત તો હવે સારી છે. આજકાલમાં રજા પણ આપી દેશે. આપણો શું કાર્યક્રમ છે?”

“આપણે હમણાં બાર વાગ્યે પોલીસ સ્ટેશન જઈને રાજમોહન કાકાને લઈ આવીએ ત્યાં સુધી તેમના જામીન તો મંજુર થઈ ગયા હશે. પછી ઘરે આવી જમીને સાંજે ચારેક વાગ્યે સાણંદ જઈએ” સ્વદેશે કહ્યુ અને પછી યાદ અપાવતા કહ્યું. “પણ આપણે કહેવાનું તો એમ જ છે કે “બાવળા” જઈએ છીએ”

સુદર્શનાએ હકારાત્મક પ્રક્રિયા આપી “બરાબર છે”

બપોરે તેઓ બંને પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશનમાં આજે થોડી ઓછી ધમાલ લાગતી હતી. ઈન્સ્પેક્ટર ગોહિલે તેમને પોતાની કેબીનમાં બેસાડયા અને ના પાડવા છતાં ચા મંગાવી. “તમારા વકીલ સાહેબ હજી આવ્યા નથી, જામિનના કાગળીઆ લઈને “પછી ઉમેર્યુ” થોડા ઢીલા લાગે છે બીજા વકીલો તો દોડાદોડી કરી મૂકે અને અમારૂ માથુ ખાઈ જાય” સ્વદેશ અને સુદર્શનાએ એકબીજા સામે જોઈ “વાત તો સાચી છે” એવી સહેમતી દર્શાવી પણ ઈન્સ્પેક્ટર સામે કુટુંબની એકતા દર્શાવતા સુદર્શનાએ કહ્યુ “દરેકની પોતાની આગવી રીત હોય છે, કોઈ ઉતાવળ કરે અને કોઈ વ્યવસ્થિત અને ઠંડા મિજાજથી કામ કરે.”

ઈન્સ્પેક્ટર ગોહિલ સુદર્શનાના આ સમર્થન વાળુ વાક્ય સાંભળી મુંછમાં હસ્યા. ત્યાં એક કોન્સ્ટેબલ ચા ના ત્રણ કપ મુકી ગયો.

“લ્યો ચા પીઓ” ઈન્સ્પેક્ટર ગોહિલે કહ્યું.

ચા પીતા પીતા સ્વદેશે પૂછયું. “સાહેબ, તમારા તરફ થી તપાસમાં આગળ શું થયુ?”

“અમારી તપાસ ચાલુ છે” ઈન્સ્પેકટ ગોહિલ થોડા ઢીલા સ્વરે કહ્યું.

“પણ તમને રફીકના ઘરની આસપાસ કે તેના ઘરના સદસ્યો સાથેની તપાસમાં શું જાણવા મળ્યું?” સ્વદેશે પૂછયું.

“હજુ સુધી તો કોઈ ખાસ અગત્યની વાત મળી નથી, અમે આસપાસ તપાસ કરાવી છે અને ઘરના સદસ્યો સાથે વાતચીત કરી છે. હજુ સુધી કોઈ એવુ મળ્યુ નથી, જેણે રાજમોહનભાઈને ત્યાં જોયા હોય, વળી લોહીથાળ હથેળી ઉપર પણ રાજમોહનભાઈના હાથની છાપ નથી મળી કે બીજી કોઈ મહત્વની કડી મળી નથી પણ અમારી તપાસ ચાલુ છે.”

“તો તો એનો અર્થ એવો થયો કે રાજમોહન કાકા સામે કોઈ ઠોસ પૂરાવા નથી” સુદર્શનાએ ખુશ થતા કહ્યું

“પણ સામે જે પૂરાવા મળ્યા છે તે એમના વિરૂધ્ધ છે એટલે જયા સુધી એવા કોઈ બીજા પૂરાવા ન મળે કે જે દર્શાવે કે આમા રાજમોહનભાઈનો નહી પણ અન્ય કોઈનો હાથ છે ત્યાં સુધી તેઓ જ અમારા મુખ્ય સંદિગ્ધ વ્યક્તિ છે.”

“પણ તમને નથી લાગતુ કે આમા કોઈક કાકાને ફસાવી રહ્યુ છે?” સુદર્શનાએ ઈન્સ્પેક્ટરનો વિશ્વાસ જીતવો હોય તેવા સૂરે કહ્યું.

“બેન, મને શું લાગે છે કે નહી એ મહત્વનું નથી.” પોલીસ માટે મહત્વનું છે એ છે કે એમને શું પુરાવા મળે છે. “ઈન્સ્પેક્ટર ગોહિલે કહ્યું.

“પણ કોઈ એમની ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મૂકી દે તો એમા એમનો શું વાક? સુદર્શનાએ થોડી જીદમાં કહ્યું.”

“એમનો વાંક એટલો કે એમણે એટલી ગફલત રાખી કે એમની ગાડીમાં કોઈ ગમે તે વસ્તુ મુકી ગયુ. માણસે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કોઈ એમનો ગેરલાભ ન લઈ જાય આજે કોઈ એમની ગાડીમાં લોહીયાળ હથિયાર મૂકી ગયુ, કાલે ચરસ ગાંજો કે કોકેન મુકી જાય કે કોઈની લાશ મૂકી જાય તો શું થાય એ ખબર છે? ખાલી સત્તા કે સંપત્તિ પામવાથી કાંઈ નથી થતુ તમારે કોઈ એના ઉપર કે તમારા ઉપર તરાપ ના મારે તે માટે ચોવીસે કલાક જાગતા રહેવુ પડે અને સાવધાન અને સાવચેત રહેવુ પડે નહીંતર તમારૂ પડાવી લેવા ગીધ અને જરખ સરખા માણસો તૈયાર જ હોય છે.” ઈન્સ્પેક્ટર ગોહિલે લંબાણ થી માલેતુજાર લોકો માટે નું સજાગતા નું દર્શનશાસ્ત્ર સમજાવ્યું.

સુદર્શના અને સ્વદેશ બંને ચૂપ થઈ ગયા. વાત તો સાચી હતી. કાકા એવા કેવા ગાફેલ રહ્યા કે તેમની ગાડીમાં કોઈ આવુ હથિયાર મૂકી જાય. કાકા ખરેખર નિર્દોષ હોય તો આ તેમની અક્ષમ્ય ભૂલ હતી. કે પછી ખરેખર......સુદર્શના આનાથી આગળ વિચારી જ ન શકી.

બંનેની તંદ્રા તોડતો ઈન્સ્પેક્ટર ગોહિલ નો અવાજ આવ્યો “લ્યો, આ તમારા વકિલ આવ્યા” બંને એ ઉપર જોયુ તો તેમના વકિલ ગુપ્તાજી ઉભા હતા. સુદર્શનાએ ઉતાવળે પૂછયું. “શું થયું જામીન મળી ગયા?”

“હા, કોર્ટે જામીન આપી દીધા છે. માત્ર પોલીસને જાણ કર્યા વગર તેઓ શહેરની બહાર નહી જઈ શકે એટલો પ્રતિબંધ રાખેલો છે.”

“પણ કાકાને તો ધંધાર્થે વારેઘડીએ બહારગામ જવાનું થતું હોય છે.તમે જણાવ્યુ નહી જજ સાહેબને?” સુદર્શનાએ જરાક ઉગ્રતા થી કહ્યું.

“દલીલો તો અમે બધીજ કરી હતી, પણ કઈ રીતે જામીન આપવા એ જજ સાહેબ ઉપર છે” વકીલ ગુપ્તાજી એ જણાવ્યુ પણ તેમના અવાજમાં જોઈએ તેવી દ્રઢતા ન હતી.

સદર્શના કાંઈ કહેવા જતી હતી પણ ત્યાં જ વચ્ચે ઈન્સ્પેક્ટર ગોહિલે કહ્યુ “બેન આ એક હત્યાનો મામલો છે. રાજમોહનભાઈની સામાજીક અને વ્યવસાયીક પ્રતિષ્ઠા વિ ને લઈ ને જામીન જજ સાહેબ તરત જ આપી દે પણ ખૂનના મામલાના આરોપી તરીકે નો આરોપ છે એટલે કોર્ટે જરૂરી સાવધાની વર્તવી પડે આ સામાન્ય રીત છે.”

સુદર્શનાએ પરિસ્થતી સમજી શકી છે તેવુ દર્શાવતી માથુ હલાવી ને સંમતી આપી.

“તમે ખોટી ચિંતા ન કરો” ગોહિલે કહ્યું. “જેટલી વાર બહાર જવુ હોય તેટલી વાર રાજમોહનભાઈ જઈ શકે છે. એમને માત્ર તેઓ ક્યા જવાના છે અને કયા રહેવાના છે એની માહિતી અમને હોવી જોઈએ. આ કામતો એમની સેક્રેટરી પણ કરી શકે છે.” પછી તેમણે વકિલ ગુપ્તાજી સામે જોઈ ને કહ્યુ “લાવો જામીન ના કાગળો આપો.”

વકીલે બધા કાગળીઆ ઈન્સ્પેક્ટરને આપ્યા. તેમણે ઝીણવટ થી બધા તપાસ્યા. પછી કોન્સ્ટેબલ પાઠકને આદેશ આપ્યો “પાઠક, રાજમોહનભાઈને બહાર લઈ આવો.”

“જી, સાહેબ” કહીને પાઠક રાજમોહનને લેવા ગયા.

થોડીવારમાં ચોળાયેલા કપડા, વિખરાયેલા વાળ અને નિસ્તેજ ચહેરા વાળા રાજમોહનને લઈને પાઠક આવ્યા.

“તેમને જામિન મળી ગયા છે એટલે તમે અત્યારે થી છુટા છો પણ જમીન ની શરત મુજબ તમે બહારગામ જાવ તો અમને જાણ કરવાની રહેશે” ગોહિલે જણાવ્યુ “અહિઆ સહીઓ કરો એટલે કાયદાકીય પ્રક્રિયા પુરી થાય, પછી તમે જઈ શકો છો.”

રાજમોહને જરૂરી જગ્યાઓ એ સહીઓ કરી પણ તેના હાથ હતાશા થી ધ્રૂજતા હતા. સુદર્શનાએ તેમને હિંમત આપતા કહ્યું. “ચાલો કાકા, ઘરે જઈએ” કહી સૌ પોલીસ સ્ટેશન થી બહાર આવ્યા.

“હું પણ હવે જાઉ છું” વકીલે કહ્યું. “મારે એક બે બીજા કેસ નિપટાવવાના છે. કાલે ઓફિસ આવીને મળુ છું. તે પહેલા કઈ કામ હોય તો ફોન કરજો.”

રાજમોહને હકારમાં સંમતિ આપી એટલે તેઓ પોતાની ગાડીમાં બેસીને ગયા.

સ્વદેશ, સુદર્શના અને રાજમોહન તેમની ગાડીમાં ગોઠવાયા અને સ્વદેશે ઘરભણી વાટ લીધી. રાજમોહન સીટના ટેકે માથું મુકીને આંખ મીંચીને કશુંક વિચારતા પાછળની સીટમાં બેઠા હતા.

સ્વદેશે અચાનક જ કહ્યું. “કાકા, આ વકિલ કેમ આવુ ઢીંલુ કામ કરે છે? વર્ષે લાખો રૂપિયાની ફી લે છે પણ આવડા અમથા જામીન અપાવવામાં પાછો કેમ પડયો?” નાના નાના વકીલો આનાથી ઝડપી કામ પતાવતા હોય છે. કોર્ટમાં રજા હોય તો ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ ને ઘરે જઈને જામીનના કાગળોમાં સહી કરાવી લાવે, બધાને ઘર જેવા સંબંધો હોય છે એકબીજા જોડે” તેના અવાજમાં થોડો અસંતોષ હતો.

“વાત તો તારી સાચી છે મને પણ થોડુ બરાબર ન લાગ્યુ” રાજમોહને કહ્યું.

“કાકા, કાલે ઓફિસ આવે ત્યારે થોડો ધમકાવજો.” સુદર્શનાએ પણ કહ્યું. એના પિતા સમાન કાકાને બે દિવસ કસ્ટડીમાં રહેવુ પડયું તે એનાથી સહન થતુ ન હતું.

“મારે થોડી સખતાઈથી વાત કરવી પડશે એની સાથે” પછી કંઈ યાદ આવ્યુ હોય તેમ ઉમેર્યું. “કાલે આપણો આસિસ્ટંટ મેનેજર મોહન પ્રતાપ મને જેલમાં મળવા આવ્યો હતો ત્યારે એણે મને જણાવ્યુ કે બજારમાં એવી વાતો ચાલે છે કે આ ગુપ્તાજી કોઈ મોટી તકલીફમાં છે.”

“શાની તકલીફ છે?”

“હવે કૌટુંબીક તકલીફ છે કે બીજી કોઈ એ તો ખબર નથી પડી. ભાગીદારો વચ્ચે કોઈ તકરાર છે કે વહુ દિકરા જોડે એની તપાસ કરાવી પડશે. વચ્ચે સાંભળ્યુ હતુ કે એના મોટા દિકરા જોડે સંપત્તિ માટે કોઈ માથુકુટ ચાલતી હતી, અને ગુપ્તાજી ના મોટાભાઈ આગમાં ધી નાખવાનું કામ કરતા હતા. બાપ દિકરા વચ્ચે બોલચાલ પણ બંધ હતી. પછી કોઈએ સુલેહ કરાવી હતી. પાછુ કાંઈ ઉખળ્યુ હોય તો ખબર નથી. એટલે કદાચ કામ ઉપર બરાબર ધ્યાન આપી નહી શકતા હોય”

“પણ એના અંગત પ્રશ્નો ને લીધે જ આપણા કામને અસર થાય એ તો ન ચાલે ને? સુદર્શના એ કહ્યુ” એ તો હું મારા મિત્રો ના વકીલો પાસેથી જાણી લઈશ કે શું પરિસ્થિતી છે? રાજમોહને કહ્યું.

ઘરે પહોંચી જમી કરીને થોડી વાર આરામ કરી ને સાંજે સ્વદેશ અને સુદર્શના રફિકના અબ્બાને મળવા નિકળ્યા. પૈસા ભરેલુ પર્સ સાથે હતું.

“અમે અમારા મિત્રને ત્યાં “બાવળા” જઈએ છીએ” તેમણે ઘરમાં જણાવ્યું અને ગાડી હાઈવે તરફ લીધી.”

સ્વદેશ ના હાથો ગાડીના સ્ટીયરીંગને નિયંત્રણ આપતા હતા. ગાડી બાવળા તરફ આગળ વધી રહી હતી. સુદર્શના રફિક, સલમા અને જમાલહુસેન વિશે વિચારી રહી હતી. સ્વદેશ પ્રભુને મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો. “હે પ્રભુ, બધુ હેમખેમ પાર ઉતારજો. રફિકના અબ્બા પાસેથી જરૂરી માહિતી મળે જેથી અસલી ગુન્હેગાર ને પકડી શકાય અને મારી પ્રિયતમાના માથા ઉપર સતત ઝંબુળી રહેલ મૃત્યુઘાત ઉતરે અને દર વખત જેવો ખાલી ફેરો ન થાય પ્રભુ સહાય કરજે”

(ક્રમશઃ)

(વધુ રસિક ભાગ આવતા અંકે)