નિષ્ટિ - ૧૩- યુ નો ટી Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૧૩- યુ નો ટી

નિષ્ટિ

૧૩. યુ નો ટી....

દંપતિ એમની દીકરી વિષે વાતો કરી રહ્યું હતું.. પતિ બોલી રહ્યો હતો..

‘આપણી રીન્કુ જોને... જોત જોતામાં કેટલી મોટી થઇ ગઈ?’

‘હા.. સાચી વાત છે તમારી.. દિવસે નથી વધતી એટલી રાત્રે વધે છે અને રાત્રે નથી વધતી એટલી દિવસે વધે છે.’

દંપતીની વાત સાંભળી નિશીથ હસી પડ્યો... મિષ્ટીએ કારણ પૂછ્યું તો જણાવ્યું...

‘સ્ત્રી કોઈની દીકરી હોય ત્યારે દિવસે ના વધે એટલી રાત્રે વધે અને રાત્રે ના વધે એટલી દિવસે વધે.... પણ જયારે કોઈની પત્ની બને ત્યારે એના પતિને દિવસે ના વઢે એટલી રાત્રે વઢે અને રાત્રે ના વઢે એટલી દિવસે વઢે....’ અલબત્ત પેલું દંપતી ના સાંભળે એ રીતે એ બોલ્યો..

મિષ્ટી હસી પડી... હસતી હોય ત્યારે સુંદર મિષ્ટી વધુ મનમોહક લાગી રહી હતી..

‘સો ફની ઓફ યુ..... પણ સ્ત્રીઓ વિષે તારા આવા વિચાર છે? નોટ ગુડ....’

‘હું ખુબ સન્માન કરું છું સ્ત્રીઓનું.... ધીસ વોઝ જસ્ટ પન ઈન્ટેનડેડ..’

‘ઠીક છે..... ઠીક છે’ કહી મિષ્ટી ફરી હસી પડી...

આમને આમ મસ્તી કરતાં કરતાં બોરીવલી આવી ગયું અને એ દરમિયાન નિશીથને યાદ આવ્યું કે આજે રાત્રે તો ફોઈના ઘરે ડીનર લેવા જવાનું છે. બોરીવલી સ્ટેશનની બહાર નીકળ્યા પછી નિશીથે રીક્ષા હાયર કરી લીધી અને એના પપ્પાને ફોન કરી ત્યાર રહેવા જણાવી દીધું. મિશ્તીનું ઘર રસ્તામાં જ હતું એટલે એ પણ રીક્ષામાં જ ગોઠવાઈ ગઈ.

‘ભૈયા, યહા ખડી રખના જરા’.. મિષ્ટીનું ગંતવ્ય સ્થાન આવી ગયું.

‘બાય મિષ્ટી’... નિશીથ

‘વોઝ રીયલી અનબીલીવેબલી ફેન્ટાસ્ટીક ફર્સ્ટ ડે વિથ યુ નિશીથ... બાય... સી યુ ટુમોરો..’

‘સી યુ..’

રીક્ષા મિષ્ટીને ડ્રોપ કરી નિશીથના... હા... નિશીથના ફ્લેટ તરફ આગળ વધી...

‘યહા ખડી રખ દો ભૈયા....... ઔર હા મુઝે દસ પન્દ્રહ મિનીટ મેં દહીસર કે લિયે નિકલના હૈ.. આપ યહી પે હોના!!!’

‘ઓ કે સાબ.. આ જાઈએ ફટાફટ...’ આ દરમ્યાન નિશીથે અહી સુધી ચૂકવવાનું થતું ભાડું આપી દીધુ...

ફ્લેટ પર પહોંચીને નિશીથ ફટાફટ ફ્રેશ થઇ.. કપડાં બદલીને ડ્રોઈંગ રૂમમાં આવી ગયો. ગુણવંતભાઈ ઓલરેડી તૈયાર જ હતા...

‘સો.. રેડી ટુ ગો.., માય સન..’

‘યસ પપ્પા’

‘હાઉ વોઝ ધ ફર્સ્ટ ડે એટ ઓફીસ?’

‘એબસોલ્યુટલી સુપર ફેબ્યુલસ... ‘ કહી નિશીથે એના પપ્પાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા..

નિશીથના ફોનની રીંગ રણકી.. જોયું તો સિન્હા સાહેબ નો ફોન હતો..

‘વેલડન નિશીથ માય બોય... વેરી વેલડન..’

‘થેંક યુ વેરી મચ સર’

ગુણવંતભાઈએ હાથના ઈશારે શું થયું છે એ જાણવા કાજે પૃચ્છા કરી.. નિશીથે પછી જણાવું છું.. એમ ઈશારામાં જ કહી દીધું..

‘નિશીથ, તે તો પહેલી જ મિનીટમાં ગોલ ફટકારી દીધો... આઈ રીયલી લાઈક્ડ યોર goal done moments’

‘રાઈટ સર... આઈ એમ વેરી હેપ્પી ફોર ધેટ.... થેન્ક્સ અ લોટ ફોર ઓલ ધીસ.’

‘ઓ કે નિશીથ, એન્જોય યોર ડે.. એમ ઇગરલી વેઇટિંગ ફોર ટુમોરો ટુ મીટ યુ... અને હા... મારે ડ્રાઈવર જોડે વાત થઇ ગઈ છે.. આવતી કાલે સવારે એ ફ્લેટ પર પહોંચી જશે’

‘ઓ કે .. થેન્ક્સ એન્ડ ગુડ નાઈટ સર’

‘ગુડ નાઈટ’

‘ચાલો પપ્પા, નીચે રીક્ષાવાળા ભાઈ આપણી રાહ જોતા હશે, હું રીક્ષામાં જ તમને બધી વાત કરીશ’

બંને જણા લીફ્ટ દ્વારા નીચે પહોચ્યા તો રીક્ષાવાળો પણ રાહ જોઇને ઊભો જ હતો. રીક્ષામાં બેસીને સૌ પ્રથમ નિશીથે એના ફોઈ જોડે વાત કરી લીધી કે તેઓ થોડી વારમાં એમના ઘેર પહોચે છે. ત્યારબાદ તેણે તેના પપ્પા સાથે ઓફીસના પહેલા દિવસની વાતો શેર કરી. ગુણવંતભાઈની આંખો ફરી એક વાર ખુશીથી છલકાઈ ઊઠી. નિશીથની આંખો પણ કંઈ કોરી નહોતી.

મુંબઈ પહોચ્યા પછી પહેલી વાર નિશીથે મુંબઈની સડકો પર ટ્રાફિક જામનો અનુભવ કર્યો... અડધા કલાકે પહોચવા ધાર્યું હતું એની જગ્યાએ સવા કલાક થઇ ગયો ફોઈના ઘેર પહોચતા. ફોઈના ઘરે પહોંચીને નિશીથે ફોઈ ફૂઆના ચરણસ્પર્શ કર્યા તો સામે એ બંનેએ પણ વડીલ બંધુના આશીર્વાદ લીધા. ઘરના બાકીના સભ્યોએ પણ મળવાની ઔપચારિકતા પતાવી. નિશીથના ફોઈનો છોકરો જતીન કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતો હતો જેને આવવામાં હજુ કલાકેકની વાર હતી એટલે એ આવે પછી જ જમવા બેસવાનું નક્કી થયું.

બે રૂમ રસોડાનો ફ્લેટ નાનો પણ સુંદર હતો... મુંબઈ આવ્યા પછી સિન્હા સાહેબનો sms આવ્યો ત્યાં સુધીના નિર્ણય મુજબ નિશીથને થોડા સમય સુધી એના ફોઈના ત્યાં રહેવાનું હતું... અને અત્યારે તે એ સંદર્ભમાં ઘરને નિરખી રહ્યો હતો.. ફોઈના ઘરે તો એમને એમ જ જણાવ્યું હતું કે નિશીથને મુંબઈ થોડા દિવસ માટે કામ છે.

‘તમે બેસો, હું તમારા બંને માટે ચા બનાવી લાવું..’ નિશીથના ફોઈએ કહ્યું

‘ફોઈ, તમને યાદ નથી?? હું નાનપણથી જ ચા નથી પીતો... ભુલી ગયા કે શું? માત્ર પપ્પા માટે જ ચા બનાવો... આજે કદાચ બપોરે પણ નહિ પીધી હોય એમણે...’

‘સારું.. તો એમના એકલા માટે જ ચા બનાવી લાવું છું..’

‘થોડી મારા માટે પણ બનાવી લાવજો’ નિશીથના ફૂઆ વદ્યા..

‘હજી કલાક પહેલાં તો પીધી છે તમે’

‘સારું.. ચાલશે તો પછી’ ફૂઆએ ફોઈ આગળ સરન્ડર કરી લીધું. ફોઈના રસોડામાં ગયા પછી ફૂઆ નિશીથ તરફ વળ્યા..

‘તો ટુ ચા નથી પીતો એમ???? યુ નોટી [No tea] બોય!!!!!!’

ફૂઆના બાઉન્સરથી નિશીથ ડગી ગયો..... શ્લેષ બનાવવાની પોતાની આવડત પર એને આવડી મોટી જોબ મળી હતી અને એને એ પોતે અને એના સંપર્કમાંના ઘણા લોકો કુદરતી બક્ષિશ માનતા હતા. અને ફૂઆ એ રમત વાતમાં આટલો જોરદાર શ્લેષ રચી કાઢ્યો!!!!!

‘વાહ ફૂઆ વાહ... જબરું લાવ્યા’

‘તો પછી?’ ફૂઆ નિશીથ દ્વારા વખાણ સાંભળીને પોરસાયા.

‘ફૂઆ કોનાછો આખરે તમે?’ નિશીથે થોડી ક્રેડીટ કેશ કરી...

‘અરે તારા માટે તો મને બહુ જ માન છે બેટા.. તું પહેલાથી જ હોશિયાર તો છે જ પણ એટલો જ ડાહ્યો અને સમજ્દાર પણ છે.. આમ તો મારે તને કઈ કહેવાપણું છે જ નહિ... પણ એક કિમતી સલાહ આપું?’

‘અરે તમારે કંઈ પૂછવાનું હોય ફૂઆ?’

‘તું હંમેશાં સમજદારીથી જ કામ લે છે પણ દરેક માણસની અંદર એક ભગવાન અને એક શેતાન છુપાઈને બેઠો હોય છે.. મારો કહેવાનો મતલબ છે... દરેક માનસમાં અચ્છાઈ અને બુરાઈ સહઅસ્તિત્વ ધરાવે છે.. હવે અચ્છાઈ અને બુરાઈમાં કોણ કોના પર હાવી છે એ વાત પર એના વ્યક્તિત્વનો આધાર રહે છે. આપણી અંદર રહેલી બુરાઈના અંત માટે ના તો કોઈ યમરાજ આવશે કે ના કોઈ યમદૂત.. એના માટે તો સ્વ-યમ જ કંઇક કરવું પડે.’

‘અદભૂત... અદભૂત.. ફૂઆ.... યમ....રાજ.., યમ..દૂત.... અને વળી સ્વ...યમ..... માન ગયે..’

‘મને પણ ખૂબ મજા આવી તારી જોડે વાતો કરવાની...’

જતીન પણ હવે આવી પહોચ્યો હતો.. થાળીઓ પીરસાઈ ગઈ... બધા જમવા માટે ગોઠવાઈ ગયા. બધાની થાળીઓમાં જાત જાતની વાનગીઓ હતી પણ ફૂઅની થાળીમાં માત્ર ખીચડી અને દૂધ હતા...

‘ફૂઆ આમ કેમ?’ નિશીથે પ્રશ્ન કર્યો....

‘શું.... કેમ?’ પ્રતિપ્રશ્ન...

‘તમારી થાળીમાં માત્ર ખીચડી અને દૂધ?’

‘આ તો મારી રોજની ડીશ છે... દિવસે કઈ પણ ખાઈ લઉં પણ રાત્રે તો કોઈ ચેન્જ નહિ’

‘મને પણ એ જ જોઈએ છે’ નિશીથને ફૂઆની ખીચડી આગળ પોતાની થાળીમાં પીરસાયેલ પકવાન ફીકાં લાગી રહ્યાં હતાં.. પણ એનું કંઈ ચાલ્યું નહિ...

‘તો તારે કઈ બાજુનું કામ છે મુંબઈમાં?’ ફોઈએ પ્રશ્ન મૂક્યો

‘ખાઈને શાંતિથી વાત કરીએ’

બધા જામી રહ્યા પછી શાંતિથી વાતે બેઠા. એ દરમ્યાન નિશીથને એના પપ્પાએ જણાવી દીધું કે તેઓ રાત્રે અહી જ રોકાશે અને વહેલી સવારે રીક્ષા કરીને ફ્લેટ પર પહોચશે. નિશીથને પણ એ જ યોગ્ય લાગ્યું.

‘હા તો હવે બતાવો નીશીથભાઈ....’

‘ફોઈ.... ફૂઆ..... એકચ્યુઅલી મને મુંબઈમાં જોબ મળી છે.. ‘

‘શું વાત કરે છે? અને તું અમને છેક અહી આવી ગયા પછી જણાવે છે?’

‘એમાં એવું છે ને.. કે.... આમ તો મારે તમારા ઘેર જ રોકાવાનું હતું... એટલે અહીં આવીને પછી સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું...’

‘ઓહો... જોયા ના હોય તો મોટા સરપ્રાઈઝ આપવા વાળા? અને રોકાવાનું હતું એટલે???? હવે ક્યાં રોકવાના છો મહાશય? અને બાય ધ વે..... નોકરી ક્યાં લાગી છે એ તો કહો?’

‘સોપાન કોમ્યુનિકેશન... એક બહુ મોટી એડ એજન્સી છે.’

‘એન્જીનીયર થઈને એડ એજન્સીમાં? મજાક તો નથી કરતો ને નિશીથ?’જતીન પણ હવે વાતમાં જોડાયો..

‘સાચું કહું છું જતીન ભાઈ... ખરું કહું તો આજે પહેલો દિવસ ભરીને પણ આવ્યો...’

‘ના હોય!!! પણ એટલી સરસ જોબ છોડીને આવી જોબ લેવાની શી જરૂર હતી? તારી જોબ પ્રોફાઈલ શું છે?’

‘હેડ – ક્રિએટીવ ટીમ..’

‘વાહ.... પણ કયા બેઝ પર??? મને તારી આવડત પર પૂરો ભરોસો છે એટલે ખોટું નાં લગાડતો... પણ એક એન્જીનીયર થઈને સીધા એડ એજન્સીમાં આવડી મોટી પોસ્ટ પર એપોઇન્ત્મેન્ટ!!!!! અહો આશ્ચર્યમ!!!! તને ખાતરી તો છે ને કે તું આ કરી શકીશ?’

‘ભાઈ.... આજે પહેલા જ દિવસે એક મોટી કંપની જોડે ડીલ ફાઈનલ કરી.... એટલે હવે વાંધો નહિ આવે’

‘કોન્ગ્રેચ્યુલેશંસ.. નિશીથ’ જતીન એના નાના ભાઈને ભેટી પડ્યો..

‘થેંક યુ બડે ભૈયા....’

ફોઈ અને ફૂઆએ પણ નિશીથને અભિનંદન આપવાના અભિયાનમાં ઝંપલાવ્યું. પછી તો નિશીથે અથ થી ઇતિ સુધી પૂરી કહાણી સંભળાવી...

ખૂબ જ સરસ પગારવાળી નોકરી અને એ પણ રહેવાની સગવડ સાથે..... બધાના દિલ બાગ બાગ થઇ ગયાં... વાત ચાલતી હતી એ દરમ્યાન જતિનની વાઈફ પણ રસોડાનું કામ આટોપીને બેઠકમાં સામેલ થઇ ગઈ અને એનાં બાળકો પણ હોમવર્ક પતાવીને આવી પહોચ્યાં..’

ફોઈએ પણ તિજોરીમાંથી પૈસા કાઢી આવીને જતીનને કહ્યું...

‘જા જતીન.... આપણા બધાની માટે મસ્ત મજાનો આઈસ્ક્રીમ લઇ આવ’

‘મારા માટે પણ લાવજે જતીન... આજે તો હું પણ ખાઈશ’... ફૂઆ પણ ઉત્સાહિત જણાતા હતા..

‘પણ ફોઈ.... પાર્ટી તો મારે આપવાની હોય...’

‘હા એ તો આપવી જ પડશે ને.... પણ આઈસ્ક્રીમ પાર્ટીથી થોડું ચાલશે? ગ્રાન્ડ પાર્ટી આપવી પડશે...’ જતીને નિશીથના ખભે હાથ મૂકીને કહ્યું..

‘ડન.. મોટી પાર્ટી આપીશ.. ચાલો હું પણ આવું છું તમારી જોડે ભાઈ..’

નિશીથ અને જતીન બંને આઈસ્ક્રીમ લેવા માટે ઉપડી ગયા... રસ્તામાં જતાં આવતાં નિશીથે ઈન્ટરવ્યુંથી લઈને આજ સાંજ સુધીની બધી જ વાત જતીનને કહી સંભળાવી જેમાંથી ઘણીખરી વાતો તો હમણાં ઘેર કહી એ જ રીપીટ થતી હતી... જતીન નિશીથનો ઉત્સાહ સમજી શકતો હતો.

જતીને ધીરેથી નિશીથને કહ્યું... ‘જતી વખતે તો કંઈ વાંધો નહોતો પણ હવે જલ્દી ઘેર નહિ પહોચીએ તો આઈસ્ક્રીમ પ્યાલામાં લઈને પીવો પડશે’

નિશીથ પણ પોતાની મૂર્ખતા પર હસી પડ્યો... ‘સોરી જતીનભાઈ... આજે હું મારી વાત કરવામાં અતિ ઉત્સાહને કારણે ભૂલી જ ગયો..’

‘સમજી શકું છું’

નિશીથ અને જતીન આઈસ્ક્રીમ લઈને પહોચ્યા એ દરમ્યાન ફોઈ અને ફૂઆએ નિશીથના પપ્પાને નિશીથના લગ્ન વિષે પૃચ્છા કરી લીધી પણ ગુન્વાન્તભાઈ પણ સંતોષકારક રીતે કોઈ જવાબ નાં આપી શક્યા... એમણે પણ હજુ સુધી ગંભીરતાથી કંઈ વિચાર્યું નહોતું.. નિશીથ અને જતીનને આઈસ્ક્રીમ લઇ પરત આવેલા જોઈ એમને પણ હાશ થઇ...

બધાએ નિરાંતે આઈસ્ક્રીમને ન્યાય આપ્યો અને વાતો કરતાં કરતાં સૂઈ ગયાં...’

સવારે નીકળતી વખતે ગુણવંતભાઈને રોકાઈ જવાનો આગ્રહ કરવામાં આવ્યો તો તેમણે આજે નિશીથની ઓફિસમાં જવા અંગે જણાવ્યું અને ખાતરી આપી કે તેઓ મુંબઈમાં હજુ અઠવાડિયા સુધી રોકવાના છે એ દરમ્યાન નિશીથ સાથે બે ત્રણ દિવસ માટે અહી રોકાવા આવી જશે..

ગુણવંતભાઈ અને નિશીથ ફલેટમાંથી નીચે ઊતરીને રીક્ષા કરીને બોરીવલી જવા માટે રવાના થઇ ગયા......

ક્રમશ:.......