નિષ્ટિ - ૨ - ઇન્ટરવ્યુ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૨ - ઇન્ટરવ્યુ

નિષ્ટિ

૨. ઇન્ટરવ્યુ ૧

ઘરમાં ભરેલા અગ્નિ જેવું વાતાવરણ હતું. અમદાવાદના આંગણે પ્રતિષ્ઠિત કંપનીમાં સારા પગારની નોકરી હોવા છતાં નિશીથ મુંબઈની એડ એજન્સીમાં સ્ક્રીપ્ટ રાઇટરની જોબ માટે ઇન્ટરવ્યુ આપવા જવાની તૈયારી કરી રહ્યો હતો. ઘરના બધા સભ્યો એટલે કે નિશીથના મમ્મી પપ્પા અને કાકા કાકી સમજાવી સમજાવીને થાક્યા તો પણ નિશીથ ટસ નો મસ થતો નહોતો. નિશીથ યેન કેન પ્રકારેણ આ ઇન્ટરવ્યુ આપવા માટે મક્કમ. અંતે ઘરના સભ્યોએ .હતો હથિયાર હેઠાં મૂકીને કમને નિશીથની ઇચ્છા પર મ્હોર મારી દીધી.

નિશીથ મહેતા...... ગૌરવર્ણનો લાંબી કાઠીનો જોતાં જ ગમી જાય એવો યુવાન... એવો શરમાળ અને ઓછા બોલો કે એની આસપાસ રહેતા લોકો અને ઘણાખરા સગાં સંબંધીઓએ ક્યારેય એનો અવાજ સાંભળ્યો નહોતો. તો નિશીથની સેન્સ ઓફ હ્યુમરથી પરિચિત લોકો જ્યારે નિશીથ આસપાસ હોય ત્યારે પોતાના કાન સરવા રાખતા હતા કે જેથી નિશીથની અણધારી હ્યુમરસ કૉમેન્ટ સાંભળવાથી વંચિત ના રહી જવાય. સાલસ સ્વભાવનો નિશીથ ક્યારેય પોતાની આ આવડતનો ઉપયોગ કોઈને આંજી દેવા માટે નહોતો કરતો. એ તો બસ પોતાની મસ્તીમાં મસ્ત રહેતો. કોઈ પૂછે તો જ ટૂંકમાં પ્રત્યુત્તર આપવાની ટેવના લીધે ઘણા લોકો એને સહદેવ પણ કહેતા.

અને થોડા દિવસો પહેલાં એણે છાપામાં મુંબઈની પ્રતિષ્ઠિત ઍડ અજન્સીની સ્ક્રિપ્ટ રાઈટર માટેની જાહેરાત જોઈ ઇ-મેઇલ દ્વારા પોતાની અરજી મોકલી દીધી અને એના આશ્ચર્ય વચ્ચે એને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં પણ આવ્યો. સૂચિત પોસ્ટ માટેની કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાતના અભાવે નિશીથ આ જોબ મળવા અંગે આશ્વસ્ત નહોતો અને છતાંય તે આ ઇન્ટરવ્યુનો સામનો કરવા બેતાબ હતો. સ્ક્રિપ્ટ રાઈટરની જોબ માટે જરુરી ટેકનિકલ જ્ઞાનના અભાવે ઇન્ટરવ્યુમાં કેવા પ્રશ્નોનો સામનો કરવો પડશે એનો પણ નિશીથને અંદાજ નહોતો. ઓછા બોલા સ્વભાવને કારણે એ આમ પણ ઇન્ટરવ્યુ માટે થોડો નર્વસ હતો.

ઇન્ટરવ્યુ માટે સમયસર મુંબઈ પહોચવા માટે સવારની કર્ણાવતી ટ્રેનમાં જવું જરૂરી હતું પણ એને એકદમ યાદ આવ્યું કે દિવસભર કંપનીમાં કામની વ્યસ્તતાના કારણે એ ટીકીટ બુક કરાવવાનું તો ભૂલી જ ગયો હતો. ઓફીસના એક મિત્રને પૂછ્યું તો જાણવા મળ્યું રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઉપડવાના અડધા પોણા કલાક પહેલા કરંટ રિઝર્વેશન વિન્ડો પરથી પણ રીઝર્વ ટીકીટ મળી શકે છે. ‘ચાલો.. હવે સવારે ચાન્સ લઇ જોઇશ પછી જે થાય તે ખરું’ એમ વિચારી સવારનું સાડા ત્રણનું એલાર્મ મૂકી એક ઓળખીતા રીક્ષા વાળા ભાઈને સવા ચાર વાગ્યે પિક અપ કરવા માટે ફોન પર જણાવીને સુઈ ગયો....

સવારે ચાર વાગ્યે કરંટ રિઝર્વેશન વિન્ડો પર..

“સર, એક મુંબઈ કે જાને લિયે એ.સી. ચેર કાર કા કન્ફર્મ ટીકીટ અવેલેબલ હૈ ક્યા ?”

“સોરી, એક ભી ટીકીટ અવેલેબલ નહિ હૈ”

“ઓહ... શીટ... હવે શું કરીશ?”

“સેકંડ સીટીંગમાં ઘણી સીટો ખાલી છે. કહેતા હો તો આપી દઉં.”

“સારું આપી દો ત્યારે....આમેય બહુ ગરમી nathi એટલે વાંધો નહિ આવે”

ટીકીટ લઈને નિશીથ સીધો નિર્ધારિત પ્લેટફોર્મ પર પહોચ્યો અને જોયું તો કર્ણાવતી ઓલરેડી પ્લેટફોર્મ પર ઊભી જ હતી. પ્લેટફોર્મ પરના સ્ટોલ પરથી પાણીની બોટલ અને એક મેગેઝીન લઈને તે ટ્રેનના ડબ્બામાં ચઢી પોતાની સીટ પર ગોઠવાયો. ટ્રેન ઉપાડવામાં હજુ ઘણી વાર હતી એટલે એના સિવાય માંડ ચાર પાંચ જણા જ ડબ્બામાં બેઠા હતા. નિશીથની આજુબાજુની બધી સીટો ખાલી હતી. તેણે વિચાર્યું લાવ નીચે જઈને ચાર્ટલિસ્ટમાં જોઈ આવું. આમેય સમય પસાર કરવાનો હતો. ચાર્ટમાં જોયું તો એની આસપાસની સીટોના મોટા ભાગના મુસાફરો સીનીઅર સિટીઝન્સ હતા. ‘ચાલો... આજે સત્સંગ સફર થઇ જાય’ એમ બબડીને થોડી વાર પ્લેટફોર્મ પર લટાર મારીને એ પાછો પોતાની સીટ પર ગોઠવાયો. હવે સીટો ભરાવા માંડી હતી અને ટ્રેન ઉપડવાનો સમય પણ થવા આવ્યો હતો. ‘સત્સંગ મંડળે’ પણ સ્થાન ગ્રહણ કરી લીધું હતું. ટ્રેન હવે સ્ટેશન છોડી ચૂકી હતી.

રાત્રે મળેલી અપર્યાપ્ત ઊંઘના લીધે નિશીથે બે ચાર કલાકની ઊંઘ ખેચી લેવાનું મુનાસીબ માન્યું અને થોડી વારમાં ઊંઘ આવી પણ ગઈ.

“ગરમા ગરમ ચાય..... ચાય... ચાય.... ચાય”

બરોડા સ્ટેશન પર પહોચતાં ફેરિયાઓના અવાજથી નિશીથની ઊંઘમાં ખલેલ પડતાં તે જાગી ગયો. આમ તો લોકો ઊંઘ ઉડાડવા માટે ચા પીતા હોય છે પણ આજે નિશીથ ચા પીતો ના હોવા છતાં ચાએ નિશીથ માટે પોતાનો ધર્મ બજાવ્યો હતો.. ચા ના ફેરિયાના અવાજ થકી એની ઊંઘ ઉડાડીને......

. ચા... કોફી... બટાટાવડા... સમોસા.. ભેલ... ચણા જોર ગરમ.... ભરૂચની ખારી સિંગ..... ઈડલી... સેન્ડવીચ.... અને હા... આ બધાની વચ્ચે કર્ણાવતી સ્પેશિઅલ કટલેટ તો ખરી જ... જેમ જેમ ટ્રેન આગળ વધતી ગઈ તેમ તેમ ફેરિયાઓની આવન જાવન એમના દ્વારા વેચાતી વસ્તુઓ બદલાવ સહિત ચાલુ રહી...

દરમ્યાન સત્સંગ મંડળમાં એક પછી એક ભજનની રમઝટ ચાલુ હતી. મેગેઝીન વાંચતા વાંચતા નીશીથના કાને એના પ્રિય ગીત ના સૂરો અથડાયા.

“નજરકે સામને.... જિગરકે પાસ......કોઈ રહેતા હૈ વો હો તુમ.....”

આહ... શું મજાનું ગીત છે.... આશિકીના આ ગીત સહીતના અન્ય ગીતોએ નિશીથને ગીતોના શોખ તરફ વાળ્યો હતો... ગીત સત્સંગ મંડળમાં સાથે આવેલી કોઈ વીસેક વર્ષની છોકરી ગાઈ રહી હતી... ખૂબ સુંદર અવાજ હતો.. સિનીયર સત્સંગીઓનો ભજનોનો સ્ટોક ખતમ થઇ જવાથી એને આગ્રહ પૂર્વક કહેવામાં આવ્યું એટલે તે ગાઈ રહી હતી. તેને જોઇને જ લાગતું હતું કે તેને ભજનમાં ખાસ રસ નહિ હોય... જેવું એણે આશિકીનું આ બેનમૂન ગીત છેડ્યું એટલે તરત જ બધા મંડી પડ્યા...

“અરે.. આ શું ગાય છે... બંધ કર... આ તો કંઈ ભજન કહેવાતું હશે? આ તો પ્રેમલા પ્રેમલીનું ગીત છે.”

“પણ મને તો આવું જ આવડે છે.. હું તો ભગવાનને નજરમાં રાખીને ગાઉં છું.”

“એમાં કયાંય ભગવાનનું નામ આવે છે?”

“ના.. એ સાચું.....તો ભગવાનનું નામ આવે એવું ગીત ગાઉં?”

“હા.. એ ચાલશે... થવા દે તું તારે..’

પછી એ છોકરી થોડી વાર વિચારી ને ગાવા લાગી.

“રામ રામા.. રામા રામા...”

“રામ રામા.. રામા રામા...” વૃંદે ઝીલ્યું...

હવે નિશીથને તો રાગ પરથી ખ્યાલ આવી ગયો એટલે એ મનોમન હસવા લાગ્યો... “ભજન” આગળ ચાલ્યું...

“રામ રામા.. રામા રામા...”

“રામ રામા.. રામા રામા...”

“કહાં ગિર ગયા ઢ‌ૂંઢો સજન... બટન મેરી કુર્તી કા....”

નિશીથને લાગ્યું કે હવે તો આવી જ બન્યું..... એટલામાં એક સદગૃહસ્થ વચ્ચે થી બોલી ઊઠ્યા..

“શાબાશ.... ઘણા વખત પછી કંઈક નવું સાંભળવા મળ્યું... શું શબ્દો છે?. મારા સત્સંગી મિત્રો, આ ભજનમાં ભક્ત કવિ કહેવા માંગે છે કે... ‘હે ભગવાન, હે મારા રામ... તું કેવી કમાલ કરે છે? આપણું આ શરીર... આ ખોળિયું... એક એવી કુર્તી છે..... એક એવું પહેરણ છે.... જેને કોઈ બટનની જરૂર નથી....મારી વાત જો ખોટી લાગતી હોય તો હે સજ્જન માણસો (સજનનું સજ્જન થઇ ગયું)... જો શરીર રૂપી ઝભલાને કોઈ બટન હોય તો તો એ ક્યાં પડી ગયું છે મારા વાલીડાવ.... એ મને ગોતી દ્યો”

ભક્તોનું ટોળું ભાવ વિભોર થઈને સત્સંગનું રસપાન કરી રહ્યું છે.. દરમ્યાન નિશીથની ઓફિસમાંથી ફોન આવે છે. એના સહકર્મચારીનો ફોન હતો કોઈ કામ અંગે..... ફોન પર વાત પતાવ્યા પછી નિશીથ વિચારે છે કે તેની વર્તમાન નોકરીમાં પણ તેને કોઈ ખાસ તકલીફ નથી... ઓફિસમાં બધા લોકો જોડે સારું ગોઠી ગયું છે... તેના કામથી મેનેજમેન્ટ પણ ખુશ છે. કારીગરોનો તો તે સૌથી માનીતો સાહેબ છે.... એકંદરે ખાસ કોઈ તકલીફ તો નથી જ.... પણ કિએટીવ રાઈટીંગ માટેનો ગાંડો શોખ એને અહી ખેચી રહ્યો છે....

એટલામાં આગળના ડબ્બામાં બે સપાટ પત્થરોને આંગળીઓમાં ભેરવીને એકબીજા સાથે અફાળીને તેનાથી રેલાતા મનમોહક સંગીત સાથે એક છોકરો તીણા અવાજમાં ગાતો ગાતો નિશીથના ડબ્બા તરફ આવી રહ્યો છે..

“પરદેશી... પરદેશી... જાના નહિ.....મુઝે છોડકે.....મુઝે છોડકે...”

એ જેમ જેમ નિશીથની નજીક આવે છે તેમ તેમ નિશીથ એની ગાયકી પ્રત્યે આકર્ષતો જાય છે....

“ભૂલ ના જાના........આ..આ.... ભૂલ ના જાના........આ..આ.... ભૂલ નાં જાના........હો ઓ ઓ ઓ ઓ ઓ...”

તે નિશીથની સીટની એકદમ નજીક આવી જાય છે.. નિશીથને પલભર માટે એવું લાગે છે કે આ ગવાઈ રહેલું ગીત એની કારકિર્દીમાં સંભવતઃ આવી રહેલા પરિવર્તનનો સંકેત તો નથી આપી રહ્યુંને... એનો હાથ અનાયસે જ શર્ટના ખિસ્સામાં સરકી જાય છે અને એ હસતા ચહેરે એ ગીત ગાતા છોકરાને દસ રૂપિયાની નોટ આપે છે.

ડબ્બામાં હવે ચહલ પહલ ચાલુ થાય છે. બધા પોત પોતાનો સામાન અંકે કરીને દરવાજા તરફ પ્રયાણ કરવા લાગે છે. હજુ તો વિરાર હમણાં પસાર થયું છે... પહેલું સ્ટેશન બોરિવલી આવવાને ઘણી વાર છે.. પણ આપણા લોકોની અધીરાઈ દુનિયામાં બેજોડ છે.. એમ વિચારી નીશિથ મનોમન હસી રહયો છે..

હવે જેના વિષે જાણી જોઇને વિચારવાનું ટાળ્યું હતું એ ઇન્ટરવ્યુનો સમય નજીક આવતો જાય છે.. પણ એ વિષે વધુ વિચારીને નિશીથ પોતાના ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ઉભું કરવા નથી માગતો.. બોરીવલી સ્ટેશન આવી ગયું છે.. મોટાભાગના મુસાફરોની જેમ નિશીથની કર્ણાવતીમાં સફર અહી પૂર્ણ થાય છે. ટ્રેન સમયસર આવી ગઈ હોવાથી હજુ નિશીથ પાસે બે કલાકનો સમય છે... તે ટીકીટબારીએ જઈ લોકલ ટ્રેનની ટીકીટ લઇ ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનમાં બેસી જાય છે. બપોરનો સમય હોવાથી લોકલ ટ્રેનમાં ખાસ ભીડ નથી એ સારું છે નહિ તો બહરથી આવતા લોકો માટે આ સમયે મુંબઈની લોકલ ટ્રેનમાં ચડવું એ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળ્યાનો આનંદ અપાવી શકે છે.

અંધેરી સ્ટેશને ઉતરી નિશીથ જે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવાનો છે તેની ઓફિસનો નંબર લગાવી ત્યાં કઈ રીતે પહોચવું તે અંગેની પૃચ્છા કરી લે છે. સ્ટેશનની બહાર નિકળીને તે ઓફિસે પહોચવા માટે રીક્ષા પકડે છે. છેવટે તે તેના ગંતવ્ય સ્થાન પર પહોચી જાય છે.

“સોપાન એડ એજન્સીસ” નામ વાંચીને હાશકારો થાય છે... હૃદય એક ક્ષણ માટે થંભી જાય છે... પહેલી વાર પોતાની ડ્રીમ જોબ માટે ઇન્ટરવ્યુનો સામનો થોડી જ વારમાં કરવાનો છે. ‘જયારે આ દરવાજામાંથી બહાર નિકળીશ ત્યારે મારા અહી થી આગળના ભવિષ્યનો લેખ લખાઈ ચુક્યો હશે.’ આમ વિચારી એક ઊંડો શ્વાસ લઇ તે ઓફીસના રિસેપ્શન કોરિડોરમાં પ્રવેશે છે.

“હેલ્લો.. મેડમ.. માય નેઈમ ઈઝ નિશીથ મેહતા... આઈ એમ હીયર ફોર એન ઇન્ટરવ્યુ ફોર પોસ્ટ ઓફ સ્ક્રીપ્ટ રાઇટર”

“ઓ.કે.... અહી સોફા પર બેસો.. હું તમારો મેસેજ સર સુધી પહોચાડી દઉં છું.” અ રિસ્પોન્સ વિથ પ્લાસ્ટિક સ્માઈલ...

નિશીથ સોફા પર સ્થાન જમાવે છે.... ત્યાં ટીપોય પર પડેલ ૨૫૦ મિલીની મિનરલ વોટરની બોટલ્સમાંથી એક બોટલ ઉઠાવી પાણી સીપ કરતાં કરતાં ઓફિસનું અવલોકન કરે છે. ‘વાહ.. શું ઓફીસ બનાવી છે.... મજા આવી જાય આવી જગ્યાએ જોબ મળી જાય તો... જોઈએ શું થાય છે તે....’ એમ વિચારતો વિચારતો નિશીથ મેગેઝીન સ્ટેન્ડ પરથી એક મેગેઝીન ઉપાડી તેનાં પાનાં ઉથલાવી સમય પસાર કરવાનો પ્રયત્ન કરે છે.

મેગેઝીનનાં પાનાં ફેરવતાં ફેરવતાં એ નજર ઉઠાવે છે તો શું જુએ છે? ફલોરલ ટોપ અને બ્લેક જીન્સમાં સજ્જ એક મીણનું પૂતળુ એની તરફ આવી રહ્યું છે. નીલા સાગર જેવી આંખોવાળી એ યુવતી રીસેપ્શનીસ્ટને પૂછે છે.

“હું ઇસ મિ. નિશીથ મેહતા... સર ઈઝ કોલિંગ હીમ ઇન”

રીસેપ્શનીસ્ટ સોફા પર બેઠેલા નિશીથ તરફ ઈશારો કરે છે... મીણનું પૂતળુ નિશીથ તરફ જોઇને સ્માઈલ ફેંકે છે.. નિશીથ પણ સામે અભારવશ પ્રતિ સ્માઈલ આપે છે. પણ એ યુવતીના સ્માઈલના જાદુથી નિશીથની દશા એવી થાય છે કે જેને એ ક્ષણાર્ધ પૂર્વે મીણનું પૂતળુ કહી રહ્યો હતો.... તેના દિવ્ય સ્માઈલ થકી એ ખુદ મીણની જેમ જાણે પીગળી રહ્યો છે....

રીસેપ્શનીસ્ટ પાસેથી સીએમડી ની કેબીનના લોકેશનની જાણકારી મેળવી નિશીથ એ તરફ ડગ માંડે છે.......

ક્રમશ: ....