નિષ્ટિ - ૧૦ - fairwell party Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૧૦ - fairwell party

નિષ્ટિ

10. ફેરવેલ પાર્ટી

નિશીથ આજે રોજ કરતા કંઇક અલગ ઉત્સાહથી ઓફિસે આવ્યો હતો. એક તરફ કંપની છોડીને જવા માટેની નિરાશા હતી તો બીજી તરફ જિંદગીની નવી સફરની શરૂઆતનો જોશ પણ. સૌથી પહેલાં તો એણે રાજેશને મળી થોડી મસલત કરી લીધી. પછી પોતાની જગ્યાએ જી કોમ્પુટર ચાલુ કર્યું.... એને થયું કે એણે ગઈકાલે પોતાનું પર્સનલ મેઈલ એકાઉન્ટ તો ચેક જ નહોતું કર્યું. તેણે ફટાફટ પર્સનલ એકાઉન્ટ ખોલ્યું તો ખુશીથી જુમી ઊઠ્યો...

‘Now it’s official!!!!!!!’ કહી એણે હવામાં મુક્કો ઉછાળ્યો... એણે સૌ પ્રથમ ઘરે ફોન કરી મમ્મી પપ્પાના ઓફીશીયલ આશીર્વાદ લઇ લીધા.. તેના પપ્પાએ પણ રાજીનામું આપવા માટેની સલાહ આપી.

ઓફીસમાં તની આજુબાજુ બેસતા લોકોને પણ કંઇક થયાનો એહસાસ આવી ગયો. લેડીઝ સ્ટાફ મેમ્બર્સે રાજેશને પૂછ્યું તો તેણે જણાવ્યું કે ‘હું નહોતો કહેતો કે બીગ પાર્ટી ઈઝ વેઇટિંગ ફોર યુ.. તો એ સમય હવે આવી ગયો છે’ તેણે બધાને નિશીથની નવી જોબ વિષે આછો અંદાજ આપી દીધો.

એટલામાં કંપનીના ડાઈરેક્ટર શ્રોફ સાહેબનો પ્રવેશ થયો. તેમણે જોય કે ત્રિવેદી એની ખુરશીમાં બેઠો બેઠો ઝોકાં ખાતો હતો. રાજેશે એને હળવે રહીને જગાડ્યો. સામે શ્રોફ સાહેબને ઉભેલા જોઇને એ થોડો ક્ષોભ અનુભવી રહ્યો. પણ શ્રોફ્ફ સાહેબ આજે કંઇક વધુ જ હળવા મૂડમાં હતા....

‘એક તો late આતે હો..... ઔર આતે હી લેટ જાતે હો????’ એમ કહીને એ હસી પડ્યા... પછી હસીને બોલ્યા... ‘જો ઊંઘ પૂરી થઇ હોય તો હવે કામે વળગો.... છેલ છોભીલા ગુજરાતી!!!!!’

શ્રોફ સાહેબની ઉપરાઉપરી બે સિક્સરથી ઓફિસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. રાજેશે હળવા રહીને નિશીથને આંખ મિચકારી....

‘નીશીથભાઇ આજે સાહેબ જબરદસ્ત મૂડમાં છે.. આજે જ શ્રેષ્ઠ દિવસ છે. આમેય તમારા માટે તો કોઈને વાંધો હોય જ નહિ. પણ શું છે કે મૂડ સારો હોય તો જરા સરળતા રહે.’

નિશીથને પણ રાજેશની વાત બિલકુલ યોગ્ય લાગી. અને આમેય સ્ટાફમાં બધાને ખ્યાલ તો આવવા લાગ્યો જ હતો તો બીજું કોઈ કહે એ પહેલાં જાતે જ શ્રોફ સાહેબને વહેલી તકે જણાવે એ વધુ યોગ્ય હતું. તેણે લંચ પછી તરત જ સાહેબને જણાવવાનું નક્કી કર્યું અને પછી કામમાં મન પરોવ્યુ. લંચ સમયે જ અમુક સહકર્મીઓએ વાતનો ફોડ પડ્યા વગર નિશીથને અભિનંદન આપવાનું ચાલુ કરી દીધું. નિશીથ પણ કઈ બોલ્યા વગર શુભેચ્છાઓ સ્વીકારતો રહ્યો. હવે લંચ અવર ખતમ થઇ રહયૌ હતો. રાજેશે ફરી નિશીથને આજે જ કામ પતાવી દેવા ઈશારો કર્યો.

પોસ્ટ લંચ ફેઝ ચાલુ થઇ ગયો હતો. હવે નિશીથે શ્રોફસાહેબની કેબીનમાં જવાનું હતું. એ મનોમન કઈ રીતે રજૂઆત કરવી એ વિચારી રહ્યો હતો. એણે ટેન્શન એ વાતનું હતું કે શ્રોફ સાહેબની પ્રતિકિયા આકરી તો નહિ હોય ને? પણ હવે આજે નહિ તો કાલે એણે રાજીનામું to આપવાનું નક્કી કરી જ લીધું હતું એટલે કેવી રીતે વાત કરવી એ મનોમન ગોઠવી એણે શ્રોફ સાહેબની કેબીન તરફ ડગ માંડ્યા.

‘મે આઈ કમ ઇન સર...’

‘અરે આવ નિશીથ...આવ આવ... બેસ’ નિશીથ શ્રોફસાહેબની સામેની ખુરશીમાં બેઠો.

‘બોલ શું કામ હતું?’

‘સર કામ તો કંઈ ખાસ નહોતું.....’ નિશીથ કઈ રીતે શરુ કરવું એની મૂંઝવણમાં હતો.

‘બોલ બોલ નિશીથ.... જે કહેવું હોય એ કહે’

‘સર મારે કંપનીમાંથી રાજીનામું.........’ એટલું બોલી નિશીથે રેઝીગ્નેશન લેટર ધર્યો.

‘ઓહ..’ શ્રોફ સાહેબે ચશ્માં ચઢાવી લેટર વાંચ્યો.. ‘લખાણ તો સરસ છે તારું.... પણ કારણ ખૂબ જ નિરાશાજનક છે. શું ખોટ પડી ભાઇ અહિયાં?’

‘કંઈ નહિ સર... આઈ એક્ચ્યુઅલી લવ ધીસ જોબ એન્ડ ધીસ કંપની’

‘તો પછી વાંધો ક્યાં છે?’

‘વાંધો તો કંઈ જ નથી સર. પણ મને પહેલાથી જ એડવર્ટાઈઝીંગ ફિલ્ડમાં જવાનું મન હતું અને મને એમાં સરસ જોબ મળી રહી છે એટલે હું મારી જાતને રોકી શકતો નથી.’

‘કઈ કંપનીમાં જાય છે?’

‘સોપાન એડવર્ટાઈઝીંગ’ કહી નિશીથે એપોઇન્ટમેન્ટ લેટર ધર્યો...

નિશીથ કોઈ કોમ્પિટિટરના ત્યાં નથી જઈ રહ્યો એ જાણીને શ્રોફ સાહેબને હાશ થઇ પણ નિશીથ જે ધગશ થી કામ કરે છે એવી ધગશ વાળો એમ્પ્લોયી મળવો એમને એકદમ અશક્ય લાગતું હતું.. લેટરમાં નિશીથને ઓફર કરવામાં આવી રહેલ પોઝીશન અને પગાર જોઇને તેમને લાગ્યું કે હવે એને રોકવાનું કોઈ રીતે શક્ય નથી.

‘ઓ કે નિશીથ... ઇટ ઈઝ હાર્ડ ટુ એસેપ્ટ ધીસ. બટ આઈ એમ નોટ હિયર ટુ ક્રશ યોર કેરિયર... કોન્ગ્રેચ્યુલેશન્સ...’ કહી શ્રોફ સાહેબે નિશીથને હાથ મિલાવી અભિનંદન આપ્યા.

‘થેંક યુ વેરી મચ સર’ કહી નિશીથ શ્રોફ સાહેબને પગે પડ્યો. શ્રોફ સાહેબે નિશીથને ઊભો કરીને એનો ખભો થાબડ્યો.

‘ખુબ આગળ વધ અને પ્રગતિ કર. કોઈ પણ જાતની ચિંતા કરતો નહિ. કંઈ પણ તકલીફ હોય તો તારા માટે કંપનીના દરવાજા હંમેશાં માટે ખુલ્લા જ છે. મુંબઈથી જયારે જયારે અમદાવાદ આવે ત્યારે ઓફિસની વિઝીટ કરતો રહેજે. ઘણા લોકો અહીંથી જોબ છોડીને ગયા છે પણ મારા માટે તું એ બધાથી અલગ છે’

‘થેંક યું સર’ નિશીથ હવે એકદમ હળવાશ અનુભવી રહ્યો હતો,,,

‘અને હા... મહેતા સાહેબ જોડે બેસીને જોબ હેન્ડ ઓવર કરવા માટે ચર્ચા કરી લેજે’

‘ઓ કે સર..’

શ્રોફ સાહેબે રાજીનામા પર સિગ્નેચર કરી નિશીથને આપીને કહ્યું..’તારું રાજીનામું હું સ્વીકારી લઉં છું. આ એકાઉન્ટસ ડીપાર્ટમેન્ટમાં આપી દેજે અને તારે જે એક્સ્પીરીયન્સ લેટર ને બીજા જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ જોઈતા હોય એ તૈયાર કરાવીને મારી સહી કરાવી લેજે.’

‘થેન્ક્સ અ લોટ સર’ કહી નિશીથ કેબિનમાંથી બહાર નીકળી ગયો... હવે એકાઉન્ટસ ડીપાર્ટમેન્ટમાં રાજીનામું આપી દીધા પછી ધીરે ધીરે ઓફીસના કારીગરો સહીત બધાને ખબર પડી ગઈ કે નિશીથભાઇને ખૂબ સરસ જોબ મળી છે અને તે હવે ઓફિસમાં થોડા દિવસો માટે જ છે. તેહી બધા જ વ્યક્તિગત રીતે નિશીથને મળી અભિનંદન આપવા સહીત ઓફિસમાં એની સાથેના સુખદ સંસ્મરણો વાગોળવા લાગ્યા.

બીજા દિવસે રૂટીન કાર્ય જોયા પછી નિશીથ મહેતા સાહેબને મળી આવ્યો. તેના મત મુજબ મનોજ હવે પોઝીટીવ એટીટ્યુડથી કામ કરે છે એટલે ખાસ વાંધો નહિ આવે.

‘જેમ બને એમ જલ્દી ન્યૂઝપેપરમાં એડ આપી દેવામાં આવે અને અઠવાડિયામાં નવ વ્યક્તિની ભરતી કરવામાં આવે તો હજુ હું એક મહિના સુધી ઉપલબ્ધ છું ‘

‘નિશીથભાઈ, તમે ખરેખર એકદમ સકારાત્મક વ્યક્તિત્વ ધરાવો છો. બીજું કોઈ હોય તો આટલું ના વિચારે. મને વિશ્વાસ છે કે તમે કોઈ વ્યક્તિ ને તમારા ગયા પછી તેમારી ગેરહાજરીના લીધે તકલીફ પડે એવું અધૂરું કંઈ નહિ છોડો’

‘ચોક્કસ મહેતા સાહેબ’

‘તમે જેટલા દિવસ અહી છો એટલા દિવસ મનોજને જોડે રહીને કામ કરજો એટલે સરળતા રહે’

‘સાચી વાત છે.. આમેય છેલ્લા થોડા દિવસથી અમે તમારા કહેવા મુજબ જોડે જ રહીને કામ કરીએ છીએ. ભલે હેતુ બીજું હતો.... પણ મનોજે સુંદર સાથ આપ્યો છે અને એના ઉપરના વિશ્વાસને લીધે જ હું પૂરો આશ્વસ્ત છું.’

‘વેરી ગૂડ’

‘મારૂ બીજું એક મંતવ્ય છે જો તમને યોગ્ય લાગે તો’

‘બોલોને નિશીથભાઈ.... તમારા આગવા વિચારો માટે અમને સૌને માન છે.’

‘મનોજ બેઝીકલી ખૂબ જ ટેલેન્ટેડ વ્યક્તિ છે. અંગત કારણોસર થોડોક ડિસ્ટર્બ છે એટલું જ. પણ હવે અમારી વચ્ચે દરરોજ થતી રહેતી ચર્ચાઓથી એનામાં ઘણું પરિવર્તન આવ્યું છે. અને ખરું કહું તો મને પણ એનામાંથી ઘણું શીખવા મળ્યું છે.’

‘હાઉ નાઈસ ઓફ યું.. નિશીથ...’

‘હા.. તો મનોજના આસીસ્ટન્ટને અપ ગ્રેડ કરવામાં આવે અને મેઈન્ટેનન્સ ડીપાર્ટમેન્ટમાં પણ થોડા ઓછા એક્સીપીરીયન્સ વાળા વ્યક્તિને નિમણુક આપવામાં આવે તો સારું રહેશે’

‘પછી મનોજનું શું કરવાનું?’

‘મનોજને સર્વિસ કમ મેઈન્ટેનન્સ હેડ બનાવી દો. આઈ એમ સ્યોર હી વિલ ડુ હીઝ જોબ એક્સેલન્ટલી...’

‘વાઉ.. યુ આર રીયલ અ જેમ નિશીથ. ગ્રેટ આઈડિયા...’

‘થેંક યુ સર.’

‘તમે તમારા જવાથી તમારા ડીપાર્ટમેન્ટ પૂરતું તો નિરાકરણ આપી દીધું પણ તમે તમારા યુનિક વિચારોથી કંપનીને જે રીતે મદદરૂપ થાઓ છો એ ખોટ તો કદી પણ પુરાશે નહિ.’

‘એવું કંઈ નથી હોતું. એક જણ જગ્યા ખાલી કરે તો વધુ સારું થવાની શક્યતાઓ સાથે ખાલી જગ્યા ભરાતી હોય છે. સતત બદલાતી દુનિયા અને એને અનુરૂપ થવા માટે થઈને સતત બદલાતું રહેતું જીવન એની જાતે જ સમસ્યાઓનો ઉકેલ લઇ આવે છે. આપણે તો નિમિત્ત માત્ર હોઈએ છીએ.’

‘ખૂબ જ ઊંચા વિચારો છે તમારા. તમે અલગ જ રીતે લખેલ રાજીનામાંપત્રની પણ કંપનીમાં ચર્ચાઓ છે. અને તમને જે ઓફર મળી છે એ તો ખરેખર જબરદસ્ત છે. તમારી નવી કંપનીના એમ. ડી. સાચે જ એક હીરાપારખુ માણસ લાગે છે.’

‘સાચી વાત છે તમારી. અને.... થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ..’

નિશીથને પોતાના દિવસો ખરેખર અચાનક જ બદલાઈ ગયા હોય એવો અહેસાસ થાય છે. પણ સાથે સાથે એ એમ પણ મને છે કે આ કોઈ જાદુઈ છડી ગુમાવવાથી નથી થયું પણ એ સારપ, નિષ્ઠા અને ધૈર્યનું પરિણામ છે.

સાંજના સમયે મનોજ નિશીથને મળવા આવે છે.

‘નિશીથભાઇ, મહેતા સાહેબને મુજે બુલાયા થા. ઉન્હોને સારી બાત કહી. થેન્ક્સ ફોર યોર ગ્રેટ હેલ્પ ઇન બુસ્ટીંગ માય કેરીઅર.’ મનોજે ખૂબ જ ઉમળકાભેર નિશીથ જોડે હાથ મિલાવ્યા.

‘આઈ હેવ ડન નથીંગ સ્પેશીયલ. યુ ગોટ ધેટ યુ ડિઝર્વ.’

‘નહિ નહિ... નિશિથ... યે તો તુમ્હારા બડપ્પન હૈ. યે જીવનભરકા એહસાન રહેગા મુજ પર આપકા’

એટલામાં રાજેશ આવી ચડ્યો... ‘નિશીથભાઈ.... ચલો અમે બધા તો તમને અભિનંદન આપી આપીને થાકી ગયા. તમે પાર્ટી ક્યારે આપો છો?’

‘બહુ જ જલ્દી’

‘સારું... સારું... પછી આપણે પાર્ટીનો પ્રોગ્રામ બનાવીએ.... અત્યારે તો આ આઈસ્ક્રીમ ખાઓ.. ‘

‘શાનો આઈસ્ક્રીમ? કોની પાર્ટી છે?’

‘તમારા માનમાં મારા તરફથી.... નાની સરખી પાર્ટી’

‘ઓહ રાજેશ આની જરૂર નહોતી....’ નિશીથે આઈસ્ક્રીમ ખાતાં ખાતાં કહ્યું.

‘જુઓ આમ તો હું નાનો માણસ છું એટલે બહુ ખુશ થઇ જાઉં તો પણ બધાને બહુ બહુ તો ટી પાર્ટી આપી શકું. એટલે હું જો આઈસ્ક્રીમ પાર્ટી આપીને તમારી ખુશી મનાવી શકતો હોઉં તો તમારે સમજવાનું છે કે તમારે કેવી પાર્ટી આપવાની છે....’

‘ચોક્કસ.....’

‘તો ક્યાંનું ગોઠવીએ?’

‘તું કહે...’

‘ના આમાં તો તમારી જ પસંદ ચાલશે...’

નિશીથે દેશ વિદેશમાં જાણીતા ટ્રેડીશનલ થીમ પર આધારિત રેસ્ટોરાં પર પસંદગી ઉતારી. નિશીથે રાજેશને રેસ્ટોરાંમાં રૂબરૂ જઈ મેનુ અને ચાર્જીસ વિષે વિગતે જાણી લાવવા કહ્યું..

‘બધું થઇ જાશે.. ચિંતા ના કરો તમે..’

‘ચિંતાની કોઈ વાત જ નથી... કેટલા રૂપિયા સાથે રાખવા એની ખબર પડે એટલે’

‘ઓ કે... ઓ કે....’

બે દિવસ પછી ઓફિસમાં ફરીથી આઈસ્ક્રીમ પાર્ટી થઇ.. આ વખતે મનોજ યજમાન હતો... જેમ જેમ દિવસો પસાર થતા હતા.. નિશીથને એહસાસ થતો હતો કે તે શું ગુમાવીને જઈ રહ્યો હતો....

હવે ઓફિસમાં નિશીથની ડ્યુટીના બે જ દિવસ બાકી રહ્યા હતા... આજે સાંજે ગ્રાન્ડ પાર્ટી હતી... ઓફીસમાં કામ કરતાં પાર્ટીની વાતોનું જોર વધારે હતું... સ્ટાફના બધા થઈને ત્રીસેક જણ પાર્ટીમાં આવશે એવી નિશીથની ગણતરી હતી. રાજેશે નિશીથને જણાવી દીધું કે શ્રોફસાહેબની ઈચ્છા છે કે નિશીથ એના મમ્મી પપ્પાને પાર્ટીમાં લેતો આવે. નિશીથને પણ એ બિલકુલ યોગ્ય લાગ્યું.

આખરે સાંજ પડી ગઈ અને દિવસભર થયેલી વાતો હકીકતમાં તબદીલ થઇ ગઈ.... પાર્ટીના ઉત્સાહના લીધે મોટા ભાગના લોકો સમયસર હાજર થઇ ગયા... નિશીથના આશ્ચર્ય વચ્ચે બધા પરિવાર સહીત આવી રહ્યા હતા.. અમુક તો કંપનીના એમ્પ્લોયી નહોતા પણ અવાર નવાર આવતા રહેતા એવા લોકો પણ નીશીથે જોયા. એને લાગ્યું કે રાજેશે પોતાની રીતે આ લોકોને આમંત્રણ આપ્યું હશે કેમકે આ અંગે એણે બધું રાજેશ પર છોડી દીધું હતું અને પછી એ વિષે ચર્ચા જ નહોતી કરી. ‘કંઈ વાંધો નહિ... એક યાદગાર પાર્ટી થઈને રહેશે આજે’ વિચારી નિશીથ બધાને વ્યક્તિગત મળીને આવકારવા લાગ્યો. એટલામાં શ્રોફ સાહેબ પણ સહ પરિવાર આવી પહોચ્યા.. નિશીથે શ્રોફ દંપતિના ચરણ સ્પર્શ કર્યા પછી એના મમ્મી પપ્પાનો પરિચય કરાવ્યો..

‘ખૂબ હોનહાર છોકરો છે તમારો.. તમે ખૂબ નસીબદાર છો આવો પુત્રરત્ન પામીને’

‘સાચી વાત છે તમારી.. ભગવાનની મરજી અને એની મહેનત અને ધગશનું પરિણામ છે.’

‘તમારા સીંચેલા સંસ્કારોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે’

‘અને સદનસીબે તમારા જેવા કેળવાયેલા અને સફળતમ સાહેબોનું માર્ગદર્શન પણ મળ્યું એને’

નિશીથને પોતાના વખાણ સંભાળવા ઓછા પસંદ હતા એટલે એ ત્યાંથી ધીમે રહીને સરકી ગયો.

ગામઠી પહેરવેશમાં સજ્જ વેઈટરો અહીતહી ઘૂમતા મહેમાનોનું વેલકમ જ્યુસથી સ્વાગત કરી રહ્યા હતા.. ઠંડકભર્યા વાતાવરણમાં ધીમે અવાજે ગુંજતું હળવું સંગીત પાર્ટીની રંગતમાં વધારો કરી રહ્યું હતું. બધા પોતાની પસંદ પ્રમાણે હજ્માહાજમ, શિકંજી અને પાઈનેપલ જ્યુસની મજા માણી રહ્યા હતા. ક્યાંક કઠપૂતળીનો ખેલ ચાલી રહ્યો હતો.. તો ક્યાંક કલાકાર રાવણહથ્થો વગાડી બધાને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો.. તો ક્યાંક લોક નૃત્યોની ઝલક પણ જોવા મળી રહી હતી. ઠેરઠેર સ્થાપિત કરવામાં આવેલ બેનમુન કલાકૃતિઓ પણ વિલેજ થીમને અસરકારક બનાવી રહી હતી... પાર્ટી ધીમે ધીમે રંગત લાવી રહી હતી. વિશાલ જગ્યામાં પથરાયેલી રજવાડી ઠાઠની રેસ્ટોરાંની લટાર મારી આવ્યા પછી બધાએ લીલીછમ લોનથી આચ્છાદિત મધ્યભાગમાં મુકેલા ખાટલાઓ પર સ્થાન જમાવ્યું... વાદ્ય સંગીતની જગ્યાએ હવે લોકગીતોની રમઝટ ચાલુ થઇ... વેલકમ જ્યુસ હજુ પણ વિતરિત થઇ રહ્યો હતો.. થોડી વાર પછી મેનેજરે આવીને ખુબ જ આદર પૂર્વક બધાને ભોજન કક્ષ ભણી પ્રસ્થાન કરવા આમંત્રણ આપ્યું...

આહા... શું ભોજનકક્ષ હતું... જાણે સદીઓ પહેલાંના સમયચક્રમાં પ્રવેશ કર્યો હોય એવો બધાને અહેસાસ થયો.. બેસવા માટે અને થાળી મુકવા માટે આરામથી જામી શકાય એ રીતે ડીઝાઈન કરેલ પાટલા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા. બધાએ પોતને અનુકુળ રીતે સ્થાન ગ્રહણ કર્યું..

હવે ભોજન પીરસવાનું શરુ થયું... ગરમાગરમ બાજરી.. મકાઈના રોટલા,, ભાખરી.. રોટલી...પુરણપોળી.. થેપલા.. તરેહ તરેહનાં શાક, જાત જાતના અથાણાં... ચટણી,... ગાજર ટામેટા.. બીટ .. ડુંગળી... કાકડી.. કોબીજનું કચુંબર.. હાંડવો.. મુઠીયા.. ખમણ, ખાંડવી.. વાહ.... પુરણપોળી.. રસઝરતી જલેબી... બાસુંદી.. ગુલાબજાંબુ.. આહા હા.. કઢી.. ખીચડી... દાળ .. ભાત અને આ ઉપરાંત મીઠી છાશ... દૂધ.. પાપડ.. માખણ... દહીં.. ઘી.. ગોળ તો ખરા જ.. મજા આવી ગઈ બધાને... ત્રિવેદી માટે તો આ ઉત્તમોત્તમ ભોજન હતું... સૌથી વધુ મજા એણે જ માણી. બધું પ્રેમથી ઝાપટી લીધા પછી હવે આઈસ્ક્રીમનો વારો હતો.. જેમાં પણ ચાર પાંચ ઓપ્શન્સ ઉપલબ્ધ હતાં... આઈસ્ક્રીમની મજા માણ્યા પછી મુખસને ન્યાય આપી બધા ફરીથી લોનમાં રાખેલા ખાટલાઓમાં આવી ગોઠવાયા. હવે ગુજરાતી લોકગીતોની સુરાવલી શરુ થઇ જે પછી ગરબામાં તબદીલ થઇ અને બધા એક પછી એક ગરબે ઘુમવા લાગ્યા અને છેલ્લે મન મૂકીને ડાન્સ કર્યો.

મ્યુઝીક બંધ થયા પછી બધા એકીજાને મળીને છૂટા પડવા માંડ્યા એટલે નિશીથે રાજેશને એક તરફ બોલાવીને પેમેન્ટ કરવા અંગે પૂછ્યું..

‘અરે એ તો ક્યારનું ય થઇ ગયું છે.. તમે ચિંતા ના કરો.’

‘સારું તો એ તો કહે કેટલા રૂપિયા થયા?’ એમ કહી નિશીથ પેન્ટના પાછળના ખિસ્સામાં રાખેલ પાકીટ કાઢી રૂપિયા કાઢવા લાગ્યો..

‘અરે મેં કહ્યુંને કે પેમેન્ટ થઇ ગયું છે.. તમે ચિંતા ના કરો’

‘હા પણ પાર્ટી મારા તરફથી છે તો મારે પૈસા આપવા તો પડે ને?

‘ના.. તમારે નથી આપવાના..’

‘મારે નથી આપવાના? તો શું આ પાર્ટી મારા તરફથી નથી?’

‘ના’

‘તો કોના તરફથી છે?’

‘શ્રોફ સાહેબ તરફથી..’

‘શું વાત કરે છે!!!!!! એવું થોડું ચાલે?’

‘ચાલી જ ગયું ને!!!’

‘તો પછી મને શું કામ પૂછ્યા કરતો હતો બધું?’

‘શ્રોફ સાહેબે કીધેલું.. કેમ કે એ તમારી ઈચ્છા મુજબની પાર્ટી આપવા માગતા હતા.. એમણે ક્યારનું ય આ કામ મને સોપેલું હતું.. કેવી લાગી પાર્ટી’

‘કંઈ ના પૂછ મને.. મારી પાસે કોઈ શબ્દો જ નથી..’

નિશીથ શ્રોફ્સાહેબ પાસે જઈ એમનો આભાર માનવા લાગ્યો.. એની પાસે શબ્દો જ નહોતા.... નિશીથના મમ્મી પપ્પાને પણ આ વાતની ખબર પડતાં તેઓ પણ શ્રોફ સાહેબને બે હાથ જોડી આભાર પ્રદર્શિત કરવા લાગ્યા..... નિ:શબ્દ બનીને......

ક્રમશ:...