Party Time - 1 books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - ૧ - પાર્ટી ટાઇમ

નિષ્ટિ

૧. પાર્ટી ટાઇમ-૧

બપોર પછીનો લગભગ એકાદ વાગ્યા પછીનો સમય છે. ભારતભરની મશહૂર એડ. એજન્સી સોપાન કોમ્યુનીકેશનમાં એકદમ ખુશનુમા વાતાવરણનું સામ્રાજ્ય છે. કંપનીના દરેક કર્મચારીનો ઉત્સાહ છલકાઈને દેખાઈ આવે છે. કામકાજનો સમય હોવા છતાં આજે કોઈનું કામમાં મન ચોટતું નથી. હકીકતમાં આજે કામ કરવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ પણ નથી. બધા જ કર્મચારીઓ જલ્દીમાં જલ્દી ઘેર ભાગી જઈને પોતાના પરિવાર સહિત હોટેલ તાજમાં આયોજિત શાનદાર પાર્ટીમાં ઉપસ્થિત થવા અધીરા બની રહ્યા છે.

એટલામાં રોજની જેમ જ દેશની પ્રખ્યાત કુરિયર કંપનીનો ડીલીવરી બોય રાજેશ ત્યાં આવી પહોચે છે. પોતાની ઓફીશીઅલ ઔપચારિકતા પતાવીને એણે વાતવાતમાં ઓફિસની લવલી ગર્લ લીલીને પૂછ્યું.

“શું વાત છે મેડમ? આજે તમારી ઓફિસનું વાતાવરણ કેમ કંઇક અલગ અલગ લાગે છે? કોઈ ખાસ વાત છે કે શું?”

“હા, આજે રાત્રે હોટલ તાજમાં ગ્રાન્ડ પાર્ટી છે”

“કેમ? શેઠની બર્થ ડે છે કે શું?

“ના, નીષ્ટિભાઈને કંપની જોઈન કર્યે આજે પાંચ વર્ષ પુરા થયા. એમની જોઈનીંગ ડેટની બધી વર્ષ ગાંઠ સિન્હા સાહેબ અચૂક ઉજવે જ છે. અને હા આજે તો સિન્હા સાહેબ નીષ્ટિભાઈને કોઈ સરપ્રાઈઝ ગીફ્ટ આપવાના છે કે જે એમણે સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય”

“હા મેડમ, સિન્હા સાહેબ ને તમે લોકો થોડું અમસ્તું મસીહા સાહેબ કહો છો? મને પણ આવા શેઠિયાના ત્યાં જોબ કરવાની મજા આવે. મારા લાયક કોઈ જોબ હોય તો જો જો ને મેડમ. પગાર ઓછો હોય તો પણ ચાલશે.”

રાજેશની વાત સાંભળીને લીલીનો ચહેરો એના સિગ્નેચર સ્માઈલ થકી લાલ બની ગયો. એણે વિચાર્યું કે રાજેશની વાત સાવ સાચી છે. કંપનીના સીએમડી એવા શ્રી શત્રુઘ્ન સિન્હા સાહેબ એક એવા ઇન્સાન છે કે કોઈ પણ એમની કંપનીમાં નોકરી કરવા તૈયાર થઇ જાય. પહેલાં સૌ એમને સિન્હા સાહેબ કહેતા હતા પણ કંપનીના દરેક કર્મચારીને એ હંમેશા પ્રોત્સાહિત કરતા. દરેકના સુખ દુઃખમાં સાથે રહેતા એટલે ક્યારે એમનું નામ મસીહા સાહેબ પડી ગયું એની તો કોઈને ખબર જ નથી.

અને એમના આવા જ સ્વભાવના પરિપાક રૂપે નિષ્ટિભાઈની જોઈનીંગ ડેટની ઉજવણી નિયમિત રૂપે થાય છે. નિષ્ટિ એટલે કંપનીના ક્રીએટીવ હેડ મિ. નિશીથ મેહતા.. કંપની જોઈન કર્યાના પાંચ વર્ષમાં આજે એમણે કંપનીને જે સ્થાને પહોચાડી છે એના લીધે આજે સમગ્ર કંપનીમાં તેમનું સ્થાન અનોખું છે. ઓફિસબોય મનીષને નિશિથભાઈ બોલતાં નહોતું ફાવતું અને એ નિષ્ટિભાઈ કહેતો હતો અને આમ પણ પોતાની આવડત અને નિષ્ઠાથી નિશીથે કંપનીને સફળતાના શિખરોની સફર કરાવી હતી એટલે નિષ્ટિભાઈ નામ પણ સાર્થક બનતું હતું એટલે પછી બધા જ એમને નિષ્ટિભાઈ કહીને જ સંબોધવા લાગ્યા.

આજે ઓફિસમાં પાર્ટી મનાવવાનો ઉત્સાહ તો દેખતાં જ બનતો હતો. પુરુષ વર્ગ પાર્ટીમાં કોણ કોણ આવશે.. મેનુમાં શું શું હશે... કોઈ સેલીબ્રીટી આવશે કે નહિ... એવી ચર્ચામાં વ્યસ્ત છે તો લેડીઝ સ્ટાફ મેમ્બર્સ કોણ શું પહેરીને આવશે તેની વાતો કરી રહી છે. કોઈ બનારસી સાડી પહેરીને આવશે તો કોઈ અનારકલી ડ્રેસ તો વળી કોઈ સલવાર કમીઝ પહેરવાની વાત કરી રહ્યું છે. નવી પેઢીની છોકરીઓ કહે છે તમારે જે પહેરવું હોય તે પહેરજો અમે તો જીન્સ - ટી શર્ટ કે કુર્તી લેગીન્સ પહેરીને આવશું. તો વળી પાછું કોણ કેવી હેર સ્ટાઈલ કરશે.. કપાળમાં ચાંલ્લો કરશે કે નહિ.. પગરખાં કેવાં પહેરશે ફ્રેગરન્સ કયું છાંટશે વગેરે વગેરે વાતો ચાલી રહી છે.. આ બધાની પાછળ હકીકત એ છે કે દરેક જણ પાર્ટી ને લઈને અત્યંત ઉત્સાહિત છે અને પાર્ટીની વાતો કરતાં કોઈ ધરાતું જ નથી.

પાર્ટીને લઈને થતી અલગ અલગ તરેહની વાતોમાં સૌથી કોમન કોઈ વાત હોય તો એ છે સરપ્રાઈઝ ગીફ્ટ. કોઈ કહે છે નિષ્ટિભાઈને અત્યાધુનિક એસયુવી કાર ગીફ્ટ મળશે તો કોઈ કહે છે જુહુ માં ફુલ્લી ફર્નિશ્ડ ફ્લેટ મળશે તો કોઈ કહે છે એમને કદાચ કંપનીમાં અમુક ટકાની ભાગીદારી પણ મળી જાય. જેટલા મોઢા એટલી વાતો છે.

આ બધી વાતોમાં જો કોઈ રોજીંદા કામમાં વ્યસ્ત હોય તો એક નિષ્ટિભાઈ અને બીજી એક એવી વ્યક્તિ જેને જોઇને કોઈ પણ વ્યક્તિ ફિદા થઇ જાય. અને એનો અવાજ એટલે જાણે કામધેનુની કંઠે બાંધેલી સતત મીઠું મીઠું રણક્યા કરતી ઘંટડી જ જોઇલો. અને એને સાર્થક કરતુ હોય એમ તેનું નામ પણ પહેલીવાર સાંભળતાં મદહોશ કરી દે એવું.... હા .. મિષ્ટી એનું નામ...

આ મિષ્ટી એટલે નિષ્ટિભાઈની ક્રીએટીવટીમનું એક મહત્વનું અંગ. નિષ્ટિભાઈ જેટલા કામ માટે પ્રતિબદ્ધ અને નિષ્ઠાવાન, મિષ્ટી એટલી જ સુઝબુઝ ધરાવતી અને કાર્યશીલ છોકરી. ખરૂ પૂછો તો બંનેની કામ કરવાની રીત અને અનોખી કેમેસ્ટ્રીના લીધે જ કંપની આ સ્થાને પહોંચી શકી હતી.

આજની પાર્ટીને લઈને જે ઉત્સાહના માહોલમાં આખી કંપની ખળભળી રહી હતી એનું જે એપી સેન્ટર હતું ત્યાં તો નિષ્ટિભાઈ અને મિષ્ટી બંને રાબેતા મુજબ પોતાના કામમાં ગળાડૂબ હતાં કેમ કે આવતી કાલે એક અગત્યના ક્લાયન્ટ જોડે નવી એડ ની સ્ક્રીપ્ટ માટે ફાઈનલ મીટીંગ કરવાની હતી અને સ્ક્રિપ્ટને આખરી ઓપ આપવા માટે આ બંનેનું કામ કરવું અત્યંત અગત્યનું હતું. ક્રિએટીવ ટીમનો બાકીનો સ્ટાફ પણ સ્ક્રિપ્ટને લગતું પોતાનું કામ પતાવીને પાર્ટી મૂડમાં ઓફીસ ના બાકીના કર્મચારીઓ જોડે ગપ્પાબાજી કરવામાં લાગી ગયો હતો.

એડ સ્ક્રીપ્ટની ઉપર નજર ફેરવતાં નિષ્ટિને એમાં કંઇક ફેરફાર કરવાની જરૂરિયાત જણાય છે. એના માટે એ ગપ્પા મારવામાં વ્યસ્ત બની ગયેલા ત્રિનાદ ને બોલાવે છે.

“સોરી ત્રિનાદ તને ડીસ્ટર્બ કરવા બદલ. પણ અગત્યનું કામ હતું,”

“અરે એમાં સોરી શાનું સર!!! આ પાર્ટી જ તમારા લીધે થઇ રહી છે ને... ઉલટા નો અમારે તમારો આભાર માનવો જોઈએ”

“ અરે આભાર વાળી જોઈ ના હોય તો. બહુ ખુશ છે ને આજે તો...”

“સર એક વાત પૂછું?”

“પૂછને...”

“સર, ગુણનું વિરુદ્ધાર્થી શું થાય?”

“અવગુણ.. તે શું છે એનું?”

“ બરાબર.. જેમ ગુણનું વિરુદ્ધાર્થી અવગુણ થાય એમ મારી સમજણ પ્રમાણે સરનું વિરુદ્ધાર્થી અવસર થાય. હવે તમે અમારા સર છો એટલે અમે ‘અવસર’ સિવાય શું પામી શકીએ.. એટલે આજનો અવસર અમારા માટે અમૂલ્ય છે.”

‘અલ્યા તું તો જબરો અવસરવાદી નીકળ્યો. લાગે છે મારે હવે સંભાળવું પડશે. મારી સીટ તું જોખમમાં લાવી દઈશ”

નિષ્ટિની કેબીનમાં હાસ્યનું હુલ્લડ રચાઈ જાય છે.

ત્રિનાદ પોતાનું કામ પતાવીને પાછો ગપાટા મારવા ચાલ્યો જાય છે. નિષ્ટિ અને મિષ્ટી વળી પાછાં એમના કામમાં ડૂબી જાય છે.

એટલામાં ઓફિસની બહાર કોલાહલ મચી જાય છે. ઓફિસમાં શું થયું હશે એની ચર્ચા ચાલુ થઇ જાય છે. ત્રિનાદ એની ટોળકીને લઈને બહાર પહોચી જાય છે. ત્રિનાદ ઓફીસનું એક હરફનમૌલા વ્યક્તિત્વ છે. પોતાના ક્રીએટીવટીમના કામ સિવાય ઓફીસના કોઈપણ વ્યક્તિને ઓફિશીયલ કે વ્યક્તિગત કામ હોય તો ત્રિનાદ પાસે એનો ઉકેલ ના હોય એવું ભાગ્યે જ બને.

બહાર જઈને જોયું તો બાજુની ઓફીસના મેનેજર ક્યાંક બહારથી આવતા હતા અને મોબાઈલ પર વાતો કરતાં કરતાં ઓફિસમાં પ્રવેશી રહ્યા હતા એ જ વખતે કોઈ પંદરેક વર્ષનો છોકરો તેમના હાથમાંથી મોબાઈલ ઝુંટવીને ભાગી રહ્યો હતો અને માંડ પંદર વીસ ફૂટ ભાગ્યો હશે ત્યાં સિક્યોરીટી ગાર્ડે તેને ઝડપી લીધો હતો. આસપાસના લોકો ભેગા મળીને તેને ઘેરી વળ્યા હતા. કોઈ તેને મારી રહ્યું હતું તો કોઈ ટપલી દાવ રમી રહ્યું હતું. મોબાઇલ પાછો મેળવવા કરતાં બધાને મળેલા મોકાનો મહત્તમ લાભ લેવામાં રસ હતો. કહોને.... કે વહેતી ગંગામાં સહુ હાથ ધોઈ રહ્યા હતા,

ત્રિનાદે ત્યાં પહોચીને મોરચો સાંભળી લીધો. ત્રિનાદ જેટલો વ્યવહારુ હતો એટલો જ દયાળુ પણ હતો. કોઈ ગુનેગારને પણ માર ખાતાં જોઈ શકતો નહોતો.

તેણે પેલા છોકરાને બધાથી અળગો કરી પોતાની રીતે પૂછતાછ શરુ કરી.

“તે આ સાહેબનો મોબાઈલ લીધો છે?”

“હા સાહેબ.. ભૂલ થઇ ગઈ સાહેબ.. ફરી આવું ક્યારેય નહિ કરું સાહેબ... લો આ મોબાઈલ... મને મારતા નહી સાહેબ.... મને ઘેર જવાદો..” પેલો છોકરો રડતાં રડતાં બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો.

“તે મોબાઈલ તો પાછો આપી દીધો પણ તે ગુનો કર્યો છે એટલે પોલીસને જાણ તો કરવી જ પડશે”

“હા હા હા...પોલીસને જાણ કરો... આવા લોકો જેલના સળિયા ગણશે તો જ સીધા થશે” ટોળાએ સૂર પુરાવ્યો.

“ના સાહેબ... મને માફ કરી દો.... મારી મા રાહ જોતી હશે સહેબ.... તમારી ગાય છું સાહેબ.. મને છોડી દો.....” હવે છોકરો કાન પકડીને કરગરવા લાગ્યો..

“ના ના.... જો જો એવું કરતા... આને છોડી દઈશું તો ફાવતું જડશે.... ફરીથી આવું કરવાનું પ્રોત્સાહન મળશે... પોલીસ તો બોલાવવી જ પડશે.” ટોળું ઉવાચ..

પેલો છોકરો હળવેથી પેન્ટના ખિસ્સામાંથી નાનકડું ચાકુ કાઢીને પોતાના કાંડા પર ધરી દે છે અને રડતાં રડતાં બોલે છે.. “પોલીસને ના બોલાવતા સાહેબ... પોલીસને બોલાવશો તો હું મારા કાંડા પર ચાકુ ફેરવી દઈશ.... હું અહી ને અહી જ મરી જઈશ... પછી જેવી તમારી મરજી...”

જે ટોળું બે મિનીટ પહેલાં વિરતા દેખાડી રહ્યું હતું એમની વિરતા પળભરમાં ટાંય ટાંય ફીશ થઇ ગઈ. ઘડીભરમાં તો ટોળું વિખેરાઈ ગયું... “એ તો મરતાં મરશે પણ આપણને પણ મારતો જશે” વિખેરાતા ટોળાનો એકમત..

ત્રિનાદે મોબાઈલ તેના માલિકને સુપ્રત કર્યો પછી છોકરાના ખભે પ્રેમથી હાથ મૂકીને કહ્યું,

“જો દોસ્ત... જીવનમાં કોઈ પણ મજબૂરી હોય... ખોટા કામ કદી ના કરવા જોઈએ.... હું સમજી ગયો છું કે તારી માને આ ખરાબ કામ નથી ગમતા અને તું બીજા કોઈના ઈશારે આ કામ કરી રહ્યો છે. હવેથી આવું ના કરતો”

પછી એ છોકરાને નજીકની રેસ્ટોરાંમાં ભરપેટ નાસ્તો કરાવીને ત્રિનાદ ઓફિસમાં પાછો ફર્યો. સ્ટાફના બધા લોકો ઘેર જવા નિકળી રહ્યા હતા જેથી તૈયાર થઈને પરિવાર સહીત તાજ હોટેલમાં પહોચી શકાય. નિશીથ ભાઈ અને મિષ્ટી ઓફિસની કારમાં જ સીધા તાજ જવા નીકળી જવાના હતા કેમકે નિશીથભાઈ મુંબઈમાં એકલા હતા જયારે અપરિણીત એવી મિષ્ટીના મમ્મી પપ્પાએ પાર્ટીમાં આવવાની ના પડી હતી.

ત્રિનાદને રિલેક્ષ મૂડમાં પાછો આવેલો જોઈ નિશીથભાઈએ પૂછ્યું.. “શું ત્રિનાદ? પાર્ટીમાં આવવાનો છે કે નહિ? તારી ગર્લફ્રેન્ડને પણ લેતો આવજે... હું સિંહા સાહેબને વાત કરી લઈશ... ગભરાતો નહિ પાછો”

“જવાદો ને સાહેબ... પાર્ટીનો મૂડ ના બગાડો. એ છોકરી સાથે તો બ્રેક અપ થઇ ગયું. પછી ક્યારેક માંડીને વાત કરીશ”

“ઓહ સોરી.. જો એમ જ હોય તો ચાલને અમારી સાથે કારમાં બેસી જા. ઘેર પાછા જવાની શું જરૂર છે? હા પણ અમે તો હોટેલમાં જ કપડાં બદલવાના છીએ અને પૂરી તૈયારી સાથે આવ્યા છીએ. તું કેમનું કરીશ?”

“ઓ. કે. ડોન્ટ વરી.. હું હંમેશા એક એકસ્ટ્રા નવી જોડ સાથે રાખું જ છું જે આવા ટાઈમે કામ આવી જાય “

નિશીથ, મિષ્ટી અને ત્રિનાદ ઓફીસના બાકીના લોકોના ગયા પછી ઓફિસની કારમાં તાજ હોટેલ જવા માટે રવાના થયાં. ત્રિનાદ ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠો. નિશીથ અને મિષ્ટી પાછળની સીટમાં બેઠા અને ડ્રાઈવરે કાર એના ગંતવ્ય સ્થાન તરફ હંકારી મૂકી.

કાર મુંબઈની સડકો પર પૂરપાટ દોડ્યે જતી હતી.. આકાશમાં મેઘ મંડાણો હતો. નિશીથ કાર્યભારને લીધે હમણાં સુધી આવતી કાલની મીટીંગનું વિચારી રહ્યો હતો એ હવે આજની પાર્ટી વિષે મંથન કરવા લાગ્યો. કાર જે માર્ગ પરથી પસાર થઇ રહી હતી ત્યાં આગળ ટ્રાફિક જામ જેવું જણાતાં ડ્રાઈવરે બીજા માર્ગે જવાનું નક્કી કર્યું.. એણે ગાડીને રીવર્સ ગિયરમાં લીધી... તો ગાડી માં બેઠેલાં નિશીથના મનમાં ચાલતા વિચારોએ પણ રીવર્સ ગિયરમાં મનની ગાડીને પાંચ વર્ષ પહેલાના સમયમાં પહોંચાડીને ધીમી ગતિએ હંકારવાનું શરુ કર્યું.... પાંચ વર્ષ પહેલાં આજના જ દિવસે સિન્હા સાહેબની કેબીનમાં નિશીથે સ્ક્રીપ્ટ રાઈટર તરીકેની જોબ માટે ઈન્ટરવ્યું આપ્યો હતો......

ક્રમશ:..............................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED