નિષ્ટિ - ૧૨ - પહેલો દિવસ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૧૨ - પહેલો દિવસ

નિષ્ટિ

૧૨. પહેલો દિવસ..

ડ્રાઈવરે જેવી કાર ઊભી રાખી તો બ્લેક ટી શર્ટ અને બ્લુ જીન્સમાં સજ્જ એક છોકરી કારનો ડોર ખોલીને પાછળની સીટ પર ગોઠવાઈ. સીટ ઉપર બેસીને એણે એના તેજોમય ગૌર ચહેરા પરથી ગોગલ્સ ઊતર્યા ત્યારે નિશીથે જોયું કે આ તો પેલું મીણનું પૂતળું!!!!!

મિષ્ટી પણ નિશીથને ઓળખી ગઈ... સિન્હા સાહેબે આમ પણ એને નિશીથની એપોઇન્ટમેન્ટથી ઓલરેડી અવગત કરી દીધેલ... વાતની શરૂઆત મિષ્ટીએ જ કરી...

‘કોન્ગ્રેચ્યુલેશંસ મિ. નિશીથ મેહતા.... યુ આર રીયલી અ લકી ગાય... વેલ કમ ટુ ધ વર્લ્ડ ઓફ સોપાન કોમ્યુનીકેશન..’

‘થેંક યુ વેરી મચ..’

‘કદાચ તમે મને નહિ ઓળખતા હોવ પણ સિન્હા સાહેબે મને તમારા વિષે જણાવ્યું છે.. અને તમે ઈન્ટરવ્યું આપવા આવ્યા ત્યારે તમને જોયા હતા એટલે અત્યારે તમને જોઇને ઓળખી ગઈ. મારું નામ છે..’

‘મિ... મિ..... મિ.. ‘ નિશીથ જરા થોથવાયો..

‘રાઈટ મિ. મેહતા... આઈ એમ મિ. મિષ્ટી પંડ્યા’

મિષ્ટીએ સ્પષ્ટતા કરતા નિશીથને હાશ થઇ.. નહીતર ખરેખર તો એ ‘મીણનું પૂતળું’ બોલવા જતો હતો... મિષ્ટીને લાગ્યું કે કદાચ ડ્રાઈવરે નિશીથને એનું સાચું નામ કહ્યું હશે.

કારની મુસાફરી દરમ્યાન જાણવા મળ્યું કે મિષ્ટી નિશીથના જ ડીપાર્ટમેન્ટમાં હતી. મિષ્ટીની અસ્ખલિત વાકધારા અને એમાં રહેલ બુદ્ધિમત્તા પરથી નિશીથ વિચારી રહ્યો કે એડ સ્ક્રીપ્ટ માટે જરૂરી સર્જનાત્મકતાની રીતે મિષ્ટી એકદમ પરફેક્ટ છે.. પોતે અજાણ્યા ફિલ્ડમાં આટલું મોટું જોખમ ખેડી લીધું છે તો આ લોકો આગળ પોતે ક્યાંય બુદ્ધુ તો સાબિત નહિ થાય ને????

છેવટે કાર કંપની આગળ આવીને ઊભી રહી. નિશીથે કંપનીના મુખ્ય દરવાજા આગળ શીશ ઝુકાવી ઓફિસમાં પ્રથમ વખત કર્મચારી તરીકે વિધિવત પ્રવેશ કર્યો. રીસેપ્શન પર બિરાજમાન લીલીએ નિશીથને વેલકમ સ્માઈલ આપ્યું.. નિશીથે પણ સ્માઈલનો વળતો ઘા કર્યો. સૌ પ્રથમ તો મિષ્ટી નિશીથને એની કેબીન તરફ દોરી ગઈ. નિશીથને એની ચેર પર વિનંતી પૂર્વક બેસવાનું જણાવી... નિશીથના ચેર પર સ્થાન ગ્રહણ કરતાં જ તાળીના ગડગડાટથી એ અમૂલ્ય ક્ષણને વધાવી લીધી... નિશીથ પણ આવા અણધાર્યા આરંભથી હતપ્રભ બની ગયો. એણે મનોમન વિચાર્યું કે જો આવી શરૂઆત થઇ છે તો સ્ટાફ મેમ્બર્સ જોડે અનુસંધાન કેળવવામાં ખાસ મુશ્કેલી નહિ પડે. અને ખૂબસૂરત અને મનમોહક મિષ્ટી જેવી આસિસ્ટન્ટ જો એની પુર્ણત: આવડતથી કામમાં મદદ કરશે તો તે પોતે પણ અત્યંત વિશ્વાસપૂર્વક કામ કરી શકશે.

‘તમે ચા લેશો કે કોફી?’ મિષ્ટિએ પૂછ્યું.

‘ચા તો હું પીતો જ નથી.. કોઈક વાર કોફી પી લઉં છું.. કોફી ચાલશે.. થેન્ક્સ’

‘મનીષ, નિશીથભાઈની કેબીનમાં બે કપ કોફી લઇ આવજે ને..’ મિષ્ટીએ ફોન પર ઓફિસબોય મનીષને જણાવ્યું.. ગઈકાલે મનીષે જ નિશીથની કેબીન સાફસૂફ કરી હતી એટલે તેને નિશીથના આગમનની જાણ હતી..

એટલામાં ક્રિએટીવ ટીમનો વધુ એક મેમ્બર ત્રિનાદ ત્યાં આવી પહોચ્યો.

‘ઓહ... આવી ગયા સર... વેલકમ.... વેલકમ.... એન્ડ કોન્ગ્રેચ્યુલેશંસ’ ત્રિનાદે નિશીથ સાથે હસ્તધૂનન કર્યું.

‘થેન્ક્સ અ ટન... ‘ નિશીથનો સસ્મિત પ્રત્યુત્તર...

‘આવ ત્રિનાદ બેસ...’ કહી મીષ્ટિએ ફોનનું રીસીવર ઉઠાવ્યું,

‘રહેવા દો મેડમ, હું મનીષને મારી ચાનું કહીને જ આવ્યો છું, તમે ફોન ના કરતા’

‘ઓ કે.. ઓ કે......... મિ. નિશીથ..., ધીસ ઈઝ ત્રિનાદ.. એન ઈમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ અવર ક્રિએટીવ ટીમ’

‘ગ્લેડ ટુ મીટ યુ ત્રિનાદ. હોપ વિ ટુ ગેધર વિલ મેક એન એક્સેલન્ટ ટીમ’ નિશીથનો ઉમળકાભેર પ્રતિસાદ.

એટલામાં મનીષ ચા કોફી લઈને આવી પહોચ્યો.

મિષ્ટીએ મનીષને કહ્યું.. ‘મનીષ, આ નિશીથભાઇ, આપના નવા સાહેબ.. તારે એમનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ ફરિયાદ નાં આવવી જોઈએ’

‘જી મેમસાબ, કોઈ ફરિયાદ નહિ આવે’

‘નામ યાદ રહી ગયુંને બરાબર??’

‘હા, નિષ્ટિભાઇ..’

મિષ્ટી અને ત્રિનાદ ખડખડાટ હસી પડ્યા...નિશીથ થોડો છોભીલો પડ્યો..

‘સરસ નામ ગોતી લાવ્યો મનીષ... અમારા ડીપાર્ટમેન્ટમાં આ બંનેની જોડી જામશે.. નિષ્ટિ અને મિષ્ટી.. વાહ વાહ મનીષ વાહ’

હવે મિષ્ટી પણ ચૂપ થઇ ગઈ...

ચા કોફી પતાવીને મિષ્ટી અને ત્રિનાદ નિશીથને ઓફીસના કામકાજ અંગે બ્રીફ કરવામાં લાગી ગયા.. હવે લંચનો સમય હતો.. મિષ્ટીએ નિશીથને બહારથી લંચ મંગાવી આપવાની વાત કરી તો નિશીથે સવારે ભરપેટ નાસ્તો કર્યો હોઈ જમવા અંગે અનિચ્છા દર્શાવી.

લંચ અવરમાં નિશીથ ઓફીસની બહાર નીકળી ગયો. ફ્રુટ જ્યુસ પીવાની ઈચ્છાએ રોડ વટાવીને સામે છેડે આવેલી એક નાની છતાં સુઘડ રેસટોરોમાં પ્રવેશ્યો.. એણે જ્યુસ મોઢે માંડ્યો જ હતો ત્યાં એના આશ્ચર્ય વચ્ચે મિષ્ટી આવી પહોચી.

‘ઓહ.. તમે અહી? પહેલાં ખબર હોત તો આપણે જોડે જ આવ્યા હોત ને? મારે આજે ઉપવાસ છે એટલે જ્યુસ જ પીવાનો છે.’

નિશીથ નિ:શબ્દ બેસી રહ્યો. નિશીથે પાઈનેપલ જ્યુસનો ગ્લાસ પતાવ્યો એટલામાં મિષ્ટિનો ઓરેન્જ જ્યુસ આવી પહોચ્યો... નિશીથ ઊભો થવા જતો હતો તો મિષ્ટીએ જ્યુસ પીતાં પીતાં એને હાથ વડે થોભવા માટે ઈશારો કર્યો.. જ્યુસ પીધા પછી બંને થોડી વાર સુધી ત્યાં જ બેસીને વાત કરતા રહ્યા. એ દરમ્યાન મિષ્ટીએ ક્યારે બિલ ચૂકવી દીધું એ નિશીથને ખબર પણ ના પડી.. વેઈટર બિલ અને પૈસા કાઉન્ટર પર જમા કરાવી બાકી ના પૈસા પાછા આપવા આવ્યો ત્યારે નિશીથને ખબર પડી કે મિષ્ટીએ પૈસા ચૂકવી દીધા છે પણ એને થયું કે મિષ્ટીએ એક જ જણના પૈસા ચૂકવ્યા હશે કે બંનેના? હવે એવું મિષ્ટીને સીધું પૂછાય તો નહી અને જો એણે એક ના જ ચૂકવ્યા હોય તો એમનેમ બહાર પણ ના નીકળી જવાય. એટલે એણે જાણી જોઇને મિષ્ટીને આગળ જવા દીધી અને કાઉન્ટર પર પહોચીને મેનેજરને પૂછ્યું.

‘એક પાઈનેપલ જ્યુસના કેટલા આપવાના?’

‘એક ઓરેન્જ જ્યુસ પણ તો હતો!!!!’ મેનેજર મર્માળુ હસતાં બોલ્યો.. એટલે નિશીથ સમજી ગયો અને વોલેટ ખિસ્સામાં મૂકી ત્યાંથી ચાલતો થયો. મિષ્ટી પણ નિશીથને પોતાને સાથે આવેલો જોઈ પાછું વળીને જોવા લાગી અને પરિસ્થિતિ પામી ગઈ. નિશીથ આજે ફરી એક વાર મિષ્ટી આગળ બુદ્ધુ સાબિત થયો હતો.. બુદ્ધુરામ.... ખડખડાટ હસી પડી એ.... મીઠી ઘંટડી જેવું એનું હાસ્ય નિશીથના હંમેશાં શાંત રહેતા અને ઘડી પહેલાં છોભીલા પડેલા દિલને ઝંકૃત કરી ગયું..

હવે બંને જણ ઓફિસમાં પહોચી ચૂક્યા હતા. સિન્હા સાહેબ ઓફિસે આવ્યા નહોતા.. કોઈ ફંકશન એટેન્ડ કરવા ગયા હતા.. બપોર પછી આવવાના હતા પણ એમની જગ્યાએ એમનો ફોન આવ્યો. એમણે સીધો નિશીથને ફોન કર્યો હતો..

‘વેલકમ નિશીથ... સોરી.. નિશીથ.. ઈટ’ઝ યોર ફર્સ્ટ ડે એટ ઓફીસ એન્ડ આઈ એમ નોટ અવેલેબલ ધેર.’

‘ઈટ’ઝ ઓ કે સર... એન્ડ થેંક યુ વેરી મચ. મારા પપ્પા પણ મારી જોડે મુંબઈ આવ્યા છે. એ તમને મળવા ઓફિસે આવવાના હતા.. સારું થયું નહિ તો એમને ધક્કો પડત.’

‘અને તે મને જણાવ્યું એ પણ સારું થયું.. હું ડ્રાઈવરને જણાવી દઈશ કે એ કાલે પણ તમને પીક અપ કરવા આવશે.. બાય ધ વે.. મેં એટલે ફોન કર્યો હતો કે વોટર પ્યુરીફાયર કંપનીના માર્કેટિંગ ડાઈરેક્ટર આજે આપણી ઓફિસમાં આવવાના છે. હું તો નહિ પહોચી શકું.. તમે મિષ્ટી ને બંને થઈને સંભાળી લેજો’

‘ઓ કે સર’ કહી નિશીથે ફોન મૂક્યો... હજુ આ કામનો કોઈ પ્રકારનો અનુભવ નથી અને સિન્હા સાહેબે આ મોટી જવાબદારી સોપી દીધી. પોતે કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરશે એ વિષે એ થોડી વાર સુધી વિચારતો રહ્યો.. થોડી વારમાં મિષ્ટી એની કેબીનમાં પ્રવેશી તો નિશીથે સિન્હા સાહેબ જોડે થયેલ વાત અંગે જણાવ્યું.. હમણાં થોડી વાર પહેલાં એ મિષ્ટી આગળ બબૂચક સાબિત થયેલો એટલે એની જોડે વાત કરતા થોડી દ્વિધા અનુભવતો હતો...

‘અરે કઈ વાંધો નહી... તમે ચિંતા નાં કરો.. તમારી જોડે વાત કર્યા પછી સરનો મારા પણ ફોન હતો.. વિ વિલ મેનેજ ઈટ..’ કહી મિષ્ટીએ નિશીથને સધિયારો આપ્યો.. નિશીથને થોડી રાહત થઇ પણ મીટીંગમાં પોતાના રોલ અંગે નિશીથ હજુ પણ અસમંજસમાં હતો..

લગભગ ચાર વાગવાનો સમય થયો.. દેશની મશહૂર વોટર પ્યુરીફાયર કંપનીના માર્કેટિંગ ડાઈરેક્ટર હાથી સાહેબ આવી પહોચ્યા.. મિષ્ટીએ એમનો નિશીથ સાથે પરિચય કરાવ્યો અને એ પણ જણાવ્યું કે આજે નિશીથનો ઓફિસમાં પહેલો દિવસ છે. થોડી આડીઅવળી વાતો થઇ પછી હાથી સાહેબ મૂળ મુદ્દાની વાત પર આવ્યા.

નિશીથના મનમાં અચાનક એક આઈડિયા ઝબકયો. તેણે હાથી સાહેબને કહ્યું..

‘સર એક વાત તો તમે જાણતા જ હશો... એવું કહેવાય છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો એ પાણી માટે હશે’

‘હા.. સાચી વાત છે... મેં પણ સાંભળ્યું છે’

‘પણ હું માનું છું કે એ દેશ દેશ વચ્ચે નહિ હોય પણ અમીરો અને ગરીબો વચ્ચેની લડાઈ હશે.... અને પાણી હોવા અને ના હોવા માટે નહિ પણ શુદ્ધ પીવા લાયક પાણી માટે હશે’

હાથી સાહેબને લાગ્યું કે વાત એમના ઇન્ટરેસ્ટની થઇ રહી છે.. એમને આગળ જાણવાની તાલાવેલી લાગી.

‘એ કેવી રીતે?’

‘સર, પાણીના પ્રદુષણને લીધે પીવા લાયક શુદ્ધ પાણી મળવું મુશ્કેલ થઇ રહ્યું છે. જે લોકો શુદ્ધ પાણી કાજે R O સિસ્ટમ જેવા ઉપકરણો ખરીદી શકશે એ શુદ્ધ પાણી પ્રાપ્ત કરી શકશે અને જે લોકો તે નહિ ખરીદી શકે તેમને પાણીજન્ય રોગોથી પીડાવું પડશે.. આ સમસ્યાના ઉકેલ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓએ અત્યારથી જ કંઈક વિચારવું જોઈએ’

‘બિલકુલ સાચી વાત છે તમારી... ‘

‘થેંક યુ સર... માફ કરજો થોડીક મજાક કરું છું પણ આ સમસ્યાનો આછડતો ઉલ્લેખ વિશ્વંભરી સ્તુતિમાં પણ છે’

‘એ કઈ રીતે?’ હાથી સાહેબની સાથે સાથે મિષ્ટી પણ ચોંકી ગઈ... કેમ કે બંને એ ઘણી વાર વિશ્વંભરી સ્તુતિ સાંભળેલી હતી.

‘તમે વિશ્વંભરી સ્તુતિમાં સાંભળ્યું જ હશે કે “આ રંકને ઉગરવા નથી કોઈ R O... “ એટલે કે ગરીબો પાસે પ્રદુષિત પાણી પીવાથી થતા રોગોથી બચવા માટે કોઈ R O નહિ હોય’ આ સમસ્યા બહુ જટિલ છે અને એનાથી બચવા માટે સંનિષ્ટ પ્રયત્નો થવા ખૂબ જ જરૂરી છે’

હાથી સાહેબ અને મિષ્ટીએ નિશીથના વિચારને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો..નિશીથે જાણે પહેલાં જ બોલે સિક્સર મારી હતી.

‘જબરદસ્ત... એકદમ જક્કાસ્સ..’ હાથી સાહેબ નિશીથને ભેટી પડ્યા..’મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે અમારી પ્રોડક્ટ માટે જોરદાર એડ બનાવી શકશો.... ચાલો તો હું હવે રજા લઉં... તમે ત્રણ ચાર આઈડીયાઝ સાથે નેક્સ્ટ વીક મારી ઓફિસમાં આવી જજો.. આપણે બહુ જલ્દી ઓર્ડર ફાઈનલ કરી દઈશું..’

હાથી સાહેબના ગયા પછી મિષ્ટી નિશીથ તરફ ધસી આવી.. ભેટી જ પડત પણ પછી સ્થળ અને સમય અને ખાસ કરીને હજુ નિશીથ જોડેના પરિચયને પણ ઝાઝો સમય નહોતો થયો એટલે તેણે નિશીથના બંને હાથ પોતાના હાથમાં લઇ અત્યંત ભાવપૂર્વક કહ્યું..

‘યુ હેવ ડન ઈટ... યુ હેવ ડન ઈટ... કોન્ગ્રેટસ નિશીથ... અરરર.. નીષ્ટિ...’

‘થેન્ક્સ પણ હું તો બુદ્ધુરામ છું ને? સાવ બબૂચક...’

‘હા એ તો છે જ... પણ બ્રિલીયંટ બબૂચક.. યુ રીયલી ડીસર્વ ઓલ ધીસ નિશીથ’

એ દરમ્યાન ત્રિનાદ પણ ત્યાં આવી પહોચ્યો અને મિટિંગની વાત સાંભળી નિશીથને અભિનંદન આપ્યા... એ પણ બોલી ઊઠ્યો...

‘વાહ સર, આગાઝ ઇતના જબરદસ્ત હૈ તો આગે આગે ક્યા હોગા?!!!, કોન્ગ્રેટ્સ નિષ્ટિભાઈ’

પહેલા જ દિવસથી ઓફિસમાં નવું નામ પ્રસ્થાપિત થઇ રહ્યું હતું અને કામમાં સફળતાના દ્વાર પણ ખૂલી રહ્યા હતા.. કામની વાતો પૂર્ણ થઇ ગયા પછી મિષ્ટીએ ઓફીસના બધા જ લોકો જોડે નિશીથનો પરિચય કરાવ્યો... નિશીથ હવે ખૂબ ખુશ હતો. એ મનોમન ભગવાનનો પાડ માની રહ્યો હતો. સારી શરૂઆત માટે અત્યંત જરૂરી બ્રેક થ્રુ મળવો એ એને કોઈ ચમત્કારથી જરાય ઓછું નહોતું લાગી રહ્યું. સાથે સાથે તે એ પણ જાણતો હતો કે સફળતા ટકાવી રાખવા માટે સટીક હોમવર્ક અને સખત મહેનત અત્યંત જરૂરી છે.

મિષ્ટીએ જણાવ્યું કે તે દરરોજ મુંબઈની લોકલ ટ્રેનમાં જ અપ ડાઉન કરે છે.. તેણે લોકલ ટ્રેનનો ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવેલ છે... આજે ઘેર પરત ફરતાં નિશીથ માટે પણ પાસ કઢાવી આપશે. બંને જણા એક જ એરિયામાં રહેતા હતા એટલે જોડે જ અપ ડાઉન કરશે એ વાતથી નિશીથને પણ સારું લાગ્યું કે એડ ક્રીએશન માટે નવા નવા આઇડીયાસ ઓફિસમાં બેઠા બેઠા વિચારવા કરતાં રસ્તે હાલતાં ચાલતાં વધુ સારી રીતે આવે અને એમાંય ક્રિએટીવ ટીમના બે મહત્વના સહકર્મીઓ ઓફીસના સમય સિવાય જોડે સમય પસાર કરશે એ ખરેખર ફળદાયી નીવડશે.

મિષ્ટી અને નિશીથ ઓફિસમાંથી વહેલા બહાર નીકળી ગયા.... રેલ્વે સ્ટેશને પહોંચી નિશીથનો પાસ કઢાવવાની વિધિ પણ પતાવી દીધી... બંને જણા બોરીવલી તરફ જતી લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચઢ્યા.. ભીડ તો ખાસ નહોતી પણ બંનેને બેસવા માટે સીટ પણ નહોતી મળી. નજીકની સીટ પર બેઠેલ દંપતી વાતો કરી રહ્યું હતું...

એમની વાતો સાંભળીને નિશીથ મર્માળુ હસ્યો....

ક્રમશ:.......